વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ | ...એક પણ ગોળી ચલાવ્યા વગર એક આખા સમાજને મારી નાંખવામાં આવ્યો

આ વામપંથના આકાઓના ક્રિયાકલાપો કેવા હોય છે? તે જાણવા પણ જરૂરી છે, તે દ્રષ્ટિએ આ એક પ્રકરણ...

    20-Aug-2022   
કુલ દૃશ્યો |

kate millett  mallory millett
 

અમેરિકન વામપંથી નારીમુક્તિ એક્ટિવિસ્ટ કેટ મિલેટની બહેન મૈલૉરી મિલેટ પોતાના એક બહુચર્ચિત લેખમાં પોતાની બહેનને કંઈક આવી રીતે યાદ કરે છે...

 
જ્યારે પોતે (મૈલૉરી) શાળાનું ભણતર પૂરું કરીને જઈ રહી હતી ત્યારે તેની એક શિક્ષિકાએ પૂછ્યું કે, હવે આગળ શું કરવાનું વિચારે છે?
 
ત્યારે તેણે જવાબ આપ્યો કે, હું હવે યુનિવર્સિટીમાં જવાની છું.
 
તેની આ શિક્ષિકા દુઃખી થઈ અને કહ્યું કે, એનો મતલબ કે, હવે તું ચાર વર્ષ પછી નાસ્તિક અને કમ્યુનિસ્ટ બનીને બહાર નીકળીશ. ત્યારે છોકરીઓનું ઝુંડ આ બાબતે હસી પડ્યું અને આ કેટલી રૂઢિચુસ્ત સ્ત્રી છે, -તેવું વિચારીને આગળ વધ્યું.
હા, તે તો યુનિવર્સિટી ગઈ અને ચાર વર્ષ પછી બિલકુલ એ નાસ્તિક અને કમ્યુનિસ્ટ(વામપંથી) થઈ આવી. પોતાની બહેન કેટની જેમ, જે છ સાલ પહેલાં આવી રીતે પાછી ફરી હતી.
 
ખેર, મૈલૉરી કેટલાંક વર્ષો પછી દક્ષિણ પૂર્વ એશિયાથી પાછી ફરી, જ્યાં તે પોતાના પહેલા પતિની સાથે રહેતી હતી. તેણે હવે છુટાછેડા લઈ લીધા હતા, તે એક બાળકની મા હતી, અને દુઃખી હતી. જ્યારે તેની બહેન કેટે તેને પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું ત્યારે તેને એક સુયોગ સમજીને સ્વીકારી લીધું, કારણ કે આટલા વર્ષોથી દૂર રહેવાના લીધે તે ભૂલી ગઈ હતી કે, કેટની માનસિક અવસ્થા કેવી હતી.
 
કેટ તે સમયે એક નાનકડા લૉફ્ટ ફ્લેટમાં રહેતી હતી અને પોતાની થીસિસ અને પહેલું પુસ્તક સેક્સ્યુઅલ પૉલિટિક્સ લખી રહી હતી. કેટે મૈલૉરીને પોતાના એક મિત્રના ફ્લેટ પર રાખેલી એક મિટિંગમાં નિમંત્રણ આપ્યું. આ કેટનો જાગૃતિ સમૂહ (Consciousness raising group) હતો. જે માઓવાદી ચીનની તર્જ ઉપરનો બિલકુલ કમ્યુનિસ્ટ(વામપંથી) વ્યાયામ હતો. મીટીંગની શરૂઆત એક ચર્ચની કાર્યવિધિની જેમ થઈ. પણ આ તો માર્ક્સવાદ હતો, વામપંથનું ચર્ચ. જ્યાં તે બધાં, શાળાનાં બાળકોની જેમ એક સ્વરમાં જવાબો આપી રહ્યાં હતાં.
 
કેટે મીટીંગની શરૂઆત એક પ્રાર્થનાની જેમ.. કંઈક આવા વાર્તાલાપ સાથે કરી... કેટે પૂછ્યું,
 
# આપણે લોકો આજે અહીં શાના માટે ભેગાં થયાં છીએ?
 
જવાબ આપતાં સૌ બોલી ઉઠ્યાં,
 
- ક્રાંતિ કરવા માટે.
 
# કેવી ક્રાંતિ?
 
- સાંસ્કૃતિક ક્રાંતિ.
 
# કેવી રીતે કરીશું, આ સાંસ્કૃતિક ક્રાંતિ ?
 
- અમેરિકાનાં પરિવારોને નષ્ટ કરીને.
 
# પરિવારોને કેવી રીતે નષ્ટ કરીશું ?
 
- પિતૃસત્તાને નષ્ટ કરીને.
 
# પિતૃસત્તા કેવી રીતે નષ્ટ કરીશું ?
 
- તેની શક્તિ છીનવી લઈને.
 
# તેની શક્તિ કેવી રીતે છીનવી શકીશું ?
 
- મોનોગૈમીને ખતમ કરીને.
 
# મોનોગૈમીને કેવી રીતે ખતમ કરીશું ?
 
જે ઉત્તર સાંભળવા મળ્યો તે સાંભળીને મૈલૉરી ઉપર જાણે વજ્રનો આઘાત થયો.
 
# સ્વછંદતા (પ્રોમિસ્ક્યૂઈટી), અશ્ર્લીલતા વેશ્યાવૃત્તિ અને સમલૈંગિકતાનો પ્રચાર કરીને...
 
ત્યાર પછી તે લોકોએ આ ઉદ્દેશોને કેવી રીતે પૂરા કરી શકાય તે અંગેની લાંબી ચર્ચાઓ કરી. તેમણે ‘નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ વૂમેન’ બનાવવા માટેની ચર્ચા કરી અને પ્રત્યેક અમેરિકી સંસ્થાઓ : શિક્ષણ સંસ્થાઓમાં, હાઇસ્કુલ્સમાં, શિક્ષણ બોર્ડમાં, લાઇબ્રેરી બોર્ડમાં, જ્યુડિશ્યરી બોર્ડમાં, રાજ- નીતિમાં.. ઘૂસપેઠ કરવાની યોજના બનાવી.
 
મૈલૉરીને લાગ્યું કે, જાણે કેટલાંક નશેડી લોકો કોકેનના નશામાં બકવાસ કરી રહ્યાં છે અથવા જેમ શાળાનાં બાળકો જાણે કોઈક બેંક લૂંટવાની યોજના બનાવી રહ્યાં છે. તેણે આ બધું હવા-હવાઈ સમજીને મન ઉપર ન લીધું.
 
પરંતુ તે પછી કેટનું પુસ્તક સેક્સ્યુઅલ પૉલિટિક્સ છપાયું. તેને ખૂબ જ મીડિયા કવરેજ મળ્યું. ટાઈમ મેગેઝીનના કવરપેજ ઉપર તેની તસવીર છપાઈ અને કેટને નારીમુક્તિની કાર્લ માર્ક્સ ગણવામાં આવી. તેની થીસિસ વાંચીને છોકરીઓ ફેમિનિસ્ટ બની રહી હતી.
 
અને તેની આ થીસિસ શું હતી(?)- પરિવાર શોષણનું તંત્ર છે, એમાં પુરુષ શોષક છે, સ્ત્રી તથા બાળકો શોષિત છે. સ્ત્રી માટે લગ્ન એક વેશ્યાવૃત્તિ છે, એક વ્યક્તિ માટેની. એટલું જ નહીં, વેશ્યાવૃત્તિ એક સ્ત્રી માટે મુક્તિનો માર્ગ છે. આ માર્ગ તેને શક્તિ આપે છે, તેને પોતાના શરીર પર અધિકાર આપે છે, સ્ત્રીને પુરુષની દાસતામાંથી મુક્ત કરે છે. જેમ બીજા પ્રોફેશન છે, તેમ વેશ્યાવૃત્તિ પણ છે...
 
અને આ ગંદકી દેખતાં દેખતાં જ યુનિવર્સિટીઓ અને સ્કૂલોમાં ભરાઈ ગઈ. યુનિવર્સિટીમાં ‘વૂમેન સ્ટડી’ નામથી કોર્સ ભણાવવામાં આવવા લાગ્યો, જેના વિશે મા-બાપ વિચારી પણ ન શકે એવી આ કેવા ઝેરની ખેતી?! સીધી સાદી, કોમળ ભાવનાઓ અને સૌંદર્યથી ખિલખિલાટ કિશોરીઓ યુનિવર્સિટીમાં પહોંચતાં જ આ પાઠ ભણવા લાગે ત્યારે તેના આત્માની હત્યા થઈ જાય છે, તે શરીર બની જાય છે. પ્રેમ મરી જાય છે, સેક્સ રહી જાય છે. નારીવાદના નામ ઉપર નારીત્વની હત્યા થઈ જાય છે.
 

kate millett  mallory millett 
 
એવી કેટલીય સ્ત્રીઓની આપવીતી મૈલૉરી કહી રહી છે, જેઓ જવાનીમાં કેટના બહેકાવામાં આવી ગઈ અને હાલ જેઓ ૬૦-૭૦ વર્ષની ઉંમરે તકિયાના ટેકે રડી રહી છે. એ એકલવાયી, દુ:ખીયારીઓ વિચારી રહી છે કે, પોતાનો પરીવાર ક્યાં હશે? પોતે જણેલાં ક્યાં હશે? એમના ત્યાંય જન્મેલાં બાળકો ક્યાં હશે? કેટલીયે સ્ત્રીઓ જ્યારે મૈલૉરીને મળે છે અને જ્યારે તેમને ખબર પડે છે કે, આ મૈલૉરી, પેલી નામચીન કેટ મિલેટની બહેન છે, ત્યારે તેઓ કહે છે કે, તારી બહેને મારી બહેનની જિંદગી ખરાબ કરી દીધી, તારી બહેને મારી બહેનપણીનું ઘર વેરવિખેર કરી દીધું, તેમનાં બાળકો અનાથ થઈ ગયાં, તેનો પતિ પાગલ થઈ ગયો. તેમને એ જ સમજમાં નથી આવી રહ્યું કે, એકાએક ક્યું ગ્રહણ લાગી ગયું કે, એમની હસતી-ખિલતી જદગીમાં એક દિવસે એમના હાથે તારી બહેને લખેલી ચોપડી આવી પડી...
 
વળી સ્ત્રીઓને એવી કઈ તાકાત મળી ગઈ, જે એમની પાસે નહોતી. સ્ત્રીઓ હંમેશાં શક્તિશાળી જ હતી, સંસારને વાસ્તવમાં સ્ત્રીઓ જ ચલાવતી આવી છે. પુરુષ સ્ત્રીને ખુશ કરવા માટે કંઈ પણ કરતો હોય છે. ભગવાન ખુદ કહે તો પણ તેને પુરુષ અવગણી શકે, પરંતુ સ્ત્રીની વાત તે ન અવગણી શકે. એડમે પણ ઈવના કહેવાથી જ સફરજન ખાધું હતું ને...
 
આ બાજુ અમેરિકા કોલ્ડ-વૉર જીતીને ખુશ થઈ રહ્યું હતું કે, એક પણ ગોળી ચલાવ્યા વગર કમ્યુનિઝમ (વામપંથ)ને તેઓએ હરાવી દીધો, બર્લિનની દિવાલ ધ્વસ્ત કરી દીધી. અને આ બાજુ વામપંથ હસી-હસીને બેવડાઈ રહ્યો હતો... એક પણ ગોળી ચલાવ્યા વગર તેમણે પૂરા પશ્ર્ચિમી સમાજને મારી નાખ્યો... તેમનાં પરિવાર ઉપર, તેમની સ્ત્રીઓ ઉપર કબજો કરી લીધો... તેમના મર્મસ્થળને કચડી નાખ્યું.
 
*** 
 
કેટ મિલેટે અમેરિકામાં તેનું ફેમિનિજમ ફેલાવ્યું, અમેરિકાનાં પરિવારો તબાહ થઈ ગયાં, ભારતમાં પણ કેટ મિલેટના વૈચારિક વારસદાર એવાં વિષપંથીઓ (વામપંથીઓ) વિશાળ માત્રામાં છે. ફેશન, કલા, સાહિત્ય, અખબાર, સોશિયલ મીડિયા, ફિલ્મ, ટીવી સિરિયલ, ઓટીપી પ્લેટફોર્મ વગેરેના માધ્યમો પર પૂરેપૂરાં સક્રિય છે. ભારતને તોડવો હોય તો પ્રથમ ભારતનાં પરિવારોને તોડવાં પડે તેવી પાયાની વાત તે જાણે છે. તેમની વાતોમાં આવીને, બહેકાવામાં ફસાઈને, કુતર્કોમાં અધ:પતિત થઈને ગાડરિયો પ્રવાહ ઉભો ન થાય તે માટે પરિવાર પ્રબોધન, ઘરસભા વગેરે દ્વારા પ્રેમાળ પારિવારિકતાનું પ્રગટીકરણ એ જ એકમેવ અક્સિર ઈલાજ છે.
 

kate millett  mallory millett 
 
(લેખમાં ઉલ્લેખિત દિર્ઘ અવતરણ (અનુવાદિત), ડૉ. રાજીવ મિશ્રા દ્વારા લખાયેલ પુસ્તક સાભાર... સ્વાધીનતાનું આ અમૃતપર્વ તો જ અમૃતમય બની શકે, જો આપણે વિષ અંગે સભાન હોઈશું. આ પુસ્તક એ વામપંથની વિષલીલાનો વિસ્ફોટ છે, સૌએ અચૂક વાંચવા જેવું છે. ‘વિષપાન વિના અમૃતપાન શક્ય નથી જ.’ -આ જ સાચો સંદેશ છે, સમુદ્રમંથનનો...)
 
 
( લેખક -  ભાનુ ચૌહાણ )
(ક્રમશઃ)
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.