ચાલો, પૃથ્વીની રક્ષા કરીએ | ‘પૃથ્વી દિવસ’ ક્યારે શરૂ થયો ? શા માટે ?

22 Apr 2022 17:57:34

earth day in gujarati
 
 

૨૨ એપ્રિલે વિશ્વ પૃથ્વીદિન નિમિત્તે વિશેષ

 
 
૨૨મી એપ્રિલ એટલે વિશ્ર્વ પૃથ્વી દિવસ (અર્થ ડે). અમેરિકાના કેટલાક પર્યાવરણ પ્રેમીઓએ વધતા જતા પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવવા ૨૨ એપ્રિલ, ૧૯૭૦ના રોજ ધરતી દિવસ ઊજવ્યો ત્યારથી દર વર્ષે ૨૨મી એપ્રિલ વિશ્ર્વ ધરતી દિન તરીકે ઊજવાય છે. દિવસે દિવસે વધતા જતા તાપમાનને કારણે એન્ટાર્કટિક અને હિમાલય જેવા હિમપ્રદેશોનો બરફ ધીરે ધીરે પીગળી રહ્યો છે અને દરિયાની સપાટી ભયજનક રીતે વધી રહી છે. જો આ પ્રદૂષણ નિયંત્રણ પર ધ્યાન આપવામાં નહીં આવે કે આપણે પર્યાવરણની સુરક્ષા વિશે જાગૃત નહીં થઈએ તો એ દિવસ દૂર નથી કે પૃથ્વી સમાધિ લેશે. સવાલ એ છે કે પૃથ્વીની આવી હાલત થઈ કેવી રીતે ? કોણે કરી અને શા માટે ? આ સવાલોનાં જવાબ આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે. અને ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વી માટેની જે વિશિષ્ટ કલ્પના રહેલી છે તેને આધારે પૃથ્વી બચાવવાનાં ઉકેલો પણ અહીં સૂચવ્યા છીએ. તો આવો આ પૃથ્વી દિવસે આ વિશેષ જાણકારી પ્રાપ્ત કરી પૃથ્વીને બચાવવા સંકલ્પ કરીએ.
 

‘પૃથ્વી દિવસ’ ક્યારે શરૂ થયો ? શા માટે ? Earth day in Gujarati

 
 
દુનિયાભરમાં ૨૨ એપ્રિલે પૃથ્વી દિવસ (World Earth Day) મનાવવામાં આવે છે. તેની પાછળનો હેતુ સૌ પ્રથમ જાણીએ.
૨૨ એપ્રિલ ૧૯૭૦ના રોજ પહેલીવાર અમેરિકાએ અર્થ ડે ની ઉજવણી કરી હતી, કારણ કે એ વખતે જ જાગૃત મહાનુભાવો પૃથ્વીની બગડતી જતી હાલત વિશે સાવધાન થઈ ગયા હતા અને પૃથ્વી પરનું વાતાવરણના બગડે નહીં તે માટે તેમણે આ દિવસની શરૂઆત કરી હતી. તેમનો હેતુ પૃથ્વી પર હયાત વનસ્પતિ, જીવ-જંતુઓને બચાવવાનો હતો. આ ઉપરાંત રાજકીય સ્તર પર પર્યાવરણ સંરક્ષણ સંબધિત નીતિઓ બનાવી અને તેની અમલવારી કરવાનો હતો. અમેરિકાના આ અભિયાનને તે સમયે દુનિયાના ઘણા બધા દેશોનું સમર્થન પણ મળ્યું હતું.
 
ઘણા લોકોના મનમાં આ પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે ૨૨ એપ્રિલ જ પૃથ્વી દિવસ માટે કેમ પસંદ કરવામાં આવ્યો હતો. ૧૯૬૮માં યુ.એસ.માં એક પર્યાવરણીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનવ સ્વાસ્થ્ય પર પર્યાવરણના પ્રભાવ અને પૃથ્વીની ખરાબ થતી જતી સ્થિતિ વિશે છણાવટ થઈ હતી. એ પછી કેટલાક અગ્રણીઓનાં મનમાં પૃથ્વીની સાવચેતીના વિચાર આવ્યા. બે વર્ષ બાદ ૧૯૭૦માં પ્રથમ વખત પૃથ્વી દિવસ ઉજવવાનું નક્કી થયું.
 
પૃથ્વી દિવસ માટે યુએસ સેનેટર ગેલર્ડ નેલ્સને એ પછીના વિશેષ પ્રયત્નો કર્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે આ દિવસ માટે વધુ વિદ્યાર્થીઓ કેમ્પસમાં ભેગા થાય. આ માટે તેમણે ૧૯થી ૨૫ એપ્રિલની વચ્ચેનો સમય સૌથી યોગ્ય માન્યો, કારણ કે આ સમયે ન તો કોલેજમાં પરીક્ષાઓ હતી, ન તો વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન હતું કે ન તો કોઈ પણ પ્રકારના ધાર્મિક તહેવાર હતા. તેથી વધુ વિદ્યાર્થીઓની હાજરી માટે તેઓએ ૨૨ એપ્રિલની પસંદગી કરી. જે અઠવાડિયાના મધ્યમાં આવતી હતી અને પાછળથી ૨૨ એપ્રિલની તારીખ હંમેશ માટે નક્કી કરવામાં આવી. વર્ષ ૧૯૭૦ના અંત સુધીમાં યુ.એસ. સરકારે પર્યાવરણીય સુરક્ષા એજન્સી બનાવી હતી. શરૂઆતમાં લોકોનું ધ્યાન ફક્ત પ્રદૂષણ પર હતું. પરંતુ ધીરે ધીરે તે ૧૯૯૦ના દાયકાથી હવામાન પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ જેવા વ્યાપક મુદ્દાઓ અને સમગ્ર પૃથ્વીનો વિચાર કરવામાં આવ્યો. અને આજે પૃથ્વીની વિવિધ સમસ્યાઓનાં ઉકેલ માટે દર ૨૨મી એપ્રિલે આ દિવસ ઊજવવામાં આવે છે.
 
શા માટે જરૂર પડી પૃથ્વી દિવસ ઊજવવાની
 
આપણે અવારનવાર જોઈએ - સાંભળીએ છીએ કે ક્યાંક ભરઉનાળે વરસાદ પડે છે તો ક્યાંક કરા. કેટલીક વાર શિયાળામાં માવઠુ થાય છે, તો ક્યાંક શિયાળામાં ભયંકર ગરમી પડ્યાના પણ દાખલા મળે છે. આ બધા ઋતુચક્ર ખોરવાયાના અણસાર છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુચક્રમાં અનિયમિતતા, વાવાઝોડું, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. ૨૧ ટકા ઓક્સિજન, ૭૮ ટકા હાઈડ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોકસાઈડ અને અન્ય વાયુઓનો આ ગ્રહ જેણે આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે તેના મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલાં જંગલ વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ વગેરે. માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે.
 
ચિંતાની વાત એ છે કે, ધરતી પર સતત તાપમાન વધી રહ્યું છે, સતત પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં ધરતી પરના પાણીના સ્રોત પ્રદૂષિત થઈ રહ્યા છે. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને ઠેર-ઠેર વિકાસની લહાયમાં કોંક્રેટનાં જંગલો ઊભાં થઈ રહ્યાં છે.
 
ધરતી પર જળવાયુ પરિવર્તનની ઘટનાથી દુનિયાના ૩ અરબથી વધારે લોકો સામે ખતરો મંડરાઈ રહ્યો છે. છેલ્લાં ૬ હજાર વર્ષો કરતાં પણ લાંબા સમયથી અહીં ચર અને અચર દરેક ફૂલીફાલી રહ્યાં હતાં. જોકે, હવે આ પૃથ્વી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અને માનવજાતિ જ તેના માટે સીધા રૂપથી જવાબદાર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો આ જ રીતે ચાલતું રહ્યું તો ૨૦૭૦ સુધી આ ધરતી રહેવા લાયક નહીં રહે. આ પૃથ્વી સતત વધી રહેલું તાપમાન સહન કરવાને લાયક નહીં રહે.
 
તો પૃથ્વી પર કશું માનવ સિવાય બચશે નહીં
 
 
વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છે કે, દુનિયા હાલ ૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિની તરફ આગળ વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જો દુનિયાનું તાપમાન ૩ ડિગ્રી કે એના કરતા વધારે થઈ ગયું તો દુનિયાની એક મોટી આબાદીને કાળઝાળ ગરમીમાં રહેવું પડશે. તેનો સૌથી વધારે પ્રભાવ ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને મધ્ય પૂર્વના કેટલાક ભાગો પર પડશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૧ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો તેનાથી પણ અંદાજે ૧ અરબ લોકોને સીધી અસર પહોંચશે. વર્તમાન પરિવર્તનોને જોતાં ચીન અને પાકિસ્તાનની સ્થિતિ તો ભારત કરતાં પણ વધારે ખરાબ થઈ શકે છે.
 
આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે એ હકીકત છે કે ઈ.સ.૧૯૦૦માં વિશ્ર્વની વસતી ૨ અબજથી ઓછી હતી જે અત્યારે ૭.૭ અબજનો આંકડો પાર કરી ગઈ છે એટલે કે ૩.૮૫ ગણો વધારો થયો છે. આ જ સમયગાળામાં ભૂખંડીય પ્રદેશોની સજીવ પ્રજાતિઓમાં ૨૦% ઘટાડો થયો છે, ઉભયજીવીઓમાં ૪૦% અને દરિયાઈ સસ્તન પ્રજાતિઓમાં ૩૩%નો ઘટાડો થયો છે! આજે પૃથ્વીની ઉપલબ્ધ જમીનનો ત્રીજો ભાગ અને વાપરવાલાયક પાણીનો ૭૫% ભાગ માનવી પોતાની જરૂરિયાતો માટે જ વાપરે છે એટલે કે ખેતી માટે અને પશુપાલન માટે! હવે આમાં બીજા સજીવોની જીવવા માટેની જરૂરિયાતો ક્યાંથી પૂરી થાય? પરિણામે તેમની વસતી ઘટ્યા કરે અને એક તબક્કે લુપ્ત થઈને ઇતિહાસના પાના ઉપર સીમિત બની રહી જાય. વર્ષ ૨૦૧૫માં પુલિત્ઝર પ્રાઇઝ મેળવનાર આ પુસ્તકમાં લેખિકાએ ઈ.ઓ. વિલ્સનના બહુ જાણીતા શબ્દસમૂહ an age of lonelinessનો પ્રયોગ કરીને લખ્યું છે કે આમ જ ચાલશે તો આખરે તો આ પૃથ્વી ઉપર સજીવના નામે માત્ર માણસ જ જોવા મળશે. એ એકલતાનો યુગ મનુષ્ય માટે કેવો નીવડશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.
 

earth day in gujarati 
 
પૃથ્વીની આ હાલત માટે જવાબદાર કોણ ?
 
આપણે જોયું કે પૃથ્વીની હાલત હાલ કેટલી ખરાબ છે. પૃથ્વી સર્વનાશ તરફ ધકેલાઈ રહી છે. માનવજીવન ખતરામાં છે. ગ્લોબલ વૉર્મિંગ, પીગળતી હિમશિલાઓ, સૂકી નદીઓ, વધતી જતી દરિયાઈ સપાટી, મૃત થતા જતા દરિયાઈ વિસ્તારો અને ટાપુઓ, હવા અને પાણીનું પ્રદૂષણ, દર વર્ષે પાણીમાં ઠલવાતો ૪૦ કરોડ ટન ઔદ્યોગિક કચરો... અને બીજી અનેક સમસ્યાઓએ પૃથ્વીને ઘેરી લીધી છે. આ સ્થિતિ પાછળ ઉપભોગવાદ સૌથી મોટું કારણ છે અને આ ઉપભોગવાદ આવ્યો છે, ક્રિશ્ર્ચિયાનિટીમાંથી આ સમગ્ર મુદ્દો સમજવા જેવો છે. બાઇબલમાં પ્રારંભે જ લખ્યું છે કે, જ્યારે આ પૃથ્વીનો જન્મ થયો ત્યારે અહીં કશું જ નહોતું. માત્ર અંધારું હતું. ત્યારે ઈશ્ર્વરે દેવદૂતને કહ્યું કે, અહીં પ્રકાશ લઈ આવો, આમ સૃષ્ટિના નિર્માણનાં પહેલાં દિવસે ઈશ્ર્વરે રાત અને દિવસ બનાવ્યાં. બીજા દિવસે આકાશ, ત્રીજા દિવસે ભૂમિ-સમુદ્ર અને વનસ્પતિ તથા બીજ ઉત્પન્ન કર્યાં. ચોથા દિવસે ઈશ્ર્વરે સૂર્ય, ચંદ્ર અને તારા બનાવ્યા. પાંચમા દિવસે ઈશ્ર્વરે સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ બનાવ્યાં. છઠ્ઠા દિવસે જમીન પર રહેનારા અને હવામાં ઊડનારાં પશુ-પંખી બનાવ્યાં અને આ બધું બનાવ્યા પછી તેમને મનુષ્ય બનાવવાનો વિચાર આવ્યો. પછી તેમણે મનુષ્યને ધરતીની ધૂળમાંથી બહાર કાઢ્યો અને પ્રાણ ફૂંક્યા. પુરુષની પાંસળીમાંથી સ્ત્રી બનાવી.
 
અસલી વાત હવે આવે છે. આ બધું નિર્માણ કર્યા પછી ઈશ્ર્વરે પુરુષ અને સ્ત્રીને કહ્યું કે, હવે તમે સૃષ્ટિમાં અન્ય મનુષ્યોનું સર્જન કરો અને આ પૃથ્વી પર રહો. આ પૃથ્વી પરની તમામ ચીજો, ફળ, ફૂલ, ઝાડ, નદી, ઝરણાં, સાગર, પ્રાણી બધુ જ તમારા ઉપભોગ માટે છે. અહીંથી ઉપભોગવાદનો જન્મ થયો અને આ સ્વાર્થી વિચાર અનેક લોકોએ અપનાવ્યો. એટલું જ નહ સ્વાર્થી લોકોએ આ વિચારને આખી દુનિયામાં પ્રસરાવ્યો કે આ પૃથ્વીની દરેકે દરેક ચીજ મનુષ્યનાં ઉપભોગ અને ઉપયોગ માટે છે. અરે અન્ય જીવો પણ ભક્ષણ માટે છે તેવો ખોટો વિચાર પ્રસરાવ્યો અને અમલી બનાવ્યો. પાશ્ર્ચાત્ય સંસ્કૃતિમાં આજે પણ બાઈબલની ઉપભોગવાદની આ થિયરીને અનુસરાય છે. થોડા સમય પૂર્વેનો દાખલો જોઈએ. બ્રિટનની સંસદમાં થોડા વર્ષ પહેલાં પ્રાણીઓ પ્રત્યે બતાવાતી ક્રૂરતાના વિરોધમાં એક વિધેયક લાવવામાં આવ્યું હતું. નીચલા ગૃહમાં તે પારિત થઈ ગયું પણ ઉપલા ગૃહમાં તેને રદ કરી દેવામાં આવ્યું. તેથી મામલો સર્વોચ્ચ વડા પાદરી આર્ક બિશપ ઓફ કેન્ટરબરી પાસે સંમતિ માટે પહોંચ્યો. તેમણે નિર્ણય આપતાં જણાવ્યું કે, બાઈબલ અનુસાર મનુષ્યને છોડીને બાકીની બધી જ વસ્તુઓ જડ છે. તેથી તેને મારવામાં કોઈ જ પાપ નથી. આને કારણે લોકોનો એ ખ્યાલ મજબુત બન્યો કે પૃથ્વીની બધી જ વસ્તુઓ, પ્રાણીઓ, જીવ-જંતુઓ, સમુદ્ર વગેરે પોતાના ઉપભોગ માટે જ છે. પ્રાણીઓને મારી શકાય છે અને વૃક્ષોને કાપી શકાય છે. બધું જ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી શકાય છે.
 
આજે સ્થિતી એ છે કે ત્યાં પશુ પંખીઓની ૧૨૦ પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ છે અને ૨૪૦ વિનાશને આરે છે. બાઈબલ આધારિત ઉપભોગવાદનું જ આ પરિણામ છે. ટૂંકમાં કથિત ઈશ્ર્વરના આદેશને માનીને મોટાભાગના લોકો પૃથ્વીને ઉપયોગનું સાધન માની તેનો ઉપભોગ કરવા માંડ્યા. નદી, નાળાં, તળાવનો બેફામ ઉપયોગ કર્યો, પ્રાણીઓનો બેફામ ઉપયોગ કર્યો, જંગલોને આડેધડ કાપ્યાં, પહાડોને કોતર્યા અને જમીનને ખોદી, આમ આ વિચારને કારણે પૃથ્વી ધીમે ધીમે બગડતી ગઈ અને આજે આ સ્થિતિ પર આવીને ઊભી છે. હવે પ્રશ્ર્ન થાય કે આનો ઉકેલ શું ? તો આનો ઉકેલ છે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વની કેટલીક પરંપરાઓ. આપણી સંસ્કૃતિમાં પૃથ્વીને જોવાની દૃષ્ટિ ખૂબ જુદી છે. આવો, હવે જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીનું શું સ્થાન છે અને આપણે પૃથ્વીને કેવી રીતે બચાવી શકીશું.
 
ભારતીય દર્શન પૃથ્વીને કઈ રીતે જુએ છે ?
 
 
પૃથ્વી વિશે ભારતીય દર્શન જાણીએ એ પહેલાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે જાણવું જરૂરી છે. વિશ્ર્વનાં સંશોધકો દ્વારા પૃથ્વીની ઉત્પત્તિ વિશે જુદા જુદા અનુમાનો લગાવવામાં આવ્યા છે. બાઈબલ કહે છે કે પૃથ્વી માત્ર પાંચથી ૭ હજાર વર્ષ જુની છે. આર્ક બિશપ ઉશરના મતે પૃથ્વી માત્ર ૪ હજાર વર્ષ જુની છે. ઉલ્લેખનીય છે કે ડાર્વિનની ઉત્પત્તિની થિયરી આજે પણ અમેરિકાના પાઠ્યપુસ્તકોમાં નથી ભણાવાતી. કારણ કે બાઈબલના મતે મનુષ્યની ઉત્પત્તિ ૬૫૦૦ વર્ષ પહેલાં જ થઇ છે. ગ્રહ નક્ષત્રોના અભ્યાસને આધારે સંશોધન કરનારાઓના મત મુજબ પૃથ્વી ૪૦ લાખ વર્ષ જુની છે. સમુદ્રની ખારાશનો અભ્યાસ કરીને પૃથ્વીની ઉંમર શોધનારાઓના મતે પૃથ્વી ૧૦ કરોડ વર્ષ પહેલાં ઉત્પન્ન થઈ છે. કેટલાંક વૈજ્ઞાનિકો પૃથ્વીની ઉંમર ૯ કરોડ વર્ષ હોવાનું કહે છે. ડો. વિલિયમ અને સ્મિથ એડવર્ડેં ઉષ્ણતામાનના આધારે સંશોધન કર્યું છે, તે અનુસાર પૃથ્વી ૧૦ કરોડ વર્ષ પુરાણી છે.
 
પરંતુ ભારતીય દર્શન આ બધાથી નોંખું છે. ભારતીય મતે બ્રહ્માનો ૧ દિવસ એટલે ૧ કલ્પ અને ૧ કલ્પ એટલે ૪ અબજ ૩૨ કરોડ વર્ષ. ૧ કલ્પમાં ૧ હજાર ચતુર્યુગીનો સમાવેશ થાય છે. દરેક ચતુર્યુગી એટલે ૪૩ લાખ ૨૦ હજાર મનુષ્ય વર્ષ. આ મુજબ પૃથ્વીનું આયુષ્ય ૮ અબજ ૬૪ કરોડ વર્ષનું છે. અત્યાર સુધીમાં ૨૮ સત્તયુગ, ૨૮ ત્રેતા યુગ અને ૨૮ દ્વાપર યુગ પૂર્ણ થઈ ચુક્યા છે. હાલ ૨૮મો કલિયુગ ચાલે છે અને તેના ૫૧૧૦ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧ અબજ ૯૭ કરોડ, ૨૯ લાખ, ૪૯ હજાર અને ૬૫ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. ટૂંકમાં ભારતીય દર્શન પૃથ્વીના આયુષ્યને અબજો વર્ષનું માને છે અને ભારતીયો માટે પૃથ્વી કોઇ સ્થુળ પદાર્થ નહીં પણ પૂજનીય છે.
 
ભારતીય દર્શનની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ઝાડમાં પણ ચેતન જુએ છે. આપણા માટે ઝાડની એક ડાળી અને વ્યક્તિના હાથમાં કોઈ ફર્ક નથી. અહીં કીડીનું પણ ધ્યાન રખાયું છે ને વનસ્પતિનું પણ. પૃથ્વી વિરાટ, વિશાળ અને આપણને ધારણ કરનારી અને ઉછેરનારી છે. એના વિશેની આપણી કલ્પના ભવ્ય, દિવ્ય અને પૂજ્ય છે. અહીં, પૃથ્વીને માતા કહેવામાં આવે છે. માતાનું બિરુદ સુલભતાથી ગમે તેને આપી શકાતુ નથી. એટલે જ મનુષ્યોમાં જન્મ દેનારી સ્ત્રીને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. પ્રકૃતિમાં જીવ અને જગતનું કલ્યાણ કરનારી નદીઓને માતાનું સ્થાન મળ્યું છે, પશુઓમાં ગાયને પવિત્ર માતા તરીકેની ઓળખ મળી છે. ભારતીય સંસ્કૃતિમાં પાંચ ‘ગ’નું વિશિષ્ટ મહત્ત્વ છે. ભારતીય સંસ્કૃતિ જે આધારસ્થંભ ઉપર ઊભેલી છે તે છે ‘ગ’ એટલે ગાયત્રી , ગંગા, ગુરુ, ગીતા અને ગાય. ગાયની સાથે પાંચમું સ્થાન મળ્યું છે- માતાનું સ્થાન- પૃથ્વીને એટલે કે ધરતીને.
 
પૃથ્વીને માતાના સન્માનથી નવાજવામાં આવી છે. એના કેટલાંક વિચારવા જેવાં કારણો છે. શાસ્ત્રકારોએ કર્મકાંડમાં તેની પૂજાને ખાસ વિશેષ સ્થાન આપ્યું છે, જેમ કે પૃથ્વી પ્રત્યેક મનુષ્ય માટે રહેઠાણનું સ્થાન છે. તે ખેતી માટેની જમીન પણ વિના મૂલ્યે પૂરી પાડે છે. આ ઉપરાંત પૃથ્વી બદલાની અપેક્ષા વગર જળ, ગેસ, લોખંડ, પેટ્રોલ, ખનિજ, કોલસો જેવી માનવજીવનની અનિવાર્ય જરૂરિયાતો પૂરી પાડે છે. વળી વૃક્ષોના માધ્યમથી બળતણ, ખાતર, ફર્નિચર, ઔષધ, ફળ-ફૂલો, કાગળ વગેરે બદલાની ભાવના વગર નિઃસ્વાર્થ ભાવે પરોપકારના ધ્યેયથી માનવજાતને પૂરી પાડે છે.
 
સંત, શહીદ, શૂરા, સતી અને સમાજસુધારકો પૃથ્વીમાંથી જ પ્રગટ થતાં હોવાથી ભાવાંજલિમાં ઉચિત જ કહેવાયુ- ‘ઇસ મિટ્ટીસે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી.’ એટલું જ નહિ પૃથ્વી માતાને તેનું ઋણ સ્વીકારી સન્માન આપતા ભગવાન શ્રીરામે લક્ષ્મણજીને કહેલું ‘જનની જન્મ ભૂમિશ્ર્ચ સ્વર્ગાદપિ ગરિયસી.’
 
અર્થાત્ ‘માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે.’ તેના કારણે ધરતીમાતા પૃથ્વી પૂજનની અધિકારિણી બની, તેથી જ ‘પૃથ્વીની પૂજા’ને પ્રાધાન્ય મળ્યું છે.
 
ધરતી-પૃથ્વીના અભાવે માનવજીવનનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. પૃથ્વી માત્ર વૃક્ષો આપવાનું જ બંધ કરી દે તો મનુષ્યના જીવન સામે મહાગંભીર ખતરો ઊભો થઈ જાય. પૃથ્વી વૃક્ષોનો સહારો છે તો વૃક્ષો મનુષ્ય માટે કલ્પવૃક્ષ છે. માનવના જન્મથી મૃત્યુ પર્યંત પારણાથી ચિતામાં પોઢેલા મૃતદેહ માટે અગ્નિસંસ્કાર સુધીની જરૂરી ઉપયોગિતા પરોક્ષ રીતે પૃથ્વીની જ છે.
 
ભારતીય સંસ્કૃતિએ પૂજનીય ધરતી માતાનું આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ બતાવ્યું છે. બંનેનો સમન્વય કર્યો છે. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી મનુષ્ય માટે પ્રાણવાયુનું મહાદાન કરનાર વૃક્ષ અને પૃથ્વી માટે દેવી-દેવતાની ઉપમા પણ ઓછી પડે એવા તેના ઉપકારો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે અર્જુનને કહેતા હોય,’ વૃક્ષાણાં અશ્ર્વત્થ અહં’ વૃક્ષોમાં પીપળો હું છું, ’વૃક્ષનું મૂલ્ય આંકવા આનાથી બીજો મોટો માપદંડ કોઈ હોઈ શકે નહિ, અર્થાત્ આ રીતે તેને પૂજનીય ગણી છે.
 
પગનો અંગૂઠો ચૂસતા વડના પાનમાં પોઢેલા બાલકૃષ્ણ લાલાને મનુષ્ય પ્રાર્થના કરતા કહે છે, ‘વટસ્ય પત્રસ્ય પુટે શયામન્ બાલં મુકુંદ મનસા સ્મરામિ’ ગરીબ હોય કે તવંગર, મનુષ્ય ભૂખ ભાંગવા માટે રૂપિયા બે હજારની નોટ ખાઈને જીવી શકતો નથી તેને જીવવા માટે જોઈએ અનાજ અને આબરૂ ઢાંકવા માટે કપડાં, અને આ કપડાં પણ કપાસના રૂપમાં આપે છે ધરતી માતા - પૃથ્વી.
આપણી સંસ્કૃતિ પૃથ્વીને બે પ્રકારે પૂજ્ય માને છે. એક-માતા તરીકે અને બીજું-આદર્શ તરીકે. વેદ કહે છે- માતા પૃથ્વી પુત્રોડહં પૃથિવ્યાં- પૃથ્વી માતા છે. તેના વિના જીવન સંભવ જ નથી અને માતાના ગુણો પુત્રમાં એટલે કે પૃથ્વીના ગુણો મારામાં આવવા જોઈએ. ત્યારે વિચાર કરીએ, મારી ધરતીમાતા પાસે કયા ગુણો છે?
 
પૃથ્વીમાતાનો પહેલો ગુણ છે. અગાધ સહૃદયતા ! સહૃદયતા એટલે નિઃસ્વાર્થ પ્રેમ. જ્યાં સ્વાર્થ નિર્માણ થયો ત્યાં સહૃદયતા નષ્ટ થાય છે. પૃથ્વી પાસે અગાધ સહૃદયતા છે; તેથી મારા પુત્રોને હું કંઈ ને કંઈ આપું, તેવું તેને સતત થયે રાખે છે. અન્ન-ધાન્ય, જળસંપદા, ફૂલ-ફળ, ખનિજ-ધાતુ, કેટલું બધું તે સતત આપે જ રાખે છે. આપણી સંસ્કૃતિએ તેથી જ ભૂમિપૂજન વિધિ રાખી છે. આપણે ઘર બાંધવાનું શરૂ કરતાં પહેલાં ભૂમિપૂજન કરીએ છીએ. તેની પાછળ કૃતજ્ઞતાની ભાવના છે.
પૃથ્વીનો બીજો ગુણ છે. હૃદયંગમ નિર્મળતા! ભગવાને બનાવેલી પૃથ્વી નિર્મળ છે- સ્વચ્છ છે. તેમાં માલિન્ય નથી. આપણે તેના પર કચરો કરી દઈએ છીએ. માટે રોજ સવારે પૃથ્વીમાતાને વંદન કરતી વખતે મનમાં સંકલ્પ આવવો જોઈએ કે મારી પૃથ્વીમાતાને કચરો નાખી હું અસુંદર નહીં કરું. હું મારી પૃથ્વીમાતાનું ધ્યાન રાખીશ. પૃથ્વીની નિર્મળતા મને પણ નિર્મળ કરનારી છે. મલિનને સ્વચ્છ કરવું એ ધરતીનો ગુણ છે. આપણે પણ અંતકરણ નિર્મળ કરવા ધરતીમાતા પાસે-નિસર્ગ પાસે જવું પડશે. હૃદય નિર્મળ હશે તો બધું નિર્મળ દેખાશે.
 
પૃથ્વીનો ત્રીજો ગુણ દયાશીલતા છે. સંસ્કૃતમાં પૃથ્વીને સર્વસહા કહે છે. તે બધું જ સહન કરે છે. આપણે પૃથ્વી પર અને તેના પેટાળમાં શું ને શું ખોદકામ કરીએ છીએ. તેને કેટલી પીડા આપીએ છીએ. પૃથ્વીમાતા ઉદાર હૃદયે તે બધુંયે સહન કરે છે. માનવે દયાશીલતાનો આ ગુણ ઉપાડવાનો છે. મનની વિશાળતા અને હૃદયનું ઔદાર્ય આપણામાં ખરું માનવ્ય વિકસાવશે.
પૃથ્વીનો ચોથો ગુણ પરકાર્યતત્પરતા છે! આજે જ્યાં ને ત્યાં હું અને મારું વિચારનાર લોકો જ દેખાય છે. પણ મહાન ચરિત્રોને જુઓ તો તેમણે પૃથ્વીનો પરકાર્યતત્પરતાનો ગુણ ઉપાડેલો દેખાય છે. ઝાંસીની રાણી દેશ માટે લડી. તેના હૃદયમાં શું રાજ્યલાલસા હતી? શિવાજી મહારાજ શું રાજા બનવાને માટે લડ્યા ? શું રામે લોકપ્રિયતા મેળવવા સીતાનો ત્યાગ કર્યો હતો? સ્વાર્થાંધ દૃષ્ટિએ વિચાર કરનારાઓને આવાં બલિદાનોની કલ્પના પણ નહીં આવે. જેના જીવનમાં ઉપર જણાવેલ પૃથ્વીના ગુણોનો વિકાસ થયેલો નથી. જેમને સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ સમજાયું નથી; એવા અંધ બનેલાંઓને આવા મહાપુરુષોનું કાર્ય કેવી રીતે ખબર પડે ?
 
એક હિન્દુ ઊંઘમાંથી જાગીને તરત સર્વપ્રથમ પૃથ્વી માતાની ક્ષમા માંગે છે -  પ.પૂ. ગુરૂજી
 
 
રાષ્ટીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પ. પૂ. શ્રી ગુરુજીએ પૃથ્વી અને હિન્દુત્વ વિશે ખૂબ સારી સમજ આપી છે. તેઓ કહે છે કે, આપણે માટે આ ભૂમિથી પવિત્ર બીજું કશું જ ન હોઈ શકે. આ ભૂમિની ધૂળનો એક એક કણ, જડ અને ચેતન પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક કાષ્ઠ અને પાષાણ, પ્રત્યેક વૃક્ષ અને નદી આપણે માટે પવિત્ર છે. આ ભૂમિનાં સંતાનોના હૃદયમાં એ ગાઢ ભક્તિ સદાય જીવિત રાખવા માટે જ પહેલાંના સમયમાં અહીં આટલાં વિધિવિધાનો અને લોકાચારોની સ્થાપના થઈ હતી.
 
આપણા બધા મહત્ત્વના ધાર્મિક સંસ્કારો ભૂમિપૂજનથી શરૂ થાય છે. આ એક રિવાજ છે કે વહેલી સવારે હિંદુ ઊંઘમાંથી જાગે છે ત્યારે સર્વ પ્રથમ પૃથ્વીમાતા પાસે એ વાતની ક્ષમાયાચના કરે છે કે દિવસભર તે એને પોતાના પગનો સ્પર્શ કરવા માટે વિવશ છે.
 
સમુદ્રવસને દેવિ પર્વતસ્તનમણ્ડલે ।
વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પાદસ્પર્શં ક્ષમસ્વ મે ॥
 
(દૈવી ! સમુદ્ર તમારું પરિધાન છે, પર્વત સ્તનમંડલ છે (જેનો વાત્સલ્ય રસ નદીઓમાં પ્રવાહિત થઈ રહ્યો છે.) હે વિષ્ણુપત્ની ! હું તમને પ્રણામ કરું છું. મારા પગનો સ્પર્શ થવાની ધૃષ્ટતા ક્ષમા કરજો.)
 
આ એક સામાન્ય કામ છે, પરંતુ એના દ્વારા રોજ સવારે આપણા મસ્તિષ્કમાં એ માતાની ભક્તિનો વિચાર આવે છે, જે દિવ્ય મા આદિશક્તિની અતિ ઉદાત્ત ભક્તિનો જ ભાવ છે. આ પ્રશિક્ષણ એટલે ઊંડે સુધી પહોંચ્યું છે કે સામાન્ય દૈનિક કાર્યોમાં પણ આપણને એ અનુભૂતિની ઝલક જોવા મળે છે. જ્યારે કોઈ બાળક રમતરમતમાં ભૂમિને રગદોળે છે ત્યારે તેની માતા કહે છે, બેટા, ધરતીમાતાને ઠોકર ન મારીશ અથવા જો સ્વભાવ મુજબ તે જમીન નખથી ખોતરે છે તો તે કહે છે કે વહાલા બેટા, આવું ન કરીશ, પૃથ્વી માતાને કષ્ટ થશે.’ એક સામાન્ય ખેડૂત પણ જ્યારે ખેતરમાં હળ જોતરે છે. ત્યારે પહેલાં ક્ષમાયાચના કરી લે છે. આવી છે આપણી જીવંત પરંપરા.
 
સ્વામી વિવેકાનંદ જ્યારે ઇંગ્લૅન્ડથી ભારત આવવા નીકળ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશોની યાત્રા કર્યા પછી હવે તમારી માતૃભૂમિ વિશે શું વિચારો છો ? એમણે કહ્યું કે, ‘ભારતને હું પહેલાં પ્રેમ કરતો હતો, પરંતુ હવે તો એની ધૂળનો એક એક કણ મારે માટે અત્યંત પવિત્ર છે. મારે માટે તે તીર્થસ્થાન બની ગયો છે.’
 
એક મનુષ્ય એક વાર શૌચ ગયા પછી ગંગાજીમાં ધોવા માટે જતો હતો એટલે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેને કઠોરતાપૂર્વક ધમકાવ્યો. તેમણે કહ્યું, ‘દિવ્યજળને પોતાના મળથી અપવિત્ર કરવું તારે માટે કેટલું બધું અયોગ્ય છે. ગંગાનીર બ્રહ્મનીર છે.’
 
આવી છે આપણી ભૂમિના દિવ્ય માતૃત્વની સજીવ અનુભૂતિ, જે એના મહાન પુત્રોના સ્વભાવનું એક અંગ બની ગઈ છે, જે આપણા સમાજના પ્રત્યેક વર્ગમાં પરિવ્યાસ છે. વાસ્તવમાં તે સદાય આપણા રાષ્ટજીવનની મધ્યવર્તી કલ્પના રહી છે. એણે સુખ અને પોષણ માટે પોતાની માટી, હવા, જળ અને અન્યાન્ય વિવિધ પદાર્થોથી માની જેમ આપણું પોષણ કર્યું છે. ઉત્તરમાં અલંઘ્ય હિમાલય રૂપે એણે પિતાની જેમ આપણને સુરક્ષિત કર્યા છે અને દેશના વિભિન્ન ભાગોમાં ફેલાયેલી અરવલ્લી, વિંધ્ય, સહ્યાદ્રિ વગેરે ગિરિશૃંખલાઓએ ભૂતકાળમાં સ્વંતત્રતાના શૂરસેનાનીઓને રહેવા માટે જગ્યા અને બચવા માટે વ્યવસ્થા આપી છે તથા ધર્મભૂમિ રૂપે એણે આપણા આધ્યાત્મિક ગુરુનું સ્થાન લીધું છે. આપણી માતૃભૂમિએ એક જ રૂપમાં માતા, પિતા અને ગુરુ એમ ત્રણેયનું કર્તૃત્વ આપણે માટે પૂરું કર્યું છે.
 
ઉપસંહાર
 
ટૂંકમાં ભારતીય સંસ્કૃતિ હિન્દુત્વ એ ધરતી માતાને કોઈ ભોગની ચીજ તરીકે નહીં, પરંતુ પૂજનીય માતા ગણે છે. માત્ર પૃથ્વીને જ નહીં પૃથ્વી પરની, આકાશની, પાતાળની બધી જ ચીજોને ચેતનવંતી સમજે છે. પૃથ્વીનો ઉપયોગ કરીને માનવી તેને બગાડી ન દે તે માટે આપણી સંસ્કૃતિએ તેનાં ફળ, ફૂલ, પાન, પૃથ્વી પર વસતાં બધા જ પ્રાણીઓ અને હવા સુધી બધાને દેવત્વ સાથે જોડ્યાં છે. આપણી સંસ્કૃતિમાં પાણી એ ફક્ત પાણી નથી. જળદેવતા છે. આપણે તેનું પૂજન કરીએ છીએ. આપણી સંસ્કૃતિમાં સૂરજ દાદા છે, ચાંદા મામા છે, ગાય માતા છે. આપણે વાયુને વરુણદેવ તરીકે પૂજીએ છીએ. અરે વડને પણ દેવ ગણી તેના વ્રતો ઉપવાસો અને વડપૂજા થાય છે. પૃથ્વી પરનાં બધા જ ફૂલો ભગવાનને ચરણે અર્પિત થાય છે. આકડો હનુમાનદાદાને, કમળ મહાલક્ષ્મી માતાને, જાસુદ ગણેશ ભગવાનને, સત્યનારાયણની કથામાં કેળનાં પાન, પૂજામાં તુલસી અને વિધિ-વિધાનમાં ધરો અર્પિત થાય છે. આ જ રીતે પૃથ્વી પરનાં પ્રાણીઓને દેવી-દેવતાઓ સાથે જોડ્યાં છે. સૂરજ દાદા સાત અશ્ર્વોના રથમાં, અંબેમાનું વાહન વાઘ, ગણપતિ દાદાનું વાહન મૂષક, ખોડિયારમાનું વાહન મગર, લક્ષ્મીમાતાનું વાહન ઘુવડ, વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ, ચામુંડા માતાજીનું વાહન સિંહ, ભગવાન શિવનું વાહન નંદી, કાર્તિક સ્વામીનું વાહન મોર અને સરસ્વતી માતાનું વાહન હંસ. આપણે જે કોઈ પશુ-પંખીનો વિચાર કરીએ તેમનો દેવી-દેવતાઓ સાથે સમન્વય છે.
 
આ દેવત્વ અર્પિત કરવાનું કારણ શું ? કારણ એ જ કે આપણી ભારતીય સંસ્કૃતિ પૃથ્વી પરનાં એક એક જીવ-જંતુ, પશુ-પંખી, ફળ-ફળ-ઝાડ, વનસ્પતિ, પ્રાણીઓને પૂજનીય માને છે. આ રીતે તેમને દેવત્વ આપીને કોઈ માણસ તેનો સંહાર કે ઉપભોગ ના કરે તેવી વિરાટ કલ્પના છે આની પાછળ.
 
પૃથ્વીની આને જે હાલત છે તે ઉપભોગવાદના કારણે થઈ છે અને આપણી સંસ્કૃતિની કલ્પના ઉપભોગની નહીં એકમેકને ઉપયોગી થવાની છે. આપણી વ્યવસ્થા જડ-ચેતન બંનેને સાચવવાની છે. પૃથ્વી અને માનવી વિવિધ સમસ્યાઓને કારણે વિનાશ તરફ ધકેલાઈ રહ્યો છે ત્યારે ભારતીય સંસ્કૃતિ, તેની પરંપરા, નીતિ-નિયમોનું પાલન કરવાથી તેને બચાવી શકાય તેમ છે. આ પૃથ્વી દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણી સંસ્કૃતિનું પાલન કરી આપણે પૃથ્વી માતાને વધુ દૂષિત થતાં બચાવીશું. હિન્દુત્વની દૃષ્ટિ જ પૃથ્વી માતાને બચાવી રમશે.
Powered By Sangraha 9.0