ગુજરાત આ નેતાઓનું સદાય ઋણી રહેશે ! મહાગુજરાત આંદોલનના નેતાઓ...

ગુજરાતે ભારતની આઝાદી મળી એ પહેલાંથી ગુજરાતી ભાષીઓના અલગ રાજ્યનું સપનું જોયું હતું. આઝાદી પછી ૨૭મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભામાં ખુદ વડાપ્રધાને ભાષાવાર પ્રાંત રચવાના સિદ્ધાંતનો સરકાર વતી સ્વીકાર કરેલો ત્યારે ગુજરાતીઓની અલગ રાજ્યની આશા મજબૂત બની હતી.

    30-Apr-2022
કુલ દૃશ્યો |

Mahagujarat Andolan
 

આંદોલનની ચાર ખાસિયતો | Mahagujarat Andolan

 
(૧) આંદોલનકારીઓમાં દેશના મોટા નેતાઓ સામે પણ બાથ ભીડવાની તાકાત હતી.
(૨) આંદોલનના નેતાઓને જનતાની સમજદારી પર પૂરો ભરોસો હતો.
(૩) યુવા નેતાઓ દ્વારા જ આંદોલન આગળ વધતું હતું.
(૪) આંદોલનનું નેતૃત્વ પીઢ લોકોના હાથમાં હતું.
 
પોલીસ અધિકારી રેનિસને ટોળાને અટકાવીને સવાલ કર્યો, કાયદાનો ભંગ થાય છે અને તમારી પાસે પરમિટ છે કે કેમ ? સામેથી તરત ખમીરવંતો જવાબ મળ્યો, અમારી પાસે પ્રભુના દરબાર સુધીની પરમીટ છે. આવો માત્ર એક વાક્યનો બેધડક જવાબ સાંભળીને પોલીસ અધિકારી બીજો કોઈ સવાલ પૂછવાની સ્થિતિમાં ન રહ્યા. આંદોલનકારીઓની આગેકૂચ જારી રહી. આ જવાબ આપનાર નેતા હતા જયંતિ દલાલ. સાહિત્ય અને જાહેરજીવનમાં અનોખું પ્રદાન કરનારા જયંતિ દલાલના એક વાક્યના જવાબમાં મહાગુજરાત આંદોલન દરમિયાન ગોળીબારમાં ૨૪ દૂધમલ યુવાનોની શહાદતનો આક્રોશ પણ હતો અને સમગ્ર ગુજરાતની જનતાના લે કે રહેંગે મહાગુજરાતના નિશ્ર્ચયનો રણકો પણ હતો. મહાગુજરાત આંદોલનના નેતાઓની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમનામાં અલગ ગુજરાત રાજ્ય માટે દેશના મોટામાં મોટા નેતાઓ સામે બાથ ભીડવાની હિંમત અને સાહસ હતાં. મહાગુજરાતના નેતાઓ ન ડર્યા જેલવાસથી કે પછી ખુલ્લેઆમ ગોળીબારોથી. રાજકીય પ્રપંચો અને ઉશ્કેરણી પણ તેમના નિશ્ર્ચયને નહોતી ડગાવી શકી. મહાગુજરાત આંદોલનના નેતાઓની બીજી મોટી ખાસિયત હતી કે તેમને જનતાની સહિષ્ણુતા અને સમજદારી પર પૂર્ણ ભરોસો હતો અને એટલે જ તેઓ સમગ્ર આંદોલન અહિંસક રીતે ચલાવી શક્યા હતા. મહાગુજરાત આંદોલનની ત્રીજી મોટી અને નોંધપાત્ર ખાસિયત એ હતી કે તે યુવા નેતાઓ દ્વારા જ આગળ વધારવામાં આવ્યું હતું. આંદોલનની શરૂઆત જ ગુજરાતના યુવા નેતાઓએ કરી હતી અને યુવાનોએ જ ગોળીઓ ખાઈને શહીદી વહોરી હતી. અલબત્ત, યુવા નેતાઓની એ સમજદારી પણ કાબિલેદાદ હતી કે તેમણે પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ મ્યાનમાં રાખીને આંદોલનનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિક અને બ્રહ્મકુમાર ભટ્ટ જેવા પીઢ અને અનુભવી નેતાઓને સોંપ્યું હતું. મહાગુજરાતના યુવા નેતાઓ આવું કરી શક્યા, કારણ કે તેમનો હેતુ પોતે છવાઈ જવાનો કે છાકો પાડી દેવાનો નહોતો, પરંતુ મહાગુજરાત સ્થાપવાનો હતો. મહાગુજરાતના યુવા નેતાઓએ આંદોલનના જોશમાં હોશ ન ખોવાઈ જાય, આંદોલન આડે પાટે ન ચડી જાય, એ માટે જ ઇન્દુચાચા સરીખા નેતાના માર્ગદર્શન હેઠળ વધવાનું યોગ્ય માન્યું હતું. આવી સમજદારીએ જ લાંબા સંઘર્ષના અંતે જ્વલંત સફળતા અપાવી હતી અને એ પણ પ્રમાણમાં શાંતિપૂર્વક. બાકી આપણે તેલંગાણા કે ઝારખંડનાં અલગ રાજ્ય માટેનાં લોહિયાળ આંદોલનો જોયાં જ છે. ગુજરાતે ખરા અર્થમાં ‘ગાંધીના ગુજરાત’ની ઓળખને જાળવી રાખીને અલગ રાજ્ય પ્રાપ્ત કર્યું હતું.
 
 
અને યુવાનો ખળભળી ગયા
 
 
ગુજરાતે ભારતની આઝાદી મળી એ પહેલાંથી ગુજરાતી ભાષીઓના અલગ રાજ્યનું સપનું જોયું હતું. આઝાદી પછી ૨૭મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભામાં ખુદ વડાપ્રધાને ભાષાવાર પ્રાંત રચવાના સિદ્ધાંતનો સરકાર વતી સ્વીકાર કરેલો ત્યારે ગુજરાતીઓની અલગ રાજ્યની આશા મજબૂત બની હતી.
 
એ પછી ૧૯૫૩માં કોંગ્રેસ મહાસમિતિની બેઠક મળેલી. હૈદરાબાદ ખાતે મળેલી આ બેઠકમાં ભાષાવાર પ્રાંતરચનાની ભલામણનો ઠરાવ રજૂ થયેલો અને સર્વાનુમતે પસાર થયેલો. મરાઠી ભાષી મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષી મહાગુજરાત રચાશે, એ જાણે નિશ્ર્ચિત મનાતું હતું, પરંતુ મોહમયી મુંબઈ શહેર કોનું ? મહારાષ્ટ્રનું કે મહાગુજરાતનું, એ સવાલે મડાગાંઠ સર્જી હતી. આગળ જતાં મુંબઈ શહેર અને આજુબાજુના વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવો અને મહારાષ્ટ્ર તથા મહાગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવાનો વિકલ્પ અજમાવવામાં આવ્યો, પરંતુ મહારાષ્ટ્રના ઉગ્ર વિરોધને પગલે તોફાનો થતાં એ વિકલ્પ માંડી વાળવો પડ્યો. આખરે દ્વિભાષી રાજ્યનો તુક્કો લગાવવામાં આવ્યો. ઑગસ્ટ-૧૯૫૬ના પ્રથમ સપ્તાહમાં દ્વિભાષી રાજ્યનો તખતો રચાઈ ગયો. ૭મી ઑગસ્ટ, ૧૯૫૬નાં અખબારોમાં સમાચાર ચમક્યા કે મુંબઈના દ્વિભાષી રાજ્યની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. ૮મી ઑગસ્ટે અખબારોમાં આવ્યું કે લોકસભાએ ૨૪૧ વિરુદ્ધ ૪૦ મતથી મુંબઈનું દ્વિભાષી રાજ સ્થાપવાનો ઠરાવ પસાર કરી દીધો છે.
 
ગુજરાતની જનતાને અંધારામાં રાખીને તેના ભવિષ્ય માટેનો આવડો મોટો નિર્ણય લેવાઈ ગયો, એ જાણીને ગુજરાતના લોકો, ખાસ કરીને યુવાનો ખળભળી ગયા. ગુજરાતીઓ પર જાણે ઓચિંતું આભ ફાટ્યું. યુવાનો રસ્તા પર આવી ગયા અને પ્રારંભ થયું મહાગુજરાત આંદોલન.
 

Mahagujarat Andolan 
 
 
ઇન્દુચાચાનું નેતૃત્વ
 
 
ગુજરાતની જનતામાં આક્રોશ હતો, યુવાનો તો આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં હતા ત્યારે આ આંદોલનને યોગ્ય દિશામાં આગળ વધારવામાં અને સફળતા બક્ષવામાં મહાગુજરાત નાગરિક પરિષદની કેન્દ્રીય ભૂમિકા રહી હતી. મહાગુજરાત પરિષદમાં કોઈ એક પક્ષના નેતાઓ નહોતા, પરંતુ પ્રજા સમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ તેમજ અલગ ગુજરાત રાજ્ય માટે કોંગ્રેસ પક્ષ છોડનારા નેતાઓ પણ સામેલ હતા. બ્રહ્મકુમાર ભટ્ટ જેવા પ્રજા સમાજવાદી પક્ષના નેતાઓએ અગ્રણી ભૂમિકા ભજવી હતી, છતાં મહાગુજરાત પરિષદનું સુકાન તો અલગારી સદાબહાર નેતા ઇન્દુલાલ યાજ્ઞિકે જ સંભાળ્યું હતું. ઇન્દુચાચાના નેતૃત્વની વાત કરતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા મહાગુજરાત નાગરિક પરિષદની પણ જોઈએ. ગુજરાતી ભાષીઓના અલગ રાજ્યની ચર્ચા ૧૯૫૧માં શરૂ થઈ ત્યારે ડાંગની ભાષા મરાઠી હોવાથી તેનો સમાવેશ મહારાષ્ટ્રમાં થવો જોઈએ, એવી વાત આવતાં ગુજરાતીઓ આઘાત પામ્યા હતા. એ વખતે સર પુરુષોત્તમદાસના નેતૃત્વમાં મહાગુજરાત સીમા સમિતિની રચવામાં આવી હતી. આ સમિતિએ ગુજરાતની રચના અને તેમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થવો જોઈએ, તે વિશે અભ્યાસ કરવાનો હતો. અલગ ગુજરાત રાજ્ય માટે પ્રજાકીય સંઘર્ષ જરૂરી બનશે, એવું વલ્લભવિદ્યાનગરના સ્થાપક ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) પામી ગયેલા, એટલે તેમણે મહાગુજરાત નાગરિક પરિષદની સ્થાપના કરવાનું સૂચવ્યું. ૧૯૫૨માં જ મહાગુજરાત નાગરિક પરિષદની સ્થાપના કરવામાં આવી અને અમદાવાદના એડવોકેટ હિંમતલાલ શુકલને તેના પ્રમુખ નીમવામાં આવ્યા. ઉપપ્રમુખનું પદ ઇન્દુલાલ યાજ્ઞિકને સોંપવામાં આવ્યું. આગળ જતાં જ્યારે સ્થિતિ સ્ફોટક બની ત્યારે સૌને લાગ્યું કે આ જનઆંદોલનને આગળ વધારવા માટે ઇન્દુચાચા જેવા જનનેતાને જ મહાગુજરાત નાગરિક પરિષદનું નેતૃત્વ સોંપવું જોઈએ. ૯મી સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ અમદાવાદ ખાતે ગુજરાતભરના અગ્રણી નાગરિકોનું એક સંમેલન યોજવામાં આવ્યું. મહાગુજરાત નાગરિક પરિષદના આ સંમેલનમાં જ ઠરાવ કરીને ઇન્દુચાચાને પરિષદ અને આંદોલનનું નેતૃત્વ સોંપવામાં આવ્યું.
 
ઇન્દુચાચા જેવું નેતૃત્વ મળે, એ આંદોલન આદર્શ ન બને તો જ નવાઈ ! મહાગુજરાત આંદોલનના પ્રારંભે ખૂબ લોહી વહ્યું હતું, પોલીસ ગોળીબારમાં ૨૪ યુવાનો શહીદ થયા હતા, લોકોનો આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો, પરંતુ ઇન્દુચાચાનાં આગઝરતાં ભાષણોની કમાલને કારણે એક તરફ લોકોની લાગણીને વાચા મળતી હતી તો બીજી તરફ તેમની દોરવણી મુજબ આંદોલન અહિંસક માર્ગે આગળ વધતું જતું હતું. ઇન્દુચાચાએ સમાંતર સભાઓ અને જનતા કરફ્યૂ જેવાં અહિંસક સાધનો થકી નેહરુથી લઈને મોરારજી દેસાઈ જેવા મોટા મોટા નેતાઓને હંફાવ્યા હતા અને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવીને રહ્યા હતા.
 
ઇન્દુચાચાના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું કોઈ વિશેષણ વાપરવું હોય તો તે છે આંદોલનપુરુષ. ઇન્દુચાચાએ આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે ‘મુક્કો’ બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે.
 
ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે કરેલો પરિશ્રમ અવિસ્મરણીય છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં.
 
મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ ફકીરી પ્રકૃતિના આ ફાંકડા રાજનેતાને ક્યારેય કોઈ પદ આકર્ષી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલન વખતે ઇન્દુચાચાએ પહેલેથી જ સ્પષ્ટતા કરી હતી કે મહાગુજરાત પરિષદ ક્યારેય ચૂંટણીલક્ષી રાજકારણમાં જોડાશે નહીં. મહાત્મા ગાંધીની ઇચ્છા છતાં તેઓ કોંગ્રેસનું વિસર્જન કરાવી શક્યા નહોતા, જ્યારે અહિંસક લોકલડતથી અલગ ગુજરાત રાજ્ય હાંસલ કર્યા પછી ઇન્દુચાચાએ વિજયના દિવસે જ મળેલી વિરાટ સભામાં જાહેર કર્યું હતું, આપણામાંથી કોઈએ પ્રધાન બનવાનું નથી. આપણું ધ્યેય પ્રધાનપદ નહિ પણ મહાગુજરાત હતું, તે મળી ગયું છે અને મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે.
 
 
શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ
 
 
મહાગુજરાતના આંદોલનના નેતાઓમાં ઇન્દુચાચા પછી તરત જ લેવું પડે એવું નામ છે, બ્રહ્મકુમાર ભટ્ટ. બ્રહ્મકુમાર ભટ્ટે આ આંદોલન પર લખેલા પુસ્તક ‘લે કે રહેંગે મહાગુજરાત’ની પ્રસ્તાવનામાં અશોક હર્ષે નોંધ્યું છે, ...ત્યારથી ઇન્દુભાઈ અને બ્રહ્મકુમાર પણ ગુજરાતની લડતનું અવિભાજ્ય જ નહિ પણ પ્રધાન અંગ બની રહ્યા. પ્રજાએ હુલામણા ઇન્દુચાચાના નામે ઇન્દુભાઈને વધાવી લીધા. ઇન્દુચાચા એમનાં આગઝરતાં ભાષણોથી પાનો ચડાવતા રહ્યા, જ્યારે બ્રહ્મકુમાર હકીકતો અને આંકડાઓ સાથેની ઠરેલ દલીલો દ્વારા લોકમાનસને પ્રભાવિત કરતા રહ્યા. આંદોલન માટેની સભાઓની વિશાળતા વધતી ગઈ, ગુજરાતના ભિન્ન ભિન્ન પ્રાદેશિક અગ્રણીઓ એમાં ઝંપલાવતા ગયા અને ભાઈ બ્રહ્મકુમારની સચોટપણે કરેલ રજૂઆતોએ ગુજરાતના વ્યાપારી અને ઉદ્યોગપતિ વર્ગને પણ આંદોલનને અભિમુખ બનાવી દીધો. મહાગુજરાત આંદોલનની પહેલી જનસભા પણ બ્રહ્મકુમાર ભટ્ટે સંબોધ્યાનું ઇન્દુચાચાએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે. આઠમી ઑગસ્ટે શું થયેલું, તેનું વર્ણન કરતાં ઇન્દુચાચાએ આત્મકથાના છઠ્ઠા ભાગમાં લખ્યું છે, પ્રથમ તો અમદાવાદમાં જે ઘોર નિરાશા વ્યાપી, તેમાંથી જલદ પ્રવૃત્તિ તરત જાગી ઊઠી... રાયપુર ચકલા જેવા જાગૃત વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને જુવાનિયાઓની સભા મળી, તેમાં બ્રહ્મકુમાર ભટ્ટે જનતાના પ્રચંડ વિરોધને વાચા આપી.
 
બ્રહ્મકુમાર ભટ્ટની સાથે સાથે વિદ્યાર્થી સમિતિના અગ્રણી સલાહકાર રતિલાલ ખુશાલદાસ પટેલને પણ યાદ કરવા પડે. કોંગ્રેસભવન સામે ગોળીબાર થયા પછી લાલ દરવાજાના મેદાનમાં જે સભા મળી તેને બ્રહ્મકુમાર ઉપરાંત રતિલાલભાઈએ પણ સંબોધી હતી.
 
બ્રહ્મકુમારના પુસ્તકમાં વારંવાર રતિલાલભાઈનો ઉલ્લેખ આવે છે, કારણ કે તેમનું ઘર મહાગુજરાતના અગ્રણીઓનો અડ્ડો બની ગયું હતું. મહાગુજરાતના જે નેતાઓએ યરવડા જેલમાં કારાવાસ ભોગવવો પડ્યો હતો, તેમાં રતિલાલ પણ સામેલ હતા. મહાગુજરાત આંદોલનમાં ભાઈકાકાનું પ્રદાન પણ અવિસ્મરણીય છે, તેમની પ્રેરણાથી જ મહાગુજરાત નાગરિક પરિષદની રચના કરવામાં આવી હતી. તો આવું બીજું નામ છે, ધનવન્ત ઓઝા, તેમના ગુજરાત દર્શન નામના માહિતી અને તર્કબદ્ધ દલીલોવાળા ગ્રંથને કારણે ગુજરાતનો દાવો સમર્થ રીતે રજૂ થઈ શક્યો હતો. આ ગ્રંથે આંદોલનકારીઓને ભાથું પૂરું પાડ્યું હતું.
 
 
....અને અનેક મહાનુભાવોની ભૂમિકા પણ ખરી
 
 
મહાગુજરાત આંદોલનમાં યુવા નેતાઓએ રંગ રાખ્યો હતો, જેમાં વિદ્યાર્થી પરિષદના અગ્રણી પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ, હરિહર ખંભોળજા અને અહેમદમિયાં શેખની અગ્રણી ભૂમિકા રહી હતી. યુવા નેતામાં વધુ એક ઝળહળતું નામ છે સનત મહેતા. મહાગુજરાત આંદોલનમાં વક્તા તરીકે ઇન્દુચાચા, બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજાની જેમ જ સનત મહેતાની પણ માગ ખૂબ જ રહેતી હોવાનું નોંધાયેલું છે. સામ્યવાદી પક્ષના દિનકર મહેતા પણ મહાગુજરાત નાગરિક પરિષદના અગ્રણી નેતા હતા અને તેમણે પણ આ આંદોલનને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભાવનગરના સામ્યવાદી નેતા સુબોધ મહેતા કે પછી વસોના મહેન્દ્ર દેસાઈ જેવા નેતાઓની પણ નોંધ અચૂકપણે લેવી પડે એમ છે. સાહિત્યકાર અને જાહેરજીવનમાં સક્રિય એવા જયંતિ દલાલને પણ અહીં ખાસ યાદ કરવા પડે. મહાગુજરાત આંદોલન દરમિયાન સતત ૨૬૬ દિવસ ચાલેલા ઐતિહાસિક સ્મારક સત્યાગ્રહના સંચાલનની સંપૂર્ણ જવાબદારી જયંતિ દલાલે સુપેરે સંભાળી હતી. મહાગુજરાત આંદોલનમાં મહિલાઓની પણ નોંધપાત્ર ભૂમિકા રહી છે. મહિલા નેતાઓમાં વિનોદિની નીલકંઠ, રંજનબહેન દલાલ, નિરંજના પરીખ, વીરબાળા નાગરવાડિયા, શારદાબહેન મહેતા વગેરે થકી ગુજરાતની મહિલાઓએ પણ આ આંદોલનમાં રંગેચંગે ભાગ લીધો હતો. જશવંત મહેતા, પુરુષોત્તમદાસ પટેલ, નરસિંહ મકવાણા, વીરચંદ શેઠ, નટુભાઈ દેસાઈ, ચંપક મોદી, માર્તન્ડ શાસ્ત્રી, નટુભાઈ દેસાઈ, મૌલાના હબીબુર્ર રહેમાન ગઝનવી, હરિપ્રસાદ શુકલ, લીલાધર ભટ્ટ, પ્રવીણ ચાલીસહજાર, પ્રભુદાસ રામજીભાઈ, રતિલાલ કીલાભાઈ વકીલ, હિંમતલાલ શુકલ, જયેન્દ્ર પંડિત, રવીન્દ્ર ભટ્ટ, વામનભાઈ ધોળકિયા, દાદુભાઈ અમીન, જનસત્તાના તંત્રી રમણલાલ શેઠ, નટવરસિંહ સોલંકી, હરિસિંહ ચાવડા..... કેટલાં નામો ગણાવવાં..... યાદી બહુ લાંબી થાય એમ છે, પણ અહીં જ અટકીએ.
 
આજે ગુજરાત ભારતનું અગ્રણી રાજ્ય બન્યું છે, ગુજરાતની બોલબાલા સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ રહી છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસે મહાગુજરાત આંદોલનના નેતાઓને એટલું જ કહેવાનું કે ગુજરાત તમારું સદાય ઋણી રહેશે !
 
- દિવ્યેશ વ્યાસ