પંજાબમાં આપ સામેના પડકારો | કોઈ દેશમાં આ રીતે મુખ્યમંત્રીની પસંદગી થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે.

ભગવંત માન એક હાસ્ય કલાકાર રહી ચૂક્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ કોમેડિયન હતા. રાજકારણમાં હાસ્યનું સ્વાગત છે પણ રાજકારણને હસવામાં ના કાઢી નાંખે એ જરૂરી છે. આપ ગંભીરતાથી કામ કરે અને આ પડકારોને પહોંચી વળશે તો જ તેની જંગી જીત સાર્થક થઈ કહેવાશે.

    26-Mar-2022   
કુલ દૃશ્યો |

aap
 
 
પંજાબમાં આમ આદમી પાર્ટીને ૧૧૭ બેઠકોમાંથી ૯૨ બેઠકોનો ભવ્ય વિજય પ્રાપ્ત થયો. ભગવંત માનના નેતૃત્વની આપની યુવા સરકાર પાસે પ્રદેશને એટલી જ મોટી આશાઓ છે જેટલી મોટી જીત પંજાબની ૩ કરોડ જનતાએ તેમને આપી છે.
પંજાબ સરકાર સામે સૌથી મોટા બે મુદ્દાઓમાં ડ્રગ્સના રવાડે ચડેલું યુવાધન અને બરબાદ થઈ રહેલી ખેત-વિરાસત છે.
 
પંજાબ સરહદી વિસ્તાર હોવાથી પાકિસ્તાનથી મોટા પાયે ડ્રગ્સ ઠલવાય છે. નશામાં ચકચૂર યુવાન કામધંધો કરતો નથી, કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બને છે અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સ પહોંચાડવા સહિતની ગુનાખોરીમાં ય સપડાય છે. સીમાપારથી થઈ રહેલી હથિયારો, વિસ્ફોટકોની તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ય સમસ્યા. પંજાબની અર્થવ્યવસ્થાના અધાર સમાન કૃષી પણ સંકટના ઘેરામાં છે. પંજાબ આજે ય ઘઉં અને ચોખાના સૌથી મોટા ઉત્પાદકોમાં એક છે, પણ વરસોથી ખેડૂતોની આવક વધતી નથી અને ખર્ચ ઘટતો નથી. પંજાબની જવાની અને કિસાની બંને બચાવવાનો મોટો પડકાર હવે આપ પર છે. ગયા વરસે થયેલા કૃષિ આંદોલનમાં પંજાબ અગ્રેસર, પરંતુ હવે ખરા અર્થમાં ખેડૂતોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ કરાવવાની મોટી જવાબદારી આપની છે.
 
પંજાબ છેલ્લાં ઘણા વરસોથી નાણાકીય સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારના રિપોર્ટ મુજબ ૨૦૧૮-૧૯ના વર્ષમાં પંજાબ પર બે લાખ કરોડ રૂપિયા અને આજે ત્રણ લાખ કરોડનું અંદાજિત દેવું છે, જે રાજ્યના સકલ ઘરેલું ઉત્પાદનના ૫૦ ટકાથી પણ વધુ છે. આર્થિક રીતે ભાંગી પડેલા પંજાબને ફરી ભાંગડા કરતું કરવાનો સૌથી મોટો પડકાર આપે ઉઠાવવાનો છે.
 
NSO મુજબ ૨૦૧૯-૨૦માં પંજાબમાં ૭.૪ ટકા બેરોજગારી હતી, જ્યારે રાષ્ટ્રીય બેરોજગારીનો દર ૪.૮ ટકા હતો. યુવાનોને અહીં સુખી ભવિષ્ય ના દેખાતાં દાયકાઓથી પલાયનવાદ થઈ રહ્યો છે. રાજ્યમાં નવી સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ ઊભી કરી પલાયનવાદ રોકવાની જવાબદારી નવી સરકારની છે. તેના માટે પારદર્શક સરકારી ભરતીઓ થાય, નવી અને સરળ નીતિઓ બને, જેથી વધુ ને વધુ પ્રાઇવેટ સેક્ટરો અહીં શરૂ થાય. રોજગાર માટેનું વાતાવરણ ઘડવું આપ માટે સરળ નથી જ.
 
અવસરો ઊભા કરીને લાખો નાના ઉદ્યોગોને નવી રફત્તાર આપવી પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સુધીના નાના - મોટા લાખો ઉદ્યોગોને કાચા માલની આપૂર્તિ કરાવનારા ‘લોહા મંડી’ અને ‘મંડી ગોવિંદગઢ’, જે એક સમયે દેશના સેકન્ડરી સ્ટીલ ઉદ્યોગોનું મોટું કેન્દ્ર હતા, તે આજે સંકટમાં છે. પાછલા એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં અહીંના લગભગ ૪૦૦ ઉદ્યોગોમાંથી ત્રીજા ભાગના ઉદ્યોગો બંધ પડી ચૂક્યા છે. નવનિયુક્ત આપ સરકાર તેને ફરી ચાલુ કરાવે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્ક્રેપ પોલિસી સહિત નવતર યોજનાઓ અને વિશેષ છૂટછાટો આપીને ઉદ્યોગપતિઓને પ્રોત્સાહિત કરવા પડશે.
 
આમ આદમી પાર્ટીએ કરેલા વાયદાઓ ય તેમની સામે એક મોટો પડકાર બની રહેવાના છે. ૩૦૦ યુનિટ મફત વિજળી અને પાણીની સુવિધા તથા ૧૮ વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયાનું પેન્શન, ઝૂંપડીમાં રહેનારાઓને પાક્કાં મકાન, પ્રથમથી ડિગ્રી સુધી મફત શિક્ષણ જેવા વાયદાઓનો બધો દારોમદાર રાજ્યની તિજોરી પર જ છે. તિજોરી તળિયે છે તેથી પડકાર ટોચે પહોંચશે.
 
ભગવંત માન ભલે બે વખત સાંસદ રહ્યા હોય પરંતુ મુખ્યમંત્રી તરીકે રાજ્યનો વહીવટ ચલાવવાનો તેમને અનુભવ નથી. વિરાટ પડકારો સાથે પંજાબમાં સ્વાસ્થ્યસેવાઓનું નિમ્ન સ્તર, ભ્રષ્ટાચાર, રેત ખનન, માફિયાઓનો ત્રાસ, કેન્દ્ર સાથેના કડવા સંબંધો, શિક્ષણમાં ઘટાડો જેવા અન્ય પડકારોની ય લાંબી વણઝાર છે ! નિષ્ણાતો અને આપનાં જ જૂના અને દાઝેલા અનુભવીઓ કહે છે કે, કેજરીવાલ રિમોટ કંટ્રોલ સરકાર ચલાવશે, એટલે ભગવંત માન માટે પડકારોને પહોંચી વળવા માટેય એક મોટો પડકાર ઊભો થશે.
 
ચરણજીતસિંહ ચન્નીએ ઉત્તર પ્રદેશ-બિહારના ભૈયાઓને પંજાબમાં શાસન નહીં કરવા દઈએ તેમ કરીને પ્રદેશવાદની આગ લગાડી છે, એ આગ પણ ઠારવી રહી. ૨૦૧૭માં આપની કાર્યકર ગુલ પનાગે આક્ષેપ કરેલો કે આપના નેતાઓએ ૨૦૨૦માં ખાલિસ્તાન માટે જનમત સંગ્રહને ટેકો આપ્યો હતો અને ચૂંટણી ટાણે કવિ કુમાર વિશ્ર્વાસે ખાલિસ્તાનીઓ સાથે કેજરીવાલની સાંઠગાંઠાના આક્ષેપો કર્યા હતા. કુમાર વિશ્ર્વાસ અને અન્ય ઘણા લોકો પાસે આના પુરાવાય છે. જે બાબત ‘આપ’ માટે પડકાર રૂપ અને દેશ માટે ખતરારૂપ છે.
 
સરહદી રાજ્ય પંજાબમાં સરહદ પારથી ડ્રોન હુમલા, ટિફિન બોમ્બ જેવાં અનેક આતંકી કૃત્યોને અંજામ અપાય છે. નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે BSFની સત્તા વધારી છે. ‘આપ’ સરકારેય નિવેદન આપ્યું કે, કેન્દ્ર સાથે અનેક મતભેદો છતાં તેઓ તેમની સાથે તાલમેલ સાધીને પંજાબની આંતરિક અને સરહદી સુરક્ષા કરશે. પરંતુ પંજાબના અરાજક તત્ત્વો કેન્દ્રના નિર્ણયો વિરુદ્ધ છે, કેટલાંક સ્થાનિક પોલીસોની અસામાજિક તત્ત્વો સાથે મિલિભગત અને ‘આપ’ની ખુદની ખાલિસ્તાનવાદીઓ સાથેની સંડોવણીની ચર્ચા જોતા પંજાબની સુરક્ષાની ‘આપ’ની ગેરંટી માત્ર પડકારરૂપ નહીં કોયડારૂપ પણ બની રહેશે. પંજાબમાં અરાજકતા ઊભી કરવા વિદેશી ફંડ આવતું હોવાનાં અનેક અહેવાલો ય છે. ‘આપ’ માટે એને અટકાવી રાજ્યમાં સુખ-શાંતિ સ્થાપવી પણ એક નવો પડકાર.
 
અત્યાર સુધી દિલ્હીમાં અરધું રાજ્ય અને પોતાની સત્તા મર્યાદિત હોવાથી પોતે કંઈ કરી શકતા નથી એવી ફરિયાદ કરવાની કેજરીવાલને તક મળતી હતી, પણ એ તકરૂપી બહાનાં પંજાબમાં નહીં ચાલે. અહીં તો પૂર્ણ બહુમતી છે અને સંપૂર્ણ કામ કરવાનો પડકાર છે. આપની ઠીકરી હવે બીજાના માથે નહીં ફોડી શકાય.
 
પંજાબમાં આપે આ વખતે એક પ્રયોગ કર્યો કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે પબ્લિક ઓપિનિયન લીધો, કોઈ દેશમાં આ રીતે મુખ્યમંત્રીની પસંદગી થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે. ભગવંત માન એક હાસ્ય કલાકાર રહી ચૂક્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ કોમેડિયન હતા. રાજકારણમાં હાસ્યનું સ્વાગત છે પણ રાજકારણને હસવામાં ના કાઢી નાંખે એ જરૂરી છે. આપ ગંભીરતાથી કામ કરે અને આ પડકારોને પહોંચી વળશે તો જ તેની જંગી જીત સાર્થક થઈ કહેવાશે.
 
 
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.