અંગ્રેજોએ જે પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો હતો છતાં જેની અનેક આવૃત્તિ પ્રકાશિત થઈ વાત તે પુસ્તકની…

ક્રાંતિને નજીકથી જોઈને તેના ધગધગતા અંગારાથી તપ્ત થયેલા પ્રખર ક્રાંતિકારીના પોતાની ભીતરથી પ્રગટેલા શબ્દોનું પુસ્તક વીર સાવરકર લિખિત ૧૮૫૭ : પ્રથમ સ્વાતંત્ર્ય સમર

    10-May-2022
કુલ દૃશ્યો |

1857 : The War of Independence
 
 
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સમરને જ્યારે ૧૫૦ વર્ષ પૂરાં થાય છે ત્યારે ભારતના તત્સંબંધી ઇતિહાસનું અવલોકન કરીને પ્રત્યેક રાષ્ટ્રપ્રેમીએ સિંહાવલોકન કરવાની જરૂર છે. સિંહ આગળ છલાંગ ભરતાં પહેલાં પાછું વળીને એક વાર જોઈ લેતો હોય છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને સાચા પરિપ્રેક્ષ્યમાં ઓળખવા, સાંપ્રત ભારતમાં તે કઈ રીતે પ્રસ્તુત છે તે સમજવા, અને તેમાંથી નવું ચૈતન્ય પ્રાપ્ત કરવા વિનાયક દામોદર સાવરકર લિખિત ‘૧૮૫૭નો સ્વાતંત્ર્ય સમર' (1857 : The War of independence) વિશે જાણવું જોઈએ. તેજોમય શબ્દોના લખાણના આ પુસ્તકે પોતાના આંતરિક બળના આધાર પ્રતિબંધના વાતાવરણમાં પણ, કૃષ્ણની જેમ કારાવાસમાંથી પોતાની યાત્રા શરૂ કરી.
 
તે સુખ સુવિધા અને સુરક્ષિતતા વચ્ચે લખાયેલું પુસ્તક નથી, તે કોઈ ઇતિહાસકારનું તવારીખી પુસ્તક પણ નથી, પરંતુ ક્રાંતિને નજીકથી જોઈને તેના ધગધગતા અંગારાથી તપ્ત થયેલા પ્રખર ક્રાંતિકારીના પોતાની ભીતરથી પ્રગટેલા શબ્દોનું પુસ્તક હોવાથી ઉપનિષદની જેમ તેનો પ્રત્યેક શબ્દ મહત્ત્વનો છે.
 
સૂક્ષ્મ વિશ્લેષણ
 
બ્રિટિશ ઇતિહાસકારોએ પ્રસ્તુત કરેલા, સત્યને ઢાંકનારા, પોતાના મનઘડંત અને પોતાનું જ ગાણું ગાનારા સિદ્ધાંતોને અર્થપૂર્ણ રીતે, સમર્થ રીતે ભૂંસીને આ સ્વાતંત્ર્ય સમરની શરૂઆત શા માટે અને કઇ રીતે થઇ તેનું તટ ચિત્રણ સાવરકરે આ પુસ્તકમાં કર્યું છે, તેની પાર્શ્વભૂમિ શું હતી અને સામાજિક કારણો કર્યાં હતાં તેનું સચોટ વિશ્લેષણ આ ગ્રંથમાં જોવા મળે છે. જે વાતો મુદાઓ અને વિચારોએ આ દેશના સૈનિકથી માંડને નાગરિકોને, શ્રીમંતથી માંડીને રંકને, હિન્દુ અને મુસલમાનને કઈ રીતે પ્રેરિત કર્યા તેનાં તેઓ બે કારણો સ્વધર્મ અને ‘સ્વરાજ્ય’ આપે છે. શ્રી સાવરકર કહે છે કે, પોતાના ધર્મ અને પોતાના દેશ પર અસીમ પ્રેમ અને શ્રદ્ઘાનું ઉદાત્ત દર્શન જે અહીં થાય છે તે કોઈ પણ દેશના ઇતિહાસમાં જોવા મળશે ખરું ?”
 
૧૮૫૭ના સમરના એક નેતાએ કરેલા અત્યંત ઓજસ્વી આહ્વાનમાં તેઓ કહે છે : “હે ભારતવાસી હિન્દુઓ અને મુસલમાનો, ઊઠો, ભાઈઓ જાગો ! સર્વશક્તિમાન પરમેશ્વરે આપણને આપેલી અનેક બાબતોમાંની એક ઉત્તમ, ઉદાત્ત ભેટ એટલે જ ‘સ્વરાજ્ય’, જે છેતરપિંડી કરીને આ જુલમી અને શેતાની રાજ્યવ્યવસ્થાએ આપણી પાસેથી છીનવી લીધી છે. આપણને ફરીથી કદી આઝાદી પાછી ન મળે તે માટે ચાલતા તેમના સતત પ્રયત્નોને આપણે યશસ્વી થવા દઈશું ? નહિ, જરા પણ નહિ. અંગ્રેજોએ આજ સુધી એટલા અમાનુષી અત્યાચારો અને જુલમ કર્યા છે કે તેમનો પાપનો ઘડો પૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે ! અને જાણે કે તેમાં ઉમેરો કરવા માટે જ તેમની નજર હવે આપણા પવિત્ર ધર્મને પણ ભ્રષ્ટ અને નષ્ટ કરવાની તૈયારી સુધી પહોંચી છે. આવી પરિસ્થિતિમાં તમે આવા જ ઠંડા અને નિષ્ક્રિય રહેશો ?’’
 
હિન્દુ - મુસલમાનનું ઐક્ય
 
ઇતિહાસકાળમાંની હિન્દુ - મુસલમાન વચ્ચેની સદીઓથી ચાલી આવતી વેરની વૃત્તિની શ્રી સાવરકર અવગણના કરતા નથી, છતાં ૧૮૫૭ના સંગ્રામમાં તેઓ ખભેખભા મિલાવીને સાથે રહીને દેશને સ્વતંત્ર કરવા કેવી રીતે લડ્યા તેનું વાસ્તવિક ચિત્રણ આ ગ્રંથમાં કરે છે. તેનું કારણ આપતાં તેઓ કહે છે કે તેમનો સંબંધ શાસક અને પ્રજા અથવા સ્થાનિક અને પરાયા જેવો ન રહેતાં બંધ જેવો હતો.
 
 
નિષ્ફળતાનું કારણ | 1857 : The War of Independence
 
સાવરકરના આ પુસ્તકમાં સંગ્રામમાં ભાગ લેનારા દેશભક્તોના અસીમ પરાક્રમનું, અનન્ય શૌર્ય - ધૈર્યનું રોમાંચક વર્ણન તો છે જ, પરંતુ તેમાં આપણને અપયશ શા માટે મળ્યો તેનું તટસ્થ વર્ણન પણ છે. તેમના મત અનુસાર નબળું કેન્દ્રીય નેતૃત્વ, સંગઠનનો અભાવ અને અત્યંત મહત્ત્વના સમયે દેશદ્રોહીઓએ કરેલો દગો વગેરે મુખ્ય કારણો છે. તેઓ જણાવે છે કે, “૧૮૫૭નો સ્વાતંત્ર્ય સમર આપણા દેશવાસીઓએ સાથે મળીને સ્વતંત્રતા અને લોકમાન્ય સત્તાના માર્ગ પર આપણે ક્યાં સુધીની યાત્રા કરી તે તપાસી લેવા માટેની એક પરીક્ષા જ હતી. એની નિષ્ફળતા માટે જવાબદાર આળસુ, ભ્રમિત, સ્વાર્થી અને ઘાતકી લોકો જ છે. આ લડાઈમાં જે વીર લોકો ધગધગતા અગ્નિકુંડમાં રક્ત ટપકતી સ્થિતિમાં, લોહીથી નીતરતી તલવારો ઘુમાવતા બેભાન અવસ્થામાં પણ મૃત્યુની છાતી પર નાચ્યા તે નિષ્ફળતા માટે બિલકુલ જવાબદાર નથી. તેમનો દોષ કાઢવાનું દુઃસાહસ કોઈએ કરવું જોઈએ નહિ. તે પાગલ કે અધીરા થયા ન હતા અને પરાભવમાં કે અપયશમાં તેમનો કોઈ ભાગ નથી. તેમણે આપણી માતૃભૂમિ માટે કરેલ શંખનાદને લીધે જ આપણો આ સમાજ નિદ્રામાંથી જાગ્યો અને તેણે એક નવા ઉત્સાહથી ગુલામીમાંથી મુક્ત થવાની આપણી દોડ ચાલુ કરી. દુર્ભાગ્ય ફક્ત એટલું જ છે કે આ માતૃભૂમિનો એક સુપુત્ર જ્યારે જુલમી સત્તાના મસ્તક ઉપર પ્રહાર કરતો હતો ત્યારે તેના જ બીજા પુત્ર તેના હૃદય પર ઘા કર્યો.''
 
પાંચસો પચાસ જેટલાં પાનાંના સાવરકરના આ ઉત્તમ ગ્રંથની બીજી એક વિશેષતા એ પણ જોવા મળે છે કે સંપૂર્ણ વિવેચનમાં જાતીયતા, ધર્માધિષ્ઠિત પૂર્વગ્રહ કે દુરાગ્રહનો કોઈ ઉલ્લેખ નથી. જે રીતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે વગેરે ના શૌર્યનું ભરપૂર ગુણગાન તેમણે કર્યું છે તે જ રીતે મૌલવી અહમદ શાહ અને અજીમુલ્લા ખાનની પણ તેમણે પ્રશંસા કરી છે. ઈસ્લામ અને હિન્દુ ધર્મના દગાબાજ, દેશદ્રોહી લોકોની નોંધ, નિંદા અને તિરસ્કાર તેમણે સમાન રીતે અને એકસરખા તર્કથી કર્યાં છે.
 
 
અમૂલ્ય ગ્રંથ | 1857 : The War of Independence book Veer Savarkar
 
 
આમ ‘૧૮૫૭ : સ્વાતંત્ર્ય સમર' એ સાવરકરની ભારતવાસીઓને અમૂલ્ય ભેટ છે. આ ભૂમિના લોકોનું શૌર્ય, સમર્પણ, શ્રેષ્ઠતા, એકતાનું ગૌરવ કરતો અને છતાં હકીકતોથી ભરપૂર આ ગ્રંથ ભારતીય ઇતિહાસનું એક ગૌરવભર્યું પ્રકરણ છે. ૧૮૫૭ના એ સંગ્રામના ઇતિહાસને જાણીએ, સમજીએ એ જ આપણા જીવનની સાર્થકતા છે.

‘૧૮૫૭નો સ્વાતંત્ર્ય સમર' ઐતિહાસિક પુસ્તકનો ઐતિહાસિક પ્રવાસ | 1857 : The War of Independence book Veer Savarkar

 
ગ્રંથની મરાઠીપ્રત ૧૯૦૭માં પૂરી થઈ, તેનાં એક - બે પ્રકરણો ચોરાયાં હોય એવું પણ લાગે છે, અને આ કરામત સ્કૉટલૅન્ડ યાર્ડની હોવી જોઈએ એવું મનાય છે. હસ્તપ્રતનો ગુપ્ત પ્રવાસ શરૂ થયો. પોલીસ ઊંઘતી ઝડપાઇ. હસ્તપ્રતો ભારતમાં પહોંચી ગઈ. ‘અભિનવ ભારત'ના સભાસદ શ્રી લિમયે દ્વારા પોતાના સોલાપુરના છાપખાનામાં તે છાપવાનું નક્કી થયું. એટલામાં પોલીસને આ બાબતની ગંધ આવી. છાપખાના પર દરોડા પાડવાનું શરૂ થાય તે પહેલાં એક દેશભક્ત પોલીસ અધિકારીએ લિમયેને પૂર્વ સૂચના આપી. હસ્તલિખિત પ્રતે તરત જ પેરિસનો રસ્તો પકડ્યો. જર્મનીમાં છાપવાની ખટપટ થઈ. તે પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. તે પછી ગ્રંથ અંગ્રેજીમાં છાપવાનું નક્કી થયું. ભાષાંતરનું કામ કોરેગાવકર, કુંટે અને ફડકે નામની વ્યક્તિઓએ પૂરું કર્યું. ઈંગ્લૅન્ડ અને પેરિસમાં અંગ્રેજીમાં છાપવાની મુશ્કેલી હોવાથી હસ્તપ્રતોએ હોલેન્ડનો પ્રવાસ કર્યો, ત્યાં સાવરકરની હસ્તપ્રતો પુસ્તકરૂપે પ્રગટ થઈ. છપાયેલાં પુસ્તકો ફરી પેરિસ ગુપ્ત રીતે બૅરિસ્ટર સરદારસિંહ રાણાને ત્યાં પહોંચ્યાં. સાવરકરે જણાવેલું કે ખર્ચનો પૂરો ભાર દાદારાવ કરંદીકર અને દાદારાવ ખાપર્ડેએ ઉપાડી લીધો હતો.
 
પુસ્તકોને ભારત કેવી રીતે મોકલવાં તે એક પ્રશ્ન હતો. ઈશ્વરી કાર્ય અટકે ખરું ? પુસ્તકની સેંકડો નકલો પિક્વીક પેપર્સ, સ્કૉચ વકર્સ, ડૉન ક્વિક્ઝોટ જેવાં પુસ્તકોના કવરમાં ભારત રવાના કરવામાં આવી. કેવો અદ્દભુત પ્રવાસ ?
 
સાવરકરજીનું પુસ્તક છપાયું છે એવી તત્કાલીન અંગ્રેજ સરકારને જાણ થતાં જ તે પુસ્તક ભારતમાં લાવવા પર સરકારે પ્રતિબંધ લાદ્યો. પ્રશ્ન એ થાય છે કે પ્રતિબંધ હોવા છતાં જે પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ અને જે પુસ્તક અનેક ભાષાઓમાં છપાયું તેનું લખાણ કેટલું પ્રગલ્ભ હશે ? માદામ કામાએ આ પુસ્તકની બીજી આવૃત્તિ યુરોપમાં પ્રકાશિત કરેલી.
 
‘રિવોલ્યુશનરી ગદર પાર્ટી’ના નેતા લાલા હરદયાળે અમેરિકામાં એક આવૃત્તિ પ્રસિદ્ધ કરી. ૧૯૨૮માં ભગતસિંહ અને તેમના સહયોગીઓએ આ પુસ્તક ભારતમાં છાપીને પ્રકાશિત કર્યું. સુભાષચંદ્ર બોઝે ૧૯૪૪માં તે જાપાનમાં પ્રસિદ્ધ કર્યું. ૧૯૪૭માં તેની ઉપરનો પ્રતિબંધ ઊઠાવી લેવાયો, પરંતુ તે પહેલાં તો પુસ્તક અનેક દેશ અને અનેક હાથોનો પ્રવાસ કરી લીધો હતો.
શ્રી કુટિનો નામના એક ગોમાંતકીય સજ્જન હતા. તે લંડનમાં ‘અભિનવ ભારત’ના સભ્ય બન્યા હતા. સાવરકરે શ્રી કુટિનોને મરાઠી હસ્તલિખિત પ્રતનો પહેલો મુસદ્દો સાચવી રાખવા આપેલો. આગળ જતાં શ્રી કુટિનો લંડનથી લિસ્બન ગયા. ત્યાંથી તે અમેરિકા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. ભારત સ્વતંત્ર થયા પછી તેમણે તે હસ્તપ્રત ગોહોકટ નામની વ્યક્તિ દ્વારા ૧૯૪૯માં શ્રી સાવરકરને પાછી મોકલી. આમ આ હસ્તપ્રતોએ ઐતિહાસિક અને અદ્ભુત પ્રવાસ પૂરો કર્યો. હસ્તપ્રતોએ જ્યાંથી પ્રવાસ શરૂ કર્યો હતો ત્યાં જ પ્રવાસ પૂરો કર્યો - તેના રચયિતા સાવરકરજીના શક્તિશાળી અને પુણ્યશાળી હાથોમાં...
 
 
- અરુણ યાર્દી
( સાધનાના જૂના અંકમાંથી...)