કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રૃંગાર ગૌરીની પૂજા અને દર્શન કરવા માટે કેટલીક મહિલાઓએ કરેલી અરજીના અનુસંધાનમાં બંને પક્ષકારોની ઉપસ્થિતિમાં કોર્ટેં વિડિયોગ્રાફી કરાવતાં ત્યાંના વજુખાનાના સ્થાનેથી શિવલિંગ મળ્યું. મામલો ચર્ચાસ્પદ બનતાં સુપ્રીમ કોર્ટેં વજુખાનાના સ્થાનને સીલ કરીને બાકીના પરિસરમાં મુસ્લિમોની ધાર્મિક ક્રિયાઓ કરવાની છૂટ આપી. અહીં શિવલિંગ છે એ જાહેર થતાં જ સમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહ વ્યાપ્યો. હાલ લાખ્ખો ટ્વિટ સાથે હેઝ ટેગ - ‘બાબા મિલ ગયે !’ ( #Baba_Mil_Gaye ) અને જ્ઞાનવાપી મસ્જિદને બદલે - ‘જ્ઞાનવાપી મંદિર’ ( gyanvapi temple ) ટ્રેન્ડિંગ કરી રહ્યું છે.
મસ્જિદના સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સ્થાનિક અદાલતના આદેશને ગેરકાનૂની ગણાવી કહ્યું કે એ શિવલિંગ નહીં પણ ફુવારો છે. મુસ્લિમો એ પણ દલીલ કરે છે કે ૧૯૯૧ના અધિનિયમ મુજબ ૧૫ ઓગસ્ટ - ૧૯૪૭થી જે ધાર્મિક સ્થાનની સ્થિતિ જેમની તેમ જ રાખવામાં આવશે. આ અંગે કોઈ જ કોર્ટ કે અન્ય કોઈ કેસ ચલાવી શકશે નહીં કે ફેરફારનો આદેશ આપી શકશે નહીં. પરંતુ ૧૯૯૧ના આ કાયદામાંથી શ્રી રામજન્મભૂમિ ઉપરાંત એન્સિયન્ટ મોન્યુમેન્ટ્સ ઍન્ડ આર્કિયોલોજિકલ સાઈટ્સ અને ખંડેરોને મુક્તિ આપવામાં આવી છે. ઐતિહાસિક તથ્યો મુજબ રાજા ટોડરમલે અકબરના સમયમાં વારાણસીમાં શિવમંદિર બનાવેલ, જેને ઓરંગઝેબે તોડીને મસ્જિદ બાંધી. આજે પણ શિવમંદિરના પુરાવા રૂપે નંદીનું મુખ મસ્જિદ તરફ દેખાય છે. આ મુદ્દો હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ સાથે જોડાયેલો છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કોઈ પણ મંદિરને ખંડિત કરવામાં આવે, છતાં એ મંદિરની મૂર્તિનું વિસર્જન ન થાય ત્યાં સુધી પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ એ મંદિર આજીવન મંદિર જ રહે છે. ઇસ્લામ પણ કહે છે કે જે સ્થાન ખરીદેલું ના હોય તે સ્થાને મસ્જિદ કે નમાજ હરામ છે. તો પછી કોઈ પ્રશ્ર્ન જ રહેતો નથી. આવાં ઘણાં ઐતિહાસિક, ધાર્મિક અને બંધારણીય કારણોસર હિન્દુઓ જ્ઞાનવાપી મસ્જિદને પુન: હતું તેમ, અર્થાત્ મંદિરમાં રૂપાંતરિત કરવા માંગે છે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદની ઘટનાએ સમગ્ર દેશની મસ્જિદની જગ્યાઓ પર પ્રશ્ર્નાર્થો ઊભા કર્યા છે. ભૂતકાળમાં દેશમાં થયેલા ધાર્મિક જોરજુલમ અને મંદિરો તોડીને મસ્જિદો બાંધવામાં આવેલી હતી એનો દબાયેલો, છુપાવી દેવાયેલો ઇતિહાસ બહાર આવી રહ્યો છે. દેશમાં ૮૦૦ વર્ષ સુધી ચાલેલા મુસ્લિમ શાસનમાં ધર્માંધ શાસકોએ હિન્દુઓની આસ્થા પર કુઠારાઘાત કર્યાના અનેક પુરાવા બહાર આવી રહ્યા છે. અયોધ્યામાં બાબરી ઢાંચાને સ્થાને રામમંદિર બની રહ્યું છે ત્યારે દેશના જે જે વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ બની છે, ત્યાં હવે નવા પ્રકારની હલચલ પેદા થઈ છે.
કાશીની માફક જ મથુરાનું શ્રીકૃષ્ણનું જન્મસ્થાન - શાહી ઈદગાહ મસ્જિદનો મુદ્દો અત્યંત સંવેદનશીલ બની રહ્યો છે. મથુરાની અદાલતમાં અલગ-અલગ પાંચ કેસ ચાલી રહ્યા છે, તે પૈકીના એક કેસમાં મસ્જિદને હટાવવાની માંગણી પણ કરવામાં આવી છે, જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન પર બની છે. અલ્હાબાદ હાઈકોર્ટેં મથુરાના સિવિલ જજને આ તમામ ખટલાઓનો ૪ મહિનામાં નિકાલ કરવાનો આદેશ આપ્યો છે અને આદેશના બીજા જ દિવસે જ્ઞાનવાપી મસ્જિદ જેમ શાહી ઈદગાહ મસ્જિદની પણ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સર્વેની માંગણી થઈ છે. કર્ણાટકમાં હિજાબ અને હલાલ બાદ મંદિર-મસ્જિદનો મુદ્દો ગાજવા લાગ્યો છે. બ્ોંગલુરુથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા શ્રીરંગપટ્ટનમ્ શહેરની જામિયા મસ્જિદ મૂળભૂત રીતે હનુમાનજીનું મંદિર હોવાનો દાવો થયો છે. એ મસ્જિદ ટીપુ સુલતાને ૧૭૮૨માં બાંધી હતી, તેની દીવાલો પર હિન્દુ શિલાલેખો અને મસ્જિદની અંદરની હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ આજેય કોતરાયેલી જોઈ શકાય છે. કર્ણાટકના કાલીમઠના ઋષિકુમાર સ્વામીએ મસ્જિદ હટાવી મંદિર બાંધવાની અને પુન:પૂજાપાઠની મંજૂરી માંગી છે. કર્ણાટકના પ્રધાન ઈશ્ર્વરપ્પાએ તો દાવો કર્યો છે કે મોગલકાળમાં ભારતમાં ૩૬ હજારથી વધુ મંદિરો તોડી મસ્જિદો બનાવાઈ છે અને એના પુરાવા ય છે. માટે ત્યાં પુન: મંદિર સ્થાપી પૂજાપાઠની માંગણી કરી છે. મધ્યપ્રદેશમાં આવેલ ભોજશાળાને પણ અલ્લાઉદ્દીને તોડીને મસ્જિદ બનાવી હતી તેની પુન: પ્રતિષ્ઠા અને પંજાબના પટિયાલામાં રાજપુરા ગામમાં ગુંજરાવાલા મહોલ્લામાં આવેલી મસ્જિદ અંગેનો વિવાદ પણ સપાટી પર છે. એ રીતે તાજમહેલ પણ તેજોમહાલય શિવમંદિર છે, કુતુબ મિનાર વિષ્ણુ સ્તંભ છે અને બાજુની મસ્જિદના પરિસરમાં ૨૭ જેટલાં જૈનમંદિરો છે તેવા દાવા અને અરજીઓ પણ થઈ છે. ટૂંકમાં વારાણસી તો ઝાંખી છે, મથુરા, તાજમહેલ અને કુતુબ મિનાર હજુ બાકી છે.
ઇસ્લામ છોડીને હિન્દુ બની ગયેલા વસીમ રિઝવી શિયા વકફ બોર્ડના ચેરમેન હતા ત્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને અપીલ કરી હતી કે ભારતમાં જ્યાં પણ મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ છે તે બધી જગ્યાઓ હિન્દુઓને પરત આપી દેવામાં આવે, કારણ કે એ ઇસ્લામ મુજબ જાયજ નથી.
ભારતીય પરંપરા સનાતન છે. મંદિરો હિન્દુસ્થાન અને હિન્દુ ધર્મની આસ્થાનાં કેન્દ્રો અને આધારસ્થંભો છે. મંદિરો તોડીને મસ્જિદો બનાવાયાના એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે અને ઇસ્લામમાં અન્યની પડાવી પાડેલી જમીન પર મસ્જિદ કે નમાઝ હરામ છે એ સર્વવિદિત છે. તેથી પરાધિનતાનાં આ પ્રતિકો હટવાં જ જોઈએ, પરંતુ અપેક્ષા એ છે કે ઇતિહાસના સત્યને સ્વીકારી, ન્યાયાલયના ચુકાદાને માન આપીને તથા તોફાનો કે આતંકથી દૂર રહી દેશના હિન્દુ-મુસ્લિમો હૃદયપૂર્વક આ બાબત સ્વીકારે. ઘણા ઉદારવાદી મુસ્લિમ મહાનુભાવો આ માટે આગળ આવીને મંદિરોના સ્થાપન માટે કહી રહ્યા છે એ આનંદની છે. આને ધાર્મિક દૃષ્ટિથી જોવાના બદલે લોકો જે દેશમાં રહે છે, જે સંસ્કૃતિમાં ઊછર્યા છે, તેમની પેઢીઓ જ્યાં વિકસી અને વિસ્તરી છે, જ્યાંના અન્ન, પાણી અને હવાને શ્વાસમાં ભર્યાં છે, તેના ઉત્થાન અને ગૌરવની દૃષ્ટિએ જોવાશે તો જ વિવાદને બદલે વિકાસ દેખાશે, વિષને બદલે વહાલ ઊપજશે. આ ભૂમિ પર રહેનારો દરેક વ્યક્તિ હિન્દુસ્થાની છે અને આ સંસ્કૃતિનું ઉત્થાન અને ગૌરવ તેની ફરજ છે એટલું યાદ રહે એ જરૂરી છે.