શ્રીમદ્ ભગવદ્ ગીતા શા માટે અભ્યાસક્રમમાં જરૂરી છે ? ચિંતન - મનન અને મંતવ્ય...

‘સાધના’એ સમાજના વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના અભિપ્રાય લીધાં છે. આવો, જાણીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા શા માટે અભ્યાસક્રમમાં જરૂરી છે ?

    04-Apr-2022
કુલ દૃશ્યો |

Bhagavad Gita in Schools
 
 
Bhagavad Gita in Schools | ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર-માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સામેલ કરવાનો નિર્ણય કરાયો છે. નવા શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ ૬થી ૧૨માં ભગવદ્ગીતાનો અભ્યાસ ફરજિયાત બનશે. આ ઉપરાંત શાળાની સમૂહપ્રાર્થનામાં પણ ગીતાના શ્ર્લોકોનું પઠન ફરજિયાત બનશે. ગુજરાતના આ નિર્ણય બાદ કર્ણાટક સરકારે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની આવકાર્ય પહેલ કરી છે તથા બિહાર, મહારાષ્ટ્ર જેવાં અન્ય રાજ્યો પણ પોતાને ત્યાં શાળાઓમાં ભગવદ્ગીતા ભણાવવાની માંગણી કરી રહ્યાં છે.
 
સરકાર કહે છે કે, ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા નૈતિકતાના પાઠ શીખવતો અદ્ભુત અને મૌલિક ગ્રંથ છે. તેથી તેનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય તે જરૂરી છે.’ નૈતિકતા અને સંસ્કાર સીંચતો ભારતવર્ષનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ગીતા અભ્યાસક્રમમાં સામેલ થાય તે સરાહનીય અને ગૌરવની વાત છે. પરંતુ તેમ છતાંયે વિપક્ષોથી લઈને કથિત સેક્યુલરિસ્ટો દ્વારા, ભગવદ્ગીતાને અભ્યાસક્રમમાં સમાવવાનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષો આને ભારતની બિનસાંપ્રદાયિકતા વિરોધી બાબત ગણાવીને દલીલ કરી રહ્યા છે કે, જો હિજાબ પર પ્રતિબંધિત હોય તો પછી શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં શા માટે સામેલ કરવામાં આવી રહી છે ? કર્ણાટક કોંગ્રેસે તો શાળાઓમાં ભગવદ્ગીતાની સાથે સાથે કુરાન ભણાવવાની પણ માંગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ કહે છે કે, ‘ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં કશું જ ખોટું નથી, પરંતુ ભાજપ બાળકોને નૈતિકતા શિખવવાને બહાને ઠગી રહ્યું છે. પહેલાં પણ મહાભારત અને રામાયણની વાતો ભણાવવામાં આવતી જ હતી. તે પણ નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપતી હતી. પહેલાં આઠમા ધોરણથી સંસ્કૃત ફરજિયાત હતું. માત્ર ૧૦મા ધોરણમાં જ તે વૈકલ્પિક હતું.’ શિક્ષણવિદ્ હસમુખ ક્રિશ્ર્ચિયન કહે છે કે, ‘સરકાર પાછલા દરવાજે અભ્યાસક્રમમાં ધર્મને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. શું અત્યાર સુધી બાળકોને નૈતિક શિક્ષણ નહોતું મળતું ? માત્ર ભગવદ્ ગીતામાં જ નૈતિક શિક્ષણ છે ? કુરાન, બાઇબલમાં નથી ? જો આમ જ ચાલ્યું તો આવનાર સમયે આપણી પેઢીઓ વિકાસ નહીં, વિનાશના રસ્તે જશે.’
કેટલાક સેક્યુલરિસ્ટો શ્રીમદ્ ભગવદ્ ગીતાને ધાર્મિક ગ્રંથ ગણાવી તેનો વિરોધ કરી રહ્યાં છે. તો રાજ્યના ખ્રિસ્તી સમાજ દ્વારા પણ આ નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંગે કેથોલિક ચર્ચ ગુજરાત રાજ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘કોઈ એક ધર્મના ગ્રંથનો અભ્યાસ માનવ અધિકારના હનન સમાન છે. તેથી શ્રીમદ્ ભગવદ્ગીતાના અભ્યાસને ફરજિયાતને બદલે વૈકલ્પિક રાખવામાં આવે અથવા તો અન્ય ધર્મના ગ્રંથોનો પણ સમાવેશ કરવામાં આવે. લોકશાહી અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર એવા ભારત દેશના બંધારણે આપેલ વ્યક્તિ- સ્વાતંત્ર્ય અને ધર્મ-સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં લેતાં સરકારનો આ આદેશ યોગ્ય નથી.’
 
વિરોધીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાને ધાર્મિક ગ્રંથ ગણાવે છે. પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતાના જાણકારો, ચિંતકો અને અભ્યાસુઓ કહે છે કે, શ્રીમદ્ ભગવદ્ગીતા ધાર્મિક ગ્રંથ નથી. તે તો નૈતિકતા સહિત અનેક સદ્ગુણોનું સિંચન કરતું મહાકાવ્ય છે. આના અભ્યાસથી જીવનના અનેક સંઘર્ષોમાં પાર ઊતરવાનું બળ અને સમજ પ્રાપ્ત થાય છે. વિશ્ર્વના ઘણા દેશોમાં તેમના મહાકાવ્યનો ત્યાંના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેમની આવનારી પેઢી દેશના સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોથી માહિતગાર થઈ શકે.
 
આમ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસને લઈને સમગ્ર દેશમાં હાલ વિવાદ ઊભો થયો છે. સેક્યુલરિસ્ટો અને રાષ્ટ્રવિરોધીઓ તેનો આંધળો વિરોધ કરી આ આખા મુદ્દાને ધાર્મિક રંગ આપવા ધમપછાડા કરી રહ્યાં છે. પણ ખરેખર શ્રીમદ્ ભગવદ્ ગીતા નૈતિકતાનો જ પાઠ ભણાવે છે. સમાજના અગ્રણીઓ પણ વિવિધ સંશોધનો, અભ્યાસ અને છણાવટો દ્વારા આ જ બાબત જણાવી રહ્યાં છે. ‘સાધના’એ સમાજના વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના અભિપ્રાય લીધાં છે. આવો, જાણીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા શા માટે અભ્યાસક્રમમાં જરૂરી છે ?
 
 

Bhagavad Gita in Schools 
 
 
ગીતામાંથી માત્ર એક જ શબ્દ એવો શોધીને મને બતાવો જેનાથી ‘સેક્યુલરિઝમ’ને ઊની આંચ પણ આવી શકે તેમ હોય : પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ (વરિષ્ઠ લેખક - ચિંતક)
 
 
ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા, આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ, તેમના અભ્યાસક્રમના વિશિષ્ટ મહત્ત્વના ભાગ તરીકે દાખલ કરવાનો નિર્ણય આવકાર્ય છે, પરંતુ મને લાગે છે કે, આવો નિર્ણય કરવામાં આપણે ઘણા જ મોડા પડ્યા છીએ...! ‘સાધના’ સાપ્તાહિકને આપેલ એક વિચારોત્તેજક ઇન્ટરવ્યુમાં સુપ્રસિદ્ધ લેખક - વિચારક - ચિંતક પદ્મશ્રી ડૉ. ગુણવંતભાઈ શાહે ઉપર્યુક્ત શબ્દો ઉચ્ચાર્યા હતાં...
 
વધુમાં ડૉ. ગુણવંતભાઈએ જણાવ્યું કે, શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી માત્ર એક જ શબ્દ એવો શોધીને મને બતાવી શકો જેનાથી ‘સેક્યુલરિઝમ’ને ઊની આંચ પણ આવી શકે તેમ હોય ?
 
હું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક નમ્ર વિદ્યાર્થી છું. અને તેનો નિયમિત અભ્યાસ પણ કરતો આવ્યો છું. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મારા જવાબના ટેકામાં ત્રણ મૌલિક શબ્દો પ્રયોજાયાં છે.
 
(૧) ‘સ્વધર્મ’ આવો મૌલિક શબ્દ ગીતાની અગાઉના કોઈપણ વૈદિક સાહિત્યમાં પણ જોવા મળતો નથી. ‘સ્વધર્મ’ એટલે મનુષ્ય માટે પ્રવાહપાત્ર - સહજધર્મ - સર્વોત્કૃષ્ટ કર્તવ્યભાવ !
 
(૨) સ્થિતપ્રજ્ઞ - આ શબ્દ પણ ગીતાનો મૌલિક શબ્દ છે. જે અગાઉ વૈદિક સાહિત્યમાં પણ જોવા મળતો નથી. સ્થિતપ્રજ્ઞ શબ્દને ગીતાના બીજા અધ્યાયમાં સ્થાન મળ્યું છે. સ્થિતપ્રજ્ઞ એટલે : જે વ્યક્તિની સુક્ષ્મ ચેતના તેની સુક્ષ્મતમ બુદ્ધિ - પ્રજ્ઞામાં જ નિરંતર સ્થિત - સ્થિર હોય... આવી વ્યક્તિને ગીતાકાર ભગાવન શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ કહે છે.
 
(૩) આત્મૌપમ્ય - આ શબ્દ પણ ગીતાનો મૌલિક શબ્દ છે. તે વૈદિક સાહિત્યમાં પણ જોવા મળતો નથી. એનો અર્થ એવો થાય છે કે જીવનની-સંસારની પ્રત્યેક ઘટનામાં પોતાના જ દર્શન કરવાં... સર્વત્ર પોતે જ છે, તેમ માનવું...
 
આ રીતે જોઈએ તો ઉપર્યુક્ત ત્રણેય શબ્દપ્રયોગો એ ગીતાના હૃદય જેવા છે. વધુમાં આપણે સહુ જાણીએ છીએ તેમ, જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાનના શ્રીમુખે પ્રગટ થઈ, એ મહાભારતકાળમાં કોઈ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી જેવું કાંઈ જ નહોતું. એ વખતે આ પૃથ્વી ઉપર સંપૂર્ણ મનુષ્યજાત જ હતી. અન્ય કોઈ વાડાબંધી નહોતી.
 
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્વયં મનુષ્ય જાતિનું બે વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. તે મુજબ સંપૂર્ણ માનવજાતિ બે વિભાગોમાં વહેંચાઈ ગયેલી જોવા મળે છે. શ્રી રામ અને રાવણ, શ્રી કૃષ્ણ અને કંસ , પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુ !
 
આ રીતે ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની લાંબી યાદી છે... આ સંદર્ભમાં આપણે કહી શકીએ કે, આજે આપણા દેશમાં કેવું વિચીત્ર સિન્થેટિક સેક્યુલરિઝમ ચાલે છે તેનો ખ્યાલ આવી જશે ! પરિણામે આવા સિન્થેટિક સેક્યુલરિઝમને લીધે જ, આપણે આપણા જ દેશમાં આપણી ભૂમિ - આપણી જ માટીથી કપાઈ ગયાં છીએ ! શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ ભારતમાં - તેની શૈક્ષણિક સંસ્થાઓમાં આપણા વિદ્યાર્થીઓ નહીં કરે, તો પછી બીજા કોણ કરશે ? 
પરંતુ ‘સાધના’ના સુજ્ઞવાચકોને એ જાણીને સાનંદાશ્ર્ચર્ય થશે કે, વર્ષો પહેલાં હું મારી વિદેશયાત્રા દરમ્યાન PRONO નામના શહેરમાં ગયેલો. આ શહેરમાં મોરમન કહેવાતા ખ્રિસ્તીઓ વસેલાં છે. તેઓ આપણા સ્વામીનારાયણ સંપ્રદાય જેવા જ સંપૂર્ણ વ્યસનમુક્ત છે. તેઓ દારૂ-સિગારેટ તો શું કોફી પીવાને પણ વ્યસન ગણે છે. આ PRONO શહેરમાં Bringham University (બ્રિંગહામ યુનિવર્સિટી) આવેલી છે. ત્યાં મારું લેકચર ગોઠવાયેલું. આ મોરમન ખ્રિસ્તીપંથીઓનું બાઇબલ પણ જુદું છે. ત્યાં મોર્મન ચર્ચ છે. ત્યાં યોજાયેલા મારા લેક્ચરનો વિષય હતો : ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. ત્યાં એક માસ્તરની જેમ મેં મારા લેકચર દરમ્યાન જરૂરી નોંધ કરવા કાળું પાટિયું - બ્લેકબોર્ડ પણ ગોઠવેલું.
 
ઉપર્યુક્ત બ્રિંગહામ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજિયસ સ્ટડીઝ પણ છે. ત્યાંના વિદ્યાર્થીઓ કોઈને કોઈ ધર્મના અભ્યાસ માટે પ્રોજેક્ટ નક્કી કરે છે. તેમાં કોઈક વિદ્યાર્થી શ્રીમદ્ ભગવદ્ગીતાના સાંખ્ય યોગ, કર્મયોગ જેવા વિષય ઉપર પણ પ્રોજેક્ટ સ્વરૂપે કામ કરે છે એવું મારા જાણવામાં આવ્યું ! મારું પ્રવચન મેં પૂરું કર્યું... તે વખતે ઉપર્યુક્ત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજિયસ સ્ટડીઝના વડાએ ઊભા થઈને મને પ્રશ્ર્ન કર્યો. એ પ્રશ્ર્ન મારા માટે પણ બહુ અઘરો હતો. પ્રશ્ર્ન એવો હતો કે, ભગવાન શ્રીકૃષ્ણ માટે મહાભારતના યુદ્ધ પ્રસંગે આવડો મોટો નરસંહાર ટાળી શકાયો ન હોત ? શ્રીકૃષ્ણે આવું કેમ ન કર્યું ?
 
ઉપર્યુક્ત બહુ જ અઘરા પ્રશ્ર્નનો જવાબ તર્કબદ્ધ રીતે આપવામાં મને આચાર્ય વિનોબા ભાવેનાં ‘ગીતા પ્રવચનો’ ખૂબ જ મદદરૂપ બની રહ્યાં. મેં મારા પ્રત્યુત્તરમાં વિનોબાજીએ જ કહેલો પ્રસંગ પ્રસ્તુત કર્યો. બન્યું એવું કે, એક ન્યાયધીશ સમક્ષ પોતાના જ પુત્ર વિરુદ્ધનો ખટલો ન્યાયિક નિર્ણય માટે આવ્યો. એ વખતે એ ન્યાયમૂર્તિએ એવી ટીપ્પણી કરી કે, ગુન્હો ભલે બહુ મોટો - ગંભીર હોય, પરંતુ તેની સજા તરીકે ફાંસી આપવી એ અમાનુષી - અમાનવીય બાબત છે. વિનોબાજી એ સંદર્ભમાં જણાવે છે કે, આ ન્યાયાધીશે જ્યારે તેના પોતાના જ પુત્રને ફાંસીની સજા સુણાવવી પડે તેવી સ્થિતિમાં, ફાંસીની સજા એ ‘અમાનુષી - અમાનવીય’ છે એવો તર્ક પ્રસ્તુત કર્યો, તેની પાછળ ન્યાય્યભૂમિકા નહોતી, પરંતુ પુત્રમોહ-આસક્તિ હતી. આ સંદર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે :
 
હે અર્જુન, મહાભારતના આ યુદ્ધમાં તારી સામે તારા સ્વજનો-ગુરુજનો છે, એ જોઈને તું આસક્તિમાં ફસાતો નહીં, તું સ્વધર્મ પાલન માટે, આવી આસક્તિમાંથી ઉપર ઊઠીને તારો ક્ષાત્રધર્મ - જે તારો સહજ પ્રવાહપ્રાપ્ત ધર્મ-કર્તવ્ય છે, તેને નિભાવ. એટલે અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ધર્મની જ રક્ષા કરવામાં આવી અને આતતાયી શક્તિઓનું હનન કરવું એ અર્જુનનો સ્વધર્મ છે એવું દૃઢપણે સૂચવ્યું. મારો ઉપર્યુક્ત પ્રત્યુત્તર સાંભળીને ઉપર્યુક્ત વિભાગીય વડા વિદ્વાન પ્રોફેસર બહુ પ્રસન્ન થયા અને બોલી ઊઠ્યા કે, મેં આ પ્રશ્ર્ન ગીતાના અનેક પ્રકાંડ અભ્યાસીઓને કર્યો છે, પરંતુ આવો હૃદયમાં ઊતરી જાય એવો પ્રત્યુત્તર મને પહેલી વખત ડૉ. શાહ મારફત પ્રાપ્ત થયેલ છે !
 
આ સંદર્ભમાં હવે જ્યારે ગુજરાતમાં ધોરણ ૬થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ, એ અભ્યાસક્રમનો મહત્ત્વનો હિસ્સો બની રહ્યો છે ત્યારે, મારું એવું સૂચન છે કે ગીતા ઉપર ભલે અનેક ભાષ્યો રચાયાં હોય, પરંતુ આચાર્ય વિનોબા ભાવે દ્વારા સ્વરાજ- સંઘર્ષનાં એ વર્ષોમાં, વિનોબાજીએ જેલમાં રહ્યે-રહ્યે જે અત્યંત મૌલિક અને સરળ શબ્દોમાં ‘ગીતા પ્રવચનો’ આપ્યાં અને જેને અધિકૃત રીતે સંપાદિત કરવાનું કાર્ય એવા જ વિદ્વદ્જન સાને ગુરુજી દ્વારા કરાયું. વિનોબાજીનું આ ‘ગીતા પ્રવચનો’ પુસ્તક, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, શ્રીમદ્ ભગવદ્ગીતાના અભ્યાસક્રમ માટે અત્યંત મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ બની શકે તેમ છે.
 
આવું જ ગીતા વિશે ‘જીવન યોગ’ વિરલ શબ્દપ્રયોગ આપણને સુશ્રી વિદૂષી સંત વિમલાતાઈ ઠકારે આપ્યો છે. એ જ રીતે એવું જ સરળ પુસ્તક ગીતાહૃદય જે સાને ગુરુજીએ આપણને આપ્યું. આ પુસ્તકોનો કીંમતી સંદર્ભ સૂચિમાં જો સમાવેશ કરવામાં આવશે તો, કથિત સેક્યુલરિસ્ટો તેનો જરા પણ વિરોધ કરી શકશે નહીં તેની હું ખાત્રી આપું છું. કારણ કે આચાર્ય વિનોબા ભાવે એ તો આપણા અર્વાચીન ઋષિ હતા અને તેમણે જગતના તમામ ધર્મોનો ઊંડો અભ્યાસ કરીને, બહુ મૂલ્યવાન મૌલિક ભાષ્ય જેવા ગ્રંથો આપણને આપ્યાં છે. વિનોબાજી અરબી ભાષામાં સમગ્ર કુર્રાનને અસ્ખલિત વાણીમાં પ્રસ્તુત કરી શકતા હતા. મેં પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપરની મારી પરિચય પુસ્તિકા : ‘ઘેર ઘેર ગીતામૃત’ લખી છે.
 
આપણે ત્યાં કેટલાક કહેવાતા વિદ્વાનો બહુ જ અઘરા શબ્દોમાં લખે છે, જે વિદ્યાર્થીઓ સમજી શકે નહીં. આવું લખનાર લેખકો જ ગુજરાતી ભાષાનું ખૂન કરી રહ્યાં છે ! વિદ્યાર્થીગણ માટે તો વિનોબાજી જેવી મૌલિક પ્રતિભા, જે સરળ શબ્દોમાં ગહન વિચારો પ્રગટ કરી જાણે એ જ આવકાર્ય બાબત બની રહે તેમ છે. ગીતા ઉપરના સંદર્ભ ગ્રંથો પણ એવા પસંદ કરવા રહ્યાં કે જે વાચનક્ષમ અને વિદ્યાર્થીઓને રસ પડે તેવા હોય. આ સંદર્ભમાં શાળાના વિદ્યાર્થીઓ-ધોરણ - ૬થી ૧૨ માટે અભ્યાસક્રમના મહત્ત્વના ભાગ તરીકે, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસ નિયત કરવામાં આવ્યો, તેને હું આવકારું છું આ સંદર્ભમાં કથિત સેક્યુલરિસ્ટો શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી એક પણ અયોગ્ય શબ્દ શોધી કાઢે, એ સંભવ જ નથી !
 

Bhagavad Gita in Schools 
 
 
ગીતા એવા જ્ઞાનનો ગ્રંથ છે, જેની અંદર જ્ઞાનના બધા જ વિષયોના જ્ઞાનનો સામાન્ય આધાર રહેલો છે : ઇન્દુમતિબહેન કાટદરે (કુલપતિ, પુનરુત્થાન વિદ્યાપીઠ)
 
 
ગુજરાત સરકારે શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ગીતા ભણાવવાનો નિર્ણય કર્યો છે. એ બદલ સરકાર ખરેખર અભિનંદનને પાત્ર છે. સામાન્ય અપેક્ષા તો એવી જ હોય કે પ્રત્યેક ભારતીય શિક્ષિત વ્યક્તિને શ્રીમદ્ ભગવદ્ગીતામાં શું કહેવામાં આવ્યું છે તેની જાણ અને સમજ હોવી જ જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાએ કંઈ પૂજાપાઠનો વ્રત ઉપવાસનો, તિલક માળાનો ઉપદેશ આપતો ગ્રંથ નથી. એમાં જ્ઞાન અને વિજ્ઞાન છે, સૃષ્ટિ વિજ્ઞાન અને મનોવિજ્ઞાન છે. આહાર-વિહારના સ્વાસ્થ્ય અને સંસ્કાર- વિષયક લક્ષણો છે અને સહુથી વધુ તો એમાં કર્તવ્ય અને નીતિનું સમાજ શાસ્ત્ર છે. એમાં શિક્ષણશાસ્ત્ર અને વ્યવસ્થાપન શાસ્ત્ર છે. ખાસ વાત તો એ કે એમાં જીવન અને જગત પ્રત્યે જોવાની ભારતીય દૃષ્ટિ છે. ગીતા જ્ઞાનનો ગ્રંથ છે. એવા જ્ઞાનનો જે બધા જ વિષયોના જ્ઞાનનો એક સામાન્ય આધાર બને. તેથી જ એનું અધ્યયન નાનપણથી જ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. એવી વ્યવસ્થા કરવા બદલ ગુજરાત સરકારને પુનઃ એક વાર અભિનંદન...!
 

Bhagavad Gita in Schools 
 
 
શ્રીમદ્ ભગવદ્ ગીતા નીતિમત્તા અને જીવનકલ્યાણની વાતો સમજાવનારો ગ્રંથ છે -  પરમાનંદ ગાંધી (વરિષ્ઠ લેખક - ચિંતક)
 
ગુજરાત સરકારે બધી શાળા અને મહાશાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું અધ્યયન કરાવવાનો આદેશ આપ્યો છે ત્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કરતાં કહ્યું છે કે આ ધાર્મિક ગ્રંથ છે. તેનું ફરજિયાત શિક્ષણ કેમ આપી શકાય ?
પરંતુ આ એક વ્યાપક ગેરસમજણ છે કે ગીતા એ ધાર્મિક ગ્રંથ છે. વાસ્તવમાં તે નીતિમત્તા અને જીવનકલ્યાણની વાતો સમજાવનાર ગ્રંથ છે.
 
આ ગ્રંથ માટે બીજી એક ગેરસમજણ છે કે તે હિન્દુઓનો ગ્રંથ છે, પરંતુ ગીતાના સાતસો શ્ર્લોકોમાં કોઈ ઠેકાણે હિન્દુ શબ્દ જ નથી. એટલું જ નહીં, ગીતા એ કોઈ સંપ્રદાય માટેનો ધર્મગ્રંથ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટેનો ગ્રંથ છે. અર્થાત્, પ્રત્યેક માનવ પોતાની સમજણ અનુરૂપ તેનું અર્થઘટન કરશે.
 
ધર્મથી ભ્રમિત થયેલા લોકોના મનને શાંતિ આપનાર તથા નિષ્કામ કર્મયોગના આચરણથી માનવીને પ્રવૃત્ત કરનાર, સાંસારિક બંધનોથી મુક્ત થવાનો રાહ દેખાડનાર આ ગ્રંથ છે.
 
ભારતમાં આપણા આચાર્યોએ, સંતોએ ગીતાનો મહિમા ગાયો છે. સંત જ્ઞાનેશ્ર્વર, વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, ગાંધીજી, ટિળક ઇત્યાદિ તથા આધુનિક કાળમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી જેવા અનેક મહાપુરુષોએ ગીતાને પોતાના જીવનમાં આત્મસાત્ કરી જીવનની ધન્યતા અનુભવી છે. એટલું જ નહીં સમાજમાં તેના મહિમાને જીવંત રાખ્યો છે.
 
થોરો, મેકમિલન, વોરેન હેસ્ટિંગ્સ ઇત્યાદિ પાશ્ર્ચાત્ય વિચારકો ગીતાને વિશ્ર્વના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે સ્વીકારી તેનું વર્ણન કરતાં થાક્યા નથી. તેથી જગતભરમાં અને વિશ્ર્વની લગભગ સિત્તેર ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.
 
મેનેજમેન્ટના નિષ્ણાત સલાહકાર શ્રી બી. એન. દસ્તૂરે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા અને આધુનિક મેનેજમેન્ટ’ પુસ્તકમાં માનવવર્તન, તેની માનસિકતા અને તેનો આચાર વિગેરે વિષયોમાં ગીતાના અઢારે અધ્યાયનો સંદર્ભ લઈ વિશદ ચર્ચા કરી છે.
 
આ તો થઈ ગીતાનું મહત્ત્વ સમજાવનારી પૂર્વભૂમિકા, પરંતુ હવે ગીતાના હાર્દસમાં શ્ર્લોક જોઈએ.
 
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઽગોઽસ્ત્વકર્મણિ ॥
 
(અ.૨, ૪૫)
અર્થાત્ તારો કર્મ કરવાનો જ અધિકાર છે. તેના ફળમાં કદાપિ નહીં. માટે તું કર્મના ફળનો હેતુ ન રાખ. મતલબ ફળઅપેક્ષાથી રહિત થઈને તારી કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ !
 
તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એ જ કે આજના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતી વખતે હોલમાં નર્વસ થતા હોય છે. પાસ થઈશ કે નપાસ તેની ચિંતા કરીને પોતાની શક્તિનો વ્યય કરતા હોય છે. હકીકતમાં પરીક્ષાર્થીએ પોતાની આવડત મુજબ પ્રશ્ર્નોના જવાબ આપ્યા છે પરંતુ તેના માર્ક્સ આપવા તે પેપર તપાસનાર શિક્ષકના હાથમાં છે. તો જે વાત પોતાના હાથની નથી તેની ચિંતા કર્યેથી શો ફાયદો ?
 
આ કેવળ પરીક્ષાર્થી પૂરતું સીમિત ઉદાહરણ નથી. જીવનના કોઈપણ ક્ષેત્રમાં, તે સાંસારિક હોય કે ધંધાકીય તેમનું પોતાનું કર્તવ્ય બજાવતાં આવડવું જોઈએ, કારણ કે જે કાર્ય કર્યું છે તેનું ફળ તો ભોગવવાનું ફરજિયાત છે, તો તેના માટે જીવ બાળવાનો શો અર્થ ? અને તેથી જ આ શ્ર્લોકનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ માટે. જો તેમને આની યોગ્ય સમજણ આપવામાં આવે તો તે આગળ આત્મવિશ્ર્વાસ સાથે ઉન્નત જીવનપથ પર આગળ વધી શકે.
 
આવો જ બીજો એક શ્ર્લોક છે :
 
આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન ।
સુખં વા યદિ વા દુઃખ સઃ યોગી પરમો મતઃ ॥
(અ. ૬/૩૨)
 
બીજી તરફ આવી આત્મબુદ્ધિથી - પોતીકાપણાથી માનવી જુએ તો સમાજમાં વેરબુદ્ધિને સ્થાન રહે ?
ગીતામાં બીજો એક મહત્ત્વનો શ્ર્લોક છે -
સ્વધર્મઅપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ ।
ધર્માદ્ધિ યુદ્ધાચ્છેયોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ।
 
વળી સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઈએ, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી.
 
આ જ વાત વિદ્યાર્થીઓ માટે છે. તે વિદ્યાર્થી છે માટે અભ્યાસમાં ચિત્ત પરોવવામાં જ તેનું કલ્યાણ છે. પરંતુ અતિ દુઃખદ છે કે યુવા પેઢી પોતાની, વિશેષ કરીને જીવનની વાત સમજવામાં રહે છે. બધા કરે છે માટે મારે પણ કરવું - એ ટોળાશાહી વૃત્તિ છે. તેમાંથી બહાર નીકળીએ. ક્યાં સુધી આત્મવંચનામાં ચાલ્યા કરીશું ? આજનો કહેવાતો સુશિક્ષિત સમાજ પાશ્ર્ચાત્યોના અનુકરણમાં ગૌરવ લે છે. આવી વૃત્તિમાંથી જ શરાબ, સ્મોકિંગ, સ્વૈરાચાર ઇત્યાદિ દોષો લોકોના લોહીમાં સહજ ઊતરી જાય છે.
 
હૃદયની સાચી અવસ્થા તો પ્રેમ છે, પરંતુ સ્વાર્થના આવા દેખાદેખીના નાદમાં માનવી મળી જાય તો જીવનમાં શાંતિ અને તૃપ્તિનો ઓડકાર ક્યાંથી આવે ? વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં - યુવાપેઢીમાં ગીતાની સમજણ લઈ જવામાં આવે તો તેમનામાં રહેલી યુવાશક્તિ વિકસે અને જીવનના વિકાસમાં કાર્યશીલ બને. હકીકતમાં સંતાન સમજણું થાય ત્યારથી જ તેની ભાષામાં ગીતાના આ વિચારો આપવામાં આવે તો તેની ગીતા ઉપરની દ્વિધા દૂર થશે. અને જેમ જેમ તે સંતાન મોટું થશે તેમ તેમ તેની સંકલ્પ કરવાની ક્ષમતા વધતી જશે અને તે દૃઢ વિશ્ર્વાસથી આગળ વધતો જશે, પછી તે ગમે તે ક્ષેત્રમાં હશે.
અંતમાં, જીવનમાં અંતરંગી વિકાસ માટે ગીતા જેવો અદ્ભુત ગ્રંથ બીજો એકેય નથી.
 
 

Bhagavad Gita in Schools 
 
 
 
આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રવેશ એ સ્વર્ણિમ- વિશ્વગુરુ ભારત તરફની ગતિનું એક નૂતન પગથિયું હશે : મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર
 
(માનનીય શિક્ષણમંત્રીશ્રી રાજ્યકક્ષા - ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, સંસદીય વૈધાનિક બાબતો)
 
 
શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જીવન દર્શનની વ્યાખ્યા આપતો ગ્રંથ છે. ગીતાના ૭૦૦ શ્ર્લોકમાં ભારતીયજીવન દર્શન અને તત્ત્વજ્ઞાનની ઝાંખી દેખાય છે. કેટલાક લોકો ગીતાને માત્ર ધર્મગ્રંથ માને છે અને તે દૃષ્ટિએ જુએ છે, પરંતુ વાસ્તવમાં ગીતા એ ભારતીય સંસ્કૃતિ અનુસાર જીવનદર્શનની અને જીવવા માટેની રાહ બતાવનો ગ્રંથ છે. તેથી જ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે જ્યારે હું સંકટ અનુભવું છું ત્યારે ગીતા માતાના શરણે જઉં છું. સંગ્રામની એ ક્ષણોમાં ગાંધીજી ઉપરાંત લોકમાન્ય ટિળક, શ્રી અરવિંદ, વિનોબા ભાવે જેવા મહાપુરુષોએ પણ અનુભૂતિથી લખ્યું છે કે ગીતા જીવન સાથે જોડાયેલું વ્યવહારુ શાસ્ત્ર છે. તેથી ખુદીરામ બોઝ જેવા મહાન ક્રાંતિવીરે ફાંસીના માંચડે ચઢતાં કહેલું કે મારા હાથમાં ગીતા અને હોઠ પર વંદે માતરમ રહેશે. આમ, ગીતા એ સંકટ સમયે શું કરવું - શું ન કરવું, વિવેક - અવિવેક, નીર-ક્ષીરનું સાન-ભાન સમજાવતો ગ્રંથ છે. 21મી સદીમાં સમગ્ર વિશ્ર્વ પણ જે Decision making Skill અને Problem solving Skill નો મહિમા કરે છે. તે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. ગીતા એ યુદ્ધભૂમિમાં રચાયેલ ગ્રંથ છે. જીવનમાં ક્ષણે - ક્ષણે લેવા પડતા નિર્ણયો સંદર્ભે આપણા મનમાં પણ કેટકેટલાં યુદ્ધો ચાલતાં હોય છે. આવી મનઃસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહી યોગ્ય નિર્ણય લેવા માટે આપણને ગીતા પથદર્શક બની રહે છે. વિશ્ર્વના તમામ દેશોમાં ત્યાંની સંસ્કૃતિને અનુરૂપ શાસ્ત્રોને કેળવણીના માળખામાં મૂકી તેના અભ્યાસક્રમ થકી તેનો સાર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. કોઈ પણ દેશની સંસ્કૃતિ તેના ઉત્તમ ગ્રંથો, મહાકાવ્યોમાં છલકાય છે, ઝલકાય છે. ગીતા પણ મહાભારત મહાકાવ્યનો અંશ હોઈ તેમાં ભારતીય તત્ત્વચિંતન છલકાય છે. તેના પ્રત્યેક શ્ર્લોકમાં ભારતીય સંસ્કૃતિની વિભાવના સ્પષ્ટ થાય છે. તેથી જ સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદ પૈકીનાં એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ગીતા એ ભારતીય સંસ્કૃતિનો આધાર ગ્રંથ છે.
 
ભારતીય આધ્યાત્મ દર્શન, ફિલસૂફી અને જીવનને સમજવા ગીતાને સમજવી જ રહી. મને આનંદ છે કે ગુજરાતની આવનાર પેઢીનાં બાળકો આ મહાન ગ્રંથનો આસ્વાદ કરી એક ઉત્તમ નાગરિક બનવા તરફ પ્રયાણ કરશે. આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનો પ્રવેશ એ સ્વર્ણિમ-વિશ્ર્વગુરુ ભારત તરફની ગતિનું એક નૂતન પગથિયું હશે.
 
વર્તમાન સમયમાં વિશ્ર્વ અનેક પ્રકારની સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક ઉપલબ્ધિઓની સાથે તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્ર્વની સાથે આપણો દેશ પણ હરણફાળ ભરી રહ્યો છે. સાથે એ ગૌરવવંતું ગુજરાત પણ અનેક ક્ષેત્રે વિશ્ર્વ સાથે આગે કદમ મિલાવી રહ્યું છે. ત્યારે યુવા વર્ગ પણ અનેક પ્રકારના પડકારોનો સામનો કરી આત્મવિશ્ર્વાસથી સજ્જ થઈ રહ્યો છે. આ યુવાનોનો આત્મવિશ્ર્વાસ પ્રબળ બને તેમજ પરિવર્તન પામતા સમયની સાથે બાલ્યાવસ્થાથી જ મનોબળને સુદૃઢ કરવાની તાકાત પ્રાપ્ત કરે, અને વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય એવા ઉમદા આશયથી નામદાર ગુજરાત સરકારે શ્રીમદ્ ભગવદ્ગીતાને ધોરણ ૬થી ૧૨માં અભ્યાસક્રમમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તેનો આશય એ છે કે ગુજરાતનો યુવાન તરુણાવસ્થાથી જ તેજસ્વી અને દિવ્ય ચેતનાથી સભર બને સાથે સાથે નિષ્કામ કર્મ કરતો કરતો રણનીતિકાર, મુત્સદ્દી, અને વ્યવસ્થાપક તરીકે આગવી ઓળખ ઊભી કરે, પોતાના જીવનના તણાવ-ચિંતા ઉચ્ચાટ સંઘર્ષ અને અનેક પ્રકારના પડકારોનો સામનો કરતો કરતો ભારતીય જનમાનસમાં અને સર્વોચ્ચ બાબતે સત્યની સમજણ કેળવે તે જરૂરી છે. ભગવદ્ગીતાનું શરણ લીધા પછી યુવાન નિશ્ર્ચિંત બનીને પોતાનું કર્તવ્યકર્મ કરી શકે, અને કાયમ માટે કરતો થાય, અને તમામ ક્ષેત્રે સ્થિતપ્રજ્ઞ બની પડકારોનો સામનો કરે તે અત્યંત જરૂરી છે, અને આ જ્ઞાન ફક્ત ભગવદ્ગીતામાં જ છે. ગીતામાં રાજવિદ્યાનો રાજગુહ્ય યોગ તેમજ મેનેજમેન્ટનું ઉત્તમ જ્ઞાન પડેલું છે. સાથે સાથે દૈવી અને આસુરી સંપત્તિનો તાત્ત્વિક ભેદ બાલ્યકાળથી જ યુવાન સમજતો થાય તે અત્યંત જરૂરી છે, તેને ખબર પડે કે કર્મ, અકર્મ, વિકર્મ શું છે? પરા અને અપરા પ્રકૃતિ શું છે? માયા શું છે? મોહ શું છે? આ બધી જ બાબતો ભગવદ્ગીતાના માધ્યમથી યુવાન સમજી શકે...
 
કર્મમાં જ મારો અધિકાર છે ફળમાં નહિ આવા ઉત્તમ અને પવિત્ર વિચારોની યુવા ધનને યુવાવસ્થાથી જ સમજ પ્રાપ્ત થાય તે માટે ભગવદ્ગીતા વર્તમાન સમયમાં ઉત્તમ જીવન જીવવાની અનેક જડીબુટ્ટીઓ આપે છે.
 
(૧) સંસારની જટિલ સમસ્યાઓનો ઉકેલ આપણને કાયમને માટે ભગવદ્ગીતામાંથી મળી રહે છે.
 
(ર) વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સંશોધનોને પરિણામે માનવે સ્થૂળ જીવન ઉપર સારા પ્રમાણમાં આધિપત્ય મેળવ્યું છે. પણ તેનું અંદરનું જીવન અતિ સંકુચિત હોવાથી બંને વચ્ચે ઐક્ય શક્ય નથી આ એકતા સાધવાનો ઉત્તમ માર્ગ તો ભગવદ્ગીતા જ બતાવે છે.
 
(૩) આધુનિક માણસ સુખ અને દુ:ખના દ્વંદ્વોને વિવશ રહીને જ વર્તે છે. આ સમજણ આર્ય સંસ્કૃતિના મહાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.
 
(૪) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મુક્ત જીવન પ્રાપ્ત કરવાના જે ઉપાયો બતાવ્યા છે તે આજ કાલના માણસને તરતજ અનુકૂળ થઈ પડે તેવા છે.
 
(૫) માનવજીવનની સમસ્યાઓ જેમજેમ વધારે જટિલ સ્વરૂપ ધારણ કરતી જાય છે તેમ તેમ શ્રીમદ્ભગવદ્ગીતા વધારે ને વધારે સ્પષ્ટ ઉપાયો બતાવતી જાય છે.
 
(૬) નિરુત્સાહ અને નિષ્ક્રિયતાએ આધુનિક જીવનમાં જે ગંભીર પ્રશ્ર્નો સર્જ્યો છે તેનો ઉકેલ ફક્ત કર્મયોગથી શક્ય નથી. વળી નિષ્ક્રિયતાનો ત્યાગ એજ કર્મયોગ નથી, કર્મયોગ કર્મ કૌશલ્ય વિકસાવવા પરજ ભાર મૂકે છે. એટલે જ ગીતાએ ભારપૂર્વક કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ્ એટલે કે કર્મોની કુશળતા એજ યોગ. મનુષ્ય જે કઈ કરે તેમાં જગતના કલ્યાણનો ખ્યાલ છે. શ્રીકૃષ્ણ પોતે જ કહે છે
 
 
ન માં કર્માણી લીમ્પતી
ન મેં કર્મફલે સ્પૃહા
 
(૭) શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ અનાસક્ત બની કર્મ કરનારને કર્મો બંધનકર્તા નથી. એ જ ઉદ્દેશ યુવાનોમાં ચરિતાર્થ થાય અને યુવાનો દૃઢ મનોબળવાળા, તેજસ્વી થાય, આ કામ તો ફક્ત શ્રીમદ્ ભગવદ્ ગીતા જ કરી શકે.
 
યુગપુરુષ ભગવાન શ્રીકૃષ્ણના વિચારોનાં બીજ ગુજરાતમાં બાલ્યાવસ્થા અને યુવાવસ્થાથી જ રોપાય એ જ અમારો આશય છે. આવા મહાન ગ્રંથના દરેકે દરેક પાસાંઓને સીધી, સાદી, સરળ, મુક્ત અને આડમ્બરહીન ભાષામાં ભણાવવામાં આવે, તો જ અમારો આશય ચરિતાર્થ થાય. અંતે આપ સૌને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અભ્યાસ્ક્રમની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અમારે તો મનુષ્યજાતિના યુગનેતાઓમાના ઉત્તમ યુગનેતા એવા શ્રીકૃષ્ણની ઉત્તમ પ્રસાદી સમગ્ર ગુજરાતને આપવી છે...!
 
 

Bhagavad Gita in Schools 
 
 
કોઈ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા તે દેશની સંસ્કૃતિ અને પ્રકૃતિને આધારિત હોવી જોઈએ : ડૉ. જયેન્દ્રસહ જાદવ
(મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)
 
 
શ્રીમદ્ ભગવદ્ ગીતા એક વૈશ્ર્વિક ગ્રંથ છે. વિશ્ર્વની અનેક ભાષાઓમાં ગીતાનો અનુવાદ થયો છે. ૧૮ મી સદીમાં વોરન હેસ્ટીંગે વિલ્કિનસ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો હતો. વોરન હેસ્ટીંગ સમજતો હતો કે ભારતને સમજવું હોય તો ગીતાને સમજવી જ રહી. ગીતામાં માનવીય મૂલ્યોનું અદભુત નિરૂપણ છે. માનવતાનો કલ્યાણકર્તા માર્ગ પ્રશસ્ત કરવાનો અનુપમ માર્ગ ગીતા આપણને બતાવે છે. આજથી ૫૦૦૦ થી વધુ વર્ષ પૂર્વે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણે જગતની પ્રથમ કવિતા ગાઈ તે ગીતા. મૂલત: અધ્યાત્મિક ગ્રંથ તરીકે ઓળખાતી ગીતાએ જગતના અનેક મહાપુરુષોને જીવન ઉત્તમ બનાવવા માટે દિવ્ય સંદેશ આપેલ છે. મહાત્મા ગાંધીજીને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અખૂટ શ્રદ્ધા હતી. બાપુ પોતે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો નિત્ય પાઠ કરતા જ હતા. સાથે-સાથે પોતાના સંપર્કમાં આવનાર સૌને બાપુ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવા અનુરોધ કરતા. માત્ર અનુરોધ જ નહિ, બાપુ સૌ પાસે વચન પણ માંગી લેતા કે તેઓ સૌ દૈનિક ગીતાનું પઠન કરશે. યરવડા જેલમાં અમદાવાદના નવયુવાન શંકરલાલ બેન્કરને ગાંધીજીએ ગીતાપાઠ માટે સંસ્કૃત શીખવ્યું હતું. બાપુએ શંકરલાલને કહ્યું હતું કે ગીતા એ એવું પુસ્તક છે કે જેનું રોજ ને રોજ અધ્યયન કરવા જેવું છે. એમાંથી તમને રોજે-રોજ નવાં સત્યો મળતા રહેશે. આપણે ઘણા બધા પુસ્તકો વાંચીએ છીએ પણ સંકટ સમયે એ બધા ઓછા કામ આવવાના હતા? સંકટ સમયે કામ આવે તે પુસ્તક સાચું. ગીતા એ એવું પુસ્તક છે. અન્ય એક જગ્યાએ ગાંધીજી લખે છે કે જયારે-જયારે મને સંકટ આવે છે ત્યારે હું ગીતામાતાનાં શરણે જાઉં છું. શ્રી લોકમાન્ય ટીળકે પણ ગીતા રહસ્યમાં ગીતાને વ્યવહાર જીવનનું શાસ્ત્ર કહ્યું છે. શ્રી વિનોબા ભાવે એ પણ તેમના ગીતા પ્રવચનમાં જીવનના શાશ્ર્વત સત્યને સમજવા ગીતા વાંચવી જ રહી તેમ કહ્યું છે. વિદુષી સંત વિમલા ઠકાર ગીતા માટે જીવનયોગ શબ્દ પ્રયોજતા. હેન્રી ડેવિડ થોરો, ટી. એસ. ઇલિયટ, ફિલિપ ગ્લાસ અને ઈમર્સન જેવા વિશ્ર્વના મહાન ચિંતકો ગીતા જ્ઞાનમાં ડૂબકી લગાવીને પ્રભાવિત થયા વિના રહી શક્યા નથી. તાજેતરમાં જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય માટે સરકારને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
 
વર્ષ ૧૯૯૬ માં UNO દ્વારા ૨૧મી સદીનું શિક્ષણ કેવું હોવું જોઈએ? તેની પરિકલ્પના માટે ડેલર્સ કમીશનની રચના કરવામાં આવેલી. આ કમિશન દ્વારા આપવામાં આવેલ અહેવાલમાં ડેલર્સ જણાવે છે કે કોઈ પણ દેશની શિક્ષણ વ્યવસ્થા તે દેશની સંસ્કૃતિ અને પ્રકૃતિને આધારિત હોવી જોઈએ. તે દેશનું સાહિત્ય, જીવન અંગેનું ચિંતન, ખાન-પાન, ભાષા-ભૂષા, સ્થાનિય તત્વો પ્રતિબિંબિત થાય તેવા પાઠ્યક્રમ અને દેશની આવશ્યકતાઓની પૂર્તિ કરે તેવી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યેક દેશમાં થાય તે જરૂરી છે. પ્રસિદ્ધ પશ્ર્ચિમી ચિંતક અબ્રાહમ મેસ્લો એમ કહે છે કે જો આપણે માનવજાતિના આધ્યાત્મિક વિકાસ, મૂલ્યવિકાસ અને તેની સંભાવનાઓ જોવા માંગતા હોઈએ તો હું ભારપૂર્વક કહું છું કે જે તે દેશની સંસ્કૃતિ અને ત્યાંના સર્વશ્રેષ્ઠ ગ્રંથો, નીતિમય જીવનચરિત્રો ભણાવવા જોઈએ. આ રીતે જોવા જઈએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ભારતના પ્રસિદ્ધ મહાકાવ્ય મહાભારત નો એક ભાગ છે. ગીતામાં આ દેશની જીવનદૃષ્ટિ, ફિલસૂફી અને જીવનને જોવા-જાણવાનો અભિગમ દૃશ્યમાન થાય છે. આપણે ત્યાં કહેવાય છે કે મહાભારતમાં નથી તેવું ભારતમાં કશું જ નથી. અર્થાત સમગ્ર ભારત અને ભારતીય જીવનદૃષ્ટિ મહાભારતમાં પ્રતિબિંબિત થાય છે. ભારતને સારી અને સાચી રીતે જાણવા આ મહાભારત વાંચવું જ રહ્યું. જીવનમાં માનવીય મૂલ્યો અને માનવકલ્યાણ અને બંધુત્વના આદર્શો આ મહાકાવ્યમાં હોઈ તે પાઠ્યક્રમનો ભાગ બને તે તો દેર આયે દૂરસ્ત આયે જેવી વાત છે. કેન્દ્ર સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં ભારતીય જ્ઞાન પરંપરા આધારિત પાઠ્યક્રમ રચવાનું સૂચન કર્યું છે, તેની આ શરૂઆત છે. આશા રાખીએ કે જીવનના ગૂઢ અર્થને સમજવામાં અને ભક્તિ-જ્ઞાન-કર્મના યોગે ગીતા આપણા ભાવિ નાગરિકો માટે દીવાદાંડી બની રહેશે.
 
ગીતા એ શાશ્ર્વત તત્વચિંતન છે. તેથી જ ૫૦૦૦ ઉપરાંત વર્ષો પછી પણ જીવન સાથે જોડાયેલો ગ્રંથ છે. માનવીના જીવનરૂપી કુરુક્ષેત્ર મેદાનમાં પળ-પળનો સંગ્રામ ચાલ્યા કરે છે. આ આંતરિક લડાઈમાં સત્ય-અસત્ય-નીર-ક્ષીરનો વિવેક સમજાવવામાં ગીતા આપણી વ્હારે આવે છે. ગઈ સદીમાં મનોવિજ્ઞાની ફ્રોઈડની દીકરી અન્ના ફ્રોઈડના શિષ્ય એરિકસને પ્રથમ વખત જગતને Identity Crisis જેવો શબ્દ આપ્યો. શ્રીમદ્ ભગવદ્ ગીતા આખરે છે શું ? જીવનના મહાયુદ્ધમાં અર્જુનને ઉભી થયેલી સ્વ-ઓળખની કટોકટીનું નિવારણ શ્રીકૃષ્ણ એ આપેલ જ્ઞાનને લીધે થયું. ત્યારે છેક અઢારમાં અધ્યાયના અંતભાગે અર્જુનને સ્વધર્મનું ભાન થયું. પોતાની સાચી ઓળખ મળી અને તેની અસ્મિતાની પુન:પ્રાપ્તિ થઈ. આપણા જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ આ ઉદાહરણ આપતા કહે છે કે ગીતાની વિચારયાત્રા એટલે સ્મૃતિલોપથી સ્મૃતિપ્રાપ્તિ સુધીની યોગયાત્રા. તેથી જ ગીતા એ તત્ત્વજ્ઞાન અને ભારતીય અધ્યાત્મશાસ્ત્ર છે. જે સંપ્રદાય કે રિલીજીયનના બંધનોથી પર છે. આજે નાની એવી નિષ્ફળતાથી જીવનને ટૂંકાવી દેનાર વિદ્યાર્થી ગીતા ભણશે તો અર્જુનના વિષાદયોગની અનુભૂતિ સારી રીતે કરી શકશે. તેને ગીતાનો એ શાશ્ર્વત સંદેશ સમજાશે કે, માત્ર કર્મ પર જ મારો અધિકાર છે, ફળ પર જરાય નહિ. પરિણામ એ પ્રાકૃતિક નિષ્પત્તિ છે તેને સ્વીકારવું જ રહ્યું તેમ માની, વાસ્તવદર્શી બની જીવનને આગળ ધપાવશે.
 
વિશ્ર્વનું શ્રેષ્ઠતમ સંવાદકાવ્ય ગીતા અંતે તો માનવકલ્યાણનું જ શાસ્ત્ર છે. યુદ્ધભૂમિ વચ્ચે પણ બુદ્ધ કેવી રીતે થઈ શકાય ? તે ગીતા આપણને સમજાવે છે. ગીતાના ૭૦૦ શ્ર્લોકમાં માનવકલ્યાણની સુંગધ અનુભવાય છે. સાહિત્યિક દૃષ્ટિએ પણ સુચારૂ અનુષ્ટુપ છંદમાં રચાયેલી ગીતા કાવ્યતત્ત્વની વિશેષતાઓથી ભરપૂર છે. મમત્વને બદલે સમત્વનો સંદેશ આપતી ગીતા પાઠ્યક્રમમાં આવશે ત્યારે શ્ર્લોકનું જ્ઞાન લોક સુધી પહોચશે. ગુજરાતના બાળકોને ‘ગીત ગાતા ચલ’ને બદલે ‘ગીતા ગાતા ચલ’ કહી સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલનો પ્રારંભ કર્યો છે ત્યારે આ શરૂઆત શુકનિયાળ છે તેમ લાગે છે.
 

Bhagavad Gita in Schools 
 
 
શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલી આ વાણી ધર્મ, સંસ્કૃતિ, દેશના વાડાને અતિક્રમીને આરપાર નીકળી ગઈ છે । ભાણદેવજી
(પૂજ્ય સંતશ્રી - સરસ્વતી નિકેતન આશ્રમ - મોરબી)
 
 
અમેરિકામાં વિશ્ર્વના એક મહાન તત્ત્વચિંતક થયા. તેમનું નામ-થોરો. અમેરિકાના એક અરણ્યમાં વોલ્ડન નામનું એક સરોવર છે. આ સરોવરને કિનારે એક નાનું મકાન બનાવીને આપણા આ થોરો સાહેબ રહેતા હતા. અહીં આ એકાંત સ્થાનમાં રહીને થોરો સાહેબના અધ્યયન, ચિંતન, મનન, લેખન આદિ કાર્યો ચાલુ જ હતા. એક વાર કેટલાક સજ્જનો થોરો સાહેબ સાથે સત્સંગભાવે તેમના નિવાસસ્થાને આવે છે. આ સજ્જનોએ જોયું કે થોરો સાહેબ નૃત્ય કરી રહ્યા છે. આગંતુક સજ્જનોને આશ્ર્ચર્ય થયું. એંશી વર્ષના આ ધીર ગંભીર તત્ત્વચિંતક એકલા એકલા નૃત્ય કરી રહ્યા છે ! તેમણે એમ પણ જોયું કે થોરો સાહેબના મસ્તક પર એક નાનું પુસ્તક રાખેલું છે. આગંતુક સજ્જનો નજીક આવીને પૂછે છે : અરે ! થોરો સાહેબ ! અમે તો આપને આ રીતે નૃત્ય કરતાં પહેલીવાર જોઈ રહ્યા છીએ. આટલો આનંદ શાનો ? અને આપના મસ્તક પર આ પુસ્તક કયું છે ? થોરો સાહેબ તે પુસ્તક હાથમાં લઈને કહે છે ઃ આ મહાન ગ્રંથ વાંચીને મને એટલો આનંદ થયો છે કે હું નૃત્ય કર્યા વિના રહી ન શક્યો, માટે નાચી રહ્યો છું !
 
‘આ નાનો પણ મહાન ગ્રંથ કયો ગ્રંથ હતો ?’
તે ગ્રંથ હતો - શ્રીમદ્ ભગવદ્ગીતા !
 
શ્રીમદ્ ભગવદ્ગીતા કોઈ એક ધર્મનો ગ્રંથ નથી. શ્રીમદ્ ભગવદ્ગીતા તો વિશ્ર્વધર્મનો ગ્રંથ છે ! અધ્યાત્મવિદ્યાનો ગ્રંથ છે ! જીવન વિદ્યાનો ગ્રંથ છે. ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલી આ વાણી ધર્મ, સંસ્કૃતિ, દેશના વાડાને અતિક્રમીને આરપાર નીકળી ગઈ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં હિન્દુ શબ્દનો પ્રયોગ એકવાર પણ થયો નથી. જીવનના સ્વરૂપને, જીવનના રહસ્યને સમજવા ઇચ્છનાર કોઈ પણ જિજ્ઞાસુને સાદ્યંત અને સાંગોપાંગ માર્ગદર્શન આપી શકે તેવો આ મહાન ગ્રંથ છે. એક વાર અમેરિકામાં સ્વામી વિવેકાનંદજીને કોઈએ પ્રશ્ર્ન પૂો, તમે ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતીય અધ્યાત્મવિદ્યા અને ભારતીય દર્શનની આટલી પ્રશંસા કરો છો, પણ આપ જાણતા હશો કે વર્તમાન કાળમાં તો ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતીય અધ્યાત્મ વિદ્યા અને ભારતીય દર્શન પર પશ્ર્ચિમનું આક્રમણ વધી રહ્યું છે. તેમાંથી તમે કેવી રીતે બચશો અને બચાવશો ?
 
સ્વામી વિવેકાનંદ ત્વરિત ઉત્તર આપે છે - જ્યાં સુધી ભારતમાં શ્રીમદ્ ભગવદ્ગીતા છે, ત્યાં સુધી ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતીય અધ્યાત્મવિદ્યા અને ભારતીય દર્શનને ઊની આંચ નહીં આવે. શ્રીમદ્ ભગવદ્ગીતા અમારી રક્ષિકા દેવી છે! જો શ્રીમદ્ ભગવદ્ગીતાને યથાર્થ અને ગહન દૃષ્ટિથી સમજવામાં આવે તો જીવનની અને અધ્યાત્મની એવી કોઈ સમસ્યા નથી જેનું નિરાકારણ શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી ન મળી શકે. આપણે ધર્મ, દેશ, સંપ્રદાય આદિના વાડામાં બંધાયા વિના શ્રીમદ્ ભગવદ્ગીતાનો સ્વાધ્યાય કરીએ. આ શ્રીમદ્ ભગવદ્ગીતા આપણને ખાલી હાથે પાછા નહીં મોકલે, આપણને તે કાંઈક ને કાંઈક મૂલ્યવાન તત્ત્વ આપશે જ ! શ્રીમદ્ ભગવદ્ગીતા પર ૩૦૦ ભાષ્યો રચાયાં છે. શ્રીમદ્ ભગવદ્ગીતા પર અન્ય હજારો ગ્રંથોની રચના થઈ છે. વિશ્ર્વની મહત્ત્વની ભાષાઓમાં ભાગ્યે જ કોઈ એવી ભાષા હશે જે ભાષામાં શ્રીમદ્ ભગવદ્ગીતાનો અનુવાદ ન થયો હોય. આમ શા માટે ?  શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આવો મહિમા છે. પંડિત સુંદરલાલજીએ એક ગ્રંથની રચના કરી છે - ગીતા અને કુરાન. આપણે અન્યોન્યના ધર્મગ્રંથો પ્રત્યે આદરભાવ રાખતા થઈએ તેમાં જ આપણું કલ્યાણ છે !
 

Bhagavad Gita in Schools 
 
 
ભગવદ્ ગીતા જીવન કૌશલ્યો શીખવવાની પદ્ધતિઓ અને વિવિધ અભ્યાસક્રમનું દર્શન કરાવે છે : પ્રો. (ડૉ.) અજીતસિંહ રાણા (લેખકશ્રી ડૉ. બાબાસાહેબ આંબેડકર મુક્ત વિશ્ર્વવિદ્યાલય, કર્ણાવતી ખાતે શિક્ષણશાસ્ત્ર વિભાગમાં નિયામક અને પ્રોફેસર તરીકે કાર્યરત છે.)
 
 
આપણું શૈક્ષિક જગત પશ્ર્ચિમમાં વિકસિત શૈક્ષણિક સિદ્ધાંતો અને જીવન કૌશલ્યના વિચારોથી પરિચિત છે પણ જીવન કૌશલ્યો અને શિક્ષણના સંબંધમાં તેનું ઘણું મહત્ત્વ અને વ્યાપકતા હોવા છતાં, આપણા પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિચારો વિશે આપણી પાસે અપૂરતી માહિતી છે. ભગવદ્ ગીતામાં શૈક્ષણિક તત્ત્વજ્ઞાન સંદર્ભે કેટલાક જીવન કૌશલ્યોનું દર્શન થાય છે. આજે આપણે ભગવદ્ ગીતાના અર્થઘટન સાથે જીવન કૌશલ્યો અને શિક્ષણ પર આધારિત જે પશ્ર્ચિમ અને પૂર્વની ફિલસૂફી માટે કેટલાક આધાર પૂરા પાડે છે તેની ચર્ચા કરીશું. સમગ્ર વિશ્ર્વમાં ભારતનું સૌથી મોટું પ્રદાન એ છે કે, ભગવદ્ ગીતા જેવા ઐતિહાસિક ગ્રંથની ભેટ આપીને વિશ્ર્વમાં સાંસ્કૃતિક વ્યવહાર અને વ્યક્તિગત અનુભવો સાથેની રસપ્રદ કડીઓ સ્થાપિત કરી છે. ગીતા એ જીવન કૌશલ્યો અને શિક્ષણનું યથાર્થ દર્શન કરાવતો એક માત્ર ગ્રંથ છે કારણ કે તેમાં તમામ સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સાર છે અને એ આત્મ-અનુભૂતિનું શુદ્ધ જ્ઞાન પ્રદાન કરે છે.
 
ભગવદ્ ગીતા અનુસાર શિક્ષણમાં જીવન કૌશલ્યના ઉદ્દેશ્યો જેવા કે; જ્ઞાનનો વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ અને ફેરફાર, વ્યક્તિગત અને સામાજિક હેતુઓમાં અનુકૂલન, આંતરિક ચેતનાનો વિકાસ, બૌદ્ધિક અને તર્કક્ષમતાનો વિકાસ, અને જીવનમાં ફરજોનું મહત્વ સ્થાપિત કરી આપે છે, ભગવદ્ગીતાના આધારે અભ્યાસક્રમ જોઈએ તો એમાં બે પ્રકારના જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે; તાર્કિક જ્ઞાન (તર્કસંગત, શૈક્ષણિક અને પ્રમાણભૂત અથવા ભૌતિક) અને આધ્યાત્મિક જ્ઞાન. તાર્કિક જ્ઞાનને વિશ્ર્વમાં ઉપલબ્ધ વસ્તુઓના બાહ્ય સ્વરૂપની ચર્ચા કરવાની ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે જે શાણપણ દ્વારા તેમને ઇન્દ્રિયો દ્વારા સમજવામાં આવે છે. તાર્કિક જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. ભગવદ્ ગીતાના ઉપદેશો માત્ર ક્રિયાના ત્યાગ માટે જ નહીં પણ ક્રિયામાં ત્યાગ માટે પણ છે. તેમાં ભારપૂર્વક જણાવ્યું છે કે સંન્યાસનો અર્થ ક્રિયાનો ત્યાગ નથી, પરંતુ રસ, ઇચ્છા અને આસક્તિનો ત્યાગ છે.
 
શિક્ષણનો અર્થ (વિદ્યા) : શિક્ષણ એ સ્થિર મન અને બુદ્ધિથી ત્રણ ક્રોધ (વાસના, ક્રોધ અને ભય)માંથી મુક્ત થઈને શાંતિ, આનંદ, સંતોષ અને મોક્ષની પ્રાપ્તિ માટે પોતાનું કર્તવ્ય નિભાવવાની પ્રક્રિયા છે. શિક્ષણ એ મનુષ્યમાં સંપૂર્ણતા કેળવવાની પ્રક્રિયા છે. તે કર્મ અને ધાર્મિક જીવન માટે જ્ઞાન, કૌશલ્ય, ક્ષમતા અને શાણપણ સૂચવે છે. જ્યારે મનુષ્ય ત્રણ ક્રોધ (વાસના, ક્રોધ અને ભય)થી મુક્ત થાય છે, ત્યારે તે જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિની સ્થિતિ છે. મોક્ષ પરનું શિક્ષણ, ક્રિયા પરનું શિક્ષણ અને શાણપણ પરનું શિક્ષણ એ ભગવદ્-ગીતાના વધુ સુસંગત પાસાંઓ છે.
 
સદ્ગુણી જ્ઞાનનો વિકાસ : ગીતામાં કૃષ્ણ અર્જુનની અજ્ઞાનતાની નોંધ લે છે અને તેને તેની ફરજ નિભાવવા પ્રેરિત કરે છે. આ પદ પરથી આપણે એમ માની શકીએ કે શિક્ષણનો આદર્શ અજ્ઞાનને દૂર કરવાનો અને સદ્ગુણી જ્ઞાન પ્રદાન કરવાનો હોવો જોઈએ.
 
વ્યક્તિત્વના ઉત્કર્ષનો વિકાસ અને પ્રભાવ : દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ દુષ્ટ (આસુરી) અને સદ્ગુણ (દૈવી - ઈશ્ર્વરીય) લક્ષણોથી સજ્જ છે. બીજા શબ્દોમાં કહીએ તો, કૌરવો (આસુરી) અને પાંડવો (સદ્ગુણી) આપણા દરેકમાં અસ્તિત્વ ધરાવે છે. કૃષ્ણ અર્જુનમાં રહેલી સદ્ગુણી શક્તિઓને જાગ્રત કરે છે અને તેને સાચા માર્ગ તરફ પ્રેરિત કરે છે. ગુરુએ પોતાના શિષ્ય માટે આ જ કરવું જોઈએ. આમ શિક્ષણનો આદર્શ વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ અને ઉત્કૃષ્ટતા હોવો જોઈએ.
 
વ્યક્તિગત અને સામાજિક ધ્યેય વચ્ચે સમન્વય : યુદ્ધના મેદાનમાં અર્જુન તેની વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક જવાબદારી વચ્ચે ખોવાઈ જાય છે. તેમની વ્યક્તિગત સ્વતંત્રતા લડવાની કે લડાવવાની નથી. સામાજિક જવાબદારીએ ભૂમિમાં શાંતિ સ્થાપવા માટે દુષ્ટ-કર્મીઓને સજા કરવા માટેની લડાઈમાં તેમની સહભાગિતાની ખાતરી આપી. કૃષ્ણ તેમના પર તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું બલિદાન આપવા અને દુષ્ટ વ્યક્તિઓ અને તેમના સાથીઓનો નાશ કરવા માટે ગાંડીવ ઉઠાવવા માટે પ્રેરિત કરે છે. ગીતા અનુસાર, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વસ્તુઓના વ્યક્તિગત અને સામાજિક પાસાંઓ વચ્ચેના સમન્વયને પ્રભાવિત કરવાનો હોવો જોઈએ.
 
આંતરિક ચેતનાનો વિકાસ : અર્જુન પોતાને ભયાનક યુદ્ધભૂમિથી દૂર રાખવા ઇચ્છે છે. કૃષ્ણ તેમની ઇચ્છા વિરુદ્ધ બળજબરી કરવા માંગતા નથી. તેના બદલે, તે (કૃષ્ણ) તાર્કિક્તાનો આશરો લે છે અને અર્જુનને તેના પવિત્ર સ્વ-કર્તવ્ય (સ્વધર્મ) વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે. આખરે, પોતાના દમ પર, અર્જુન તેના વિરોધીઓ સામે લડવાનું નક્કી કરે છે. આમ કૃષ્ણ, તેમના ગુરુ અને મિત્ર, આંતરિક ચેતના (અંતઃકરણ) ને જાગ્રત કરવામાં સફળ થાય છે. આ જ આદર્શ ને આપણે શિક્ષણ ક્ષેત્રે અપનાવવો જોઈએ.
 
સ્થિર શાણપણ : ભગવદ્-ગીતા જણાવે છે કે સ્થિર શાણપણની સ્થિતિ એવી સ્થિતિ છે જ્યારે સિદ્ધિ અને નિષ્ફળતા, નફો-નુકશાન, આનંદ અને દુ:ખને સમાન દૃષ્ટિએ સમજી શકાય છે, તે ઇચ્છાઓની સંપૂર્ણ સંતોષની સ્થિતિ અથવા અંતિમ પડાવ છે.
 
આત્મ-સાક્ષાત્કાર : ભગવદ્-ગીતા સૂચવે છે કે શુદ્ધ અને નિયંત્રિત મન, શુદ્ધ બુદ્ધિ, દૃઢ નિશ્ર્ચય અને ખોટા અહંકાર, અભિમાન, ક્રોધ, લોભરહિત સ્થિતિ એ આત્મ-સાક્ષાત્કારની સ્થિતિ છે. આત્મ-સાક્ષાત્કારની સ્થિતિ એ વિદ્યાની સ્થિતિ છે જે શિક્ષણ છે. તેથી, તે શિક્ષણના અર્થ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ સિદ્ધાંત તરીકે અર્થઘટન કરી શકાય છે.
 
વ્યક્તિને પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ બનાવવા : શિક્ષણ માનવને ધાર્મિક બનાવે છે જેનાથી કોઈપણ પ્રકારના અન્યાય સામે અવાજ ઉઠાવવાની, જીવોના કલ્યાણમાં સામેલ થવાની, સત્ય પ્રત્યે નિષ્ઠાવાન રહેવા અને માનવીય શું છે અને અમાનવીય શું છે તે ભેદ પારખવાની ક્ષમતા વિકસાવે છે.
 
હિઝ નામનો વિદ્વાન ગીતાને પૂર્વીય સંસ્કૃતિના મનોવિજ્ઞાન તરીકે જુએ છે. જ્યારે જીવન અને મનોવિજ્ઞાનની ફિલસૂફી માટે ભગવદ્ ગીતાને એક સૂચના માપક (Instruction Module) તરીકે ઓળખવામાં આવે છે.
 
ભગવદ્ ગીતા એ ભારતીય આધ્યાત્મિકતાના અનાદિ કાળથી બનેલા સ્વતઃપ્રાપ્ત ભારતના ભવ્ય સાંસ્કૃતિક સાતત્યના મોતીઓમાંનું એક છે. મિથ્યા લોકશાહી, મિથ્યા બિનસાંપ્રદાયિકતા, મિથ્યા આદર અને બહુવિધ ભ્રામકતાની આજની દુનિયામાં આપણા માટે મૂળ ભારતીય નિવાસી શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કોઈપણ ચર્ચા વિના, પ્રાચીન સનાતન ધર્મ એ આધ્યાત્મિકતાની જીવંત રેખા છે. ભારત માટે માનસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનરક્ત છે. ભારત સનાતન ધર્મને અપનાવનારો દેશ હતો, છે અને રહેશે.
 
આ સંદર્ભમાં, ભગવદ્ ગીતાને ભારતની અનન્ય ઐતિહાસિક, આધ્યાત્મિક સાતત્યની કરોડરજ્જુના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે ગણવો જોઈએ. જેમ કે, સ્વાભાવિક રીતે અને અનિવાર્યપણે, તે સનાતન ભારતીય હિંદુ સંસ્કૃતિ, શિક્ષણ અને જાગૃતિનો એક ભાગ છે. આથી ભગવદ્ ગીતાના વિષયવસ્તુને પ્રાથમિક માધ્યમિક અને યુનિવર્સિટી કક્ષાએ વિવિધ સ્તર અનુસાર, વિદ્યાર્થીઓની ક્ષમતા અનુસાર પાઠ્યક્રમની રચના કરી એને શીખવવું જોઈએ.
 
આમ, જયારે આપણે તમામ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જ સફળતા મળે છે. ગીતા આપણા આંતરિક વ્યક્તિત્વનો પરિચય આપે છે, જે મનને કારણ સહિત ભેદપરખની શક્તિ આપે છે, તે લાગણીઓ અને આવેગનું કેન્દ્ર છે. ભગવદ્ ગીતા વાંચ્યા પછી, વ્યક્તિ સમજી શકે છે કે તે આપણા જ્ઞાનની મૂલ્યવાન ઐતિહાસિક સંપત્તિ છે અને તેના ઊંડા અભ્યાસ અને અર્થઘટનની જરૂર છે. નૈતિક શિક્ષણ, નૈતિક ક્રિયા કૌશલ્યો કે જે સમગ્ર ગીતા દ્વારા જાણવા મળે છે તે માત્ર આપણા દેશ માટે જ નહીં પરંતુ વિશ્ર્વ સમુદાયની ઊભરતી જરૂરિયાત છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના વિચાર અને સમજણના હેતુ અને સ્તર અનુસાર ભગવદ્ ગીતામાંથી ફળ મેળવી શકે છે. તેથી, ભગવદ્ ગીતાને જીવન કૌશલ્યો માટે શૈક્ષણિક તત્ત્વજ્ઞાન તરીકે લઈ શકાય છે કારણ કે તેમાં જીવન ફિલસૂફીના તમામ ઘટકોનું સ્પષ્ટ દર્શન થાય છે. આથી વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યોનો વિકાસ થાય એ માટે ભગવદ્ ગીતા વિશે ગુજરાતમાં શાળા કક્ષાએ શિક્ષણ આપવાની પહેલ સમયની આવશ્યકતાનુસાર આવકારદાયક હિંમતભર્યું પગલું છે.
 
 
ઉપસંહાર
 
 
તજ્જ્ઞો અને જાણકારોમાં ઉપરોક્ત મૂલ્યવાન મંતવ્યોથી સ્પષ્ટ થાય છે કે શ્રીમદ્ ભગવદ્ગીતા ધાર્મિક ગ્રંથ નથી જ. એ તો નૈતિકતાનાં પાઠ શીખવતો વૈશ્ર્વિક ગ્રંથ છે. તેમ છતાં કેટલાંક વિરોધીઓ બંધારણની દુહાઈ આપીને વિરોધ કરી રહ્યા છે કે, ભગવદ્ ગીતા શાળાઓમાં ભણાવાય તે બંધારણની વિરુદ્ધ છે. હા, એ સત્ય છે, પણ એવું શા માટે છે એ પણ સમજવું જરૂરી છે. આની પાછળ કેવી દુષિત વિચારધારા છે તે સૌ કોઈ જાણે તે જરૂરી છે.
 
વાત એમ છે કે, સન ૧૯૫૦માં આપણા દેશનું બંધારણ ઘડાયું. આ બંધારણમાં ત્રણ કલમો એવી ઉમેરાઈ કે જેના પરિણામે મુસ્લિમ, ખ્રિસ્તી જેવી લઘુમતિઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પુસ્તકો જેવા કે કુરાન, બાઈબલને ભણાવવાનો અધિકાર મો. જ્યારે હિન્દુઓના સંતાનોને આનાથી વંચિત રાખવામાં આવ્યા.
 
બંધારણની ધારા ૨૭ તથા ૨૮ અંતર્ગત તથા ધારા ૩૦ (૧) મુજબ લઘુમતી શાળાઓને સરકારી સરકારી ગ્રાન્ટ મળશે. લઘુમતી શાળાના શિક્ષકો પગાર ખર્ચ પણ સરકાર ઉઠાવશે અને આ શાળાઓમાં કુરાન, બાઈબલ આદિ ધાર્મિક ગ્રંથો ભણાવી શકાશે.
 
પંડિત નહેરુની દુષિત વિચારધારાને કારણે આવું બન્યું હતું. વિશ્ર્વમાં ચાલતી સેક્યુલારિઝમની અધકચરી કલ્પના નહેરુજીને ગમી ગઈ. બ્રિટન અમેરિકા જેવા પશ્ર્ચિમના દેશોએ પણ સેક્યુલારિઝમનો સ્વીકાર્યો પણ તે તેમના દેશને અનુકૂળ આવે તેવું સેક્યુલારિઝમ હતું. બ્રિટને અમેરિકા જેવા દેશોમાં શાળાઓમાં બાઈબલ શીખવાડવામાં આવે છે. બાઈબલ પર હાથ મુકી ત્યાંના રાષ્ટાધ્યક્ષ સોગંદ લે છે. પોતાને ક્રિશ્ર્ચિયન રાષ્ટ્ર બતાવે છે તેમ છતાં તેઓ પોતાના દેશને સેક્યુલર કહે છે. આ દેશોએ પોતાના રાષ્ટ્રના આત્માને સાચવીને સેક્યુલારિઝમ સ્વીકાર્યું છે. જ્યારે પંડિત નહેરુજીએ ધર્મવિહિન સેક્યુલારિઝમ્નો સ્વીકાર કર્યો, જેના પરિણામે શિક્ષણ સંસ્થાઓમાંથી ભગવદ્ગીતા જેવા પ્રેરણાદાયી ગ્રંથોને બાકાત કરવામાં આવ્યા.
 
આ બન્યું ત્યારે તે સમયનાં કૃષિ અને ખાદ્યમંત્રી શ્રી કનૈયાલાલ મુન્શીએ નહેરુજીને એક લાંબો પત્ર લખીને પોતાની વ્યથા વ્યક્ત કરતા લખેલું કે, હું એવી સ્વાધિનતાનું કોઈ મૂલ્ય નથી માનતો જે આપણને આપણી ભગવદ્ગીતાથી વંચિત કરે અથવા કરોડો-લાખોના હૃદયમાંથી વિશ્ર્વાસને નષ્ટ કરી દે અને આ પ્રકારે આપણા જીવનના તાણા-વાણાને નષ્ટ કરી નાખે.
 
શ્રી કનૈયાલાલ મુનશીના આ પત્રની કોઈ અસર નહેરુજી ઉપર ન થઈ. બંધારણમાં રહેલી આ વિશેષ વ્યવસ્થાએ હિન્દુઓને આ દેશમાં સેકન્ડ ક્લાસ સીટીઝન બનાવી દીધા અને લઘુમતિઓને પ્રથમ વર્ગના નાગરિકો બનાવી દઈ રાષ્ટ્રીય એકાત્મતના સામે મોટો પ્રશ્ર્ન ખડો કર્યો છે, જેને સુધારવા તરફ સમગ્ર દેશે વિચાર કરવો પડશે.