પાથેય । રાજાની જેમ દરેક પાસે આ ચાર રાણીઓ છે! તમે કોને સૌથી વધુ પ્રેમ કરો છો?

26 Mar 2022 12:07:23

motivational  
 

એક રાજાને ચાર રાણી

એક રાજાને ચાર રાણી હતી. પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખૂબ રાખતો. બીજા નંબરની રાણી બહુ રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઈ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે. ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઈ બાબત પર નિર્ણય લેવાનો હોય કે કોઈ મૂંઝવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે. ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ના જાય તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય. રાજા જ્યારે મરણપથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી.
 
પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી. બીજી રાણી તો એથી એક ડગલું આગળ હતી. એણે તો એવું જ કહ્યું કે સાથે આવવાની ક્યાં વાત કરો છો. હું તો તમારી વિદાય થતાં તુરંત જ બીજાં લગ્ન કરી લઈશ. ત્રીજી રાણીએ કહ્યું કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હું સાથે નહીં આવી શકું. રાજાને ચોથી રાણી પાસેથી તો કોઈ અપેક્ષા હતી જ નહીં પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ.
 
મિત્રો, આપણે બધા પણ જીવનમાં આ ચાર રાણીને પરણ્યા છીએ.
 
પ્રથમ રાણી તે આપણું શરીર, જેને આપણે ખૂબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. બીજી રાણી તે આપણી સંપત્તિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપતિ બીજાની થઈ જાય છે. ત્રીજી રાણી તે આપણો પરિવાર અને ચોથી રાણી તે આપણો આત્મા!!
 
આ વાર્તાને દીવાદાંડીરૂપ રાખી જીવનમાં અગ્રીમતા સેટ કરજો.
 
 
 
 
 
 
 
 
 
Powered By Sangraha 9.0