હિન્દુઓ હવે ઉર્દૂવુડની બધી ફિલ્મોનો બહિષ્કાર કરવા કેમ માગે છે ?

અગાઉ પીકે વખતે આમિરે કહેલું કે, તેની ફિલ્મ જેણે ન જોવી હોય તે ન જુએ. કરીના કપૂર ખાને પણ આવું જ અગાઉ કહેલું, પણ લાલસિંહ ચઢ્ઢાના બહિષ્કારના ટ્રેન્ડ પછી આ ઉર્દૂવૂડમાં ગભરાટ પેસી ગયો છે કારણ કે તાજેતરમાં ઉર્દૂવુડની અનેક ફિલ્મોને હિન્દુઓએ ફ્લૉપ બનાવી છે.

    20-Aug-2022   
કુલ દૃશ્યો |
boycott urduwood and amir khan

આમિરે એકવાર નહી પણ વારંવાર હિન્દુઓનું અપમાન કર્યુ છે આ રહી એ બધી જ વાત...વાંચો

 
આમિર ખાનની બહુ વગોવાયેલી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના બહિષ્કારનો ટ્રેન્ડ ટ્વિટર પર ચાલ્યો. પરંતુ અચાનક ૧૧ ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે જ રજૂ થનારી અક્ષયકુમારની રક્ષાબંધન સહિત સમગ્ર ઉર્દૂવુડ (હિન્દી ફિલ્મોમાં હિન્દી ઓછું, અંગ્રેજી-ઉર્દૂ વધુ હોય છે તેથી તેને ઉર્દૂવુડ કહે છે)ના બહિષ્કારનો ટ્રેન્ડ ટ્વિટર પર ચાલ્યો.
 
આથી પ્રશ્ન થયો કે, કેમ સમગ્ર ઉર્દૂવુડ ફિલ્મોના બહિષ્કારની વાત હિન્દુઓ કરી રહ્યા છે? આવો આ પ્રશ્ર્નનો ઉત્તર જાણીએ.
લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના બહિષ્કારનું કારણ આમિર ખાન છે. તેણે ભૂતકાળમાં પીકે જેવી ફિલ્મ કરી હતી જેમાં હિન્દુઓનાં દેવી-દેવતાની ઠેકડી વધુ ઉડાડી હતી. તે વખતે હિન્દુઓ આટલા સામાજિક રીતે (સૉશિયલ મિડિયા દ્વારા) જોડાયેલા નહોતા. લોકોને ખબર પણ નહોતી. ફિલ્મનો પ્રચાર જોતાં પણ ખબર નહોતી પડી. આથી લોકોએ તેને હિટ બનાવી દીધી. પરંતુ જોયા પછી તેમને ઠગાયેલા હોવાનો અનુભવ થયો. તે પછી આમિર ખાને દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે તેવો રાગ બિહારની ચૂંટણી પહેલાં આલાપ્યો. આમિર ખાને તો પોતાની હિન્દુ (તે સમયની, હવે પૂર્વ) પત્ની કિરણ રાવનું નામ આપીને કહ્યું કે, કિરણે મને કહ્યું કે, તેને આ દેશ છોડીને જતા રહેવાનું મન થાય છે.
 
૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો બાબતે ૨૦૦૫માં એનડીટીવી (બીજી કઈ ચેનલ હોય?)ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હિન્દુ વિરોધી નિવેદન આપતાં તેણે કહેલું કે આ પ્રકારનાં કૃત્યોમાં જે લોકો સંડોવાય છે તેઓ દેશભક્ત નથી. તેઓ ભારત વિરોધી છે.
 
આ પછી તેની ‘રંગ દે બસંતી’માં એનડીએ સરકારના કોફીન પ્રકરણ, જેમાં બધા નિર્દોષ છૂટેલા બતાવાયું હતું, તેના પ્રચાર માટે તેણે નર્મદા વિરોધી આંદોલનકાર અને ૨૦૧૪માં આઆપની ટિકિટ પર લોકસભા ચૂંટણી હારનાર મેધા પાટકરના દિલ્લીમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધના વિરોધમાં ધરણામાં બેસી ગયો હતો. તે પછી તેની ‘ફના’ ફિલ્મ રજૂ થવાની હતી જેમાં એક આતંકવાદીને મહાન પ્રેમી બતાવાયો હતો, તેનો ગુજરાતની જનતાએ વિરોધ કર્યો હતો અને ગુજરાતમાં તે ફિલ્મ રજૂ નહોતી થઈ.
 
૨૦૨૦માં જ્યારે જમ્મુ-કાશ્મીર-લદ્દાખમાંથી કલમ ૩૭૦ દૂર થઈ ત્યારે બહુ ગણ્યાગાંઠ્યા દેશોએ તેનો વિરોધ કર્યો હતો, તેમાં તુર્કી દેશના પ્રમુખ રિકીપ તય્યપ એર્દોગન, જેમને મુસ્લિમ દેશોના અગ્રણી બનવું હતું તેમનો સમાવેશ થતો હતો. પરંતુ આમિર ખાન ૨૦૨૦ની બરાબર ૧૫ ઑગસ્ટે જ એર્દોગનનાં પત્ની એમિન એર્દોગન સાથે ચા-પાણી-નાસ્તો કર્યો હતો અને આમિર ખાને તેની (તે સમયની) પત્ની કિરણ રાવ સાથે સ્થાપેલી એનજીઓ વૉટર ફાઉન્ડેશનના પ્રૉજેક્ટોની ચર્ચા કરી હતી. આમાં જાહેર ન થયું હોય પણ તુર્કીનાં પ્રથમ મહિલાએ કે તેમના પતિએ આમિર ખાનના વૉટર ફાઉન્ડેશનને દાન આપ્યું હોય તો નવાઈ નહીં.
 
વર્ષ ૨૦૨૦માં થૂંક જિહાદ તો પછી બહાર આવી પણ વર્ષ ૨૦૧૬માં આમિર ખાને ‘જો જિતા વો હી સિકંદર’ ફિલ્મના કલાકારો સાથે મામી (મુંબઈ એકેડેમી ઓફ મુવગ ઇમેજ) ફિલ્મોત્સવ દરમિયાન જાહેર મંચ પરથી કહેલું કે, તે જ્યારે તેની નાયિકાના હાથમાં થૂંકે છે તે અભિનેત્રી નંબર વન બની જાય છે! આમિર ખાને દિલ ફિલ્મના શૂટિંગમાં માધુરી દીક્ષિતનો હાથ પકડી તેનું ભવિષ્ય જોઈ આપવાના બહાને થૂંકવાની કુચેષ્ટા કરી હતી. આમ તો આ ઉર્દુવૂડિયાવ ચોખલિયા હોય, સ્વચ્છતામાં બહુ માને, પણ જો જિતા વો હી સિંકદરની ખલનાયિકા પૂજા બેદીના હાથમાં પણ આમિર ખાન થૂંક્યો હતો અને મામી ફિલ્મોત્સવમાં મંચ પરથી પૂજા બેદીએ ગર્વ સાથે કહ્યું હતું કે હું મારી દીકરી આલિયાને પણ કહીશ કે આમિર અંકલ પાસે પોતાના હાથમાં થૂંકાવે. અહીં નોંધવા જેવી વાત એ છે કે, પૂજા બેદીની ગણીને છ ફિલ્મ આવી હતી જેમાંની લગભગ બધી જ ફિલ્મ ફ્લૉપ રહી.
આમિર ખાને પીકે ફિલ્મ વખતે કહેલું કે, જેને મારી ફિલ્મ ન જોવી હોય તે ન જુએ. આ જ રીતે ભારત પર આક્રમણ કરનાર તૈમૂર અને અત્યાચારી જહાંગીર (જેણે અમદાવાદને ગર્દાબાદ- ધૂળનું શહેર કહેલું)ના નામ પરથી પોતાના દીકરાઓના નામ રાખનાર કરીના કપૂર ખાને પણ બરખા દત્ત સાથે વાતચીતમાં ઘમંડ સાથે કહેલું કે, જેને અમારી ફિલ્મ ન જોવી હોય તે ન જુએ. પરંતુ છેલ્લી કેટલીક ફિલ્મોની દશા જોતાં આ વખતે આમિરને ગભરાટ થઈ ગયો કારણ કે હવે હિન્દુઓ માત્ર વાતો નથી કરતા, બહિષ્કાર કરીને બતાવે છે. જેએનયુની ટુકડે-ટુકડે ગેંગનું સમર્થન કરનાર દીપિકા પદુકોણ દ્વારા નિર્મિત ૮૩, અક્ષયકુમારની બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, કંગના રનૌતની ધાકડ વગેરે ફિલ્મો ફ્લૉપ ગઈ. કંગના રનૌત અને કહેવાતા આધ્યાત્મિક વ્યક્તિ જગ્ગી વાસુદેવે મહા શિવરાત્રિ પર અલી મૌલા પર ડાન્સ કર્યો હતો. તેથી લોકોમાં કંગના સામે પણ રોષ ફેલાયો હતો.
 
આથી આમિરે તેની ફિલ્મના કેમેરામેન, સ્પૉટ બૉય વગેરે સભ્યોને આગળ કરી કહ્યું કે, તેમનું તો વિચારો. પણ હવે લોકો ફિલ્મની પૂરી બારાખડી જાણે છે. ફિલ્મ રજૂ થતાં પહેલાં તેમને તેમની ચૂકવણી મળી જાય છે. તેમને ફિલ્મ સફળ જાય કે નિષ્ફળ તેની સાથે લેવા-દેવા નથી.
 
આથી આમિરે બીજી ચાલ રમી. તેણે તેની ફિલ્મ શીખોની એક સર્વોચ્ચ સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસ.જી.પી.સી.)ને બતાવી, તેની અનુમતિ લીધી કારણ કે આ ફિલ્મમાં તે શીખ બન્યો છે. આથી હિન્દુઓ વધુ રોષે ભરાયા કે પીકેને રજૂઆત પહેલાં કેમ કોઈ હિન્દુ સંગઠન કે સંતને બતાવી નહીં? પરંતુ આમિર જાણે છે કે, હિન્દુઓ બહુ-બહુ તો બહિષ્કાર કરશે પણ શીખો જો તેમના પંથ વિરુદ્ધ કંઈ પણ હોય તો સાંખી લેતા નથી.
 
આમિરે ત્રીજી ચાલ એ રમી કે પંજાબમાં આઆપ સરકાર છે (અને આમિર ભ્રષ્ટાચાર વિરોધી અન્ના-કેજરીવાલ-કિરણ બેદી વગેરેના આંદોલનમાં પણ મંચ પર પહોંચી ગયો હતો) તો ત્યાં શીખ સંગઠનોએ હિન્દુ સંગઠનોને પડકાર ફેંક્યો કે, તમારામાં શક્તિ હોય તો પંજાબમાં ફિલ્મના શૉ બંધ કરાવી જુઓ. આમ, આમિર અને આઆપે શીખ વિરુદ્ધ હિન્દુને ભડકાવવા પ્રયાસ કર્યો.
 
જે રીતે બિહારમાં ભાજપ સામે નીતીશકુમાર, તેજસ્વી યાદવ, કૉંગ્રેસ, ડાબેરી પક્ષો વગેરે એક થઈ ગયા તેમ ઉર્દૂવુડની ડૂબતી નૈયા જોઈને આ ખાન કલાકારો પણ એક થઈ ગયા. આમિરે ફિલ્મને ચલાવવા શાહરુખ ખાન પાસે અતિથિ ભૂમિકા કરાવી. આ જાણ થતાં હિન્દુઓ વધુ ભડક્યા કારણ કે શાહરુખ ખાને તેની ‘મૈં હૂં ના’માં ભારતીય હિન્દુ સૈનિકને ત્રાસવાદી બતાવ્યો હતો અને પાકિસ્તાનને સારું બતાવ્યું હતું. ‘માય નેમ ઇઝ ખાન’ દ્વારા જાણે બધા મુસ્લિમોની ભારતથી માંડીને અમેરિકામાં હેરાનગતિ કરાતી હોવાનું ગાણું ગાયું, એટલું જ નહીં, પણ ફિલ્મને હિટ કરાવવા તે વખતે અમેરિકાના એક વિમાનમથકે તેની અટક ખાન હોવાથી તેનાં કપડાં ઉતારાયાં હોવાનું ફિલ્મના પ્રચાર માટે ગતકડું કરતાં તત્કાલીન યુપીએ સરકાર દોડતી થઈ ગઈ હતી. જોકે અગાઉ ભારતના રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ (જે પણ મુસ્લિમ જ હતા) અને પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિઝની પણ આ રીતે જડતી લેવાઈ હતી, તો ત્યારે યુપીએ સરકારે આટલો હોબાળો મચાવ્યો નહોતો. (આ બતાવે છે કે, આ ખાન કલાકારોનું સરકારોમાં કેટલું ઉપજે છે?)
 
તે પછી શાહરુખ ખાને પણ કૉંગ્રેસ પ્રાયોજિત અસહિષ્ણુતાના રાગમાં સૂર મેળવ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૩માં તેની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ ફિલ્મ વખતે આ પ્રશ્ર્ન પૂછાયો (તે વખતે કઠમુલ્લાઓએ કાશ્મીરી છોકરીઓનું બેન્ડ બંધ કરાવ્યું હતું, કમલ હસનની વિશ્ર્વરૂપમને રજૂ નહોતી થવા દીધી) તો તેણે સ્પષ્ટ કહેલું કે, તે રાજકીય અને પંથીય બાબત વિશે કંઈ બોલવા નથી માગતો.
 
આમિર ખાનનાં આ બધાં ગતકડાં છતાં ફિલ્મની પહેલા દિવસે શરૂઆત ખૂબ જ નબળી રહી. તેની નિષ્ફળ ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ કરતાંય વધુ ખરાબ રહી. સેક્યુલર મિડિયાએ ઍડવાન્સ બુકિંગ બહુ સારું હોવાના (સ્વાભાવિક જ પેઇડ) સમાચાર ચલાવ્યા, પણ હવે ઇન્ટરનેટ પર બધું ચકાસી શકાય છે. લોકોએ બતાવ્યું કે ઘણી બધી બેઠકો ખાલી છે. અને કૉર્પોરેટ બુકિંગ થઈ રહ્યું છે (એટલે કે કોઈ કંપનીને કહીને ટિકિટ ખરીદાવડાવે. નાટક કે સંગીતના શૉમાં જેમ ફ્રી પાસ આપી હૉલ ખીચોખીચ ભરાયેલો બતાવાય તેમ.)
 
હવે પ્રશ્ર્ન એ થાય કે અક્ષયકુમારની ફિલ્મ રક્ષાબંધનના બહિષ્કારનો ટ્રેન્ડ કેમ ? આમ તો અક્ષયકુમારે મોદી સરકારના શૌચાલય અભિયાન પર ‘ટોઇલેટ: એક પ્રેમકથા’ ફિલ્મ પણ બનાવી હતી. પરંતુ આ ફિલ્મની લેખિકા કનિકા ધિલ્લોનનાં જૂનાં ટ્વીટ લોકોએ શોધી કાઢ્યાં. હમણાં કેટલાક ન્યાયાધીશો, લેખકો, કલાકારો સૉશિયલ મિડિયાનો બહુ વિરોધ કરે છે તેનું કારણ આ જ. પોલ ખુલ્લી પડી રહી છે. નુપૂર શર્મા કેસમાં ન્યાયાધીશોએ કેવી ટીપ્પણી કરી અને ઝુબૈરના કેસમાં કેવી ટીપ્પણી કરી તે લોકો પકડી પાડે છે. કનિકાએ કોરોના કાળમાં ન માત્ર મોદી સરકાર, પણ હિન્દુ સંસ્કૃતિ ગાય-ગો મૂત્ર વગેરે સામે પણ ટ્વીટ કરેલું કે, હૉસ્પિટલ શય્યા માટે રાહ જોતી પાર્કિંગમાં મરી રહી છું, આ અચ્છે દિન છે. ભારત સુપર પાવર છે. અને ગો માતાનું મૂત્ર પીવાથી કોરોના ચાલ્યો ગયો. અન્ય ઘણાં ટ્વીટમાં તેણે મૉબ લિંચિંગ માટે ભગવા આતંકવાદ શબ્દ વાપરેલો. તેણે સીએએના વિરોધી શાહીનબાગ ધરણાનું સમર્થન કરતું ટ્વીટ પણ કર્યું હતું.
 
વળી, અક્ષયકુમારે પણ ભૂતકાળમાં એક વાર શિવલિંગ પર દૂધ અને હનુમાનજીને તેલ ન ચડાવવું જોઈએ તેમ કહેલું તે પણ રક્ષાબંધન વખતે ઘણા લોકોએ યાદ અપાવડાવ્યું. અક્ષયકુમારની અનેક છેલ્લાં થોડાં વર્ષોની ફિલ્મો લક્ષ્મી, મિશન મંગલ, અતરંગી, સમ્રાટ પૃથ્વીરાજમાં કાં તો લવજિહાદ, કાં તો ઇસ્લામીકરણ ઘૂસાડાયું હતું.
 
આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સની ‘શમશેરા’માં હિન્દુ-બ્રાહ્મણ અને ત્રિપુંડ રાખનાર, શિખા રાખનારને ક્રૂર ખલનાયક બતાવાયો હતો અને નાયકનું નામ મુસ્લિમ પરથી રખાયું હતું, અંગ્રેજોને સારા બતાવાયા હતા, ફિલ્મના અંતમાં પણ સાઉદી અરબ-કાશ્મીરની જેમ પથ્થરમારો કરાતો બતાવાયો. આ ફિલ્મનો પણ હિન્દુઓએ બહિષ્કાર કર્યો.
 
આ બધું જોતાં, હવે રાષ્ટ્રવાદી હોય કે સેક્યુલર, કોઈની પણ ફિલ્મને હિન્દુઓ બરાબર તોળીને, બારીકાઈથી જુએ છે અને ટ્વિટર પર ટ્રેન્ડ ચાલ્યો છે કે, આ ઉર્દૂવુડનો જ બહિષ્કાર કરો. જોકે અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ જેવાં કલાકારો હજુ પણ ઘમંડમાં રાચે છે અને કહે છે કે, તેઓ ઇચ્છે છે કે હિન્દુઓ તેમની ફિલ્મોનો બહિષ્કાર કરે.
 
 
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…