હવે પંજાબ મતાંતરણનો શિકાર બની રહ્યું છે વાંચો ચોકાવનારો અહેવાલ...

અંકુર નરુલા જાલંધરમાં સૌથી મોટું ચર્ચ બંધાવી રહ્યો છે. તે મિનિસ્ટ્રી નામથી ચર્ચનું સંચાલન કરી રહ્યો છે. ૨૦૦૮માં તેના માંડ ત્રણ-ચાર અનુયાયીઓ હતા. પરંતુ ૨૦૧૮ આવતાં આવતાં આ આંકડો ૧.૩ લાખે પહોંચી ગયો અને હાલ તો આ આંકડો ૪ લાખને આંબી ગયો છે.

    28-Sep-2022
કુલ દૃશ્યો |

Religious Conversion In Punjab
 
 
આફ્રિકાના વિચારક અને રાજનેતા ડેસમંડ મોપિલો ટૂટૂએ કહ્યું હતું, ઈસાઈ મિશનરીઓ જ્યારે આફ્રિકામાં આવી હતી, ત્યારે તેમની પાસે બાઇબલ હતું અને અમારી પાસે જમીન. તેઓએ કહ્યું, અમે તમારા માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ. અમે અમારી આંખો બંધ કરી અને જ્યારે આંખો ખોલી તો જોયું તો અમારા હાથમાં બાઇબલ હતું અને તેમના હાથમાં જમીન. ભારતના સંબંધમાં પણ ટૂટૂના આ વિચારો એકદમ બંધ બેસે છે. વિશેષ કરીને સરહદી રાજ્ય પંજાબના સંદર્ભમાં હાલ અહીં હાલત એવી થઈ ગઈ છે કે ગામડાઓમાં ઘરે ઘરે ચર્ચ ખૂલી ગયાં છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ મિશનરીઓના આ ષડયંત્ર વિરુદ્ધ લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યું છે, પરંતુ કોઈ સરકારોએ તેના પર ધ્યાન આપ્યું નથી.
 
ગત વર્ષે વિશ્ર્વ હિન્દુ પરિષદે મતાંતરણના આ ષડયંત્ર વિરુદ્ધ મોર્ચો માંડ્યો ત્યારે બીબી જાગીર કૌર અને શ્રી અકાલતખ્તના જત્થેદાર જ્ઞાની હરપ્રિત સિંહે પણ મતાંતરણ સામે કડક વલણ અપનાવ્યું રાજ્યભરમાં જાગૃકતા અભિયાનો ચલાવવામાં આવ્યાં. પરિણામે લોકોમાં જાગૃકતા આવી છે અને ઈસાઈ મિશનરીઓ વિરુદ્ધ હિન્દુ-શીખો એક થઈ રહ્યા છે. તેઓનો આક્રોશ બહાર આવવા લાગ્યો છે. રાજ્યમાં ચંગાઈ (ઈસાઈ ધાર્મિક) સભાઓના નામ પર થતા મતાંતરણના કાર્યક્રમો અને ચર્ચનો વિરોધ થવા લાગ્યો છે. મતાંતરણને લઈ લુધિયાના અને તરનતારનમાં હાલમાં જ પણ સામાજિક સંઘર્ષની ઘટનાઓ પણ બની હતી.
 

તરનતારન, લુધિયાના અને અમૃતસરની ઘટનાઓ

 
૩૦ ઓગસ્ટની રાત્રે પંજાબના તરનતારનમાં કસ્બા પટ્ટીના ઠકરપુર ગામે બળજબરીપૂર્વક થઈ રહેલા ઈસાઈ મતાંતરણથી નારાજ કેટલાક લોકોએ ચર્ચમાં ઘૂસી જઈ તોડફોડ મચાવી હતી અને પાદરીની ગાડીને આગને હવાલે કરી દીધી હતી. લોકોનો ગુસ્સો એટલો હતો કે તેઓએ ચોકીદારના લમણે પિસ્તોલ સુધ્ધાં તાકી દીધી હતી, જેના વિરોધમાં મતાંતરિત ઈસાઈએ પટ્ટી-ખેમકા રાજમાર્ગ જામ કરી દેતાં સમગ્ર વિસ્તારમાં તનાવ ફેલાઈ ગયો હતો.
 
આ ઘટનાના બે દિવસ અગાઉ એટલે કે ૨૮ ઓગસ્ટે અમૃતસરના ડડુઆના નામના ગામે ઈસાઈઓ અને નિહંગો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. નિહંગોએ ઈસાઈઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમને રોકાવી દઈ સભામાં ભારે તોડફોડ કરી હતી. આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારે ૧૫૦ જેટલા નિહંગો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં શીખોની સર્વોચ્ચ સંસ્થા
શ્રી અકાલતખ્તના જત્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહ દ્વારા આ ઘટનાને શીખો પર હુમલા સમાન ગણાવી તેનો વિરોધ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પાદરીઓ કપટ-પાખંડપૂર્વક શીખો-હિન્દુઓને ભોળવી રહ્યા છે અને તેમનું મતાંતરણ કરી રહ્યા છે. નિહંગોએ આ અંગે અનેક વખત ફરિયાદો પણ કરી હતી, પરંતુ સરકારે ધ્યાન ન આપતાં આ ઘટના બની છે.
 
આવી જ ઘટના થોડા સમય પહેલાં લુધિયાનાના મુલ્લાપુરના બલીપુર ખુર્દમાં બની હતી, જ્યાં એક ઘરમાં ચાલી રહેલા ચર્ચને લઈ ભારે તનાવ ફેલાયો હતો. ગામના સરપંચ જાગીરસિંહ અને અન્ય લોકોના મતે બીરબલસિંહે પોતાના ઘરને ૮-૧૦ વર્ષો પહેલાં ચર્ચ બનાવી દીધું હતું. હવે ત્યાં દર રવિવારે પ્રાર્થનાસભાનું આયોજન થાય છે અને રોગો મટાડવાના બહાને લોકોને ત્યાં બોલાવી તેમનું મતાંતરણ કરવામાં આવે છે. એટલું જ નહીં અહીં પાદરીઓ ગુરુદ્વારા સાહિબ વિરુદ્ધ દુષ્પ્રચાર પણ કરે છે અને શીખોના ઘરોમાં લગાવેલી ગુરુઓની તસવીરો પણ ઉતારી લેવા માટે ભડકાવે છે. અનેક ફરિયાદો છતાં આ મામલે પણ સરકાર ચુપ છે. ગ્રામીણોએ પ્રાર્થનાસભા વિરુદ્ધ અનેક વખત દેખાવો પણ કર્યા છતાં ન તો મતાંતરણ રોકાયું કે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી થઈ, ઊલટાનું પાદરીની ફરિયાદ પર પોલીસે ૯ લોકો પર હત્યાનો પ્રયાસ સહિતની વિભિન્ન ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.
 

કોંગ્રેસનું ખુલ્લું સમર્થન

 
રાજ્યની પૂર્વ કોંગ્રેસ સરકાર દ્વારા પણ મિશનરીઓને છૂટો દોર આપવામાં આવ્યો હતો. નવજોતસિંહ સિદ્ધુ ખુદ એક શીખ છે, પરંતુ તેઓએ ઈસાઈઓનું ખૂલીને સમર્થન કર્યું હતું. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન તેઓએ અમૃતસરમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે, જ્યાં સુધી હું જીવિત છું ત્યા સુધી ઈસાઈઓનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. સિદ્ધુ પંજાબમાં કોંગ્રેસ સરકાર દરમિયાન મંત્રી હતા.
 
એટલું જ નહીં કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની પણ મતાંતરણનો બચાવ કરી ચૂક્યા છે. ૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ તેઓએ કહ્યું હતું કે, ઈસાઈ મતમાં માટે આસ્થા છે. હું ભલે જન્મે શીખ હોઉં, પરંતુ ઈસા મસીહને પ્રેમ કરું છું. નાતાલ (ક્રિસમસ) દરમિયાન વોઇસ ઓફ પીસ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ આ વાત કહી હતી. તે સમયે દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પૂર્વ અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ તેમની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, તેઓએ ઈસાઈ મત અપનાવી લીધો છે. શીખો માટે એનાથી આઘાતજનક વાત બીજી કઈ હોઈ શકે કે તેમનો મુખ્યમંત્રી મતાંતરણને યોગ્ય ઠેરવી રહ્યો છે.
 

કોણ છે પંજાબમાં મતાંતરણના સૂત્રધાર

 
અંકુર નરુલા જાલંધરમાં સૌથી મોટું ચર્ચ બંધાવી રહ્યો છે. તે મિનિસ્ટ્રી નામથી ચર્ચનું સંચાલન કરી રહ્યો છે. ૨૦૦૮માં તેના માંડ ત્રણ-ચાર અનુયાયીઓ હતા. પરંતુ ૨૦૧૮ આવતાં આવતાં આ આંકડો ૧.૩ લાખે પહોંચી ગયો અને હાલ તો આ આંકડો ૪ લાખને આંબી ગયો છે. આ સિવાય ગુરુશરણ કૌર દેઓલ, બજિંદર સિંહ, કંચન મિત્તલ, ડૉ. હરપ્રીતસિંહ દેઓલ જેવા અનેક સ્વયંભૂ પાદરીઓ પોતપોતાના નામથી ઈસાઈ મિનિસ્ટ્રી ચલાવી રહ્યા છે અને ખૂબ જ તીવ્ર રીતે મતાંતરણ કરાવી રહ્યા છે. આમાંના બજિંદરસિંહ પર તો બળાત્કારના આરોપો છે. ધર્મજાગરણ વિભાગના એક અધિકારી મુજબ ત્રણ વર્ષ પહેલાં તેઓએ એક પાદરીના લેપટોપ પર રાજ્યમાં સક્રિય ૭૦૦ પાદરીઓની યાદી જોઈ હતી. આજે તો એ આંકડો ક્યાંય પહોંચી ગયો હશે.
 

અનેક જિલ્લાઓમાં મતાંતરણ

 
પૂર્વોત્તરનાં મોટાભાગનાં રાજ્યોમાં મતાંતરણને કારણે હિન્દુઓ પહેલેથી જ લઘુમતીમાં આવી ગયા છે. ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક અને કેરલમાં પણ ઈસાઈ મિશનરીઓ જનજાતિ વિસ્તારોમાં મજબૂત જમીન બનાવી ચૂક્યા છે. આ વિસ્તારોમાં મિશનરીઓ હાલ પણ ચોરીછુપીથી મતાંતરણને અંજામ આપી રહ્યા છે, પરંતુ પંજાબમાં આ મિશનરીઓ એટલા બેખોફ છે કે ખુલ્લેઆમ મતાંતરણ ચલાવી રહી છે.
 
આમ તો પંજાબમાં છેલ્લા એક દાયકાથી મતાંતરણનો ખેલ ચાલી રહ્યો છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં મતાંતરણ ભયજનક હદે વધ્યું છે. મિશનરીઓએ જોતજોતામાં અમૃતસર, જલંધર, ફતેહગઢ ચુડિયા અને અજનાલાના ગ્રામીણ વિસ્તારોમાં પોતાના મૂળિયાં મજબૂત કરી લીધાં છે.
 
મતાંતરિત થનારાઓમાં મોટાભાગના વંચિત અને જાટ શીખ સમાજના લોકો છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પંજાબની આર્થિક રાજધાની ગણાતા જાલંધર અને કપૂરથલા જિલ્લા આજે ઈસાઈયતના કેન્દ્ર સમાન બની ગયા છે. જાલંધરના આંબડા ગામે કરોડો રૂપિયાના ખર્ચે એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું ચર્ચ બની રહ્યું છે.
૪૦ એકરમાં ફેલાયેલા આ ચર્ચનું નિર્માણ અંકિત નરુલા કરાવી રહ્યા છે. યુનાઈટેડ ક્રિશ્ર્ચન ફ્રંટ મુજબ પંજાબના ૧૨,૦૦૦થી વધુ ગામડાંઓમાંથી ૮૦૦૦ ગામડાંઓમાં ઈસાઈયતની સમિતિઓ બની ગઈ છે. પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા અમૃતસર અને ગુરુદાસપુર જિલ્લામાં ચાર ઈસાઈ સમુદાયોના ૬૦૦થી ૭૦૦ ચર્ચ છે અને આમાંના ૬૦થી ૭૦ ટકા ચર્ચ તો છેલ્લાં પાંચ વર્ષમાં જ બન્યાં છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (એસજીપીસી)એ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મતાંતરણ થઈ રહ્યું હોવાની વાતને સ્વીકારી છે. ૨૦૧૬-૧૭માં ઇમેનુઅલ રહમત મસીહ નામના ઈસાઈ નેતાએ સ્વીકાર્યું હતું કે પંજાબના ઈસાઈઓ બે ટકાથી પણ ઓછા છે, પરંતુ હાલ તેમની વાસ્તવિક સંખ્યા ૭થી ૧૦ ટકા થઈ ચૂકી છે. રહમત મસીહના દાવા મુજબ હાલ પંજાબમાં ૩૦થી ૩૫ લાખ ઈસાઈઓ રહે છે.
 

મતાંતરણ વિરોધી કાયદાની માંગણી

 
પંજાબમાં બેકાબૂ બની રહેલા મતાંતરણ વિરુદ્ધ હવે કાયદો બનાવવાની માંગણી થઈ રહી છે. એસજીપીસી સિવાય, શ્રી અકાલતખ્ત સાહિબના જત્થેદાર જ્ઞાની હરપ્રીત સિંહ, દમદમી ટકસાલના પ્રમુખ બાબા હરનામ સિંહ ઘુમ્માએ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ મતાંતરણ વિરોધી કડક કાયદો બનાવવાની માંગણી કરી છે. એસજીપીસીના મહાસચિવ કરનૈલસિંહ પંજોલાએ સ્વીકાર્યું છે કે રાજ્યમાં યુવાઓની વિદેશ જવાની લાલચ, નશો, કેન્સર જેવી બીમારીઓનો પ્રકોપ, સ્વાસ્થ્ય સેવાઓની અછત અને સારા શિક્ષણના નામે ઈસાઈ મિશનરીઓ પોતાનો પ્રભાવ વધારી રહી છે.
 
આ સિવાય અગાઉ સભાઓમાં પ્રાર્થના દ્વારા ઇલાજના નામે ગેરમાર્ગે દોરી લોકોને ચર્ચ તરફ વાળવામાં આવી રહ્યા છે, જેને પરિણામે ચર્ચમાં ભીડ સતત વધી રહી છે.
 
આ બાબત એસજીપીસીના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ ઇકબાલસિંહ લાલપુરા સાથે પણ મુલાકાત કરી આ સમસ્યા પર તેમનું ધ્યાન ખેંચ્યું હતું. અકાલ તખ્તના જત્થેદાર મુજબ તથાકથિત ઈસાઈ મિશનરી કપટપૂર્વક શીખોનું જબરજસ્તીથી મતાંતરણ કરી રહી છે અને આ બધું સરકારના નાક નીચે ચાલી રહ્યું છે. આમ આદમી પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ ચૂંટણી-પ્રચાર દરમિયાન મોટા મોટા વાયદાઓ કરી મતાંતરણ વિરોધી કાયદો બનાવવાનું તરફેણ કરી હતી. પરંતુ આજે પંજાબમાં તેમની સરકાર છે. છતાં રાજ્યમાં ઊઠી રહેલી મતાંતરણ વિરોધી કાયદાની માંગણી મુદ્દે હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી.
 

ઇલાજના નામે મતાંતરણનો ખેલ

 
ઈસાઈ મિશનરીઓ અન્ય રાજ્યોની જેમ અહીં પણ પ્રાર્થના દ્વારા તમામ બીમારીઓને ઠીક કરવાનો દાવો કરે છે. તેના માટે વિશેષ સભાઓનું (ચંગાઈ) આયોજન કરવામાં આવે છે. ત્યાં સુધી કે ઈસાઈ પાદરીઓ સરકારી હોસ્પિટલોમાં જઈ દર્દીઓને સુગંધિત તેલ લગાવી કહે છે કે આ ઈસુનો આશીર્વાદ છે તેનાથી તમે સારા થઈ જશો. કોરોનાકાળ દરમિયાન તો આ પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઈ છે.
 
ગત ૧૩ એપ્રિલના રોજ આ જ પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો, જેમાં મુંબઈના એક કેન્સરના દર્દીએ જાલંદરના એક પાદરી પર આરોપ લગાવ્યો હતો અને ઇલાજના નામે ૮૦ હજાર પડાવી લીધા હોવાની ફરિયાદ કરી હતી એટલું જ નહીં પાદરી દ્વારા તેના આખા પરિવારનું મતાંતરણ કરી દીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં હિન્દુ સંગઠનો તેની મદદે આવ્યાં હતાં. તેને મદદ કરી તેની ઘરવાપસી પણ કરાવી હતી.
 
મિશનરીઓ દ્વારા ચંગાઈ સભાઓ યોજી દાવા કરવામાં આવે છે કે ઈસુ શૈતાનનાં કામોને નષ્ટ કરવા આવ્યા હતા, જેમાં બીમારીઓ પણ સામેલ હતી. પ્રાર્થનાસભાઓમાં પાદરીઓ નાટકીય રીતે અપંગ લોકોને પણ સાજા કરી દે છે. પાદરી પેલા વ્યક્તિને પૂછે છે કે તમને વિશ્ર્વાસ છે કે તમે સાજા થઈ જશો ? પેલો વ્યક્તિ જ્યારે હામાં જવાબ આપે છે ત્યારે પાદરી હાજર લોકોને કહે છે કે તમારા હાથ ઊંચા કરો અને પવિત્ર આત્માને આ કામ સોંપી દો. ત્યાર બાદ તે દર્દી પર ફૂંક મારી ઊઠવાનું કહે છે. ત્યાર બાદ પેલો દર્દી નાટકીય રીતે ઊભો થઈ દોડવા માંડે છે.
 
આર્યસમાજી નેતા રણજીત આર્ય કહે છે કે, જે રીતે ૧૯૮૦ના દાયકામાં તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં મિશનરીઓ દ્વારા પોતાનો પ્રભાવ વધારી મતાંતરણનું પ્રપંચ રચ્યું હતું. હાલ પંજાબ પણ એ જ રસ્તે જઈ રહ્યું છે. રાજ્યમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે હવે સામાજિક સ્તરે જ નહીં, સરકારી સ્તરે પણ વધારે સક્રિયતાની જરૂર છે. જ્યાં સુધી મિશનરીઓને વિદેશથી મળતી સહાય પર કડકાઈપૂર્વક રોક લગાવવામાં નહીં આવે ત્યાં સુધી મતાંતરણનો ખેલ અટકવાનો નથી.
 

ઘરવાપસી અભિયાન

 
દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પંજાબમાં મતાંતરણ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. શીખોની ઘર વાપસી માટે તેઓ પંજાબના અનેક જિલ્લાઓમાં મતાંતરિત શીખો વચ્ચે જઈ જનજાગરણ કરી સ્વધર્મમાં પરત ફરવા સમજાવી રહ્યા છે. તેમનું આ ધર્મજાગરણ અભિયાન ધીરે ધીરે રંગ બતાવી રહ્યું છે. પરિણામે મતાંતરણ મસ્ત મિશનરીઓ હવે ચિંતામાં પડ્યા છે.
 
ડીએસજીપીસીએ ઈસાઈ મિશનરીઓના પ્રપંચને રોકવા રાજ્યમાં ઠેર ઠેર પોતાના કાર્યકર્તા નીમ્યા છે. તેમના આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી અનેક મતાંતરિત થયેલા શીખ પરિવાર પુનઃ શીખ બની ચૂક્યા છે. આ અભિયાનને સ્થાનિક હિન્દુ સંગઠનનો પણ સહયોગ મળી રહ્યો છે.
 
- નાગાર્જૂન