એ કટ્ટરતા નથી, અમારી જીવનશૈલી છે : ડૉ. સૈયદ રિઝવાન અહમદ

ભારતને ડૉ. સૈયદ રિઝવાન અહમદ સૈફ્રૉન કૉરિડોર (ભગવો પટ્ટો) કહે છે. અફઘાનિસ્તાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી હિન્દુ શાસન હતું. આજે પચાસ ટકા હિન્દ (સનાતન સંસ્કૃતિવાળો ભૂભાગ) બચ્યો નથી. જે ભારત બચ્યું છે તેને કોઈ પણ હિન્દુ એમ ન કહી શકે કે આ હિન્દુ રાષ્ટ્ર છે.

    06-Aug-2022   
કુલ દૃશ્યો |

syed rizwan ahmed 
 
 
વકીલ અને અભિનેતા નસીરુદ્દીન શાહના પિતરાઈ ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે મુસ્લિમ બાળક નાનપણથી જ બકરાને ખવડાવી-પીવડાવી તેની સાથે રમી પોતાના પ્રિય બકરાને ગળું કાપતો જુએ છે તેનાથી તેનામાં કટ્ટરતા આવી જાય છે. ત્રાસવાદીઓ પાસે પિસ્તોલ હોવા છતાં તે કેમ વ્યક્તિનું ગળું કાપી સજા આપે છે?
 
જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહે દેશમાં અસહિષ્ણુતા વ્યાપી ગઈ હોવાનું નિવેદન આપ્યું તે પછી તેમના જ પિતરાઈ અને વકીલ ડૉ. સૈયદ રિઝવાન અહમદે એક ટીવી ડિબેટમાં આવીને નસીરુદ્દીન શાહ અને તેમના જેવા કટ્ટર મુસ્લિમોના દંભને ઉઘાડો પાડ્યો. તે પછી તેઓ ડિબેટમાં રાષ્ટ્રવાદી ચહેરો બની ગયા. તેમની યૂટ્યૂબ ચેનલ પણ ખૂબ જ લોકપ્રિય છે.
 
તાજેતરમાં ઇન્ડિયા ટીવી પર સાક્ષાત્કારમાં તેમણે જે વાતો કરી છે તે ચોંકાવનારી છે. બિહારમાં પૉપ્યૂલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના ગુપ્ત કામકાજ પર પોલીસે તડાપીટ બોલાવી તેમાં આઠ પાનાંનો એક દસ્તાવેજ મળી આવ્યો છે, જેનું નામ છે ઇન્ડિયા વિઝન ૨૦૪૭. તે મુજબ, ભારતમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં ઇસ્લામ શાસન સ્થાપવા માગે છે. આ બધા મુદ્દે ડૉ. સૈયદ રિઝવાન અહમદ શબ્દ ચોર્યા વગર નિસંકોચ વાતો કરે છે.
 
ગઝવા-એ-હિન્દ ૫૦ ટકા તો થઈ ચૂક્યું છે, ૨૦૬૨ સુધીમાં સો ટકા થઈ જશે તેઓ એવો દાવો કરે છે કે ગઝવા-એ-હિન્દ ૫૦ ટકા થઈ ચૂક્યું છે ! તેઓ કહે છે કે ગઝવા-એ-હિન્દ નથી, ખરેખર તો ગઝવા-એ-કાયનાત છે. સમગ્ર દુનિયા પર કબજો કરવો.
આજથી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલાં હદીશ આવી. એટલે હિન્દનો અર્થ તે વખતના ભારતના નકશા પ્રમાણે લેવાનો છે, વર્તમાન પ્રમાણે નહીં. તે વખતના ભારતને ડૉ. સૈયદ રિઝવાન અહમદ સૈફ્રૉન કૉરિડોર (ભગવો પટ્ટો) કહે છે. અફઘાનિસ્તાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી હિન્દુ શાસન હતું. આજે પચાસ ટકા હિન્દ (સનાતન સંસ્કૃતિવાળો ભૂભાગ) બચ્યો નથી.
જે ભારત બચ્યું છે તેને કોઈ પણ હિન્દુ એમ ન કહી શકે કે આ હિન્દુ રાષ્ટ્ર છે.
 

વસતિ વધી જશે તો ગઝવા-એ-હિન્દ થઈ જશે ?

 
સમય સાથે ગઝવા-એ-હિન્દની રણનીતિ બદલાતી રહી છે. મુસ્લિમોએ ક્યારેક તલવારના જોરે પંથાંતરણ કરાવ્યું, ક્યારેક લાલચથી કરાવ્યું, ક્યારેક સૂફીના અંચળા હેઠળ કરાવ્યું, પરંતુ હવે યુરોપ અને ભારત વગેરેમાં લોકતાંત્રિક પરિકલ્પના આવી છે. હવે એ કલ્પના છે કે, અમે ઇસ્લામ બંધારણની હેઠળ જ ફેલાવીશું. ૧૯૪૭માં પંથના આધારે ભારતના ભાગલા પડ્યા ત્યારે મુસ્લિમોની વસતિ પચાસ ટકા નહોતી. ૨૪ ટકામાં ભાગલા પડી ગયા. જો અત્યારની જેમ જ લોકતાંત્રિક પ્રક્રિયા રહેશે, વસતિવૃદ્ધિનો દર રહેશે તો મુસ્લિમોની બહુમતી નહીં થાય. તો પણ તેની ગરમી અનુભવવાની ૨૦૪૭થી શરૂ થશે. ૨૦૬૨ સુધીમાં તેમની વસતિ ફરીથી ૨૪ ટકા થઈ જશે. તે વખતે રાજકીય સમીકરણો એવાં બનશે કે મુસ્લિમોનું જ નીતિ વગેરેમાં ચાલશે. તેઓ કહે છે કે સીધી રીતે મુસ્લિમ રાષ્ટ્ર નહીં બની જાય કે શરિયાના કાયદા લાગુ નહીં થાય. પરંતુ કાશ્મીર, બંગાળ, કેરળ (અને ઝારખંડ-બિહારનાં મુસ્લિમ બહુમતીવાળાં ગામો)ની જેમ મુસ્લિમોનું અઘોષિત શાસન ચાલતું હશે. જો તેને ઠીક કરવા જશો તો તે વખતે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ વણસી જશે.
 

મોંઘવારી, આજીવિકાહીનતા, આરોગ્ય જેવા મુદ્દે વાત કરો...

 
આજે એક વર્ગ કહે છે કે દેશમાં હિન્દુ-મુસ્લિમ શું કર્યા કરો છો. હિન્દી-અંગ્રેજી ચેનલો પણ તેના મુદ્દે ડિબેટો કરતી હોય છે. દેશમાં વાત કરવા માટે મોંઘવારી, આજીવિકાહીનતા, આરોગ્ય, શિક્ષણ જેવા અનેક મુદ્દા છે. ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે પંચોતેર વર્ષ પહેલાં, ત્રીસ વર્ષ પહેલાં આવું થયું જ ન હોત તો આજે આ વાત કરવાની આવશ્યકતા નહોતી. આ વાત હું નથી કરતો, પીએફઆઈ કરે છે.
 
પરંતુ હવે આ સેક્યુલર વર્ગ એવું કહેવા લાગ્યો છે કે, આવા દસ્તાવેજો તો પોલીસ મોદી સરકારના કહેવાથી પ્લાન્ટ કરાવે છે. આ મુદ્દે ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે, ત્રણ પ્રકારના લોકો આ કામ કરે છે, એક તો સક્રિય રીતે કામ કરતો વર્ગ. નિષ્ક્રિય વર્ગમાં બે રીતના લોકો છે. એક તો એ લોકો જે જો, તો, પરંતુ વગેરે રૂપાળા બહાના હેઠળ સમર્થન કરે છે. (તેમાં સેક્યુલર હિન્દુ અને તસ્લીમ રહેમાની વગેરે લોકો આવી ગયા, ક્યાંક કોઈ કાયદાના નામે ન્યાયતંત્ર પણ આવી ગયું). બીજો વર્ગ વ્યૂહાત્મક રીતે ચૂપ રહે છે. તેઓ કટ્ટરોની લવિંગની લાકડીએ આલોચના કરે છે, પરંતુ જે રીતે ટ્રિપલ તલાક અને એનઆરસીનો વિરોધ કરે છે તેવો વિરોધ આ લોકોનો કરતા નથી. આવા લોકો છૂપો એજન્ડા ચલાવી રહ્યા છે. તેને અરબી ભાષામાં અલ તકિયા કહેવાય છે.
 

અલ તકિયા, દારુલ હર્બ, પીડિત હોવાની ખોટી છાપ

 
આ શબ્દ સાંભળી ઇન્ટરવ્યૂ કરનાર પત્રકાર-એન્કર સૌરવ શર્મા ચોંકી જાય છે. તેમને તો આ શબ્દ ખબર જ નથી. ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે અલ તકિયા એટલે જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યાં તમારે તમારી રણનીતિ બદલવી જોઈએ. પ્લાન ‘બી’નું ક્રિયાન્વયન કરવું જોઈએ. અને જ્યાં સુધી સ્થિતિ તમને અનુકૂળ ન થાય ત્યાં સુધી આ રીતે વર્તવું જોઈએ.
સૌરવ શર્મા પૂછે છે કે, આ સિદ્ધાંત ક્યાંથી આવ્યો? ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે આ સિદ્ધાંત તો ૧૪૦૦ વર્ષ જૂનો છે. છે ને નવાઈની વાત! ૧,૪૦૦ વર્ષ પહેલાં લખાયેલું અને ઘણા હિન્દુઓ અને ખાસ તો, સૌરવ શર્મા જેવા પત્રકાર પણ આના વિશે જાણતા નથી. અહીં ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે, અમે મુસ્લિમો જ્યાં હોઈએ છીએ ત્યાંની બહુમતી હિન્દુ, ખ્રિસ્તી, યહૂદી, બૌદ્ધ જે પણ હોય, ત્યાં એવી છબિ ઊભી કરી દઈએ છીએ કે અમારા પર બહુ અત્યાચાર થઈ રહ્યા છે (તેને દારુલ હર્બ કહે છે). આશ્ર્ચર્યની વાત એ છે કે અમને એ જ બહુમતી સમુદાયમાંથી અમારી આ કપોળકાલ્પનિક વાતને સમર્થન આપનારા લોકો પણ મળી જાય છે. અમે જાણીએ છીએ કે લોકતાંત્રિક દેશમાં અમે આવો ખોટો નેરેટિવ બનાવીશું તો તે દેશનો કોઈ ને કોઈ રાજકીય પક્ષ તો અમને સમર્થન કરવાનો જ છે, અને દરેક દેશમાં કરે છે.
 

પયગંબરની ગુસ્તાખી બદલ ગળું કાપવું એ નવાઈ નથી

 
તસ્લીમ રહેમાનીની શિવજીની મજાકના જવાબમાં નુપૂર શર્માની ટિપ્પણી પછી જે હત્યાઓનો ક્રમ ચાલ્યો તે મારા માટે જરીકેય આશ્ર્ચર્યની વાત નહોતી, તેમ ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે, કારણ કે જેણે પણ ઇસ્લામનો અભ્યાસ કર્યો છે તે જાણે છે કે કુરાન-પયગંબરનું અપમાન કરવા બદલ, ગળું કાપી નાખવામાં આવે છે. ઇસ્લામિક દેશોમાં આવા નિયમો બનેલા છે. તો મને સમજમાં નથી આવતું કે તેનાથી મુસ્લિમેતર લોકોને આશ્ર્ચર્ય કેમ થાય છે?
 
સૌરવ પૂછે છે કે પણ ભારતમાં તો ઇસ્લામિક શાસન નથી ને? તો ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે એક હોય છે, અવૈધાનિક, ગેરબંધારણીય અને બીજું છે, અ-ઇસ્લામિક. હજૂરની શાનમાં ગુસ્તાખી કરનારને સજા આપવાનો અધિકાર ઇસ્લામમાં છે, પછી ભલે જે-તે દેશના કાયદામાં ન હોય. એટલે આવી સજા આપવી એ ઇસ્લામિક છે. આવું કરવા જનાર વ્યક્તિ માત્ર અલ હકિમિય્યાહ (અલ્લાહના કાયદા)ને જ માનતો હોય છે, તેના માટે દેશની સીમા છે જ નહીં, કારણ કે આખી દુનિયા અલ્લાહની છે. તે માને છે કે આવું કરવું તે તેનું કર્તવ્ય છે. અને જો તેને ફાંસી આપવામાં આવશે તો તે દેશના મુસ્લિમો માટે તે ગુનેગાર નહીં કહેવાય. (યાકૂબ મેમણ અને બુરહાન વાણીના જનાજા વખતે આપણે આ દૃશ્યો જોયેલાં છે.) ઘણા લોકો તેને શહીદ કે ગાઝી માને છે.
 

આ સ્થિતિ છેલ્લાં આઠ વર્ષથી છે? કટ્ટરતા નથી, આ તો જીવનશૈલી છે...

 
 
આટલી કટ્ટરતા ક્યાંથી આવી? તેમ પૂછતાં લોકો કહે છે કે આ સ્થિતિ તો મોદી સરકારના આવ્યા પછી બનાવવામાં આવી છે. જો તમે કોઈને દબાવશો તો પછી તે પ્રતિક્રિયા આપશે જ. તેના ઉત્તરમાં ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે તમે મુસ્લિમેતર લોકોએ અમારા પર કટ્ટરતાવાદ શબ્દ થોપી દીધો છે. આ કટ્ટરતા નથી, અમારી જીવનશૈલી છે. આ ૧,૪૦૦ વર્ષથી ચાલે છે.
કુર્બાનીથી કટ્ટરતા આવે છે
 
નાનપણથી જ બકરાને કપાતાં જોવાથી કટ્ટરતા આવી જાય છે. નાના હોય ત્યારે પિતા સાથે જઈ તાજોમાજો બકરો લાવવાનું. તેને એક-બે દિવસ ખવડાવવા-પીવડાવવાનો. તેની સાથે રમવાનું. અને પછી ગળું કાપીને મારી નાખવાનો. બાળક શીખે છે કે ગળું કાપવું તો સામાન્ય વાત છે. અને તેમાંય પોતાને પ્રિય ચીજનું ગળું કાપવું. એટલે જ ઘણા હિન્દુઓની હત્યા કરનારા તેમના પડોશી અથવા તેમની પાસેથી મદદ લેનારા જ હતા.
 
ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે ત્રાસવાદીઓની કમરમાં પિસ્તોલ બાંધેલી હોવા છતાં તેઓ છરાથી જ મૃત્યુ આપે છે. કેમ? કારણ કે નાનપણથી છરીથી ગળું કાપવાની ટેવ પડેલી છે અને તેમાં તેમને નશો ચડે છે.
 

કટ્ટરતા માત્ર મદરેસાઓમાંથી જ નથી આવતી

 
મદરેસામાંથી કટ્ટરતા આવતી હોવાની વાત અંગે ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે આ અર્ધસત્ય છે. અમેરિકા હોમ બૉર્ન ટેરરથી પરેશાન છે. પહેલી પેઢી જે ઇસ્લામિક દેશોમાંથી આવી અને તેની નવી પેઢી જે અમેરિકાની સરકારી શાળા-યુનિ.માં ભણી, તે મદરેસામાં ગઈ નથી, તો તેમનામાં કટ્ટરતા ક્યાંથી આવી? આ આંખમાં ધૂળ નાખવા જેવું છે કે સમસ્યા ત્રણ-ચાર ટકા લોકોમાં જ છે, બાકીના ૯૬ ટકા બરાબર છે.
 

આનો ઉપાય શું? હિન્દુઓ શું કરે? હિંસા કરે?

 
ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે હિન્દુઓ મક્કમતાથી બહાર નથી આવતા. હિન્દુઓએ વિચારવું જોઈએ કે વસુધૈવ કુટુંબકમ્થી તેમને, તેમના દેશને કેટલો ફાયદો થયો? જો તેમને લાગતું હોય કે ૫૦ ટકા ગઝવા-એ-હિન્દ થયું છે તે સારું છે અને તેને ૭૫ ટકાએ પહોંચાડવા માગે છે તો વસુધૈવ કુટુંબકમ્ અને સર્વ પંથ સમભાવની થિયરી બરાબર છે.
તો હિન્દુ શું કરે? ડૉ. સૈયદ રિઝવાન અહમદ કહે છે કે જ્ઞાનવાપીનો સર્વે થયો. તેમાં બહાર આવ્યું કે આ શિવલિંગ છે. મુસ્લિમોએ કહ્યું, આ ફુવારો છે. એક મહિના સુધી મજાક ઉડાવાઈ. (અમદાવાદના) દાનિશ કુરેશીએ જે કહ્યું તે હું અહીં ન બોલી શકું. ત્યારે હિન્દુઓએ કંઈ ન કર્યું. કોઈ એફ. આઈ. આર. ન થઈ. લાખો હિન્દુઓ શાંતિપૂર્ણ રીતે જંતરમંતર પર એકઠા ન થયા. કોઈ રાજ્યમાં મુખ્ય પ્રધાનને હિન્દુઓની સંસ્થાએ કે દસ હજાર લોકોએ ભેગા થઈને આવેદનપત્ર ન આપ્યાં. તે પછી નુપૂરની ઘટના થાય છે. આખું પ્રકરણ બદલાઈ જાય છે. મુસ્લિમોએ કે તસ્લીમ રહમાનીએ જે મજાક કરી હતી તે વાત ભુલાઈ જાય છે, નુપૂર પર જ દોષનો ટોપલો આવે છે. તમને એમ નથી કહેતા કે તમે આગ લગાડો કે પથ્થરમારો કરો, પરંતુ આવા લોકો સામે એફ. આઈ. આર. થાય, કેસ થાય, રેલી નીકળે, તે વ્યક્તિને લોકતાંત્રિક રીતે ડરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં તે આવી વાત ન બોલે.
 
બીજી વાત એ છે કે મુસ્લિમ ટોપી પહેરે છે, શીખો પાઘડી પહેરે છે. દાઢી રાખીને ફરે છે. તમે કેમ તમારી સંસ્કૃતિ ભૂલી રહ્યા છો? જ્યારે તમે જ આધુનીકરણ, ભૌતિકતા, સેક્યુલરિઝમના નામે બીજાને વિસ્તરવાની જગ્યા આપશો તો બીજા તો જગ્યા લેશે જ. તેઓ એમ પણ કહે છે કે હિન્દુઓએ વધુ બાળકો પેદા કરવાં જોઈએ. જનસંખ્યા સમસ્યા નથી. પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને તમિલનાડુની વસતિ દેશની ૫૦ ટકા વસતિ છે. પૂરા દેશને વસતિ નિયંત્રણ કાયદા હેઠળ ન લાવો. હિન્દુઓએ ઓછામાં ઓછાં બે બાળકો કરવાં જોઈએ અને ક્ષમતા હોય તો ત્રણ.
 
 
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…