પુલિત્ઝર, નૉબેલ, ઑસ્કાર : એવૉર્ડ પાછળનો એજન્ડા શું છે ?

ભારતનો વિરોધ કરો, ભારત વિરોધી કામ કરો અને મેળાવો એવોર્ડ? આ લોકોના ષડયંત્ર સમજવા જેવા છે

    21-May-2022   
કુલ દૃશ્યો |

pulitzer prize conspiracy and india
 
 
આ વખતનું પુલિત્ઝર ઈનામ રૉઇટરના મૃત ફોટોપત્રકાર દાનિશ સિદ્દિકીને મળ્યું છે. ગુજરાતના ફોટોપત્રકાર અમિત દવેનું પણ નામ છે. તે સારી વાત છે પરંતુ સામાન્યત: પુલિત્ઝર પુરસ્કાર હોય, મેગ્સેસે, ઑસ્કાર, કે નૉબેલ તે સામાન્યત: ભારતનું નામ ગૌરવાન્વિત કરે તેવી વ્યક્તિને મળતું નથી. મહાત્મા ગાંધીજી વિશે જેની પણ જે માન્યતા હોય પરંતુ તેમને નૉબેલનો શાંતિ પુરસ્કાર મળ્યો નથી. જે દેશે કદાચ સૌથી વધુ યુદ્ધ કર્યાં, બીજા દેશોની બાબતોમાં દખલ દીધી, તેવા અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યું હતું તેનાથી આખી દુનિયાને આશ્ર્ચર્ય થયું હતું, સ્વયં ઓબામાને પણ!
ભારતની સામે બૌદ્ધિક યુદ્ધ છેડનાર, જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ નથી તેમ કહેનાર અરુંધતી રોયના પુસ્તકને બુકર ઇનામ મળે છે તે શું બતાવે છે? શું અરુંધતી રોય એવી મહાન લેખિકા છે? નહીં. તે ભારતવિરોધી છે તે જ તેની સૌથી મોટી લાયકાત છે. લગાન ફિલ્મને ઑસ્કાર મળે તેવી ખૂબ આશા જાગી હતી. આ ફિલ્મ હતી પણ સુંદર. અનેક બાબતો શીખવા જેવી હતી. બ્રિટિશરોને તેમની જ રમતમાં હરાવવા, સંઘકાર્ય (ટીમ વર્ક) કરવું, સમાજના દરેક વર્ગની વ્યક્તિને જોડવી વગેરે તેમાં સારી રીતે દર્શાવાયું હતું. કલાકારોના અભિનય, કથા, સંગીત, નિર્દેશન બધી રીતે સારી ફિલ્મ હતી. પરંતુ તેને ઑસ્કાર એવૉર્ડ ન મળ્યો. ઑસ્કાર એવૉર્ડ મળ્યો સ્લમડૉગ મિલિયોનેરને.
 
તે સમયે અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં લખ્યું હતું, પેરિસમાં જ્યારે મારી પાછળ લોકો પડ્યા ત્યારે મને એવું લાગ્યું કે અહીં પણ મારા ચાહકો છે! પરંતુ પછી મારા ડ્રાઇવરે મને કહ્યું કે આ તો અહીંના ગરીબો છે. ત્યારે મને લાગ્યું કે બેકારી અને ગરીબી બધે જ એકસરખી જ છે.
 
અમિતાભ બચ્ચને ઉપરોક્ત શબ્દો ટાંકી પોતાના બ્લોગમાં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મની ટીકા કરી કે ભારતની વરવી બાજુ દર્શાવતી ફિલ્મોને જ વિદેશમાં માન-સન્માન મળે છે, જ્યારે ભારતની ઊજળી બાજુ બતાવતી, વ્યાવસાયિક રીતે સફળ ગયેલી ફિલ્મોને નહીં. અમિતાભનો ઇશારો સ્લમડોગ મિલિયોનેરને ઓસ્કારમાં મળેલ નામાંકન અને તે અગાઉ મળેલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રત્યે હતો. અમિતાભે કહ્યું કે ભારતની ગરીબી દર્શાવતી સત્યજીત રેની ફિલ્મોને પણ ઓસ્કરમાં માન મળતું હતું પરંતુ બીજી ઉત્કૃષ્ટ ફિલ્મો જેમાં ભારતની જમા બાજુ બતાવાઈ હતી તેને નહીં.
 
સ્લમડૉગ મિલિયોનેર?
 
સ્લમડૉગ મિલિયોનેરમાં ગરીબી, ભીખારીની સંગઠિત ગેંગ, વેશ્યાવૃત્તિ, ઝૂંપડપટ્ટી વગેરેને ભરપૂર દર્શાવાયું હતું. નિર્દેશક વિદેશી હતા. તેથી ફિલ્મને ઑસ્કાર મળી ગયો? આવું જ ગાંધી ફિલ્મ બાબતે કહી શકાય. મધર ઇન્ડિયા, સાહબ બીબી ઔર ગુલામ, રેશ્મા ઔર શેરા, સૌદાગર, ગર્મ હવા, મંથન, શતરંજ કે ખિલાડી, સારાંશ, સાગર, પરિન્દા, અંજલિ, હીના, રુદાલી, ઇન્ડિયન, ગુરુ, જીન્સ, અર્થ, હે રામ, દેવદાસ, શ્ર્વાસ, પહેલી, રંગ દે બસંતી, એકલવ્ય, તારે ઝમીં પર, નાયક, બેન્ડિટ ક્વીન&આ બધી એવી હિન્દી કે ભારતીય ભાષાની ફિલ્મો છે જેમને ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી, પરંતુ તેમને નામાંકન પણ ન મળ્યું. સલામ બોમ્બે અને લગાન (એડી ચોટીનું જોર લગાવ્યા બાદ અને આમિરખાને પોતે કબૂલ્યું છે તેમ ખૂબ જ લોબિઇંગ કર્યા પછી)ને અમેરિકનોના પ્રભુત્વવાળા ઓસ્કારમાં કમ સે કમ એવોર્ડ મળવા માટે લાયક ગણવામાં આવી.
 
છૂટા હાથે લહાણી કેમ થઈ?
 
૯૦ના દાયકામાં ઉદારીકરણ શરૂ થયું. તે પછી સતત બે-ત્રણ વર્ષ ઐશ્ર્વર્યા રાય, સુસ્મિતા સેન, લારા દત્તા, પ્રિયંકા ચોપડા, દિયા મિર્ઝા વગેરેને મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ એશિયા પેસિફિક વગેરે શીર્ષકોની છૂટા હાથે લહાણી કરાઈ. તેમણે પ્રશ્ર્નોના જે ઉત્તર આપ્યા હતા તે પણ પશ્ર્ચિમના એજન્ડાને આગળ કરે તેવા જ હતા; જેમ કે પ્રિયંકા ચોપડાને પૂછવામાં આવ્યું હતું કે તેના મતે આજે (એટલે કે તે સમયે) જીવતી સૌથી સફળ મહિલા કોણ છે અને શા માટે? પ્રિયંકા ઉવાચ: હું ઘણા બધાં લોકોની પ્રશંસા કરું છું, પરંતુ સૌથી પ્રશંસનીય વ્યક્તિઓ પૈકીની એક મારા માટે મધર ટેરેસા છે, જે કરુણામય છે, સંવેદનશીલ છે અને દયાળુ છે! અહીં એ સમજી શકાય કે ખ્રિસ્તી અને મુસ્લિમ વર્ચસ્વવાળા આંતરરાષ્ટ્રીય સ્તરે જો મધર ટેરેસાનું નામ લેવામાં આવે તો જીતવાની શક્યતા વધી જાય. પરંતુ પ્રશ્ર્ન જીવંત સફળ વ્યક્તિ વિશે પુછાયો હતો. મધર ટેરેસાનું અવસાન ઈ. સ. ૧૯૯૭માં થઈ ગયું હતું !
 
એ પ્રિયંકા ચોપડા પછી હિન્દુ ધર્મ વિરોધી એજન્ડા આગળ ન વધારે તો જ નવાઈ અને દિવાળી પર ફટાકડા વિરોધી નિવેદન ન આપે તો જ નવાઈ. પછી ભલે પોતે સિગરેટ પીતી હોય, પછી ભલે પોતાનાં લગ્નમાં ફૂટતા ફટાકડા સામે વાંધો ન ઉઠાવે.
 
કૉસ્મેટિક ચીજોનો ઉદ્યોગ ઊભો કરવાનું કાવતરું
 
આ મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ વગેરેથી ભારતમાં મોટા પાયે કૉસ્મેટિક ચીજોનો ઉદ્યોગ ઊભો થઈ ગયો. આજથી દસેક વર્ષ પહેલાં ગુજરાતની-ભારતની સ્ત્રીઓ માત્ર લગ્ન જેવા કોઈ પ્રસંગે જ મેક-અપ કરતી હતી તે હવે રોજેરોજ મેક-અપ કરીને જ બહાર નીકળતી થઈ ગઈ. અમેરિકાના એમ.ડી. એન્ડરસન કેન્સર સારવાર કેન્દ્રના પીએચ. ડી. લોરેન્ઝો કોહેનના કહેવા મુજબ, સૌંદર્ય પ્રસાધનોમાં એન્ડૉક્રાઇન ડિસ્રપ્ટિંગ કેમિકલ્સ (ઇડીસી) હોય છે. આ રસાયણો તમારી અંતસ્ત્રાવ પ્રણાલિમાં દખલ દઈ શકે છે. તેના કારણે કેન્સર થઈ શકે છે. લિપસ્ટિકથી પેટનું કેન્સર થઈ શકે છે. વર્ષ ૨૦૧૬ના આંકડા પ્રમાણે, દર વર્ષે લગભગ ૩.૫ લાખ સ્ત્રીઓ પર કેન્સરના કારણે મૃત્યુ ઝળૂંબે છે.
 
મેગ્સેસે એવૉર્ડ અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યો છે. પરિવર્તન નામની તેમની એનજીઓએ સરકારમાં ભ્રષ્ટાચાર સામે ઝુંબેશ ચલાવી માહિતી અધિકારનો ઉપયોગ કર્યો તેમાં તેમણે નેતૃત્વ લીધું તે માટે.
 
ભારતમાં જ નહી…
 
આવું માત્ર ભારત માટે જ કરાય છે તેવું નથી. ચીનમાં લોકશાહી માટે લડત ચલાવનાર અને જેલમાં પુરાયેલા લિઉ શિઆઓબોને વર્ષ ૨૦૧૦નો નૉબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. એમ તો, અમેરિકામાં બુશ સરકાર હતી ત્યારે પર્યાવરણ માટે ઝુંબેશ ચલાવનાર અને ખાસ તો તેલ અને વાયુ ઉદ્યોગ માટે હરાજીને ખોરવનાર ટીમ દ ક્રિસ્ટૉફરને પણ જેલની સજા થઈ હતી. તેને કેમ નૉબેલ કે મેગ્સેસે જેવો કોઈ એવૉર્ડ ન મળ્યો?
 
વર્ષ ૨૦૦૬માં વિકિલિક્સ વેબસાઇટ બનાવીને અમેરિકા, ભારત, સહિત દુનિયાભરનાં ઉચ્ચ કક્ષાનાં રહસ્યો બહાર પાડનાર જુલિયન પૉલ અસાંજેને કોઈ એવૉર્ડ મળ્યો? તેમને તો કારણ ઊભાં કરીને જેલમાં પૂરી દેવાયા છે. હવે અમેરિકા તેનું બ્રિટન પાસેથી પ્રત્યાર્પણ ઇચ્છે છે.
 
શું આ ભારત વિરોધી વલણ નથી?
 
પુલિત્ઝર એવૉર્ડની વાત પર પાછા ફરીએ તો, દાનિશ સિદ્દિકીની અગાઉ પણ ભારતવિરોધી હોય તેવા પત્રકારને આ એવૉર્ડ મળી ચૂક્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોના હાથે મરાયેલા લોકોના પરિવારજનોની રડતી તસવીરો પાડનાર દાર યાસીનને બે વર્ષ પહેલાં પુલિત્ઝર એવૉર્ડ મળ્યો હતો. પુલિત્ઝર એવૉર્ડ મળેલા તેના એક ફૉટામાં એક માણસ પાટિયું લઈને ઊભો છે જેમાં લખ્યું છે, અમે સ્વતંત્ર કાશ્મીરનું સપનું જોઈએ છીએ. શું આ ભારત વિરોધી વલણ નથી? બીજા એક ફોટામાં પાકિસ્તાની ધ્વજ લઈને બુકાની બાંધેલા લોકો મોટી સંખ્યામાં છે અને તેની ફોટોલાઇનમાં જમ્મુ-કાશ્મીરના બદલે, ભારતના અંકુશવાળું કાશ્મીર લખાયું હતું. શું આ પણ બ્રિટિશરોની-બીબીસીની-પાકિસ્તાનની ભાષા નહોતી? બીજી એક તસવીરમાં એક પથ્થરબાજનું મહિમામંડન કરાયું હતું. પોલીસના કાફલા પર પથ્થર મારી રહેલા વ્યક્તિ માટે માત્ર પ્રદર્શનકાર લખાયું હતું !
 
આ તસવીર માટે કોઈ પુરસ્કાર અપાશે ?
 
તે સમયે જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ પોલીસ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ હુસૈને જ તેનો વિરોધ કરતાં, જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓએ મારી નાખેલા એક પોલીસ જવાનની સંતાપ કરતી નાનકડી દીકરીની તસવીર ટ્વીટ કરીને લખ્યું હતું, આવનારા સમયમાં આ તસવીર માનવતાને પોકારતી રહેશે. કાશ્મીરમાં વર્ષ ૨૦૧૭માં વીરગત પોલીસ અધિકારીની સાંત્વના ન આપી શકાય તેવી દીકરી. આ તસવીર માટે કોઈ પુરસ્કાર અપાશે ? કેટલી સાચી વાત કરી હતી !
 
ચીનની તો આવી તસવીરો લેવાની કોઈની હિંમત ચાલે જ નહીં
 
આ લેખની શરૂઆતમાં જેનો ઉલ્લેખ કરાયો તે દાનિશ સિદ્દિકીએ રૉઇટર દ્વારા ભારતમાં કોરોનાની બીજી લહેર વખતે સ્મશાનમાં સળગતી ચિતાઓના ફોટા દુનિયાભરને બતાવ્યા હતા. અમેરિકા, ઈટાલી, બ્રાઝિલ, ફ્રાન્સ વગેરે અનેક દેશો ખૂબ જ કોરોનાગ્રસ્ત થયા હતા. બધે જ હાહાકાર મચી ગયો હતો. અમેરિકામાં તો મૃતદેહોના ઢગલા થયા હતા. આરોગ્ય- પ્રણાલી ભાંગી પડી હતી. ભારતમાં જે તકલીફ થઈ તે બીજી લહેર વખતે વધુ થઈ. પરંતુ તેમ છતાં અમેરિકામાં ન તો અમેરિકાની કરુણતા બતાવતી તસવીર કોઈએ પાડી, અને પાડી હોય તો કોઈ મિડિયાએ તેને બહાર નથી આવવા દીધી અને આવી હોય તો પુલિત્ઝર તેને નથી મળ્યું. અને જ્યાંથી આ વિષાણુ ઉદ્ભવ્યો તે ચીનની તો આવી તસવીરો લેવાની કોઈની હિંમત ચાલે જ નહીં. અને દાનિશ સિદ્દિકીને પુલિત્ઝર પહેલી વાર નથી મળ્યો, આ અગાઉ મ્યાંમારમાં બૌદ્ધો અને રોહિંગ્યા વચ્ચે હિંસક અથડામણો થઈ તેનું કવરેજ કરવા માટે દાનિશને રૉઇટરની ટીમના એક ભાગ તરીકે પુલિત્ઝર મળ્યો હતો (એટલે કે સામૂહિક એવૉર્ડ મળ્યો હતો.) અહીં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે મ્યાંમારમાં રોહિંગ્યા સાથે હિંસક અથડામણ કેમ થઈ તે કારણ બતાવનાર પત્રકારને આ એવૉર્ડ નથી આપવામાં આવતો. આ જ દાનિશ સિદ્દિકી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ ગૃહ યુદ્ધ છેડ્યું ત્યારે તાલિબાનોના હાથે મરાયો હતો.
 
એમ તો ૧૯૨૧માં ભૂલથી સિન્ક્લૈર લુઇસને પુલિત્ઝર અપાઈ ગયો હતો. સિન્ક્લૈર લુઇસે અમેરિકાના નાનાં શહેરની ગંદકી અને રૂઢિચુસ્તતા બતાવતી વ્યંગાત્મક નવલકથા મેઇન સ્ટ્રીટ લખી તો તેને નિર્ણાયક મંડળ (જ્યુરી)એ ભૂલથી એવૉર્ડ જાહેર કરી દીધો પણ પુલિત્ઝર ઇનામના ટ્રસ્ટીઓએ નિર્ણય ફેરવી તોળ્યો! તેમણે તેના બદલે ઍજ ઑફ ઇન્નૉસન્સ માટે લેખિકા એડિથ વૉર્ટનને એવૉર્ડ જાહેર કરી દીધો! પોતાનો નિર્ણય સાચો ઠરાવવા માટે બૉર્ડેં એવૉર્ડનાં ધોરણ (ક્રાયટેરિયા) જ બદલી નાખ્યાં! best presenting the whole atmosphere of American lifeના બદલે best presenting the wholesome atmosphere of American life કરી નાખ્યું!
 
ભારતમાં પણ એવૉર્ડ બાબતે….
 
ભારતમાં પણ એવૉર્ડ બાબતે આવું જ છે. ફિલ્મફેર, સ્ક્રીન, ઝી, સ્ટારડસ્ટ, આઈફા વગેરે એવૉર્ડ અપાય છે તેમાં એન્કર તરીકે અને ડાન્સ વગેરે કાર્યક્રમ પ્રસ્તુત કરનાર તરીકે મોટા ભાગે ખાન કલાકારો અથવા તેમની ચમચા મંડળી જેમ કે કરણ જોહર, ફરાહ ખાન, સાજિદ ખાન..વગેરે હોય છે. આવા એવૉર્ડ મોટા ભાગે વેચાતા હોય છે અથવા જે કાર્યક્રમ પ્રસ્તુત કરે તેને જ અપાતા હોય તેવી ચર્ચા અવારનવાર ઊઠી છે. તેરી મીટ્ટી મેં મિલ જાવાં ગીત ખૂબ જ લોકપ્રિય અને આંખમાં આંસું લાવી દે તેવું ગીત છે, પરંતુ ટપોરી પ્રકારનું ગીત અપના ટાઇમ આયેગાને ફિલ્મફેર એવૉર્ડ મળતાં, તેરી મીટ્ટી... ના ગીતકાર મનોજ મુંતસીર નિરાશ થયા હતા અને ક્યારેય ફિલ્મફેર એવૉર્ડ સમારંભમાં હાજરી નહીં આપવા જાહેરાત કરી હતી. અપના ટાઇમ આયેગાની ફિલ્મ ગલી બૉય ફરહાન અખ્તરની છે જેના પિતા જાવેદ અખ્તર અને શબાના આઝમી ફિલ્મ ઉદ્યોગના વગદાર ગીતકાર-અભિનેત્રી દંપતી છે, જે કંગના રનૌતના કહેવા મુજબ, કંગનાને ધમકાવે છે. જાવેદ અખ્તર અને શબાના આઝમી ડાબેરી અને હિન્દુ વિરોધી છે તે જાણીતી વાત છે.
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…