ઝેન ગુરુ શાકુ એક સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક ઝૂંપડીમાંથી રોકકળનો અવાજ આવ્યો. શાકુએ ઝૂંપડી પાસે જઈને જોયું તો કુટુંબના મુખ્ય પુરુષ મૃત્યુ પામ્યો છે. આથી શાકુ પણ બધાંની પાછળ બેસી ગયા અને પોક મૂકીને રડવા લાગ્યા.
ટોળામાં એક વૃદ્ધ માણસ બેઠો હતા. તે ઊઠીને શાકુ પાસે આવીને બોલ્યો, ‘મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તમારા જેવા મહાન ગુરુ આમ રડે છે! અમારી જેમ તમે પણ આમ રડવા બેસી જાવ એ સારુ' કહેવાય ? તમે તા સાધુ છો, સંસારીની માફક રડો તે યોગ્ય ન કહેવાય. મને તો લાગતું હતું કે સાધુ તો સંસારી શોક-હર્ષથી પર થઈ ગયા હશે.’
શાકુ: શોક-હર્ષથી પર થવાનો આ એક ઉપાય છે.’ હજી તે ડૂસકાં ભરતા હતા.
‘તમને બધાંને દુઃખ થાય ત્યારે તે કાંઈ ખોટું હોઈ શકે નહિ. એ દુઃખ વાસ્તવિક છે. અને દુઃખ થાય ત્યારે રડવું એ પણુ શરીરનો ધર્મ છે. આમ કરવાથી મૃત્યુનો ભય ઓછો થાય છે. એ જ રીતે આનંદ-ઉત્સવના પ્રસંગે હસવું જોઈએ; જેથી લાગણીઓના ડુંગર ચિત્તને દબાવે નહિ. ચિત્ત મુક્ત બને, ગૂંગળામણ અને બેચેનીમાંથી મુક્ત બને. હું રડું છું અને એ જ રીતે એક દિવસ રડવાની ક્રિયાને અતિક્રમી જઈશ, ત્યારે હસવું – રડવું સમાન બની રહેશે અને આમ રડતાં રડતાં જ રડવાનુ બંધ થઈ જશે.'