મમ્મીના મોલ સખી નહીં જડે રે લીલ !
વિશ્ર્વની મોટા ભાગની ભાષામાં મા શબ્દનો પહેલો અક્ષર મથી શરૂ થાય છે. ચીનમાં મુચીન, અંગ્રેજીમાં મમ્મી, સંસ્કૃતમાં માતૃ, હિન્દીમાં મૈયા, મરાઠીમાં માઉલી અને ગુજરાતીમાં મા કહેવાય છે. વિશ્ર્વની દરેક માતાની સંવેદના એકસરખી હોય છે.
બાળકનો જન્મ થાય છે ત્યારે એની સાથે માતાનો પણ જન્મ થાય છે. બાળકનો ક્રમિક વિકાસ થાય છે એમ માતાનો પણ ઉત્તરોત્તર વિકાસ થાય છે. બાળક શીખતું જાય એમ માતા પણ શીખે છે. જગતનું એક માત્ર પાત્ર કે જે કદી પોતાના બાળકને નફરત ન કરી શકે, લાગણીથી લથબથ સ્નેહનો સરવાળો એટલે મા.
મોરારિબાપુએ કહ્યું છે કે, રક્ત, દૂધ અને આંસુ, આ ત્રણ પ્રવાહો વહાવીને માતા પુત્રનો ઉછેર કરે છે. જગતગુરુ શંકરાચાર્યે કહ્યું છે કે, ત્વ દિવ્યં પુત્રાસ્તે, જનની જનનંને યા, તું મમ્ વયે મુદ્દાની રુદ્રાણી, પૃથ્વ્યામ્, પુત્રાસ્તે, જનની વહ વહ. એટલે જ સહનશીલતાની મૂર્તિનું બિરુદ માને આપીએ છીએ. પુત્રના જીવનમાં છાંયડો થાય એની પાછળ મા અનેક તાપ-તડકા વેઠે છે. દરેક મા એવું ઇચ્છે છે કે પુત્રના ભાગનાં અને ભાગ્યનાં દુઃખ મને મળે. દરેક ધર્મમાં માતાનું સ્થાન અગ્રસ્થાને રહ્યું છે. હઝરત મહંમદ પયગંબરે કહ્યું છે કે, તારું સ્વર્ગ તારી માના ચરણોની નીચે છે. મલબાઈના રાજ્ય પર શિવાજીએ જીત મેળવી. મલબાઈને બાઅદબ દરબારમાં હાજર કરવા કહ્યું. પાલખીને બદલે પગપાળા આવતાં જોઈ શિવાજીને આશ્ર્ચર્ય થયું ત્યારે મલબાઈએ કહ્યું કે અમારી પરંપરામાં ખુમારીથી મૃત્યુને ભેટવાનો રિવાજ છે. ઉછીની બાદશાહી મૃત્યુ સમાન છે.
એક સ્ત્રીની આવી વીરતા જોઈ શિવાજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યાં અને કહ્યું કે, મારી માતા જીજાબાઈની યાદ આવી ગઈ , મને લાગે છે કે એ હજી જીવંત છે. મા કોઈ પણ સ્વરૂપમાં મળી જાય છે. કોઈ લાગણીથી હાથ પસવારે ને મા યાદ આવી જાય છે. કોઈ કારણ વગર મદદ કરે ને મા યાદ આવી જાય છે. માને ચોવીસ કલાકની નોકરી હોય છે અને ઘરમાં એ એકાધિક બોસ હોય છે. બિપિન પરીખ કહે છે કે, માનું હાલરડું યાદ આવે અને હું આખી રાત ઊંઘી નથી શકતો. કેવો કાવ્યચમત્કાર !
હાલરડાંનો ગુણધર્મ ઊંઘાડવાનો પણ અહીં ઊંઘનો છેદ ઉડાડી માતૃપ્રેમની ઉત્કટ અભિવ્યક્તિ થાય છે. હાલરડાંમાં એક મઘમઘતી મીઠાશ છે. આ હાલરડાં દ્વારા બાળક શબ્દ, સંગીત અને સંસ્કારનો પ્રથમ પરિચય પામે છે. ફિલ્મનો ડાયલોગ મેરે પાસ મા હૈ આજે પણ કાનમાં ગુંજે છે. આ સંવાદની અસર એક મંત્ર જેટલી છે. એક બાજુ ખુશીઓ છે અને બીજી બાજુ મા છે. આપણી પરમ્પરા કહે છે તેમ પુત્ર કુપુત્ર થાય પણ મા કદી કુમાતા નથી થતી. પૂર્વજન્મોનાં પુણ્ય હોય તો સ્ત્રીનો અવતાર મળે. ઈશ્ર્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન મા છે. મા એ સ્ત્રીનું પૂર્ણસ્વરૂપ છે. એક માતા બાળક માટે જિંદગી સમર્પિત કરી દે છે. પોતાનાં અધૂરાં સપનાં જ્યારે પુત્ર દ્વારા પૂરાં થતાં જુએ છે ત્યારે એનો આનંદ આસમાને પહોંચે છે. જે પુત્ર માની આંખનાં આંસુનું કારણ બને છે એ કદી સુખી થઈ શકતો નથી.
સ્ત્રીનાં કેટકેટલાં રૂપ... દીકરી, પત્ની, ભાભી, કાકી, મામી ઇત્યાદિ, એમાં સર્વશ્રેષ્ઠ માતાનું રૂપ છે. સ્ત્રીએ સમાજને ખૂબ આપ્યું છે. કાર્યેષુ મંત્રી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા.. માતાથી ઉત્તમ કોઈ ગુરુ નથી. સ્કૂલમાં તો બાળક પાંચ વર્ષે દાખલ થાય, પણ એ પહેલાં સમજણનું પંચામૃત પાય છે. ડગુમગુ ડગલાંની સાથે જિંદગીના રાહની સમજણ પણ આપે છે. નિશાળના પાઠની સાથે સમાજનો બોધપાઠ શીખવે છે. બાળપણમાં સતત સારસંભાળ રાખનાર માને વૃદ્ધાવસ્થામાં કહીએ છીએ કે, તને કંઈ ખબર ન પડે ત્યારે માનું મૌન બોલકું બની જાય છે ! એટલે જ શ્રદ્ધાના સરનામે મા મળે છે, The God cant be Everywhere, so He Created Mothers. મા પાસે ઊભા હોય તો સાષ્ટાંગ, દૂર હોય તો મનથી અને એથી દૂર વાસ કરી ગઈ હોય તો દિલથી નમન કરીએ. ન્હાનાલાલે માને આપેલી વ્યાખ્યાથી અદ્ભુત કશું ન હોઈ શકે, વર્તમાનને તીરે ઊભી, ભવિષ્ય રાચવી, મન્વન્તરો સાંકળતી માતાઓ, છે સૃષ્ટિ વિકાસની સહાયક દેવીઓ.’