દેશના નવા, ૧૫મા મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જંગી મતોથી ચૂંટાયાં છે. સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર શ્રીમતી મુર્મૂ ભારતીય સંસ્કૃતિના મૂળ સમાન અનુસુચિત જનજાતિનાં પ્રથમ મહિલા અને પ્રતિભા પાટીલ બાદ બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યાં છે. શ્રીમતી મુર્મૂનાં રાષ્ટ્રપતિપદ ગ્રહણ અને હસ્તાંતરણ વખતે રાજકીય ઔપચારિકતાઓ ઉપરાંત યજ્ઞ અને પૂજાવિધિનું આયોજન થયું એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જ. આ ભારતીય લોકશાહીની અદ્વિતિય ઘટના છે, કારણ કે રાષ્ટ્રપતિનું પદ ફરી એકવાર નારીશક્તિથી સુશોભિત થયું છે, અને તેનું ભારતવાસીઓએ ગૌરવ કરવું જોઈએ.
ઓરિસ્સાના અત્યંત પછાત એવા મયુરગંજ જિલ્લાના આદિવાસી પરિવારમાં તેમનો જન્મ. અત્યંત ગરીબી અને સંઘર્ષના દલદલમાંથી થોડા ઉપર ઉઠીને રાયરંગપુરમાં પ્રાથમિક શાળાનાં શિક્ષિકા બન્યાં. ૧૯૯૭માં પાયાના કાર્યકરથી શરૂઆત કરી નગર ચૂંટણી લડી કાઉન્સિલર અને પછી એ જ બેઠક પરથી ધારાસભ્ય બની શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેના ‘નિલકંઠ પુરસ્કાર’થી સન્માનિત થયાં. આટલેથી ન અટકીને ઓરિસ્સાની તત્કાલિન ગઠબંધન સરકારમાં તેઓ મંત્રી અને રાજ્યપાલ પણ બન્યા. ૨૦૧૫માં તેમણે ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લીધા અને કોઈપણ રાજ્યમાં રાજ્યપાલના હોદ્દા પર નિયુક્ત થનાર ઓરિસ્સાના પ્રથમ આદિવાસી નેતા બન્યાં ત્યારે તેમણે રાજકીય ફ્લક પર અવરોધોનાં બંધનો તોડી નાંખ્યાં હતાં. રાજ્યપાલ પદ પર હોવા દરમિયાન તેમણે ભાજપની રઘુબરદાસ સરકારનું વિધાનસભામાં પારિત એક વિધેયક પરત કર્યું હતું, જેમાં રાજ્યના વનવાસીઓનો જમીન પરનો હક છીનવાઈ જવાનો ખતરો હતો. તેમ છતાં તેઓ વિવાદાસ્પદ નહોતાં બન્યાં અને આજે ભાજપના જ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ બન્યાં છે. કારણ કે તેમનું મંતવ્ય જનકલ્યાણનું હતું. તેમનો છ વર્ષનો કાર્યકાળ ઝારખંડના ઈતિહાસમાં સૌથી લાંબો હતો. તેમણે રાજ ભવનને જાહેર આકાંક્ષાઓનું જીવંત કેન્દ્ર બનાવી દીધું હતું અને રાજ્યના વિકાસને આગળ ધપાવવામાં મોટું યોગદાન આપેલું, અને હવે તેઓ રાષ્ટ્રપતિ તરીકે દેશ આખાના વિકાસમાં યોગદાન આપશે.
શ્રીમતી મૂર્મુનું વ્યક્તિગત જીવન દુ:ખદ રહ્યું, પતિ અને બાળકોને ગુમાવ્યાં અને બીજાય અનેક પડકારો સામે આવ્યા. છતાં એ કરુણાંતિકાઓનો સામનો કરી હાર્યા વિના જ તેમણે જાહેર જીવનને ઉજાળ્યું. જાહેર જીવનમાં મળેલી સફળતા ઘણી વખત તેમના વ્યક્તિગત જીવનમાં સમયાંતરે આવેલી કરૂણાંતિકાઓથી ઢંકાઈ ગઈ તે તેમની મજબૂત શક્તિનો પરિચય આપે છે.
જોકે ડો. અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિક અને વ્યક્તિત્વને ય રાષ્ટ્રપતિ બનાવવાનો વિરોધ કરનારા વિરોધીઓ આ વખતેય તેમની પ્રકૃતિ પ્રમાણે જોયા, જાણ્યા, પારખ્યા વિના શ્રીમતી મુર્મૂના વિરોધમાં ઉતરેલા. એ સ્પષ્ટ હતું કે શ્રીમતી મુર્મૂ ભારે મતોથી વિજયી બનશે, છતાંય કથિત વિપક્ષોએ તેમને હરાવવા કોઈ કસર છોડી નહોતી. વિપક્ષે ત્રણ નેતાઓ ગોપાલ ગાંધી - મહાત્મા ગાંધીના પૌત્ર, ડો. ફારુક અબ્દુલ્લા અને રાષ્ટ્રવાદી કોંગેસના નેતા શરદ પવારને મનાવી જોયા, પણ હવાનું રૂખ જોઈ કોઈ તૈયાર ના થયું. આખરે વિપક્ષો દ્વારા ભૂતપૂર્વ મંત્રી શ્રી યશવંત સિંહાને પ્રત્યાશી તરીકે ઉભા કરાયા. જેમાં તેમની મજબુરી જ ફલિત થતી હતી. જો કે કૉંગ્રેસ સાથે ગઠબંધનથી સરકાર ચલાવનારી ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના નેતા હેમંત સોરેને બધાંય બંધનો ફગાવી શ્રીમતી મુર્મૂના સમર્થનની ઘોષણા કરીને સૌને ચોંકાવ્યા, BJDનાં મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક અને પક્ષના ઘણા સાંસદો, ધારાસભ્યોએ શ્રીમતી મુર્મૂને ટેકો આપ્યો, જેમાં શ્રી પટનાયકજી સાથેના શ્રીમતી મુર્મૂનાં ભાઈ-બહેનના સંબંધોની સુવાસ પણ હતી. તો વળી યશવંત સિંહાએ અંતરાત્માનો અવાજ સાંભળીને મત આપવાની વાત મુકતા ૧૨૫ ધારાસભ્યો અને ૧૭ સાંસદોએ અંતરાત્માનો અવાજ સાંભળી શ્રીમતી મુર્મૂની તરફેણમાં મતદાન કર્યું !
છેલ્લાં કેટલાંક વર્ષથી કેન્દ્ર સરકારે પાયાના સ્તરે રહેલાં લોકોને સશક્ત બનાવવા અને દાયકાઓથી ચાલી આવતી કેટલાંક ઉચ્ચ લોકોની ઈજારાશાહીને તોડવાનો સારો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ તરીકે પદ્મ પુરસ્કારો એક સમયે મોટાભાગે શ્રીમંત, વ્હાલસોયા અને ચોક્કસ વંશના લોકોને પ્રાપ્ત થતા હતા, એના સ્થાને હવે તે ‘લોક પુરસ્કારો’ બની ગયા છે અને અંતરિયાળ તળના ખરેખર કાર્યસિદ્ધિ કરનારા લોકોને મળે છે. જેમાં મહામહિમ શ્રીમતી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું પણ નવું ઉદાહરણ પૂરુ પાડે છે કે, સક્ષમ અને સબળ લોકો દેશના ઉચ્ચ સ્થાને બેસીને રાષ્ટ્રસેવા કરી શકે છે. આ પ્રયત્નોથી જ્યાં દાયકાઓથી વંશવાદી રાજનીતિ અને વ્યક્તિગત સંપત્તિનું વર્ચસ્વ હતું તેવા રાજકીય માળખામાં શ્રીમતી મુર્મૂ તાજી હવાના શ્ર્વાસ સમાન બની રહેશે. નીતિગત બાબતોની તેમની સમજ અને દયાળુ સ્વભાવથી આપણા દેશને બહુ ઘણો લાભ થશે એમ લાગે છે.
શ્રીમતી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું એ માત્ર ભારતના સાચા લોકતંત્રની વિશેષ ઉપલબ્ધિ માત્ર નથી, આ તો ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, દીનદયાલ ઉપાધ્યાયજી, બિરસા મુંડા અને સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાનુભાવોએ સેવેલા સપનાની સાર્થકતા છે, જેમનો આભાર મુર્મૂજીએ પણ માન્યો છે.
પરંતુ આ સમય રાજકીય વિશ્ર્લેષણ કરતાં આનંદનો વધુ છે. શ્રીમતિ મુર્મૂ આ પદ પર આવવાથી એ સિદ્ધ થાય છે કે, ભારત સ્વતંત્રતા પછી પોતાની પ્રજાતાંત્રિક વ્યવસ્થામાં હવે એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી ચુક્યું છે, જેમાં છેવાડાના માનવીની ક્ષમતાઓનીય નોંધ લઈને એને યથાયોગ્ય સ્થાન અપાઈ રહ્યું છે. રાષ્ટીયત્વની પરંપરામાં મુસ્લિમ, દલિત તરીકે અનુક્રમે ડૉ. અબ્દુલ કલામ અને શ્રી રામનાથ કોવિંદને સર્વોચ્ચ પદ પ્રાપ્ત થયું તે જ ક્રમમાં આદિવાસી તરીકે દ્રૌપદી મુર્મૂને પણ આ સર્વોચ્ચ પદ મળ્યું એ લોકશાહીની પરિપક્વતા અને ગૌરવ છે. અંતઃકરણથી અભિનંદન.