મંગલ મંદિર ખોલો | જિંદગીનો કોઈ ભરોસો ખરો ! અદભુત વન-લાઇન વાંચવી હોય તો આ લેખ તમારા માટે છે

જૈન સૂત્ર ધ્યાનદીપિકામાં જણાવ્યું છે કે યમરાજાની જાળમાં સપડાઇને પરલોક જતાં દેવ, મનુષ્ય, ઈંદ્ર, વિદ્યાધર, કિન્નર વગેરે કોઇનો પણ નિશ્ર્ચયથી કોઇ પણ રક્ષણહાર કે શરણ આપનાર નથી. ૧૨ દિવસ સુધી આત્મા નવો દેહ ધારણ કરતો નથી. એ સમયે એ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઇ સમાધિની અવસ્થામાં હોય છે.

કુલ દૃશ્યો |

mrityu
 
 
ચિત્રભાનુ : નિત્ય પ્રભુ, પ્રાર્થના કરો છો ?
યુવાન : એના માટે હજુ ઘણાં વર્ષો પડ્યાં છે.
ચિત્રભાનુ : તારા હાથમાં શેનું કવર છે ?
યુવાન : વીમાનું.
ચિત્રભાનુ : તું તો હજુ યુવાન છે.
યુવાન : જિંદગીનો કોઈ ભરોસો ખરો !
 
 
સાપનો સળવળાટ, સાવજની ત્રાડ, ભૂતનો ચહેરો, મગરમચ્છનું મોં, હાથીનો પગ, અજગરનો ભરડો. આ બધાનું મિશ્રણ એટલે મૃત્યુ. એનું નામ સાંભળીને ભલભલાનાં હાંજા ગગડી જાય છે. પગ નીચેથી ધરતી સરકીને સીધી સ્વર્ગ (નર્ક) સુધી પહોંચી જાય છે.
 
કોઈના મૃત્યુ સમયનું સ્વજનનું આક્રંદ પણ દિલને થથરાવી નાખે એવું હોય છે. દુખનું ઓસડ દાડા પણ હયાતીનો એક ટુકડો લઈને સ્નેહી જાય છે. મૃત્યુ પછી બધાની રાખ સરખી જ હોય છે. અંગદાન કરી કોઈના શરીરમાં જીવતા રહી શકીએ છીએ. જેના સ્વજન મૃત્યુ પામ્યા હોય એને આશ્ર્વાસન આપવું ખૂબ અઘરું છે. ઠાલા શબ્દોનું કામ જ નહીં, અંતરમાંથી ઊગેલા અને ઊતરેલા શબ્દો જ કારગત નીવડે છે. જેવી ભીડ વિખેરાઈ અને એકાંત છાતી કાઢે કે તરત આત્મીયની વિદાય હૃદયને કોરી ખાવા લાગે છે. આશ્ર્વાસનના બધા જ રૂડા, રૂપાળા શબ્દો ખરી પડે છે.
 
સ્મશાન વૈરાગ્ય જેવો શબ્દ ભલે હોય, પણ સ્મશાનમાં જતાં જિંદગીના સરવાળા બાદબાકી તો કરવા જ માંડીએ છીએ. પતંગિયું ક્ષણમાં જીવે છે અને ક્ષણમાં મરે છે.
 
મા જેમ બાળકને એક સ્તન પરથી બીજા સ્તન પર લે એના જેવી જ જન્મ-મરણની ઘટના છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, Every child comes with the message that God is not yet discouraged of man માણસને પણ ઈશ્ર્વરમાં શ્રદ્ધા છે. એનાં બે કારણ છે જન્મ અને મૃત્યુ. આ બે વિષય કાયમી વિસ્મયના રહ્યા છે ! વિજ્ઞાન અને અધ્યાત્મ વર્ષોથી સંશોધન કરી રહ્યા છે.
 
આપણા જીવનના બે અગત્યના પ્રમાણપત્રો ૧. જન્મનો દાખલો ૨. મૃત્યુનો દાખલો. બન્ને આપણા હોવા છતાં આપણે મેળવી નથી શકતા. જગતમાં બે વ્યક્તિ સુખી છે. ૧. જન્મ્યો નથી ૨. મૃત્યુ પામ્યો છે.
 
શરીર મરે છે, આત્મા મરતો નથી. નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ. ભીતરનો ભેરુ મારો, આતમો ખોવાયો છે. જેમ કપડાં બદલીએ, શરીર એક સ્થળથી બીજા સ્થળે જાય. લાંબી નિદ્રામાં શરીર સુએ, પડદો પડે, એને મૃત્યુ કહીએ છીએ.
 
સંબંધીના મૃત્યુ કરતા સંબંધનું મૃત્યુ વધારે ખતરનાક છે. કાગે ખેડૂતને દોહા રૂપે આપેલા ઉપદેશ, હોકો રહેશે તારા હાથમાં, ખીંટીએ રહેશે રાશ, ગેબનો ગોળો વાગશે, જંતર વગાડતો જાશ. ભજન સાહિત્યનાં આત્મા-પરમાત્માની વાટ અદભુત રીતે કહેવાય છે. મરેલા મળે તો મોજું માણીએ. કિસા ગૌતમી-બુદ્ધ, સાવિત્રી-યમ, નચિકેતા-યમ ઇત્યાદિ કથામાં મૃત્યુનું મહાત્મ્ય છે.
 
જૈન સૂત્ર ધ્યાનદીપિકામાં જણાવ્યું છે કે યમરાજાની જાળમાં સપડાઇને પરલોક જતાં દેવ, મનુષ્ય, ઈંદ્ર, વિદ્યાધર, કિન્નર વગેરે કોઇનો પણ નિશ્ર્ચયથી કોઇ પણ રક્ષણહાર કે શરણ આપનાર નથી. ૧૨ દિવસ સુધી આત્મા નવો દેહ ધારણ કરતો નથી. એ સમયે એ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઇ સમાધિની અવસ્થામાં હોય છે. ઈશ્ર્વરની સાવ સમીપ... આ દરમિયાન એનાં કર્મોના હિસાબ થઇ જાય છે. જેવા એના ગુણ અને અવગુણનો સરવાળો થાય એ પછી નક્કી થાય છે કે એ કયા જીવમાં અવતાર પામે. સત્ય એ છે કે મૃત્યુ ન આવે ત્યાં સુધી ભરપૂર જીવું લેવું જોઈએ. જીવનની દરેક પળને માણી મમળાવી હશે તો મૃત્યુ પણ બે હાથ ફેલાવીને સહૃદય સન્માનથી તમને આવકારશે. મૃત્યુથી જેટલાં ડરશો એટલું મૃત્યુ તમને ડરાવશે પણ એકવાર મૃત્યુ સામે ફેણ માંડશે કે એ ઊભી પૂંછડીએ ભાગશે.
 
ગબ્બરસિંગ ઉવાચ, જો ડર ગયા સમજો વો મર ગયા અને રાજ કપૂરે કહ્યું છે, કલ ખેલ મેં હમ હો ન હો. રીલ લાઈફ અને રિયલ લાઈફમાં મૃત્યુનો દબદબો રહ્યો છે. બેફામની ગઝલના મોટા ભાગના મક્તા મૃત્યુ પર છે. રજનીશજીએ એની કબર પર લખાવ્યું, ઓશો ન કદી જન્મ્યા કે ન કદી મૃત્યુ પામ્યા છે. આ ધરતી ગ્રહની મુલાકાત એમણે તા.૧૧-૧૨-૧૯૩૧ થી ૧૯-૧-૧૯૯૦ દરમિયાન લીધી હતી.
 
સૂરજ કો ચોંચમે લિયે મુર્ગા ખડા રહા,
ખિડકી કે પરદે ખીંચ દિયે રાત હો ગઈ.
- નિદા ફાઝલી
 
જયહિન્દ - શુદ્ધ નિર્મળ જીવન એ સર્વશ્રેષ્ઠ તીર્થયાત્રા છે. - સાધુ વાસવાણી
 
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.