અટલ વોક વે બ્રિજ ( Atal bridge ) સહિત આ ૭ બ્રિજ અમદાવાદને રાખે છે ધબકતું….જાણો તેની રોચક વાતો

Atal Bridge | પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા બ્રિજનો છે રોચક ઇતિહાસ.. અટલ વોક વે બ્રિજ સહિત અમદાવાદની ઓળખ ગણાતા બ્રિજ પાછળ જોડાયેલી રસપ્રદ વાતો. જાણો

    29-Aug-2022
કુલ દૃશ્યો |

Atal Bridge
 

Atal Bridge | પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા બ્રિજનો છે રોચક ઇતિહાસ.. અટલ વોક વે બ્રિજ સહિત અમદાવાદની ઓળખ ગણાતા બ્રિજ પાછળ જોડાયેલી રસપ્રદ વાતો. જાણો

 
સાબરમતી આશ્રમ, પોળના મકાનો, સીદી સૈયદની જાળી જેવા હેરિટેજ સ્થળોએ અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન અપાવ્યું છે અને વિશ્વ ફ્લકમાં પોતાની આગવી ઓળખ આપી છે. તો આ તરફ આધુનિક અમદાવાદની શાનમાં પણ વધુ એક છોગું ઉમેરાયું છે. આ નવી ઓળખ એટલે આઇકોનિક અટલ વોક વે બ્રિજ ( Atal bridge ) . છેલ્લાં ઘણાં સમયથી આ બ્રિજે લોકોમાં અનેરું આકર્ષણ પેદા કર્યુ હતું. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે અને બીજા જ દિવસે આ બ્રિજ પર એટલી બધી ભીડ જોવા મળી કે થોડા સમય માટે આ બ્રિજ બંધ કરવો પદ્યો. સેલ્ફી પોઇન્ટથી પ્રચલિત થયેલા આ બ્રિજની બીજી પણ અનેક વિશેષતાઓ છે જાણીએ તેના વિશે અને અમદાવાદના અન્ય પુલો વિશે…
 
 

અટલ વોક વે બ્રિજની વિશેષતાઓ, જાણો કેમ છે ખાસ ( Atal bridge )

 
 
રૂપિયા 72 કરોડના ખર્ચે નિર્મિત આ વોક વે બ્રિજ એન્જિનિયરિંગ કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. બ્રિજની લંબાઇ 300 મીટર જ્યારે પહોળાઇ 14 મીટર છે. આ બ્રિજમાં 2600 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ફ્લોરિંગમાં વુડન અને ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 

atal bridge 
 

કેમ લાંબા પતંગ આકારનો બનાવાયો છે આ બ્રિજ?

 
અમદાવાદમાં ઉત્તરાયણને એક વિશિષ્ટ તહેવાર તરીકે જોવામાં આવે છે. હવે દેશ બહાર વસતા ગુજરાતીઓ સાથે વિદેશીઓ માટે ઉત્તરાયણ એ એક ઉત્સવનું માધ્યમ બનતું જાય છે. આ બ્રિજનો દેખાવ અને આકાર પતંગ આધારિત ડિઝાઇનથી બનાવી શહેરની સંસ્કૃતિ અને આ તહેવારનું સંયોજન કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, બ્રિજની થીમને અનુરૂપ આર્ટ ઇન્સ્ટોલેશન્સ કરી તેની સુંદરતામાં ઉમેરો કરનારા આર્કિટેક્ચર આર્ટિસ્ટ તરૂણકુમાર આપણાં અમદાવાદના જ છે અને સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે.
 

કોના માટે ઉપયોગી ?

 
ફૂટ વે બ્રિજ સાંભળતા જ આપણને સ્વાભાવિક થાય કે આ બ્રિજ રાહદારીઓ માટે બનાવાયો હશે પરંતુ સાયકલ સવારો પણ આ બ્રિજનો ઉપયોગ કરી નદી પાર કરી શકશે. આ પુલ રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ફ્લાવર ગાર્ડનને અને પૂર્વના છેડે કલા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે.
 
 

ellis bridge 

અમદાવાદના આ અન્ય બ્રિજનો પણ છે રોચક ઇતિહાસ ( Atal bridge )

 
અમદાવાદના પૂર્વભાગને પશ્ચિમ ભાગ સાથે જોડતો એક બ્રિજ એટલે કે એલિસબ્રિજ. આ બ્રિજને સ્વામી વિવેકાનંદ બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. પણ લોકો તેને એલિસબ્રિજના નામથી ઓળખે છે. ઇ.સ. 1872માં બાંધવામાં આવેલો આ બ્રિજ સવાસો વર્ષ કરતા પણ વધુ જૂનો છે. વર્ષ 1870-71માં પહેલાં બ્રિટિશરો દ્વારા 54,920 પાઉન્ડના ખર્ચે લાકડાંનો પુલ બાંધવામાં આવ્યો. પરંતુ કાંઠા પરના બે ભાગ સિવાય આ પુલ વર્ષ 1875માં આવેલા પૂરમાં નાશ પામ્યો.
 
ઇ.સ 1892માં બ્રિજ અંદાજિત ખર્ચ કરતા સસ્તામાં તૈયાર થતાં એન્જિનિયર સામે સમિતિ બેસાડાઇ
 
પૂરમાં નાશ પામેલ આ બ્રિજ બાદ ઇ.સ. 1892માં એન્જિનયર હિંમતલાલ ભચેચ દ્વારા સ્ટીલમાંથી બનાવવામાં આવ્યો.આ બ્રિજ માટે સ્ટીલ ખાસ બર્મિંગહામમાંથી મંગાવવામાં આવ્યું. બ્રિજનો પ્રસ્તાવિત ખર્ચ 5,00,000 હતો. જ્યારે આ બ્રિજ 4,07,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયો. બ્રિજ સસ્તામાં તૈયાર થતાં એન્જિનિયરના કામ બાબતે શંકા કરવામાં આવી. બ્રિજમાં સામાન ઉતરતી ગુણવત્તાનો વાપરવામાં આવ્યો છે હશે તે શંકાના આધારે એન્જિનિયર સામે કમિટી બેસાડવામાં આવી. તપાસમાં તારણ આવ્યું કે બ્રિજમાં વપરાયેલ માલ- સામન ઉચ્ચ કક્ષાનો છે. પછી સરકારના નાણાં બચાવવા માટે એન્જિનિયર હિંમતલાલને રાવ સાહેબનો ઇકલાબ એનાયત કરવામાં આવ્યો. થોડા સમય પહેલાં જ આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આજે પણ જૂના અમદાવાદની ઓળખ સમો આ બ્રિજ અડીખમ અનેક ઘટનાઓનો સાક્ષી બની ઊભો છે.
 
 

atal bridge 

આ સિવાય પણ અન્ય 7 મુખ્ય બ્રિજ અમદાવાદને રાખે છે ધબકતું

 
નહેરુ બ્રિજએ સાબરમતી નદી પર આવેલા મુખ્ય પુલોમાંથી એક છે. અમદાવાદના મુખ્ય 7 બ્રિજમાં નેહરુ બ્રિજનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરના પરિવહનમાં મહત્વનો ફાળો આપે છે. ઐતહાસિક એવા એલિસ બ્રિજની સરખામણીમાં આ પુલ આધુનિક અને મોટો છે. ઇ.સ. 1962માં આ પુલ બાંધવામાં આવ્યો હતો. આ પુલનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પરથી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દધીચી બ્રિજ, સરદાર બ્રિજ, સુભાષ બ્રિજ, આંબેડકર બ્રિજ કસ્તુરબા ગાંધી બ્રિજ શહેરવાસીઓને સતત ધબકતા રાખવામાં અડીખમ છે.
 
છેલ્લે
 
રિવરફ્રન્ટ, સ્પોર્ટ્સ સંકુલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા અનેક પ્રકલ્પોએ જ્યારે દેશ નહિ દુનિયામાં અમદાવાદની અલગ ઓળખ બનાવી છે ત્યારે આવનારા સમયમાં આ અટલ બ્રિજ પણ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે નવું જોવા-ફરવા લાયક સ્થળ બની રહેશે!
 
 
- જ્યોતિ દવે