‘જંગરસિયા’ઓ દુનિયાને ત્રીજા વિશ્ર્વયુદ્ધ તરફ તો નહીં ધકેલી દે ને ?

08 Mar 2022 16:52:36

third world war
 
 
 
આખરે રશિયાએ યુક્રેન પર હુમલો કરી જ દીધો. આ ભડકાના મૂળમાં ‘નાટો’ છે. ૧૯૪૯માં બીજા વિશ્ર્વયુદ્ધની સમાપ્તિ પછી લશ્કર બનાવી એકબીજાની સુરક્ષા હેતુ યુરોપ-અમેરિકાને અલગ પાડતા એટલાન્ટિક મહાસાગરને કાંઠે ફેલાયેલા દેશોએ બનાવેલ ‘નાટો’માં હાલ યુએસ, યુ.કે., કેનેડા જેવા ૩૦ દેશો છે. યુક્રેન તેમાં સમાવા ઇચ્છતું હતું પણ અન્ય દેશના લશ્કરો તેને સાથ આપે તે રશિયાને પોસાય તેમ નહોતું. દુશ્મનને ઉગતો જ ડામવામાં માનતા પુતિને યુક્રેન પર જાત-ભાતના આરોપો મુકીને અંતે યુદ્ધ એજ (રશિયાનું) કલ્યાણ માની હુમલો કરી દીધો.
 
નાટોના સભ્ય દેશોએ યુક્રેનને રશિયા સામે તો ઊભું કરી દીધું, પરંતુ તેના સાર્વભૌમત્વની રક્ષા ન કરી શક્યા. રશિયાએ યુક્રેનના બહાને અમેરિકા અને નાટોની સૈન્યક્ષમતાને પડકારીને મેદાને-જંગમાં જોઈ લેવાની ધમકી આપી છે. રશિયા સર્વશક્તિમાન હોવાના અભિમાનનો જે ધ્વનિ પુતિને અભિવ્યક્ત કર્યો છે એ તેમણે કરવા ધારેલી વિનાશકતાની ધૂમ્રસેરો છે, જેમાંથી આગ પણ પ્રગટી શકે છે.
 
પુતિન પ્રતિનિધિ મંડળથી વાત કરવા તૈયાર, કબજો ય નહીં કરે, પરંતુ યુક્રેન સંપૂર્ણ શરણે નહીં થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી તો બંધ નહીં જ કરે. અહીં તેમની ઇચ્છા મુજબ નવી સરકાર બનશે અને તેનું રિમોટ રશિયાના હાથમાં રહેશે. પુતિન યુક્રેનમાં કઠપૂતળી સરકાર બનાવીને EU (યુરોપિયન યુનિયન) અને અમેરિકા માટે નવા પડકારો ઊભા કરશે.
 
અમેરિકાએ રશિયાને ચેતવણી આપી પણ અંતે માત્ર આકરા પ્રતિબંધો લાદી, થોડી આર્થિક મદદ કરીને છૂટી ગયા, યુક્રેનને બચાવવા સેના ન મોકલી, નાટો દેશોની સેનાએય ૧૦૦ જેટલાં યુદ્ધવિમાનો હાઈ એલર્ટ પર રાખ્યાં, પણ જવાબી કાર્યવાહીનો ઇન્કાર કર્યો. રશિયાએ હુમલો માત્ર યુક્રેન પર કર્યો છે પણ એનું નિશાન તો સોવિયત સંઘમાંથી છુટા પડેલા દેશોને પાછા મેળવવા અને આ દેશોને પોતાના તાબા હેઠળ રાખવાનું છે. ક્રિમિયા પર હુમલા વખતે દુનિયાના કહેવાતા ધુરંધર દેશો કે આંતરાષ્ટ્રીય સંસ્થાઓ રશિયાનું કંઈ બગાડી શકી નહોતી એટલે તેની તાકાત વધી છે. રશિયાનો યુદ્ધોન્માદ યુદ્ધની મેલી મુરાદ સેવતા ચીન અને બીજા દેશોનેય પ્રોત્સાહન પૂરું પાડશે. ચીનનો ડોળો તાઈવાન પર છે. અમેરિકા જો નબળું સાબિત થયું તો ચીન તાઈવાન પર હુમલો કરે તેવી શક્યતાઓ છે. યુક્રેન પર રશિયાની ચઢાઈથી ચીન પોતાનું વર્ચસ્વ મજબૂત કરશે. તાઈવાનથી લઈને દક્ષિણ ચીન સમુદ્ર સુધી તેનો પ્રભાવ વધશે. ભારત સાથે LAC પર વિવાદો વધુ જટીલ બનશે.
 
બે આખલાઓની લડાઈમાં ઝાડનો ખો નીકળે એમ જેમને આ યુદ્ધ સાથે કંઈ લેવાદેવા નથી એવા દેશોનો પણ ખો નીકળી જશે. ફ્રૂડ ઓઈલ સો ડોલરને વટાવી ગયું, રશિયા તેલ અને ગ્રોસ ક્ષેત્રે અગ્રણી હોવાથી વૈશ્ર્વિકસ્તરે ભાવવધારો થશે. પેટ્રોલ ડિઝલના ભાવ વધશે. શેર બજારમાં પણ અસ્થિરતા આવી. ભારતના વડાપ્રધાને શાંતિથી કામ લેવાની અપીલ કરી અને યુક્રેનમાં વસતાં નાગરિકો-વિદ્યાર્થીઓને પરતેય લાવ્યા. છતાં આ લડાઈની ભારત પર ગંભીર અસર તો થશે જ. ફ્રૂડ ઓઇલના ભાવ વધતાં ભારતનું આયાત બિલ વધશે, ભારત - યુક્રેન વચ્ચે ૨.૬૯ બિલિયન ડોલરના વેપારના વ્યાપારિક સંબંધો ખોરવાશે, વૈશ્ર્વિક મોંઘવારી વધતાં ભારતમાં રિટેલ ફુગાવો ૭ ટકા સુધી પહોંચી શકે તેમ છે. જો રિઝર્વ બેંક વ્યાજદરમાં વધારો કરશે તો ઇકોનોમી રિકવરીની ઝડપ પર તેની માઠી અસર થશે. આવા સંવેદનશીલ સમયેય પોતાનો સ્વાર્થ સાધવાની ખરાબ મનોવૃત્તિ લઈ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન રશિયા પહોંચ્યા, પણ ડેલે હાથ દઈને પાછા ફર્યા. છતાં રશિયા, પાકિસ્તાન અને ચીનના સંબંધો ભારત માટે આવનારા સમયમાં નવા પ્રશ્ર્નો ઊભા કરી શકે છે.
 
આ સ્થિતિ ભારત માટે નિર્ણાયક છે કે, તે રશિયાનો સાથ આપે કે અમેરિકાનો ? ચીનની એકપક્ષીય આક્રમકતા ભારત પર અમેરિકાને સાથ આપવાનું દબાણ બનાવે છે તો બીજી તરફ ભૂ-રણનૈતિક સ્થિતિઓ રશિયાનો સાથ આપવાનું. ક્વાડ ચીનની આક્રમકતા રોકવામાં નિષ્ફળ રહ્યું છે, તેમ છતાં અમેરિકા ભારત માટે મહત્ત્વનું છે. તે આપણું મહત્ત્વનું સ્ટ્રેટેજિક પાર્ટનર છે. બીજી તરફ રશિયા ભારતનું પરંપરાગત સ્ટ્રેટેજિક ભાગીદાર છે એટલે ભારતે બંને દેશો વચ્ચે સંતુલન રાખીને આગળ વધવું પડશે. તેના માટે ભારત પોતાની નીતિઓનું નવેસરથી આકલન કરી નવી રણનીતિ સાથે આગળ વધતું રહે.
 
દેશ-દુનિયાના લાભાલાભ એક તરફ મૂકીને મૂલ્યાંકન કરીએ તો રશિયાના ખંધાઈભર્યા વર્તનથી દુનિયામાં એક નવી જ ધરી ઊભી થઈ રહી છે. આવું વર્તન માત્ર અમેરિકા કે UNO (સંયુક્ત રાષ્ટ સંઘ)ને જ નહીં સમગ્ર દુનિયાને ભારે પડશે અને તેનાં બૂરાં પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. બે જ દેશો વચ્ચેનું લાગતું આ યુદ્ધ આગળ વધે તો આખી દુનિયાને બે ભાગમાં વહેંચી દેશે. દેખીતી રીતે આમા માત્ર રશિયા નજરે ચડે છે પણ આ યુદ્ધના મંડાણમાં અનેક ‘જંગ રસિયા’ઓ સામેલ છે. ચિંતાએ છે કે આ ‘જંગ રસિયા’ઓ દુનિયાને ક્યાંક ત્રીજા વિશ્ર્વયુદ્ધ તરફ તો નહીં ધકેલી દે ને ?
 
‘યુદ્ધસ્ય કથા રમ્યા:’ - યુદ્ધની માત્ર કથાઓ જ રળિયામણી હોય છે, યુદ્ધ નહીં. ત્રીજા વિશ્ર્વયુદ્ધનો પાયો કદાચ નંખાઈ ગયો છે એ વિશ્ર્વ માટે ચિંતાજનક છે. લગભગ ૭૭ વર્ષ પહેલાં બીજા વિશ્ર્વયુદ્ધની કૂખમાંથી જન્મેલું યુનો અને અસંખ્ય શાંતિ કરારો નક્કામા સાબિત થયા હોય તેવી લાગણી લોકોને થાય છે. જંગલની દુનિયા અંગ્ો માન્યતા હતી કે અહીં વિવિધ વન્ય જીવો વચ્ચે કે સમાન કસબાઓ વચ્ચે મત-ભેદનું સમાધાન તાકાત વડે થતું હતું. - એટલે કે એકબીજા પર હુમલો કરીને. જોકે, મનુષ્ય પાસે તેનાથી એક અલગ વિવેક હતો, જેનાથી તે દરેક બાબતોનો શાંતિદાયક ઉકેલ શોધી શકતો. પરંતુ હજ્જારો વર્ષની સભ્યતા અને લેખિત માનવ ઇતિહાસ પછી પણ કદાચ આપણે અનેક પ્રકારના વિવાદોનું કોઈ પાકું, વિશ્ર્વસનીય અને સર્વસામાન્ય તંત્ર વિકસિત કરી શક્યા નથી, એ આ યુદ્ધ જોતાં લાગ્ો છે. શક્તિશાળી લોકો ‘જેની લાઠી તેની ભેંસના’ તર્કને અમલમાં મૂકીને પોતાની મરજી ચલાવવા લાગ્યા, પોતાનો જ વિનાશ કરવા માટે પરમાણુ બોમ્બ અને મેક-5ની ગતિવાળી મિસાઇલોથી એકબીજાને ડરાવવા - ધમકાવવા લાગ્યા છે, તેથી માનવતા આજે લોહીઝાણ છે. માનવતાના લાંબા ઇતિહાસની આજે આવી પરિણિતી કે દુનિયા ત્રીજા વિશ્ર્વયુદ્ધના આરે આવીને ઊભી રહી ગઈ.
 
આવા સમયે રાજનીતિજ્ઞ, યુદ્ધમાં પારંગત છતાં વિશ્ર્વને વિનાશમાંથી રોકવાની નેમ વાળા ડિફેન્સ સર્વિસિસ નિષ્ણાંતો અને મુસદ્દીઓ આગળ આવે અને વિશ્ર્વને આ સ્થિતિમાંથી બહાર કાઢે.
 
 
 
Powered By Sangraha 9.0