પ્રકરણ : ૧ | લાશોથી ભરેલી ટ્રેનના એ ડબ્બા પર પાકિસ્તાનીઓ ઉર્દૂમાં લખી મોકલતા : ‘આઝાદ ભારત કો પાકિસ્તાન કા તોહફા...!’

07 May 2022 14:28:58

Partition stories in Gujarati

 

વિભાજનની વેદનાની સત્ય ઘટનાઓ । Partition stories in Gujarati | 1

 

આ વર્ષે ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે. આઝાદીનો આ અમૃત મહોત્સવ દેશભરમાં નોંખી - અનોખી રીતે ઉજવાઈ રહ્યો છે. ગત સ્વાતંત્ર્ય દિન - ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિશેષ આહ્વાન કરતાં ‘૧૪મી ઓગસ્ટ’ના દિવસને ‘વિભાજનની વિભીષિકા દિન’ તરીકે જાહેર કર્યો. ભારતની સ્વતંત્રતા માટે જીવન સમર્પિત કરી દેનારા દેશના નામી-અનામી શૂરવિરોના સ્મરણાર્થે આ દિવસ ઉજવાશે. વડાપ્રધાનશ્રીએ આ દિવસની જાહેરાત કરી, કારણ કે, ભારતની સ્વતંત્રતાના ઈતિહાસમાં હુતાત્માઓનુંય રક્ત રેડાયેલું છે. ભારત - પાકિસ્તાનનું આ વિભાજન આંસુ ઉપજાવનારું છે. આ વિકરાળ વિસ્થાપન ક્રૂરતમ નરસંહારથી રક્તરંજિત છે. આવો ભિષણ નરસંહાર ભારત વર્ષના ઈતિહાસમાં પહેલાં કે પછી ક્યારેય થયો નથી. વિભાજનના દુર્ભાગ્યપૂર્ણ સમયમાં દેશ માટે બલિદાન આપનારા વીર હુતાત્માઓ, તેમના પર થયેલા અમાનુષી અત્યાચારો, તેમની અડગ ટેક અને તેમણે કરેલા અભૂતપૂર્વ સંઘર્ષની સત્ય ઘટનાઓની લેખમાળા - ‘ધી પાર્ટિશન ફાઈલ્સ’ અહીં પ્રસ્તુત છે.
 
 
લાશોથી ભરેલી ટ્રેનના એ ડબ્બા પર પાકિસ્તાનીઓ ઉર્દૂમાં
લખી મોકલતા : ‘આઝાદ ભારત કો પાકિસ્તાન કા તોહફા...!’
 
૧૫ ઓગસ્ટ - ૧૯૪૭નો દિવસ. નગર-નગરમાં ઉત્સવનો માહોલ હતો. કોંગેસ હાઈકમાન્ડે આદેશો આપી દીધા હતા કે દેશના દરેક સ્થાનો પર સામૂહિક રૂપે જશ્ન મનાવવામાં આવે, દિવાળીને પણ પાછી પાડી દે તેવી રોશની કરવામાં આવે, અબીલ - ગુલાલ ઉડાડવામાં આવે અને આખા દેશને ફૂલોથી શણગારવામાં આવે.
 
રાજધાની દિલ્હી તો દેવરાજ ઇન્દ્રની નગરી અમરાવતીથી પણ વધુ સુંદર લાગી રહી હતી. લોકો સ્વતંત્રતાની ખુશીમાં નાચી રહ્યા હતા. મોટો જનપ્રવાહ લાલ-કિલ્લા પર થનારા સ્વતંત્રતાના કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉમટી પડ્યો હતો. પંડિત જવાહરલાલ નહેરુ અને લૉર્ડ માઉન્ટ બેટન વગેરે શાહી રથોમાં સવાર થઈને લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યા હતા. ચારે તરફ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હતું. આકાશવાણીના ઉદ્ઘોષક આ મનમોહક દૃશ્યોને પોતાની મીઠી વાણીમાં રેડિયો પર પ્રસ્તુત કરી રહ્યા હતા, બસ એ જ સમયે આનાથી બિલકુલ વિપરીત એક ઔર ચિત્ર ઊપસી રહ્યું હતું - અત્યંત ભયાનક જુગુસાપ્રેરક અને બીભત્સ. ભારતમાતાના બે ટુકડા કરી દેવામાં આવ્યા હતા. ભારતની ધરતી પર જ ભારત પ્રત્યે ઘૃણા અને શત્રુતાથી ઉત્પ્રેરિત પાકિસ્તાન નામના જેહાદી સ્વાર્થી માનસિકતાવાળા એક કૃત્રિમ રાષ્ટ્રએ જન્મ લઈ લીધો હતો.
 
વિભાજનમાંથી જન્મેલી જેહાદનો ભોગ દેશના લાખો લોકો બની રહ્યાં હતાં. લાહોર, મુલ્તાન, લાયલપુર અને સ્યાલકોટ તરફથી મોટા મોટા કાફલાઓ આવી રહ્યા હતા. એ કાફલાના લોકો રક્તમાં નીતરી રહ્યાં હતાં. એ લોકો પોતાનાં આલિશાન ભવનો, પરિવારો, ખેતીની જમીનો બધું જ મૂકીને મુસ્લિમોના સકંજામાંથી જીવ બચાવીને ભાગી રહ્યાં હતાં. મુસ્લિમ રૂપી મોત એમનો પીછો કરી રહ્યું હતું. કેટલી ગર્ભવતી મહિલાઓ જંગલોમાં નવજાત શિશુને જન્મ આપી રહી હતી તો કેટલાંક લોકો વનનાં ભયાનક પશુઓનો ભોગ બની રહ્યાં હતાં. નવા જ જન્મેલા પાકિસ્તાને માનો જનમતાવેંત જ રાક્ષસી રૂપ ધારણ કરી લીધું હતું. હિન્દુ મહિલાઓ સાથે નરપિશાચી બળાત્કાર થઈ રહ્યા હતા. એમને લૂંટના માલની જેમ નિલામ કરવામાં આવી રહી હતી. કેટલીક સ્વમાની મહિલાઓ પોતાના શીલના રક્ષણ માટે માતા પદ્માવતીની જેમ જૌહર પણ કરી લેતી હતી.
“રેલગાડીઓમાં જવું પણ સુરક્ષિત નહોતું, કારણ કે નરપિશાચો ગમે ત્યારે રસ્તામાં ગાડી રોકી લેતા અને સામૂહિક હત્યાકાંડ કરતા. પછી એ ટ્રેનો ‘નનામી’ બની જતી અને લાશોના ઢગલા ખડકીને ભારત આવતી. અને ટ્રેનના એ ડબ્બા પર પાકિસ્તાનીઓ ઉર્દૂમાં લખી મોકલતા - ‘આઝાદ ભારત કો પાકિસ્તાન કા તોહફા...!’”
 
 
 
દેશના વિભાજનના દસ્તાવેજો પર સહી કરનારા પંડિત જવાહરલાલ નેહરુને આ સમાચારો નિરંતર મળતા હતા. આગલા દિવસે એટલે કે ૧૪મી ઓગસ્ટ-૧૯૪૭ની સાંજની વાત છે. પંડિત નેહરુ ભોજન કરી રહ્યા હતા. તેમની સાથે તેમની દીકરી ઇન્દિરા તથા મહેમાન પદ્મજા નાયડુ પણ હતાં. અચાનક તેમના દીવાનખંડના ટેલિફોનની ઘંટડી રણકી. ઘરના નોકરે ફોન ઉપાડ્યો અને પંડિતજીને આપ્યો. સામે એક પરિચિત જ હતા. તેમણે હાંફળા-ફાંફળા અવાજે કહ્યું, ‘પંડિતજી, હું લાહોરથી બોલું છું. પુરાણા શહેરના તમામ હિન્દુ-શીખોના આવાસોમાં વીજળી અને પાણીની વ્યવસ્થા ઘણા દિવસથી બંધ કરી દેવામાં આવી છે. લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે. ભીષણ ગરમીમાં તરસે મરી રહ્યાં છે. જો કોઈ પણ હિન્દુ પાણી માંગવા માટે મહોલ્લાની બહાર જાય તો બહાર ઊભેલી મુસ્લિમ સેના એના પર તૂટી પડે છે. જો એ વધારે જોર કરે તો કાં તો એના ગળા પર છરો ફરી વળે છે કાં તો એની છાતી ગોળીથી ચારણી થઈ જાય છે. કેટલાક મહોલ્લાઓને તો મુસ્લિમોએ બહારથી બંધ કરી દીધા અને પછી આગ ચાંપી દીધી. હિન્દુ પરિવારો સળગતાં સળગતાં ભાગવા લાગ્યાં, પણ બહાર જવાનો રસ્તો નહોતો. આખરે ચીખતાં ચીખતાં જ સૌ રાખ બની ગયાં.
 
ટેલિફોનના ભૂંગળા વાટે કાનમાં પ્રવેશેલા આ વાક્યોએ થોડીવાર માટે નહેરુજીને વિચલિત કરી દીધા. તેઓ પાછા હૉલમાં આવ્યા અને ધડામ દઈને ખુરશીમાં ફસડાઈ પડ્યા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. તેઓએ ઇન્દિરા અને પદ્મજા સામે જોયું અને ભરેલા કંઠે કહ્યું,‘ અરેરે... અહીં આપણે આઝાદીની ઉજવણી કરી રહ્યાં છીએ અને ત્યાં મારું લાહોર ધૂ .... ધૂ કરીને સળગી રહ્યું છે. આજે રાત્રે હું મારું ભાષણ કેવી રીતે આપી શકીશ ?’
 
એ ધીમા સ્વરે બોલ્યા પણ એનો જવાબ ઇન્દિરા, પદ્મજા તો શું પણ એમની ખુદની પાસેય નહોતો. અને આ આંસુ અને હતાશા પણ કેટલીવાર રહેવાનાં હતાં એ ય કોણ જાણતું હતું ? સમાચાર સાંભળીને એ વિચલિત થયા હતા પણ કદાચ થોડીવાર માટે જ.
 
‘હું ભાષણ કેવી રીતે આપીશ?’ એવું પૂછ્યા બાદ પણ તેમણે એ જ રાત્રે ભાષણ તો આપ્યું જ. ૧૪મી ઓગસ્ટ - ૧૯૪૭ની રાત્રે પંડિત નેહરુએ ભાવવિભોર બનીને સંસદના કેન્દ્રીય સભાકક્ષમાં પોતાની અલંકારિક ભાષામાં સંવિધાન સભાને સંબોધિત કરી. રાષ્ટ્રના નામે સંદેશ આપતાં તેમણે કહ્યું, ‘વર્ષો પૂર્વે આપણે નિયતિને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો હતો, એ નિયતિ સાથે આજે આપણું મિલન થઈ ગયું છે. આપણે એને પ્રાપ્ત કરી લીધી છે. બરાબર અરધી રાત્રે જ્યારે આખું વિશ્ર્વ ઊંઘતું હશે ત્યારે ભારત જીવન અને મુક્તિની આળસ મરડીને બેઠું થશે. એક ઐતિહાસિક ઘડી એવી પણ આવે છે જ્યારે એક યુગ સમાપ્ત થાય છે અને આપણે એ પુરાણા યુગને છોડીને નવા યુગમાં પ્રવેશ કરતા હોઈએ છીએ. આ ઘડીએ એ રાષ્ટ્રનો આત્મા મહોરી ઊઠે છે.
 
ભારત દેશની જનતા આંખો ફાડીને નેહરુજીને જોઈ રહી હતી, કાન માંડીને તેમને સાંભળી રહી હતી. કેટલાંક લોકો તેમની વાત સમજી રહ્યાં હતાં અને કેટલાંક મૂંઝાઈ રહ્યાં હતાં. જે નહોતાં સમજી રહ્યાં તેમની સમજમાં એ નહોતું આવતું કે પંડિતજી આખરે કઈ નિયતિને પ્રાપ્ત કરી લીધી હોવાની વાત કરી રહ્યા હતા. શું નેતાઓએ જે નિયતિને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો હતો એમાં વિભાજનનો પણ સંકલ્પ હતો? શું તેમણે આવા લોહીલુહાણ ખંડિત ભારતનું સપનું તેમની આંખોમાં સજાવીને રાખ્યું હતું ?
 
દેશની જનતાનો એક મોટો હિસ્સો પાકિસ્તાનીઓના અત્યાચારથી રક્તરંજિત થઈ રહ્યો હતો અને પંડિતજી ઉલ્લાસભેર પ્રવચન કરી રહ્યા હતા. એ વખતે જનતાને એટલી તો અપ્ોક્ષા હતી જ કે, પંડિત નેહરુ આ ‘નિયતિ’ ઘડાઈ હતી એના વિશે પણ બે શબ્દો કહે. શાબ્દિક તો શાબ્દિક પણ જખમ પર મલમ લગાવે. પાકિસ્તાન તરફથી નિર્દોષ હિન્દુઓની લાશો ભરીને આવતી ટ્રેનની અવાંછનીય ‘નિયતિ’ વિશે પણ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં કોઈક પ્રકાશ પાડે. એ અસંખ્ય સ્ત્રી, પુરુષો અને બાળકો જેમને પાકિસ્તાનીઓ દ્વારા નિર્દયતાપૂર્વક મારી નાંખવામાં આવ્યાં હતાં તેમના માટે પંડિતજી શ્રદ્ધાસુમન અર્પણ કરે. પણ જનતાની અપેક્ષાઓ ઠગારી નીવડી. પંડિતજીએ એમના વિશે કશું જ ના કહ્યું. ભારતના ભાગ્યાકાશને ચિત્કારોથી ભરનારી અને ભારતભૂમિનું અંગવિચ્છેદ કરનારી વિશ્ર્વની એ ભયાનક ત્રાસદી વિશે પંડિતજીને એક શબ્દ બોલવાનું પણ ઉચિત ના લાગ્યું. એટલું જ નહીં ઊલટાનું તેમણે તો પોતાના સંદેશમાં એવો આભાસ ઊભો કર્યો કે રાષ્ટ્રએ જે સપનું જોયું હતું તે પોતાની ભવ્યતા અને ગરિમા સાથે યથાતથ પૂર્ણ થયું હતું અને આ રમત લગાતાર ચાલી. તારીખ ૧૪, ૧૫ અને ૧૬મી ઓગસ્ટ - ૧૯૪૭ના ત્રણેય દિવસ સુધી આ પ્રકારના જશ્ન, સમારોહ અને ભાષણ ચાલતાં રહ્યાં અને દેશ પર કબજો કરવા આતુર લોકો એ ઉજવણીમાં ગળાડૂબ ડૂબતાં રહ્યાં. આ ત્રણયે દિવસ પંડિત નેહરુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને આઝાદ ભારતના નવનિયુક્ત ગવર્નર જનરલ માઉન્ટ બેટન વગેરેનાં ભાષણો થયાં, પરંતુ એમાંથી કોઈએ પણ જેહાદી પાકિસ્તાનીઓના અત્યાચારોનો ભોગ બનેલા એ નિર્દોષ હિન્દુઓ વિશે એક શબ્દ પણ ના કહ્યો.
 

Partition stories in Gujarati 
 
એવું શા માટે થયું? કેમ વિભાજનની આ ભયંકર ઘટનાઓને નજરઅંદાજ કરવામાં આવી ? પ્રશ્નો અનેક હતા પણ જનતા પૂછી શકે તેમ નહોતી અને પૂછે તો પણ નહેરુજી એનો જવાબ આપી શકે તેમ નહોતા. આ ખંડિત ભારતની તિરાડમાં કેટકેટલાં લોહી રેડાયાં હતાં, વિભાજનની આ આગમાં કેટલી મહિલાઓનાં જૌહર થયાં હતાં, કેટલાં બાળકો અનાથ બન્યાં હતાં એ બધું પંડિતજી અને એમના જેવા અનેક નેતાઓ જાણતા હતા પણ સૌ ચૂપ હતા, કારણ... કારણ કે આખરે વિભાજન એમની સંમતિથી જ થયું હતું.
 
એ નેતાઓ ચૂપ રહ્યા અને વિભાજનની કરુણાંતિકા સર્જાતી રહી. વિભાજનની કૂખમાંથી જન્મેલી અત્યાચારની એ ઘટનાઓ, બળાત્કારોના એ ચિત્કાર અને હિન્દુઓની લાશોના ઢગલાની હચમચાવી દેતી સિલસિલાબંધ સત્ય ઘટનાઓની દાસ્તાન હજુ બાકી છે... એ હૃદયદ્રાવક ઘટનાઓ જાણવા આંખમાં આંસુ અને હૃદયમાં સલામીના ભાવ સાથે તૈયાર રહેજો... આવતા અંકે...
 
 
***
 
 
(ક્રમશ:)
 
સંદર્ભ : (૧) જ્યોતિ જલા નિજ પ્રાણ કી : માણિકચંદ્ર વાજપેયી (૨) ફ્રીડમ એટ મિડનાઇટ : લેરી કોલિન્સ તથા લાપિયેરે (પૃ. ૨૪૫)
 
 
 
 
Powered By Sangraha 9.0