દેશના પ્રખ્યાત લેખક પ્રશાંત પોળ ફિલ્મનો વિરોધ કરનારાને કેટલાંક પ્રશ્ર્નો પૂછે છેત્યારે તમે શું કરી રહ્યા હતા ?

26 Mar 2022 14:06:01

Kashmiri Pandits truth
 
 
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિશે અરાજક તત્ત્વોએ અનેક ભ્રમણાઓ ઊભી કરી છે. ફિલ્મ ન ચાલે અને તેમનાં કારનામાંઓ દેશ-દુનિયાના લોકો સુધી ના પહોંચે તે માટે સોશિયલ મીડિયાથી લઈ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ લોકોએ ભારે ઊહાપોહ કર્યો છે. અત્યંત સંશોધન બાદ બનેલી સત્ય ઘટનાને રજૂ કરતી ફિલ્મ માટે આ લોકોએ ‘ઊલટો ચોર કોટવાળને દંડે’ તેવું કૃત્ય કર્યું છે ત્યારે દેશના પ્રખ્યાત લેખક પ્રશાંત પોળ તેમનાં કૃત્યોને ખુલ્લાં પાડી તેમની સામે જ કેટલાક સવાલો ઊભા કરે છે.
 
ધ કાશ્મીર ફાઇલ્સની જબરજસ્ત સફળતાને કારણે બધા જ ડાબેરીઓ અને ઇસ્લામવાદીઓ ડઘાઈ ગયા છે. આજ સુધી ઊભા કરેલા બધા જ વિમર્શ (નેરેટિવ) તેમને વીંખાઈ જતા લાગે છે. એટલે રાષ્ટવાદનાં આ નવાં તોફાનને ભ્રમિત કરવા તેઓ સોશ્યલ મીડિયાના બધા જ મંચો પર આ પ્રશ્ર્ન ઊભો કરી રહ્યા છે. ‘ત્યારે તમે શું કરી રહ્યા હતા..? દિલ્હીમાં સરકાર આપની હતી. રાજ્યપાલ જગમોહન તમારા હતા છતાં આ નરસંહાર કેમ થયો..? શું કર્યું ત્યારે તમે ?’
 
‘ઊલટો ચોર કોટવાળને દંડે’ આ કહેવતનો આના કરતાં સારો પ્રયોગ શું હોઈ શકે ?
 
૧૯૮૪માં આઠમી લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને રાક્ષસી બહુમતી મળી હતી. કુલ ૫૧૪માંથી ૪૦૪ બેઠકો. ભાજપાના માત્ર ૨ સાંસદો ચૂંટાયા હતા. પરંતુ પરિસ્થિતિ ઘણી જલદી બદલી. ૧૯૮૯ની ચૂંટણીઓમાં એ જ રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ બહુમતના આંકડાને સ્પર્શી ન શકી. તેમને મળી ૧૯૭ બેઠકો. નવગઠિત ‘જનતા દળ’ના ૧૪૩ સભ્યો ચૂંટાઈ આવ્યા. રામજન્મભૂમિ આંદોલનને કારણે પહેલી વાર, ભાજપની સંખ્યા ૨ થી ૮૫ સુધી પહોંચી હતી. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષને ૩૩ સીટો મળી હતી. એટલે જનતાદળની સરકાર બની જેને ભાજપા અને કમ્યુનિસ્ટ પક્ષે બહારથી ટેકો આપ્યો. વિશ્ર્વનાથ પ્રતાપસિંહ પ્રધાનમંત્રી બન્યા.
 
આ બાજુ કાશ્મીરની પરિસ્થિતિ શું હતી..? પંડિત નહેરુના લાડકા, શેખ અબ્દુલ્લાના દીકરા ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી હતા. કાશ્મીરથી જ ચૂંટાયેલા મુફ્તી મહંમદ સઈદ દેશના ગૃહમંત્રી હતા. ૧૯૮૭ની વિધાનસભા ચૂંટણીઓમાં ૭૬માંથી ફારૂખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને ૪૦ અને કોંગ્રેસને ૨૬ બેઠકો મળી હતી. જમ્મુ ક્ષેત્રમાંથી ભાજપાના માત્ર બે સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. આ ચૂંટણી પછી સન ૧૯૮૮થી જ કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાનીઓની ઘૂસણખોરી વધી ગઈ હતી. હિન્દુઓને ઘાટીમાંથી ભગાડવાનું આંદોલન શરૂ થઈ ગયું હતું. ‘યાસીન મલિક (જેને ફિલ્મમાં ‘બીટટા’ના રૂપમાં બતાવાયો છે) તે આતંકવાદી જૂથ ‘જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’ (JKLF)નો નેતા હતો. ઘાટીના હિન્દુ નેતાઓને મારતો હતો. ૧૯૮૬ના કાશ્મીર હુલ્લડોમાં તેની ઘણી મોટી ભૂમિકા હતી.
 
૧૪ સપ્ટેમ્બર ૧૯૮૯ને દિવસે ‘ટીકાલાલ ટપલૂ’ની ધોળા દિવસે, ખુલ્લેઆમ હત્યા કરી દહેશત ફેલાવવાનું કામ શરૂ થઈ ગયું હતું. ટીકાલાલ ટપલૂ રાષ્ટીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન અને સમર્પિત સ્વયંસેવક હતા. કાશ્મીરી પંડિતો તેમને અત્યંત આદરપૂર્વક જોતા હતા. ૧૯૮૯માં કાશ્મીરમાં થઈ રહેલા હત્યાકાંડો દરમિયાન દિલ્હીમાં વી. પી. સિંઘની સરકાર હતી, જેમાં મુફ્તી મહંમદ સઈદ ગૃહમંત્રી હતા અને ઇશ્કબાજીમાં ડૂબેલા ફારૂખ અબ્દુલ્લા મુખ્યમંત્રી..! આ દરમિયાન ૮ જૂન ૧૯૮૯ના દિવસે ગૃહમંત્રી મુફ્તીસાહેબની દીકરી રુબિયા સાઈડનું અપહરણ આતંકવાદીઓ કરી લે છે અને બદલામાં જેલમાં પુરાયેલા પાંચ ખૂંખાર આતંકવાદીઓની મુક્તિની શરત મૂકવામાં આવે છે. અપહરણની જવાબદારી JKLF અને તેનો નેતા યાસીન મલિક લે છે.
 
નાટક પાંચ દિવસ ચાલે છે. ’પાંચ દિવસ પછી એક બાજુ પાંચ આતંકવાદીઓને છોડી મૂકવામાં આવે છે અને બીજી બાજુ રુબિયાને સુરક્ષિત પાછી મોકલવામાં આવે છે.’ આ આખા પ્રકરણમાં ન તો JKLFના કોઈ નેતાની ધરપકડ થાય છે કે ન તો યાસીન મલિકને પકડવામાં આવે છે. એ તો ઠીક પણ તેને સાદી પૂછપરછ માટે પણ બોલાવવામાં આવતો નથી. ૧૯૮૯ના ડિસેમ્બર અને ૧૯૯૦ના જાન્યુઆરીમાં આખું કાશ્મીર આતંકવાદીઓને હવાલે કરી દેવાયું છે. કાશ્મીર ફાઇલ્સમાં જેવું બતાવાયું છે સાવ તેવું જ વાતાવરણ કાશ્મીરનું છે. રોજ રાત્રે મશાલ સરઘસો નીકળે છે જેમાં હિન્દુઓને, તેમની સ્ત્રીઓને કાશ્મીરમાં જ મૂકીને ભાગી જવાનું કહેવાઈ રહ્યું છે. ૧૯૯૦ની ચોથી (૪) જાન્યુઆરીએ શ્રીનગરથી પ્રકાશિત દૈનિક આફતાબે એક મોટું વિજ્ઞાપાન પ્રકાશિત કર્યું, જેમાં હિજબુલ મુજાહિદીને સંપૂર્ણ હિન્દુ, શીખ સમાજને ઘાટી છોડી જવા કહેવાયું હતું. આખી ઘાટીમાં પાકિસ્તાની ચલણ જ વપરાતું હતું. કાશ્મીરમાં થઈ રહેલા હિન્દુ હત્યાકાંડ પર જ્યારે ભાજપાએ બોલવાનું, બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું ત્યારે ફારૂખ અબ્દુલ્લાને હટાવી રાષ્ટપતિશાસન લગાવવામાં આવ્યું. એ દિવસ હતો, ૧૯ જાન્યુઆરી ૧૯૯૦.
 
આતંકવાદીઓને પહેલેથી સૂચના મળી ગઈ હતી કે ૧૯ જાન્યુઆરીએ રાષ્ટપતિ શાસન લાગશે. એટલે ૧૮ રાત્રીથી લઈને ૧૯ જાન્યુઆરીના દિવસભર હિન્દુઓનો હત્યાકાંડ ચાલતો જ રહ્યો. એ જ દિવસે જેમને રાજ્યપાલ તરીકે દિલ્હીએ મોકલ્યા તેમનું નામ હતું જગમોહન. અત્યાર સુધી જગમોહન અને ભાજપા વચ્ચે દૂર દૂરનો પણ કોઈ સંબંધ નહોતો. જગમોહન કોંગ્રેસના માણસ હતા. વિશેષતઃ ગાંધી પરિવારના. કટોકટી (૧૯૭૫-૭૭) દરમિયાન સંજય ગાંધીની આજ્ઞાથી તુરકમાન ગેટ અને અન્ય સ્થાનો પરનાં ખોટાં દબાણો તોડનારા પ્રશાસક. સંજય ગાંધીને કારણે જ તેઓ ‘નામ’ સમિટ વખતે ગોવાના અને એશિયાડ વખતે દિલ્હીના ઉપરાજ્યપાલ બન્યા. આ આયોજનોની સફળતાને કારણે તેઓ ઇન્દિરા ગાંધી અને તે પછી રાજીવ ગાંધીના લાડકા બન્યા. તેઓ કુશળ પ્રશાસક હતા. જગમોહને કાશ્મીરના હિન્દુઓની જે સ્થિતિ જોઈ તેનાથી તેઓ અંદર સુધી હલી ગયા. તે દિવસો પર તેમણે લખેલું પુસ્તક છે, My Frozen Turbulence in Kashmir. કાશ્મીરના રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ માત્ર માત્ર પાંચ મહિનાનો જ રહ્યો.
 
જ્યારે તેઓ ત્યાંના આતંકવાદી પર અત્યાચારો કરવા લાગ્યા ત્યારે ગૃહમંત્રી મુફ્તી મહંમદ સઇદે તેમને રાજ્યપાલ પડેથી હટાવી દીધા. તે પછી જગમોહને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. સહુથી વધુ અવાજ ઉઠાવ્યો રાષ્ટીય સ્વયંસેવક સંઘે. તે સમયે નવરચિત ‘પુનૂન કાશ્મીર’ (અમારું કાશ્મીર)ના શીર્ષસ્થ નેતાઓને, જેમાં ‘અગ્નિશેખરજી’ મુખ્ય હતા તેમની સંઘે દેશભરમાં અનેક સ્થાનો પર લોકો સાથે, પત્રકારો સાથે મુલાકાતો કરાવી. કાશ્મીરની સ્થિતિ લોકો લોકો સુધી લઈ જવાનો સઘન. પ્રયાસ કર્યો. દુર્ભાગ્યે એ દિવસોમાં સંઘની વાતને એટલું મહત્ત્વ નહોતું અપાતું જેટલું આજે અપાય છે. એટલે કોઈ જો એમ કહે કે ‘તે વખતે તમે શું કરતા હતા?’ તો તેમને પૂછો, શેખ અબ્દુલ્લા, ફારૂખ અબ્દુલ્લા અને ઑમર અબ્દુલ્લાની માનીતી કોંગ્રેસ પાર્ટી ત્યારે શું કરી રહી હતી ? જેટલા ડાબેરીઓ આ પ્રશ્ર્ન પૂછી રહ્યા છે, તેમને પ્રશ્ર્ન છે, તેઓ શું કરી રહ્યા હતા ? વી. પી. સિંહ સરકારને તો તેમનો પણ ટેકો હતો. દેશના તમામ બુદ્ધિજીવી મુસ્લિમ નેતાઓએ આ ઘટના બાબતે શું કહ્યું ? કોઈ એકાદ પણ મુસ્લિમ નેતાએ આ ઘટનાનો વિરોધ કર્યો ખરો ? ફારૂખ અબ્દુલ્લા પરિવારની ખાસ સમર્થક કોંગ્રેસ સરકાર દસ વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરતી રહી. તેને એક વાર, માત્ર એક જ વાર પણ આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કર્યો ખરો ? અને સિનેમા જગત... દુનિયાભરની સમસ્યાઓ પર સિનેમા બનાવનારા આપણા બોલીવુડના નિર્માતાઓ, કાશ્મીરનાં આ સત્યને આટલાં વર્ષ સુધી કેમ પડદા પર ન લાવ્યા ?
 
 
લેખક - પ્રશાંત પોળ 
ભાવાનુવાદ - શ્રીકાંત કાટદરે 
 
 
 
Powered By Sangraha 9.0