વૈદિક સાહિત્યમાં બે દેવતાઓ વીણાના ધારણ કરનારા છે. એક છે માતા સરસ્વતી ને બીજા છે ગ્રહોના પ્રવાસી, હાલતા-ચાલતા સંગીતકાર કે જે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, તે દેવર્ષિ નારદ. વીણા અને કરતાલ લઈ નારાયણ નારાયણ કરતા નારદ ત્રણેય લોક વચ્ચેના સમાચારોના વાહક, પ્રેષક કે સર્જક (?) હતા. નારદજી માત્ર જનતા વચ્ચેના જ નહીં પરંતુ દેવતાઓ વચ્ચેના સ્વયંભૂ સંદેશવાહક હતા. અરે સ્વયં ભગવાનને પ્રાથમિક માહિતી આપનારા મુખ્ય માધ્યમ નારદજી હતા.
મીડિયાના પ્રભુત્વવાળા આજના જમાનામાં, જ્યાં માહિતીને યોગ્ય-અયોગ્ય રીતે વહેંચવામાં આવે છે, જ્યાં યલો જર્નાલિઝમના આક્ષેપો છવાયેલા છે અને પક્ષીય ધોરણે રજૂઆતો થઈ રહ્યાની વ્યાપક ફરિયાદો થાય છે ત્યારે, શ્રી નારદજીએ ધર્મને નજરે રાખી, સત્યને, નીતિમત્તાને વધારવાના ભાગરૂપે રીપોર્ટીંગ કરી આપણને સત્યનિષ્ઠ, રાષ્ટ્રનિષ્ઠ સંવાદદાતા બની રહેવાનો રસ્તો ચીંધ્યો છે.
પૃથ્વી હોય, આકાશ હોય કે પાતાળ, દિશાના બંધન વગરના કાર્યક્ષેત્રના પ્રવાસી, શ્રી નારદજીનો જન્મ વૈશાખ વદ એકમના રોજ મનાવવામાં આવે છે. આવો, આ બહુમુખી પ્રતિભા ધરાવનાર વિશ્ર્વના પ્રથમ પત્રકાર નારદજી વિશે થોડું જાણીએ.
નારદજી વિશ્ર્વના પ્રથમ પત્રકાર હતા એટલું જ નહીં સમગ્ર વિશ્ર્વના પત્રકાર હતા. આપણા વૈદિક સાહિત્યમાં રીપોર્ટીંગ અને તે પણ ઓરલ રીપોર્ટીંગ કરનારા પ્રથમ બે મહાનુભાવો જણાય છે; તેમાં એક નારદજી હતા અને બીજા હતા સુતપુત્ર સંજય જેને દિવ્યદૃષ્ટિ મળી હતી (આજના ટીવી રિપોર્ટર જેવા) આમ તો નારદજી પણ દાસીપુત્ર કહેવાતા. આમ બન્ને સંવાદદાતાની વિશેષતા એકસરખી નથી ?
જેમ શ્રી કૃષ્ણએ પોતાનું બૃહદ વિશ્ર્વરૂપ અર્જુનને બતાવેલ, તેમ કહેવાય છે કે નારદજીને વિષ્ણુ ભગવાને પોતાનું વિશ્ર્વરૂપ દર્શાવેલું. આમ તો તે બ્રહ્માના માનસપુત્ર હતા. સનતકુમાર પછી બ્રહ્માએ નારદને સર્જેલા. તેમના જન્મની કથા ભાગવત પુરાણ તથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં અલગ અલગ રીતે વર્ણવેલ છે, જેનું સુંદર આલેખન, લબ્ધ પ્રતિષ્ઠિત ડૉ. ચંદ્રકાંત મહેતા (ગુજ. સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ સાહિત્યકાર’ ઘોષિત, ગુજ. યુનિ.ના ઉપકુલપતિ)ની નાનકડી પુસ્તિકા દેવર્ષિ નારદમાં કરેલ છે. ભાગવત પુરાણમાં શ્રી નારદ, ભગવાન વ્યાસને પોતે વેદસ બ્રાહ્મણોની એક દાસીના પુત્ર ગણાવે છે. જ્યાં આશ્રમમાં ઋષિઓની સેવા કરતા અને તેઓનું જૂઠું એંઠું ખાતા રહેતા. જેના કારણે, પૂર્વે થયેલાં પાપકર્મોમાંથી નારદજીને મુક્તિ મળી હતી. અતિ નાની વયમાં તેમનાં માતાજીને સર્પદંશ થતાં મૃત્યુ પામેલાં તેથી વિરક્તિ આવતાં, આશ્રમ છોડી જંગલમાં ઘૂમવા લાગ્યા. કહેવાય છે કે, એક દિવસ, નાની વય અને ભૂખ-તરસથી વ્યથિત થઈ, વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યુ, જેમાં ભગવાન વિષ્ણુએ તેમને દર્શન આપેલાં અને પૂર્ણ દર્શન મેળવવા, સાધુ લોકોની સેવા કરતાં કરતાં, વિષ્ણુભક્તિમાં લીન રહેવાનો આદેશ આપેલો, જેને કારણે પૃથ્વીભ્રમણ કરતા રહી મૃત્યુ પામેલ અને નવા જન્મમાં વિષ્ણુના માનસપુત્ર રૂપે ઉત્પન્ન થયેલા.
તેમના જન્મની એક અન્ય કથામાં ભક્તિનું તત્ત્વ કારણરૂપ બનેલું. આ કથા પ્રમાણે સૃષ્ટિરચનામાં સહાય થાય તે હેતુથી બ્રહ્માજીએ નારદને પોતાના કંઠમાંથી ઉત્પન્ન કરેલા. પરંતુ ઊલટું થયું. પોતાને સોંપાયેલ કામ હતું ‘સૃષ્ટિના સર્જન, વિસ્તરણનું’ પરંતુ નારદે અનુભવ્યું કે, સૃષ્ટિનું કાર્ય તો ભક્તિની આડે આવે છે એટલે સૃષ્ટિકાર્યને વિસારે પાડ્યું, અને નારદજી તો ભક્તિમાં રત રહેવા લાગ્યા. આ જોઈ, પિતા બ્રહ્મા ગુસ્સે થઈ ગયા અને શાપ આપ્યો, જેને કારણે ગંધર્વલોકમાં જન્મ થયો. કહેવાય છે કે, ગંધર્વરાજની અપ્સરાઓનાં નૃત્ય જોઈ નારદ વિચલિત થઈ ગયા. તે જાણી બ્રહ્માજીએ ગંધર્વલોકમાંથી કાઢી મૂકી ‘મનુષ્ય યોનિ’માં નાખી દીધા.
નારદ ભક્તિના જીવંત રૂપ હતા ને તેથી ભક્તિના પર્યાય રૂપે નારદ ભક્તિ શબ્દ બન્યો છે. જન્મોની કથાઓ છોડીએ તો નારદજીને નારાયણભક્તિના પર્યાય તરીકે અને વિશ્વપ્રવાસી તરીકે જ લોકોએ આત્મસાત્ કર્યા છે, એટલું જ નહીં અનેક લોકોક્તિ, કિંવદંતી, લોકવાયકાઓ નારદજીની આસપાસ વણાઈ ગઈ છે. દેવ-દેવ વચ્ચે, દેવ-દાનવ વચ્ચે રાજા-રાજા વચ્ચે, વિવાદ સર્જનારા નારદજી બેવડી ઢોલકી બજાવનારા તરીકે પણ વગોવાયા છે. આમ જોવા જાવ તો નારદજી આવાં કાર્યો દ્વારા, વિવાદો દ્વારા સત્યને ઉજાગર કરનારા હતા. સત્યને પ્રસ્થાપિત કરવાની આ તેમની કઠોર રીત હતી. આમ છતાં તેમના આવા શુદ્ધ હેતુને કારણે, કંઈકને લડાવનાર નારદજી બધાને પ્રિય રહ્યા હતા.
નારદ પુરાણ અનુસાર નારદજી અને સનત્કુમારો વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન થયેલું. હકીકતે તો નારદે ભગવાન વિષ્ણુની લીલા પર સનત્કુમારોને પૂછેલ પ્રશ્ર્નો અને તેના જવાબોનો સાર છે. નારદ મહાપુરાણ, જેની રચના મુનિ શ્રી બાદરાયણે (વેદ વ્યાસે) કરેલી, જેમાં ૨૨૦૦૦થી વધારે શ્ર્લોક દ્વારા નારદજીએ આપણા જીવનના આચાર-વિચાર, તેમજ ૧૬ સંસ્કારથી લઈ સૃષ્ટિની ઉત્પત્તિ વગરે બાબતોની ચર્ચા કરી છે.
મહારાષ્ટ્રના પંઢરપુરના પ્રખ્યાત વિઠલા વિઠોબા (ભગવાન વિષ્ણુનું એક રૂપ) જેની સાથે પણ નારદનું નામ જોડાયેલું છે. (વિકિપીડિયામાં જણાવ્યા પ્રમાણે) જૈન ધર્મમાં પણ જૈન કોસ્મોલોજિકલ સાયકલમાં ૯ નારદ ભગવાનનાં વર્ણન છે.
મહાભારતમાં નારદજીને વેદ ઉપનિષદના સ્કોલર તરીકે દર્શાવાયા છે. કેટલાય કલ્પ વીતી ગયા હોવા છતાં તે દરેક કલ્પની વિગતો નારદ પાસે અકબંધ રહી હતી. તેમની આ અદ્ભુત સ્મૃતિને કારણે જ વધુ સ્મૃતિવાળા વ્યક્તિને નારદ સ્મૃતિવાળા વ્યક્તિ તરીકેનું બિરુદ મળે છે. જ્ઞાન, ભક્તિ, યાદશક્તિ અને સમાજસેવાને કારણે નારદ જ એક એવા વ્યક્તિ છે જે દેવર્ષિ કહેવાય છે, મહર્ષિ કહેવાય છે, તેમજ રાજર્ષિ તરીકે પણ ઉલ્લેખાયા છે. વળી નારદજી; મુનિશ્રી વેદવ્યાસ, શુકદેવજી તથા વાલ્મીકિજીના પણ ગુરુ ગણાય છે. એક ઉલ્લેખ પ્રમાણે દક્ષ પ્રજાપતિના ૧૦૦૦૦ પુત્રોને નારદજીએ પ્રશિક્ષિત કરેલા.
જેટલા સંગીતજ્ઞ (?) નારદજી ગણાય છે, તેટલા જ ન્યાયશાસ્ત્રી પણ ગણાયા છે. તેમણે ઘણા ભક્તોને ન્યાય અપાવવામાં કે ભક્તોની ભક્તિ વિષ્ણુ ભગવાનને પહોંચાડવાનું કાર્ય કરેલું છે, જેમ કે ભક્ત ધ્રુવ, અંબરીશ રાજા અને ભક્ત પ્રહ્લાદ. માત્ર ન્યાયના જ નહીં પણ નારદજી યુદ્ધવિદ્યાના માહિર પણ ગણાય છે. ધર્મ હોય કે રાજનીતિ, આનંદ હોય કે મોક્ષ જેવા ગંભીર વિષય હોય કે સાહજિક વિષય, દરેક પર ઉપદેશ, જ્ઞાન આપવાની ક્ષમતા નારદમાં હતી. સાંખ્ય દર્શન, યોગ દર્શન જેવા આધ્યાત્મિક વિષયો પર ઋષિઓના પ્રશ્ર્નોનું સમાધાન એ આપતા. કહેવાય છે કે બહુ જ્ઞાની બૃહસ્પતિ ઋષિને પણ નારદજીએ સંતુષ્ટ કરેલા.
યુદ્ધની વિદ્યા હોય, લડાઈ હોય, કે સંધી કે સમાધાન હોય, નારદજીનું ગહન દર્શન દરેકને દિશા આપતું. અને પ્રશ્ર્નનો ઉકેલ મેળવાતો.
કેટલાય બનાવો તો ઈશ્ર્વરને અવતાર ધારણ કરવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરનારા માધ્યમ તરીકે નારદજી હતા. જેમ કે, કારાગાર સ્થિત વસુદેવ-દેવકીના જન્મતા દરેક બાળકને તુર્ત મારી નાખવાની કંસને સલાહ આપવા પાછળ નારદજીની ઇચ્છા આઠમા બાળક તરીકે કૃષ્ણ તુર્ત જન્મ લે તેવી હતી !.
કહેવાય છે ખુદ શંકર ભગવાનને પણ નારદજીએ મદદ કરેલી. થયું એવું કે, ભસ્માસુર રાક્ષસને, ભસ્માસુર કોઈના પણ માથે હાથ મૂકે તો તે બળી જશે તેવું વરદાન મહાદેવજીએ આપ્યું, જેથી ભસ્માસુર શંકર ભગવાનના માથે હાથ મૂકવા દોડ્યો. આવે સમયે શ્રી નારદજી પ્રગટ થઈને ભસ્માસુરને નૃત્ય કરાવવા લાગ્યા, જેને કારણે ભસ્માસુરનો પોતાનો હાથ જ પોતાના માથે ગયો અને તે બળી ગયો. આમ શંકર ભગવાનને પણ તેમણે મદદ કરેલી. તે જ રીતે સમુદ્રમંથન કરતાં નીકળેલા અમૃતકુંભને રાક્ષસ પાસેથી પાછો મેળવવા, ભગવાન વિષ્ણુને સ્ત્રી બની અસુરોને રમાડી, અમૃતકુંભ મેળવવાની સલાહ નારદજીએ જ આપેલી. બાલી જેવા બળવાનને પણ રાવણને પુછ્માં ઉલઝાવી રાખવાની સલાહ નારદજીએ આપેલી.
સમાજમાં ફેલાયેલી અયોગ્ય આચારપદ્ધતિથી નારાજ થયેલા નારદજી વિષ્ણુ ભગવાનને સમાજ કેમ સુધરે, સત્યનિષ્ઠા કેમ વધે તેનો ઉપાય પૂછે છે, જેના પરિણામે ભગવાન સત્યનારાયણ કથાનો જન્મ થયેલો, જે કથાના વ્રતનો વૃતાંત વિષ્ણુ ભગવાન પોતે વર્ણવે છે.
લગ્ન કરાવતા ગોર મહારાજજી તરીકે નારદજીએ ભૃગુ કન્યા લક્ષ્મીજીના વિવાહ શ્રી વિષ્ણુ ભગવાન સાથે કરાવેલા. તો ઇન્દ્રને સમજાવીને ઉર્વશીનાં લગ્ન પુરુરવા સાથે કરાવેલા.
વેદ વ્યાસની વ્યથા જોઈને મહાભારત રચવાની પ્રેરણા આપનાર નારદજી હતા, તો વાલ્મીકિને પણ રામાયણ લખવા તેમણે પ્રેરણા આપેલી.
સાચું પૂછો સમાજરચનાના એકેએક અંકોડાની ચિંતા આપણા પત્રકાર નારદજીએ કરી છે. શ્રી નારદજી આજે પણ હશે, કારણ કે કહેવાય છે કે, તેઓને ચિરંજીવીપણાના આશીર્વાદ મળેલા છે. સૌ પત્રકારોના પૂર્વજ એવા પ્રથમ પત્રકાર શ્રી નારદજી પાસેથી સર્વ પત્રકારોને સદા પ્રેરણા મળતી રહો !
- લેખક - ત્રિલોક ઠાકર