સંસ્કૃતિ સુધા - મોક્ષદાયી પ્રણવમંત્ર જે શિવને પણ પ્રિય છે

કેટલાક મંત્રોનું યોગ્ય ઉચ્ચારણ ન થાય તો એનું દુષ્પરિણામ આવી શકે છે. પણ પ્રણવમંત્ર આબાલ, વૃદ્ધ સૌ કરી શકે છે. મૂળ મંત્ર ઓમને નમસ્કાર.

કુલ દૃશ્યો |

pranav mantra
 
 
મંત્ર એવો ધ્વનિ, ઉચ્ચાર, શબ્દ છે જેનું અનુસંધાન સીધું હૃદય સાથે છે. જેનો ઉદ્ભવ ભારતીય વૈદિક પરંપરામાં થયો છે. એ પછી હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન ઇત્યાદિ પરંપરામાં મંત્રનો ઉપયોગ થવા લાગ્યો. શિવને પામવાના અનેક રસ્તા છે. ધ્યાન, સ્મરણ ઇત્યાદિ... એક સો આઠના અજવાળામાં મેરના મણકામાં શિવનો ભેટો થઈ જતો હોય છે. શિવને પ્રસન્ન કરવા પ્રણવ મંત્ર શ્રેષ્ઠ છે. શિવને પણ પ્રિય છે. ઉચ્ચાર માત્રથી મનમાં શાંતિનો સંચાર થાય છે. આ મંત્રમાં બીજા મંત્રનો આપોઆપ સમાવેશ થઈ જાય છે. આ મંત્રના જાપની સાથે જ નાભિથી નભ સુધીનો વિસ્તાર સાધી શકાય છે.
 
પ્રણવમંત્રના ૬ પ્રકારના અર્થો છે. જે આપણી છઠ્ઠી ઇન્દ્રિય ખોલે છે. પહેલો મંત્રરૂપ, બીજો યંત્રભાવિત, ત્રીજો દેવતાબોધક, ચોથો પ્રપંચરૂપ, પાંચમો ગુરુરૂપ અને છઠ્ઠો શિષ્યસ્વરૂપ છે. પ્રણવમાં વેદોએ પાંચ અક્ષર બતાવ્યા છે. પહેલો આદિ સ્વર અ, બીજો ઉ છે અને અંતિમ મ છે. એ પછી ચોથો અક્ષર બિંદુ અને પાંચમો અક્ષર નાદ છે. એ સિવાય બીજા કોઈ વર્ણ નથી. આ પાંચ અક્ષરમાં સમગ્ર સૃષ્ટિનું પંચામૃત આવી જાય છે. આ પાંચ અક્ષરમાં શિવ બિરાજમાન છે. સદ્યોજાતં પ્રપદ્યામિ અહીંથી લઈને સદાશિવોઽમ઼ સુધી જે પાંચ મંત્ર છે, શ્રુતિએ પ્રણવને આ સર્વનો વાચક કહ્યો છે. બ્રહ્મરૂપી પાંચ સૂક્ષ્મ દેવતા સમજવા. પંચેન્દ્રિયની પાર અને ક્ષિતિજની બહાર જેવા આ મંત્ર સિવાય આરોઓવારો નથી. પાંચ ભગવાન શિવના પાંચ મુખ બતાવ્યાં છે.
 
અથર્વવેદની શ્રુતિ કહે છે કે સંપૂર્ણ ઐશ્ર્વર્ય પ્રદાન કરવાની શક્તિ સદાશિવમાં જ દર્શાવાઈ છે. કલાના ક્ષેત્રમાં પારંગત થવું હોય તો આ મંત્ર ખૂબ ઉપકારક છે. શિવ ઉત્તમ નૃત્યકાર છે. સાહિત્યક્ષેત્રે વિસ્તરવા પણ આ મંત્ર અનિવાર્ય છે. શિવના ડમરુંમાંથી સ્વર અને વ્યંજન અવતર્યાં હતાં. ત્યાર પછી ભાષાની શરૂઆત થઈ હતી. મન, નાસિકા, ઉપસ્થ, ગંધ અને પૃથ્વી એ પાંચ બ્રહ્મથી વ્યાપ્ત છે. એની અનુભૂતિ આ મંત્ર દ્વારા થાય છે. ચિત્તથી ચૈતન્ય સુધીનો વિસ્તાર સધાય છે. શ્ર્વાસ - ઉચ્છ્વાસની શુદ્ધિ પણ થાય છે.
 
વિવિધ દેવદેવીઓના અલગ અલગ મંત્રો છે. મંત્રોની મૂળ કલ્પના વેદમાં કરી છે. મોટાભાગના મંત્રો બે ચરણના શ્ર્લોકમાં છે. જો કે કેટલાક મંત્રો એક પંક્તિમાં અને કેટલાક એક શબ્દ રૂપ પણ જોવા મળે છે. દરેક મંત્રની અસરકારકતા જુદી છે. ક્યારેક રાત્રે સ્મશાનમાં બેસી કોઈનું અહિત કરવા પણ વિધિવિધાનો દ્વારા મંત્રજાપ થાય છે. કાળીચૌદસ એના માટે ઉત્તમ છે. કેટલાક મંત્રોનું યોગ્ય ઉચ્ચારણ ન થાય તો એનું દુષ્પરિણામ આવી શકે છે. પણ પ્રણવમંત્ર આબાલ, વૃદ્ધ સૌ કરી શકે છે. મૂળ મંત્ર ઓમને નમસ્કાર.
 
સ્વામી આનંદ કહે છે કે, પોતાના માટે નહીં પણ બીજાની ભલાઈ ખાતર કરેલાં કર્મોમાંથી સાચું સુખ મળે છે. સુખ સાપેક્ષ છે, એક વ્યક્તિનું સુખ બીજી વ્યક્તિ માટે દુઃખ હોય શકે છે. શિવમંત્રના ઉચ્ચારણથી સુખ-દુઃખથી પરની અવસ્થાએ પહોંચી શકાય છે. શિવજીનું ધ્યાન સિદ્ધ કરવું હોય ઓમ કારનો જાપ કરવો જોઈએ. ઓમકાર અભિમાનનો નાશ કરે છે. તે સુંદર મહામંગલ કાર્ય કરનાર મંત્ર છે. તે ઉત્તમ મંત્ર છે. ઓમકાર દ્વારા શિવનું સ્મરણ થાય છે. ઓમકારનો અ શિવના ઉત્તર મુખથી, ઉ પશ્ર્ચિમ મુખથી, મ દક્ષિણ મુખથી, બિંદુ પૂર્વ મુખથી અને નાદ ઊર્ધ્વ મુખથી પ્રકટ પામેલ છે. ઓમકાર મંત્રથી જ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ઉત્પન્ન થયો છે. આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બન્ને પ્રાપ્ત થાય છે.
 
મનુષ્યે વહેલી સવારે ઊઠીને દેવનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ નિત્યકર્મથી પરવારીને સદાશિવની સેવા કરવી. સાયંકાલે શિવમંદિર જઈને ઓમકાર મંત્ર કે પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. નિષ્કામ મનુષ્યને ધર્મ વડે તેના પાલનથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાનનો વિસ્તાર વધે છે અને તે વધુ તેજોમય બને છે. શ્રાવણના સ્વરો સદાશિવના સાનિધ્ય માટે સંકલ્પિત છે.
 
 
 
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.