વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ | વામપંથી વિમર્શ v/s રાષ્ટ્રીય વિમર્શ

આપણા રાષ્ટ્રમાં વામપંથ વિસ્તરે, વકરે, વિષ ફેલાવી શકે તેટલી હદે વિકસે તે માટે કોણ જવાબદાર? આ દેશનો મૂળનિવાસી હિન્દુ સમાજ જ જવાબદારને (?)!

    30-Aug-2022   
કુલ દૃશ્યો |

communist agenda in gujarati
 
 
આ વર્ષે સંપૂર્ણ ભારતવર્ષ પર ચોમાસાની અસીમ કૃપા ઉતરી છે. નેપાળની સૌથી મોટી નદી કોસીમાં મોટું પૂર આવ્યું અને તેણે હમણાં સુધી જે માર્ગે વહેતી હતી તે માર્ગના બદલે એના મૂળ જુના વહેણવાળા માર્ગે વહેવા લાગી છે. આ જાણીને મન પોકારી ઊઠ્યું કે, કાશ! નેપાળમાં રાષ્ટિયતાનું એટલે કે પોતાના ‘સ્વ’નું પણ પૂર આવે અને તે પોતાના મૂળ સાંસ્કૃતિક માર્ગે ઓર તેજ ગતિએ વહેતું થાય.
 
નેપાળના બગડેલા સંતુલનની પાછળ પણ વામપંથ જ તો જવાબદાર છે. એ એટલું તો બગડી ચૂક્યું છે કે, ત્યાંના મુસ્લિમો પણ જાહેરમાં ઈચ્છા પ્રગટ કરી રહ્યા છે કે, અમારે પણ મૂળ જેવું હતું તેવું જ નેપાળ જોઈએ છે. તેનાં કારણોનું અવલોકન પણ રસપ્રદ છે. પૂરી સમીક્ષા ક્યારેક કરીશું.
 
આપણા રાષ્ટ્રમાં વામપંથ વિસ્તરે, વકરે, વિષ ફેલાવી શકે તેટલી હદે વિકસે તે માટે કોણ જવાબદાર? આ દેશનો મૂળનિવાસી હિન્દુ સમાજ જ જવાબદારને (?)!
 
હિન્દુઓ જે બોધપાઠ કાલે શીખ્યા હતા, થોડો ઘણો સમજ્યા પણ હતા, આજે તેને સ્મૃતિ ઉપર શોધવો પડે, ફંફોસવો પડે તેવી સ્થિતિ જ હિન્દુસ્થાનની રૂકાવટનું કારણ બની. આ કડવું સત્ય છે, નગ્ન સત્ય છે.
 
હિન્દુ ધર્મના બદલે પંથ-વાડા-સંપ્રદાયો પર જ પ્રજાનું ધ્યાન મહદ્અંશે કેન્દ્રિત થયેલું હોવાના કારણે હિન્દુ તરીકે, એક રાષ્ટ તરીકેની મૂળ ઓળખ વિસારે પાડવામાં વામપંથીય વિમર્શ સફળ રહ્યો. વામપંથ ‘Religion’નો અનુવાદ (પંથ-વાડો-સંપ્રદાય હોવો જોઈએ તેના બદલે..) ‘ધર્મ’ કરવામાં - ઠસાવવામાં સફળ રહ્યો. અને સેક્યુલરીઝમના નામે ‘ધર્મ’ને અડફેટે લીધો. આમ હિન્દુત્વને, રાષ્ટની વ્યાપક દ્રષ્ટિને નકારી દઈને જાણે દેશ-દુનિયાની મોટી મોટી ઘટનાઓ, વિચાર-પ્રવૃત્તિઓને રાષ્ટીય પરિપ્રેક્ષ્યમાં ઠીક રીતે સમજવાની સમજદારીને સમાપ્તિના આરે ન આણી દીધી હોય ! પંથ - વાડા - સંપ્રદાયોની સંકુચિતતાની સામે આ સમજદારીનું હવે વધુ સંકોચન ન થાય તે માટેની જવાબદારી કોની ?
 
હા, એ વાત સાચી કે, આધ્યાત્મિકતામાં આપણું સર્વસ્વ સમાવિષ્ટ છે, પણ કોરી આધ્યાત્મિકતામાં નહીં જ.. આ કોરી આધ્યાત્મિકતાવાળા ભ્રમિત આશ્ર્વાસને, હિન્દુ બીજા મનુષ્યને મૂલત: પોતાના જેવો જ સમજે છે, ચાલો.. એટલેથી પણ અટકી જવામાં આવ્યું હોત તોય ચાલી જાય, પરંતુ એના આધારે જ્યારે એવું માની બેસવામાં આવે છે કે, વિશ્ર્વના બીજા લોકો પણ મોટાભાગે આવું જ વિચારતા હશે, બસ ત્યારે જ શરૂ થાય છે- સદ્ગુણજન્ય વિકૃતિ. મોટા મોટા (અન્ય શબ્દોમાં પણ તેમને નવાજી શકીએ પરંતુ સૌજન્ય દાખવીને તેમના માટે કહીએ કે - અતિ ભોળા ભલા) વિદ્વાનો માટે આ સમજવું દુષ્કર રહ્યું છે કે,
 
 
દુનિયામાં એવાં લોકો, સંગઠન, મજહબ, વિચારધારાઓ પણ છે જે બીજાઓને કોઈપણ ભોગે પોતાની સમાન માનવા બિલકુલ તૈયાર નથી, માત્ર માનવા જ તૈયાર નથી એટલું જ નહીં, પરંતુ બીજાઓને ઠીક પોતાના જેવા અથવા પોતાના અનુગામી બનાવવા માટે આક્રમણ, હિંસા, છળ-પ્રપંચ અને દમન સહિતના બધા જ માર્ગો અપનાવવા માટે તેઓ કોઈપણ જાતની હિચકિચાટ વિના સક્રિય છે. આ માર્ગોનાં સોફ્ટ સ્વરૂપોને સમજવાં, ઓળખવાં તે તો સરેરાશ હિન્દુ માટે અતિ અતિ કઠિન છે.
 
 
વર્તમાનમાં જ જોઈએ તો સિગારેટ પીતાં મહાકાળીના ફિલ્મી પોસ્ટરના સમાચારોની સહી હજું સૂકાઈ પણ નથી ને, ભગવાન શિવ અને મહાકાલીની આપત્તિજનક તસવીર કેરળથી પ્રકાશિત થતા મેગેઝીન ‘ધ વિક’ના તાજેતરના અંકમાં ડૉ. વિવેક દેવરોયના A tongue of fire શીર્ષકવાળા લેખની વચ્ચે મૂકવામાં આવી, જેના વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના મુદ્દે એફઆઇઆર પણ નોંધાવવામાં આવી છે. આ લેખના લેખક દ્વારા નહીં, પરંતુ ધ વિક દ્વારા લેખથી તદ્દન વિસંગત એવી આ આપત્તિજનક તસવીર છાપીને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય આચરવામાં આવ્યુ છે. જેનાથી આહત થઈને લેખકે ‘ધ વિક’ સાથે કાયમી ધોરણે છેડો ફાડી દીધો. ‘ધ વિક’ના વિષવમનના આ અત્યંત ધૃણાસ્પદ વામપંથી ચહેરાથી વામપંથની વિરાટ વામનતા સમજી શકીએ કે (?) !
 
વાસ્તવમાં વામપંથી મિડિયા એ વામપંથનો અજેય ગઢ છે. હિન્દુસ્થાનમાં પગદંડો જમાવવા માટેની વામપંથીય ઇકોસિસ્ટમમાં મીડિયાની ભૂમિકા કેન્દ્રસ્થાને છે. મીડિયાની આડ લઈને પોતાના વિમર્શ ઉભા કરવામાં, સંભ્રમણાઓ ફેલાવવામાં વામપંથીઓ માહેર છે. પોતાનાં દુષ્કર્મોથી બચવા માટે પણ મીડિયા તેમનો મોટો સહારો છે. આ દ્રષ્ટિએ ‘એનડીટીવી’ અને ‘ધી વાયર’, વામપંથી ઇકોસિસ્ટમવાળા મિડિયા તરીકેના જીવતા જાગતા કુખ્યાત નમૂના છે. ઑપઈંડિયા તો પબ્લિકલી પોકારી રહ્યું છે કે, ‘એનડીટીવી’ અને ‘ધી વાયર’ને ક્યારેય નાણાંની કમી નથી, દેશ-વિદેશમાંથી ‘ક્રાંતિ’ના નામે અધધધ ફંડીંગ મળે છે.
 
સમાજમાં ફેક ન્યૂઝ ફેલાવતી ટ્વિટ કરીને ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના કારણસર પ્રોપેગેંડા વેબસાઇટ ‘ઑલ્ટન્યૂઝ’ (AltNews)ના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની સામે સુપ્રિમ કોર્ટમાં થયેલ કેસમાં જામીન કોણ બન્યું ? ‘એનડીટીવી’ (પત્રકાર શ્રીનિવાસન જૈન). અને આમ ‘એનડીટીવી’ અને ‘ઑલ્ટન્યૂઝ’ની સાંઠગાંઠ સૌની સામે ખુલ્લી પડી ગઈ.
 
 
આ ‘ઑલ્ટન્યૂઝ’વાળા મોહમ્મદ ઝુબેરને તો ઓળખીએ છીએ ને (?)! આ ઈસમે પોતાના ટ્વિટર એકાઉન્ટને (જેના લગભગ સવા ત્રણ લાખ ફોલોવર્સ છે તેને..) નર્યાં જૂઠાણાં ફેલાવવાનું માધ્યમ બનાવેલું. ગાઝિયાબાદના લોની કસ્બામાં એક બુઝુર્ગ મુસ્લિમને હિન્દુ યુવાનોએ જય શ્રીરામ બોલવાનું કહ્યું, પરંતુ ના બોલવાના કારણે તેને માર મારવામાં આવી રહ્યો હોવાના આરોપ સાથે એક વીડિયોને મ્યુટ કરીને ટ્વિટ કર્યો. વામપંથીઓએ ઉભી કરેલ ઇકોસિસ્ટમ પ્રમાણે આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. વાતાવરણ તંગ બની ગયું. પરંતુ જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, વાસ્તવમાં એ બુઝુર્ગ મૌલવીએે કેટલાક મુસ્લિમ યુવકોની ઘરેલું સમસ્યા દૂર કરવા માટે તાવીજ આપેલાં, પરંતુ તેનાથી તે મુસ્લિમ યુવકોને કોઈ જ પ્રકારનો ફાયદો ન થતાં તે યુવકોએ જ તે મૌલવીને માર મારેલો, તેનો એ વિડિયો હતો.
 
વામપંથનું અસલ કામ કોઈપણ ઘટના અનુસંધાને ભારતની અસ્મિતાની વિરુદ્ધમાં અને દેશવિરોધીઓના પક્ષમાં વિમર્શ સ્થાપિત કરવાનું છે. વામપંથનો ઉદ્દેશ્ય સેના ઉપર, પ્રશાસન ઉપર અને ન્યાયતંત્ર ઉપર સતત આઘાત પહોંચાડવાનો હોય છે. ભારતની પરંપરાઓ ઉપર પણ તેમને હાડોહાડ નફરત વારસામાં મળેલી હોય છે. સેના પ્રશાસન, ન્યાયતંત્ર અને પરંપરાઓને કઠેડામાં ઊભાં કરવાં અને ખૂબ જ ચાલાકીપૂર્વક, શીફ્તથી સમાચારોમાં મિલાવટ કરીને રાષ્ટના હિતને, રાષ્ટની આબરૂ-મહત્તાને, રાષ્ટનાં સાંસ્કૃતિક મૂલ્યોને ક્ષતિ પહોંચાડવાનું ઝનૂન તેમના લોહીમાં છે. આ જ માનસિક્તાને સમજવા માટે આ એક નમૂનો પૂરતો નથી ?
 
 

mohammed zubair 

 

મોહમ્મદ ઝુબેરે આવાં તો અનેક જૂઠાણાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાવેલાં..

 
#l કોરોનાની પ્રથમ લહેર વખતે વડાપ્રધાનશ્રીએ જ્યારે દીવા પ્રગટાવવા અપીલ કરેલી ત્યારે સોલાપુર હવાઈ અડ્ડા ઉપર દીવા પ્રગટાવતી વખતે આગ લાગી ગઈ હોવાની અફવા તેણે ફેલાવેલી. દિવા પ્રગટાવવાની સદ્ભાવનાને તોડવાની આ મેલી મુરાદ હતી.
 
#2 શ્રીરામ મંદિરના ભૂમિપૂજન પહેલાં ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેર ઉપર પ્રભુ શ્રીરામનું બિલ-બોર્ડ લગાવવાના મુદ્દે મોહમ્મદ ઝુબેરે ફર્જી ટ્વિટ કરેલું કે, વિરોધ થવાને કારણે ટાઈમ્સ ઉપર બિલબોર્ડ નહીં લાગી શકે, વાસ્તવમાં ત્યારે એ બીલ-બોર્ડ ત્યાં લાગેલું જ હતું.
 
#3 મોહમ્મદ ઝુબેર દ્વારા સંચાલિત ફેસબુક પેજ ‘અનઓફિશિયલ સુબ્રહ્મણ્યમ સ્વામી’ ઉપર દિલ્હીની ચૂંટણી વખતે ભાજપનો કાર્યકર્તા સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ ચોરીને ભાગતો પકડાઈ ગયો હોવાના સાવ ખોટા સમાચાર તેણે ફેલાવેલા, પણ પછી માફી માગેલી, પરંતુ ત્યાં સુધી ફેલાઈ ગયેલા સમાચારોથી થયેલ નુકસાનનું શું ?
 
#4 તેણે ફેસબુક પેજ ઉપર ૨૦૧૬નો લચગનો એક વિડીયો બતાવવામાં આવ્યો વાસ્તવમાં તે વિડીયો ૨૦૧૨ના યુપીએ શાસનનો હતો.
 
#5 મોહમ્મદ ઝુબેરે ફર્જી વિડીયો બનાવીને ટ્વિટ કરીને આરોપ લગાવેલો કે, વિશ્ર્વ હિન્દુ પરિષદ (VHP)ના લોકો ‘હિન્દુસ્થાન મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા છે. ત્યારબાદ ગોંડાની પોલીસે તેને ફરજી બતાવીને ખારીજ કરેલો.
 
#6 તબલીગી જમાતનો મૌલાના સાદનો વિવાદિત પણ સાચો વિડિયો વાયરલ થયો ત્યારે મોહમ્મદ ઝુબેરે મૌલાનાનો ખોટો બચાવ કરવા માટે તે વિડિયોને ફેક ગણાવ્યો હતો, જ્યારે દિલ્હી પોલિસે તેને સાચો ઠેરવેલો.
 
#7 ભાજપના અંજુ ઘોષ બાંગ્લાદેશી છે તેવું ટ્વિટ કરેલું, ત્યારબાદ ભાજપે તેમનું જન્મ-પ્રમાણપત્ર રજૂ કરીને તેની આ વાતને જૂઠ્ઠી સાબિત કરવી પડેલી.
 
આવાં તો એક એકથીયે ચડિયાતાં સંખ્યાબંધ જૂઠાણાં છે. સમાજમાં સતત સંઘર્ષ ચાલતો રહે, સમાજ ડહોળાયેલો રહે, સરકારી તંત્રને બાનમાં લેવામાં આવે આ માટે ખોટો માર્ગ અપનાવનારને પૂરતા પ્રોટેક્શન સહિતની સંપૂર્ણ સુવિધા વામપંથીઓની ઇકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવે છે. તેનો બેદો નમૂનો જૂઓ.. આ જૂઠ્ઠા મોહમ્મદ ઝુબેરને જમાનત ઉપર છોડાતાં કોંગ્રેસના ચિદમ્બરમે આ છૂટકારાને ‘જૂલમો’ ઉપર ‘આઝાદી’ની જીત કહીને વધાવેલો. આ વખતે આઝાદી માંગતી ટૂકડે ટૂકડે ગેંગનું સ્મરણ ન થાય તો જ નવાઈ !
 

જો કે.. ભારત ભલે ધીરે ધીરે, પણ જાગી તો રહ્યું છે ! આનંદની વાત છે. આ રહ્યાં જાગૃતિનાં કેટલાંક ઉદાહરણો...

 
વામપંથી કેરળ સરકાર હિન્દુઓને હતોત્સાહી અને ઉત્પિડિત કરવા માટે નિમ્નથી લઈને અતિ નિમ્ન કક્ષાના પ્રયોગો કરવા માટે નામચીન છે. આમ છતાં પલક્કડમાં અય્યપ્પા સ્વામીનું વ્રત રાખવાના એક માત્ર કારણસર એક સરકારી કર્મચારીનું ભથ્થું કાપવાનો સરકારી આદેશ જાહેર કરવામાં આવેલો તેનો ભારે વિરોધ થતાં સરકારે તે આદેશને પાછો ખેંચવો પડ્યો હતો. બસ તે જ પ્રમાણે આ વામપંથી સરકારવાળા કેરલમાં હિરો-હિરોઈન તરીકે ઉન્ની મુકુંદન અને અંજુ કુરિયનવાળી એક લોકપ્રિય ફિલ્મ બની- મેપ્પાદિયન, જેમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન જોવા મળ્યું. ફિલ્મનો હીરો શબરીમાલા મંદિરમાં જાય, ભગવાનની આગળ શીશ ઝુકાવે, એમ્બ્યુલન્સ ઉપર સેવાભારતી લખેલું હોય, નકારાત્મક ભૂમિકાવાળું મુસ્લિમ પાત્ર હોય ત્યારે વામપંથીઓ હાથ ઉપર હાથ ચડાવીને બેસી શકે ખરા(?)! એડી ચોટીની તાકાત લગાવીને ધમપછાડા કરેલા તો પણ તેના આકર્ષણ અને તેની સફળતાને ખાળી શક્યા નહીં.
 
અત્યંત સફળ સિદ્ધ થયેલી ધ કાશ્મીર ફાઈલ વખતે તો વામપંથીઓએ દેશ નહીં, આખી દુનિયાને માથે લીધી હતી, છતાં તેઓ કશું ઉકાળી શક્યા નહીં.
 
(આ જ ક્રમમાં.. આગળની ઘટના તરીકે.. તાજેતરની ફ્લોપ ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા અંગે અહીં કશું જ કહેવામાં નહીં આવે તો પણ વામપંથની વાંકી-ચૂકી ચાલના પારખુઓ તેને સામેલ ન કરે તો જ નવાઈ.. કારણ કે હવે હિન્દુ પણ કમસે કમ નજીકનો ઇતિહાસ યાદ રાખતો થયો છે.)
 
ભોળી નજરે મારિચ રાક્ષસ, એ માયાવી રાક્ષસ છે તેવું ધ્યાનમાં ન જ આવે. બસ તે જ રીતે વામપંથીઓની મારિચી માયામાં રાષ્ટનું ભોળુ જન-મન અંજાતુ રહ્યું, ફસાતું રહ્યું, પરંતુ હવે રાષ્ટ ભલે થોડું થોડું જ જાગ્યું છે. તેનાથી વામપંથી ગેંગ બેચેન છે. હવે વામપંથીઓને તેમની ભાષામાં જવાબ મળવાનો શરૂ થઈ ગયો છે. તેના માટે સોશીયલ મીડિયા દ્વારા ઉભા થતા તાત્કાલિક વિમર્શ અને તેના માધ્યમથી ઊભી થતી જાગૃતિની બહુ જ મોટી ભૂમિકા છે. સૈધ્ધાંતિક સત્યો ઉજાગર થાય, તેના પ્રકાશમાં તથ્યોનું પ્રસંગોચિત કંટેન્ટ તૈયાર થતું જાય, ગતિ સાથે પ્રસરતું જાય, લોકમન ઘડાતું જાય તો, હવે પ્રારંભ થઈ ગયેલા અમૃતકાળમાં ‘ નવઆવિષ્કૃત સ્વરૂપે સમાજ વૈચારિક રીતે સમર્થ બનશે. જે અંતે રાષ્ટને ‘ ની લક્ષ્યપ્રાપ્તિ પ્રતિ દોરી જશે.
 
 
- ભાનુ ચૌહાણ 
(ક્રમશઃ)
 
 
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.