કાલા પહાડ - લવજિહાદનો શિકાર બનેલો એક હિન્દુ સેનાપતિ

લવજિહાદનો શિકાર એક હિન્દુ સેનાપતિ બન્યો અને પછી જે થયુ તે વાંચવા જેવું છે.. kalapahad hindu trapped in love jihad in 1565 । વાત સેનાપતિ કાલા પહાડની...

    18-Apr-2022   
કુલ દૃશ્યો |

kalapahad 
 
 
‘લવજિહાદ’ શબ્દ આમ તો છેલ્લા ત્રણ દશકાથી વધુ પ્રચારમાં છે, પણ પ્રેમની જાળમાં ફસાવી હિન્દુને મુસ્લિમ બનાવી દેવાની ઘણી ઘટનાઓ ઇતિહાસે નોંધી છે. આજે એવી જ એક લવજિહાદની ઘટનાની આપણે વાત કરીશું, જેમાં એક હિન્દુ સેનાપતિ મુસ્લિમ પ્રેમિકાના પ્રેમમાં અંધ બની મુસ્લિમ બની જાય છે અને પછી પોતાની લોહીતરસી તલવારથી સર્જે છે હિન્દુઓ પર અત્યાચાર, આંસુ અને ધર્મપરિવર્તનનો સિલસિલો.
 
લવજિહાદનો શિકાર બનેલ આ હિન્દુ યોદ્ધાનું નામ છે રાજીવ લોચન. લોકો તેને કલાચંદ રોય ભાદુરી તરીકે પણ ઓળખે છે. તે જન્મે વૈષ્ણવ બ્રાહ્મણ હતો. પ્રારંભમાં તે રાજવહીવટનો કર્મચારી હતો પણ પછીથી તે બની ગયો અત્યંત સાહસિક, કુશળ લશ્કરી વ્યૂહબાજ અને અજેય યોદ્ધો. રાજીવ લોચનનું અસીમ બળ, પહાડી દેહ અને રણકૌશલ્ય જોતાં ઓરિસ્સા (કલિંગ)ના હિન્દુ રાજા ગજપતિ મુકુંદ દેવે તેને પોતાના સૈન્યનો સેનાપતિ બનાવી દીધો. રાજીવ લોચન વિશે એવું કહેવાય છે કે તેણે કરેલાં તમામ યુદ્ધોમાં તેણે વિજય પ્રાપ્ત કર્યો હતો. તે એક પણ યુદ્ધમાં પરાજિત થયો ન હતો.
 
આ ઘટનાનો સમયગાળો છે ૧૬મી સદીનો મધ્યકાળ. બરાબર તે સમયે દિલ્હીના તખ્ત પર મોગલ બાદશાહ અકબર હતો. તે સમયે ભારતના અનેક પ્રદેશો મોગલ શાસનની હકૂમત હેઠળ આવી ગયા હતા, પણ તે સમયના બંગાળ અને ઓરિસ્સાનાં ઘણાં ક્ષેત્રો અકબરના પ્રભાવથી દૂર હતા. તે સમયે ઓરિસ્સા (કલિંગ રાજ્ય) ઉપર શૂરવીર હિંદુ રાજા મુકુંદ દેવનું શાસન હતું. તો બંગાળના વર્તમાન હાવડા અને હુગલી જિલ્લા તથા મિદનાપુરના ભુરસુત સામ્રાજ્ય પર હિંદુ રાજા રુદ્રનારાયણનું શાસન હતું. અલબત્ત બંગાળમાં ગૌર પ્રદેશમાં સુલતાન સુલેમાન કર્રાનીનું શાસન હતું. સુલતાન સુલેમાન કર્રાની આ હિન્દુ પ્રદેશોને હડપવા સતત ઝંખતો હતો પણ તે કામ અઘરું એટલા માટે હતું કે કલિંગરાજ મુકુંદ દેવ અને ભુરસુત સામ્રાજ્યના હિન્દુ રાજા રુદ્રનારાયણ વચ્ચે મિત્રતા હતી અને બંનેમાં લશ્કરી ગઠબંધન પણ હતું. વધુમાં આ રાજ્યોનો સેનાપતિ અતિશૂરવીર રાજીવ લોચન હતો. જેનાથી સુલતાન સુલેમાન સતત ડરતો રહેતો. આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં એકવાર સુલતાને મુર્ખતાપૂર્ણ જોખમ ખેડી લીધું અને તેણે રાજા મુકુંદદેવ સામે યુદ્ધ છેડી દીધું (૧૫૬૫). બંગાળના હુગલી ક્ષેત્રના ત્રિવેણી સંગમ આગળ સુલતાન અને રાજા મુકુંદદેવ અને રાજા રુદ્રનારાયણની સંયુક્ત સેનાઓ સામસામે આવી ગઈ. ત્રિવેણીમાં મા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. આ યુદ્ધમાં સુલતાનની સેનાનો ભયંકર પરાભવ થયો. સેનાપતિ રાજીવ લોચનની યુદ્ધકલા અને શૌર્યને કારણે સુલતાનની સેના ઘાસની માફક કપાઈ ગઈ. યુદ્ધમાં સુલતાન ખરાબ રીતે હાર્યો અને રણમેદાન છોડી ભાગી ગયો. આ યશસ્વી વિજયથી આનંદિત થઈ રાજા મુકુંદ દેવે સેનાપતિ રાજીવ લોચનને સપ્તગ્રામનો પ્રશાસક બનાવી દીધો.
 
હવે સુલતાન સુલેમાન એ નિર્ણય ઉપર આવી ગયો કે જ્યાં સુધી રાજા મુકુંદ દેવની સેનાનો સેનાપતિ રાજીવ લોચન હશે ત્યાં સુધી આ હિન્દુ પ્રદેશો જીતવા અતિ દુષ્કર છે. માટે જો વિજય પ્રાપ્ત કરવો હશે તો સમર્થ સેનાપતિ રાજીવ લોચનને યેન કેન ઉપાયથી પોતાના પક્ષે કરી લેવો પડશે. જે તકની સુલતાન પ્રતીક્ષા કરતો હતો તે સમય પણ આવી ગયો. સન ૧૫૬૫ના ત્રિવેણીના યુદ્ધ પછી રાજા મુકુંદ દેવ અને સુલતાન સુલેમાન વચ્ચે કાયમી શાંતિ સ્થાપના માટે શાંતિવાર્તા ગોઠવાઈ. આ શાંતિવાર્તા માટે રાજા મુકુંદ દેવે પોતાના સેનાપતિ રાજીવ લોચનને સુલતાન સાથે ચર્ચા-વિમર્શ કરવા માટે મોકલ્યો. આમાં સુલતાનને સોનેરી તક દેખાઈ.
 
રાજીવ લોચન લવજિહાદનો શિકાર બને છે
 
ચતુર સુલતાને હવે રાજીવ લોચનને પોતાનો કરી લેવા લવજિહાદનો માર્ગ અપનાવ્યો. સુલતાનને એક અત્યંત ખૂબસૂરત પુત્રી હતી, જેનું નામ હતું દુલારી. લોકો તેણે ગુલનાજ તરીકે પણ ઓળખતા. ગુલનાજ એટલે સુગંધિત પુષ્પ. દુલારી અર્થાત્ ગુલનાજની કમનીય કાયા અને સૌંદર્યનો ઉપયોગ કરી રાજીવ લોચનને પ્રેમજાળમાં ફસાવવાનો અદ્ભુત કીમિયો સુલતાને અજમાવ્યો. શાંતિવાર્તા માટે આવેલ સેનાપતિ રાજીવ લોચનની બાદશાહી સરભરા કરવા માટે નિયુક્ત કરેલ સેવકોમાં સુલતાને પોતાની આ સૌંદર્યવાન પુત્રી દુલારીને પણ ગોઠવી દીધી અને પછી શરૂ થયો લવજિહાદનો કિસ્સો. દુલારીની પ્રેમચેષ્ટાઓથી આકર્ષાઈ રાજીવ લોચન દુલારીના પ્રેમનો શિકાર બની ગયો. ધીમે ધીમે દુલારીએ રાજીવ લોચનને પોતાના પ્રેમપાશમાં એવો તો જકડી લીધો કે પોતે મુસ્લિમ કન્યા દુલારી સાથે પરણવા પણ તૈયાર થઈ ગયો. હવે રાજીવ લોચનને પણ ખબર પડી ગઈ હતી કે દુલારી પોતાની સાથે પરણે તો તેમાં સુલતાનને કોઈ વાંધો ન હતો. તેથી રાજીવ લોચન લગ્ન માટે યોગ્ય સમયની પ્રતીક્ષા કરવા લાગ્યો.
 

kalapahad 
 
... અને સુલતાને શરત મૂકી
 
હવે જ્યારે બંનેના લગ્નનો યોગ્ય સમય નક્કી થયો ત્યારે યોજના અનુસાર સુલતાન કર્રાનીએ રાજીવ લોચન આગળ શરત મૂકી કે દુલારીની તમારી સાથે શાદી ત્યારે જ થશે જ્યારે તમે ઇસ્લામ કબૂલ કરશો. પ્રારંભમાં તો રાજીવ લોચન ધર્મપરિવર્તન માટે ખૂબ સંકોચ અનુભવતો હતો. તેથી તેણે સુલતાન સમક્ષ સામેથી શરત મૂકી કે દુલારીએ ઇસ્લામ છોડી હિન્દુ ધર્મમાં દીક્ષિત થવું જોઈએ. પણ આ શરત સુલતાનને કોઈ કાળે માન્ય ન હતી. આખરે દુલારીના પ્રેમમાં અંધ બનેલ રાજીવ લોચન ઇસ્લામ કબૂલ કરવા તૈયાર થયો. પરંતુ અધકચરા મનથી ઇસ્લામ સ્વીકારવા તૈયાર થયેલા આ હિન્દુ સેનાપતિને ઊંડે ઊંડે વિશ્ર્વાસ હતો કે યોગ્ય સમય આવશે ત્યારે દુલારી સહિત પોતે હિન્દુ ધર્મમાં દીક્ષિત થઈ જશે. હિન્દુ સમાજ બંનેને હિન્દુ ધર્મમાં પુનઃ સ્વીકારી લેશે તેવી તેને શ્રદ્ધા હતી તેથી તેણે ઇસ્લામ કબૂલ કરી દુલારી સાથે સન ૧૫૬૫માં શાદી કરી લીધી અને પોતાનું નવું નામ રાખ્યું મોહંમદ ફરમૂલી.
 
બીજી બાજુ રાજીવ લોચને ઇસ્લામ કબૂલ્યો છે અને સુલતાનની મુસ્લિમ પુત્રી દુલારી સાથે શાદી પણ કરી લીધી છે તે સમાચાર સર્વત્ર પ્રસરી ગયા. સુલતાન સુલેમાન કર્રાનીએ પણ આ સમાચાર રાજા મુકુંદ દેવ સુધી પહોંચે તેવા પ્રયત્નો કર્યા. કારણ કે તેને વિશ્ર્વાસ હતો કે જેવા આ અપ્રિય સમાચાર હિન્દુ રાજા મુકુંદ દેવ સુધી પહોંચશે તે જ ક્ષણે મુસ્લિમ બનેલા આ રાજીવ લોચન (મોહંમદ ફરમૂલ) સાથેના તમામ સંબંધો રાજા મુકુંદ દેવ કાપી નાખશે. સુલતાનની ધારણા મુજબ જ રાજા મુકુંદ દેવે ક્રોધિત થઈ રાજીવ લોચનને પોતાના સેનાપતિપદેથી દૂર કર્યો. તેથી ય વધુ એક મુસ્લિમ શાહજાદી સાથે લગ્ન કરી મુસલમાન બનેલા રાજીવ લોચન (મોહંમદ ફરમૂલી)ને ભગવાન જગન્નાથના પવિત્ર મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવાની પણ મનાઈ ફરમાવી દીધી. તેથીય આગળ રાજીવ લોચનના ભવિષ્યમાં થનાર સંતાનો માટે પણ પુરીના શ્રી મંદિરમાં પ્રવેશ આપવાની મનાઈ ઘોષિત કરી દીધી. આમ છતાં પણ રાજીવ લોચને હિંમત ગુમાવી નહીં. તેને આશા હતી કે અતિ સમર્થ સેનાપતિ તરીકેનો પોતાનો પ્રભાવ જોઈ પુરીના પુજારીઓ અને પંડિતો તેનું શુદ્ધીકરણ કરી પુનઃ હિન્દુ ધર્મનો પ્રવેશ આપશે, પરંતુ તેની આ આશા ઠગારી નીવડી. રાજીવ લોચને અનેક પૂજારીઓ, પંડાઓ અને પંડિતોનો સંપર્ક કરી પોતાને હિન્દુ ધર્મમાં દીક્ષિત કરવાની વિનંતી કરી પણ કોઈ પંડિત આ માટે તૈયાર ન થયા. છેલ્લે રાજીવ લોચને પૂજારીઓ અને પંડાઓ આગળ કાલાવાલા કર્યા છતાંય કોઈ પંડા તેમને હિન્દુ ધર્મમાં પ્રવેશ આપવા માટે તૈયાર ન થયા. એટલું જ નહીં પંડાઓએ રાજીવ લોચનને અપમાનિત પણ કર્યો. આથી રાજીવ લોચન ખૂબ નિરાશ થયો. નિરાશ થયેલો આ રાજીવ લોચન પાછો સુલતાન સુલેમાનના દરબારમાં પહોંચી ગયો. સુલતાન આની રાહ જોઈને જ બેઠો હતો. હવે સુલતાને રાજીવ લોચનને એટલે કે પોતાના જમાઈ મોહંમદ ફરમૂલીને પોતાની સેનાનો સેનાપતિ બનાવી દીધો.
 
કાલાપહાડ વેરે છે વિનાશ
 
હવે રાજીવ લોચનની નિરાશા દઝાડી દે તેવા ભયાનક ક્રોધમાં પલટાઈ ગઈ. પંડાઓ દ્વારા અપમાનિત થયેલ આ સેનાપતિનો ગુસ્સો હવે હિન્દુ પંડાઓ, હિન્દુ પૂજારીઓ, હિન્દુ મંદિરો, હિન્દુ મૂર્તિઓ અને હિન્દુ પ્રજા પર ફાટી નીકો. પાગલ પશુની માફક તે હિંસક બની ગયો. મુસ્લિમ બની ગયેલા આ રાજીવ લોચને પુરીના જગન્નાથ મંદિર પર ૩૦૦ હાથીઓ અને વિશાળ અફઘાન સેના લઈને હુમલો કર્યો. હવે રાજીવ લોચન કાલા પહાડના નામે ઓળખાવા લાગ્યો. સન ૧૫૬૮ના યુદ્ધમાં કાલા પહાડે હિન્દુ રાજા મુકુંદ દેવને હરાવ્યો અને મારી નાખ્યો. તેણે પુરીના જગન્નાથ મંદિરને ધ્વસ્ત કર્યું. પ્રો. કે. એસ. બહેરાના પુસ્તક ‘ગ્લોમ એન્ડ બ્લૂમ’માં કાલા પહાડે વેરેલા વિનાશની વાતો લખાઈ છે. જગન્નાથ મંદિર પર હુમલો થતાં પૂજારીઓએ ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને બલરામની મૂર્તિઓ સંતાડી દીધી. મણ મણ સોનાની મૂર્તિઓ અને મંદિરના ભંડારની કાલા પહાડે લૂંટ ચલાવી. મંદિરોની મૂર્તિઓ ખંડિત કરી અને મંદિરના પૂજારીઓની કત્લેઆમ કરી. મંદિરના રક્ષકો અને પૂજારીઓએ ભગવાનની મૂર્તિઓ ચિલ્કા પાસેના હાટીપાડામાં છુપાવી હતી પણ કાલા પહાડને તેની જાણ થતાં તે બધી મૂર્તિઓને તેણે બળદગાડામાં બાંધી બંગાળની રાજધાની ખાસપુરા ટાંડામાં મંગાવી ત્યાં તેણે તમામ મૂર્તિઓ આગને હવાલે કરી દીધી. લોકવાયકા એવી છે કે જ્યારે કાલા પહાડના સૈનિકોએ ભગવાનની મૂર્તિઓ આગને હવાલે કરી ત્યારે એક ચમત્કાર સર્જાયો. કાલા પહાડના શરીરમાં તિરાડો પડવા લાગી. તેથી આગમાંથી મૂર્તિઓ કઢાવી લેવામાં આવી અને ગંગાના જળમાં પધરાવાઈ. આ ઘટના સન ૧૫૬૮ની છે. તે પછી ક્રોધે ભરાયેલ કાલા પહાડે એક પછી એક હિન્દુ મંદિરોને ધ્વસ્ત કરવા માંડ્યાં. પુરીના ડૉ. શરત ચંદ્ર બિસ્વાલ તેમજ અન્ય લેખકોનાં લખાણ મુજબ કાલા પહાડે તે પછી ઓરિસ્સા અને બંગાળનાં અનેક શહેરોનાં મંદિરો ખંડિત કર્યાં. પુરી પછી કોણાર્કના સૂર્યમંદિરને તોડ્યું. તે પછી બાલાસોર, કટક, જાજપુરના મંદિરો તોડ્યા. કાલા પહાડે પોતાના સૈન્યને ઓરિસ્સાના અંતરિયાળ ભાગોમાં લઈ જઈ પ્રજા પર કેર વર્તાવ્યો. તેણે સફળતાપૂર્વક કૂચ બિહારની હિન્દુ સેનાને પણ હરાવી અને હિન્દુ રાજા શુક્લધ્વજને કેદ કર્યો. તેણે બ્રહ્મપુત્ર નદીને પાર કરી તેજપુર સુધી કૂચ કરી કાળો કેર વર્તાવ્યો. એવું કહેવાય છે કે કાલા પહાડે આસામના કામાખ્યા મંદિરને પણ નુકસાન કર્યું હતું. કાલા પહાડે પોતાની લોહીતરસી તલવાર વડે અસંખ્ય નિર્દોષ હિન્દુઓનાં લોહી વહાવ્યાં અને અસંખ્ય નિર્દોષ હિન્દુઓનું જબરજસ્તીથી ધર્માંતર કરાવી મુસલમાન બનાવ્યા. કાલા પહાડનો ત્રાસ સર્વત્ર પ્રસરી ગયો. વર્તમાનના બંગાળ, બાંગ્લાદેશ અને ઓરિસ્સામાં મુસ્લિમ વસતીવધારા માટે કાલા પહાડના અત્યાચારો કારણભૂત છે.
 
કાલા પહાડ મૃત્યુ પામે છે
 
અંતમાં કાલા પહાડ પોતાની વિજયકૂચ કરતો કરતો અને મંદિરો ધ્વસ્ત કરતો કરતો ઓરિસ્સાથી સંબલપુર આવ્યો અહીં કાલાપહાડનું મૃત્યુ થયું. એક વાયકા અનુસાર સંબલપુર પાસે નદીકિનારે થયેલાં એક યુદ્ધમાં કાલા પહાડ મરાયો તો અન્ય એક લોકવાયકા અનુસાર સંબલપુરની દેવી સમલેશ્ર્વરીએ કાલા પહાડના પ્રાણ હરી લીધા. એવું કહેવાય છે કે દેવી સમલેશ્ર્વરી દૂધ વેચનાર મહિલાના વેશમાં દૂધ અને માખણ વેચવા જ્યાં કાલા પહાડે પોતાના સૈન્ય સાથે ડેરો લગાવ્યો હતો તે સ્થળે આવી હતી. કાલા પહાડે દૂધ અને માખણ તેની પાસેથી ખરીદીને ખાધું અને મૃત્યુ પામ્યો. આની સાથે અનેક સૈનિકો પણ મૃત્યુ પામ્યા. આજે પણ સંબલપુરની બહાર સમલેશ્ર્વરની કોલેજની પાછળ આંબાના વનમાં કાલાપહાડનો મકબરો છે. તેના અનેક સૈનિકોની કબરો પણ આજે ત્યાં જોવા મળે છે.
 
કાલા પહાડ વિષે જુદા જુદા લેખકો અલગ અલગ મંતવ્યો ધરાવે છે. તેમ છતાં ૧૬૦૦ના દશકની ઉડિયા પાંડુલિપિમાં કાલા પહાડનો ઉલ્લેખ છે જે ભુવનેશ્ર્વરીના રાષ્ટીય અભિલેખાગારમાં સંગ્રહિત છે, જેને આધારભૂત ગણી શકાય. કાલા પહાડ વિશે અનેક પુસ્તકો લખાયાં છે. કાલા પહાડની કથાનું નાટ્ય મંચન પણ થયું છે. કાલા પહાડ વિશે લોકગીતો પણ લખાયાં છે. કાલા પહાડ વિશે ફિલ્મ પણ બની છે. કારણ કે કાલા પહાડે આચરેલા અત્યાચારોની કથાથી આ દેશને એક ખૂબ મોટો ઇતિહાસબોધ શીખવા મો છે.
 
આ ઘટનાનો ઇતિહાસબોધ
 
કાલા પહાડની કથા સનાતની હિન્દુ સમાજ માટે આંખ ઉઘાડનાર ઘટના છે. કાલા પહાડની જીવનકથા સનાતની સમાજસત્તા અને ધર્મસત્તામાં રહેલી વિષમતા પર પ્રકાશ પાડી સૌનું ધ્યાન દોરે છે. સનાતન ધર્મમાં નિષ્કાસનદ્વાર (Exit gate) ઘણા છે, પણ પ્રવેશદ્વાર (Entry gate) નથી. જગતના અન્ય ધર્મોમાં Exit gate છે પણ સાથે સાથે Entry gate પણ છે. જે વ્યવસ્થા તે સમયમાં ભારતમાં ન હોવાને કારણે આપણા દેશના ઇતિહાસમાં કાલા પહાડ જેવી શરમજનક કથા સર્જાઈ છે, જેમાં એક શૂરવીર હિન્દુ યોદ્ધો સનાતન ધર્મને બદલે સુલતાન માટે કામ કરે છે. સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે કાલા પહાડની કથા આપણ સૌને એક ઇતિહાસબોધ આપી જાય છે. અસ્તુ...
 
 
 
 
 
 

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.