રશિયા - યૂક્રેન યુદ્ધે વૈશ્ર્વિક ખાદ્ય સંકટને તીવ્ર બનાવ્યું છે. રીપોર્ટ મુજબ ૨૦૨૧માં ૫૩ દેશોના ૧૯.૩ કરોડ લોકો ભૂખમરામાં સપડાયા. ૨૦૨૦ કરતાં આ સંખ્યા ૪ કરોડ વધુ છે. આર્થિક કટોકટીમાં ભૂખથી તરફડતા શ્રીલંકાના લોકોનાં દૃશ્યો ખાદ્યસુરક્ષાના મામલે અનેક પ્રશ્ર્નો ઊભા કરી રહ્યા છે. કોઈ પણ દેશ માટે અતિ મહત્ત્વના એવા ખાદ્યસુરક્ષાના મુદ્દાને સમજતા પહેલાં ચરમસીમાનાં બે દૃશ્યોનો તુલનાત્મક અભ્યાસ કરવા જેવો છે.
એક દેશ શ્રીલંકા. વસ્તી ૨૧.૫ મિલિયન (૧ મિલિયન = ૧૦ લાખ). તેણે ૨૦૨૦માં ૩૩૩.૮ મિલિયન અને ૨૦૨૧માં ૩૧૭.૭ મિલિયન ડેરી ઉત્પાદનોની આયાત કરી. બીજો દેશ સાઉદી અરેબિયા. જે ઈમિગ્રન્ટ્સ સહિત ૩૫ મિલિયનથી વધુ રહેવાસીઓનું ઘર અને વિશ્ર્વની સૌથી મોટી ડેરી કંપની પણ છે. તપતા રણના સામ્રાજ્ય વચ્ચે અહીં અલમરાઈ કંપનીનાં ૬ ડેરી ફાર્મ છે. ૧ લાખ ૭ હજારથી વધુ હોસ્ટીન ફ્રીઝિયન ગાયો અને રોજના ૩.૫ મિલિયન લીટર દૂધનું ઉત્પાદન.
આ બંને દેશોના મોડેલ વચ્ચે મોટો વિરોધાભાસ છે. એક દેશ દૂધ પાવડરની આયાત કરી, તેમાં પાણી ઉમેરી દૂધ ભેગું કરે છે અને બીજો દેશ તેના તમામ સ્થાનિક દૂધનું ઉત્પાદન ઉચ્ચ પાયરીએ કરે છે. સાઉદી અરેબિયા ગાયો, દૂધ ઉત્પાદન વગેરે બાબતે ગંભીરતાથી આટલું મોટું કામ શા માટે કરી રહ્યું છે ? જવાબ છે ખાદ્યસુરક્ષા (ફૂડ સિક્યુરિટી) માટે. સાઉદીના અલમરાઈ મૉડેલની પર્શિયન દેશોએ પણ નકલ કરી છે.
ભારત પણ મોટા પ્રમાણમાં ખાદ્યતેલોની આયાત કરી રહ્યું છે. ભારત પોતાની કુલ વપરાશના ૬૦ ટકા - વાર્ષિક ૧૩.૫થી ૧૪.૫ મિલિયન ટન વનસ્પતિ તેલની આયાત કરે છે. આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓની આયાત પર વધુ પડતી પર-નિર્ભરતાના અન્ન કટોકટી અને ભૂખમરા જેવાં મોટાં જોખમો ઊભાં કરે છે. શ્રીલંકાની હાલત ભારત માટે મોટો પદાર્થપાઠ છે. શ્રીલંકા અને સાઉદી અરેબિયા કરતાં અનેકગણી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારત મૂળભૂત ખોરાકમાં આત્મનિર્ભરતાની વ્યૂહરચના ઘડે તે જરૂરી છે.
ભારતના વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને તાજેતરમાં જ ‘ગ્લોબલ ફૂડ સિક્યુરિટી કોલ ટૂ એક્શન’ની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, ‘અમારી અને અન્ય દેશોની ખાદ્યસુરક્ષા હાલ ખતરામાં છે. અમારી ખાદ્યસુરક્ષાને સંતુલિત રાખવા તથા અન્ય જરૂરિયાતમંદ દેશોની આવશ્યકતાઓ પૂરી કરવા માટે અમે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.’ સરકારી આંકડા મુજબ આવતા વર્ષેય ઘઉંનું ઉત્પાદન ૧૧.૩૫ કરોડ ટનને બદલે ૧૦.૫ કરોડ ટન જ રહેશે. ૮૫ લાખ ટન ઘઉં ઓછા પાકે તો ખાદ્યસુરક્ષામાં ઘણું મોટું જોખમ આવી શકે છે.
વૈશ્ર્વિક ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્ષમાં ૧૧૩ દેશોમાંથી ભારત ૭૧માં ક્રમે છે. અગ્ર હરોળમાં પ્રથમ આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ફિનલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ અને જાપાન છે. પોષણ ક્ષમતા, ઉપલબ્ધતા, ગુણવતા સલામતી અને આર્થિક અસમાનતા જેવા ૫૮ માનકો પર આ ઇન્ડેક્ષ આધારિત છે. જોકે આ માનકોને પહોંચી વળવા દેશનાં પ્રયત્નો ય ઘણા રહ્યાં. દેશમાં ૨૦૧૩માં ખાદ્ય સુરક્ષા અધિનિયમ પારિત કરી લોકોનાં ખોરાકના હકને વૈધાનિકતા અપાઈ છે, જે અંતર્ગત મધ્યાહન ભોજન, બાળ વિકાસ સેવા યોજના, માતૃત્વ અધિકારો, ઈટ રાઈટ ઇન્ડિયા મુવમેન્ટ, પોષણ અભિયાન, ફૂડ ફોર્ટિફિકેશન વગેરે અનેક આયામો કાર્યાન્વિત છે. અર્થાત્ ભારત તેના ખાદ્ય પદાર્થોની પર્યાપ્તતા હાંસલ કરવાના પ્રયાસોમાં આગળ વધી રહ્યું છે, પણ એ પ્રયત્નોને શ્રેષ્ઠતા તરફ લઈ જવા પડશે.
ખાદ્યસુરક્ષા એક મૌલિક માનવઅધિકાર છે. ભારતીય સંવિધાનની કલમ - ૪૭માં નિર્દેશ કરાયો છે કે, ‘ભારત રાજ્ય ભારતીય જનતાના પોષણના ઉચિત સ્તરો જાળવી રાખવાની દિશામાં કાર્ય કરશે.’ ખોરાકના ભાવિની ફરીથી કલ્પના કરવાનો આ સમય છે. રાસાયણિક જંતુનાશકો પર નિર્ભરતા ઘટાડીને સંતુલિત આહાર માટે સ્વસ્થ, પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરવાનો ભારતનો મુખ્ય લક્ષ્યાંક છે. કઠોળ અને તેલિબિયાંનાં પાકો પર વધુ ધ્યાન આવશ્યક. આજે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાકનું ઉત્પાદન કરવા માટે ભારત પાસે શ્રેષ્ઠ ટેક્નોલોજી અને વિશાળ એજ્યુકેટેડ યુવાધન છે, એને આત્મનિર્ભરભારતની યોજના સાથે જોડીને ખાદ્યસુરક્ષા સુનિશ્ર્ચિત કરી શકાશે. ખાસ કરીને બે હેકટરથી પણ ઓછી જમીનવાળા ૮૦ ટકા ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના, સસ્તી લોન વગેરેનો મહત્તમ લાભ આપી વધુ ઉત્પાદન કરી શકે તે માટે આત્મનિર્ભર બનાવવા પડશે અને આયાત નિકાસનું બારીક સંતુલન પણ જાળવવું પડશે.
ટેક્નોલોજીનો ઉપયોગ, કૃષિક્ષેત્રે ઊભરતી નવીનતાઓ અને આનુવંશિક સંશોધિત ખોરાક ભારતને ખાદ્યસુરક્ષા હાંસલ કરવામાં અને પ્રોટીનની ગુણવત્તા તથા પોષણક્ષમતા વધારવામાં અત્યંત મદદરૂપ બની શકશે. વધુ સુરક્ષિત, ટકાઉ અને પૌષ્ટિક ખાદ્યપ્રણાલીના વિકાસ દ્વારા ‘આત્મનિર્ભર ભારત’નો વિચાર સર્વાંગીણ સાર્થક બની શકશે.
એક તમિલ કહેવત છે કે, ‘કૈલે વેન્નાઈ, આનલ નેય્યુક્કુ અલયારન’ અર્થાત્ - હાથમાં માખણ ધરાવનાર વ્યક્તિ ઘી શોધવા નીકળ્યો છે. શ્રીલંકાએ આ માખણને તેની આંગળીમાંથી સરકી જવા દઈને દેશ માટે જોખમ ઊભું કર્યું છે. ભારત પાસે માખણ અને મલાઈ બંને છે, એય એક નહીં દસેદસ આંગળીએ છે, માટે તકેદારી આવશ્યક છે.
પૂર્વ રાષ્ટપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામે વિઝન-૨૦૨૦માં આશા વ્યક્ત કરેલી કે, ટૂંક સમયમાં જ ભારત એટલું ખાદ્યાન્ન ઉત્પાદિત કરશે કે, તે પોતાના દેશનાં નાગરિકોને તો પોષણક્ષમ અને પૂરતું અનાજ આપી જ શકશે, પરંતુ સાથે સાથે નિકાસ કરનારો સૌથી મોટો દેશ પણ બનશે. ભારત અનાજ અને ડેરી પ્રોડક્ટ્સનું સર પ્લસ ઉત્પાદન કરી વેલ્યુ એડેડ પાકો દ્વારા કૃષિક્ષેત્રે ક્રાંતિ સર્જી ખાદ્ય સુરક્ષા માટે વિશ્ર્વને રાહ ચિંધશે. આશા રાખીએ માનનીય કલામજીનું વિઝન - ૨૦૨૦ ટૂંક સમયમાં જ સાર્થક થાય.