આ દેશોમાં ક્રાંતિના નામે ૯, ૩૩, ૬૦, ૦૦૦ લોકોને વામપંથે પૂરા કરી દીધા...!!?

અગાઉ.. વામપંથે ૯, ૩૩, ૬૦, ૦૦૦ લોકોની કત્લેઆમ કરી. પરંતુ હવે બદલાયેલી, પ્રવર્તમાન સ્થિતિના કારણે વામપંથીઓ નિત નવી નવી છદ્મવેશી કુટિલ ચાલો ચાલીને પોતાનો એજન્ડા અમલમાં મૂકી રહ્યા છે.

    27-Sep-2022   
કુલ દૃશ્યો |

Communism and communist agenda,
 
કમ્યુનિસ્ટ કાર્લ માર્ક્સે પશ્ર્ચિમી જગતની પરિભાષામાં ‘રીલીજીયન’ને અફીણ કહ્યું. માર્ક્સને ‘ધર્મ’ની તો ખબર હતી જ નહીં.
‘રીલીજીયન’ નામના અફીણનો વિરોધ કરતાં કરતાં કમ્યુનિસ્ટો ‘ધર્મ’ને પણ અફીણ કહેવા લાગ્યા. કારણ કે તેમને મન ‘રીલીજીયન’ અને ‘ધર્મ’ એક જ છે.
 
આ અફીણનો વિરોધ કરતાં કરતાં અફીણનું મહત્વ કાર્લ માર્ક્સના અનુયાયીઓના માથે ભૂત બનીને સવાર થઈ ગયું. અને આ ‘વામપંથ’ જ તેમના માટે એક ’ગાઢ અંધકારમાં દોરી જનારું અફીણ’ બની ગયું, જેના ગુનાઈત નશામાં વામપંથે વિશ્ર્વવ્યાપી વિનાશ વેર્યો. હાલમાં પણ વેરી રહ્યા છે, નવી તરેહથી..
 
ગીત-કવિતાને ગોખી શકાય. હિન્દુસ્થાનના ગોખણબાજ વામપંથીઓએ શરૂઆતમાં સોવિયેત રશિયા-ચાઈનાનાં ગીત-કવિતાઓ ગોખી મારી. ત્યાંની ક્રાંતિ મુજબની ક્રાંતિ હિન્દુસ્થાનમાં કરવા ત્યાંનાં ગીતો-કવિતાઓ ગાવા લાગ્યા. ભલે છાંટા સોવિયેત રશિયા-ચાઈનામાં પડતા હોય, તો પણ હિન્દુસ્થાનનો વામપંથી છત્રી ઓઢીને સોવિયેત રશિયા-ચાઈનાનાં ગીત-કવિતા ગાતો ફર્યા કરતો.
 
ઘોર તમસથી તરબત્તર વામપંથના નશાએ ગીત-કવિતા(પદ્ય)નો સંમોહક કેફ ઉભો કર્યો, આકર્ષણ જમાવ્યું. તેઓએ એવું કહીને સૌને આંજી નાંખ્યા કે, આ સંસારમાં કશું જ અશક્ય નથી, યુગો યુગોથી ચાલી આવતી પરંપરાઓવાળા સમાજને તોડી-ફોડીને મિટાવીને જ ‘સામ્યવાદ’ લાવી શકાય છે, આમૂલ પરિવર્તનથી જ માનવતા ટકી શકે તેમ છે. બધા જ ભેદભાવથી મુક્ત થવા આંતરિક વર્ગસંઘર્ષ અનિવાર્ય છે, તે ભલે લોહિયાળ કેમ ના હોય. સર્વહારા વર્ગની ક્રાંતિ (સંપૂર્ણ ક્રાંતિ) જ એક માત્ર ઉપાય છે. ક્રાંતિની આ નરી કાલ્પનિક કવિતાઓથી સામાજિક સહજ સંવાદ ખોરવાયો. સંવાદનું સાદું સરળ વ્યાવહારિક ગદ્ય ઘાંચમાં પડ્યું. સામાજિક સદભાવનાના લયનો વિલય થતાં પ્રચંડ પ્રલય નગ્ન થઈ નાચવા લાગ્યો.
 

Communism and communist agenda, 
 
 
ઈસ. ૧૯૯૯માં હાવર્ડ વિશ્વવિદ્યાલયથી પ્રકાશિત થયેલ ગ્રંથ (સમ્પાદક- સ્તેફાની કુર્ત્વા)- ‘ધ બ્લેક બુક ઓફ કમ્યુનિઝ્મ: ક્રાઇમ્સ, ટેરર, રિપ્રેશન’ અનુસાર..
 
લેફ્ટ લિબરલોએ પોતાની ‘હા’માં ‘હા’ ન ભણનારાં ભલાં-ભોળાં બાળકો-યુવાન-વૃદ્ધો, સ્ત્રી-પુરૂષોને વૈશ્ર્વિક વામપંથી ક્રાંતિના નામે ક્રૂર હસાથી ઘાતકી રીતે સરેઆમ રહેંસી નાખ્યાં.
 
- સોવિયેત સંઘ ૨ કરોડ
- ચીન ૬.૫ કરોડ
- વિયેતનામ ૧૦ લાખ
- ઉત્તર કોરિયા ૨૦ લાખ
- કમ્બોડિયા ૨૦ લાખ
- પૂર્વી યૂરોપ ૧૦ લાખ
- લેટિન અમેરિકા ૧.૫ લાખ
- આફ્રિકા ૧૭ લાખ
- અફઘાનિસ્તાન ૧૫ લાખ
- અન્ય ઘટનાઓ ૧૦ હજાર
 
કુલ : ૯ કરોડ, ૩૩ લાખ અને ૬૦ હજાર
 
આ લિબરલ (?) વામપંથે આચરેલ જધન્ય હસાથી, સૌ કોઈનો વામપંથ પ્રત્યેનો ભ્રમ ભાંગી ગયો. કાતિલોનાં ક્રાંતિનાં ગીતો-કવિતાઓ, કત્લેઆમના ચિત્કારોમાં પરિણમ્યાં. વામપંથી ચાકળે ચડાવાયેલી માનવતા, માકર્સવાદી ચૂંગાલમાં ઉભી અને આડી ચિરાઈને ચૂર-ચૂર થઈ ગઈ.
 
અંતે.. સમય એવો કારમો આવ્યો કે.. (હમણાં થોડા દિવસ પહેલાં જ જેમનું નિધન થયું તે..) મિખાઈલ ગોર્બોચેવ સોવિયેત રશિયાના રાષ્ટ્ર પ્રમુખ હતા તે વખતે સામ્યવાદ (કમ્યુનિઝ્મ) એટલે કે વામપંથ પોતાના ભારથી જ કડડભૂસ થઈ ગયો. સોવિયેત રશિયાના પણ ટૂકડે-ટૂકડા થઈ ગયા. એક જમાનામાં જ્યારે લેનિન-સ્તાલિનના એક ઈશારે લોહીની નદીઓ વહેતી થઈ જતી હતી તે લેનિન-સ્તાલિનના પૂતળાં તોડીને લોકોએ ભૂક્કો બોલાવી દીધો, આ બાજુ ચીને વામપંથના તેવર તો યથાવત રાખ્યા પણ મૂડીવાદી અર્થતંત્ર અપનાવી લીધું, ભારતમાંથી પશ્ર્ચિમ બંગાળ અને ત્રિપુરામાંથી વામપંથ નેસ્તનાબૂદ થયો.
 
સત્તા ગઈ તેના કારણે, સત્તા જવાના ડરના કારણે તથા હવે બદલાયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિ (ઉદા. સોશિયલ મીડિયાના કારણે આવેલ પારદર્શિતા, આંતરરાષ્ટ્રીય સ્તરે ધંધા રોજગાર અને પ્રાકૃતિક સંસાધનો માટે અન્ય રાષ્ટ્રો પર નિર્ભરતા જેવાં અનેક પરિબળો)ના કારણે વામપંથી જમાતે પોતાની આખીયે કાર્યપદ્ધતિ જ ધરમૂળમાંથી બદલવી પડી. વામપંથના સંચારનું બહુઆયામી નવું વર્તમાન સ્વરૂપ સુફિયાણું-છદ્મ-સટિક છે, જે અદ્રશ્ય-અકલ્પ્ય-અટપટું હોઈ ભૂતકાળના જાહેરપણે આચરતા એકમુખી સ્વરૂપ કરતાં વધું વ્યાપક વિનાશ વેરનારું છે.
 
ઉપરોક્ત સ્વરુપ અંગે.. પુસ્તકનો એક પ્રસંગ ઘણું બધું કહી જાય છે. પોતાના લંડનસ્થિત પારસી મિત્ર (રીટાયર્ડ ડેન્ટિસ્ટ)ના જન્મદિનની ઉજવણીની સ્મૃતિઓ વાગોળતાં લેખકે કહ્યું છે કે...
 
તેના ૬૦મા જન્મદિનને, તેના નિકટના મિત્રોએ ત્યાંના બેહદ પૉશ વિસ્તાર- રિચમંડમાં થેમ્સના કિનારે એક મિત્રના ઘરે વિશેષ ધૂમધામથી મનાવેલો, તેમાં તેણે મને પણ આમંત્રિત કરેલો. ત્યાં પહોંચ્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે, તેની મિત્ર-મંડળી ‘લીબરલ્સ’નો જમાવડો હતી. તેમાં સૌ મળીને કુલ ચાર ભારતીયો પણ હતાં. તે સિવાય અલગ અલગ યુરોપિયન મૂળનાં કેટલાંક લોકો હતાં. યજમાનના ઘરની અલમારી, વામપંથી સાહિત્યથી સજેલી-ધજેલી હતી. પૂરા વિમર્શની ભાષા વામપંથી હતી. તેમાં એક ગાયનેકોલોજિસ્ટ ભારતીય મહિલા પણ હતી, જેને હિન્દુ ધર્મને લજ્જિત કરવામાં વિશેષ આનંદ આવી રહ્યો હતો. આ મુદ્દે જ્યારે મેં તેની સાથે ચર્ચા છેડી તો છેવટે તેણે માનવું પડ્યું કે, તેને પોતાને કોઈ વિશેષ જાણકારી નથી અને આ તો તેના વ્યક્તિગત વિચાર હતા! મેં તેને ધમકાવી પણ ખરી કે, મેડમ, જ્યારે કોઈ વાત અંગે કશી જ ખબર ના હોય તો ઉચિત એ છે કે, ચુપ રહેવું જોઈએ, નહીં કે પોતાની મૂર્ખતા અને અજ્ઞાનનું ખુલ્લું પ્રદર્શન કરી દેવામાં આવે.
 
મેડમ ચૂપ તો થઈ ગઈ, પરંતુ તેણે આંસુડાં વહેતાં કરીને ‘વિક્ટિમ-કાર્ડ’ ખેલ્યું. અને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પણ ભરપૂર પ્રયાસ કર્યો. ખેર, મારી સમજમાં એટલું આવી ગયું કે, મારા મિત્રની મંડળી વામપંથીઓની છે. ખબર પડી કે હર્ષ મંદાર અને પ્રશાંત ભૂષણ જેવાઓ સાથે તેની પત્નીના નિકટના સંબંધ છે.
 
પણ મારા મિત્ર કે તેની પત્નીને પોતાનો કોઈ સ્પષ્ટ રાજનૈતિક ચોકો નથી, બસ એ મંડળી સાથે એમનો ઉઠવા-બેસવા પુરતો જ નાતો હતો જેથી ઉપરોક્ત ઘટના ઘટી હોવા છતાં, તેની સાથેનો મારો સંપર્ક, આપસી સંબંધોમાં કોઈ કડહાવટ પેદા થયા વિના જળવાયેલો રહ્યો.
 
થોડા દિવસ પહેલાં તેનો ફોન આવ્યો કે, તેની અંગ્રેજી કવિતાઓનું એક સંકલન પ્રકાશિત થયું છે. તે તેની એક પ્રત મને ભેટ આપવા મારા ઘરે પણ આવ્યો. સાથે સાથે એ પણ જણાવ્યું કે, કોઈ એક સાંસ્કૃતિક સંગઠને તેને ‘ફિલોસૉફી અને હ્યુમેનિટીઝ્મ’માં પ્રોફેસરની માનદ્ પદવી પણ આપી છે.
 
મેં તેને વધામણી આપી. તેની કવિતાઓ પણ વાંચી. કવિતાઓ સારી છે, સરળ છે. મોટાભાગની યુવાવસ્થામાં લખવામાં આવેલી છે. તેના ઉપર ‘સ્કૂલ બૉય સેન્ટિમેન્ટલિઝમ’ની (એટલે કે શાળામાં જવાની ઉંમરે છોકરાઓના મનની સ્વપ્નિલતાની) છાપ છે. પણ ના તો એ કવિતાઓમાં કે ના તો મારા પ્રિય મિત્રના વિચારોમાં ફિલોસૉફી અને હ્યુમેનિટીઝ્મ વિશેનું કોઈ એવું ગહન ચતન છે કે જેથી તેને માનદ્ પ્રોફેસર માની શકીએ.
 
એના મૂળમાં છે તેની ‘લીબરલ મિત્ર મંડળી’, જે તેને પ્રમોટ કરી રહી છે, એને એક બુદ્ધિજીવીના રૂપમાં સ્થાપિત કરી રહી છે. જો કે મારા મિત્રનો પોતાનો કોઈ સ્પષ્ટ રાજનૈતિક ચોકો નથી. પરંતુ આ જ વામપંથીઓ માટે અગત્યની વાત છે, કારણ કે આવું હોય તો જ તમે તેની પાસેથી કંઈ પણ બોલાવડાવી શકો ને!, એ સમજ્યા વિચાર્યા વિના કંઈ પણ બોલી દેવાનો!
વામપંથીઓ આ બાબતમાં આપણાથી ખૂબ જ ચાલાક હોય છે, તેઓ પરસ્પર એક-બીજાને પ્રમોટ કરે છે. કૈલાશ સત્યાર્થી, જેનું એવું તે ક્યું કામ હતું એની ખબર જ ના પડી, એવા વ્યક્તિને પણ નોબલ પ્રાઈઝ અપાવી દીધું! સહજતાથી તમે facebook પરની કોઈ વામપંથીની વૉલ ઉપર પહોંચી જાઓ, તમને ક્યારેય બે વામપંથીઓ ખુલીને લડતા જોવા નહીં મળે. જે રાષ્ટ્રવાદીઓ વચ્ચે ચોક્કસ બનતું જોવા મળતું હોય છે. એક તો તેમનામાંથી કોઈને પોતાનો કોઈ અલગ મત હોતો નથી, બધાં એક જેવું જ તોતા રટણ કર્યાં કરતાં હોય છે. ઘેટાંની જેમ એક જેવા અવાજે બેં-બેં કર્યા કરે છે, તેથી એમ પણ કોઈ વિવાદ અને મતભેદ હોવાનો નહીં. વળી ટોચ ઉપર બેઠેલા લોકોમાં મતભેદ ઊભો પણ થાય તોય તેઓ પરસ્પર જાહેરમાં લડતા નથી. હા, જ્યારે સત્તા હાથમાં આવે અને સત્તા મેળવવાનો સંઘર્ષ હોય તો તેઓ આપસમાં ગળું કાપી નાંખશે, પરંતુ તમને તેમની વચ્ચેનું તૂ-તૂ મૈ-મૈ પણ નહીં સાંભળવા મળે.
 
વામપંથીઓ પાસેથી આ વસ્તુ શીખવાલાયક છે. તેમનું એકબીજાને પ્રમોટ કરવું, સામરિક મહત્વ ધરાવતાં સ્થાન ઉપર પોતાના લોકોને પાળી-પોષીને બેસાડવાં, -આ જ છે, ‘ઇકો-સિસ્ટમ’નું નિર્માણ.
 
સંવાદ અને સંપ્રેષણના વિશ્ર્વ પર વામપંથીઓનો કબજો છે અને તમે તેમના બન્યા-બનાવેલા દાયરાની બહાર કંઈ પણ કરી શકતા નથી. આ સેન્સરશિપનું નામ છે- ‘પોલિટિકલ કરેક્ટનેસ’.
 
આ ‘પોલિટિકલ કરેક્ટનેસ’ સ્વયં પોતાને પૂરા વિશ્ર્વમાં કંઈક એવી રીતે સ્થાપિત કરી ચૂકી છે કે જેના લીધે વિશ્ર્વના રાજનેતાઓ, રાષ્ટાધ્યક્ષો અને રાજપરિવારો એની જ ચરણવંદના કરતાં નજરે પડતાં હોય છે. તેથી જો આ ‘પોલિટિકલ કરેક્ટનેસ’ની એની સામે પડવાનું કે એને પડકાર ફેંકવાનું વિચારતા હોવ તો ચોક્કસ આગળ વધો, પરંતુ સમજી-વિચારીને, યોજના બનાવીને અને ગણિત લગાવીને! કેમ કે તે માત્ર આપની ફેસબુક આઇડી જ બંધ નથી કરી શકતી, પરંતુ આપનો રોજગાર છીનવી શકે છે, આપને કાયદાકીય ચૂંગાલમાં પણ ફસાવી શકે છે.
 

Communism and communist agenda, 
 
વામપંથીઓએ આ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું? એક રાજનૈતિક વિચાર સમાજનો ‘સ્થાપિત વિચાર’ કેવી રીતે બની જઈ શકે ? જેને છેડવાની હિંમત કોઈનામાં ના હોય, આ ‘સ્થાપિત વિચાર’ માટે અંગ્રેજીમાં એક શબ્દ છે- ‘હેજેમની’.
 
આ ‘હેજેમની’ને ઓળખવાનું કામ કર્યું હતું ઇટાલિયન માર્ક્સવાદી રાજનીતિજ્ઞ એન્ટોનિયો ગ્રામ્સ્કીએ. તેણે પોતાના લેખોમાં આ અંગેની ચર્ચા કરેલી છે કે, કેમ કોઈ સમાજમાં લોકોને સ્થાપિત મૂલ્યોની વિરુદ્ધમાં ઉભા કરી શકાતા નથી? માટે જો લોકોને પોતાની સાથે લાવવા હોય તો પહેલાં સમાજનાં સ્થાપિત મૂલ્યોને બદલવાં જોઈએ. ગ્રામ્સ્કીનું આ પ્રભાવશાળી આકલન વામપંથીઓને ખૂબ જ કામમાં આવ્યું અને આ દિશામાં તેમણે પોતાની રણનીતિ બનાવવાની શરૂઆત કરી.
આજે એમની આ ‘હેજેમની’ એટલી હદે સ્થાપિત છે કે, તેની વિરુદ્ધમાં કોઈ કશું જ કહીં શકતું નથી. તેમની આ સફળતાની પાછળ સમાજ અનિયંત્રિત બને, અસંતુષ્ટ રહે, તૂટતો રહે, સતત સંઘર્ષરત રહે, તે માટેનાં એમણે આચરેલાં કુટિલ કારસ્તાનો છે, સ્થાપિત ભ્રમણાઓ છે.
 
કોઈ રાષ્ટ્રને વિશાળ સૈન્યથી હરાવવું મુશ્કેલ હોઈ શકે, પરંતુ જો ભ્રમણાઓ ફેલાવીને એ રાષ્ટ્રીય સમાજની મૂલ્યનિષ્ઠાને, નીતિમત્તાને અને ઐક્યશક્તિને નબળી પાડી દેવામાં આવે તો આંતરિક અવિશ્ર્વાસ અને સંઘર્ષોમાં ઉલઝેલું તે રાષ્ટ્ર ખોખલું બની જાય છે. વિશાળ સૈન્ય જેને હરાવી શકતું નથી એવું અપરાજિત રાષ્ટ્ર ભ્રમણાઓની આગળ હારી જાય છે. આ વામપંથનું વિષ ધીમે ધીમે આખા રાષ્ટ્રને રાષ્ટ્રીયત્વવિહિન કરી શકે છે. આધ્યાત્મિક પંથે સત્  કર્મોના કારણે શરીરનો નાશ ભલે થાય તો પણ આત્મા અમર રહેતો હોય છે, પરંતુ એનાથી ઉલટું વામપંથીય વિકૃત કર્મોથી રાષ્ટ્રનું શરીર તો જીવતું રહે છે; પણ રાષ્ટ્રનો ‘આત્મા’ મરી પરવારે છે.
 
- ભાનુ ચૌહાણ 
(ક્રમશ:)
 
 
 
 
 
 
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.