ભગવાન બુદ્ધ પાસે અનેક પુરુષોએ દીક્ષા લીધી હતી, તેમાં ભારદ્રાજ નામનો એક બ્રાહ્મણ પણ હતો. ભારદ્વાજના કેટલાંક સંબંધીઓને આ ન ગમ્યું. જેના કારણે ભારદ્રાજ નો એક સંબંધી (કુટુંબી) બહુ ગુસ્સે થયો અને બુદ્ધ ભગવાન પાસે આવી તેમને અનેક ગાળો દઈ અપશબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યો. બુદ્ધદેવ શાંત અને મૌન રહ્યા એટલે પેલો ગાળો દેનારો આખરે થાકી ગયો અને ચૂપ થઈ ગયો.
થોડી વાર પછી તથાગતે તેને પૂછ્યું, કેમ ભાઈ ! તારે ત્યાં કોઈ મહેમાન આવે છે કે નહીં ?
'હા, આવે છે. તેણે ઉત્તર આપ્યો.
તથાગત કહે, 'તું તેમનો સત્કાર કરે છે કે નહીં ?' સંબંધી કહે, 'ક્યો મૂર્ખ અતિથિનો સત્કાર ન કરે ?
તથાગત કહે, ભાઈ ! તેં આપેલી વસ્તુઓનો અતિથિ સ્વીકાર ન કરે તો તે વસ્તુઓ ક્યાં જાય ?
સંબંધી કહે, મેં આપેલી વસ્તુઓ તેઓ ન વાપરે તો મને જ પાછી મળે - મારી પાસે જ રહે.
તથાગત કહે, ભાઈ ! તારી આ ગાળો અને અપશબ્દો મેં સ્વીકાર્યાં નથી તો તારી ગાળોનું હવે શું થશે ? તે અપશબ્દો હવે ક્યાં જશે ?
પેલો માણસ બહુ શરમાઈ ગયો અને પોતાના દુઃખ બદલ તેણે તથાગતની માફી માગી.
ગાળો, અપમાન, સતામણી વગેરે ખાઈ જવાથી આત્મબળ વધે છે. માટે જ સંતોએ સાધકને ગમ ખાવાની આજ્ઞા કરી છે અને ગમ ખાઈને ઉપર જેવાં અનેક દૃષ્ટાંત સાધકોને પ્રેરણા આપવા માટે પોતાના જીવનમાં જ જીવી બતાવ્યાં છે.