શ્રીલંકા હવે ભારતના શરણમાં...પણ અંતે તો શ્રીલંકાએ પોતે જ ચીની આગમાંથી ફિનિક્સ પંખી જેમ ફરી બેઠા થવું રહ્યું.

ચીનના પડયંત્રને વિશેષજ્ઞો ‘ડેબ્ટ ટ્રૅપ’ ગણાવી રહ્યા છે. માત્ર શ્રીલંકા જ નહીં, વિશ્ર્વના ૪૨થી વધુ દેશો ચીનના આ ષડયંત્રનો ભોગ બનીને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

    14-May-2022   
કુલ દૃશ્યો |

sri lanka crisis and help india
 
 
 
ભારતના દક્ષિણ છેડે હિંદ મહાસાગરમાં વસેલો પાડોશી દેશ, સુવર્ણનગરી શ્રીલંકા હાલ તેના ઇતિહાસના સૌથી કપરાં સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાના કારણે તેની આવકનો મુખ્ય સ્રોત ‘પર્યટન ઉદ્યોગ’ ૫ડી ભાંગ્યો છે, ૭ અરબથી વધુના વિદેશી કરજે તેની કમર તોડી નાંખી અને રશિયા - યૂક્રેન યુદ્ધે પેટ્રોલ ડિઝલની કટોકટી સર્જી અર્થવ્યવસ્થાને મરણતોલ ફટકો માર્યો છે.
 
શ્રીલંકામાં મોંઘવારીએ માઝા મૂકી છે. દેશવાસીઓને એક ટંક ખાવાના ફાંફા પડી રહ્યાં છે. એક કપ ચાના ૧૦૦ રૂપિયા છે, બ્રેડનું પેકેટ ૩૫૦ રૂપિયા, ગેસ સિલિન્ડર ૪ હજાર રૂપિયા, અનાજ અને શાકભાજી મળતાં જ નથી, મળે તો એના ભાવ જોઈ કોઈ ખરીદી શકતા નથી. વિદેશી મુદ્રાભંડાર ખતમ થઈ ગયો છે, જેથી પેટ્રોલ - ડિઝલનો જથ્થો ખૂટી ગયો. દેશનું આર્થિક સંકટ ધીમે ધીમે માનવીય સંકટમાં પરિવર્તિત થઈ રહ્યું છે અને દેશ દેવાળું ફૂંકવા તરફ આગળ વધી રહ્યો છે. આર્થિક સંકટે રાજકીય સંકટનું સ્વરૂપ ધારણ કરતાં રાષ્ટ્રપતિ ગોતાબાયાએ દેશમાં બીજીવાર કટોકટી લાદી દીધી છે, પ્રધાનમંત્રીએ અને તેમના પુત્ર નમલ રાજપક્ષે તમામ વિભાગોમાંથી રાજીનામું આપી દીધું છે.
 
શ્રીલંકાની બરબાદીના મૂળમાં ચીનનો મોટો હાથ છે. ચીને વિકાસના નામે શ્રીલંકાને પૈસા આપ્યા અને અધધ વ્યાજ લઈને દેશને દેવામાં ડુબાડી દીધો. ચીને દાદાગીરી કરીને શ્રીલંકાના હંબનટોટા બંદર સહિત ઘણી જમીનો, ઇમારતો પોતાના નામે કરાવી લીધી અને પોતાનું સૈન્ય થાણું પણ બનાવી રહ્યું છે. વિશેષજ્ઞોનો મત કે, ભારતનું વધતું પ્રભુત્વ ચીનને ખતરારૂપ લાગતાં ચીને ભારતની નજીક આવતા શ્રીલંકા, નેપાળ, માલદિવ વગેરે દેશોમાં ઉત્પાત સર્જ્યો છે. ભારત-શ્રીલંકાની ભૌગોલિક સ્થિતિ જોતાં શ્રીલંકામાં બની રહેલાં ચાઈનીઝ સૈન્ય થાણાં ભારત માટે મોટો ખતરો સર્જશે.
 
આ ચીનની મોડસ ઓપરેન્ડી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા કે વિકાસના નામે મબલખ નાણાં આપીને ચીન અન્ય દેશોને તેના સકંજામાં લઈ ગેરવાજબી વ્યાજ અને રકમ પરત માંગી, નાના દેશોની મજબૂરીનો ગેરલાભ લઈને તેના વિસ્તારો પર કબજો કરે. ચીનના પડયંત્રને વિશેષજ્ઞો ‘ડેબ્ટ ટ્રૅપ’ ગણાવી રહ્યા છે. માત્ર શ્રીલંકા જ નહીં, વિશ્ર્વના ૪૨થી વધુ દેશો ચીનના આ ષડયંત્રનો ભોગ બનીને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
 
શ્રીલંકાના સંકટ પાછળ ચીનના ષડયંત્ર ઉપરાંત તેની પોતાની અણઆવડત પણ જવાબદાર ખરી. વર્તમાન સરકાર ૨૦૧૯માં સત્તામાં આવી ત્યારે પ્રજાને રાજી કરવા ટેક્સમાં અને પેટ્રોલ ડિઝલના ભાવમાં આડેધડ ઘટાડો કર્યો. ચૂંટણી વખતે લોકોને આકર્ષવા મફતની ભેટો ધરી. લોકોને મફતનું લેવાની ટેવ પડી અને સરકારની તિજોરી ખાલી થતી ગઈ. સત્તા માટે રાજકીય પક્ષો મફત આપવાની ટેવ પાડે એ દેશ માટે જોખમી છે. વિશ્ર્વના સૌથી સુખી ગ્રીસને પણ મફતની લહાણીએ જ બરબાદ કર્યો છે અને ભારતમાં આમ આદમી પાર્ટી આ જ તર્જ પર આગળ વધી રહી છે, જે ભારત માટે ય જોખમી ખરી.
 
નિષ્ણાતો શ્રીલંકાના ભૂતકાળનું પોસ્ટમોર્ટમ કરીને પતનનાં કારણો આપી રહ્યા છે. એ સાચા ય છે. પરંતુ પોસ્ટમોર્ટમથી માત્ર કારણો મળે છે, ઉકેલ નહીં. હાલ શ્રીલંકાને ઉકેલની, મદદની જરૂર છે. એ મદદ કરવા ભારત દેશ આગળ આવ્યો છે. ભારત-શ્રીલંકાનો ઇતિહાસ અને સંબંધ બહુ જૂનો અને ગાઢ છે. ૧૯૧૯ સુધી આ દેશ બ્રિટિશ ભારતનો જ એક હિસ્સો હતો. ભારતની આઝાદીના છ મહિના પછી આઝાદ થયેલાં શ્રીલંકાના વિકાસમાં ભારતે પૂર્ણ યોગદાન આપ્યું અને મજબૂત સાંસ્કૃતિક સંબંધો સ્થાપી શ્રીલંકામાં લોકતંત્રના વિસ્તારમાં મદદ કરી. પરંતુ પાછલા દાયકામાં શ્રીલંકા ચીનના પડખે જઈ બેસતાં બરબાદીને આરે પહોંચ્યું. આજે ફરી ભારતે તેની મદદે આવી ૧.૨ અબજ ડોલરનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. ચાલીસ હજાર ટન ચોખા, ઓઇલનું ટેન્કર સહિત ઘણી મદદ કરી અને આ જ વર્ષમાં ત્રણ લાખ ટન ચોખા મોકલવાનો વાયદો કર્યો છે.
 
શ્રીલંકાની મદદ કરવા માટે તમિલનાડુનાં સત્તાધારી પક્ષ DMKનાં સાંસદોએ એક મહિનાનો પગાર સહાયરૂપે આપ્યો છે અને મુખ્યમંત્રી સ્ટાલીને પણ શ્રીલંકાની મદદ માટે અપીલ કરી છે.
 
શ્રીલંકાના ભૂતપૂર્વ નાણાપ્રધાન હર્ષા ડિસિલ્વાએ કહ્યું કે, ‘ભારતને કારણે જ અમે ટકી રહ્યા છીએ. ભારતની મદદ મળી ન હોત તો શ્રીલંકાની હાલત છે તેના કરતાં અનેકગણી વધુ ખરાબ થઈ હોત.’ પાડોશી દેશોનાં હિતોમાં ભારતની ભૂમિકાની વિશ્ર્વકક્ષાએ સરાહના થઈ રહી છે. IMF (આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) એ પણ શ્રીલંકાની મદદ બદલ ભારતની પ્રશંસા કરી છે. કોરોનાના કપરા કાળમાંય ભારત આ જ રીતે નાના નાના, જરૂરિયાતમંદ દેશોને મફત વેક્સિન આપી હતી.
ભારત-શ્રીલંકા સંબંધોનું એક મોટું પ્રકરણ તમિલો સાથે ય જોડાયેલું છે. જ્યારે શ્રીલંકામાં અશાંતિ થાય ત્યારે તમિલો સમુદ્રી રસ્તે ભાગીને ભારતના તમિલનાડુ રાજ્યમાં આશરો લે છે. શ્રીલંકામાં મોટી સંખ્યામાં રહેતા તમિલોની સ્વાયત્તતાને લઈને દાયકાઓથી અરાજકતા હતી, અને આ સમસ્યાએ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીનો જીવ પણ લીધો છે. હાલ શ્રીલંકામાં આફત આવતાં ફરી એકવાર અનેક શ્રીલંકન તમિલો ભારત આવી ગયા છે અને ભારતે વિશાળ હૃદયે તેમના માટે કેમ્પ સહિત અન્ય સુવિધાઓ ઊભી કરી છે.
 
શ્રીલંકા જન્મથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યો છે. તમિલ સંઘર્ષો, આતંકવાદ જેવાં અનેક સંકટોમાં દેશ સપડાયો અને ઊભો થયો છે. પરંતુ આ વખતનું સંકટ ઘેરું અને પડકારજનક છે. શ્રીલંકા ભારતના શરણમાં આવ્યું છે, ભારત તેને ઉગારવા મહેનત કરી રહ્યું છે પણ અંતે તો શ્રીલંકાએ પોતે જ ચીની આગમાંથી ફિનિક્સ પંખી જેમ ફરી બેઠા થવું રહ્યું.
 
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.