આ હિન્દુત્વનો હુંકાર છે | ધ કાશ્મીર ફાઇલ્સ, આરઆરઆર ફિલ્મ - આ એક શરૂઆત છે...

હિંદુત્વ માટે ગત મહિના- દોઢ મહિનામાં જોવા મળેલી આ પ્રચંડ અનુકૂળતા અને જનજાગરણ. હિંદુ મૂલ્યો, હિંદુ સંસ્કૃતિ, હિંદુ પરંપરા વગેરે વાતો વિષે દેશ-વિદેશમાં પ્રચંડ કુતુહલ (ઉત્સુકતા) નિર્માણ થયું છે.

    09-Apr-2022
કુલ દૃશ્યો |

hindutva
 
 
 
# આ ચિત્રપટ નિમિત્તે દેશની વર્તમાન સ્થિતિ પર ટીકા ટિપ્પણી કરવી, હિંદુના ભવિષ્ય વિષે બોલવું, શહેરો અને ગામોમાંથી લોકો દ્વારા જાહેર શોભાયાત્રાઓ કાઢી, જૂથો બનાવી ઘોષણાઓ કરતાં કરતાં હાથમાં ભગવા ધ્વજ ફરકાવતા ચિત્રપટ જોવા જવું વગેરે બધું અદ્ભુત દ્રશ્યો હતાં.
 
 
# ચિત્રપટ ‘RRR.’ તેલંગાણાના બે ક્રાંતિકારીઓનાં જીવન પર બનેલું આ ચિત્રપટ વિશુદ્ધ ભારતીય રંગે રંગાએલું છે. આના નાયક (હીરો) અને અન્ય અભિનેતાઓ પૂર્ણ ભારતીય પદ્ધતિથી ધોતી પહેરેલા અને કપાળે ચંદનતિલક કરેલા હતા.
 
 
# હિંદુત્વ માટે ગત મહિના- દોઢ મહિનામાં જોવા મળેલી આ પ્રચંડ અનુકૂળતા અને જનજાગરણ. હિંદુ મૂલ્યો, હિંદુ સંસ્કૃતિ, હિંદુ પરંપરા વગેરે વાતો વિષે દેશ-વિદેશમાં પ્રચંડ કુતુહલ (ઉત્સુકતા) નિર્માણ થયું છે.
 
 
 
 
ગયા એક-બે મહિનામાં અનેક ઘટનાઓ બહુ વેગથી ઘટી રહી છે. મહાબલવાન રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. સામાન્ય રીતે બે-ચાર દિવસમાં યુક્રેન પૂર્ણ પરાજય સ્વીકારી લેશે એવી જ બધાની ભવિષ્યવાણી હતી. પરંતુ એવું ન થયું. નાટો દેશો અને અમેરિકાએ પ્રત્યક્ષ મેદાનમાંથી પીછેહટ કરી લીધા છતાં પણ યુક્રેન જેવો નાનકડો દેશ આજે સાડત્રીસ દિવસ થઈ ગયા પછી પણ નિશ્ર્ચયપૂર્વક સંઘર્ષ કરી રહ્યો છે, લડી રહ્યો છે.
 
આ દરમિયાન બે ઘટનાઓ બની. એક એટલે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો આવ્યાં અને બીજી એટલે માર્ચની ૧૧ તારીખે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મ પ્રદર્શિત થઈ. વિધાનસભાનાં પરિણામોએ એક વાત ફરીથી અધોરેખિત કરી કે ઉત્તરપ્રદેશ જેવાં મહાકાય રાજ્યની પ્રજા હિંદુત્વ સમર્થક ભાજપાની પડખે ઉભી છે.
 
ધ ‘કાશ્મીર ફાઇલ્સે’ તો જાણે કોઇ એક ક્રાંતિનો પ્રારંભ કર્યો. લગભગ રૂ. ૧૪ કરોડ બજેટની આ ફીલ્મ. ભારતીય સીનેજગતની ભાષામાં વાત કરીએ તો બધા જ અર્થમાં ‘લો બજેટ ફીલ્મ’. પણ આ ચિત્રપટે એક ઇતિહાસ સર્જ્યો. માત્ર ૬૩૦ સ્ક્રીન પર પ્રદર્શિત થએલાં આ ચિત્રપટની પ્રથમ દિવસની કમાણી હતી, ૪-૨૫ (સવાચાર કરોડ) રૂપિયા. આ યશને આ દ્રષ્ટિકોણથી જોઇ શકાય. થોડા જ માસ પૂર્વે એટલે નવેંબર ૨૦૨૧માં પ્રદર્શિત થએલાં સલમાનખાનનાં ’અંતિમ’ ચિત્રપટને ૩૨૦૦ પડદા પર પ્રદર્શિત કરાયું હતું. આ ચિત્રપટની પહેલા દિવસની આવક હતી, માત્ર રૂ. ૫ કરોડ. આ પાર્શ્ર્વભૂમિમાં કાશ્મીર ફાઇલ્સનો વિજય ઝળકી ઉઠે છે.
 
સાવ પહેલા જ દિવસથી આ ચિત્રપટ ‘લોકોનું ચિત્રપટ’ થઈ ગયું. સર્વસામાન્ય ચિત્રપટમાં મળતાં મસાલાનો સંપૂર્ણ અભાવ. ગાજી ઉઠતાં ગીતો નહીં, કે ખુબ નાંમાંકિત (પ્રસિદ્ધિપાત્ર) અભિનેતાઓ પણ નહીં. ચિત્રપટ ગંભીર. શરીરે ચચરી ઉઠનારું. અને છતાં પણ આ ચિત્રપટ રોજ યશનાં નવાં નવાં કીર્તિમાનો સ્થાપિત કરતું જતું હતું, શીખરો સર કરતું જતું હતું. ચિત્રપટ પૂરું થયા પછી પણ લોકોનું ખુરશી પર સ્તબ્ધ થઈને બેસી રહેવું, તે જ સ્થિતિમાં અનેક સ્થાનો પર કોઇએ અંતરતમમાંથી ઉત્પન્ન આવેશપૂર્વક વિષય પર ભાષ્ય કરવું, આ ચિત્રપટ નિમિત્તે દેશની વર્તમાન સ્થિતિ પર ટીકા ટિપ્પણી કરવી, હિંદુનાં ભવિષ્ય વિષે બોલવું, શહેરો અને ગામોમાંથી લોકો દ્વારા જાહેર શોભાયાત્રાઓ કાઢી, જૂથો બનાવી ઘોષણાઓ કરતાં કરતાં હાથમાં ભગવા ધ્વજ ફરકાવતા ચિત્રપટ જોવા જવું વગેરે બધું અદ્ભુત દ્રશ્યો હતાં. આ દેશમાં પહેલી વાર બની રહ્યું હતું. હિંદી ચિત્રપટ સૃષ્ટિને ભારે આંચકા આપી રહ્યું હતું. આ દેશના એક હિસ્સામાં હિંદુઓ પર ભયાનક અને અમાનવીય અત્યાચાર થઈ રહ્યા હતા અને આ દેશના મોટાભાગના લોકોને તેની કોઇ જાણ પણ નહોતી, ખબર નહોતી. એ દઝાડતાં સત્યથી અનેકો અસ્વસ્થ થતા હતા. અને તે વેદનામાંથી જ જાણે આ દેશનો હિંદુ એક ઝપાટે જાગી ગયો. તેને હિંદુ એકત્વની, તેની શક્તિની આવશ્યકતાની જાણે અનુભૂતિ થવા લાગી. અખિલ વિશ્ર્વમાં હિંદુઓને સંગઠિત કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બદલ કુતુહલ (ઉત્સુકતા) અને આકર્ષણ નિર્માણ થયું. અને તેમાંથી જ જ્યારે કેટલાક ચિત્રપટગૃહો(થિએટર્સ)માં આ ચિત્રપટ પૂરું થયા પછી એક-બે સ્વયંસેવકો સંઘપ્રાર્થના ગાવા લાગ્યા ત્યારે તે ખિચોખીચ ભરાએલાં ચિત્રપટગૃહમાં હાજર પ્રત્યેક વ્યક્તિએ અત્યંત અનુશાસિત પદ્ધતિથી સંઘની પ્રાર્થના ગાઈ. આ આવી વિલક્ષણ ઘટના દેશમાં પહેલી વાર જોવા મળી રહી હતી.
 
બે અઠવાડિયામાં રૂ. અઢીસો કરોડ ભેગા કરનારા આ ચિત્રપટ પછી આવ્યું દક્ષિણનું ‘બીગ બજેટ’ ચિત્રપટ ‘RRR.’ તેલંગાણાના બે ક્રાંતિકારીઓનાં જીવન પર બનેલું આ ચિત્રપટ વિશુદ્ધ ભારતીય રંગે રંગાએલું છે. આના નાયક (હીરો) અને અન્ય અભિનેતાઓ પૂર્ણ ભારતીય પદ્ધતિથી ધોતી પહેરેલા અને કપાળે ચંદનતિલક કરેલા હતા. છત્રપતિ શિવાજી મહારાજ, નેતાજી સુભાષચંદ્ર બોઝ વગેરેને આદર્શ પુરુષો તરીકે દર્શાવાયા હતા. મહત્ત્વની વાત એટલે સ્વાતંત્ર્યવીર સાવરકરે ભારતનો જે રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો અને મેડમ કામાએ જેને વૈશ્ર્વિકમંચ પર સર્વપ્રથમ ફરકાવ્યો હતો તે ભગવો ધ્વજ આ ચિત્રપટમાં ગર્વપૂર્વક પ્રદર્શિત કરાયો છે.
 
આ ચિત્રપટે પણ આવકનાં બધાં જ કીર્તિમાનો ધ્વસ્ત કર્યાં. આ પૂર્વે ભારે યશ મેળવેલું પ્રાચીન પરિવેશમાં નિર્મિત ‘બાહુબલી’ચિત્રપટ પણ એસ. એસ. રાજમૌલીનું જ. પણ RRR ચિત્રપટે તેનો વિક્રમ પણ તોડી નાખ્યો. આ બધી જ વાતોનું પરિણામ ચિત્રપટ સૃષ્ટિ પર થઈ જ રહ્યું હતું. ફક્ત પૈસો અને ‘યશ’ એ બે જ વાતોમાં જ સમજતા ‘બોલીવુડ’ને સારી રીતે સમજાઈ ગયું કે હવે આગળના સમયમાં દેશની સંસ્કૃતિ અને પરંપરાની અવગણના કરનારું એક પણ ચિત્રપટ આ દેશમાં ચાલી શકશે નહીં. અને તેથી જ આ કાલાવધીમાં સલમાનખાન, શાહરૂખખાન, આમીરખાનની ખાન ગેંગ દરમાં ભરાઈને બેઠી હતી. અક્ષયકુમારે તે જ અરસામાં પ્રદર્શિત થએલાં તેના પીટાઈ ગયેલાં ‘બચ્ચન પાંડે’ ચિત્રપટ વિશે વધુ કાંઇ ન બોલતાં તેનાં નવાં ચિત્રપટની જાહેરાત કરી. દશેરા-દિવાળીએ પ્રદર્શિત થનારું તેનું ‘પૃથ્વીરાજ ચૌહાણ’ ચિત્રપટ પૃથ્વીરાજ ચૌહાણ પર કેંદ્રિત છે અને પૂર્ણપણે ભારતીય રંગે રંગાએલું છે.
 
આ બધું વિસ્તારપૂર્વક કહેવાનું કારણ એ છે કે હિંદુત્વ માટે ગત મહિના- દોઢ મહિનામાં જોવા મળેલી આ પ્રચંડ અનુકૂળતા અને જનજાગરણ. હિંદુ મૂલ્યો, હિંદુ સંસ્કૃતિ, હિંદુ પરંપરા વગેરે વાતો વિષે દેશ-વિદેશમાં પ્રચંડ કુતુહલ (ઉત્સુકતા) નિર્માણ થયું છે. કદાચ આપણામાંથી અનેકોએ ’આજ તક’ ચેનલ પર યુક્રેનના આંદ્રે (Andre) નામના સૈનિકની ભારતીય મહિલાએ લીધેલી મુલાકાત જોઇ-સાંભળી હશે. રશિયન-યુક્રેન યુદ્ધ શરૂ થયે ત્રણ અઠવાડિયાં થયાં હતાં.પોતાના દેશ માટે લડનારા તે યુક્રેન સૈનિકે કહ્યું કે યુદ્ધની બીક લાગતી નથી. તે નિર્ભયતાથી લડી રહ્યો છે કારણ તેને શ્રદ્ધા છે કે ‘ભગવાન શ્રીકૃષ્ણ તેની પીઠ પાછળ ઊભા છે.’ તે સૈનિકે પોતાની પાસેની જપમાળા તે મહિલાને બતાવીને કહ્યું, ‘પ્રત્યક્ષ યુદ્ધની ધમાલમાં પણ હું સતત ભગવાન શ્રીકૃષ્ણનો જપ કરતો રહું છું. તેને કારણે મને આત્મિક બળ પ્રાપ્ત થાય છે.’
 
આ સૈનિક એ અપવાદ નથી. બિલકુલ રશિયન સેનામાં પણ આવા જપમાલા લીધેલા સૈનિકો મળી આવશે. રશિયા અને તેના પ્રભાવમાં છે એવા અનેક દેશોમાં ‘ઇસ્કોન’નું ભારે કાર્ય ચાલી રહ્યું છે. હિંદુત્વ તરફ આકર્ષાએલા લોકો માટે ’ઇસ્કોન’ માધ્યમ સિદ્ધ થઈ રહ્યું છે. મધ્યપૂર્વ અને યુરોપિયન દેશોમાં શ્રી શ્રી રવિશંકર, માતા અમૃતાનંદમયી વગેરે સંતોના અનુયાયીઓ વધી રહ્યા છે. અનેક જગ્યાએ ખ્રિસ્તી/ઇસ્લામિક પૂજાપદ્ધતિ અને હિંદુ જીવનપદ્ધતિ એ તેમનું જીવનસૂત્ર બનતું જઈ રહ્યું છે. અમેરિકા અને યુરોપમાં અનેક ચર્ચોનું રૂપાંતર મંદિરોમાં થઈ રહ્યું છે.
 
હિંદુત્વનાં પુનરુત્થાનનો આ (resurgence) પડઘો જગતના ખુણેખુણેથી પડતો દેખાઈ રહ્યો છે. વિશેષ એટલે કૉરોના કાળમાં લોકોએ યોગ અને આયુર્વેદ બંનેનો સ્વીકાર કર્યો તેથી હિંદુ જીવનપદ્ધતિ તરફ, હિંદુત્વ તરફ આકર્ષિત થવાનો આ પ્રવાહ વધી રહ્યો છે. ગત વર્ષે જ ઇંડોનેશિયામાં સુકર્ણોપુત્રી મેધાવતીએ તેમનાં ૨૮,૦૦૦ અનુયાયીઓ સાથે ઇસ્લામનો ત્યાગ કરી હિંદુ ધર્મમાં પ્રવેશ કર્યો હતો. તેના સાધારણ એક વર્ષ પૂર્વે જાવા પ્રાંતની રાજકુમારીએ તેના અનુયાયીઓ સાથે હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. ઇંડોનેશિયામાં લઘુમતિમાં રહેલા હિંદુની સંખ્યા પ્રતિવર્ષ સતત વધતી જ જાય છે.
 
લગભગ આ જ પરિસ્થિતિ ઘાના જેવા આફ્રિકન દેશમાં પણ છે. સિત્તેરના દાયકામાં સ્વામી કૃષ્ણાનંદજીએ ભારતથી જઈને હિંદુ ધર્મનો પ્રચાર કર્યો હતો. આજે તેમના ગયા પછી પણ તેમનો શિષ્યપરિવાર વધ્યો છે. લગભગ ૪૦૦૦૦ કરતાં પણ વધુ ચુસ્ત આફ્રિકન હિંદુઓ આજે ઘાનામાં છે. અમેરિકા, કેનેડા અને યુરોપીયન વિદ્યાપીઠોમાં ‘ભારતીય જ્ઞાન પરંપરા’ (Indian Knowledge System IKS)ના અનેક પાઠ્યક્રમો ચાલી રહ્યા છે. આ પાઠ્યક્રમ નૉન-ગ્રેડેડ હોવા છતાં પણ ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તે સ્વીકારે છે. અનેક વિદ્યાપીઠોમાં (IKS) પ્રિય શબ્દ છે. જગતભરમાં શાસ્ત્રીય પદ્ધતિથી યોગ શિખવનારા લોકોની માગણી મોટાં પ્રમાણમાં વધતી જાય છે. અસલી આયુર્વેદિક ઔષધોની નિકાસ ભારે માત્રામાં વધી છે.
 
આ બધું ઘણું સુખદ છે. આ ‘હિંદુત્વનું વૈશ્ર્વિક પુનરુત્થાન’ (Global Hindu Resurgence) છે. અનેક વાતોનો મેળ ખાતો જાય છે. રાજકીય મંચ પર શ્રીમાન યોગીના ફરીથી થએલા વિજયને કારણે હિંદુત્વનો રાજકીય આધાર સશક્ત થયો છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કારણે હિંદુ ઝબકીને જાગી ગયો છે. જાગતિક સ્તરે ભારત વિશ્ર્વનેતૃત્વ કરવાની દિશામાં દ્રઢ પગલાં માંડી રહ્યું છે.
 
આજના વર્ષપ્રતિપદાના (હિંદુ નવવર્ષના) દિવસે હિંદુત્વનું આ સુખદ ચિત્ર સામે આવી રહ્યું છે. સંઘ (રા.સ્વ.સંઘ) સંસ્થાપક ડૉક્ટર કેશવરાવ બળિરામ હેડગેવારની જન્મજયંતીને દિવસે જ સંપૂર્ણ વિશ્ર્વમાં હિંદુત્વનો જયઘોષ ગાજી રહ્યો છે. હા, આ ‘હિંદુત્વનો હુંકાર જ છે.’
 
 
લેખક - પ્રશાંત પોલ
ભાવાનુવાદ - શ્રીકાંત કાટદરે