શ્રીલંકાની ભયાનક અરાજકતા માટે જવાબદાર કોણ ?

23 Jul 2022 14:33:37

sri lanka crisis in gujarati
 
 
દેવાની જાળમાં ફસાયેલું શ્રીલંકા હાલમાં અભૂતપૂર્વ અરાજકતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ભયંકર મોંઘવારી, પેટ્રોલ ડીઝલની અછત સર્જાતાં અભૂતપૂર્વ નાગરિક વિદ્રોહે આકાર લીધો છે. તેની આગ છેક રાષ્ટ્રપતિ ભવન સુધી ફેલાઈ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે જીવ બચાવવા માટે ભાગી છૂટ્યા.
 
શ્રીલંકાની આ સ્થિતિ માટે સરકારનો ભ્રષ્ટાચાર, કોરોનાને કારણે પડી ભાંગેલા ઉધોગો, પ્રજાને મફત લ્હાણી કરીને સત્તા મેળવવાની સરકારની લાલસા અને બેફામ દેવું કરવાના નિર્ણયો સહિત વિસ્તારવાદી ચીને મોટો ભાગ ભજવ્યો છે. ચીને વિકાસના નામે શ્રીલંકાને પૈસા આપ્યા અને અધધ વ્યાજ લઈને દેશને દેવામાં ડુબાડી દીધો. ચીને દાદાગીરી કરીને શ્રીલંકાના હંબનટોટા બંદર સહિત ઘણી જમીનો, ઈમારતો પોતાના નામે કરાવી લીધાં અને પોતાનું સૈન્યથાણું પણ બનાવી રહ્યું છે. વિશેષજ્ઞોનો મત કે, ભારતનું વધતું પ્રભુત્વ ચીનને ખતરારૂપ લાગતાં ચીને ભારતની નજીક આવતા શ્રીલંકા, નેપાળ, માલદીવ વગેરે દેશોમાં ઉત્પાત સર્જ્યો છે. રાજપક્ષેને ચીન પર અપાર વિશ્ર્વાસ હતો પણ છેલ્લી ઘડીએ ચીન ખસી ગયું, વિશેષ કરીને જ્યારે પેટ્રોલ આયાત કરવા માટે શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા નહોતી ત્યારે ચીને પાછા હટી મરણતોલ ફટકો માર્યો.
 
શ્રીલંકા પર હાલ ચીન ઉપરાંત આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) વગેરેનું ૭ અબજ આસપાસનું દેવું છે. જે તેના વાર્ષિક GDP ૮૧ બિલિયન યુએસ ડોલર, અર્થાત ૬ લાખ ૪૦ હજાર કરોડ રૂપિયા બરાબર છે. દેશની રાજકોષીય ખાધ ૧૧ ટકા છે. એટલે કે શ્રીલંકાએ દર ૧૦૦ રૂપિયાની આવક માટે ૧૧૧ રૂપિયા ખર્ચવા પડે છે. દેશ પાસે વિદેશી મુદ્રાભંડારમાં માત્ર ૧૫ હજાર કરોડ રૂપિયા જ બચ્યા છે અને મોટી લોન ચૂકવવાની બાકી છે. આ સંજોગોમાં શ્રીલંકાનું ઊગરવું મુશ્કેલ છે.
 
જોકે ભારત પાડોશી દેશના નાતે હંમેશાં શ્રીલંકાની મદદે રહ્યું છે. શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે ભારતે સાડા ત્રણ અરબ ડોલરની સહાય અને એક બિલિયન ડોલરની ક્રેડિટ સુવિધાઓના વધારા ઉપરાંત દવાઓ, ૮૦ હજાર ટન ચોખા અને ટન બંધ અન્ય અનાજની સહાય કરી છે. વિદેશ મંત્રી જયશંકરે હજુ વધારે મદદ કરવાનો વિશ્ર્વાસ આપ્યો છે. શ્રીલંકા IMF પાસે હજુ વધુ રકમ દેવા પેટે ઇચ્છે છે, પરંતુ IMFએ દેશની રાજકીય અસ્થિરતાનો હવાલો આપી રકમ આપવા અનેક શરતો મૂકી છે. એ જોતાં દેવું મળે કે કેમ અને મળે તો પણ લાંબો સમય વ્યથિત થવાની શક્યતાઓ ઊભી થઈ છે.
શ્રીલંકાની આ સ્થિતિ રાતો-રાત નથી સર્જાઈ. રાજકીય નિષ્ણાતો આ પતનના મૂળમાં તમિલ-બૌદ્ધ સંઘર્ષને પણ કારણભૂત ગણાવે છે. દેશમાં તમિલ અને ગેર-બૌદ્ધ અલ્પસંખ્યકો પર લગાવાયેલા પ્રતિબંધોએ ભારે ઊહાપોહ સર્જ્યો અને તમિલ પૃથકતાવાદી આતંકવાદ જન્મ્યો. જેણે કાલાંતરે LTTE નામના સૈન્યવિદ્રોહનો ચહેરો ધારણ કર્યો. લગભગ ૨૦ વર્ષ સુધી શ્રીલંકા ગૃહયુદ્ધ સામે ઝઝૂમતું રહ્યું. ૨૦૦૯માં હજ્જારો તમિલોની હત્યા સાથે ગૃહયુદ્ધની નામ પૂરતી સમાપ્તિ થઈ, પરંતુ સહાલી વિરુદ્ધ તમિળોનો સંઘર્ષ સપાટી નીચે ચાલુ જ રહ્યો, જેણે શ્રીલંકન સમાજને ખોખલો કરી નાંખ્યો.
 
૨૦૧૫થી વળી નવી મુસીબતો આવી. અર્થતંત્રને મોટો ફટકો પડવાનું ચાલુ થયું. અર્થતંત્રને સળગ્યું પણ સરકાર આંખો બંધ કરીને બેસી રહી. જનતાને સત્ય કહેવાને બદલે જુમલાઓ પીરસાવા લાગ્યા. કેન્દ્રીય બેંકોનું ગળું ઘોંટીને અર્થવ્યવસ્થાને આગળ વધારવાના તુઘલકી નિર્ણયો લેવાવા માંડ્યા. અર્થવ્યવસ્થા કદી જુમલાઓના સહારે નથી ચલાવી શકાતી. મફત વીજળી, મફત અનાજ એવા લોક-લુભાવન વાયદાઓના સહારે જનતાને માત્ર ભરમાવી શકાય છે, અર્થવ્યવસ્થાના નિયમો નથી બદલી શકાતા. દેવું કરીને ઘી પી શકાય, પણ પચાવી શકાતુું નથી. શ્રીલંકાના સત્તાધીશોએ લોકશાહીના આ સર્વસામાન્ય નિયમોને નેવે મૂક્યા અને પરિણામે આજે આખો દેશ ભાંગી ચૂક્યો છે અને તેઓ ભાગી ચૂક્યા છે.
 
હાલ શ્રીલંકાની સ્થિતિ પળે-પળે બદલાઈ રહી છે. છતાં દુનિયાના અર્થશાસ્ત્રીઓ તે ફરી બેઠ્યું થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે તેની પાસે વ્યાપારિક કાર્યો માટે ઉપજાઉ સમુદ્ર માર્ગ છે અને તે માટે હવે નિષ્ઠાવાન શાસનશક્તિ અને ધીરજવાન જનશક્તિનો સમન્વય જરૂરી છે. ઉપરાંત વિશ્ર્વના અન્ય લોકશાહી દેશોની ંફ, મદદ અને સહકાર તો જરૂરી ખરાં જ. જો કે આવનારા દિવસોમાં શું થશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એટલું નિશ્ર્ચિત છે કે શ્રીલંકાના પતન માટે ખુદ શ્રીલંકા જ જવાબદાર છે. રાવણ સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય બાદ લંકાથી અયોધ્યા પધારેલા શ્રી રામે કહ્યું હતું કે, ‘રાવણ’ને મેં નથી માર્યો. એના પોતાના ‘મેં’એ માર્યો છે. અર્થાત્ એના ‘હુંપણા’એ, એના અહંકારે એને માર્યો છે. લંકાકાંડનો આ સબક જેટલો રામરાજ્ય સમયે શતપ્રતિશત સત્ય હતો એટલો જ આજના ‘શ્રીલંકા કાંડ’ સમયે પણ સત્ય છે.
 
 
 
 
Powered By Sangraha 9.0