ચિત્રકૂટ ધામ ખાતે પૂ.મોરારિબાપુ દ્વારા ગુજરાતનાં દરેક જિલ્લાના પ્રાથમિક શાળા ક્ષેત્રે કુલ ૬૬ 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ' એનાયત થશે.

03 May 2022 11:21:36

moraribapu 
 

૬૬ શ્રેષ્ઠ શિક્ષકનું 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ થી સમ્માન કરશે મોરારિબાપુ

રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તારીખ ૧૧ /૫ /૨૦૨૨ ને બુધવારે ૯:૦૦ વાગે પૂ. મોરારિબાપુ દ્વારા એનાયત થશે. વર્ષ ૨૦૦૦ની સાલથી પ્રારંભ થયેલાં આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રતિવર્ષ અર્પણ થાય છે. તલગાજરડા (તા.મહુવા)ની કેન્દ્રવર્તી શાળા-ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને ૬૬ પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનોની પૂ. મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે. ગુજરાતનાં દરેક જિલ્લામાંથી એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ એનાયત થશે. જેમાં સને ૨૦૨૦ ના વર્ષના 33 એવોર્ડ તેમજ ૨૦૨૧ ના વર્ષના ૩૩ એમ કુલ મળીને ૬૬ શિક્ષકોને આ એવોર્ડ એનાયત થશે. આ ૨૧ અને ૨૨ મા ચિત્રકૂટ એવોર્ડની ઘોષણા આજે થઇ હતી.
 
ગત કોરોના કાળના સમયગાળામાં ચિત્રકૂટ એવોર્ડ કાર્યક્રમ સ્થગિત રહ્યો હતો, તે બન્ને વર્ષના એવોર્ડ આ વર્ષે સાથે એનાયત થશે.
 
રાજ્યભરના બે લાખ ઉપરાંત પ્રાથમિક શિક્ષકો માંથી પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે. આ પારિતોષિકથી પુરસ્કૃત પ્રત્યેક પ્રાથમિક શિક્ષકને પૂજ્ય મોરારિબાપુ દ્વારા 25000 રૂપિયા, સૂત્રમાલા, રામનામી, કાળી કામળી તેમજ સન્માનપત્રથી સમ્માનિત કરવામાં આવશે. પૂ. સીતારામબાપુ અધેવાડા પણ દરેક પુરસ્કૃતોને સુંદરકાંડનાં પુસ્તકથી સમ્માનિત કરશે.
 
મહુવા તાલુકાના શિક્ષક સંઘના અધિવેશન સાથે અહીં આ દિવસે મહુવા તાલુકામાંથી સેવા-નિવૃત્ત થનાર પ્રાથમિક શિક્ષક બહેનો/ભાઈઓને પણ સમ્માન સાથે વિદાય નિવૃત્તિ આપવામાં આવશે.
 
સ્થાનિક કક્ષાએ કાર્યક્રમની સફળતા માટે અગ્રણીઓ સર્વશ્રી ગજુભા વાળા, ગણપતભાઇ પરમાર, ભરતભાઈ પંડયા, મનુભાઈ શિયાળ વગેરે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં છે.
 
પ્રાથમિક શિક્ષણ પાયાનું શિક્ષણ છે અને તેને સાર્વત્રિક તથા ઘનિષ્ઠ બનાવવાનાં પ્રયાસોમાં પોતાના ફાળે આવેલ કર્તવ્યપાલનતામાં નિસ્વાર્થ સિંહફાળો અને યોગદાન આપનાર પ્રાથમિક શિક્ષકો સાચા શિલ્પીઓ છે, ત્યારે પૂજ્ય મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને એનાયત થતો ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગૌરવવંતો અને મૂલ્યવાન લેખાય છે.
 
આ સમગ્ર ઉપક્રમ આસ્થા ટી.વી. ચેનલનાં માધ્યમથી દુનિયાના 172 દેશોમાં તેમજ સંગીતની દુનિયા યુ ટ્યુબ ચેનલ પર થી જીવંત પ્રસારણ થનાર છે.
 
 
Powered By Sangraha 9.0