રેશમી ઝભ્ભો । અહીં માન જ્ઞાન કરતા દેખાવ અને કપડાને વધારે મળે છે?!

સંતના આ શબ્દો પછી બધાને પોતાની ભૂલ સમજાઈ અને સંતે આ ઉદાહરણ દ્વાર એક ખૂબ સરસ સંદેશ આપ્યો. વ્યક્તિને તેના કપડાથી નહી તેના વિચારોથી સમજો. કપડા નહી વિચારો શ્રેષ્ઠ હોવા જોઇએ…

    31-May-2022
કુલ દૃશ્યો |

bodh katha
 
 
એકવાર એક મહાન સંત એક ગામમાં આવવાના હતા. આથી ગામના એક શ્રીમંતને ઇચ્છા થઈ કે સંત ગામમાં આવે છે તો તેમનું સ્વાગત થવું જોઇએ એટલે તેણે સંતનું સ્વાગત કરવા સંતને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપવાનું વિચાર્યુ. સંતની સાથે આખા ગામને પણ જમણવારનું આમત્રંણ આપવામાં આવ્યું. સંત જે દિવસે ગામમાં પ્રવેસવાના હતા તે દિવસે ગામના આગેવાનોને બોલાવવામાં આવ્યા. ચર્ચા કરવામાં આવી અને બધા ગામના પાદરે સંતને આવકારવા ઊભા રહ્યા.
 
શ્રીમંત શેઠ અને ગામના આગેવાનો સંતની રાહ જોતા હતા ત્યાં જ અચાનક ત્યાં એક ફકીર આવી ચડ્યો. ફાટેલા મેલા કપડા, ભિખારી જેવો લાગતો તે ફકિર ત્યાં આવ્યો એટલે પેલા શ્રીમંત તેના પર ગુસ્સે ભરાયા અને બોલ્યા અલ્યા એય….તુ અહીં શું કરે છે. ચાલ જા અહીથી…મોટા સંત આવવાના છે. તને જોશે તો ગુસ્સે ભરાશે.
 
એ ફરીર તો આ સાંભળી ત્યાંથી ચાલ્યો ગયો પણ થોડીવાર પછી સંત ત્યા આવ્યા. શ્રીમંત શેઠે તેમને પ્રણામ કર્યા. ફૂલોના હારથી તેમનું સ્વાગત કર્યું. આવકાર આપ્યો અને ઉત્સાહ પૂર્વક જ્યાં સભા અને કાર્યક્રમ યોજાયો હતો ત્યાં સંતને લઈ ગયા. અહીં પહોંચવાની સાથે જ શેઠે સંતને ત્યાં મૂકેલ આસન ગ્રહણ કરવાનું કહ્યું. આથી સંતે તરત જ તેણે પહેરેલ રેશમી ઝભ્ભો અને ટોપી તે આસન પર ગોઠવી દીધા અને પોતે જમીન પર બેસી ગયા.
 
આ જોઇ બધા દંગ રહી ગયા. સંતે આવું કેમ કર્યું? ભૂલથી થયું હશે એમ વિચારી શેઠે સંતને આગ્રહ કર્યો કે ગુરૂજી આપની જગ્યા ઉપર આસન પર છે જમીન પર નહી. આ આસન તમારા માટે છે. અહીં બિરાજો. શેઠના આ વાક્યો સાંભળી સંત હસ્યા અને શેઠને કહ્યું કે મને લાગે છે કે તમે આ રેશમી ઝભ્ભો અને ટોપીને જ આમંત્રણ આપ્યું હતું એટલે રેશમી ઝભ્ભો અને ટોપીનું તે સ્થાન છે તે મારું સ્થાન નથી.
 
શેઠે કહ્યું આવું કેમ કહો છો ગુરૂજી? અમે તો તમને જ આમંત્રણા આપ્યુ છે.
 
ત્યારે સંતે કહ્યું કે હું પહેલા આવ્યો જ હતો. ફાટેલા ટૂટેલા કપડા પહેરી પહેલા હું જ આવ્યો હતો પણ તમે મને આહીં જતા રહેવા જણાવ્યું હતું. પછી હું આ રેશમી ઝભ્ભો પહેરી આપ્યો અને પછી મને આવકાર મળ્યો. એટલે મને લાગે છે કે તમે મને નહી પણ આ રેશમી ઝભ્ભો અને ટોપીને આમંત્રણ આપ્યુ હતું. માટે આસનના હકદાર એ છે હું નહી…
 
સંતના આ શબ્દો પછી બધાને પોતાની ભૂલ સમજાઈ અને સંતે આ ઉદાહરણ દ્વાર એક ખૂબ સરસ સંદેશ આપ્યો. વ્યક્તિને તેના કપડાથી નહી તેના વિચારોથી સમજો. કપડા નહી વિચારો શ્રેષ્ઠ હોવા જોઇએ…