પત્ની સાથે વૃદ્ધ થવું એ સૌથી મોટું આર્ટ ઓફ લિવિંગ છે. ભારતીય સંસ્કૃતિ સાત જનમ સાથે રહેવાની વાત કરે છે.

જયહિન્દ - બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. - ચાણક્ય

કુલ દૃશ્યો |

marriage 
 

પ્રેમની પોસ્ટ... સપ્તપદીના સરનામે

 
આજે આપણે લગ્નનું આયોજન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપી દઈ નિરાંતે ઊંઘી જઈએ છીએ. પહેલાંના જમાનામાં તો છ મહિનાથી તૈયારીઓ આદરી દેવામાં આવતી હતી. રોજ રાત્રે ચા-પાણી કસુમ્બાની સાથે કામની યાદી લખાતી જાય. સવાર અને સાંજ શરણાઈની સંગત અને ઢોલના ઢમકારા કેમ ભુલાય ? લગ્નજીવન એટલે પત્ની પાણી ભરે અને પતિ પાણી બતાવે, પતિ જમે અને ઓડકાર પત્નીને આવે, ચાર હાથ અને બે હૈયાંનો સરવાળો, સળી સળીને ભેગી કરી સર્જાયેલો માળો, ઓફિસથી થાકીને આવેલા પતિ સામે ધરેલા પાણીના ગ્લાસમાં છૂ થતો થાક, હૃદયમાં વાવેલા લાગણીના દાણાનો મબલક પ્રેમનો પાક...
 
ઈશ્ર્વરે સર્જી આપેલો અદ્ભુત સંબંધ. સપ્તપદીના સરનામે લગ્નમાં સંલગ્ન થવાનું હોય છે. બીજા બધા સંબંધોમાં મર્યાદા છે. પતિ-પત્નીના સંબંધમાં મોકળાશનું મધુવન છે. પારદર્શકતા, પ્રામાણિકતા અને પ્રવાહિતા હોય તો જીવનસફર આહ્લાદક બની જાય છે.
 
એક માણસ એક સુંદર સ્ત્રીના વાળના પ્રેમમાં પડ્યો અને આખા શરીરને પરણવાની ભૂલ કરી ! લગ્નનો લાડુ ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય છે ! લગ્ન ન કરવાનો ફાયદો એ છે કે પલંગની બન્ને બાજુએથી ઊતરી શકાય છે અને ગેરફાયદો એ છે કે પલંગ પરથી પડી જવાનો ભય રહે છે. લગ્નજીવન એટલે પ્રોટેક્શન. એક વ્યક્તિ નાસીપાસ થાય તો બીજી હિંમત આપવા તત્પર હોય. બે અડધાં અડધાં અંગોથી સંપૂર્ણ સામ્રાજ્ય સર્જાય છે. અર્ધનારેશ્ર્વરની પ્રેમની પરિકલ્પનાને પૂર્ણ કરે છે.
 
લગ્ન પહેલાંની અઢળક વાતો વડીલોની ત્રાંસી નજરમાં આવે, પણ આ સંવાદનું શસ્ત્ર દાંપત્યજીવનમાં અતિ મહત્ત્વનું બની રહે છે. બેલેન્સ ખૂટી જાય ત્યાં સુધીની વાતો ભવિષ્યમાં બેલેન્સ પૂરનારી બની જાય છે. હેન્ડસેટમાં સ્થાન મેળવવું સહેલું છે, પણ હાર્ટમાં અઘરું. બાજીરાવ જ્યારે મસ્તાનીને લઇ મહેલમાં આવે છે ત્યારે પ્રથમ પત્ની કાશીબાઈ કહે છે કે, આ સ્વાગત માત્ર ઘરના ઉંબરે જ થાય છે, હૃદયના ઉંબરે નહીં. દાંપત્યજીવનમાં સમજણનો ‘સ’ અગત્યનો ભાગ ભજવે છે. એની સામે તમામ અભાવો પણ નાના લાગે. ગોવર્ધનરામ ત્રિપાઠી કહે છે કે, જડ શરીરનો વિવાહ નથી, પણ ચેતન હૃદયનો વિવાહ છે. જેને શાસ્ત્રકારો વરણવિધાન કહે છે, તે તો માત્ર તેનું ઉપકારક ઉપલક્ષણ છે.
 
સ્ત્રી અને પુરુષના સહજીવનની શરૂઆત માટે આદિકાળથી એક વ્યવસ્થા ગોઠવાતી આવી છે, જેને લગ્નનું નામ અપાયું. ખરેખર તો લગ્ન એ બે આત્માઓનું મિલન કહી શકાય, જેમાં બે પરિવારો પણ જોડાય છે. પુત્રવધૂ એટલે પુત્રથી પણ વધુ. એ જ્યારે અજાણ્યા આંગણામાં પોતાનું સર્વસ્વ ત્યાગીને આવે છે ત્યારે એના સર્વસ્વ બનવાની જવાબદારી પતિની છે. યૌગંધરાયણમાં કવિ ભાસે કહ્યું છે, કન્યાદાન ન કરવાને કારણે સંકોચ થાય છે અને દીકરી પરણાવી દેવાને કારણે મન દુ:ખી થાય છે. આમ ધર્મ (કર્તવ્ય) અને સ્નેહની વચ્ચે વહેતી માતાઓ કષ્ટનો અનુભવ કરે છે. નાળિયેર, નાડાછડી, નાગરવેલનાં પાન, દર્ભ, પંચામૃત, અબીલ, ગુલાલ, કંકુ જાણે થનગનાટનાં પ્રતીક બની વાતાવરણને તાજગી બક્ષે છે.
 
વાસંતી મદલોલ ડોલનવતા વાયુ હિલોળી જતાં,
ચારું ચંદરવા ચકોર ચિત્તના, પાનેતરો પ્રીતનાં,
મ્હોર્યો યૌવનમાંડવો, લહરાતા લાવણ્યના તોરણે,
આયુના અબીલે સુદમ્પતી રચો, સાયુજ્યના સ્વસ્તિકો
 
- બાલમુકુન્દ દવે
 
લગ્નમાં સંલગ્ન થવાનું હોય છે. ભાઈ-બહેન, માતા-પિતા, કાકા-કાકી તથા અન્ય સંબંધોમાં એક મર્યાદા છે. અન્ય બીજા બધા સંબંધોમાં થોડી મર્યાદા આવી જાય છે પણ લગ્નમાં પતિ-પત્ની બધું જ કહી શકે છે. મજાકમાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા... ને છેલ્લું સુખ એ ફેરા ફર્યા !! સૌથી વધુ જોક લગ્નજીવન ઉપર હશે પણ સૌથી ગંભીર અને ગહન વિષય પણ લગ્ન જ છે. પત્ની સાથે વૃદ્ધ થવું એ સૌથી મોટું આર્ટ ઓફ લિવિંગ છે. ભારતીય સંસ્કૃતિ સાત જનમ સાથે રહેવાની વાત કરે છે. વિદેશમાં તો ચોથી પત્નીનું નામ પણ યાદ કરવું પડે છે. પ્રેમિકાના પ્રેમમાં તો સૌ પડે પણ પોતાની પત્નીના પ્રેમમાં પડે તે સાચો...
 
 
જયહિન્દ - બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
- ચાણક્ય
 
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.