Halal Economic Jihad | ઝટકા માંસ એટલે એક ધડાકે પ્રાણીને મારી નાખવું અને હલાલ એટલે તરફડાવીને મારવું. પરંતુ હલાલ ઉત્પાદનમાં માંસનો જ સમાવેશ નથી થતો. અમૂલ, પતંજલિ, હલ્દીરામ વગેરે ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. આ હલાલ પ્રમાણપત્ર ( Halal Certification ) કેવી રીતે મુસ્લિમેતરની આજીવિકા છીનવે છે? કેવી રીતે મારા-તમારા પૈસાથી ત્રાસવાદીઓની મદદ થાય છે? જાણો આ લેખમાં.
મુસ્લિમોમાં પંથ માન્યતા અનુસાર રાંધવા માટે બે રીતે માંસ બને - એક હલાલ અને બીજું ઝટકા. ઝટકામાં જે-તે પ્રાણીને એક ઝાટકે કાપી નાખવાનું. આનાથી ચિતરી ચડી હોય તો પણ કાળજું કઠણ કરીને વાત સાંભળજો. હલાલમાં તો પ્રાણીને તરફડાવી-તરફડાવીને મારવામાં આવે છે. એટલે કે એક ઝાટકે નહીં મારવાનું. તેને ધીમે-ધીમે મારવાનું! જેથી તેનું પૂરું લોહી મળે. તેમાં પ્રાણીને કેટલી પીડા થતી હશે તે કલ્પી શકો છો. (આ પૂરી પ્રક્રિયાનું વર્ણન નથી કર્યું.)
આમ તો અરબી શબ્દ હલાલનો અર્થ થાય છે અનુમેય અથવા વૈધ. એટલે કે કાયદેસર, વિધિસંમત. શાસ્ત્રસંમત. હલાલ શબ્દનો અર્થ અત્યાર સુધી માંસ સાથે સંબંધિત હતો.
હરામ નામના અરબી શબ્દનો અર્થ થાય છે - નિષિદ્ધ, મનાઈ કરાયેલું. અવૈધ. એટલે કે એવું માંસ કે અન્ય ચીજો જેનો ઉપભોગ ન કરી શકાય.
આ ક્રૂરતાને જાણીને આગળ વધ્યા હો તો જાણો, કે આમાં આર્થિક બાબત કેવી રીતે આવે છે? હલાલ માંસ માટે પ્રાણીઓને મારવા અને પેકેજિંગની એક વિધિ છે. (કુરાન લખાયું હશે ત્યારે પેકેજિંગ શોધાયું હતું? પરંતુ પંથના નામે બધું ચાલે છે.) હલાલ એટલે કે પ્રાણીને તરફડાવી-તરફડાવીને એક મુસ્લિમ માણસ જ મારી શકે છે. એટલે કે જો કોઈ હિન્દુ કે બીજા પંથની કોઈ વ્યક્તિ આ કામ મન મારીને પણ પાપી પેટ માટે કરવા ઇચ્છે તો ન કરી શકે. આથી હલાલ માંસવાળી કંપનીમાં હિન્દુને આજીવિકા ન મળી શકે. અરે! મશીન દ્વારા પ્રાણીની હત્યા થાય તો પણ તે માંસને હલાલ માંસ ન ગણાય. તે કામ એક મુસ્લિમે જ કરવું પડે!
વળી, આ હલાલને પ્રમાણિત કરાવવું પડે. સ્વાભાવિક પ્રમાણિત કરવાની પ્રણાલી પણ મુસ્લિમોને જ આધીન હોય. એની જે અધિકારિક વેબસાઇટ છે https://halalindia.co.in/download.html તેના પર દિશાનિર્દેશ આપ્યા છે. તે મુજબ, મુસ્લિમેતર કર્મચારીઓને હલાલ પ્રક્રિયાના કોઈ પણ ભાગમાં સમાવિષ્ટ ન કરી શકાય! આ દેશના બંધારણમાં આજીવિકાની સમાન તકો પૂરી પડાશે અને પંથ-જાતિના નામે કોઈને ભેદભાવ નહીં કરાય તેમ કહેવાયું છે. આથી તો દલિતો અને આદિવાસીઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત અપાયેલી છે. પરંતુ તમે જુઓ કે હલાલ પ્રક્રિયામાં દલિત અને આદિવાસીને પણ નોકરીએ રાખી શકાતા નથી. તો શું આ બંધારણનું ઉલ્લંઘન ન કહેવાય?
આવું ભારતમાં જ નથી, સમગ્ર દુનિયામાં છે! યુરોપીય સંઘમાં પણ આવો હલાલ પ્રમાણપત્ર આપતો વિભાગ છે. તે કહે છે કે હલાલ કરતી વખતે અલ્લાહનું નામ લેવું જોઈએ! કુરાનની આયાત વાંચવી જોઈએ. તેને તસ્મિયા કે શહદા કહેવાય છે. (શું અલ્લાહને આ રીતે કોઈ નિર્દોષને મારવું અને તે પણ તરફડાવીને મારવું પસંદ હશે?) ભારતમાં આવી રીતે તરફડાવીને મારતા નહોતા પરંતુ ભૂતકાળમાં યજ્ઞ વગેરેમાં બલિની પ્રથા હતી, તેની સામે બૌદ્ધ અને જૈન પંથ અલગ થયા. તે પછી તેના પર પ્રતિબંધ આવ્યો. ૧૯૬૦થી આ કાયદો છે. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરતા રોકવાનો આ કાયદો છે. તમે રોજ રાત્રે રસ્તા પર જતા હો અને કૂતરાં કરડે તો પણ તમે તેને મારી ન શકો! પરંતુ આ કાયદામાં ભોજન અને વિજ્ઞાનના પ્રયોગો માટે છૂટછાટો આપેલી છે!
મેનકા ગાંધીએ તો પ્રાણીઓ માટે કેટલીય ઝુંબેશ ચલાવી છે. પરંતુ બકરી ઈદ અને હલાલ માંસ અંગે તેમણે કંઈ ખાસ કહ્યું નથી. હિન્દી ફિલ્મોમાં પ્રાણીઓનો ઉપયોગ કરાયો હોય તો શરૂઆતમાં લખવું પડે છે કે પ્રાણીઓ પાસેથી અભિનય કરાવવા તેમના પ્રત્યે કોઈ ક્રૂરતા આચરાઈ નથી. જો કોઈ આક્ષેપ કરે કે ક્રૂરતા આચરાઈ છે તો ન્યાયાલયમાં કેસ ચાલી શકે, સજા થઈ શકે! પરંતુ આ વાત બકરી ઈદ અને હલાલ માંસને લાગુ પડતી નથી!
ઊલટું હલાલ માંસનો દાયરો તો વિકસ્યો છે અને દરેક ઉત્પાદનમાં તે ઘૂસ્યું છે. દા. ત. મેક-અપ. તમને થાય કે મેક-અપમાં ક્યાં માંસ આવે? પરંતુ દરેક વાતમાં આ કટ્ટરોને ઇસ્લામના નામે પોતાની મનમાની કરવી છે, પોતાનું નિયંત્રણ રાખવું છે. તેથી એવી દલીલ કરાય છે કે મેક-અપમાં ભૂંડને લગતી કોઈ ચીજ કે ઇસ્લામમાં પ્રતિબંધિત કોઈ ચીજ હોય તો? અને તેથી મેક-અપની ચીજોમાં પણ અમારું પ્રમાણપત્ર લેવું આવશ્યક છે.
દવાઓ, ભોજનની સામગ્રી, દરેક બાબતમાં હલાલ પ્રમાણપત્ર આવી ગયું છે. હવે પ્રશ્ર્ન એ થાય કે આવી તો ગયું છે પણ એ તો મુસ્લિમો માટે જ છે ને? બાકીની પ્રજા માટે તો નથી ને? બજાર તો બાકીની જનતાની બહુમતીના વર્ચસ્વવાળું છે ને? એટલે કે બહુમતી ગ્રાહકો તો મુસ્લિમેતર છે તો પછી શું ચિંતા? જેમને પ્રમાણપત્ર લેવું હોય તે ભલે લે.
અહીં જ તકલીફ થાય છે. બહુમતી ગ્રાહકોમાં મુસ્લિમેતર લોકો પણ છે અને જે લોકો કટ્ટર નથી તેવા મુસ્લિમો પણ છે, પરંતુ ખબર નહીં કેમ, આપણા ભારતમાં બધાને શું ચિત્તભ્રમ થઈ ગયો છે કે માત્ર મુઠ્ઠીભર કટ્ટરોની આગળ સરકારો, રાજકીય પક્ષો તો ઝૂકી જ જાય છે, પરંતુ હિન્દુવાદી ગણાતા બાબા રામદેવની પતંજલિ, ગુજરાતની સુપ્રસિદ્ધ દૂધ કંપની (જે હવે સહકારી કરતાં વધુ તો, વ્યાવસાયિક બની ગઈ છે જે છાશવારે દૂધ-છાશ-દહીંના ભાવમાં અનિયંત્રિત વધારો જ કરતી જાય છે) અમૂલ, અરે! નાસ્તાની કંપની હલ્દીરામ વગેરે પણ હલાલ પ્રમાણપત્ર લે છે. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, આંજણ, નેલપૉલિશ, લિપસ્ટિક, સૂકો મેવો, મીઠાઈ, ચોકલેટ, યુનાની, આયુર્વેદિક (!) દવાઓ, મધ, બર્ગર, પિઝા વગેરે માટે હલાલ પ્રમાણપત્ર લેવાય છે. અરે! કેરળમાં શરિયા મુજબનાં આવાસો બની રહ્યાં છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ સ્વિમિંગ પુલ, અલગ-અલગ પ્રાર્થનાઘર, નમાઝનો સમય દેખાડતી ઘડિયાળો, પ્રત્યેક ઘરમાં નમાઝ સાંભળવાની વ્યવસ્થા વગેરે હોય છે. તમિલનાડુના ચેન્નાઈમાં ગ્લોબલ હેલ્થ સિટી હલાલ પ્રમાણિત જાહેર કરાઈ છે!
આ જ રીતે હલાલ ડેટિંગ સાઇટ પણ છે જેમાં યુવક-યુવતીઓને એકબીજા સાથે પરિચય કરાવનાર સંકેત સ્થળો છે!
હિન્દુ-બૌદ્ધો-ખ્રિસ્તીઓએ જે ભૂલ કરી તે ઇસ્લામિક શાસકોએ નથી કરી. તેમણે પોતાના ઇસ્લામિક દેશો બનાવ્યા, એટલું જ નહીં, તેનું સંગઠન પણ બનાવ્યું- ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કન્ટ્રી. (આવું સંગઠન બીજા કોઈ પંથનું નથી - ખ્રિસ્તીઓનું પણ નથી.) આ સંગઠન પાન ઇસ્લામિક બ્રધરહૂડ એટલે કે વૈશ્ર્વિક મુસ્લિમ બંધુત્વની ભાવનામાં માને છે. એટલે જ, ભારત, નેપાળ, શ્રીલંકા વગેરે દેશોમાંથી જો આ મુસ્લિમ દેશોમાં નિકાસ કરવી હોય તો તેમણે હલાલ પ્રમાણપત્ર લેવું પડે! છે ને જડબેસલાક ઇકૉ સિસ્ટમ!
હવે હલાલ પ્રમાણપત્ર કંઈ મફતમાં નથી મળી જતું. jamiathalaltrust. org વેબસાઇટ મુજબ, પ્રતિ વર્ષ તેની કિંમત આશરે રૂ. ૨૦,૦૦૦ વત્તા જીએસટી છે. (આના માટે કેન્દ્ર સરકાર વત્તા રાજ્યોના નાણાપ્રધાનોની બનેલી જીએસટી પરિષદે જીએસટી દર નક્કી કર્યો છે એટલે કે તેમને પણ આ બધી ખબર છે જ.) એટલે કે પતંજલિ, અમૂલ, હલ્દીરામથી માંડીને અનેક કંપનીઓએ તેમનાં ઉત્પાદનો માટે હલાલ પ્રમાણપત્ર લેવું હોય તો આટલા રૂપિયા ખર્ચવા પડે. સ્વાભાવિક જ, બધો ભાર કન્યાની કેડ પર એ કહેવત પ્રમાણ, કંપનીઓ આ ખર્ચ તો ગ્રાહકો પાસેથી જ વસૂલવાની. એટલે કે હલાલ પ્રમાણપત્રવાળું કોઈ પણ ઉત્પાદન (ભલે પછી એ માંસ ન હોય અને નિર્દોષ શાકાહારી લાગતી કોઈ સેવ જેવી પડીકાબદ્ધ ચીજ જ કેમ ન હોય.) મુસ્લિમેતર પ્રજા ખરીદે તો પણ એના પૈસા જાય આ હલાલ પ્રમાણપત્ર આપનારા પાસે. એટલે કે એક તો, મુસ્લિમેતર પ્રજાને વ્યવસાયથી વંચિત તો રાખ્યા જ, પરંતુ આ રીતે કોઈ ચીજ ખરીદે તો તેમના ખિસ્સામાંથી નિશ્ર્ચિત રકમ આ હલાલ પ્રમાણપત્ર આપનારી સંસ્થાઓ પાસે જાય. આ સંસ્થાઓનાં નામ જોવા જેવાં છે:
(૧) હલાલ ઇન્ડિયા પ્રા. લિ. (૨) હલાલ સર્ટિફિકેશન સર્વિસિસ ઇન્ડિયા પ્રા. લિ.\ (૩) જમિયત ઉલેમા એ હિન્દ હલાલ ટ્રસ્ટ (૪) જમિયત ઉલેમા એ મહારાષ્ટ (૫) હલાલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (૬) ગ્લોબલ ઇસ્લામિક શરિયા સર્વિસિસ.
આ સંસ્થાઓ પાછી સારી પ્રવૃત્તિ કરતી હોય તો સમજી શકાય, પરંતુ જમિયત ઉલેમા એ હિન્દ તો ત્રાસવાદીઓને મદદ કરે છે! ઉત્તર પ્રદેશ પોલીસે તાજેતરમાં અલ કાયદા સાથે જોડાયેલા ત્રાસવાદીઓને પકડ્યા તો આ સંસ્થાએ તેને કાનૂની સહાય પૂરી પાડવાની ઘોષણા કરી. હિન્દુ મહાસભાના કમલેશ તિવારીની ક્રૂર હત્યામાં પકડાયેલા જિહાદીઓની પણ આ સંસ્થા કાનૂની સહાય કરી રહી છે. એટલે કે મારા-તમારા પૈસે આપણે પતંજલિથી માંડીને કોઈ પણ હલાલ સર્ટિફાઇડ ઉત્પાદન ખરીદીએ તો તેના પૈસા જમિયત એ ઉલેમાને મળે અને તેના દ્વારા તે ત્રાસવાદીઓને કાનૂની સહાય આપે. કમ સે કમ, હલાલ સર્ટિફિકેટ આવી સંસ્થાઓ ન આપે તે તો સરકારે જોવું જોઈએ ને.
સરકાર માત્ર જીએસટીની રીતે હલાલ વિશે જાણે છે તેવું નથી. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવતા કૃષિ અને પ્રક્રિયાગત ખાદ્ય ઉત્પાદન નિર્યાત વિકાસ પ્રાધિકરણ (APEDA)એ એક નિયમાવલી બનાવી છે જે હેઠળ લાલ માંસ ઉત્પાદક અને નિકાસકારે હલાલ પ્રમાણપત્ર લેવું અનિવાર્ય છે! એટલું જ નહીં, ઇસ્લામિક સંસ્થાના નિરીક્ષકની દેખરેખમાં હલાલ પદ્ધતિથી જ (એટલે કે તરફડાવી-તરફડાવીને) પશુની હત્યા કરવી અનિવાર્ય કરવામાં આવી છે! એક બાજુ પશુને ક્રૂરતા અટકાવતો કાયદો અને બીજી તરફ આ પ્રકારનું પ્રમાણપત્ર અને આ પ્રકારની પશુહત્યા જ કાયદેસર, ફરજિયાત!
હવે અહીં એક વાત સમજો. ભારતમાંથી નિકાસ થતા માંસનું ૪૬ ટકા માંસ (છ લાખ ટન) વિયેતનામ જાય છે. તે કંઈ મુસ્લિમ દેશ નથી. તેથી ત્યાં હલાલ પ્રમાણપત્રની શું જરૂર? પરંતુ વર્ષે ૨૩.૬૪૬ હજાર કરોડ રૂપિયાના માંસના અર્થતંત્રથી આ હલાલ અર્થતંત્ર ફૂલીફાલી રહ્યું છે. જેને હલાલ માંસ નથી જોઈતું તેને કેમ પોતાની પસંદગીના માંસની છૂટ નથી અપાતી? ગોમાંસ પર પ્રતિબંધ વખતે વિપક્ષો, કલાકારો, લેખકો ઊકળી ઊઠ્યા હતા કે અમારે શું ખાવું-ન ખાવું તે પણ સરકાર કહેશે? કેરળમાં તો કૉંગ્રેસના કાર્યકર્તાઓએ જાહેરમાં ગાયને મારી તેનું માંસ ખાધું હતું ! તો શું આ ફરજિયાત હલાલ માંસ એ લોકોના શું ખાવું- શું ન ખાવું તે પસંદગીના અધિકાર પર તરાપ નથી? તેની સામે સેક્યુલરોનો કોઈ અવાજ કેમ નથી ઊઠતો ?
અત્યાર સુધી તો હિન્દુઓ અને શીખો જેવા જે લોકો માંસ ખાય છે તે પણ આ બધું જાણતા નહોતા કેમ કે હિન્દુઓ- શીખોમાં નાનપણથી પંથીય ઓળખાણ કે આપણે હિન્દુ છીએ અને આપણે આ જ પ્રકારનું ખાવું જોઈએ, આ જ પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ આવું શીખવાડાતું નથી. આપણે એકમ સત વિપ્રા: બહુધા વદન્તિમાં માનનારા છીએ. પરંતુ તેનું નુકસાન એ થયું કે હિન્દુઓ-શીખોને આવું કંઈ છે તે ખબર જ નહોતી!
પણ આ પ્રશ્ર્ન માત્ર હિન્દુઓનો-શીખોનો નથી. કર્ણાટકમાં હિન્દુ જનજાગૃતિ સમિતિએ હલાલ માંસ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. ભાજપના રાષ્ટીય મહામંત્રી અને કર્ણાટકના વરિષ્ઠ નેતા સી. ટી. રવિએ પણ હલાલ માંસ પર રાષ્ટવ્યાપી ચર્ચા કરવાની માગણી કરી છે.
એટલે સેક્યુલર (ઇસ્લામિક તરફી એમ વાંચો) મિડિયા એમ કહે છે કે કર્ણાટકમાં ચૂંટણી જીતવા ભાજપ મુસ્લિમ-હિન્દુ મુદ્દા ઉછાળે છે. પહેલાં હિજાબ અને હવે હલાલ. તો જાણી લો કે કર્ણાટક પહેલાં કેરળમાં આ મુદ્દો ઊછળી ચૂક્યો છે અને તે ઉછાળનાર ન તો ભાજપના કોઈ નેતા છે કે ન તો કોઈ હિન્દુ સંસ્થા.
કેરળમાં ખ્રિસ્તી જૂથોએ ગત નવેમ્બર (૨૦૨૧) માગણી કરી છે કે રાજ્યમાં મુસ્લિમેતર પ્રજા દ્વારા ચલાવાતી હૉટલો અને રેસ્ટોરન્ટને ઓળખવામાં આવે જેથી થૂંક રહિત ભોજન મળે, કારણ કે મુસ્લિમ રસોઇયા દ્વારા કે કર્મચારી દ્વારા થૂંકવાળી ભોજનસામગ્રીના વિડિયો ખૂબ જ આવ્યા છે. અને તે પહેલાં ૨૦૨૦ના ડિસેમ્બરમાં ખ્રિસ્તી જૂથોએ હલાલ માંસનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી. હિન્દુ જૂથોએ તેમને ટેકો આપ્યો છે! (ખરેખર તો દેશમાં જે ચાલી રહ્યું છે તે જોતાં હિન્દુ, શીખો, બૌદ્ધો, પારસીઓ, જૈનો અને ખ્રિસ્તીઓ સુધ્ધાં એક જ નૌકા પર સવાર છે. તેમણે સંપીને આ જિહાદી માનસિકતાનો વિરોધ કરવો જોઈએ.)
આમ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે હવે બધું જાણવા મળી રહ્યું છે. બેલ્જિયમ, ફ્રાન્સ, ડેન્માર્ક, ગ્રીસ જેવા યુરોપના દેશમાં હલાલ માંસ પર પ્રતિબંધ છે, પરંતુ ભારતમાં નથી. શું ફ્રાન્સ (સાચા અર્થમાં) સેક્યુલર દેશ નથી? છે જ. પરંતુ ભારત તો ક્યાં સેક્યુલર દેશ છે? ઉપરની બાબતો જોતાં તો એમ જ કહી શકાય કે ભારત તો ઇસ્લામિક રિપબ્લિક ઑફ હિન્દુસ્તાન છે ! Halal Economic Jihad