જલિયાંવાલા બાગ | અંગ્રેજ અમલદારની બર્બરતાનો પુરાવો આપતું સ્થળ | Jallianwala Bagh

બ્રિટિશ અમલદાર જનરલ રેજિનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકોને લઈને એ બાગમાં પહોંચી ગયો. દરેક સૈનિકના હાથમાં રાઈફલ હતી. જનરલ ડાયરની સૂચનાથી સૈનિકોએ જલિયાંવાલા બાગને ઘેરી લીધો. કોઈને કંઈ સમજાય એ પહેલાં તો સૈનિકોએ કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વિના શસ્ત્રવિહીન નિર્દોષ પ્રજા પર ગોળીઓનો વરસાદ વરસાવવાનું શ‚ કરી દીધું. ફક્ત 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી.

    13-Apr-2022
કુલ દૃશ્યો |

jallianwala bagh in gujarati
 
 
History of jallianwala bagh in gujarati |આ નિર્મમ હત્યાકાંડ થયા બાદ એ કૂવામાંથી 379 લાશો બહાર કાઢવામાં આવી હતી. લગભગ 1000 ભારતીયો આ ગોળીબારમાં હણાયા અને ઘવાયા પણ ખરા. જનરલ ડાયરની બર્બરતાનો સાક્ષી બનેલો જલિયાંવાલા બાગ આજે પણ નિર્દોષોના શરીરને વીંધતી ગોળીઓનાં નિશાનને ભૂંસી નથી શક્યો.
 
 

History of jallianwala bagh in gujarati | અંગ્રેજ અમલદારની બર્બરતાનો પુરાવો આપતું સ્થળ

 
 
શીખ સમુદાયનો ઇતિહાસ અને સંસ્કૃતિને જાળવી રાખતું પંજાબનું અમૃતસર શહેર સમગ્ર વિશ્ર્વમાં સુવર્ણમંદિર અને જલિયાંવાલા બાગ ( Jallianwala Bagh ) ને કારણે એક આગવી ઓળખ ધરાવે છે. સુવર્ણમંદિર ધાર્મિક સ્થળ છે, તો જલિયાંવાલા બાગ ( Jallianwala Bagh ) રાષ્ટ્રીય સ્થળ છે. શહીદોના લોહીથી સિંચાયેલા આ બાગની ભૂમિમાંથી આજે પણ દેશભક્તિની મહેક આવે છે. નિર્દયી હત્યાકાંડના સાક્ષી રહી ચૂકેલા આ બાગમાં પ્રવેશ્યા પછી કોઈ વ્યક્તિની આંખ ભીની થયા વિના રહેતી નથી.
 
 
પાંચ નદીઓનો પ્રદેશ પંજાબ | Punjab state of five rivers
 
 
ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું પંજાબ રાજ્ય એટલે રાવી, સતલજ, ચીનાબ, જેલમ અને વ્યાસ એમ પાંચ નદીઓનો રમણીય પ્રદેશ. તેનું પાટનગર ચંડીગઢ છે. પંજાબ ( Punjab ) મૂળ તો બે ફારસી શબ્દો ‘પંજ’ (પાંચ) અને આબ (પાણી) ભેગા થઈને બન્યો છે અને તે આ પ્રદેશમાંથી વહેતી પાંચ નદીઓનું સૂચન કરે છે. પંજાબ એ વિભાજનના નરસંહારમાંથી પ્રગટેલું માનવ ઇતિહાસનું અદ્વિતીય ઉદાહરણ છે. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પંજાબનો કેટલોક ભાગ પાકિસ્તાન ( Pakistan ) માં જતો રહ્યો. 1966માં પંજાબનું પુનર્ગઠન થયું ત્યારે પંજાબનો જ ભાગ હરિયાણા છૂટું પડ્યું હતું. તેમ છતાં આ રાજ્યએ કૃષિ અને ઉદ્યોગક્ષેત્રે ઝડપી પ્રગતિ કરીને સમૃદ્ધિની છોળો ઉડાડી છે. દેશભરમાં પંજાબ રાજ્ય ખેતીની બાબતે મોખરાનું સ્થાન ધરાવે છે.
 
 
ધાર્મિક અને ઐતિહાસિક શહેર – અમૃતસર | Amritsar
 
 
પંજાબનું એક ધાર્મિક અને ઐતિહાસિક શહેર એટલે અમૃતસર ( Amritsar ) . મુંબઈ અને અમદાવાદ શહેરની માફક અમૃતસર ( Amritsar ) પણ પંજાબનું મોટું વ્યાપારીકેન્દ્ર છે. દેશના સંરક્ષણની દ્ષ્ટિએ પણ આ શહેરનું ખાસ્સું મહત્ત્વ છે, કારણ કે ત્યાંથી પંદરેક માઈલ દૂર ભારતની હદ પૂરી થાય છે. દિલ્હીની જેમ અમૃતસર પણ એક સમયે મજબૂત દીવાલોથી ઘેરાયેલું હતું. આજે તે જૂના અને નવા એમ બે હિસ્સામાં ફેલાયેલું છે. આ શહેરને ગુરુગ્રંથ સાહેબમાં સિફલી દા ઘર કહેવામાં આવ્યું છે. આનો અર્થ થાય છે, એવું પવિત્ર સ્થળ જ્યાં પ્રભુની કૃપા વરસે છે. આ શહેરમાં આવેલું સુવર્ણમંદિર ભારતની ભવ્યતાનું પ્રતીક છે, તો જલિયાંવાલા બાગ ( Jallianwala Bagh ) અંગ્રેજી હકૂમતે અહિંસાવાદી આંદોલન પર ક્રૂરતાનો કાળો કેર વરસાવ્યો હતો, એ સમયની સાક્ષી પૂરે છે. ઐતિહાસિક પાનાં ઉપર ઊંડી છાપ છોડી જતો વિશ્ર્વવિખ્યાત જલિયાંવાલા બાગ ( Jallianwala Bagh ) આજે પણ નિર્દોષોના બલિદાનની ગાથા વર્ણવે છે. જલિયાંવાલા બાગમાં શહીદ થયેલા લોકોના બલિદાનને યાદ રાખવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે એક ટ્રસ્ટ તૈયાર કર્યું. પછી આ બાગની જમીન એના માલિકો પાસેથી ખરીદી લીધી અને ત્યાં જલિયાંવાલા બાગ મેમોરિયલ બનાવવામાં આવ્યું.
 
 

jallianwala bagh 
 
 
અમાનુષી કૃત્યનો સાક્ષી બન્યો જલિયાંવાલા બાગ | Jallianwala Bagh
 
 
13 એપ્રિલ, 1919. બૈશાખીનો એ દિવસ. આમ તો ભારતના મુખ્ય તહેવારમાંનો આ એક ગણાય છે, પરંતુ પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે આ ખાસ પર્વ ગણાય છે, કારણ કે આ દિવસે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ઉજવણી કરે છે. આ જ દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપ્ના કરીને લોકોને અન્યાય અને જુલમ સામે મસ્તક ન ઝુકાવવાની હાકલ કરી હતી. આ કારણે પણ બૈશાખીનું મહત્ત્વ આપોઆપ વધી જાય છે. શીખ સંપ્રદાયના લોકો આ તહેવાર સામૂહિક જન્મદિવસ તરીકે ઊજવે છે. વર્ષોથી અમૃતસરમાં આ દિવસે મેળો ભરાય છે. હજારો લોકો દૂર દૂરથી આ મેળામાં મહાલવા આવે છે. તે દિવસે પણ માનવમેદની ઊમટી પડી હતી. સૌના ચહેરા પર આનંદ છલકાતો હતો, પણ એ લોકો ક્યાં જાણતા હતા કે તેમની આ પળવારની ખુશી કાયમ માટેની પીડા આપી જવાની હતી. ક્યાં ખબર હતી કે જલિયાંવાલાની જમીન સેંકડો લોકોના મોતથી લોહિયાળ બનશે.
 
એ દિવસે જ રોલેટ એક્ટના વિરોધમાં જલિયાંવાલા બાગ ( Jallianwala Bagh ) માં એક જનસભા ભરાઈ. આ સભામાં કેટલાક નેતા ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો, છતાં પણ સેંકડો લોકો એવા હતા, જેઓ બૈશાખીની ઉજવણી માટે પરિવાર સાથે મેળો જોવા અને ફરવા આવ્યા હતા, તો અન્ય લોકો પણ સભાના સમાચાર મળતાં જ ત્યાં પહોંચી ગયા હતા. નેતા ભાષણ આપી રહ્યા હતા કે એ જ વખતે બ્રિટિશ અમલદાર જનરલ રેજિનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકોને લઈને એ બાગમાં પહોંચી ગયો. દરેક સૈનિકના હાથમાં રાઈફલ હતી. જનરલ ડાયરની સૂચનાથી સૈનિકોએ જલિયાંવાલા બાગને ઘેરી લીધો. કોઈને કંઈ સમજાય એ પહેલાં તો સૈનિકોએ કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વિના શસ્ત્રવિહીન નિર્દોષ પ્રજા પર ગોળીઓનો વરસાદ વરસાવવાનું શ‚ કરી દીધું. ફક્ત 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. આબાલ-વૃદ્ધ, બાળકો સહિત કેટલાંય નિર્દોષો મૃત્યુ પામ્યા, તો હજારો લોકો ઘાયલ પણ થયા. એ વખતે જલિયાંવાલા બાગ મૂળ તો મકાનો પાછળનું એક ખાલી મેદાન હતું. જવા-આવવા માટે એકમાત્ર રસ્તો હતો. બાકી ચારે તરફ મકાનો હતાં. ભાગવા માટે કોઈ રસ્તો જ નહોતો. એ દિવસે શહેરમાં કર્ફ્યૂ હોવાથી ઘાયલ થયેલા લોકોને સારવાર માટે પણ ક્યાંય ન લઈ જવાયા. ગોળીથી બચવા માટે કેટલાય લોકો મેદાનમાં રહેલા કૂવામાં કૂદી પડ્યા, પણ ક્ષણવારમાં કૂવામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. આ નિર્મમ હત્યાકાંડ થયા બાદ એ કૂવામાંથી 379 લાશો બહાર કાઢવામાં આવી હતી. લગભગ 1000 ભારતીયો આ ગોળીબારમાં હણાયા અને ઘવાયા પણ ખરા.
 

jallianwala bagh 
 
જનરલ ડાયરની બર્બરતાનો સાક્ષી બનેલો જલિયાંવાલા બાગ આજે પણ નિર્દોષોના શરીરને વીંધતી ગોળીઓનાં નિશાનને ભૂંસી નથી શક્યો. જલિયાંવાલા બાગના પ્રવેશદ્વાર પાસે પહોંચો ત્યારે ત્યાં એક દીવાલ પર નોંધ પણ છે કે, આ માર્ગે થઈને બ્રિટિશ અમલદાર જનરલ ડાયર જલિયાંવાલા બાગમાં પ્રવેશ્યો હતો અને તેણે આવું અમાનવીય કૃત્ય આદર્યું હતું. આ હત્યાકાંડે દેશવાસીઓમાં નવી ચેતના જગાડી, નવી ક્રાંતિના સૂરજનો ઉદય થયો અને લોકોએ પણ મક્કમ નિર્ણય લીધો કે હવે આઝાદી જ અંતિમ લક્ષ્ય છે.
 
 
દુનિયાભરમાં થઈ આકરી ટીકા
 
 
જલિયાંવાલા હત્યાકાંડ કર્યા પછી જનરલ ડાયરે પોતાના ઉપરી અધિકારીઓને ખોટી રજૂઆત કરતો ટેલિગ્રામ કર્યો, જેમાં તેણે કહ્યું કે ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હોવાથી બચાવ માટે થઈને તેણે ગોળીબાર કરવો પડ્યો. જવાબમાં બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે જનરલ ડાયરને યોગ્ય પગલું લીધું હોવાનો ટેલિગ્રામ કર્યો. જોકે, આ ક્રૂર કૃત્યને દુનિયાભરના લોકોએ વખોડી કાઢ્યું. આ નરસંહારની સખત ટીકા થઈ. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગ્યુએ આ હત્યાકાંડની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. આખરે જનરલ ડાયરે સ્વીકારવું પડ્યું કે જલિયાંવાલા બાગમાં નિર્દોષોને મોતને ઘાટ ઉતારવાની યોજના તેણે અગાઉથી જ ઘડી હતી. ત્યાર પછી જનરલ ડાયરને બ્રિગેડિયરમાં જનરલમાંથી કર્નલ બનાવાયો અને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો.
 
 
શહીદોના ઇતિહાસની ઝલક
 
 
જલિયાંવાલા બાગમાં શહીદોના ઇતિહાસની ઝલક ચિત્રોમાં જોઈ શકાય છે. બાગમાં સર્જાયેલા આ ક્રૂર કાંડનું ચિત્રો સાથે વર્ણન છે. કાળજુ કંપાવનારો એ શહીદી કૂવો, પોતાનો જીવ બચાવવા માટે લોકો આ કૂવામાં કૂદી પડ્યા હતા અને બંદૂકની ગોળીઓનાં જ્યાં નિશાન પડ્યાં હતાં, એ નિશાન દીવાલો ઉપર આજે પણ અંકિત થયેલાં જોવા મળે છે. આ બાગની વચ્ચે જ્યોતના આકાર જેવા લગભગ 35 ફૂટ ઊંચા લાલ પથ્થરનું સ્મારક પણ બન્યું છે. શહીદોને શ્રદ્ધાંજલિ ‚પે એક અમરજ્યોતિ હંમેશાં પ્રગટેલી રહે છે. એક નાનકડું સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. સંગ્રહાલયમાં એ સમયનાં ચિત્રો તેમજ ઉધમસિંહની તસવીર પણ છે.
 
 
ભગતસિંહને મળી પ્રેરણા | Bhagat singh
 
 
જલિયાંવાલા હત્યાકાંડ સર્જાયો ત્યારે ભગતસિંહ 12 વર્ષના હતા. ભગતસિંહ એ વખતે શાળામાં હતા. આ ઘટનાની જાણ થતાં જ ભગતસિંહ 12 માઈલ ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા. આ ગોઝારા નરસંહારે ભગતસિંહને હચમચાવી મૂક્યા હતા.
 
રોલેટ એક્ટ - કાળા કાયદા પાછળની ગંદી રમત | Rowlatt act
 
 
ભારતીય નેતાઓ અને પ્રજાએ પ્રથમ વિશ્ર્વયુદ્ધ - 1914-1918માં અંગ્રેજી હકૂમતને સાથ આપ્યો હતો. 10 લાખ કરતાં વધારે ભારતીય સૈનિકોને યુરોપ, આફ્રિકા તેમજ મિડલ ઈસ્ટમાં બ્રિટિશર્સ તરફથી સજ્જ કરવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં હજારો ભારતીય સૈનિકો શહીદ થયા હતા. યુદ્ધ પૂરું થયા પછી ભારતીય નેતાઓ અને ભારતની પ્રજાને એવી આશા હતી કે અંગ્રેજો ભારત સાથે નરમાશ જ‚ર જાળવશે, પણ દેશના લોકોની આશા ઠગારી નીવડી. અંગ્રેજ સરકારે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો લાગુ કરી દીધો.
 
1918માં બ્રિટિશ જજ સિડની રોલેટના નેતૃત્વમાં એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિની જવાબદારી ભારતમાં પંજાબ અને બંગાળમાં બ્રિટિશરોનો વિરોધ કઈ વિદેશી તાકાતની મદદથી થઈ રહ્યો હતો, તેના વિશે જાણકારી મેળવવાનો હતો. આ સમિતિમાં લેવાયેલા નિર્ણય મુજબ ભારત પ્રતિરક્ષા કાયદા (1915)નો વિસ્તાર કરીને રોલેટ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો હતો. રોલેટ એક્ટ ( Rowlatt act ), કાળા કાયદા તરીકે પણ ઓળખાવા લાગ્યો. એના વિરોધમાં જ લોકોની ધરપકડ કરવામાં આવી. આ કાયદાનો હેતુ દેશની આઝાદી માટે ચાલી રહેલા આંદોલનને કચડી નાખવાનો હતો, એટલું જ નહીં, રોલેટ એક્ટનો કાયદો સરકારની તરફેણમાં જ હતો. એટલે કે તેને જ વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. આ કાયદા મુજબ અંગ્રેજ સરકાર વોરંટ વગર પણ લોકોને પકડી શકે, નેતાઓને કેસ વગર જેલમાં રાખી શકે અને પ્રેસ ઉપર સેન્સરશીપ પણ લગાવી શકે. આ કાયદાનો વિરોધ કરવા પંજાબના ઘણા વિસ્તારોમાં હિંસા ફેલાઈ ગઈ હતી. 13 એપ્રિલના દિવસે પણ આ કાયદાના વિરોધમાં જ પાંચ હજાર કરતાં પણ વધારે લોકો જલિયાંવાલા બાગમાં ભેગા થયા હતા.
 
જલિયાંવાલા બાગ કોઈ સામાન્ય બાગ નથી. આ સ્થળની મહત્તાને જાળવી રાખવા માટે આપણે સૌએ યોગદાન આપવું પડશે. આ વિશિષ્ટ સ્થળની ગંભીરતા અને ગરિમા જાળવવાની દરેક નાગરિકની ફરજ છે.
 

udham singh 
 
 
ક્રાંતિકારી ઉધમસિંહે વાળ્યું વેર | Udham singh
 
 
જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે મોતનું તાંડવ સર્જ્યું ત્યારે સરદાર ઉધમસિંહ પણ ત્યાં હાજર હતા. તેમને પણ ગોળી વાગી હતી. એ ક્ષણે જ ઉધમસિંહે ( Udham singh ) બદલો લેવાનો નિર્ણય લઈ લીધો હતો. તેમણે લંડનના કેક્સટન હોલમાં બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો. એ કારણે જ ઉધમસિંહને ફાંસીની સજા થઈ.
 
 
કેવી રીતે પહોંચશો ?
 
 
રાજ્ય : પંજાબ
શહેર : અમૃતસર
અમદાવાદથી અમૃતસરનું અંતર અંદાજે 1600 કિલોમીટરનું છે. અમદાવાદથી અમૃતસર જવા માટે બરોડાથી ત્રણ ટ્રેનની સુવિધા છે - પશ્ર્ચિમ એક્સપ્રેસ, ગોલ્ડન ટેમ્પલ અને અમૃતસર એક્સપ્રેસ. પશ્ચિમ એક્સપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ સોમથી રવિ આખું અઠવાડિયું અને અમૃતસર એક્સપ્રેસ ફક્ત ગુરુવારે હોય છે.
 
જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે નાઈટહૂડનો ખિતાબ પાછો આપી દીધો હતો.
આ નરસંહાર બાદ પણ લોકોનો આઝાદી મેળવવાનો જુસ્સો જોઈને ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલનની શ‚આત કરી હતી.