મહાગુજરાત આંદોલને ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો નાંખ્યો

મહાગુજરાત આંદોલનના કારણે હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ રીતે તો ગુજરાતના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન મહત્ત્વનું છે જ પણ ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો આ આંદોલનથી નંખાયો એમ કહીએ તો ચાલે.

    30-Apr-2022
કુલ દૃશ્યો |
 
Mahagujarat movement
 
 
# કોંગ્રેસી સરકારે કરાવેલા ગોળીબાર અને તેમાં માર્યા ગયેલા શહીદો પ્રત્યે કોંગ્રેસી નેતાઓએ અનાદર વ્યક્ત કર્યો તેના લીધે ગુજરાતમાં મધ્યમ વર્ગમાં અને સવર્ણોમાં કોંગ્રેસ તરફ નફરતની લાગણી પેદા થવાની શરૂઆત થઈ
 
# ગુજરાતમાં ૧૯૭૨ની કોંગ્રેસની જીત પછી સત્તાની સાઠમારી શરૂ થઈ અને રાજકીય દાવપેચના અસલી ખેલ શરૂ થયા. ઇન્દિરાના માનીતા ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને ચીમનભાઈ પટેલ ગાદી પર બેઠા પણ તેમના ભ્રષ્ટાચારના કારણે નવનિર્માણ આંદોલન શરૂ થયું.
 
મહાગુજરાત આંદોલનના કારણે હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ રીતે તો ગુજરાતના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન મહત્ત્વનું છે જ પણ  ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો આ આંદોલનથી નંખાયો એમ કહીએ તો ચાલે. મહાગુજરાતની માગણી કરતા દેખાવકારી વિદ્યાર્થીઓ પર કોંગ્રેસી સરકારે કરાવેલા ગોળીબાર અને તેમાં માર્યા ગયેલા શહીદો પ્રત્યે કોંગ્રેસી નેતાઓએ અનાદર વ્યક્ત કર્યો તેના લીધે ગુજરાતમાં કોંગ્રેસ તરફ નફરતની લાગણી પેદા થવાની શરૂઆત થઈ. કોંગ્રેસના નેતા ઠાકોરભાઈએ એવી યુવાનોને ઠેસ પહોંચાડતી વાત કરી હતી કે, ગોળીઓ પર કોઈનાં નામ-સરનામાં લખેલાં હોતાં નથી. તેના કારણે કોંગ્રેસ લોકોની લાગણીઓને સમજતી નથી અને કોંગ્રેસના નેતાઓ પોતાના અહમ્ના મદમાં એટલા આંધળા છે કે મોતનો મલાજો પણ જાળવતા નથી તેવી લાગણી પેદા થઈ ને ધીરે ધીરે એ લાગણી એટલી બળવત્તર બની કે ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ જ થઈ ગઈ.
 
 
તે વખતે ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ ન હતો
 
 
ભારતમાં આઝાદી પછીના દિવસો રાજકીય રીતે કોંગ્રેસના એકચક્રી શાસનના હતા. એવી હાલત હતી કે કોંગ્રેસના નામે કાળું કૂતરું પણ ચૂંટાઈ આવે. તેના કારણે દેશભરમાં બીજા રાજકીય પક્ષો વિકસ્યા જ નહોતા. મહાગુજરાત આંદોલનના કારણે ગુજરાતમાં ઇન્દુલાલ યાજ્ઞિક સહિતના નેતાઓ જનનાયક તરીકે ઊભર્યા હતા. અલગ ગુજરાત (મહાગુજરાત)ની માગણી સાથે રચાયેલી અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ફાયરબ્રાન્ડ નેતા ધરાવતી જનતા પરિષદ ૧૯૫૭ની બીજી લોકસભા ચૂંટણી લડી હતી, પણ તેને બહુ સફળતા નહોતી મળી કેમ કે, ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસનો પ્રભાવ ભારે હતો. ૧૯૬૦માં ગુજરાત મળી ગયા પછી પરિષદનું વિસર્જન થયું અને ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ નૂતન મહાગુજરાત જનતા પરિષદ નામનો નવો રાજકીય પક્ષ બન્યો. મહાગુજરાત આંદોલન સાથે સંકળાયેલા બીજા નેતાઓ અલગ થઈ ગયા ને તેમાંથી ઘણાખરા કોંગ્રેસમાં જોડાયા. તેના કારણે ઇન્દુલાલ સિવાય બીજા કોઈ નેતા પ્રભાવ ના બતાવી શક્યા. ૧ મે, ૧૯૬૦ના રોજ અલગ ગુજરાત બની ગયું, પણ ગુજરાતમાં કોંગ્રેસનો રાજકીય વિકલ્પ નહોતો ઊભો થયો તેથી કોંગ્રેસને વાંધો ના આવ્યો.
એ વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાતી ને ગુજરાતની પહેલી લોકસભા તથા વિધાનસભા ચૂંટણી ૧૯૬૨માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં આશરે ૯૫ લાખ મતદાર હતા. કોંગ્રેસ અને નૂતન મહાગુજરાત જનતા પરિષદ ઉપરાંત સ્વતંત્ર પક્ષ, પ્રજા સમાજવાદી પક્ષ, રીપબ્લિકન પક્ષ, જનસંઘ અને હિંદુ મહાસભા જેવો પક્ષ પણ મેદાનમાં હતા. નવા રચાયેલી ગુજરાતની વિધાનસભામાં ૧૫૪ અને લોકસભામાં ૨૨ બેઠકો હતી. કોંગ્રેસે ઊભા રાખેલા ઉમેદવારોમાં નાણામંત્રી મોરારજી દેસાઈ, ઉદ્યોગમંત્રી મનુભાઈ શાહ અને આયોજનમંત્રી ગુલઝારીલાલ નંદા એમ ત્રણ-ત્રણ કેન્દ્રીય મંત્રીઓ હતા. મુખ્ય વિરોધી ગણાતા સ્વતંત્ર પક્ષને રાજા-મહારાજાઓ ને મૂડીપતિઓનો પક્ષ ગણાવનાર કોંગ્રેસે પોતે વડોદરામાં ફતેસિંહરાવ ગાયકવાડને ઊભા રાખ્યા હતા.
 
૧૯૫૭ની ચૂંટણીમાં મહાગુજરાતના મુદ્દે બધા વિરોધપક્ષો એક થઇને કોંગ્રેસ સામે લડ્યા હતા છતાં લોકસભામાં કોંગ્રેસે ૨૨માંથી ફક્ત ૫ બેઠક ગુમાવી હતી. ૧૯૬૨માં કોઈ મુદ્દો ન હોવાને કારણે અને વિપક્ષો વહેંચાયેલા હોવાને કારણે કોંગ્રેસનો દેખાવ સુધરશે એવું મનાતું હતું પણ કોંગ્રેસે ૬ બેઠકો ગુમાવી. તેમાંથી ૪ બેઠકો સ્વતંત્ર પક્ષે મેળવી. સ્વતંત્ર પક્ષ તરફથી કનૈયાલાલ મુનશીનાં પત્ની લીલાવતી મુનશી ભરૂચ બેઠક પરથી અને સરદારનાં પુત્રવધૂ ભાનુબહેન ડાહ્યાભાઈ પટેલ ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડ્યાં પણ બન્ને ચૂંટણી હાર્યાં.
 

Mahagujarat movement  
 
 
ભાઈકાકાની પી.કે. (પક્ષ) થીયરી
 
 
ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના કર્તાહર્તા ભાઈકાકા (ભાઈલાલભાઈ પટેલ) હતા. વિદ્યાનગરના સ્થાપક અને સરદારના વિશ્ર્વાસુ તરીકેની છાપ ધરાવતા ભાઈકાકાએ સ્વતંત્ર પક્ષને મજબૂત બનાવવા માટે ક્ષત્રિય મતબેંક પર નજર દોડાવી હતી. માધવસહ સોલંકીને ઝીણાભાઈ દરજીની ખામ (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) થીયરી પહેલાં આવેલી ભાઈકાકાની વ્યૂહરચના પક્ષ (પટેલ-ક્ષત્રિય) તરીકે ઓળખાઈ. ક્ષત્રિય સમાજે એપ્રિલ, ૧૯૫૮માં ડાકોરમાં ભરાયેલા સંમેલનમાં ઠરાવ કર્યો હતો કે, ક્ષત્રિયસભાના સભ્ય થવા ઇચ્છનારે પહેલાં કોંગ્રેસના સભ્ય થવું જોઈએ. મોટી વસ્તી ધરાવતા ક્ષત્રિયોના ટેકાને કારણે મહાગુજરાત આંદોલન વખતે થયેલી ૧૯૫૭ની ચૂંટણીમાં કોંગ્રેસને વાંધો આવ્યો ન હતો.
 
કોંગ્રેસના પાયા હચમચાવવા માટે ભાઈકાકાને ક્ષત્રિયોનો ટેકો જરૂરી લાગ્યો. તેમની સમજાવટો પછી ૧૯૬૧ના બાયડ ખાતે ભરાયેલા ક્ષત્રિય સંમેલનમાં ક્ષત્રિયો કોંગ્રેસમાંથી નીકળી ગયા અને ચૂંટણીના એક મહિના પહેલાં તેમણે સ્વતંત્ર પક્ષમાં જોડાવાનો ઠરાવ કર્યો. આ નિર્ણયનો બહુ ફાયદો પહેલી ચૂંટણીમાં ભાઈકાકાને ના થયો કેમ કે, એ વખતે પ્રચાર પ્રસાર પર્યાપ્ત નહોતો. ગુજરાતમાં ૧૯૬૨માં પહેલી ચૂંટણીમાં કોંગ્રેસ ૧૫૪માંથી ૧૧૩ બેઠકો જીતીને સરળતાથી જીતી ગયેલી. ગાંધીજીના વેવાઈ રાજાજીએ બનાવેલી. ગુજરાતમાં ભાઈકાકાની સ્વતંત્ર પાર્ટીએ ૨૬ બેઠકો જીતીને શાનદાર દેખાવ કરેલો.
 
 
કોંગ્રેસના પતનની શરૂઆત
 
 
કોંગ્રેસે સત્તા તો ટકાવી પણ એ ચૂંટણીમાં તેના મતોની ટકાવારી ખાસ્સી ઘટી. કોંગ્રેસના પતનની એ શરૂઆત હતી. કોંગ્રેસ આઝાદીની લડત લડીને મજબૂત થયેલી પાર્ટી હતી તેથી રાતોરાત કંઈ ના ગબડી પણ બહુ જલદી તેનું પતન ચોક્કસ થયું. કોંગ્રેસને તેનો અહેસાસ પાંચ વર્ષ પછી જ થઈ ગયો. ગુજરાત વિધાનસભાની ૧૯૬૭માં બીજી ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસે ૧૬૮માંથી ૯૩ બેઠકો જીતીને સત્તા તો કબજે કરી પણ સ્વતંત્ર પાર્ટીએ ૬૬ બેઠકો જીતીને કોંગ્રેસને ફીણ પડાવી દીધેલું. જનસંઘે આ ચૂંટણીમાં પહેલી વાર એક બેઠક જીતીને ખાતું ખોલેલું.
 
ગુજરાતમાં શરૂઆતનાં એ વર્ષો રાજકીય રીતે શુષ્ક હતાં પણ ૧૯૬૭ પછી ગુજરાતમાં અચાનક રાજકીય ગતિવિધિઓ તેજ બની. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા એ વખતે મોરારજી દેસાઈ ગુજરાતના હોવાથી ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઈ જશે તેવી ધારણા હતી પણ ઇન્દિરાએ ૧૯૭૧માં બાંગ્લાદેશ સામે જીત મેળવી તેના કારણે બધી ધારણાઓ ખોટી પડી. કોંગ્રેસે ૧૯૭૨ની ચૂંટણીમાં ૧૬૮માંથી ૧૪૦ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધેલો.
 
ગુજરાતમાં ૧૯૭૨ની કોંગ્રેસની જીત પછી સત્તાની સાઠમારી શરૂ થઈ અને રાજકીય દાવપેચના અસલી ખેલ શરૂ થયા. ઇન્દિરાના માનીતા ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને ચીમનભાઈ પટેલ ગાદી પર બેઠા પણ તેમના ભ્રષ્ટાચારના કારણે નવનિર્માણ આંદોલન શરૂ થયું. આ આંદોલન દેશના ઇતિહાસમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું કેમ કે તેના કારણે જયપ્રકાશ નારાયણે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કર્યું. આ આંદોલનના કારણે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદવી પડી જેના કારણે ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ઉલાળિયું થઈ ગયું પણ એ પહેલાં ગુજરાતમાં ૧૯૭૫માં કોંગ્રેસે કારમી હાર ખમવી પડેલી. ગુજરાતમાં મહાગુજરાત આંદોલન વખતે કોંગ્રેસ સરકારે કરેલા અત્યાચારોના કારણે લોકોમાં આક્રોશ હતો. આ આક્રોશ ૧૯૭૫ના આંદોલન વખતે બહાર આવી ગયો ને ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો નંખાયો. ૧૯૭૫માં લોકો સાગમટે કોંગ્રેસ વિરુદ્ધ થયા ને સત્તા પરિવર્તન થયું. કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો હોવા છતાં વિપક્ષોએ એક થઈને સરકાર બનાવી અને બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસના પગ તળેથી જમીન સરકી ગયેલી તેથી કોંગ્રેસીઓ શું કરવું તેની મૂંઝવણમાં હતા.
 
 
માધવસિંહની ખામ થીયરી
 
 
માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને રસ્તો બતાવ્યો ને સવર્ણો સામે બીજી જ્ઞાતિઓને મૂકવાનાં સમીકરણ રચીને ચૂંટણી જીતી શકાય છે તેવો મમરો મૂક્યો. માધવસિંહે ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થીયરી અમલમાં મૂકી.
માધવસિંહે પોતાની ખામ મતબેંકને મજબૂત કરવા અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે બક્ષી પંચના નામે ૨૭ ટકા અનામત દાખલ કરતાં ગુજરાતમાં ભડકો થયો. માધવસિંહની આ ચાલના કારણે તમામ વર્ગ એક થઈ ગયા. ગુજરાતમાં ૧૯૮૦થી ૧૯૮૫નાં પાચ વર્ષ સળંગ તોફાનો થયાં ને ગુજરાત ભડકે બળ્યું. ૧૯૮૫માં માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસ ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતી તેથી માધવસિંહે માની લીધું કે તેમની ખામ થીયરીના કારણે જીત મળી છે. એ જીત ઇન્દિરા ગાંધીની હત્યાની સહાનુભૂતિના મોજાને આભારી હતી પણ માધવસિંહ આ વાત ના સમજ્યા ને તેમણે સમાજમાં વિવિધ મુદ્દે વિભાજન થોપવાનો પ્રયાસ કર્યો તેમાં ગુજરાત ભડકે બળ્યું. આ આંદોલને માધવસિંહને તો ઘરભેગા કર્યા જ પણ કોંગ્રેસનો કાયમ માટે કાંટો કાઢી નાંખ્યો. કોંગ્રેસ એ પછી ગુજરાતમાં કદી જીતી નથી. કોંગ્રેસ સામેનો આક્રોશ ધીરે ધીરે વિકસ્યો અને આજે એ હદે વ્યાપેલો છે કે ગુજરાતમાં કોંગ્રેસ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ જીતી શકતી નથી.
 
- નેહા શર્મા