વૈશાખ સુદ પાંચમ | જગદ્ગુરુ શંકરાચાર્યની જન્મજયંતિ નિમિત્તે વિશેષ | Adi Shankaracharya Jayanti 2022
પશ્ચિમાકાશે સૂરજ ઢળી રહ્યો હતો. ગુરુકુળમાં અભ્યાસ કરતા આઠ વર્ષના શંકર ખભે જોળી ભરાવીને એક ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યા હતા. ભિક્ષા માંગતા માંગતા શંકર એક નિર્ધન બ્રાહ્મણના દ્વારે આવીને ઊભા રહ્યા અને સાદ પાડ્યો, ‘
શંકરનો અવાજ એ ગરીબ ઝુંપડામાં બેઠલા બ્રાહ્મણની ધર્મપત્નીના કાને પ્રવેશ્યો અને તેઓ મુંઝાઈ ગયા. સમસ્યા એ હતી કે ઘરમાં અન્નનો દાણો પણ નહોતો, ખાવા માટે કંઈ જ નહોતું અને બહાર બટુક ભિક્ષા માટે આવ્યા હતા. તેમને આપવું શું? અને બ્રહ્મચારી જો ઘરના દ્વારેથી ભિક્ષા લીધા વિના જ પાછા ચાલ્યા જાય તો મહાપાપ લાગે ? બ્રાહ્મણપત્ની ભારે અવઢવમાં હતા ત્યાં જ અચાનક તેમને યાદ આવ્યુ કે ઘરમાં અન્ન તો નથી પણ દસ - બાર આંબળાં પડ્યાં છે. તેઓ તરત જ એક આંબળુ લઈને બહાર આવ્યા અને શંકરને આપ્યુ.
શંકરે એ સસ્મિત ગ્રહણ કર્યુ પણ બ્રાહ્મણ પત્નીની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
શંકરે પૂછ્યુ, ‘માતા, આપને શું દુ:ખ છે ?’
બ્રાહ્મણીએ પોતાનું દુ:ખ છુપાવતાં કહ્યું, ‘ના કશું જ નથી.’
પરંતુ જેનો આત્મા બીજાના આત્મા સાથે સમરસ બની ગયો હોય, જે નિઃસ્વાર્થ બની ગયા હોય અને સર્વસ્વ ત્યાગી દીધું હોય એવા બટુક ભૂદેવથી નારીની વેદના કેવી રીતે છૂપાઈ શકે? તેઓ બધું જ પામી ગયા. તેમણે ફરી પુછ્યું ‘માતા, દુ:ખ તો લાગે જ છે, વિના સંકોચે કહો.’
અંતે તે સન્નારીએ ડૂમાગ્રસ્ત સાદે કહ્યું, ‘બેટા, આજે ભિક્ષા આપવા માટે મારી પાસે ભોજન નથી, માત્ર આ આંબળુ જ છે, તેનું મને દુ:ખ છે. સાધુ બ્રાહ્મણ અલ્પ સંતોષી હોય છે. ફક્ત એક દિવસ પુરતા ભોજનનું જ ઉપાર્જન કરે છે. એનાથી વધારે ભેગુ કરવાને તેઓ ચોરી સમજે છે. બેટા તું પણ એ જ કરી રહ્યો છે. છતાં આજે તને ભિક્ષામાં ફક્ત આ આંબળુ આપીને મારી આંખો ભરાઈ આવી છે. હું પારાવાર દુ:ખ અનુભવી રહી છું.’
બ્રાહ્મણપત્નીની વાત સાંભળી શંકરનું હૃદય પણ ભરાઈ આવ્યું. તેમના મનમાં બ્રાહ્મણ પરિવારની નિર્ધનતા ખટકવા લાગી, પરંતું તેમણે વિચાર્યુ કે, તેમને સાંત્વનાના બે શબ્દો કહી દેવાથી તેમની નિર્ધનતા દૂર નથી થઈ જવાની. જો હું પ્રત્યક્ષ રીતે જ તેમના દુ:ખ દૂર કરી શકું તો જ ખરું. આમ વિચારીને શંકરે એ બ્રાહ્મણ પરીવારનું દુ:ખ દૂર કરવાનો નિશ્ર્ચય કર્યો. શંકરને પોતાના કર્તૃત્વ પર વિશ્ર્વાસ હતો અને એ કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી આગળ વધી ગયા.
ચાલતાં ચાલતાં તેઓ એક અત્યંત ધનવાન વ્યક્તિના ઘર પાસે આવીને ઊભા રહ્યાં. સામાન્ય રીતે શંકર ધનવાન વ્યક્તિના દરવાજે ભિક્ષા માટે નહોતા જતાં. શંકરને પોતાના દ્વારે આવીને ઉભેલા જોઈને ધનવાન વ્યક્તિને હર્ષ થયો. તેમણે પરીવારજનોને કહ્યું, ‘સાંભળો છો, આપણાં પૂર્વજન્મનાં પૂણ્ય ફળ્યાં લાગે છે. જુઓ આજે આપણે ઘરે બ્રાહ્મણ ભિક્ષા માટે આવ્યા છે. અને એ પણ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહીં, તીવ્ર બુદ્ધિશાળી, અત્યંત પ્રભાવી, મૃદુભાષી અને તેજસ્વી એવા સ્વયં શંકર આપણે આંગણે આવીને ઉભા છે. ચાલો જલ્દી એમને ભિક્ષા આપીએ.’
શંકરે ‘અવાજ નહોતો લગાવ્યો. છતાં ધનવાન વ્યક્તિ ઘણુ બધું ભોજન અને મિષ્ઠાનો લઈને તેમને આપવા બહાર આવ્યા. પણ શંકરે હાથ ના લંબાવ્યો. તેમણે કહ્યું, ‘ભાઈ, જે પોતાના સમાજના લોકોને પોતાના નથી સમજતા, જેના હૃદયમાં પોતાના લોકો માટે પ્રેમ નથી, મમતા નથી, તેનું અન્ન ખાઈને શું ધર્મવૃત્તિ ઉત્પન્ન થઈ શકશે ખરી ?’
ધનવાન વ્યક્તિ બોલ્યો, ‘હું તો સમાજસેવક છું જ ગુરુજી !’
શંકરે કહ્યું, ‘જેની નજીકમાં સ્વયં અત્યંત નિર્ધન પરિવાર રહેતો હોય અને ખાવાના પણ ફાંફા હોય એ સ્વયંને સમાજસેવક કહે તે કેવી વિડંબના કહેવાય? તારા નજીકના બ્રાહ્મણ પરિવાર પાસે આંબળા સિવાય કોઈ ભોજન નથી ભાઈ, એ તને ખબર છે?’
શંકરની વાત સાંભળી ધનવાન વ્યક્તિની આંખો ખુલી ગઈ. તેમણે શંકરની ક્ષમા માંગી અને કહ્યું, ‘ભૂદેવ, મને માફ કરો. હું એ નિર્ધન પરિવારના ઘરને સોનાનાં આંબળાંથી ભરી દઈશ. અને એ પણ નિશ્ર્ચય કરું છું કે, મારા ધનને હું સમાજસેવા અને ધર્મ માટે વાપરીશ.’
આમ શંકરે બ્રાહ્મણ પરિવારની નિર્ધનતા દૂર કરી અને એક ધનવાન વ્યક્તિને સમાજ સેવા અને સમરસતા તરફ વાળ્યો.
બાળવયથી જ સમરસ સમાજ, સેવા અને ધર્મની ત્રિવેણી વહાવનારા શંકરને આજે આપણેે આદિ શંકરાચાર્ય કે જગદ્ગુરુ શંકરાચાર્ય તરીકે પૂજીએ છીએ. તેઓ ભારતના મહાન દાર્શનિક છે, જેમણે હિન્દુ સંસ્કૃતિને પુનર્જિવિત કરી અને અદ્વૈત વેદાંતનું સંકલન કરી ભારતીય પરંપરાનું ગૌરવ વધાર્યું છે. વૈશાખ સુદ પાંચમ તદ્અનુસાર આ વર્ષે તારીખ : ૬ મે - ૨૦૨૨ના રોજ તેમની જન્મજયંતિ છે ત્યારે આ પ્રસંગમાંથી આપણે સમરસ સમાજ માટે કાર્ય કરવાની પ્રેરણા લઈએ.
(સંદર્ભ : જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્ય : દીનદયાલ ઉપાધ્યાય)