મહાગુજરાતના આ ૨૪ શહીદો...ગુજરાત સસ્તામાં નથી મળ્યું, વાંચો રૂવાડાં ઊભાં કરી દે તેવી છે આ શહાદતની વાત

ગુજરાતના ૨૪ યુવાનોનાં લોહી આ ચળવળમાં રેડાયાં હતાં. અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળમાં ૨૪ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા હતા. આજે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે પણ કમનસીબે ગુજરાતીઓના પોતાના અલગ રાજ્યની રચના માટે પોતાના જાનની બાજી લગાવનારા અને પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને લોકો ભૂલી ગયા છે.

    30-Apr-2022
કુલ દૃશ્યો |

gujarat foundation day
 
 
 
મહાગુજરાતની ચળવળ અહિંસક હતી પણ સત્તાના મદમાં છાકટા બનેલા કોંગ્રેસીઓએ આ ચળવળને દબાવી દેવા માટે કરેલા અત્યાચારોના કારણે આ લડત પણ રક્તરંજિત બની હતી. ગુજરાતના ૨૪ યુવાનોનાં લોહી આ ચળવળમાં રેડાયાં હતાં. અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળમાં ૨૪ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા હતા. આજે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે પણ કમનસીબે ગુજરાતીઓના પોતાના અલગ રાજ્યની રચના માટે પોતાના જાનની બાજી લગાવનારા અને પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને લોકો ભૂલી ગયા છે. આ યુવાનોને વરસમાં એક વાર શ્રદ્ધાંજલિ આપવાનો વિવેક પણ ગુજરાતીઓ બતાવતા નથી એ કમનસીબી છે.
 
 
રૂવાડાં ઊભાં કરી દે તેવી છે આ શહાદતની વાત
 
ગુજરાતની રચના માટે શહીદી વહોરનારા આ શહીદોની શહાદતની વાત ‚વાડાં ખડાં કરી દે તેવી છે. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી ભાષાવાર રાજ્યો રચવાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો હતો. રાજ્યોની પુન:રચના માટે ફઝલઅલીના અધ્યક્ષપદે રચાયેલા પંચે પણ આ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો છતાં ગુજરાતીભાષી લોકો માટે અલગ રાજ્યની માગણી ના સ્વીકારાઈ. તેના બદલે કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ (મહારાષ્ટ્ર-ગુજરાત) રાજ્યની રચના કરી દીધી. ૭ ઑગસ્ટ ૧૯૫૬ના દિવસે દ્વિભાષી રાજ્યની રચનાની જાહેરાત કરાઈ તેના ઉગ્ર પડઘા ગુજરાતમાં પડ્યા. ગુજરાતનું અલગ રાજ્યનું સપનું રોળાઈ ગયું તેની સામે લોકો ભડક્યા અને ૭ ઓગસ્ટ ૧૯૫૬ના દિવસથી જ જનઆંદોલન શ‚ થયું. એ વખતે કોંગ્રેસની ઑફિસ ભદ્ર પાસે હતી. આંદોલનકારીઓ કોંગ્રેસ હાઉસ ગયા. કોંગ્રેસ હાઉસમાં બેઠેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પાસે પણ કોઈ જવાબ ન હતો. તેમણે ચળવળકારોને ઠાલું વચન આપતાં એવું કહ્યું કે, પ્રદેશ સમિતિની બેઠક ન મળે ત્યાં સુધી રાહ જુઓ.
ગુજરાતની પ્રજાને આવો સરકારી જવાબ મંજૂર નહોતો તેથી કોંગ્રેસ હાઉસ સામે જ ગુજરાતીઓની અપેક્ષાઓનો પડઘો પાડવા માટે આંદોલન શ‚ કરવાનો નિર્ધાર કરાયો. એ જ રાત્રે આંદોલનકારીઓની પહેલી બેઠક હરિહર ખંભોળજાની લૉ કૉલેજની હોસ્ટેલમાં મળી. રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ, નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સ, અખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના યુવા નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા. આ બેઠકમાં પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ, બ્રહ્મકુમાર ભટ્ટ સહિતના યુવા અને વિદ્યાર્થી આગેવાનો ઉપસ્થિત હતા અને આ બેઠકમાં ૮ ઓગસ્ટે બંધનું એલાન આપવાનું નક્કી કરાયું. ગુજરાતમાં ઓગસ્ટ ક્રાન્તિનાં મંડાણ થયાં અને કોંગ્રેસ સરકાર સામે લડતનું એલાન કરીને નેતાઓએ ૮ ઓગસ્ટે ગુજરાત બંધનું એલાન આપ્યું.
યુવાનો કાંઈ સમજે પહેલાં જ કોંગ્રેસ હાઉસમાંથી ગોળીઓ છૂટવા માંડી.
 

gujarat foundation day 
 
 
બીજા દિવસની સવાર જુસ્સાભરી હતી ને ૮ ઑગસ્ટ, ૧૯૫૬ની સવારે સવારે જંગી જનમેદની ગુજરાત કૉલેજ પાસે એકઠી થઈ. આ મેદનીમાં વિદ્યાર્થીઓ વધારે હતા. રાયપુર ચકલામાં પણ જંગી મેદની એકઠી થઈ. વાડીલાલના ઓટલા પરથી ખાડિયાના આગેવાન બ્રહ્મકુમાર ભટ્ટે પહેલી સભા સંબોધી અને મહાગુજરાત લે કે રહેગેંના નારા સાથે યુવાનો નીકળી પડ્યા. ગુજરાત કોંગ્રેસ પાસે એકઠી થયેલી મેદની કોંગ્રેસ હાઉસ ગઈ. કોંગ્રેસ હાઉસ પર રાયફલધારી પોલીસોનો ખડકલો કરી દેવાયો હતો. વિદ્યાર્થીઓનાં ટોળાં કોંગ્રેસ હાઉસથી ભદ્રમાં આવ્યાં. આ યુવાનો શાંતિપૂર્ણ રીતે સૂત્રો પોકારીને પસાર થતા હતા ત્યાં એકાએક કોંગ્રેસ હાઉસમાં બેઠેલા પોલીસ અધિકારી મિરાન્ડાએ ગોળીબારનો હુકમ કર્યો.
 
યુવાનો કંઈ સમજે તે પહેલાં ગોળીઓ છૂટવા માંડી અને બનાસકાંઠાના પૂનમચંદની ખોપરી ઊડી ગઈ. પૂનમચંદ એ રીતે મહાગુજરાત ચળવળનો પહેલો શહીદ બન્યો. ગોળીબારથી ગભરાટ વ્યાપ્યો ને નાસભાગ શ‚ થઈ. પોલીસે નાસતા યુવાનોને નિશાન બનાવીને ગોળીઓ છોડવા માંડી. ડાળિયા બિલ્ડિંગના સુરેશ જયશંકર ભટ્ટ બીજો શિકાર બન્યા ને તેમને છાતીમાં ગોળી વાગી. અસારવાના કૌશિક ઇન્દુલાલને માથામાં ગોળી વાગી અને અબ્દુલભાઈ પીરભાઈની છાતી ચિરાઈ ગઈ. જોતજોતામાં ચાર યુવાનો શહીદ થઈ ગયા.
 
કોંગ્રેસ હાઉસની સામે યુવાનો ઊભા હતા ત્યારે આ નિ:શસ્ત્ર ને અહિંસક યુવાનો પર ગોળીબાર કરીને કોંગ્રેસે અંગ્રેજોને પણ સારા કહેવડાવ્યા. ગોળીબારના પહેલા શહીદ બનાસકાંઠાના યુવાન પૂનમચંદ વીરચંદ અદાણી માત્ર ૧૬ વર્ષનો કિશોર હતો ને રતનપોળમાં કાપડની દુકાને નોકરી કરતો હતો. પૂનમચંદ તેની માતા, બે પરિણીત ભાઈ અને ભાભી સાથે લહેરિયાપોળમાં રહેતો હતો. આ યુવાનના શબને બાજુએ ખસેડવામાં આવે તે પહેલાં ૧૮ વર્ષના કૌશિક ઇન્દુલાલ વ્યાસને ગોળી વાગતાં તેનાં આંતરડાં શરીરની બહાર નીકળી ગયાં હતાં. તેના પિતા ઇન્દુલાલ સ્વાતંત્ર્ય સેનાની હતા ને દીકરાનો મૃતદેહ જોઈને બોલી ઊઠ્યા હતા કે.. હું આઝાદી માટે લડ્યો અને મારો દીકરો આઝાદ ભારતની પોલીસની ગોળી ખાઈને મર્યો. પોલીસ ગોળીબારમાં શહીદ અબ્દુલના પિતાએ પુત્રની લાશને જોઈ કહ્યું હતું કે, એક તો શું બીજા ચાર દીકરાની જ‚ર હશે તો મહાગુજરાત માટે બલિદાન આપવા માટે તૈયાર છીએ. ચોથો શહીદ સુરેશ ભટ્ટ માત્ર ૧૭ વર્ષનો હતો. ઉમરેઠના જયશંકર ભટ્ટનો તે દીકરો હતો. ધોરણ ૧૦માં ભણતા આ કિશોરે લાલ દરવાજાના સ્નાનાગારમાં એક યુવાનને ડૂબતો બચાવ્યો હતો.
 
કોંગ્રેસના મહામંત્રીએ કહ્યું હતું, ગોળી પર નામ-સરનામાં નથી હોતાં
 
ગુજરાતમાં અંગ્રેજો સામેના આંદોલન વખતે થયેલા અત્યાચારોની યાદ અપાવે તેવા આ ગોળીબારે સૌને સ્તબ્ધ કરી દીધા. હદ તો એ થઈ કે કોંગ્રેસના નેતાઓએ અત્યંત નફફટાઈથી આ ગોળીબાર કોના આદેશથી થયો તે મામલે હાથ ખંખેરી નાંખ્યા. કોંગ્રેસના મહામંત્રી તરીકે એ વખતે ઠાકોરભાઈ હતા ને તેમણે આ ચાર યુવાનોના મોતની મજાક ઉડાવતા હોય તેમ એવું નિવેદન કર્યું કે, ગોળી ઉપર નામ-સરનામાં લખેલાં હોતાં નથી. કોંગ્રેસ હાઉસમાંથી થયેલા આ પોલીસ ગોળીબારે લોકોનો આક્રોશ ભડકાવ્યો અને લોકો રસ્તા પર આવી ગયા. બપોર સુધીમાં તો આખું અમદાવાદ શહીદો અમર રહોના નારાઓથી ગાજતું હતું. ખાડિયા નજીક રાયપુર ચકલામાં પોલીસ ચોકી હતી. ખાડિયામાં સૌથી વધારે આક્રોશ હતો ને ખાડિયાના યુવાનોએ આ પોલીસ ચોકીને બંધ કરી સળગાવી દીધી. પોલીસવાનને પણ આગ ચાંપી. બીજી તરફ કોંગ્રેસની સરકાર પણ ચળવળને દબાવવા મેદાનમાં આવી ગઈ ને પોલીસોને ચળવળને કચડી નાંખવા છૂટો દોર અપાયો. આ પોલીસ ગોળીબારમાં ચંપકલાલ સોની નામનો યુવાન કામેશ્ર્વરની પોળના નાકે શહીદ થયો.
 
પોલીસે કરેલા ગોળીબારથી લોકોમાં આક્રોશ હતો તો કોંગ્રેસ પણ આંદોલનને કચડી નાંખવા ઝનૂને ચડી હતી તેથી તેમણે પોલીસને છૂટો દોર આપ્યો. પોલીસે તેનો લાભ લઈને બેફામ ગોળીબાર કર્યા ને ૯ ઓગસ્ટના દિવસે ગાંધીમાર્ગ ઉપર ખાડિયા ચાર રસ્તે ઉમાકાન્ત કડિયા શહીદ થયા હતા. ૧૦ ઓગસ્ટે વીર વિનોદ કિનારીવાલાએ ગુજરાત કોલેજમાં પ્રાણ આપ્યા હતા. એ જ દિવસે નડિયાદના કોંગ્રેસ ભવનમાંથી આંદોલનકારીઓ પર પોલીસની ગોળીઓ છૂટી હતી અને બે યુવાનો શહીદ થયા હતા.
 
આ યુવાનોની શહીદીને શ્રદ્ધાંજલિ આપવા ૧૩ ઓગસ્ટે શહીદ દિન અને ૧૯ ઓગસ્ટે જનતા કરફ્યનું એલાન અપાયું. ૧૩ ઑગસ્ટે શહીદ દિને લૉ કૉલેજના મેદાનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં ઉમટેલી જંગી મેદની લોકમિજાજનો પરચો હતી.
 
દેશના સ્વાતંત્ર્ય દિન એટલે કે ૧૫ ઓગસ્ટે શહીદ કૌશિકની માતાએ ધ્વજવંદન કરાવ્યું. એ વખતે કવિ પ્રદીપે ગાયું હતું કે, આજ આંખ મેં આંસુ લે કર બેઠા હૈ ગુજરાત..........
 
૧૯ ઑગસ્ટે લાલ દરવાજા ખાતે મોરારજી દેસાઈની સભાનું આયોજન કોંગ્રેસ પક્ષે કર્યું હતું. આ સમયે મહાગુજરાતની વિદ્યાર્થી પરિષદે જનતા કરફ્યુનું એલાન આપ્યું હતું. સભામાં કોઈ ફરક્યું નહીં તેના કારણે મોરારજી દેસાઈ ભારે ગુસ્સામાં હતા. તેમણે ઉપવાસ શ‚ કર્યા પણ તેની કોઈએ નોંધ ના લેતાં ઉપવાસ સમેટી લેવા પડ્યા. બીજી તરફ આક્રોશમાં આવેલા લોકોએ એ વખતના ગુજરાતના ગૃહપ્રધાન બાબુભાઈ જસભાઈના મકાનને ઘેરો ઘાલતાં પોલીસ ગોળીબાર થયો જેમાં અનેક લોકો ઘાયલ થયા.
 
આ ઘટનાના પગલે પોલીસ તૂટી પડી ને ઠેર ઠેર ગોળીબાર કર્યા. સુરધાશેઠની માંડવીની પોળ માણેકચોકમાં રહેતા નિવૃત્ત મેજિસ્ટ્રેટના ૩૦ વર્ષના પુત્ર રાજેન્દ્રભાઈ કોંગ્રેસ હાઉસથી દૂર ઊભા હતા ત્યારે તેમને પેટમાં ગોળી વાગી હતી. ૧૫ ઓગસ્ટની મધરાતે તેમનું નિધન થયું. મહાગુજરાતમાં આઠમા શહીદ ગોવિંદસ્વામી તિરુમંદસ્વામી હતા. તેઓ કેન્દ્ર સરકારમાં તામિલનાડુના કર્મચારી હતા અને મદ્રાસથી અમદાવાદ આવ્યા હતા ત્યાં પોલીસ ગોળીબારનો ભોગ બનીને મોતને ભેટ્યા. આ ચળવળના કેન્દ્રસ્થાને ખાડિયા હતું તેથી ખાડિયાના લોકો પર પોલીસે વધારે અત્યાચાર કર્યા.
આ આંદોલનના એક શહીદ કાન્તિભાઈ પરમાર તેમના નાનકડા ભાઈને શોધવા રિલીફરોડ પરથી પસાર થતા હતા ત્યારે પોલીસે છોડેલી ગોળીએ તેમની ખોપરી તોડી નાંખી હતી. કાંતિભાઈએ પોતાની પાછળ વિધવા માતાને વિલાપ કરતાં મૂકી દીધાં. રાયપુર ચકલાની કામેશ્ર્વરની પોળમાં રહેતા ચંપકલાલ શંકરલાલ સોનીની છાતીમાં પોલીસની ગોળી વાગતાં તે પણ શહીદ થયા.
 
મહાગુજરાતના આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની આ દાસ્તાન છે. ગુજરાતીઓને પોતાનું રાજ્ય મળે એ માટે ૨૪ યુવાનોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યાં હતાં. ગુજરાત મેળવવા માટે ખેલવામાં આવેલો સંઘર્ષ આજે નવી પેઢીને યાદ નહીં હોય પણ આ વાંચ્યા પછી અહેસાસ થવો જોઈએ કે ગુજરાત સાવ સસ્તામાં મળ્યું નથી.
 
ગુજરાત તેની સ્થાપનાનાં સાઠ વર્ષ પૂરાં કરવાની નજીક છે ત્યારે ગુજરાતની લડત માટે જે લોકોએ પોતાના જીવનનાં બલિદાનો આપ્યાં છે, કમ સે કમ વરસમાં એક વાર તો આ શહીદોને સાચા હૃદયથી અંજલિ આપવાની ફરજ બજાવવી જ જોઈએ. જૂની પેઢી ભલે તેમને ભૂલી, નવી પેઢી નવી શરૂઆત કરે.
 
- મહેશ મકવાણા