સ્વાતંત્ર્યવીર સાવરકર | જેલમા કવિતાઓ લખી લોકો સુધી પહોંચાડવા જેલમાંથી મુક્ત થનારા કેદીઓને કંઠસ્ત કરાવી અને....

મહાકવિ સાવરકરે એસી કેબિનમાં ટેબલખુરશી પર બેસી કવિતાઓ નથી લખી પણ કોટડીની દીવાલો પર હાથમાં પડેલી બેડીઓથી ઘસીને લખેલી કવિતાઓ કંઠસ્થ કરી જેલમાંથી બહાર નીકળનારા કેદી મિત્રોને કંઠસ્થ કરાવીને બહાર મોકલી, હેતુ પોતાની કવિતાઓનાં પ્રકાશનનો નહોતો પણ સર્વસામાન્ય મનુષ્યમાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે સમર્પણનો ભાવ જાગ્રત કરવાનો હતો.

    28-May-2022
કુલ દૃશ્યો |
 
Veer Savarkar
 
 
 

તા. ૨૮મી મે - સ્વાતંત્ર્યવીર સાવરકરની જન્મજયંતી નિમિત્તે વિશેષ | Veer Savarkar

 
શ્રી વિનાયક દામોદર સાવરકરજીનો જન્મ ૧૮૮૩ના મે મહિનાની ૨૮ તારીખે મહારાષ્ટ્રના ભગુર ગામે થયો અને દેહાવસાન ૧૯૬૬ના ફેબ્રુઆરી માસની ૨૬ તારીખે થયું. આજે મારો ઈરાદો આ બંને તારીખો, જન્મસ્થાન ગામનું નામ, હજી પણ લખી શકાય એવી પારિવારિક વિગતો લખીને જન્મકુંડળી માટે કે આધારકાર્ડ માટે આવશ્યક વિગતો આપવાનો નથી. પરંતુ બંને તારીખો વચ્ચેના સમયગાળામાં માનવત્વ, રાષ્ટ્ર અને આપણે બધા એટલે તેમની પછીની પેઢીઓ પરકીય શાસનો દ્વારા લદાએલાં બધાં જ પ્રકારનાં પારતંત્ર્યમાંથી મુક્ત થઈ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની અનુભૂતિ કરી શકે, સ્વાતંત્ર્યનું સુખ ભોગવી શકે તે માટેના પ્રયત્નોને ઈશ્ર્વરીય કાર્ય માની તે ઈશ્ર્વરીય કાર્યની પૂર્તિ માટે ગાળેલા જીવન તરફ એક અછડતો સંકેત કરવાનો છે, કારણ તેમના જેવા મહાપુરુષોએ અને હુતાત્માઓએ સર્વસ્વસમર્પણ દ્વારા જે સ્વાતંત્ર્ય અને માનવીય ગૌરવભેર જીવી શકાય એવી તક આપણને આપી છે તેને ટકાવી રાખવા માટેના મહતકાર્યમાં આપણને પણ રામસેતુ નિર્માણ વખતે અપાયેલા ખિસકોલીના ફાળા જેટલો ફાળો આપવાની પ્રેરણા એ પુણ્યસ્મરણમાંથી જ પ્રાપ્ત થવાની સંભાવના છે.
 
 
 
સાવરકરજીનું નામ આવતાં જ સશસ્ત્ર ક્રાંતિ, (આંદામાનમાં કાળાપાણી) બે જન્મટીપની, પચાસ વર્ષની સજા (સજા થયાનું વર્ષ ૧૯૧૦ અને મુક્તિનું વર્ષ ૧૯૬૦ હતું), માર્સેલ્સ નામના ફ્રાન્સના બંદરે સંડાસમાંથી તેમણે દરિયામાં મારેલો કૂદકો, તેથી પણ વધુ ખબર હોય તો તેમના દ્વારા લિખિત પુસ્તક ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસમર(૧૮૫૭), ગાંધીહત્યાના આરોપસર સ્વતંત્ર ભારતમાં થયેલી તેમની ધરપકડ અને ચાલેલો કેસ યાદ આવે છે. તેમના ટીકાકારોને આ બધામાંથી પણ તેમને ગાળો દેવા પૂરતી સામગ્રી મળી જાય છે પણ વાસ્તવમાં સાવરકરજીનું જીવન આટલું મર્યાદિત નહોતું. તેમનું બહુઆયામી વ્યક્તિત્વ હતું.
 
સાવરકરજી વિષે લખવું એટલે શું લખવું ? કોઈ સૂર્ય માટે લખવાનું કહે તો શું લખવું ? ઊગતા સૂર્ય માટે લખવું ? મધ્યાહ્નના સૂર્ય માટે લખવું કે સૂર્યાસ્ત વિષે લખવું ? બધું જ આપણી મર્યાદિત શક્તિની બહારનું છે. સાવરકર રચિત કાવ્યોને આધારે સિદ્ધ મહાકવિ સાવરકર તરફ જોઈએ તો -
 
રાજકારણ ધુરંધર, ત્યાગી, તપસ્વી મહાપ્રવાહ સાવરકરજીની ગંગોત્રીનાં દર્શન થયાની અનુભૂતિ થાય છે. સાવરકરજીએ ક્રાંતિની પ્રજ્વલિત મશાલ હાથમાં લઈ આજીવન પ્રવાસ કર્યો તેમાં કોઈ શંકા જ નથી પણ એ ક્રાંતિની મશાલ કે હાથમાં લીધેલો બૉમ્બ(સશસ્ત્ર ક્રાંતિ) એ તેમનું છેલ્લું સ્વરૂપ હતું. પરંતુ તેમની પાસે જો કોઈ સૌથી તેજસ્વી, અસરકારક પ્રખર શસ્ત્ર હોય તો તે તેમના ચૈતન્ય રસથી ભરેલા (લિપ્ત) શબ્દ હતા. અને શબ્દ એ એક એવું શસ્ત્ર છે કે જ્યારે તેનું કોઈ આવો સિદ્ધપુરુષ ઉચ્ચારણ કરે છે ત્યારે તે મંત્ર બની જાય છે. આપણા જેવા સામાન્ય લોકો દ્વારા ઉચ્ચારિત શબ્દોનું કોઈ મૂલ્ય નથી. રોજે રોજ હજારો શબ્દો ભાષણો અને લેખોમાં વપરાઈને કચરાપેટી ભેગા થાય એ આપણે જાણીએ જ છીએ. પરંતુ સાવરકર જેવા ક્રાંતિકારી જ્યારે રાષ્ટ્ર શબ્દનો ઉચ્ચાર કરે છે ત્યારે એક શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન આપણી સામે પ્રસ્તુત કરે છે. મેં કહ્યું કે સાવરકર મહાકવિ હતા, મહાકવિ એટલે ઢગલાબંધ કાવ્યો લખનારા નહીં પણ જે કાવ્યના પ્રત્યેક શબ્દ માટે પોતાના સંપૂર્ણ જીવનનું મૂલ્ય ચૂકવનારો જે કવિ હોય છે તે જ વાસ્તવમાં મહાકવિ હોય છે. તેમના દ્વારા નિર્મિત મરાઠી કાવ્યોની પ્રત્યેક પંક્તિ રૂંવાડાં ઊભાં કરનારી અને સમર્પણની પ્રેરણા આપનારી છે. આ કાવ્યો મનુષ્યની ભાવનાઓને પ્રજ્વલિત કરનારાં તો છે જ પણ એ કાવ્યની પ્રત્યેક કલ્પના તર્કની કસોટી પર સત્ય સિદ્ધ થનારી છે.
 
કેવળ પ્રજ્વલિત ભાવનાઓની કોઈ કિંમત નથી. આપણે સમજીને કે સમજ્યા વગર જે પ્રાર્થના રોજ કરીએ છીએ ‘તેજસ્વિના વધિતમસ્તુ’ તે પ્રાર્થના સાચા મનથી કરાઈ હોય તો તેમાંથી કેવો માણસ નિર્માણ થશે તે જો સમજવું હોય તો સાવરકરજીનું જીવન તે વાત સમજાવી શકે. આ કોઈ ભાવનાના આવેગમાં લખાએલા શબ્દો નથી, કારણ સાવરકરજી એવી ભાવુકતાનો જન્મભર વિરોધ કરનારા વિજ્ઞાનનિષ્ઠ ક્રાંતિકારી હતા. તેમણે માત્ર પિસ્તોલની નહીં પણ વૈચારિક ક્રાંતિ કરી અને સાચો વિજ્ઞાનનિષ્ઠ માનવતાવાદ તેમણે પ્રચારિત અને પ્રસારિત કર્યો અને જીવનમાં તેનું જ આચરણ કર્યું. માનવતાવાદ જ્યારે વિજ્ઞાનનિષ્ઠ હોય છે ત્યારે જ તે કૃતિપ્રવણ હોય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજે જે પ્રયોગસિદ્ધ વિજ્ઞાન છે તે જ અમારો સનાતનધર્મ છે. તેમણે પચાસ વર્ષ પહેલાં વૈજ્ઞાનિક દૃષ્ટિથી આદ્યયાવત થવાનું સમાજને આહ્વાન કર્યું હતું. તેના સિવાય વિશ્ર્વમાં તમારી કોઈ કિંમત નહીં રહે તેવું તેઓ પોકારી પોકારીને કહેતા રહ્યા હતા. તેમણે હંમેશાં બુદ્ધિનિષ્ઠ બનવાની જ અપીલ કરી હતી. જ્યારે આવા માણસ પર થયેલા આક્ષેપો જોઈએ ત્યારે આપણી ક્ષુદ્ર બુદ્ધિ પર દયા આવવા સિવાય કોઈ ભાવ ઉત્પન્ન થતો નથી. મારા મૃત્યુ પછી મારો મૃતદેહ વીજળિક ભઠ્ઠીમાં નાખજો અને કોઈ પણ પ્રકારની વિધિ વગેરે ન કરતા એમ કહેનારો બુદ્ધિનિષ્ઠ માણસ આપણે માટે કોમ્યુનલ(જાતિવાદી) અને મારા મૃત્યુ પછી મારી રાખ ગંગામાં, યમુનામાં દેશની નદીઓમાં, હિમાલયની ગિરિકંદરાઓમાં નાખજો એમ કહેનારો માણસ આપણે માટે સેક્યુલર હતો.
 
સાવરકરજીનો અપરાધ એ હતો કે જ્યારે તેમણે ધર્માંધતાની અને ધર્માંધ લોકોની ટીકા કરી ત્યારે બધા જ ધર્મોની ધર્માંધતાની ટીકા કરી. જો તેમણે માત્ર હિન્દુ ધર્મની જ ટીકા કરી હોત તો તેઓ નિશ્ર્ચિતરૂપે સેક્યુલર સિદ્ધ થયા હોત. તેમના અનુયાયીઓ અને પ્રશંસકોને પણ સ્વીકારવા માટે અઘરી પડે એટલી વિજ્ઞાનનિષ્ઠા તેમની હતી. (આ વ્રત અમે અંધતાથી (અંધપણે) લીધું નથી એમ કહેનારા સાવરકરજીને પણ અંધતાથી સ્વીકારવા અઘરા છે.)
 
મન વચન અને કર્મમાં જેવી એકરૂપતા તેમના જીવનમાં પ્રકટ થઈ તે અનુપમ છે.
 
કેટલીક પ્રાથમિક વાતો. સાવરકરજી ઉત્તમ વક્તા, ઉત્તમ લેખક, ઉત્તમ કવિ, ઉત્તમ સંગઠક હતા. પરંતુ તેમની એ બહુમુખી પ્રતિભા રાષ્ટ્રની સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સમાજના સંરક્ષણ, પ્રશિક્ષણ, સંપન્નતા અને શ્રેષ્ઠતાની પ્રાપ્તિ માટે સમર્પિત હતી. જીવનની ક્ષણ ક્ષણ, પ્રતિભાનો અને રક્તનો કણકણ એ મહાકાર્યને સમર્પિત હતો. આજે તેમના જન્મદિવસે તેમની મૃત્યુની ક્ષણોની વાત નથી કરવી પણ તેના પણ તલસ્પર્શી અધ્યયનની આવશ્યકતા છે.
 
પોતાના કર્તૃત્વને કારણે લોકમાન્ય ટિળકનું ધ્યાન આકર્ષિત કરનારા અને તેમના દ્વારા ગુજરાતના જ સુપુત્રો શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહજી રાણા પર લખાએલા ભલામણપત્રને આધારે વિદેશમાં શિક્ષણ અને સશસ્ત્ર ક્રાંતિ માટેની તકો પ્રાપ્ત કરનારા સાવરકરજી હુતાત્મા મદનલાલ ઢીંગરા જેવા અનેક તરુણ બલિદાનીઓની પ્રેરણા બન્યા.
 
મારી જનમટીપને નામે તેમના દ્વારા લિખિત તેમની આત્મકથા કહે છે કે ત્રણે ભાઈઓ કાળાપાણીની સજા લઈને આંદામાન સેલ્યુલર જેલમાં હતા તે વાતની તો તેમને જેલની મજૂરી દરમિયાન અચાનક થએલી મુલાકાતને કારણે ખબર પડી, જ્યાં બળદની જેમ તેલ પીલવાની સજા ભોગવતાં ભોગવતાં તેમણે હિન્દુ ધર્મજાગરણનું (ઘરવાપસીનું) કામ પણ કર્યું, ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતાના મહાસમર વિષે ઝાંસીનાં મહારાણી લક્ષ્મીબાઈ, નાનાસાહેબ પેશવા, તાત્યા ટોપે, અજીમુલ્લાખાન જેવા નેતૃત્વમાં થયેલાં મહાપરાક્રમને જનજન સુધી પહોંચાડવાના હેતુથી ૧૯૦૯માં પ્રકાશિત ગ્રંથ ૧૮૫૭નો મહાસંગ્રામ એવો પ્રથમ ગ્રંથ હતો જે સંપૂર્ણ બ્રિટિશ સામ્રાજ્યની હદની બહાર ચોરીછૂપીથી મોકલી ફ્રાન્સમાં પ્રકાશિત થયો અને પ્રકાશિત થતાં પહેલા પ્રતિબંધિત થયો. મહાકવિ સાવરકરે એસી કેબિનમાં ટેબલખુરશી પર બેસી કવિતાઓ નથી લખી પણ કોટડીની દીવાલો પર હાથમાં પડેલી બેડીઓથી ઘસીને લખેલી કવિતાઓ કંઠસ્થ કરી જેલમાંથી બહાર નીકળનારા કેદી મિત્રોને કંઠસ્થ કરાવીને બહાર મોકલી, હેતુ પોતાની કવિતાઓનાં પ્રકાશનનો નહોતો પણ સર્વસામાન્ય મનુષ્યમાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે સમર્પણનો ભાવ જાગ્રત કરવાનો હતો.
 
વૈચારિક અને કાયદાકીય સંઘર્ષ સતત ચલાવી ૧૯૬૦ને બદલે ૧૯૨૪ માં કાળાપાણીની સજામાંથી મુક્તિ મેળવ્યા પછી પણ તેમની ઉપર અનેક પ્રતિબંધો હતા. રાજકીય કાર્ય ન કરવું, અમુક ભૌગોલિક વિસ્તારની બહાર ન જવું વગેરે પ્રતિબંધોને નામે તથા અચાનક મુક્તિ પછી પ્રાપ્ત થએલું ગૃહજીવન ભોગવવા માટે ૧૪ વર્ષનો થાક ઉતારવાને બહાને સામાજિક અને સ્વાતંત્ર્યપ્રાપ્તિના કાર્યમાંથી તેઓ વિરક્ત થયા હોત તો કોઈ તેમનો વાંક ન કાઢી શકત પણ એમ ન કરતાં તેમણે સમાજ જાગરણ અને પ્રશિક્ષણના હેતુથી વક્તવ્ય અને લેખન નિરંતર ચાલુ રાખ્યું, આ દેશના મૂલાધારરૂપ હિન્દુ સંગઠનની દૃષ્ટિથી રત્નાગિરીમાં પતિતપાવન મંદિરને નામે સામાજિક સમરસતાનું કાર્ય શરૂ કર્યું, હિન્દુ મહાસભાને નામે રાજકીય ફલક પર પણ કામ શરૂ કર્યુ, વિશ્ર્વભરમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે સર્વસ્વ બલિદાનીઓ માટે લેખન કરતાં સ્વનામધન્ય છત્રપતિ શિવાજી મહારાજ અને ઈટાલીના શિવાજી કહી શકાય તેવા જોસેફ મેઝીનિનાં ચરિત્રો પણ લખ્યાં. આ દેશ માટે અને સંપૂર્ણ માનવત્વ માટે પ્રાણરૂપ હિન્દુ તત્ત્વજ્ઞાનનું તલસ્પર્શી વિશ્ર્લેષણ કરતું લેખન સતત અનેક રૂપે કરતાં રહ્યા.
 
શ્રી અટલબિહારી વાજપેયીજી કહે છે : જ્યારે જ્યારે કોઈ પરાધીનતા સામે સંઘર્ષનાં મેદાનમાં કૂદશે, અન્યાય વિરુદ્ધના મેદાનમાં ઊતરશે, જ્યારે જ્યારે જીવનના બલિદાનની ક્ષણ આવશે, જ્યારે જ્યારે સર્વસ્વસમર્પણ કરી ગુમાવેલી માતૃભૂમિની ખોઈ દીધેલી સ્વાધીનતાને પ્રાપ્ત કરવાની ક્ષણ ઉપસ્થિત થશે ત્યારે વિશ્ર્વભરના સ્વતંત્રતા માટે લડનારા લોકો જે મહાપુરુષોનું સ્મરણ કરશે અને સ્મરણ કર્યા પછી બલિવેદી પર પોતાનાં જીવનનું બલિદાન કરવા આગળ વધશે ત્યારે સાવરકરજી એક દેદીપ્યમાન રત્નની જેમ પ્રકાશિત અને શોભિત થશે. તેમણે ગેરિબાલ્ડી, મેઝીનિ પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી પણ તેઓ પોતે જ એક પ્રેરકશક્તિ બની ગયા. બાલ્યાવસ્થાથી જ સ્વાતંત્ર્યલક્ષ્મીની ઉપાસના, ચાફેકરબંધુઓ જેવા બલિદાનીઓની યશગાથા લખતી વખતે જ દેશનાં સ્વાતંત્ર્ય માટે સર્વસ્વસમર્પણનો સંકલ્પ કરવો તેમાં કોઈ પૂર્વજન્મનો સંકેત હોય તો કોઈ આશ્ર્ચર્યની વાત નથી. આપણા દેશમાં સ્વાતંત્ર્ય માટે બલિદાન કરનારાઓની એક લાંબી પરંપરા નિર્માણ થઈ. ક્રાંતિકારીઓથી ભરેલો આ દેશનો ઇતિહાસ છે. સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તર્ક, સાવરકર એટલે તત્ત્વ, સાવરકર એટલે હૃદયનો તરફડાટ. ‘ને મઝશી ને પરત માતૃભૂમિલા સાગરા પ્રાણ તલમલલા । (સમુદ્રને ઉદ્દેશીને માતૃભૂમિને આંગણે પહોંચાડવા કરેલી વિનંતી). વાસ્તવિક બહુઆયામી વ્યક્તિત્વ. કવિતા અને ક્રાંતિ સાથે ચાલવી બહુ અઘરી છે. તેમનામાં કાવ્યકલ્પનાની ઊંચાઈ હતી પણ વાસ્તવિકતાનાં ધરાતલ પરથી તેમના પગ ક્યારેય હવામાં ન ઊઠ્યા. વાસ્તવિકતાઓથી ક્યારેય તેમનો સંબંધ ન તૂટયો. આપણે એક બિંદુ છીએ, સાવરકરજી સિંધુ હતા. પણ પ્રત્યેક બિંદુ સિંધુમાંથી જ ચૈતન્ય પ્રાપ્ત કરે છે.
 
તે મહાસિંધુમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાના હેતુથી તેમનું આપણે બધા ગહન અધ્યયન કરીએ.
 
આવા એક પ્રાત:સ્મરણીય વ્યક્તિત્વનું અને તેમના બહુઆયામી કર્તૃત્વનું સ્મરણ આજે તેમના જન્મદિવસ નિમિત્તે કરીશું તો કદાચ તે મહતકાર્ય માટે યત્કિંચિત્ સમર્પણની પ્રેરણા આપણને પણ મળશે તેવી શ્રદ્ધાથી મારો આ નાનકડો પ્રયાસ પૂર્ણ કરું છું...
 
 - શ્રીકાંત કાટદરે