મહાન શિક્ષક દાર્શનિક, ચિંતક અને ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ | Sarvepalli Radhakrishnan

ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું સમગ્ર જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. તેમણે શિક્ષણ ઉપરાંત પણ અનેક પ્રકારના વિષયોમાં પથદર્શક ભાથું પીરસ્યું છે તેમના અણમોલ વિચારો અને ચિંતનને આપણે સૌ આત્મસાત્ કરીએ એ જ ડૉ. રાધાકૃષ્ણનનું સાચું સ્મરણ બની રહેશે.

    18-Apr-2022   
કુલ દૃશ્યો |

Sarvepalli Radhakrishnan
 
 
તમિલનાડુની એક ખ્રિસ્તી મિશનરી શાળામાં એક અંગ્રેજ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. પોતાના પ્રવચનમાં તેઓ વારેવારે હિન્દુ ધર્મની ટીકાઓ કરતા હતા. હિન્દુ ધર્મ કુરિવાજોથી ખદબદે છે તેવું કહીને તેઓ હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા હતા. આવા મિશનરીઓ એ વખતે આ રીતે શિક્ષણ આપતા. હિન્દુ ધર્મ વિશે ભ્રામક અને જૂઠી બાબતો ભણાવીને તેઓ ભોળા બાળકોના મનમાં હિન્દુઓ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરતા અને બાળકોને ભોળવીને ખ્રિસ્તી બનાવતા. હિન્દુ ધર્મ વિશે એ અંગ્રેજ શિક્ષકની જૂઠી વાત સાંભળી વિદ્યાર્થીઓમાંથી એક બાળક ઊભો થયો અને બોલ્યો સર ! ખ્રિસ્તી ધર્મ બીજા ધર્મોની નિંદા કરવાનું જ શીખવે છે કે શું?
 
એક બાળકના આવા સણસણતા સવાલથી ગોરો સાહેબ આભો જ બની ગયો !
 
તો શું હિન્દુ ધર્મ બીજા ધર્મનું સન્માન કરે છે ? સાહેબે ગરિમા જાળવવા ખાતર રોફથી સવાલ ફેંક્યો.
 
યસ, સર ! અમારા ધર્મગ્રંથમાં ભગવાન વાસુદેવે કહ્યું છે કે, બધા ધર્મો ઈશ્ર્વરને પામવાના માર્ગ જ છે. માટે કોઈ ચઢિયાતુ નથી કે કોઈ ઊતરતું નથી. ભગવાન વાસુદેવે કહ્યું છે કે, જેમ નદીઓ ભલે અલગ અલગ પ્રદેશમાંથી આવતી હોય પણ એનો ઉદ્દેશ્ય તો સાગરને મળવાનો જ હોય છે. એમ ધર્મ ભલે અલગ અલગ હોય પણ એનો ઉદ્દેશ્ય તો એક જ છે - પરમતત્ત્વને પામવાનો. માટે અમારા ધર્મગ્રંથમાં બધા જ ધર્મને સમાન ગણ્યાં છે.
 
જવાબ સાંભળી હવે દલીલ કરવાની ગોરા સાહેબની તાકાત નહોતી. દલીલ હોય તો કરે ને ! આ બાળક એટલે મહાન બહુમુખી પ્રતિભા ધરાવનાર ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ( Sarvepalli Radhakrishnan ) ! જેમના માનમાં ભારત ‘શિક્ષક દિન’ ( Teachers Day ) ઊજવે છે એ શિક્ષક !
 
૫મી સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુમાં જન્મેલા આ મહાન શિક્ષકે ૧૭મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી હતી. તેમના જન્મદિનને તો આપણે શિક્ષક દિન તરીકે ઊજવીએ જ છીએ, પરંતુ તેમનો વિદાય દિન પણ સ્મૃતિદિવસ તરીકે ઊજવાય છે. ઉલ્લેખનીય છે કે ભારતરત્ન ડૉ. રાધાકૃષ્ણન્ ( Sarvepalli Radhakrishnan ) માત્ર ઉત્તમ શિક્ષક જ નહોતા, પરંતુ મહાન દાર્શનિક, સ્પષ્ટવક્તા, તત્ત્વચિંતક, રાજનીતિજ્ઞ અને પરમ દેશભક્ત પણ હતા. તેમણે શિક્ષણ ઉપરાંત હિન્દુ ધર્મ, તત્ત્વજ્ઞાન, માનવતા, રાજકારણ, કુટુંબવ્યવસ્થા વગેરે અનેક વિષયોમાં અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે.
 
૧૭મી એપ્રિલ, ૨૦૨૨ના રોજ તેમના અવસાનને લગભગ પાંચ દાયકા જેટલો સમય પૂરો થઈ રહ્યો છે ત્યારે તેમનું સ્મરણ કરીએ અને તેમનું જીવન-કવન અલભ્ય ઘટનાઓ, અણમોલ વચનો અને શિક્ષણ તથા વિવિધ ક્ષેત્રના માર્ગદર્શક સિદ્ધાંતો અને પ્રેરક પ્રસંગો વિશે જાણીએ.
 
જીવન-કવન | Sarvepalli Radhakrishnan Biography
 
 
Sarvepalli Radhakrishnan Biography | ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૫માં થયો હતો. એમના પૂર્વજોનું વતન સર્વપલ્લી નામે ગામ હતું. એટલે તેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીને તેઓ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. દર્શનશાસ્ત્ર જેવા નીરસ વિષયને પણ તેઓ એવો રસપ્રદ બનાવીને શીખવતા કે, અનેક વિદ્યાર્થીઓએ અન્ય વિષયો છોડી દર્શનશાસ્ત્રના વિષય પ્રત્યે આકર્ષિત બની એને અપનાવ્યો. એ પછી તેઓ ૧૯૧૮માં મૈસૂર વિશ્ર્વવિદ્યાલયમાં જોડાયા અને ત્યાં દર્શનશાસ્ત્ર વિભાગ શરૂ કરીને, એના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. અધ્યાપન કાર્યની સાથે સાથે એમનું સ્વાધ્યાય પઠન-પાઠનનું કાર્ય પણ અવિરામ ચાલતું રહેતું. તેઓએ ૧૯૨૦માં સમકાલીન દર્શનશાસ્ત્રમાં ધર્મનું પ્રભુત્વ નામક પુસ્તક લખ્યું. દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બનેલા આ પુસ્તકથી પ્રભાવિત બનીને રાધાકૃષ્ણન્ની અમેરિકા દાર્શનિક સંઘ (યુએસએમાં ફિલોસોફી યુનિયન)ના પ્રમુખપદે નિમણૂક થઈ. મદ્રાસ સરકારે શિક્ષણનું સૌથી ઊંચું પદ આપીને સન્માન કર્યું. એ પછી કલકત્તા સહિત કેટલીક યુનિવર્સિટીઓએ પણ એમનું સન્માન કર્યું. એ દરમિયાન ૧૯૨૬માં ઇંગ્લેન્ડની ક્રેમ્બિજ યુનિવર્સિટીમાં વિશ્ર્વસ્તરની યુનિવર્સિટીઓનું એક સંમેલન યોજાયું. એમાં રાધાકૃષ્ણન્ને પણ આમંત્રિત કરવામાં આવ્યા. ઇંગ્લેન્ડમાં એમનાં પ્રવચનોનો એવો પ્રભાવ પડયો કે અખબારો પણ એની નોંધ લેવા લાગ્યાં. ઇંગ્લેન્ડ પછી તેઓ અમેરિકા ગયા અને ત્યાં પણ એમનાં પ્રવચનોથી માત્ર બૌદ્ધિકો જ નહીં આમજનતા પણ પ્રભાવિત બની. કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક પ્રોફેસરે એક દૈનિકમાં લેખ લખીને એમની પ્રશંસા કરીને લખ્યું, અમારે એક એવા ગુરુની આવશ્યકતા હતી જે અમને સાચું જ્ઞાન આપી શકે. રાધાકૃષ્ણન્ સ્વરૂપે અમને એવો શિક્ષક મળી ગયો છે જે સાચું જ્ઞાન આપી શકશે.
 
 
ડો. રાધાકૃષ્ણને કેટલાંક પુસ્તકોનું સર્જન પણ કર્યું છે. એમાં ‘ધ રેન ઓફ રિલિજિયન ઇન કોટેમ્પરેરી ફિલોસોફી’ તથા ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ’ ખૂબ લોકપ્રિય છે. લોકમાન્ય ટિળકના ‘ગીતા રહસ્ય’ પુસ્તકનો ભાવાનુવાદ પણ પ્રગટ કર્યો. એનાથી પ્રભાવિત થઈને મહાન શિક્ષણશાસ્ત્રી આશુતોષ મુખરજીએ કલકત્તા યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે રાધાકૃષ્ણન્ની નિમણૂક કરી. અહીંથી તેઓ દાર્શનિક તરીકે વિશ્ર્વવિખ્યાત બન્યા. ડો. રાધાકૃષ્ણન્ કેવળ પુસ્તકસર્જનની ફિલોસોફીમાં માનતા નહોતા પણ શિક્ષણના વ્યાપ સાથે વહીવટી કૌશલને પણ એટલું જ મહત્ત્વ આપતા. આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે વહીવટી પટુતાના પરિચય કરાવ્યો. ટૂંક સમયમાં જ આંધ્ર યુનિવર્સિટી લોકપ્રિય બની ગઈ. દિન-પ્રતિદિન શિક્ષણક્ષેત્રે એમનું નામ ટોચ પર પહોંચી ગયું. પરિણામે પં. મદનમોહન માલવિયાજીએ એમને વિશ્ર્વવિખ્યાત કાશી હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કર્યા.
 
શિક્ષણક્ષેત્રે ( Sarvepalli Radhakrishnan Education ) લગભગ ૪૦ વર્ષનો વિશાળ અનુભવ ધરાવનાર ડો. રાધાકૃષ્ણન્ના અધ્યક્ષપદે ભારત સરકારે ૧૯૪૮માં એક શિક્ષણ પંચની નિમણૂક કરી. આ એજ્યુકેશન કમિશને ૧૯૫૦માં એનો રિપોર્ટ ભારત સરકારને સોંપ્યો, જેમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન સૂચવવામાં આવ્યું. આજે પણ શિક્ષણક્ષેત્રના સંદર્ભ તરીકે ડૉ. રાધાકૃષ્ણન્નાં રિપોર્ટનો આધાર લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. યુનો સંચાલિત UNESCO (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલચ્ર ઓર્ગેનાઈઝેશન) સંસ્થાની સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રારંભથી જ સભ્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી. આમ શિક્ષણક્ષેત્રે ડો. રાધાકૃષ્ણને અમીટ છાપ છોડી છે.
 
ભારત આઝાદ થયું ત્યારે રાષ્ટ્રીય સ્તરે એમની સેવાઓ મળે તે આશયથી તેઓએ બનારસ હિંદુ વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિ પદેથી રાજીનામું આપ્યું. પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્ર્વવિદ્યાલય અનુદાન આયોગ (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ની રચના કરી અને એના ચેરમેન તરીકે ડો. રાધાકૃષ્ણન્ની નિમણૂક કરી. વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ એમની રશિયાના રાજદૂત તરીકે પસંદગી કરી. એ દરમિયાન ભારત અને રુસના સંબંધો ખૂબ નિકટતમ બન્યા. રશિયાના વડાપ્રધાન સ્ટાલિન કે જેઓએ પૂર્વ રાજદૂત વિજ્યાલક્ષ્મી પંડિતને મુલાકાત નહોતી આપી, તેમણે ડો. રાધાકૃષ્ણન્ને બે વાર મુલાકાત આપી હતી.
 
ડો. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિપદે ચૂંટાયા ત્યારે ડો. રાધાકૃષ્ણનની ઉપરાષ્ટ્રપતિ પદે નિમણૂક થઈ. બંધારણ અનુસાર ઉપરાષ્ટ્રપતિ એ ઉપલા ગૃહ રાજ્યસભાના ચેરમેન હોય છે. તેઓ દસ વર્ષ ઉપરાષ્ટ્રપતિ તરીકે રહ્યા. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી તેઓએ રાષ્ટ્રપતિપદ શોભાવ્યું. ડો. રાજેન્દ્ર પ્રસાદ પ્રખર કોંગ્રેસી હતા એટલે વડાપ્રધાન નહેરુ સાથે મતભેદ છતાં મનમેળ રાખતા.
 
ડો. રાધાકૃષ્ણન્ રાજકારણી નહોતા. નીતિ-નિયમને અનુસરનારા હતા એટલે વડા પ્રધાન પં. નહેરુ સાથે ઘણી વાર વિરોધાભાસ જોવા મળતો. પોતાના વિચારોને વ્યક્ત કરવામાં ડો. રાધાકૃષ્ણન કોઈની પણ શેહશરમ નહોતા રાખતા છતાં નહેરુ સાથે એકરાગતા પણ રાખતા, પરંતુ સ્પષ્ટ મંતવ્યો અભિવ્યક્ત કરવામાં અચકાતા નહોતા. પરિણામે ધીમેધીમે રાધાકૃષ્ણન અને નહેરુ વચ્ચે અંતર વધવા લાગ્યું હતું.
 
૧૯૬૨માં ચીની આક્રમણ થયા બાદ આ અંતર ખૂબ જ વધી ગયું હતું. ૧૯૬૭માં રાધાકૃષ્ણને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જે પ્રવચન કર્યું હતું તેમાં સ્પષ્ટ છાપ ઊઠતી હતી કે તેઓ કોંગ્રેસની તત્કાલીન સરકારની કેટલીક કામગીરીથી સંતુષ્ટ નહોતા. આ એમનું અંતિમ ભાષણ હતું. દેશની પ્રજાનાં હિતોને જોખમાવે તેવાં અનિષ્ટોની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જાહેર જીવનમાં હવે અપ્રમાણિકતા પ્રવેશવા લાગી છે. આથી આપણે હવે ચેતી જવાની જરૂર છે અને હવે નવાં પરિવર્તન લાવવાં જ પડશે.
 
ડૉ. રાધાકૃષ્ણન્ જીવનમાં સાદગીની સાથે સ્વચ્છ જાહેર જીવનના આગ્રહી હતા. રાષ્ટ્રપતિપદે હતા ત્યારે માત્ર રૂ. ૨,૫૦૦નું વેતન લેતા હતા. તેઓ રાષ્ટ્રપતિપદના ઉચ્ચ અને ગૌરવભર્યા સ્થાને હતા ત્યારે પણ પોતાની જાતને પ્રથમ શિક્ષક ગણવામાં ગૌરવ અનુભવતા. તેમના જન્મદિનને ‘શિક્ષકદિન’ તરીકેનું બહુમાન અપાવનાર શિક્ષક વર્ગને ઉચ્ચ દરજ્જો અપાવનાર ડો. રાધાકૃષ્ણનનું ૧૭ એપ્રિલ, ૧૯૭૫માં દેહાવસાન થયું હતું.
 
 

Sarvepalli Radhakrishnan 
 

પ્રેરક પ્રસંગો | Sarvepalli Radhakrishnan Biography

 
 
શિક્ષક પ્રત્યેનું કડક વલણ
 
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ આંધ્ર યુનિવર્સિટીનો કાર્યભાર સંભાળતા હતા તે વખતની વાત છે. એક વખત રાધાકૃષ્ણને સાયન્સ કોલેજના નોટિસ બોર્ડ ઉપરનું લખાણ વાંચ્યું. તેમાં લખ્યું હતું : મિ. ગોવિંદ કૃષ્ણૈયાહ તેમનો વર્ગ લીધા વગર જતા રહ્યા છે.
 
બીજા દિવસે રાધાકૃષ્ણને ગોવિંદ કૃષ્ણૈયાહને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. બોર્ડ ઉપરના વિદ્યાર્થીઓના લખાણની વાતના સંદર્ભમાં સાચી વાત શી છે તે પૂછ્યું અને સ્પષ્ટ કહ્યું કે તેઓ નિયમિતપણે અને ગંભીરતાપૂર્વક પોતાનું કામ સંભાળે, નહીં તો યુનિવર્સિટી છોડી દે. ગોવિંદ કૃષ્ણૈયાહે શૈક્ષણિક વર્ષના અંત પહેલાં યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી દીધું અને જાણવા મા પ્રમાણે બર્મા શેલમાં જોડાયા હતા.
 
વિદ્યાર્થીઓ પ્રત્યેનું કડક વલણ
 
ડૉ. રાધાકૃષ્ણન્ને જાણવા મું કે રસાયણશાસ્ત્રના મોટા ભાગના વિદ્યાર્થીઓ ડૉ. ટી. આર. શેષાદ્રિના વર્ગોનો અઠવાડિયાથી બહિષ્કાર કરી રહ્યા છે. વધુ તપાસ કરતાં જાણવા મું કે તે વખતે અલગ આંધ્ર બાબત આંદોલન ચાલી રહ્યું હતું અને શેષાદ્રિજી તમિલ હતા, તેથી વિદ્યાર્થીઓ વિરોધમાં તેમના ક્લાસમાં જતા ન હતા. રાધાકૃષ્ણને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના બધા જ વિદ્યાર્થીઓને બોલાવ્યા અને સખતાઈપૂર્વક પૂછ્યું કે, તમને મિ. શેષાદ્રિના શિક્ષણકાર્ય વિશે કોઈ જાતની ફરિયાદ છે ? વિદ્યાર્થીઓ શો જવાબ આપે ? બધા અનુત્તર રહ્યા, તેથી રાધાકૃષ્ણને તે બધાને કહ્યું, કાલથી મિ. શેષાદ્રિના ક્લાસમાં નિયમિત અને નમ્રપણે જે હાજર નહીં રહે તેને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ જાણતા હતા કે વાંક તો તેઓનો જ હતો ને ડૉ. રાધાકૃષ્ણન્ તો જે કહે તે કરે જ, એટલે એ જ દિવસથી બધાએ મિ. શેષાદ્રિના ક્લાસમાં ભણવા માટે હાજરી આપી.
 
 
રાધાકૃષ્ણન્નો અજોડ બંધુત્વભાવ
 
 
૧૯૬૫ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે રાધાકૃષ્ણન્ના ઉમદા વ્યક્તિત્વનું એક સાચા નાગરિક તરીકેનું પાસું પ્રદર્શિત થયું. બન્યું એવું કે હવાઈ હુમલાથી રક્ષણ મેળવવા માટે દિલ્હીના વરિષ્ઠ નાગરિકો માટે શહેરમાં અનેક ખાઈ ખોદવામાં આવી હતી. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે તો હાલના રાષ્ટ્રપતિભવનના ભોંયરામાં પણ આવી જ ખાઈ ખોદવામાં આવી હતી. પાકિસ્તાનના હવાઈ હુમલા વખતે તેનો ઉપયોગ કરવાની રાધાકૃષ્ણન્ને વિનંતી કરવામાં આવી ત્યારે તેમણે એ માટે સ્પષ્ટ ના પાડી અને કહ્યું : કોઈ પણ પરિસ્થિતિમાં હું તો મારા દેશબાંધવો સાથે ખુલ્લી હવામાં શ્ર્વાસ લેતાં જ મરવાનું પસંદ કરીશ.
 
 
નિર્ભય દેશપ્રેમી
 
 
૨૬મી ઑગસ્ટ, ૧૯૨૯ના રોજ ડૉ. રાધાકૃષ્ણને ડૉ. બલરામક્રિષ્નૈયાના પુસ્તક ‘Manava Jivetama’ની પ્રસ્તાવના લખી આપી : સ્વરાજ પ્રત્યેક પ્રજાનો રાષ્ટ્રીય અને કાયદેસ૨નો જન્મસિદ્ધ હક્ક છે.
 
ઉપરોક્ત વાત લખી ત્યારે રાધાકૃષ્ણન્ ‘Indian Education Service’ના સભ્ય હોવાથી સરકારી કર્મચારી હતા અને વિશાળ કુટુંબની જવાબદારી પોતાના શિરે હતી. વળી, તેમની પાસે આવકનો કોઈ ખાનગી સ્રોત ન હતો. એ વખતે નિર્ભયપણે સાચી વાત લખી એ તેમની સત્યનિષ્ઠા અને સ્વભાવગત શૌર્ય દર્શાવે છે.
 
 
વિચારસ્વાતંત્ર્યના આગ્રહી
 
 
આંધ્ર યુનિવર્સિટી સંલગ્ન એક કૉલેજમાં બનેલી ઘટના ખૂબ પ્રેરક ને રસપ્રદ છે. કાકીનાડાની પી. આર. કૉલેજમાં ગોયરાજુ રાજચંદ્ર રાવ ૧૯૨૮થી વનસ્પતિશાસ્ત્રના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. ૧૯૩૨ના અંતભાગમાં તેમણે વિદ્યાર્થીઓના હસ્તલિખિત સામયિક ‘The Critic’માં એક લેખ લખ્યો હતો, જેનું શીર્ષક હતું : The Concept of God’. આ લેખમાં તેમણે જણાવ્યું હતું કે ઈશ્ર્વરની અવધારણા ઉપયોગી હોવા છતાં કંઈક અંશે ખોટી છે ને તેથી તે અંધશ્રદ્ધા ને જેહાદી મનોવૃત્તિની પોષક છે. આ સમયે કૉલેજના કાર્યવાહકો ‘બ્રહ્મોસમાજ’થી પ્રભાવિત હતા. તેમણે આ લેખ વાંચીને વાંધો ઉઠાવ્યો, એટલું જ નહીં, લેખક પાસે આનો ખુલાસો માગ્યો. પ્રો. રાવે ખુલાસો કર્યો કે પોતે નિરીશ્ર્વરવાદી હોવાથી આ વિચારો વ્યક્ત કર્યા છે. વાત આગળ ચાલી ને કૉલેજના તંત્ર દ્વારા તેમને ત્રણ મહિનાની નોટિસ આપીને કૉલેજમાંથી છૂટા કરવાની કાર્યવાહી શરૂ કરી. આખો મામલો ડૉ. રાધાકૃષ્ણને જાણ્યો. પ્રો. રાવ વિદ્વાન અને નિષ્ઠાવાન અધ્યાપક હતા. તેમના વિચારો સાથે સહમત ન થવાના કારણે તેમને નોકરીમાંથી છૂટા કરવાની વાત રાધાકૃષ્ણન્ને જરા પણ વાજબી ને સાચી ન લાગી. તેમણે આખી વાતમાં વચ્ચે દરમિયાનગીરી કરીને નોટિસ પાછી ખેંચાવી અને સમગ્ર કાર્યવાહી અટકાવી દીધી. થોડા સમય પછી મછલીપટ્ટમની હિન્દુ કૉલેજમાં વનસ્પતિશાસ્ત્રનો વિષય શરૂ કરાવ્યો અને પ્રો. રાવની ત્યાં નિમણૂક કરાવી દીધી હતી.
 
 
શિસ્તના હિમાયતી
 
 
ડૉ. રાધાકૃષ્ણન્ આંધ્ર યુનિવર્સિટીના છાત્રાલયની મુલાકાત લગભગ સાંજે ફરવા જાય ત્યારે જ લેતા હતા. કોઈ પણ વિદ્યાર્થીની વર્તણૂક યોગ્ય ન લાગે તો તરત કડક પગલાં લેતા. વિદ્યાર્થીની રીતભાત સૌજન્યશીલ હોવી જ જોઈએ તેમ તેઓ માનતા. એક વખત આવી અનૌપચારિક મુલાકાતમાં તેમણે જોયું કે છાત્રાલયનો એક વિદ્યાર્થી ખૂબ મોટા અવાજે ઓરિયા ગીત ગાઈ રહ્યો હતો. જો કે તે પોતાના રૂમમાં ગાતો હતો, પણ મસ્તીમાં અવાજ ખૂબ મોટો થતો જતો હતો ! રાધાકૃષ્ણને તેના રૂમનું બારણું ખટખટાવ્યું ને વિદ્યાર્થીને કહ્યું, દોસ્ત ! તું તાનમાં આવી ગયો છો, પણ તારે ધ્યાન રાખવું જોઈએ કે તારી બાજુના રૂમમાં બીજા વિદ્યાર્થીઓ રહે છે. વિદ્યાર્થી થોડો શરમિંદો થઈને ચૂપ થઈ ગયો. કેટલીક વાર કઠોર બન્યા વગર પણ તેઓ વિદ્યાર્થીને શિસ્તના પાઠ શીખવતા હતા.
 
 
હાજરજવાબી સ્પષ્ટવક્તા
 
 
ડૉ. સર્વપલ્લી સંપૂર્ણપણે આસ્તિક હિન્દુ હતા ને તેમને ભારતીય સંસ્કૃતિ, ધર્મ ને પરંપરામાં ઊંડી આસ્થા હતી. તેની વિરુદ્ધ જો કોઈ વાત કરે તો તાર્કિક ને સ્પષ્ટ જવાબ આપીને ટીકાકારોને શાંત કરી દેતા હતા. એક વખત બ્રિટનની સભામાં તેઓ ભારતીય સંસ્કૃતિ વિશે વાત કરી રહ્યા હતા. એક અંગ્રેજ શ્રોતાએ તેમને પૂછ્યું : તમારા ભારતદેશમાં લોકોની રહેણીકરણી, વેશભૂષા તથા રૂપરંગના આધારે કેટલી બધી વિવિધતા છે ! શું આને તમે સંસ્કૃતિ ને લોકજીવન કહો છો ?’’ રાધાકૃષ્ણને માર્મિક હાસ્ય સાથે જવાબ આપ્યો : ઘોડાનાં રંગ-રૂપ જુદાં હોય છે, જ્યારે ગધેડાનાં રંગ-રૂપ લગભગ સરખાં હોય છે ! મહાશય ! જ્યાં વૈવિધ્ય હશે ત્યાં વિકાસ કરીને આગળ વધવાનું લક્ષ્ય હશે. જ્યાં જમીન ખાડાટેકરાવાળી, પથરાળ કે ફળદ્રૂપ હશે, ક્યાંક પાણીથી ભરેલી તો ક્યાંક સૂકી હશે, તો આબોહવા ને જમીનના પ્રકાર પ્રમાણે જુદાંજુદાં અનાજ ને ફળ તથા ફૂલ ઉગાડી શકાશે. ખોરાક, જીવનપ્રણાલી ને સૃષ્ટિમાં વિવિધ સૌંદર્ય જોવા મળશે. જ્યાં જમીન બિનઉપજાઉ હશે ત્યાં ઊપજ લેવા માટે માણસો પ્રયત્ન કરશે, કુદરત સાથે તાદાત્મ્ય સધાશે, એટલે જ અમારા ભારતની સંસ્કૃતિ વિવિધતામાં એકતાવાળી છે. આ સાંભળી અંગ્રેજ ટીકાકાર ચૂપ થઈ ગયેલ.
 
 
હું ઇંગ્લેન્ડ ભણવા નહીં ભણાવવા જઈશ !
 
 
રાધાકૃષ્ણને લગભગ ૧૯૧૭ સુધી મદ્રાસની પ્રેસિડન્સી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કર્યું. પ્રોફેસર રાધાકૃષ્ણન્ જ્યારે વર્ગમાં દર્શનશાસ્ત્ર ઉપર અંગ્રેજીમાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપતા ત્યારે સહુ મંત્રમુગ્ધ બનીને સાંભળતા ને દર્શનશાસ્ત્રનો તેમનો ઊંડો અભ્યાસ જોઈને બધાંને થતું કે રાધાકૃષ્ણને કેટલાંય વર્ષ ઇંગ્લૅન્ડમાં ઑક્સફર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હશે. આવું માનનારા એક વિદ્યાર્થીએ તેમને પૂછેલું પણ ખરું કે ‘સાહેબ ! આપે વિદેશી યુનિવર્સિટીઓમાંથી કઈ-કઈ ડિગ્રી મેળવી છે ?’
 
ત્યારે પ્રોફેસરે શાંતિથી જવાબ આપ્યો કે ઇંગ્લૅન્ડમાં કદીયે હું ભણવા ગયો નથી - હા, ભણાવવા માટે જરૂર જઈશ !’ આવું બોલતી વખતે તેમના મુખ ઉપર આત્મવિશ્ર્વાસની અનેરી આભા હતી અને બધા વિદ્યાર્થીઓ તેમની આ વાતમાંથી જાણે કંઈક પ્રેરણા લેતા હતા કે પરદેશમાં જઈને જ શિક્ષણ લેવું અને ડિગ્રી મેળવવી એ જરા પણ જરૂરી નથી, જરૂરી છે પોતાના વિષયમાં અને ક્ષેત્રમાં વિદ્વાન બનવું.
 
 
સ્પષ્ટવક્તા સત્તાધીશ
 
 
દેશ-વિદેશમાં બનતી છેલ્લામાં છેલ્લી ઘટનાઓથી ડૉ. રાધાકૃષ્ણન્ હંમેશાં માહિતગાર રહેતા અને સંસદમાં થતી ચર્ચાઓ ઉપર ખાસ ધ્યાન આપતા. અલબત્ત, તેમને મળતા સાંસદોને મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપતા, પરંતુ અપ્રસ્તુત વાતને સખતપણે વખોડી કાઢતા હતા. પં. નહેરુ સાથે ખૂબ સારા ને માનભર્યા સંબંધો હોવા છતાં તેમના નેતૃત્વવાળી સરકારની નીતિ ખોટા માર્ગે હોય તો એ માટે સ્પષ્ટ વાત કરતા, જેમ કે શેખ અબ્દુલ્લા સામે સરકારે લીધેલાં પગલાંથી અને ૧૯૪૮માં દેશના હિતને અવગણીને આંતરરાષ્ટ્રીય મત મુજબ વર્તવાના સરકારના નિર્ણયથી રાધાકૃષ્ણન્ ખૂબ નારાજ હતા, એથી નહેરુએ જ્યારે ક્યુબા વિશે નિવેદન કર્યું ત્યારે રાધાકૃષ્ણને ટકોર કરેલી કે, આપણે બાકીની દુનિયાની ચિંતા કરવાનું છોડી દઈએ અને થોડી વાર માટે આંતરરાષ્ટ્રીય બનવાનું બાજુ ઉપર રાખીને રાષ્ટ્રીય બનીએ તો સારું.
 
 
કડક શિસ્તપાલનના આગ્રહી
 
 
રાજ્યસભાના સભાપતિ તરીકે રાધાકૃષ્ણને હંમેશાં રાજ્યસભાનું સંચાલન હળવાશથી પણ શિસ્તભર્યા વાતાવરણમાં જ કર્યું હતું. સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષના સભ્યોને તેઓ સરખો જ ન્યાય ને સંતોષ આપતા. તેમના નિર્ણયની વિરુદ્ધમાં સભાગૃહનો ત્યાગ કરવાની કે વિરોધભરી અશિસ્ત દાખવવાની ઘટના બનતી જ નહીં. રાધાકૃષ્ણન્ રાજ્યસભામાં શિસ્ત બાબત એટલા કડક હતા કે ગમે તે પદ ઉપરની વ્યક્તિ પણ જો બેજવાબદારીપૂર્વક વર્તન કરે તો ચલાવી ન લેતા. એક વખત વડાપ્રધાન પંડિત નહેરુજી શ્રી મેનનને કંઈક કહેવા માગતા હતા, તેથી જાણે કોઈ ઔપચારિક સામાજિક સમારંભ હોય તેમ પોતાની ખુરશી છોડી મેનનની ખુરશી પાસે ગયા, એથી રાધાકૃષ્ણને સ્વાભાવિક દૃઢતાથી કહ્યું, શ્રીમાન પ્રધાનમંત્રી ! તમે આ શું કરી રહ્યા છો ? પંડિતજીએ માફી માગી અને તરત પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું.
 
 

Sarvepalli Radhakrishnan 
 
 

હિન્દુ ધર્મ વિશે ડૉ. રાધાકૃષ્ણન્‌ના વિચારો | Dr Darvepalli Radhakrishnan Thoughts in Gujarati

 
 
હિન્દુ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અગ્રણી કાર્યવાહક પ્રવક્તા તરીકે રાધાકૃષ્ણન્ને માન્યતા મળી જતાં અમેરિકા અને યુરોપની યુનિવર્સિટીઓ તેમને આ વિષય ઉપર વ્યાખ્યાન આપવા આમંત્રણ આપવા લાગી હતી. બધા જ ભારતીયો માટે એ ગૌરવપૂર્ણ વાત હતી કે જેમણે પશ્ર્ચિમના દેશોમાં જઈને શિક્ષણ મેળવ્યું ન હતું એવા ભારતના આ પનોતા પુત્રની પાશ્ર્ચાત્ય યુનિવર્સિટીઓના શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાતા તરીકે પસંદગી થઈ હતી. બ્રિટનની અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત ઑક્સફર્ડની માન્ચેસ્ટર કૉલેજમાં અપટોન લેક્ચ૨૨ તરીકે રાધાકૃષ્ણન્ ગયા હતા. ધ બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિલોસોફિકલ સ્ટડીઝમાં વ્યાખ્યાન આપીને તેઓ મેધાવી વિદ્વાન તરીકે સર્વત્ર આવકાર પામ્યા. ઍરિસ્ટોટલિયન સોસાયટી ઑફ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને વ્યાખ્યાતા તરીકે નિમંત્રણ આપ્યું. અમેરિકાની શિકાગો યુનિવર્સિટી ઉપરાંત યેલ, હાર્વર્ડ, પ્રિન્સ્ટન, કોલંબિયા યુનિવર્સિટીએ પણ તેમનાં વ્યાખ્યાનમાં રસ દાખવ્યો, જેમાં ન્યૂયૉર્કની યુનિયન થિયૉલોજિકલ સેમિનરી અને કેલિફોર્નિયાની પૅસિફિક સ્કૂલ ઑફ રિલિજિયન જેવી સંસ્થાઓ પણ સામેલ હતી. રાધાકૃષ્ણન્ એ દરેક આમંત્રણનો સ્વીકાર કર્યો અને વિદેશોમાં ભારતની ગરિમાને ઉજ્જ્વળ કરી બતાવી, એટલું જ નહીં, ૧૯૨૬માં બ્રિટિશ સામ્રાજ્યની યુનિવર્સિટીઓની વર્લ્ડ કૉન્ફરન્સમાં કલકત્તા યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળમાં સ૨ જગદીશચંદ્ર બોઝની સાથે રાધાકૃષ્ણનની પસંદગી થઈ. લંડનમાં તેમણે ‘હિન્દુઓની જીવનદૃષ્ટિ’ એ વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું. હાથમાં કોઈ નોંધ રાખ્યા વગર સતત એક કલાક સુધી તેઓ બોલતા રહ્યા. તેમના એ વ્યાખ્યાનથી જ શ્રોતાઓ એવા પ્રભાવિત થયા કે, બીજા વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા ત્રણગણી થઈ અને પછીનાં બે વ્યાખ્યાન માટે આયોજકોએ બીજા સ્થળે મોટા હૉલની વ્યવસ્થા કરવી પડી ! રાધાકૃષ્ણને હિન્દુઓની રહેણીકરણી અને રીતરિવાજો ઉપર પ્રકાશ પાડ્યો અને કહ્યું - હિન્દુધર્મ ઊંડી આસ્થા ઉપર આધારિત છે. દરેક હિન્દુ ‘ગીતા’ના અનુસરણ દ્વારા જ કર્મયોગ સાધે છે ને સમજે છે કે માનવી જેવું કર્મ કરશે તેવું ફળ ભોગવવું પડશે. આમ કર્મના સિદ્ધાંતને લીધે તે સત્કર્મ કરે છે ને દુષ્કર્મથી બચે છે. હિન્દુઓ સર્વોચ્ચ શક્તિ તરીકે ઈશ્ર્વરનો સ્વીકાર કરે છે મૃત્યુલોકને નશ્ર્વર માને છે. લંડનનાં અખબારોએ રાધાકૃષ્ણન્નાં વ્યાખ્યાનના અહેવાલો પ્રથમ પાના ઉપર પ્રસિદ્ધ કર્યા, એટલું જ નહીં, તે પાછળથી ‘The Hindu View of -ife’ નામે પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થયાં હતાં.
 

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અને હિન્દુત્વ | Dr. Sarvepalli Radhakrishnan and Hindutva

 
 
સુપ્રીમ કોર્ટેં પણ હિન્દુત્વની વ્યાખ્યા કરી ત્યારે ડો. રાધાકૃષ્ણન્નો સંદર્ભ ટાંક્યો હતો : ‘હિન્દુત્વ’ને લઈને આપણે ત્યાં મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટેં કહ્યુ છે કે, હિન્દુત્વ એ કોઈ ધર્મ નથી, હિન્દુત્વ તો એક જીવનશૈલી છે. પરંતુ આપણામાંથી બહુ ઓછાને જાણકારી હશે કે સુપ્રીમ કોર્ટના વિધાન પાછળ ભારતના મહાન ચિંતક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્નો પણ એક સંદર્ભ ટાંકવામાં આવ્યો છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ‘હિન્દુ - વ્યૂ ઓફ લાઇફ’માં હિન્દુ શબ્દ અને સભ્યતાની ખૂબ સુંદર છણાવટ કરી હતી. એનો સંદર્ભ વરસો પછી એક કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટેં આપ્યો હતો અને હિન્દુત્વનો એક જીવનશૈલી તરીકે ઉલ્લેખ કર્યો હતો. હિન્દુત્વની વ્યાખ્યા બદલી નાંખનારો આ કેસ બન્યો હતો ૧૯૯૦માં. એ વરસની ચૂંટણીમાં ભાજપ-શિવસેનાના ઉમેદવાર શ્રી મનોહર જોશીએ ચૂંટણી પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં પહેલું હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આવશે.’
 
આ બાબતને લઈને એન.બી.પાટીલ નામના વ્યક્તિએ મનોહર જોશી પર કેસ કર્યો હતો કે, તેમણે વોટ મેળવવા માટે ધર્મની રાજનીતિ કરી છે, હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ ધર્મ શબ્દનો ઉલ્લેખ કરીને ધાર્મિક ભાવનાને આધારે તેમણે હિન્દુઓને આકર્ષવાનો અને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ કેસ રિપ્રેજેન્ટેશન ઓફ પીપલ એક્ટના સ્ોક્શન - ૧૨૩(૩) અને (૩એ)ના ઉલ્લંઘન બાબત દાખલ કરવામાં આવ્યો હતો.
 
કેસ ગંભીર બન્યો અને છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે મનોહર જોશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે એનો ફેંસલો આવ્યો. ૧૧મી ડિસેમ્બર - ૧૯૯૫ના રોજ ફેંસલો આપતાં જસ્ટીસ જે.એસ. વર્માએ કહ્યું કે, ‘મનોહર જોશીએ હિન્દુ શબ્દનો ઉપયોગ કર્યો એ ધર્મ આધારિત નથી. હિન્દુત્વ તો ભારતીય લોકોની જીવનશૈલી છે.
 
૬૩ પાનાંનો આ ફેંસલો આપતા ત્રણ ન્યાયમૂર્તિની પીઠે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો સંદર્ભ ટાંકતાં લખ્યું હતું કે,
‘ડો. રાધાકૃષ્ણન્ અનુસાર’ ‘હિન્દુ સભ્યતા શબ્દ એટલાં માટે વાપરવામાં આવ્યો છે કારણ કે, તેમાં માનનારા પશ્ર્ચિમોત્તર સીમા પ્રાંત અને પંજાબમાં પ્રવાહિત નદીઓ દ્વારા સચીત ભૂ ભાગમાં નિવાસ કરનારા હતા. પ્રાચીનતમ્ વેદ ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ છે. હિન્દુ શાસ્ત્રોમાં ઇતિહાસના આ કાલખંડને વૈદિક કાળ કહેવામાં આવ્યો છે. સિન્ધુ નદીના ભારતીય તટો તરફ નિવાસ કરનારાઓને ફારસ અને અન્ય પશ્ર્ચિમી આક્રાંતાઓ દ્વારા હિન્દુ જ કહેવાયા છે. આથી હિન્દુને એક જીવનદર્શનથી વધારે કશું જ ના કહી શકાય. (સંદર્ભ : ડો. રાધાકૃષ્ણન્ લિખિત હિન્દુ વ્યૂ ઓફ લાઇફ, પૃષ્ઠ - ૧૨.)
 
ન્યાયાધીશો આગળ લખે છે કે, ‘ડો. રાધાકૃષ્ણન્’ અનુસાર હિન્દુ શબ્દનું મૂલત: મહત્વ પાંથિક વિચારના બદલે ભૌગોલિક વધુ છે. આ શબ્દથી સુનિશ્ર્ચિત ભૌગોલિક નિવાસીઓનું પરિજ્ઞાન (સંપૂર્ણ જ્ઞાન) થાય છે. એનાથી સમુદાયનો ખ્યાલ ઉભરે છે, પંથનો નહીં. અનાદિકાળથી રહેતી જનજાતિઓ, ગિરિજનો અને અર્ધસભ્ય લોકો, સુસંસ્કૃત દ્રવિડ અને વૈદિક આર્ય બધા જ હિન્દુ હતા, કારણ કે તે બધા જ એક જ માતાના પુત્રો હતા. હિન્દુ મનિષીઓને એ જાણ હતી કે આ દેશમાં નિવાસ કરનારા લોકો વિભિન્ન સંપ્રદાયોના છે, તેઓ અનેક દેવી-દેવતાઅઓના પ્ાૂજક છે અને તેમના વિધિવિધાન પણ ભિન્ન છે.
 
કોર્ટેં વધુમાં ઉમેર્યું કે, ‘અમે પહેલાં જ આ તથ્યો તરફ ઈંગિત કર્યુ છે કે સંસારના અન્ય કોઈ માન્યતા પ્રાપ્ત સંપ્રદાય અથવા ધાર્મિક વિચારધારા માટે જે પણ સામાન્ય નિષ્કર્ષ લાગુ થતાં હોય તે હિન્દુ ધર્મના સંબંધમાં વિચાર કરતી વખતે પર્યાપ્ત સિદ્ધ નહીં થાય. સામાન્યત: કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંપ્રદાય અથવા ધાર્મિક વિચારધારા માટે કેટલાંક દાર્શનિક સિદ્ધાંત અને અને ઈશ્ર્વરવાદી વિશ્ર્વાસ અનિવાર્ય હોય છે. શું આ નિષ્કર્ષ હિન્દુ ધર્મ માટે પણ લાગુ છે? આ પ્રશ્ર્નનો ઉત્તર આપવા માટે અમે ડો. રાધાકૃષ્ણન્ દ્વારા ભારતીય દર્શન પર લખાયેલ પુસ્તકને આધાર માનીએ છીએ. (ઇન્ડિયન ફિલોસોફી : ડો. રાધાકૃષ્ણન્ - ભાગ - ૧, પૃષ્ઠ : ૨૨-૨૩). અન્ય દેશોથી વિપરીત પ્રાચીન ભારતમાં દર્શન શાસ્ત્ર કોઈ વિજ્ઞાન અથવા કલાથી આનુષંગિક નહોતું. એનું અસ્તિત્વ પ્રમુખતા પ્રાપ્ત અને સ્વતંત્ર હતું.
 
ડો. રાધાકૃષ્ણન્નું કથન છે કે, ‘ઇતિહાસના તમામ કાલખંડ અને તમામ પરિસ્થિતીઓ, જેમાંથી ભારત દેશ પસાર થયો છે તેમાં તેની એક સ્પષ્ટ અને વિશિષ્ટ ઓળખ દૃષ્ટિગત થાય છે. હિન્દુ ધર્મે પોતાના સુનિશ્ર્ચિત મનોવૈજ્ઞાનિક રુઝાનને દૃઢતાપૂર્વક અપનાવી રાખ્યો અને એ જ એની વિશિષ્ટ વિરાસત પણ બની ગઈ. આ વિરાસત ત્યાં સુધી ભારતીય લોકોની મૌલિક ચારિત્રિક વિશેષતા પણ બની રહેશે જ્યાં સુધી એને સ્વતંત્ર તથા પૃથક્ જીવન જીવવાનો અવસર પ્રાપ્ત થતો રહેશે.
 
ભારતીય વિચારધારાનો ઈતિહાસ બહુ જ સ્પષ્ટરૂપે એ તથ્ય પ્રસ્તુત કરે છે કે, હિન્દુ ધર્મનો વિકાસ સત્યની અંતહીન ખોજની ધારણાથી સ્ફૂર્ત રહેલો છે, કારણ કે તેને ખ્યાલ છે કે સત્યના અનેક પક્ષો છે. એકં સદ્ વિપ્રા:, બહુધા વદન્તિ! ભારતીય માનસ યુગોથી નિરંતર ઈશ્ર્વરના સ્વરૂપની સમસ્યા, મૃત્યુ પશ્ર્ચાત્ આત્મદર્શનની સમસ્યા, વ્યક્તિ અને સર્વશક્તિમાન પરમાત્મા મધ્યે વ્યાપ્ત સંબંધોના સ્વરૂપની સમસ્યા પર વિચાર કરતો રહે છે. ડો. રાધાકૃષ્ણન્ના વિચાર છે કે જો આપણે સૌ મતાંતરોને સારરૂપે ગહણ કરીએ અને ધ્યાનપૂર્વક ભારતીય વિચારધારાના મૂળ આત્માનું દર્શન કરીએ તો આપણને જ લાગશે કે આ જીવન અને પ્રકૃતિ તત્વત: એક જ રૂપમાં ગહણ કરે છે. જોકે આ પ્રવૃત્તિ એટલી લચીલી, જીવંત તથા બહુઆયામી છે અને ઉપદેશોમાં એના અંતર્હિત ભાવોની અનેક રૂપોમાં અને ક્યાંક - ક્યાંક તો વિરોધાભાસ જેવું પ્રકટ કરનારા ઉપદેશોના રૂપે અભિવ્યક્ત થઈ છે.
 
સેક્યુલરો અંગે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્નો મત...| Secularism and Dr. Sarvepalli Radhakrishnan
 
 
ઉપરોક્ત કેસ સંદર્ભે જ જ્યારે સેક્યુલરિઝમની વ્યાખ્યાની જરૂરિયાત ઊભી થયેલી ત્યારે તેમાં પણ કોર્ટેં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના મતને ટાંકેલો. ન્યાયમૂર્તિ દ્વયે ‘સ્ોક્યુલરિઝમનો વાસ્તવિક ચહેરો બતાવવા માટે મહાન ભારતીય દાર્શનિક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો સહારો લીધો છે. તેઓએ નિર્ણય આપતાં લખ્યુ હતું કે, ‘ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના પુસ્તક ‘આપણી વિરાસતમાં પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરીને પ્ાૃષ્ઠ - ૧૪૮ પર લખ્યુ છે કે, ‘સેક્યુલરિઝમ એક સિદ્ધાંત છે, જે તેમણે આપણને આપ્યો છે. આ એક ખોટો શબ્દ છે, જેની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે અને જે ઘણા બધા લોકો દ્વારા ખોટી રીતે સમજવામાં આવ્યો છે. એનો અર્થ ધર્મથી ઉદાસીન રહેવું તેવો નથી. એનો અર્થ ધર્મનો વિરોધ નથી. એનો અર્થ તો માત્ર એટલો છે કે રાજ્ય કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયું નથી, એ પ્રત્યેક ધર્મ પ્રત્યે આદરભાવ રાખે છે.
 
હિન્દુત્વ અને સેક્લયુરિઝમ સંદર્ભના ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના આ વિચારો આજે પણ સમજવા જેવા છે.
 
 
ડૉ. રાધાકૃષ્ણન્ની ચિંતનયાત્રા | Dr. Sarvepalli Radhakrishnan
 
 
- શિક્ષકની જવાબદારી અને કાર્ય નાનાંસૂનાં નથી. એક ડૉક્ટરની લાપરવાહીથી એક માણસનું જીવન જોખમાય છે, એક ઇજનેરની બેજવાબદારીથી એક ઇમારત તૂટી જાય છે, પણ શિક્ષકની બેજવાબદારીથી તો આખી એક પેઢીને નુકસાન થાય છે. માનવપેઢીને થતું નુકસાન કદી ચલાવી ન લેવાય.
 
- હિન્દુ ધર્મને પરિભાષિત કરવાનું કામ મુશ્કેલ છે. તે જાણે કે વિશ્ર્વાસનું એક સંગ્રહાલય છે ને જુદાંજુદાં કર્મકાંડનું મિશ્રણ છે, જે એક યુગથી બીજા યુગ સુધીમાં એકએક સંપ્રદાય કે સમુદાયથી બીજા સમુદાયમાં બદલાતું રહે છે. વૈદિક સમયમાં તેનો એક અર્થ થતો હોય તો બુદ્ધના કાળમાં બીજો અર્થ કરવામાં આવતો. શિવપંથીઓ તેમના અર્થ પ્રમાણે સમજણ ધરાવતા. એ રીતે વૈષ્ણવો માટે અલગ, તો શાક્તો માટે પણ ભિન્ન અર્થ રહેતો. આ બધું હોવા છતાં મને અતૂટ વિશ્ર્વાસ છે કે માત્ર ભારતનાં જ નહીં, પણ વિશ્ર્વના દૂરદૂરના શહેર, ગામ કે સાવ નાના ગામડામાં રહેનારા હિન્દુઓ નિરક્ષર હોય તો પણ જીવનના સત્ય ને સરળ વ્યવહારને જ ચિંતન ગણતા હોય છે. અહિંસાને દિલની ઉદારતા એ જ એમનું અધ્યાત્મ છે.
 
- સ્વરાજ દરેક પ્રજાજનનો રાષ્ટ્રીય અને કાયદેસ૨નો હક્ક છે. - નૈતિક આધાર વિના દુનિયાની કોઈ પણ સત્તા ઝાઝું ટકતી નથી. - ધર્મનું તત્ત્વ જ વેદનાગ્રસ્ત વિશ્ર્વને બચાવી શકશે અને આપણને જીવન જીવવા માટેનો હેતુ પૂરો પાડશે. - સ્વાતંત્ર્ય, સમાનતા અને ન્યાયના આદર્શો એ કોઈ સંપત્તિ નથી કે તેનું રક્ષણ કરવામાં આવે ! એ તો લક્ષ્ય છે કે જ્યાં સહુએ પહોંચવું જોઈએ. - ઇતિહાસની દિશા બદલી શકીએ એટલી શક્તિ આપણામાં છે.
 
ઉપસંહાર :  ડૉ. સર્વપલ્લીના ચતનને આત્મસાત્ કરીએ
 
 
ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું સમગ્ર જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. તેમણે શિક્ષણ ઉપરાંત પણ અનેક પ્રકારના વિષયોમાં પથદર્શક ભાથું પીરસ્યું છે જે આપણે જોયું. તેમનાં જીવનની ઘટનાઓ અને ચિંતનયાત્રાના ઉપરોક્ત વાક્યો આપણને જીવનયાત્રાને સફળ અને સરળ બનાવી દે તેવા છે. તેમના અણમોલ વિચારો અને ચિંતનને આપણે સૌ આત્મસાત્ કરીએ એ જ ડૉ. રાધાકૃષ્ણનનું સાચું સ્મરણ બની રહેશે. દેશના આ મહાન શિક્ષક, દાર્શનિક, રાષ્ટ્રપ્રેમીના સ્મરણ દિને તેમને કોટી કોટી વંદન.
 
 
 
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.