નેપાળ વગર શ્રીરામ અધૂરા છે | બંને દેશોની તાજેતરની વાર્તા શું આ અધૂરપને દૂર કરશે ?

વૈદિક કાળથી નેપાળ ભારત સાથે અભિન્નરૂપે જોડાયેલું છે. એક પૌરાણિક માન્યતા મુજબ નિમિ નામના એક મનીષીએ આ નેપાળની સ્થાપના કરી હતી. સમયાંતરે તે ‘નિમિના પાલિત રાષ્ટ્ર નેપાલમ્’ તરીકે ઓળખાવા લાગ્યું. રામાયણ કાળમાં અહીંના જનકપુરીના રાજા ક્ષીરધ્વજે પોતાની પુત્રી સીતાના વિવાહ અયોધ્યાના રાજકુમાર ભગવાન શ્રીરામ સાથે કર્યા હતા

    28-May-2022   
કુલ દૃશ્યો |
 
bharat nepal india 
 
 
 
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતના પડોશી અને મિત્ર દેશ નેપાળની એક દિવસીય યાત્રાએ બન્ને દેશોના ઐતિહાસિક સંબંધોને નવી ધાર આપવાનું કાર્ય કર્યું છે. ૨૦૧૪ બાદ વડાપ્રધાનશ્રીની આ પાંચમી નેપાળ યાત્રા છે. યાત્રા દરમિયાન વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં ‘નેપાળ વગર શ્રી રામ અધૂરા છે’નું સૂચક નિવેદન કર્યું હતું ત્યારે આ યાત્રા બાદ ભારત અને નેપાળ વચ્ચેના પૌરાણિક સંબંધોની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એક નજર ભારત - નેપાળના પૌરાણિક ઐતિહાસિક સંબંધો પર...
 
 
ભારત - નેપાળ સંબંધો પર નજર કરતા પહેલાં...
 
 
વડાપ્રધાનશ્રીની તાજેતરની નેપાળયાત્રા અને યાત્રા દરમિયાન થયેલા બન્ને દેશો વચ્ચેના કરારો પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા વચ્ચે દ્વીપક્ષીય વાર્તા બાદ અનેક સંધીઓ પર કરાર થયા હતા, જેમાં ભારત સતલુજ જળ વિદ્યુત નિગમ અને નેપાળ વિદ્યુત પ્રાધિકરણ સંયુક્તરૂપે ૬૯૫ મેગાવોટની જળવિદ્યુત યોજનાનો સંયુક્ત વિકાસ કરવા સહમત થયા છે. પરિયોજના પૂર્ણ થયા બાદ નેપાળને ૨૧.૯ ટકા નિઃશુલ્ક વીજળી મળશે.
ભારત નેપાળ વચ્ચે થયેલા અન્ય કરારોની વાત કરીએ તો ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (આઈસીસીઆર) અને લુંબિની બૌદ્ધ વિશ્ર્વવિદ્યાલય (એલબીયુ) વચ્ચે ડૉ. આંબેડકર પીઠની સ્થાપના કરવાનો કરાર થયો છે તો આઈસીસીઆર અને ત્રિભુવન વિશ્ર્વવિદ્યાલય વચ્ચે થયેલા કરાર અંતર્ગત નેપાળી વિશ્ર્વવિદ્યાલયમાં ભારતીય અધ્યયન પીઠની સ્થાપના થશે. આઈસીસીઆર અને કાઠમાંડુ વિશ્ર્વવિદ્યાલય વચ્ચે પણ ત્યાં ભારતીય અધ્યયન પીઠ સ્થાપિત કરવાને લઈ કરાર થયા છે. કાઠમાંડુ વિશ્ર્વવિદ્યાલય અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી મદ્રાસ વચ્ચે પણ એક કરાર થયો છે અને સ્નાતક કક્ષાનો સંયુક્ત ડિગ્રી અભ્યાસક્રમ શરૂ કરવાને લઈને પણ હસ્તાક્ષર થયા છે.
 

bharat nepal india 
 
 
પ્રાચીન કાળથી અર્વાચીન કાળ ભારત-નેપાળ સંબંધો
 
 
વૈદિક કાળથી નેપાળ ભારત સાથે અભિન્નરૂપે જોડાયેલું છે. એક પૌરાણિક માન્યતા મુજબ નિમિ નામના એક મનીષીએ આ નેપાળની સ્થાપના કરી હતી. સમયાંતરે તે ‘નિમિના પાલિત રાષ્ટ્ર નેપાલમ્’ તરીકે ઓળખાવા લાગ્યું. રામાયણ કાળમાં અહીંના જનકપુરીના રાજા ક્ષીરધ્વજે પોતાની પુત્રી સીતાના વિવાહ અયોધ્યાના રાજકુમાર ભગવાન શ્રીરામ સાથે કર્યા હતા. જ્યારે ક્ષીરધ્વજના નાના ભાઈ કુશધ્વજે પોતાની પુત્રી ઊર્મિલાના વિવાહ શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણ સાથે કર્યા હતા. મહાભારત કાળમાં પણ નેપાળનો ઉલ્લેખ છે. મહાભારતના મહાયુદ્ધમાં અહીંના યુવાઓ પાંડવો તરફથી યુદ્ધમાં લડ્યા હતા. આ એ જ ભૂમિ છે જ્યાં લુબ્બીનીમાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. પાંચમી શતાબ્દીમાં ઈ.સ. પૂર્વે કાઠમંડુના ગોપાલ, કીરત, બિચ્છવી વગેરે નાનાં-નાનાં રાજ્યો હતાં. ચાણક્યએ પણ નેપાળનો ઉલ્લેખ કર્યો છે. કહેવાય છે કે સમ્રાટ અશોકની એક પુત્રીનો વિવાહ નેપાળના પર્વતીય ક્ષેત્રના એક રાજવી પરિવારમાં થયો હતો અને સમ્રાટ અશોકનું સામ્રાજ્ય છેક નેપાળ સુધી વિસ્તરેલું હતું. ગુપ્ત શાસક સમુદ્ર ગુપ્તના સામ્રાજ્યમાં નેપાળ પણ સામેલ હતું.
 
પ્રાચીન કાળથી જ ભારત અને નેપાળ વચ્ચે મોટાભાઈ-નાનાભાઈનો સંબંધ રહ્યો છે. તેને જ કારણે બન્ને દેશોના જનજીવનનાં પ્રત્યેક ક્ષેત્ર એ ચાહે સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, ધાર્મિક હોય કે પછી રાજનૈતિક હોય સહજ સર્વત્ર સમરૂપતા દેખાય છે. નેપાળ ભારતનું એક એવું પડોશી રાષ્ટ્ર છે જેની સાથે આજે પણ સરહદો પર કોઈ જ રોકટોક નથી. આ સંદર્ભે જાણીતા ઇતિહાસકાર પુષ્પેશ પંત લખે છે કે, ભારત અને નેપાળ એકબીજાની એટલાં નજીક છે કે, ક્યારેક ક્યારેક તો લોકો નેપાળને વિદેશ માનવા જ તૈયાર થતા નથી. ભારત નેપાળ વચ્ચે લગભગ ૧૮૦૦ કિ.મી. લાંબી સરહદ પર ન તો કોઈ કાંટાળી વાડ છે કે ન તો કોઈ અવરોધ. સરહદોને દર્શાવવા માટે માત્ર કોંક્રિટના નાના-નાના થાંભલા જ લગાવવામાં આવ્યા છે. બન્ને દેશોની સરહદો એકદમ ખુલ્લી છે અને બન્ને દેશોના નાગરિકો વગર રોકટોકે આવન-જાવન કરી શકે છે. હાલ ભારતમાં લગભગ ૬૦ લાખ જેટલા નેપાળી નાગરિકો રહે છે. તો નેપાળમાં પણ ૫૦,૦૦૦ જેટલા ભારતીયો રહે છે અને ૧૯૫૦ની સંધિ મુજબ અન્ય વિદેશી નાગરિકોની જેમ બન્ને દેશમાં એકબીજાના દેશના નાગરિકોને પંજીકરણ કરવામાંથી પણ છૂટ મળેલી છે. એ જ સાબિત કરે છે કે, ભારત અને નેપાળ વચ્ચે કેટલા સંબંધો ઘનિષ્ઠ છે.
 
 
ભારત નેપાળ સંબંધો સમયની એરણે
 
 
ભારતની સ્વતંત્રતા બાદ ભારત-નેપાળ સંબંધોમાં એક નવા યુગનો પ્રારંભ થયો. ભારત પર ચીનના આક્રમણ વખતે પણ નેપાળ નરેશ મહેન્દ્રએ કહ્યું હતું કે, અમારા નેપાળીયોમાં જન્મજાત ગુણ હોય છે કે, એક મિત્ર જ્યારે સંકટમાં હોય છે ત્યારે તેના પ્રત્યે સહાનુભૂતિ સહજ જ પ્રકટી ઉઠે છે. કારણ કે નેપાળી વીર હોય છે અને વિશ્ર્વાસઘાત તેના સ્વભાવમાં નથી. નેપાળ નરેશના ભારત સાથેના ગાઢ સંબંધોને કારણે જ ૧૯૫૦માં ભારત-નેપાળ મૈત્રી અંગેની સંધિ શક્ય બની. જે ભારત નેપાળના સંબંધો માટે ઐતિહાસિક સાબિત થઈ, પરંતુ ૧૯૬૦માં ભારત નેપાળ સંબંધોને પ્રથમ ઝટકો ત્યારે લાગ્યો જ્યારે નેપાળે આ સંધિનું ઉલ્લંઘન કરી ચીન સાથે મૈત્રી અને રક્ષા કરાર કરી લીધા. ૧૯૬૨માં ભારત પર ચીને આક્રમણ કર્યું છતાં નેપાળ ચીન પાસેથી આર્થિક અને સામારિક સહાયતા મેળવતું રહ્યું.
 
 
નેપાળના વિકાસમાં ભારતની ભૂમિકા
 
 
નેપાળમાં થતાં વિકાસકાર્યોમાં ભારતની ભૂમિકા હંમેશાથી નોંધપાત્ર રહી છે. ઈ.સ. ૧૯૫૦માં ન્યાય અને વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે ભારતે નેપાળમાં પ્રશાસનિક માળખું તૈયાર કરવામાં મદદ કરી. આ સિવાય ૧૯૫૬માં નેપાળે પ્રથમ પંચવર્ષીય યોજનાને સંપૂર્ણ રીતે ભારતે જ પોતાના ખર્ચે સંચાલિત કરી હતી. ત્યાં સુધી કે બીજી પંચવર્ષીય યોજનામાં પણ ભારતે નેપાળને પૂરતી નાણાંકીય સહાય કરી હતી. નેપાળની જટિલ પર્વતમાળામાં વાહનવ્યવહારની સુચારું સિવિધાઓ ઊભી કરવા ત્રિભુવન હાઈવેનું નિર્માણ ભારતે કર્યું છે. ભારતે એકલા હાથે નેપાળના પૂર્વ-પશ્ર્ચિમ હાઈવેના ત્રણ ચતુર્થાંશ ભાગોનું નિર્માણ કરી દેશના પૂર્વી ભાગને પશ્ર્ચિમ ભાગ સાથે જોડ્યો છે. નેપાળમાં મહત્ત્વનાં હવાઈ મથકો સિવાય કાઠમંડુમાં બનેલું ત્રિભુવન હવાઈ મથક પણ ભારતે બનાવી આપ્યું છે. તો કાઠમંડુમાં બનેલ ત્રિભુવન વિશ્ર્વ વિદ્યાલયના નિર્માણમાં પણ ભારતનો મહત્ત્વનો ફાળો છે. એટલું જ નહીં, નેપાળ પોતાની જે નિકાસ કરે છે તેમાં ૬૪.૪ ટકા હિસ્સો ભારતનો છે. ૬૦થી ૮૦ લાખ જેટલા નેપાળી નાગરિકો ભારતમાં રોજગાર મેળવી રહ્યા છે. આમ ભારત થકી થઈ રહેલી કમાણી નેપાળની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે કરોડરજ્જુ સમાન સાબિત થઈ રહી છે.
 

bharat nepal india 
 
 
૯૦ના દાયકાથી નેપાળમાં હિન્દુરાષ્ટ્રના પાયા ડોલવા લાગ્યા
 
 
નેપાળ અને ભારત વચ્ચે પ્રગાઢ સંબંધોનું મુખ્ય કારણ બન્ને દેશોનો સમાન ધર્મ હતો. ચીન એ વાત સારી રીતે જાણતું હતું કે, ભારત અને નેપાળની સંબંધોની મુખ્ય કડી નેપાળનું હિન્દુ રાષ્ટ્ર હોવું તે છે. માટે પોતાનો પ્રભાવ વધારવાના ષડયંત્રો-પ્રયાસો કરતું રહ્યું છે. ચીન એ વાત પણ સારી રીતે જાણતું હતું કે જ્યાં સુધી નેપાળમાં રાજાશાહી છે ત્યાં સુધી નેપાળના હિન્દુ રાષ્ટ્રની નાબૂદી અશક્ય છે. પરિણામે નેપાળી જનતાનો રાજાશાહી વિરુદ્ધ ભડકાવવામાં આવી. ત્યાર બાદ નેપાળની રાજનીતિમાં ધીરે ધીરે ચીન સમર્થિત સામ્યવાદીઓનો પ્રભાવ વધતો ચાલ્યો. જે ૧૯૯૪ની સામાન્ય ચૂંટણીઓમાં નેપાળની સત્તા સુધી પહોંચી ગયો અને સામ્યવાદી નેતા મનમોહન અધિકારી પ્રધાનમંત્રી બનતાંની સાથે નેપાળ-ભારત સાથેના સંબંધો અંગે સમીક્ષા કરવાનું શરૂ થઈ ગયું. જો કે આમ છતાં ભારત-નેપાળ વચ્ચેના સંબંધોમાં કાઈ ખાસ્સો પ્રભાવ ન પડ્યો. નેપાળમાં સામ્યવાદી સરકાર હોવા છતાં પણ ૧૯૯૬માં મહાકાલી સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેને જાણકારો ભારત-નેપાળ સંબંધો માટે એક સીમાચિહ્નરૂપ ગણાવે છે. આ સંધિ દ્વારા ૨૦૦૦ મેગાવોટની ક્ષમતાવાળા પંચેશ્ર્વર હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ૮ વર્ષોમાં નિર્માણ કરવા તેમજ સરાહા અને ટનકપુર જળભંડારોનો વિકાસ કરવા સંબંધમાં મહત્ત્વપૂર્ણ કરારો થયા. જૂન ૧૯૯૭માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રીએ શ્રી ગુજરાલે નેપાળની યાત્રા કરી. બન્ને દેશના સંબંધોને નવું જોમ આવ્યું. ભારત-નેપાળ વચ્ચેના સુમધુર સંબંધોની આ પરંપરા ૧૯૯૮માં બનેલી શ્રી અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ જળવાઈ રહી અને આ પરંપરા ૨૦૦૪ સુધી આમ જ ચાલી.
 
 
નેપાળ એક પંથ નિરપેક્ષ રાષ્ટ્ર બન્યું
 
 
આગળ જણાવ્યું તેમ ૧૯૯૦ના દાયકાથી જ નેપાળનો એક હિન્દુરાષ્ટ્ર તરીકેનો દરજ્જો મિટાવવાનાં સોગઠાં ગોઠવાઈ ગયાં હતાં અને ચીન સમર્પિત સામ્યવાદીઓ ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાની રણનીતિમાં આગળ વધી રહ્યા હતા, કારણ કે તેઓને ખબર હતી કે, નેપાળ-ભારતના સંબંધો ભાવનાત્મક રીતે જોડાયેલા છે. ૧૯૯૬ આવતાં સામ્યવાદીઓએ નેપાળમાં પોતાનો પ્રભાવ ઠીક-ઠીક વધારી લીધો હતો અને લોકશાહી માટે આંદોલન શરૂ કરી દીધું અને ૨૦૦૬માં રાજાશાહીને સમાપ્ત કરી નેપાળને એક પંથનિરપેક્ષ તેમજ બહુસંસ્કૃતિવાળો દેશ જાહેર કરી દીધો. ૧૯૯૬થી ૨૦૦૬ સુધી ચાલેલા લોકશાહીના આ આંદોલનમાં માઓવાદીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી અને તેમણે યુવાઓ અને જનતાના કમજોર વર્ગોનું જબરજસ્ત સમર્થન મેળવી લીધું હતું. નેપાળની લોકતાંત્રિક રાજનીતિમાં માઓવાદના આ દબદબાને કારણે અહીં ભારતવિરોધી તાકાતોને બળ મું, કારણ કે આ લોકોને વૈચારિક પ્રેરણા ચીનથી મળતી હતી. પરિણામે તેઓનો દૃષ્ટિકોણ ભારતવિરોધી બન્યો હતો. નેપાળનું નવું બંધારણ બનાવવા માટે ૨૦૦૮માં સંવિધાન સભાની જે ચૂંટણીઓ થઈ તેમાં પણ માઓવાદીઓને સૌથી વધારે બેઠકો મળી અને ૨૦૦૮માં અન્ય પક્ષોના સમર્થનથી સરકાર પણ બનાવી લીધી અને માઓવાદી નેતા પુષ્પકમલ દહલ પ્રચંડ નેપાળના પ્રધાનમંત્રી બન્યા. આ સાથે જ તેઓ નેપાળની રાજનૈતિક પરંપરાને તાક પર રાખી પોતાની પ્રથમ વિદેશયાત્રા ચીનથી કરી જ્યારે આ અગાઉ નેપાળના કોઈપણ પ્રધાનમંત્રીની સર્વપ્રથમ વિદેશયાત્રા ભારતની જ રહેતી. એટલું જ નહીં તેઓએ ૧૯૫૦ની ભારત-નેપાળ સંધિને નેપાળની સંપ્રભુતા વિરુદ્ધ ગણાવી તેને સમાપ્ત કરવાની જાહેરાત કરી. એટલું જ નહીં તેઓએ ભારત દ્વારા નેપાળમાં ચલાવવામાં આવી રહેલી વિવિધ વિકાસ પરિયોજનાઓને ભારતવિરોધી પ્રદર્શનોનો અડ્ડો બનાવી દીધી, જેને કારણે ૪૨૦ જેટલી વિકાસલક્ષી પરિયોજનાઓ આજે પણ અવરોધિત પડી છે.
 

bharat nepal india 
 
 
નેપાળને પુનઃ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગણી
 
 
મજાની વાત એ છે કે નેપાળી રાજકારણ પર ભલે હાલ ચીનનો પ્રભાવ અને પ્રભુત્વ હોય પરંતુ અહીંના લોકમાનસ પરથી ચીનનો પ્રભાવ ધીરે ધીરે ઓસરી રહ્યો છે. તેનું જ પરિણામ નેપાળને પુનઃ હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગણી છે. ૨૦૦૬માં નેપાળમાં માઓવાદીઓ અને અન્ય સાત રાજકીય પક્ષોના ગઠબંધનવાળી સરકારે નવું બંધારણ બનાવી નેપાળને બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરી દીધો, પરંતુ હવે પુનઃ એક વખત નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગણી થઈ રહી છે અને તેના સમર્થનમાં નેપાળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે. અહીંના રાષ્ટીય પ્રજાતાંત્રિક પક્ષ સહિતના સમૂહો નેપાળને પુનઃ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે અને સમયાંતરે હજારોની સંખ્યામાં લોકો આ માંગણી સાથે રસ્તાઓ પર ઊતરી આવે છે. અહીંના લોકો કહી રહ્યા છે કે, દેશમાં લોકશાહીની રક્ષા અને રાજનૈતિક અસ્થિરતા માટે સંવૈધાનિક રાજાશાહી તથા હિન્દુરાષ્ટ્ર બનાવવા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી.
 
૨૦૧૫માં નેપાળનાં મુસ્લિમ સંગઠનોએ એવી માંગણી કરીને સૌને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા કે, નેપાળમાં ઇસ્લામને બચાવવો હશે તો નેપાળને પુનઃ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું પડશે. મુસ્લિમ સંગઠનોનો આરોપ હતો કે, બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર થયા બાદ નેપાળમાં ઈસાઈ મિશનરીઓ બેફામ બની હિન્દુઓ સાથે મુસ્લિમોને પણ મતાંતરિત કરી રહી છે ત્યારે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર કરતાં ‘હિન્દુ રાષ્ટ્ર નેપાળ’માં મુસ્લિમો સુરક્ષિત રહી શકશે. ઉપરથી મુસ્લિમોને નેપાળમાં વધી રહેલ ચીનની દખલથી પણ ચિંતા છે, કારણ કે જો ચીનની જેમ નેપાળમાં પણ સામ્યવાદીઓનો પ્રભાવ વધ્યો તો ચીનને રસ્તે નેપાળ પણ શિનઝિયાંગના મુસ્લિમો પરના પ્રતિબંધોની જેમ નેપાળના મુસ્લિમો પર પણ પ્રતિબંધો લાદી તેમનું જીવવું હરામ કરી દેશે. આમ જે હિન્દુ રાષ્ટ્ર પર પ્રહાર કરી ચીને પોતાની કઠપૂતળી સમાન સામ્યવાદી સરકાર નેપાળના સિંહાસન પર બેસાડી હતી તે સામ્યવાદી સિંહાસનના પાયા હવે હચમચી રહ્યા છે.
 

bharat nepal india 
 
 
નેપાળમાં ચીન-પાકિસ્તાનનું ગઠબંધન
 
 
માત્ર ૧૪૧૫૭૭ વર્ગ કિ.મી.ના ક્ષેત્રફળ ધરાવતું નેપાળ વિશ્ર્વના સૌથી નાના દેશોમાં એક છે. આમ છતાં સમગ્ર દક્ષિણ એશિયામાં તેનું રણનૈતિક મહત્ત્વ એટલું છે કે, તમામ દેશો તેને પોતાની પડખે કરવા મથી રહ્યા છે. નેપાળની સરહદો એશિયાના સૌથી મોટા એવા ભારત અને ચીન સાથે જોડાયેલી છે. ચીન સાથે તેની ૧૨૩૬ કિ.મી. લાંબી તથા ભારત સાથે ૧૭૫૧ કિ.મી. લાંબી સરહદ છે. પરિણામે નેપાળ એ ભારત અને ચીન બન્ને માટે રણનૈતિક રીતે અતિ મહત્ત્વનું છે. ચીન નેપાળને પોતાની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું માને છે. એમાં પણ ૧૯૫૦માં ચીન દ્વારા તિબેટના કબજા બાદ તો ચીન માટે નેપાળનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે અને તે નેપાળનો ઉપયોગ ભારત પર સતત દબાણ બનાવી રાખવા માટે કરી રહ્યું છે.
 
ચીને ભારતના પરંપરાગત શત્રુ એવા પાકિસ્તાન સાથે મળી નેપાળને આઈએસઆઈની ગતિવિધિનું કેન્દ્ર બનાવ્યું છે. ૧૯૯૯માં કાઠમંડુ ભારતીય એયરલાઇન્સ વિમાનનું અપહરણ (કંધહારકાંડ) એ એક મહત્ત્વપૂર્ણ ઘટના હતી. હાલ ચીન અને પાકિસ્તાન નેપાળને સતત સૈનિક સહાયતા પ્રદાન કરી રહ્યા છે. ત્યાં સુધી કે ૨૦૦૫માં ઇસ્લામાબાદથી રોયલ નેપાળ આર્મીના નેપાળી સૈનિકોને તાલીમ પણ આપવામાં આવી હતી. આમ ચીન પાકિસ્તાન મારફતે નેપાળને હાથો બનાવી ભારત પર દબાણ લાવવા સતત પ્રયત્નશીલ છે.
 
ચીન અને પાકિસ્તાનની ચાલ અને દબાણને કારણે જ છેલ્લા કેટલાક સમયથી નેપાળ આશ્ર્ચર્યજનક રીતે ભારતવિરોધી નિર્ણયો લઈ રહ્યું છે. થોડા સમય પહેલાં કૈલાસ માનસરોવર યાત્રા માટે ભારત દ્વારા લિપુલેખ ધારચુલા માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે નેપાળે તેને એકતરફી ગતિવિધિ ગણાવીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. નેપાળના વિદેશ મંત્રાલયે એવો પણ દાવો કર્યો હતો કે મહાકાલી નદીનો પૂર્ણ વિસ્તાર પણ નેપાળની હદમાં આવે છે. નેપાળે આધિકારિક રૂપે નેપાળનો નવો નકશો બહાર પાડ્યો હતો, જેમાં ઉત્તરાખંડમાં કાલાપાની સિપિયાધુરા અને સિપુ લેકને પોતાના ભાગ તરીકે ગણાવ્યા હતા. એટલું જ નહીં નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ નેપાળમાં કોરોના વાયરસના પ્રસાર માટે પણ ભારતને દોષિત ઠેરવ્યું હતું.
 
 
નેપાળના લોકો પરથી ડ્રેગનનો નશો ઊતરી રહ્યો છે
 
 
છેલ્લા કેટલાય સમયથી નેપાળ તરફથી ભારતને પરેશાન કરનારા અહેવાલો જ સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું ભારત-નેપાળ વચ્ચેના સદીઓ જૂના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે અને મોટાભાઈ-નાનાભાઈ જેવા સંબંધોમાં ચીનની ચાલ ભારે પડી રહી છે. તો આનો જવાબ ‘ના’માં આપવો પડે, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બદલાયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિએ નેપાળને પુનઃ એક વખત ભારતની નજદીક લાવી દીધું છે અને નેપાળને ભારતની અનિવાર્યતા અને ચીનની ચાલ સમજાઈ ચૂકી છે.
 
નેપાળની આર્થિક સ્થિતિ અત્યારે નાજુક દોરમાંથી પસાર થઈ રહી છે. નેપાળને એ વાતની ખબર છે કે, આપણે જો ધ્યાન નહીં રાખીએ તો આપણી હાલત પણ શ્રીલંકા જેવી થવામાં વાર નહીં લાગે. નેપાળની તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું છે. નેપાળે સમયસર સતર્ક થઈને અર્થતંત્રને બચાવવા માટે આવશ્યક પગલાંઓ પણ ભર્યાં છે.
 
નેપાળના ત્રણ ભૂતપૂર્વ નાણાપ્રધાનોએ સાથે મળીને સરકારને એક અહેવાલ આપ્યો હતો. તેમણે સરકાર સામે લાલ બત્તી ધરીને એવું કહ્યું કે, નેપાળ પાસે હવે છ મહિના ચાલે એટલો મુદ્રાભંડાર પણ નથી. નેપાળ પાસે ૯.૭૫ બિલિયન ડોલર જ બચ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઓઇલના ભાવો વધ્યા છે અને બીજા પણ ઘણા પ્રશ્ર્નો ઊભા થયા છે. નેપાળે તાત્કાલિક જરૂરી પગલાં નહીં લે તો મુશ્કેલી સર્જાશે. સરકારે તરત જ લક્ઝરી ચીજવસ્તુઓ, જેના વગર ચાલે એમ હોય એ સાધનસામગ્રીની આયાત પર પ્રતિબંધ ફરમાવી દીધો. દેશની તમામ ૨૭ બેંકો સાથે બેઠક કરીને એવી સૂચના આપવામાં આવી કે, ખૂબ જ જરૂરી જણાય તો જ લોન આપજો. નેપાળ ભારત પાસેથી ઓઈલ ખરીદે છે. ઓઈલની ખરીદી પેટે નેપાળે ભારતને દર મહિને ૨૪થી ૨૯ અબજ રૂપિયા ચૂકવવા પડે છે. નેપાળ પર ચીનનું મોટું દેવું છે. નેપાળને એક વાતની ખાત્રી છે કે, ખરાબ સંજોગો પેદા થશે તો ભારત બધામાં રાહત કરી આપશે. ચીન મોકાનો ફાયદો ઉઠાવશે. ચીન તો રાહ જોઈને જ બેઠું છે કે, નેપાળ લાગમાં આવે એટલી વાર છે. નેપાળનો ભારત તરફનો ઝુકાવ ચીનથી સહન થતો નથી. એમાંયે હવે તો એવી વાતો આવી રહી છે કે નેપાળ ચીનને જે પ્રોજેક્ટો આપવાનું હતું એ ભારતને આપી દેવાનું છે. ચીનના ડરને લીધે નેપાળ અમેરિકા તરફથી મળનારા ૫૦ કરોડ ડોલરની મદદ સ્વીકારતું નહોતું. નેપાળની દેઉબા સરકારે હવે અમેરિકાની મદદ લેવાનું પણ નક્કી કરી લીધું છે. ચીનને ખબર પડી ગઈ છે કે, નેપાળ હવે આપણી ચુંગાલમાંથી છટકી ગયું છે.
 
 
ઉપસંહાર
 
 
ચીનની પ્રકૃતિ વિસ્તારવાદી છે. ચીને પોતાના દરેક પડોશીની જમીનમાં ઘૂસણખોરી કરી છે. નેપાળ પણ એમાંથી બાકાત નથી. વડાપ્રધાન દેઉબાએ ચીનની પેશકદમીની તપાસ કરવા માટે વિધિવત એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ-રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, ચીને નેપાળની સરહદમાં અનેક જગ્યાએ ઘૂસણખોરી કરી છે. ચીન અને નેપાળ વચ્ચે દોરેલી સરહદ નથી. સીમા નક્કી કરવા માટે લગાવવામાં આવેલા પિલર્સ ઉખેડીને બદમાશ ચીને ઉખેડીને નેપાળના અંદરના ભાગે લગાવી દઈ પેશકદમી કરી હોવાની વાતો પણ બહાર આવી છે. ચીને નેપાળને હિમાલયના પર્વતો ચીરીને ચીનથી છેક કાઠમંડુ સુધીનો ટ્રેન વ્યવહાર શરૂ કરવા સહિત અનેક લાલચો આપી છે. નેપાળ ચીનને ઓળખી ગયું છે એ આપણા માટે સારી વાત છે. ચીનની દાનત ભારતની ફરતે આવેલા તમામ દેશોને પોતાના સકંજામાં લઈને ભારતને ભીંસમાં લેવાની હતી. હવે ચીનથી બધા દેશો દૂર થઈને ફરીથી ભારત તરફ વળી રહ્યા છે. ભારતની કૂટનીતિની એ મોટી સફળતા છે ! નેપાળ પણ હવે ભારતનું કહ્યું માનવા લાગ્યું છે.
 
ભારત નેપાળનાં સંબંધો સાંસ્કૃતિક પણ છે અને પૌરાણિક પણ છે, તે આપણે આ મુખપૃષ્ઠ વાર્તામાં જોયું. ભગવાન શ્રીરામનાં વિવાહ સીતાજી સાથે થયા હતા અને સીતાજીનું જન્મ સ્થાન નેપાળ છે. હાલ નેપાળના જનકપુરીમાં માતા સીતાનું મંદિર છે. મુખપૃષ્ઠ ડિઝાઈનમાં ભગવાન શ્રીરામ તથા માતા સીતાના જન્મસ્થાનોના પ્રતિકો મૂકવાનો ઉદ્દેશ્ય એટલો જ કે ભારત-નેપાળના સંબંધો પુનઃ વિકસે અને વિસ્તરે. નેપાળ વગર શ્રીરામ અધૂરા છે. બંને દેશોની તાજેતરની વાર્તા આ અધુરપને દૂર કરે એ જ બંને દેશોની અપેક્ષા છે.
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…