કાશ્મીર ફાઇલ્સમાં પણ જાહેર નહીં થયેલું સત્ય શું છે?

૧૯૯૦ પછી કાશ્મીરમાં ત્રાસવાદ મોટા પાયે શરૂ થઈ ગયો. તો ઘણા ત્રાસવાદી મરાયા હશે. શું કૉંગ્રેસ એ ત્રાસવાદીઓને નિર્દોષ મુસ્લિમોમાં ગણે છે?

    26-Mar-2022   
કુલ દૃશ્યો |

Kashmiri Pandits truth
 
 
કેરળ કૉંગ્રેસે કહ્યું કે કાશ્મીરી પંડિતો કરતાં કાશ્મીરી મુસ્લિમો વધુ મરાયા હતા. કૉંગ્રેસ સમર્થકો કહે છે કે આ બધું તો જગમોહને કર્યું અને ૧૯૯૦ પહેલાં તો ત્યાં ખૂબ જ ભાઈચારો હતો. સત્ય શું છે? જે વિદેશી સંગઠનનો હેતુ કાશ્મીરને સ્વતંત્ર કરાવવાનો છે તેના સહ અધ્યક્ષા સોનિયા ગાંધી છે?
 
કાશ્મીરી ફાઇલ્સમાં સત્ય બહાર આવતાં લોકો હચમચી ગયા છે અને વિપક્ષો- ખાસ તો કૉંગ્રેસ હતપ્રભ થઈ ગઈ છે. વ્યાકુળ પણ બની ગઈ છે. કેરળ કૉંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પરથી નવ ટ્વીટ કરાયાં અને તેમાં કહેવાયું કે ૧૯૯૦થી ૨૦૦૭ દરમિયાન ૩૯૯ કાશ્મીરી પંડિતો મર્યા જ્યારે મુસ્લિમો ૧૫,૦૦૦ મર્યા, પણ અહીં ચાલાકી શું કરી ?
 
ચાલાકી એ કરી કે સમયગાળો બદલી નાખ્યો. કાશ્મીરી ફાઇલ્સમાં ૧૯૯૦ની વાત કરાઈ છે પણ કૉંગ્રેસે ૧૯૯૦થી ૨૦૦૭નો સમયગાળો કરી નાખ્યો. એટલે કે ૧૭ વર્ષ જોડી દીધાં! આંકડાશાસ્ત્રીઓ આવી જ રીતે પોતાને અનુકૂળ ચિત્ર ઊભું કરી દેતા હોય છે. પરંતુ કૉંગ્રેસ એ ભૂલી ગઈ કે માનો કે એક વર્ષ નહીં, સત્તર વર્ષ લઈએ તો પણ આ સત્તર વર્ષમાં ૧૯૯૦થી ૧૯૯૧- ચંદ્રશેખરને ટેકો આપીને કૉંગ્રેસે સરકાર બનાવી હતી તે સાત મહિના, ૧૯૯૧થી ૧૯૯૬ - નરસિંહરાવની કૉંગ્રેસ સરકારનાં પાંચ વર્ષ, ૧૯૯૬થી ૯૮માં ત્રીજા મોરચાને બહારથી ટેકો આપીને કૉંગ્રેસની સરકાર હતી તે બે વર્ષ ગણો, અને ૨૦૦૪થી ૨૦૦૭- કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારનાં ત્રણ વર્ષ - તો આ સત્તર વર્ષમાંથી દસ વર્ષ અને સાત મહિના તો કૉંગ્રેસ કે કૉંગ્રેસના સમર્થનવાળી સરકાર જ હતી, તો માનો કે ૧૫,૦૦૦ મુસ્લિમોનાં મૃત્યુ થયાં તો તેના માટે જવાબદાર તો કૉંગ્રેસ સરકાર જ ગણાય ને ?
 
બીજું કે ૧૫,૦૦૦ મુસ્લિમો મર્યા છે કે નહીં એ વિવાદાસ્પદ છે પણ માનો કે ૧૫,૦૦૦ મુસ્લિમો મર્યા તો શું તેમને કાશ્મીરી પંડિતોની જેમ બર્બરતાપૂર્વક માર્યા ? તેમના ઘર બહાર પૉસ્ટર લગાવાયાં હતાં ? કોઈ ઉપાસનાસ્થાનમાંથી તેમને ચેતવણી અપાઈ હતી? રસ્તે જતાં તેમની બહેન-દીકરીઓની છેડતી થતી હતી? તેમના પર બળાત્કાર થયા હતા? બળાત્કાર પછી પણ તેમના મૃતદેહને કરવતમાં વ્હેરી નખાયા હતા? તેમના મૃતદેહ ફરતે ડાન્સ કર્યો હતો? ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયો હતો? તેમનાં ઉપાસનાસ્થાનોને તોડી નખાયાં હતાં?
 
૧૯૯૦ પછી કાશ્મીરમાં ત્રાસવાદ મોટા પાયે શરૂ થઈ ગયો. તો ઘણા ત્રાસવાદી મરાયા હશે. શું કૉંગ્રેસ એ ત્રાસવાદીઓને નિર્દોષ મુસ્લિમોમાં ગણે છે?
 
કૉંગ્રેસે આક્ષેપ કર્યો કે તે સમયે જગમોહન રાજ્યપાલ હતા, પરંતુ ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના દિવસે તો તેમણે હજુ શપથ લીધા હતા. જગમોહન આરએસએસના એજન્ટ હતા તે વાત પણ ખોટી છે. જગમોહન ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીની નિકટ હતા. પહેલી વખત રાજ્યપાલ હતા ત્યારે ઇન્દિરાજીના કહેવાથી ફારુક અબ્દુલ્લાની સરકાર ઉથલાવવામાં જગમોહનનો સહયોગ હતો. કટોકટી વખતે દિલ્લીમાં ઝૂંપડાં ખાલી કરાવવા અને નસબંધીની જે ઝુંબેશ બળપૂર્વક ચાલી તેમાં પણ સંજય ગાંધી અને જગમોહનની ભૂમિકા હતી. તેમાં ભોગ બનનાર મુસ્લિમો પણ હતા.
 
વી. પી. સિંહની સરકાર બે ડિસેમ્બર ૧૯૮૯ના દિને બની હતી. તેના ૪૮ દિવસમાં જ બધો ઘટનાક્રમ બન્યો હતો. જ્યારે રાજ્યપાલ જગમોહન તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને ‘ચેતવણીના સંકેત’ (warning signals) શીર્ષક સાથે સત્તાવાર પત્રો ૧૯૮૮થી લખી રહ્યા હતા.
 
ઑગસ્ટ ૧૯૮૯ના દિને લખાયેલા પત્રમાં જગમોહને સ્પષ્ટ લખ્યું હતું કે કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે. ભાંગફોડ વધી ગઈ છે. સરહદ પારના ઓછાયા વધી રહ્યા છે. ઘાતક શસ્ત્રો અંદર આવી ગયાં છે. વધુ કદાચ રસ્તામાં હશે.
 
તો પણ રાજીવ ગાંધી હલ્યા કે ચાલ્યા નહીં ત્યારે એપ્રિલ ૧૯૮૯એ તેમણે બીજો સત્તાવાર પત્ર લખ્યો કે તાત્કાલિક પગલાં લો. તેમણે લખ્યું કે પરિસ્થિતિ બહુ ઝડપથી બગડી રહી છે. તે એવા પોઇન્ટે પહોંચી ગઈ છે જ્યાંથી પાછા વળવું અસંભવ છે. છેલ્લા પાંચ દિવસથી મોટા પાયે હિંસા, હડતાલ, આગજની, ગોળીબાર અને હત્યાઓ થઈ રહી છે. આઈરિશ કટોકટીને ટાંકીને બ્રિટનના વડા પ્રધાને કહ્યું હતું: It is potato one day and pope next day. કાશ્મીરમાં આવું જ છે. એક દિવસ મકબૂલ ભટ્ટના મુદ્દે તોફાન થાય છે અને બીજા દિવસે સેતાનિક વર્સિસના મુદ્દે. મુખ્ય પ્રધાન (ફારુક) એકાકી થઈ ગયા છે. સરકાર અને પ્રશાસન પડી ભાંગ્યાં છે. પરિસ્થિતિ સમયસર હસ્તક્ષેપ માગે છે. આજે જો હસ્તક્ષેપ કરશો તો સમયસર હશે, જો કાલે કરશો તો બહુ મોડું થઈ જશે.
 
અને બહુ મોડું થઈ જ ગયું
 
સૌ પ્રથમ તો જવાહરલાલ નહેરુ અને શેખ અબ્દુલ્લાની મૈત્રી જ નડી ગઈ. મહારાજા હરિસિંહ એટલે જ જમ્મુ-કાશ્મીર-લદ્દાખનો ભારતમાં વિલય થવા દેવા તૈયાર નહોતા. પાકિસ્તાને સ્વતંત્રતાના એક જ મહિનામાં કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે તેમના પાસે કોઈ વિકલ્પ નહોતો. પરંતુ તેવા સમયે પણ જે બેઠક મળી તેમાં નહેરુ આંતરરાષ્ટ્રીય રાજનીતિની વાત કરી સમય પસાર કરી રહ્યા હતા. સરદાર, સેનાના અધિકારી સામ માણેક શૉ વગેરે ઊંચાનીચા થઈ રહ્યા હતા. છેવટે સરદારે નહેરુની ઉપરવટ જઈ પૂછ્યું, તમે શેની રાહ જુઓ છો? પછી તેમણે નહેરુની સામે જોયું અને તે પછી સામ માણેક શૉ સામે જોઈને કહે, તમને તમારા આદેશ મળી ગયા છે. અને પછી સેના ઊપડી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બચી ગયું. પરંતુ તે અડધું કાશ્મીર બચ્યું. નહેરુ સંયુક્ત રાષ્ટોમાં ચાલ્યા ગયા અને અડધું કાશ્મીર પાકિસ્તાની સેનાના કબજામાં રહી ગયું.
 
તે પછી આખી કૉંગ્રેસ વિરોધમાં હોવા છતાં નહેરુએ કલમ ૩૭૦ લાગુ કરાવી દીધી. તેના વિરોધમાં ભારતીય જનસંઘે આંદોલન છેડી દીધું. જનસંઘના વડા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું શ્રીનગરની જેલમાં રહસ્યમય મૃત્યુ થયું. ત્યારથી સંઘની શાખાઓમાં રમત રમાડાય છે, કાશ્મીર કિસ કા હૈ, હમારા હૈ. સતત સ્મરણ કરાવાતું રહ્યું કે કાશ્મીર ભારતનું છે - આપણું છે.
નહેરુના કારણે બેફામ બનેલા શેખ કાશ્મીરને સ્વતંત્ર કરાવવાની હિલચાલ કરવા લાગ્યા. એટલે નહેરુએ તેમને કાશ્મીર કૉન્સ્પિરસી કેસમાં જેલમાં પૂરવા પડ્યા. તેના બધા પુરાવા પણ આઈ. બી.ના વડા બી. એન. મલિક પાસે હતા, પરંતુ જેલમાં બધી સુવિધાઓ મળતી હોવાથી, હજરત બાલ દરગાહમાંથી પવિત્ર વાળ ચોરાયો અને કાશ્મીરમાં તોફાન થયાં. શેખને જેલમાંથી છોડવાનું નહેરુને બહાનું મળી ગયું. આ તોફાન તો શેખ જ શાંત કરાવી શકે અને થયું એવું જ. તેઓ બહાર નીકળ્યા એટલે તોફાન શાંત થઈ ગયાં.
 
તે પછી નહેરુને લાગ્યું કે પાકિસ્તાન સાથે શાંતિ નહીં થાય ત્યાં સુધી કાશ્મીર શાંત નહીં થાય. આથી શેખને જવાબદારી સોંપી. શેખ હજ કરવાના બહાને ઇજિપ્ત ગયા. ત્યાં કાશ્મીરને સ્વતંત્ર કરાવવાની વાત કરી, પણ પ્રમુખ નાસીરે કોઠું ન આપ્યું. અલ્જીરિયામાં ચીનના વડા પ્રધાન ઝોઉ એન્લાઇને મળ્યા. પરંતુ ભારત પાછા ફર્યા ત્યારે નહેરુનું અવસાન થઈ ગયું હતું. લાલબહાદુર શાસ્ત્રીજી વડા પ્રધાન હતા. તેમણે શેખની ધરપકડ કરી. તે વખતે જો શાસ્ત્રીજી વડા પ્રધાન પદે ટકી ગયા હોત તો શેખનું ફીંડલું વળી જાત, પરંતુ પાકિસ્તાને યુદ્ધ છેડી દીધું. ભારત જીતી પણ ગયું પરંતુ સોવિયેત સંઘને ત્યાં તાશ્કંદ મંત્રણામાં સોવિયેત સંઘે મોટો ભા બનવા ભારતને પૂરો સાથ ન આપ્યો. શાસ્ત્રીનું રહસ્યમય મૃત્યુ થયું. તેના માટે તાશ્કંદ ફાઇલ્સ જોવી પડે.
 
૧૯૭૧માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું, પાકિસ્તાનના બે ટુકડા થઈ બાંગ્લાદેશ બન્યું. તે વખતે ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ હતું. કોઈ ચૂં કે ચાં કરી શકે તેમ નહોતું. કાશ્મીરમાં પણ શેખ અને તેમનો પક્ષ ફેંકાઈ ગયો હતો. કૉંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષની સરકાર હતી. પરંતુ પહેલી ભૂલ સિમલા સમજૂતીમાં કાશ્મીરનો પ્રશ્ર્ન યથાવત્ રાખીને કરાઈ. ભારત પાસે પાકિસ્તાનના ૯૦,૦૦૦ સૈનિકો અને ચોકીઓ હોવા છતાં ભારતનું નેતૃત્વ કયા દબાણમાં આવી ગયું તે સમજાતું નથી.
એ પછી બીજી મોટી ભૂલ ફેંકાઈ ગયેલા શેખ સાથે ઇન્દિરાજીએ સમજૂતી કરી. ભારતીય સંસદમાં તેમણે જાહેરાત કરી કે હવે શેખ બદલાઈ ગયા છે. સ્પષ્ટ બહુમતીવાળી કૉંગ્રેસની સરકારને આદેશ આપ્યો કે શેખને ટેકો આપો! અને તે પણ તેમને મુખ્ય પ્રધાન બનાવવા માટે. કેટલી લોકશાહી વિરુદ્ધની વાત ! શેખની સરકાર બની. તે પછી શેખ કૉંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોને તોડવા લાગ્યા. રાજ્યનું ઇસ્લામીકરણ થવા લાગ્યું. ગામોનાં નામ ઇસ્લામ મુજબ રખાવાં લાગ્યાં. ભાષા કાશ્મીરના બદલે ઉર્દૂ થવા લાગી. અલગાવવાદી પરિબળોને ઉત્તેજન મળવા લાગ્યું. સરકારી જમીનો પર મસ્જિદો બનવા લાગી. રઝાકરોની મદદથી બક્ષી ગુલામ મોહમ્મદની સરકારને ઉથલાવી દઈ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા શેખે કાવતરું ઘડ્યું હતું તેમ તે વખતે બી. એન. મલિકે માય યર્સ વિથ નહેરુ પુસ્તકમાં લખ્યું છે.
 
૧૯૫૭માં પાકિસ્તાનના પ્રમુખ ઇસ્કંદર મિર્ઝાએ ચૂપચાપ રીતે કાશ્મીર લિબરેશન ફ્રન્ટની રચનાને સમર્થન આપ્યું હતું, જે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરો મોકલતો હતો. ૧૯૭૦માં જ પાકિસ્તાન પ્રેરિત એક ત્રાસવાદી સંગઠન અલ ફતેહ રચાયું હતું.
 
બાંગ્લાદેશના મુદ્દે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થાય તે પહેલાં ૩૦ જાન્યુઆરી, ૧૯૭૧ના દિને કાશ્મીરમાંથી વિમાનના અપહરણનું ષડયંત્ર ઘડાયું. ૩૦ જાન્યુઆરી એટલે ગાંધીજીની પુણ્યતિથિનો દિવસ. ઇન્ડિયન ઍરલાઇન્સના ગંગા નામના વિમાનનું અપહરણ કરાયું હતું.
 
શેખ આવ્યા પછી શેર-બકરાનું રાજકારણ શરૂ થયું હતું. શેર એટલે શેખ અને બકરા એટલે વિરોધીઓ. જનતા પક્ષના કાર્યકર્તાઓને નિશાન બનાવવા લાગ્યા. (આજે પશ્ર્ચિમ બંગાળ અને કેરળમાં આવું જ થાય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ જીત્યો ન હોત તો ત્યાં પણ આવું થવાનું હતું. સપાના લોકોએ લિસ્ટ બનાવ્યું હોવાનું સાર્વજનિક રીતે કહ્યું હતું.)
 
શેખે પોતાની આત્મકથા આતશ-એ-ચિનારમાં કાશ્મીરી પંડિતોને ઇન્ટેલિજન્સ બ્યુરોના એજન્ટ ગણાવ્યા. આમ, કાશ્મીરી પંડિતો પ્રત્યેનો ધિક્કાર તો બહુ વર્ષોથી હતો. તેનાં બે કારણો હતાં: એક તેઓ હિન્દુ હતા અને બે. તેઓ દેશભક્ત હતા.
શેખે અલ ફતહના ૩૦ ખૂંખાર ત્રાસવાદીઓ સામેના કેસ પાછા ખેંચી લીધા. ૧૯૯૦માં જે થયું તેની પૂર્વભૂમિકા તો વર્ષોથી તૈયાર થઈ રહી હતી. ૧૯૭૧માં ભયંકર પછડાટ પછી પાકિસ્તાને - ખાસ તો જનરલ ઝિયા ઉલ હકે ઑપરેશન ટોપાક શરૂ કર્યું. સીધા યુદ્ધના બદલે ભારતના જ મુસ્લિમોને ભટકાવી, ત્રાસવાદી બનાવી તેમને ભારત સામે લડાવવા આવું શરૂ કર્યું. તે વખતે અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સંઘને કાઢવા અમેરિકા પાકિસ્તાનને મુજાહિદ્દીન તૈયાર કરવા માટે જંગી આર્થિક સહાય અને શસ્ત્રસહાય આપી રહ્યું હતું, જેમાંનો એક ભાગ કાશ્મીરમાં ત્રાસવાદીઓને તૈયાર કરવા પાકિસ્તાન આપવા લાગ્યું હતું.
 
૧૯૮૨માં શેખનું મૃત્યુ થયું. પરિવારવાદમાં તેમના દીકરા ફારુક મુખ્ય પ્રધાન બન્યા. ૧૯૮૩ની ચૂંટણી માટે ફારુકના વર્તનથી ઇન્દિરા ગાંધીનો અહં ઘવાયો. તેમણે ફારુકને સત્તાભ્રષ્ટ કરવાનું નક્કી કરી લીધું. આથી જગમોહનને રાજ્યપાલ તરીકે મોકલાયા.
 
સામે પક્ષે ફારુક અબ્દુલ્લા લંડનમાં ભણતા હતા ત્યારે જે. કે. એલ. એફ.ના ત્રાસવાદીઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. વળી, ૧૯૭૫માં ઇન્દિરાની કૃપાથી શેખ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એક સરઘસ નીકળ્યું હતું, જેમાં ફારુક અને જેકેએલએફના તેમના સાથીઓ જોડાયા હતા. તેમાં સૂત્ર બોલાયું હતું, ચ્યોં દેશ, મ્યોં દેશ, કશૂર દેશ, કશૂર દેશ અર્થાત્, તમારો અને મારો દેશ કાશ્મીર છે!
 
ફારુકે કાશ્મીરમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓને આશ્રય આપવા લાગ્યો. તેમના પ્રશિક્ષણ શિબિરો વિના રોકટોક ચાલતા. સમગ્ર દેશમાં કલમ ૩૫૬નો સૌથી વધુ દુરુપયોગ ઇન્દિરાજીએ કરેલો, પરંતુ જમ્મુ-કાશ્મીર-લદ્દાખમાં ફારુકના શાસન સામે તેનો ઉપયોગ કરવાની તેમની હિંમત ન થઈ. અહીં તો ખરેખર કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ વણસેલી નહોતી, દેશવિરોધી પ્રવૃત્તિ પણ થઈ રહી હતી.
 
૧૫ ઑગસ્ટ ૧૯૮૩ - સ્વતંત્રતા દિવસથી કાશ્મીરમાં બૉમ્બધડાકાનો ક્રમ ચાલુ થયો. પણ કોઈ પગલાં લેવાયાં નહીં. ભારત-વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચમાં તો ફારુક અબ્દુલ્લાની હાજરીમાં ભારતીય ક્રિકેટરો પર બોટલ, કાચ, પથ્થરો ફેંકાયા, પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરાયા, ભારતીય ક્રિકેટરોને ટોણા મરાયા! મહારાષ્ટ્રના ભીવંડીનાં રમખાણોનાં પગલે કાશ્મીરમાં પણ રમખાણો થયાં. બીએસએફનાં સાત વાહનો પર હુમલા કરાયા. ૭ જૂન ૧૯૮૪ના દિવસે હનુમાન મંદિર પર હુમલો થયો.
ઇન્દિરાજીની હત્યા થઈ. રાજીવ ગાંધીને અભૂતપૂર્વ બહુમતી મળી. પરંતુ તે સમયે વિશ્ર્વ સ્તરે સાઉદી અને ઈરાન વચ્ચે કોણ વધુ કટ્ટર તેની સ્પર્ધા ચાલી હતી. રાજીવ ગાંધી પણ બહુમતી છતાં કટ્ટરો સામે ઝૂકીને શાહબાનો કેસનો ચુકાદો કાયદા દ્વારા ઉલટાવી નાખ્યો, સેતાનિક વર્સીસ પુસ્તક સામે પ્રતિબંધ મૂકી દીધો. આ બધાંના કારણે કાશ્મીરમાં કટ્ટરવાદી મુસ્લિમોનો ઉત્સાહ અનેકગણો વધી ગયો. સરકારી ભરતીઓમાં અલગાવવાદી તત્ત્વોને જ લેવાવા લાગ્યાં.
 
કૉંગ્રેસના ચમચા બુદ્ધુજીવીઓ હવે એવું ચલાવે છે કે ૧૯૯૦ પહેલાં તો હિન્દુઓ શાંતિથી રહેતા હતા. ૧૯૯૦માં જ કેમ બધું થયું? તેઓ કાં તો ઇતિહાસ જાણતા નથી, કાં લોકોને જણાવવા દેવા માગતા નથી. સ્વતંત્રતા પહેલાં જ્યારે ૧૪મી સદીમાં મુસ્લિમ આક્રમણખોરો હુમલો કરવા લાગ્યા ત્યારથી કાશ્મીરી પંડિતોની, હિન્દુઓની, ખ્રિસ્તીઓ, મધ્યમમાર્ગી મુસ્લિમોની માઠી દશા બેઠી હતી. ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૬ના દિને અભૂતપૂર્વ સાંપ્રદાયિક રમખાણો શરૂ થયાં, તેમાં ૩૦૦ હિન્દુઓએ ઘર ગુમાવ્યાં. તે વખતે સરકારોએ અને મીડિયાએ તેને ઢાંકી દીધાં.
 
વિજય કે. સઝવાલ નામના કાશ્મીરી પંડિતે ન્યૂ યૉર્ક ટાઇમ્સ નામના અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા સમાચારપત્રને કાશ્મીરમાં હિન્દુ લઘુમતી સાથે કેવો ખરાબ વ્યવહાર થાય છે તે વિશે પત્ર લખ્યો તો તેના તંત્રી તરફથી શું જવાબ આવ્યો ખબર છે? યુ કેન નોટ બી સિરિયસ. આર યૂ ટેલિંગ અસ હિન્દુઝ આર સફરિંગ ઇન પ્રીડોમિનન્ટલી હિન્દુ ઇન્ડિયા? એટલે કે હિન્દુ બહુમતીવાળા દેશમાં હિન્દુઓ પર જ અત્યાચાર કેવી રીતે શક્ય છે?
 
રમખાણો થયાં એટલે છાલ બચાવવા કૉંગ્રેસે જી. એમ. શાહને ટેકો પાછો ખેંચી લીધો અને જી. એમ. શાહ ફારુક અબ્દુલ્લાના શરણે ચાલ્યા ગયા. પરંતુ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું. જગમોહનને ખુલ્લો દોર મળી ગયો. છ મહિના સુધી તેમણે કાશ્મીરમાં સારા અધિકારીને પુનઃસ્થાપિત કર્યા. પરંતુ ફારુકે વળી, શેખ જેવું કર્યું. અને રાજીવે ઇન્દિરા જેવું. ફારુક સાથે કૉંગ્રેસના આંતરિક વિરોધ છતાં સમજૂતી થઈ. ૧૯૮૭ની ચૂંટણી થઈ. સામે જમાત-એ-ઇસ્લામી, ઉમ્મત-એ-ઇસ્લામ, મહાઝ-એ-આઝાદી વગેરે કટ્ટરવાદી પક્ષોએ મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ રચ્યો હતો. મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ તો ફારુક-રાજીવ ગઠબંધનને કુરાનનું અપમાન ગણાવતાં અને સૂત્રો પોકારાવતાં, એસેમ્બલી મેં ક્યા ચલેગા? નિઝામ-એ-મુસ્તફા (વિધાનસભામાં શું ચાલશે ? કુરાનનો કાયદો !)
 
આ ફ્રન્ટના અલી શાહ ગિલાની કહેતા, સેક્યુલરિઝમ અને સમાજવાદ એ ઇસ્લામ વિરોધી છે. (સેક્યુલર અને સૉશિયાલિસ્ટ શબ્દને ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન સંસદની મંજૂરી વગર બંધારણમાં ઘુસાડ્યા છે.)
 
મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ હારી ગયો. તેમાં ચૂંટણી લડનારાઓ સૈયદ સલાહુદ્દીન અને યાસીન મલિક પછી ખૂંખાર ત્રાસવાદીઓ બની ગયા. આ યાસીન મલિકની તસવીરો ડાબેરી લેખિકા અરુંધતી રોય સાથે છે. તેને માનપૂર્વક ઇન્ડિયા ટુડે પરિષદમાં અને આપ કી અદાલત કાર્યક્રમમાં બોલાવાતો અને સોનિયાની પડદા પાછળની સરકારના વડા પ્રધાન મનમોહનસિંહ તેમને હસીને મળતા, તેમની સરભરા થતી.
 
રાજ્યમાં ઉત્તર ભારતના મૌલવીઓ અને ઈમામો કાશ્મીરની મસ્જિદોમાં આવવા લાગ્યા. ઝેરભર્યાં ભાષણો કરવા લાગ્યા. અનેક મુસ્લિમ યુવાનોને ઉત્તર ભારતમાં પ્રશિક્ષણ અપાવા લાગ્યું. ઘટના ક્યાંક બીજે થાય, પણ પ્રત્યાઘાતો પડે કાશ્મીરમાં ! પાકિસ્તાનના શસ્ત્રાગારમાં વિસ્ફોટ થયો, તેના પગલે કાશ્મીરમાં બસો સળગાવાઈ, તોડફોડ કરાઈ. પાકિસ્તાનના પ્રમુખ ઝિયા ઉલ હકનું ભેદી મૃત્યુ થયું તેનો બદલો કાશ્મીરમાં લેવાયો. ચાર દિવસ તોફાન ચાલ્યાં. શિયા મુસ્લિમો પણ તેનો ભોગ બન્યા. ત્રાસવાદીઓને એમ હતું કે શિયા મુસ્લિમો ઝિયાના મૃત્યુથી ખુશ છે.
 
અને ઉપર જણાવ્યું તેમ જગમોહને રાજીવ ગાંધીને બે પત્રો લખ્યા, ૧૦-૧૧ ઑક્ટોબર ૧૯૮૮ના દિને દિલ્લીમાં રાજ્યપાલોની પરિષદમાં પણ જગમોહને કાશ્મીરની પરિસ્થિતિ વર્ણવી પણ રાજીવ ગાંધી ઠંડા કલેજે બેઠા રહ્યા. કદાચ, તેમને સૌથી વધુ ચિંતા તેમની સામે થયેલા બૉફૉર્સ કૌભાંડ અને વી. પી. સિંહે અલગ મોરચો રચ્યો, તેને ભાજપ-સામ્યવાદીઓએ ટેકો આપ્યો, તેનાથી સત્તા જવાની હતી. પરંતુ જો તેમણે રાષ્ટ્રપતિશાસન લાદી દીધું હોત, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હોત તો તેમની સત્તા બચી ગઈ હોત અને કાશ્મીર પણ શાંત થઈ ગયું હોત. આ તરફ, પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો સત્તામાં આવ્યાં પરંતુ તેમણે પણ ત્રાસવાદને ભડકાવ્યો. રાજીવ ગાંધીએ જુલાઈ ૧૯૮૯માં જ્યારે રાજ્યપાલ તરીકે જગમોહનની મુદત પૂરી થઈ તો વધારી નહીં. જુલાઈ ૧૯૮૯થી જાન્યુઆરી ૧૯૯૦ સુધી જનરલ કે. વી. કૃષ્ણરાવ રાજ્યપાલ હતા.
 
હવે અહીં હિંસાનો નગ્ન નાચ શરૂ થઈ ગયો. ૧૩ જુલાઈ ૧૯૮૯ના દિને સીઆરપીએફની બસ પર હુમલો, ૨૦ જુલાઈ ૧૯૮૯ના દિને ખયામ સિનેમાના મહિલા શૌચાલયમાં બૉમ્બધડાકા, ૨૯ જુલાઈએ બુરખા વગર જઈ રહેલી બે મુસ્લિમ મહિલા પર ઍસિડ હુમલો, ૨૧ ઑગસ્ટે નેશનલ કૉન્ફરન્સના નેતા મોહમ્મ્દ યુસૂફ હલવાઈની પહેલી રાજકીય હત્યા, ૧૪ સપ્ટેમ્બરે ભાજપ નેતા ટિક્કુલાલ ટપલુની હત્યા થઈ. ત્યાંના સમાચારપત્રોમાં હિટ લિસ્ટ છપાવાં લાગ્યાં! લોકોને ખીણ છોડી જવા ધમકી અપાવા લાગી.
 
આ તરફ ૨૨ અને ૨૬ નવેમ્બરે થયેલી ચૂંટણીમાં વિપક્ષો વિજયી તો થયા પણ અંદર બહુ જ ઝઘડા હતા. ૨૮ નવેમ્બરે વડા પ્રધાન કોણ બનશે તે નેતા ચૂંટી કાઢવાના હતા પરંતુ ખેંચતાણના કારણે આ મુદ્દો ૧ ડિસેમ્બર સુધી લંબાઈ ગયો. બે ડિસેમ્બરે સરકાર બની. ૮ ડિસેમ્બરે તો કેન્દ્રીય ગૃહપ્રધાન મુફ્તિ મોહમ્મદ સૈયદની દીકરી રુબિકા સઈદનું અપહરણ થયું જેને છોડાવવા માટે ખૂંખાર ત્રાસવાદીઓને છોડી મૂકાયા. હવે ત્રાસવાદીઓ બેફામ બન્યા. બેંકો લૂંટાવા લાગી, પોલીસ, સૈનિકો અને પત્રકારોની હત્યા થવા લાગી. ૨૬ જાન્યુઆરી ૧૯૯૦ના દિને કાશ્મીરને સ્વતંત્ર કરવું તેવી યોજના જે. કે. એલ. એફ.એ બનાવી લીધી હતી. બીજી વાર જગમોહનને રાજ્યપાલ બનાવવાનું વી. પી. સિંહને સૂચવનાર મુફ્તિ મોહમ્મદ સઈદ જ હતા કારણકે તેમની જેમ જગમોહનને પણ ફારુક સાથે દુશ્મનાવટ હતી. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના દિને જગમોહને શપથ લીધા ત્યારે તેમની પાસે બે મોટાં કામ હતાં : કાશ્મીરને ભારતથી અલગ થતું બચાવવું અને કાશ્મીરી હિન્દુઓ સહિતની પ્રજાને ત્રાસવાદીઓથી બચાવવી. કાશ્મીરને ભારતથી અલગ થતાં બચાવવામાં તેમની પાસે અઠવાડિયાનો સમય હતો, પણ કાશ્મીરી હિન્દુઓને બચાવવાનો સમય નહોતો.
 
કાશ્મીરી ફાઇલ્સમાં જોયેલો પુષ્કરનાથના પરિવારનો કિસ્સો તો હિમશિલાની ટોચ જ છે. તેવા અનેક કિસ્સા છે. કાશ્મીરી પંડિત મહિલાઓ સાથે બળાત્કારો થયા, તેમના મૃતદેહના ટુકડા કરાયા, તેમની હત્યા કરાઈ તો કોઈ રિક્ષા કે ટેક્સીવાળો હૉસ્પિટલ કે ઘરે લઈ જવા તૈયાર ન થાય, હૉસ્પિટલમાં ફૉન કરે તો એમ્બ્યુલન્સ ન આવે, હૉસ્પિટલમાં સારવાર ન થાય. પાશવીપણાની બધી હદ વટાવી દીધી. દરમિયાનમાં ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના દિને રાજીવ ગાંધીની સલાહથી ફારુક અબ્દુલ્લાએ ત્યાગપત્ર આપી દીધો. એટલે રાજ્ય ત્રાસવાદીઓના હવાલે થઈ ગયું હતું.
 
કૉંગ્રેસ આ બધા દોષનો ટોપલો જગમોહન, તેમના આરએસએસ સાથેના સંબંધો, તે વખતે વી. પી. સિંહની સરકાર, તેને બહારથી ભાજપનો ટેકો વગેરેના માથે નાખવા માગે છે. પરંતુ સોનિયા ગાંધીની ભૂમિકા સામે પ્રશ્ર્નો ઊભા થયા છે. ટ્વિટર પર જેમની પ્રૉફાઇલ પરિચયમાં સંશોધનાત્મક પત્રકાર લખાયું છે અને જેની ફૅક્ટ ચેક વેબસાઇટ onlyfact.in છે તેવા વિજય પટેલે સનસનાટી રહસ્યસ્ફોટ કર્યા છે. તેમણે કોઈ આક્ષેપ નથી કર્યો પરંતુ કેટલીક હકીકતો જ સામે મૂકી છે. આ હકીકતોના તાંતણા જોડવાથી બહુ મોટો રહસ્યસ્ફોટ થાય તેમ છે. આ ટ્વિટ-થ્રેડમાં શું કહેવાયું તે જોઈએ.
 
આ ટ્વિટ-થ્રેડમાં શું કહેવાયું તે જોઈએ.... 
 
૧. રાજીવ ગાંધીની હત્યા ૨૧ મે ૧૯૯૧ના દિને થઈ. તેના એક જ મહિનામાં ૨૧ જૂન ૧૯૯૧ના દિને રાજીવ ગાંધી ફાઉન્ડેશન સંસ્થા સ્થપાઈ. બીજું કોઈ હોય તો શોકમાંથી બહાર જ ન આવે. (આ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને તે સમયે સરકારે આર્થિક ખરાબ સ્થિતિ હોવા છતાં નાણાપ્રધાન મનમોહનસિંહે તે સમયે રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા હતા! કોના બાપની દિવાળી! અને ૨૦૦૬માં તેને ચીન તરફથી પણ રૂ. ૧ કરોડ મળ્યા તેમ ભાજપે આક્ષેપ કર્યો હતો)
 
૨. ૧૯૯૩માં સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના કામ માટે અમેરિકાની મુલાકાત કરી હતી. આ જ વર્ષે ભારતવિરોધી મનાતા ઉદ્યોગપતિ જ્યૉર્જ સોરોસે ઑપન ફાઉન્ડેશન્સની સ્થાપના કરી હતી! રિડિફ ડૉટ કૉમના અહેવાલ મુજબ, તે વખતે સોનિયાએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સંદર્ભમાં એક બેઠક અમેરિકામાં યોજી હતી.
 
૩. ડિસેમ્બર ૧૯૯૪માં ધ ફૉરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઇન ધ એશિયા-પેસિફિક (એફડીએલ-એપી) સંગઠન શરૂ કરાયું હતું. આ સંગઠનનો હેતુ કાશ્મીરને ભારતથી અલગ કરવાનું હતું! આ સિવાય પણ તેના બીજા કેટલાક હેતુઓ હતા.
 
૪. આ ફૉરમનાં સહ પ્રમુખોમાંનાં એક છે સોનિયા ગાંધી ! રાજીવ ગાંધી ફાઉન્ડેશનનાં અધ્યક્ષાના પદના કારણે તેમનો આમાં સમાવેશ કરાયો હતો.
 
૫. એફડીએલ-એપીને દાન કોના તરફથી મળતું હતું ? ઑપન સોસાયટી ફાઉન્ડેશન (જ્યૉર્જ સોરોસ) તરફથી.
 
૬. ૧૯૯૯માં કંદહાર અપહરણકાંડ થયો. તે વખતે ઈંધણ માટે વિમાન યુએઇ ઊતર્યું હતું. વિમાનમથકમાં જવા અમેરિકાના રાજદૂતને તો પ્રવેશ અપાયો, પણ ભારતના રાજદૂતને અપાયો નહોતો. તે વખતે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન હતું અને સોવિયેત સંઘને અફઘાનિસ્તાનમાંથી હટાવવા અમેરિકા જ તાલિબાનોને પાકિસ્તાનની મદદથી શાસનમાં લાવ્યું હતું.
 
૭. તે વખતે અપહરણકર્તા ત્રાસવાદીઓએ ૩૬ ત્રાસવાદીઓને જેલમાંથી મુક્ત કરવા માગણી કરી હતી, પરંતુ ભારતના મક્કમ વલણ, અજિત દોભાલની ભૂમિકાના કારણે ૩૬માંથી આંકડો છેવટે ત્રણ થયો. જોકે આ દરમિયાન અત્યારે યુક્રેઇનની જેમ જ, મિડિયાએ અપહરણ કરાયેલાઓના પરિવારજનોએ રોતા બતાવી બતાવીને જનમત ત્રાસવાદીઓને છોડવા માટે ઊભો કરી દીધો. મસૂદ અઝહરને તો છોડવો પડ્યો. પરંતુ ૩૬ની યાદીમાં એક લતીફ નામના ત્રાસવાદીનું નામ પણ હતું. તેને ન છોડાયો.
 
૮. અમેરિકાની જાસૂસી સંસ્થા એફબીઆઈને મસૂદ અઝહરમાં ભેદી રસ હતો. ૧૯૯૫થી ૧૯૯૮ દરમિયાન તેણે જેલમાં બંધ મસૂદ અઝહરની અનેક વાર પૂછપરછ કરી હતી.
 
૯. પાકિસ્તાન પહોંચ્યા પછી મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ નામના ત્રાસવાદી સંગઠનો દ્વારા ભારતમાં અનેક ત્રાસવાદી હુમલાઓ કરાવ્યા. સંયુક્ત રાષ્ટો દ્વારા તેને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર ન કરવા દેવામાં ચીને પણ અનેક અડચણો ઊભી કરી હતી.
 
૧૦. વિજય પટેલ આગળ લખે છે કે જૂન ૨૦૦૧માં, સોનિયા ગાંધીએ અમેરિકાની પાંચ દિવસીય મુલાકાત કરી હતી. પરંતુ તે પહેલાં તેઓ યુકે અને આઇસલેન્ડ ગયાં હતાં. આ બંને દેશો કરચોરી માટે સ્વર્ગ છે.
 
૧૧. સોનિયા ગાંધી પાસે ન તો એનડીએ-૧ (અટલજીવાળી) સરકાર વખતે કોઈ એવું બંધારણીય પદ હતું, ન તો યુપીએ ૧ અને બે બંને સરકારો વખતે પણ હતું. તો પછી કોઈ વિદેશી મહાનુભાવોએ તેમની સાથે બેઠક કેમ કરવી જોઈએ? પરંતુ જૂન ૨૦૦૧માં તેઓ અમેરિકા ગયા ત્યારે ત્યાંની વિદેશી સંબંધોની પરિષદએ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી!
 
૧૨. આ અમેરિકી પરિષદ ત્યાંના રાજકારણમાં ઘણી શક્તિશાળી અને પ્રભાવશાળી ગણાય છે. તેમનો અમેરિકાના રાજકારણ પર ઘણો પ્રભાવ હોય છે.
 
૧૩. કૉંગ્રેસના કદાવર નેતા અને એક સમયે વિદેશ પ્રધાન રહી ચૂકેલા કે. નટવરસિંહ મુજબ, સોનિયા બહુ વિશેષ લોકોને મળવાનાં હતાં, પરંતુ તેમણે તેમનાં નામ જાહેર કર્યાં નહોતાં.
 
૧૪. તેના બરાબર થોડા મહિના પછી જૈશ-એ-મોહમ્મદે ભારતની સંસદ પર હુમલો કર્યો! સંયોગ કહો કે જે કહો તે, હુમલાના થોડા સમય પહેલાં સોનિયા ગાંધી સંસદભવન છોડી દઈ ક્યાંક જવા નીકળી ગયાં હતાં !
 
૧૫. માનવ અધિકાર કાર્યકર્તા (એક્ટિવિસ્ટ) હર્ષ મંદેર યુપીએ સરકાર વખતે બનાવાયેલી રાષ્ટ્રીય સલાહકારી સમિતિ (એનએસી)નાં સભ્યો હતાં. આ હર્ષ મંદેરે ૨૦૨૦માં સીએએ અને એનઆરસીને રદ કરવા સંસદ અને સર્વોચ્ચ ન્યાયાલય સામે લોહિયાળ (એટલે કે હિંસક-સશસ્ત્ર) ક્રાંતિ કરવા જાહેરમાં અપીલ કરી હતી!
 
૧૬. હ્યુમન રાઇટ્સ લૉ નેટવર્ક નામના એક માનવ અધિકારવાદી એનજીઓએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી હતી. હ્યુમન રાઇટ્સ લૉ નેટવર્ક અર્બન નક્સલો, કાશ્મીરથી લઈને પૂર્વોત્તર ભારતના અલગતાવાદીઓ સાથે હાથ મિલાવી કામ કરે છે. આનો અર્થ એ થયો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન પણ અર્બન નક્સલો-ભારતના અલગતાવાદીઓ સાથે કામ કરનારને પ્રોત્સાહન આપે છે.
 
૧૭. યુપીએ સરકારે ૨૦૧૦માં સદ્ભાવના ચેષ્ટા રૂપે પાકિસ્તાનના ૨૫ ત્રાસવાદીઓને જેલમાંથી છોડી મૂક્યા હતા! તે વખતે કંદહાર કાંડ જેવી કોઈ વિવશતા નહોતી. તે વખતે આ સમાચાર મેઇન સ્ટ્રીમ મિડિયાએ તમારા સુધી પહોંચાડ્યા? તેના પર કોઈ ચર્ચા થઈ? તેમાં ઉપર ઉલ્લેખિત લતીફ નામનો ત્રાસવાદી પણ હતો. અટલજીની સરકારને તો અપહૃતોને છોડાવવા મિડિયાએ ઊભું કરેલું જનતાનું દબાણ હતું તો પણ ૩૬ ત્રાસવાદીઓમાંથી ત્રણનો આંકડો તે લઈ આવી હતી અને તેમાં લતીફને તો છોડ્યો જ નહોતો, પણ સોનિયા ગાંધીના રિમોટવાળી સરકારે તો લતીફને કોઈ માગણી વગર, કોઈ કારણ વગર છોડી મૂક્યો!
 
૧૮. એક આરટીઆઈ અહેવાલ મુજબ, સરકાર પાસે સોનિયા ગાંધી ૨૦૦૪થી ૨૦૧૪ કેટલા વિદેશપ્રવાસોએ ગયાં, કોની સાથે મુલાકાત કરી, તે અંગે કોઈ વિગત નથી! ૨૦૧૧માં તેમણે અનેક વાર તબિયતના કારણસર વિદેશપ્રવાસો કર્યા હતા. વર્ષ ૨૦૧૫માં તેમણે ત્રણ દિવસ મેડિકલ ચેકઅપ માટે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો!
 
૧૯. બે જાન્યુઆરી ૨૦૧૬ના દિને પઠાણકોટ પર ત્રાસવાદી હુમલો થયો અને તેનો મુખ્ય હૅન્ડલર કોણ હતો, ખબર છે? યુપીએ સરકારે જેને સદ્ભાવની ચેષ્ટામાં છોડી મૂકેલો તે લતીફ !
 
૨૦. છેલ્લે, સોનિયા ગાંધીના પડછાયાની જેમ, તેમની સાથે ૨૦૧૦માં યુકે, આઇસલેન્ડ અને અમેરિકા ગયેલા કૉંગ્રેસી નેતા કે. નટવરસિંહે કહ્યું હતું કે યુપીએના દરેક વિભાગમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએએ ઘૂસણખોરી કરી હતી.
 
વિજય પટેલ કહે છે અને તે આ લેખક પણ કહે છે કે અહીં કોઈ તારણ કાઢ્યું નથી. સમજદાર કો સંકેત પર્યાપ્ત હૈ. ૧૯૯૧થી ૨૦૧૫ સુધીનો સોનિયા ગાંધીનો આ ઘટનાક્રમ જોઈ લો.
 
 
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…