ઉચ્ચ શિક્ષણ અંગે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના એ ૪૫ બિંદુઓ આજે દરેકે વાંચવા જેવા છે

આ પાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૨એ નખશિખ શિક્ષક, સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપ્રમુખ અને અતિવિરલ દાર્શનિક-તત્ત્વજ્ઞાની-પ્રકાંડ પંડિત અને વિદ્યાદેવીના આજીવન પરમઉપાસક, માતા શારદા સરસ્વતીના Chosen Son ખાસ પસંદગીના સુપુત્ર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્જીનો ૧૩૫મો જન્મદિન છે. કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના આવા અતિ મેધાવી શિક્ષકનું સન્માન એ દિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવીને કરે છે, તે સર્વથા આવકાર્ય છે.

    05-Sep-2022
કુલ દૃશ્યો |
 
dr sarvepalli radhakrishnan
 
 

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ શિક્ષણનીતિના દીપસ્તંભ | Educational Thought Of Dr. Radha Krishnan

આ પાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૨એ નખશિખ શિક્ષક, સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપ્રમુખ અને અતિવિરલ દાર્શનિક-તત્ત્વજ્ઞાની-પ્રકાંડ પંડિત અને વિદ્યાદેવીના આજીવન પરમઉપાસક, માતા શારદા સરસ્વતીના Chosen Son ખાસ પસંદગીના સુપુત્ર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્જીનો ૧૩૫મો જન્મદિન છે. કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના આવા અતિ મેધાવી શિક્ષકનું સન્માન એ દિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવીને કરે છે, તે સર્વથા આવકાર્ય છે. આમ તો આપણે ત્યાં ગુરુપૂર્ણિમા એ સદ્ગુરુ- આચાર્યજીને આદરાંજલિ આપવાનું સાંસ્કૃતિક-પર્વ છે. પરંતુ આજીવન શિક્ષક ડૉ. રાધાકૃષ્ણન્ના જન્મદિનને ‘શિક્ષકદિન’નું સન્માન પ્રદાન કરીને, આપણે આપણી અતિ પ્રાચીન આધ્યાત્મિક-સાંસ્કૃતિક ઓળખને, નવા જમાનામાં-અર્વાચીન સંદર્ભ સાથે વધુ પરિષ્કૃત-સંમાર્જિત રીતે પ્રગટ કરી શકીએ, તે માટે, ‘શિક્ષક દિન’ ઉજવણીનું નિમિત્ત સાચે જ આવકાર્ય અને પ્રાસંગિક બની રહે તેમ છે. ..
 
 

જીવન-કવન |  Dr. Radha Krishnan life

 
 
ડૉ. રાધાકૃષ્ણન્નો જન્મ મદ્રાસ રાજ્યના તિરુત્તમી નામક ગામમાં એક સાધારણ પરિવારમાં ૫, સપ્ટેમ્બર ૧૮૮૮માં થયો હતો. એમના પૂર્વજોનું વતન સર્વપલ્લી નામે ગામ હતું. એટલે તેઓ સર્વપલ્લી તરીકે ઓળખાતા. એમ.એ. પાસ કરીને તેઓ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. દર્શનશાસ્ત્ર જેવા નીરસ વિષયને પણ તેઓ એવો રસપ્રદ બનાવીને શીખવતા કે, અનેક વિદ્યાર્થીઓએ અન્ય વિષયો છોડી દર્શનશાસ્ત્રના વિષય પ્રત્યે આકર્ષિત બની તેને અપનાવ્યો. એ પછી તેઓ ૧૯૧૮માં મૈસૂર વિશ્ર્વવિદ્યાલયમાં જોડાયા અને ત્યાં દર્શનશાસ્ત્ર વિભાગ શરૂ કરીને, એના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. અધ્યાપન કાર્યની સાથે સાથે એમનું સ્વાધ્યાય પઠન-પાઠનનું કાર્ય પણ અવિરામ ચાલતું રહેતું. તેઓએ ૧૯૨૦માં ‘સમકાલીન દર્શનશાસ્ત્રમાં ધર્મનું પ્રભુત્વ’ નામક પુસ્તક લખ્યું. દેશ-વિદેશમાં ખૂબ જ લોકપ્રિય બનેલા આ પુસ્તકથી પ્રભાવિત બનીને રાધાકૃષ્ણન્ની અમેરિકા દાર્શનિક સંઘ (યુએસએ ફિલોસોફી યુનિયન)ના પ્રમુખપદે નિમણૂક થઈ. મદ્રાસ સરકારે શિક્ષણનું સૌથી ઊંચું પદ આપીને સન્માન કર્યું. એ પછી કલકત્તા સહિત કેટલીક યુનિવર્સિટીઓએ પણ એમનું સન્માન કર્યું. એ દરમિયાન ૧૯૨૬માં ઇંગ્લેન્ડની ક્રેમ્બિજ યુનિવર્સિટીમાં વિશ્ર્વસ્તરની યુનિવર્સિટીઓનું એક સંમેલન યોજાયું. એમાં રાધાકૃષ્ણન્ને પણ નિમંત્રિત કરવામાં આવ્યા. ઇંગ્લેન્ડમાં એમનાં પ્રવચનોનો એવો પ્રભાવ પડયો કે, અખબારો પણ એની નોંધ લેવા લાગ્યાં. ઇંગ્લેન્ડ પછી તેઓ અમેરિકા ગયા અને ત્યાં પણ એમનાં પ્રવચનોથી માત્ર બૌદ્ધિકો જ નહીં આમજનતા પણ પ્રભાવિત બની.
ડો. રાધાકૃષ્ણન્એ કેટલાંક પુસ્તકોનું સર્જન પણ કર્યું છે. એમાં ‘ધ રેન ઓફ રિલિજિયન ઇન કોટેમ્પરેરી ફિલોસોફી’ તથા ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ’ ખૂબ લોકપ્રિય છે. લોકમાન્ય ટિળકના ‘ગીતા રહસ્ય’ પુસ્તકનો ભાવાનુવાદ પણ પ્રગટ કર્યો. એનાથી પ્રભાવિત થઈને મહાન શિક્ષણશાસ્ત્રી આશુતોષ મુખરજીએ કલકત્તા યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે ડૉ. રાધાકૃષ્ણન્ની નિમણૂક કરી. અહીંથી તેઓ દાર્શનિક તરીકે વિશ્ર્વવિખ્યાત બન્યા. ડો. રાધાકૃષ્ણન્ કેવળ પુસ્તકસર્જનની ફિલોસોફીમાં માનતા નહોતા. પરંતુ શિક્ષણના વ્યાપ સાથે વહીવટી કૌશલ્યને પણ એટલું જ મહત્ત્વ આપતા. આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે વહીવટી પટુતાનો પણ પરિચય કરાવ્યો. ટૂંક સમયમાં જ આંધ્ર યુનિવર્સિટી લોકપ્રિય બની ગઈ. દિન-પ્રતિદિન શિક્ષણક્ષેત્રે એમનું નામ ટોચ પર પહોંચી ગયું. પરિણામે પં. મદનમોહન માલવિયજીએ એમને વિશ્ર્વવિખ્યાત કાશી હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કર્યા.
 
શિક્ષણક્ષેત્રે લગભગ ૪૦ વર્ષનો વિશાળ અનુભવ ધરાવનાર ડો. રાધાકૃષ્ણન્ના અધ્યક્ષપદે ભારત સરકારે ૧૯૪૮માં એક શિક્ષણ પંચની નિમણૂક કરી. આ એજ્યુકેશન કમિશને ૧૯૪૮માં એનો રિપોર્ટ ભારત સરકારને સોંપ્યો, જેમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન સૂચવવામાં આવ્યું. આજે પણ શિક્ષણક્ષેત્રના સંદર્ભ તરીકે ડૉ. રાધાકૃષ્ણન્નાં રિપોર્ટનો આધાર લેવામાં આવે છે. આંતરરાષ્ટીય ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. યુનો સંચાલિત UNESCO (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) સંસ્થાની સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રારંભથી જ સભ્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી. આમ શિક્ષણક્ષેત્રે ડો. રાધાકૃષ્ણન્એ અમીટ છાપ છોડી છે.
 
ભારત આઝાદ થયું ત્યારે રાષ્ટીય સ્તરે એમની સેવાઓ મળે તે આશયથી તેઓએ બનારસ હિંદુ વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિ પદેથી રાજીનામું આપ્યું. પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્ર્વવિદ્યાલય અનુદાન આયોગ (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ની રચના કરી અને એના ચેરમેન તરીકે ડો. રાધાકૃષ્ણન્ની નિમણૂક કરી. વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ એમની રશિયાના રાજદૂત તરીકે પસંદગી કરી. એ દરમિયાન ભારત અને રુસના સંબંધો ખૂબ નિકટતમ બન્યા.
 
ડો. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિપદે ચૂંટાયા ત્યારે ડો. રાધાકૃષ્ણનની ઉપરાષ્ટ્રપતિ પદે નિમણૂક થઈ. બંધારણ અનુસાર ઉપરાષ્ટ્રપતિ એ ઉપલા ગૃહ રાજ્યસભાના ચેરમેન હોય છે. તેઓ દસ વર્ષ ઉપરાષ્ટ્રપતિ તરીકે રહ્યા. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી તેઓએ રાષ્ટ્રપતિપદ શોભાવ્યું. ડો. રાજેન્દ્ર પ્રસાદ પ્રખર કોંગ્રેસી હતા એટલે વડાપ્રધાન નહેરુ સાથે મતભેદ છતાં મનમેળ રાખતા.
ડો. રાધાકૃષ્ણન્ રાજકારણી નહોતા. નીતિ-નિયમને અનુસરનારા હતા એટલે વડા પ્રધાન પં. નહેરુ સાથે ઘણી વાર વિરોધાભાસ જોવા મળતો. પોતાના વિચારોને વ્યક્ત કરવામાં ડો. રાધાકૃષ્ણન કોઈની પણ શેહશરમ નહોતા રાખતા છતાં નહેરુ સાથે એકરાગતા પણ રાખતા, પરંતુ સ્પષ્ટ મંતવ્યો અભિવ્યક્ત કરવામાં અચકાતા નહોતા. પરિણામે ધીમેધીમે રાધાકૃષ્ણન્ અને નહેરુ વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. ૧૯૬૨માં ચીની આક્રમણ થયા બાદ આ અંતર ખૂબ જ વધી ગયું હતું. ૧૯૬૭માં રાધાકૃષ્ણન્એ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જે પ્રવચન કર્યું હતું તેમાં સ્પષ્ટ છાપ ઊઠતી હતી કે તેઓ કોંગ્રેસની તત્કાલીન સરકારની કેટલીક કામગીરીથી સંતુષ્ટ નહોતા. ડૉ. રાધાકૃષ્ણન્ જીવનમાં સાદગીની સાથે સ્વચ્છ જાહેર જીવનના આગ્રહી હતા. રાષ્ટ્રપતિપદે હતા ત્યારે માત્ર રૂ. ૨,૫૦૦નું વેતન લેતા હતા. તેઓ રાષ્ટ્રપતિપદના ઉચ્ચ અને ગૌરવભર્યા સ્થાને હતા ત્યારે પણ પોતાની જાતને પ્રથમ શિક્ષક તરીકે ગણવામાં ગૌરવ અનુભવતા. તેમના જન્મદિનને ‘શિક્ષકદિન’ તરીકેનું બહુમાન અપાવનાર શિક્ષક વર્ગને ઉચ્ચ દરજ્જો અપાવનાર ડો. રાધાકૃષ્ણનનું ૧૭ એપ્રિલ, ૧૯૭૫માં નિધન થયું હતું.
 

 
હવે જોઈએ શિક્ષણ નીતિ અંગે તેમનો મૌલિક દૃષ્ટિકોણ અને પ્રેરક માર્ગદર્શન... | Educational Thought Of  Dr Sarvepalli Radhakrishnan

 
 
શિક્ષણ નીતિ અંગે શ્રી ડૉ. રાધાકૃષ્ણન્નો દૃષ્ટિકોણ
 
ડૉ. રાધાકૃષ્ણન્, અતિવિરલ તત્ત્વજ્ઞાની-સ્કોલર દ્વારા સ્વતંત્ર ભારત માટે કયા પ્રકારની શિક્ષણનીતિ હોવી જોઈએ ? એ માટે રચાયેલ ડૉ. રાધાકૃષ્ણન્ આયોગ અહેવાલમાં બહુ સૂચક રીતે જણાવે છે કે : ઉચ્ચ શિક્ષણની સંસ્થા-વિશ્ર્વવિદ્યાલય એ માનવ સભ્યતાનાં અતિમૂલ્યવાન અંગો અને તેને પરિચાલિત કરનાર પ્રાણશક્તિ-આત્માનું જ્વલંત પ્રતીક છે અને વિશ્ર્વવિદ્યાલયના શિક્ષકો-અધ્યાપકો-પ્રાધ્યાપકો જ ભારતીય સભ્યતાના Pionear - પ્રણેતા તરીકે પોતાની શૈક્ષણિક ભૂમિકા સાચા અને પૂરા અર્થમાં ભજવી શકે તે માટે, એ સહુ પ્રાધ્યાપકો પણ ભારતીય નાગરિકોની જેમ જ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ધરાવતા હોવા જોઈએ. આવું સ્વાતંત્ર્યના ઉન્મેષયુક્ત વાયુમંડળ, માનવીય મસ્તિષ્કની નૈતિકતાના સર્જન અને પ્રાગટ્ય માટે અનિવાર્ય છે. ગ્રેટ બ્રિટન - UKનાં વિશ્ર્વવિદ્યાલયો તેના પ્રાધ્યાપકો આવી સ્વતંત્રતા ધરાવે છે. માટે જ ત્યાંનાં વિશ્ર્વવિદ્યાલયો સરકારી હસ્તક્ષેપથી પૂર્ણરૂપે મુક્ત રહી શકે તે માટે સંવૈધાનિક રીતે અને રોજબરોજના વ્યવહારમાં પણ આવા સ્વાતંત્ર્યની સુરક્ષા-સંવર્ધન માટેનાં અટલ પ્રાવધાનો સુસ્થાપિત કરાયા છે.
 
ડૉ. રાધાકૃષ્ણન્ એટલે તો તેમના સૂચિત આયોગ-અહેવાલમાં એ વાત સ્પષ્ટ કરે છે કે, આપણા ભારતીય ચિંતનમાં શિક્ષણ-કેળવણી એ કેવળ અક્ષરજ્ઞાન કે માહિતી પ્રદાન કરતું ભૌતિક તંત્ર કે યંત્ર નથી. પરંતુ એ તો વાણી-વિદ્યા-વિવેક-સમજ અને પરિષ્કૃત જ્ઞાનની દેવી માતા શારદા-સરસ્વતીનો જ દિવ્ય આવિષ્કાર છે. મહાયોગી શ્રી અરવિંદ જેને Integral Yoga - ‘પૂર્ણયોગ’ કહે છે, જે મનુષ્યચેતનાને પૂર્ણત્વની અનુભૂતિ કરાવે છે એ જ રીતે પં. દીનદયાળ ઉપાધ્યાયજી તેમના એકાત્મ માનવદર્શનમાં મનુષ્ય, પ્રકૃતિ અને પરબ્રહ્મની એકતાની વાત પ્રાસાદિક શૈલીમાં પ્રગટ કરે છે. એ જ રીતે ડૉ. રાધાકૃષ્ણન્ પણ કેળવણીનું અંતિમ લક્ષ્ય ‘સા વિદ્યા યા વિમુક્તયે । - ‘વિદ્યા એ જે મુક્તિ અપાવે’ ‘જાડ્યાંધકારાપહામ્’ - માતા સરસ્વતીદેવી આપણામાં રહેલ પ્રગાઢ અજ્ઞાન અંધકારનો સંપૂર્ણ વિનાશ કરનારી પ્રાતઃકાલીન દિવ્ય-ઉષાનું વિમલ સ્મિત છે, જે સમગ્ર સંસારને નિશાંધકારમાંથી દિવ્ય પ્રકાશમાં જાગ્રત અને સક્રિય કરે છે...
 
ભારતવર્ષ એક હજાર વર્ષની વિદેશી-વિધર્મી પરાધીનતાને કારણે તેની વૈદિક-ઉપનિષદિક જ્ઞાન-ઉપાસનાના મૌલિક ધ્રુવકેન્દ્રમાંથી ભટકી જવાથી જ તેના જાતિજીવનમાં, વ્યવહારમાં અનેકવિધ વિકૃતિઓનો ભોગ બનેલ છે. ઇસ્લામિક આક્રાંતાઓએ આ દેશનાં પૂજાસ્થાનોનો ભૌતિક વિનાશ સર્જ્યો છે. એ માટે અનેકવિધ નિર્ઘૃણ્ણ અત્યાચારો પણ કર્યા. પરંતુ અંગ્રેજ શાસકોએ તો ભારતવર્ષનો આત્મા, તેની પ્રાણશક્તિ ઉપર જ સીધો પ્રહાર કર્યો છે. તેથી સ્વાધીન-સ્વતંત્ર ભારતવર્ષની શિક્ષણનીતિની ‘મેકોલો બ્રાન્ડ’ શિક્ષાનીતિના ગ્રહણમાંથી સંપૂર્ણ વિમુક્તિ માટે એવી રાષ્ટીય-શિક્ષણનીતિ ઘડવી જોઈએ; જે આપણી અતિ પ્રાચીન વૈદિક ઉપનિષદિક સખ્ય-સંવાદની સમુજ્જ્વલ પરંપરાને પુનર્જીવિત કરી શકે. આપણે ત્યાં અનેકવિધ ઉપનિષદો - તેના અતિમૂલ્યવાન શાશ્ર્વતીના વિચારને પ્રસ્તુત કરે છે. તેમાંના એક ઉપનિષદનું નામ ‘પ્રશ્ર્નોપનિષદ’ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા આ અર્થમાં શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સખ્ય-સંવાદ અને પ્રશ્ર્નોપનિષદનું જ અતિવિરલ દૃષ્ટાંત છે. એ રીતે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની ઉપાસના-આરાધના, ‘પરિપ્રશ્ર્નેન સેવ્યતે’ એ ઉક્તિ અનુસાર ‘પ્રશ્ર્ન-પુષ્પ’થી જ માતા શારદા-સરસ્વતીની પૂજા આરાધના કરીએ તો માતા સરસ્વતી પ્રસન્ન થઈને પ્રસન્નકર-અર્થપૂર્ણ-દિવ્યજીવન અને અંતિમમુક્તિ- ‘સ્વ’ના સાક્ષાત્કારના શુભાશીર્વાદ આપી રહે... એટલે તો સ્વામી વિવેકાનંદજીના સદ્ગુરુ ઠાકુર મહારાજ શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ ઔપચારિક અક્ષરજ્ઞાન - કેવળ માહિતીપ્રદ શિક્ષણને માટે ‘ભાખરીનું ભણતર’ કહેતા અને સાચી કેળવણી તો આચાર્ય વિનોબાજીના શબ્દોમાં : ‘બ્રહ્મવિદ્યા’માં માનવીય ચેતનાને ઊર્ધ્વીકૃત કરે એ જ સાચી કેળવણી. જે મનુષ્યના ભૌતિક-જીવનમાં મનો-બૌદ્ધિક-ચેતના-પરાવિદ્યા... તરફ નિરંતર ઊર્ધ્વીકૃત થવા માટે, સંપૂર્ણ રૂપાંતરની અભીપ્સા પ્રગટ કરનાર પ્રેરક ઉદ્દીપકની ભૂમિકા ભજવતી રહે...
 
ડૉ. રાધાકૃષ્ણન્ કહે છે ઃ તમામ શૈક્ષણિક ગતિવિધિ-કેળવણીનો પ્રત્યેક ક્રિયાકલાપ મનુષ્ય ચિંતનમાં ઉદારમતવાદ-લિબર વેલ્યુઝની સંસ્થાપના-પ્રગટીકરણ-સશક્તીકરણનું સંસાધન બની રહેવું જોઈએ. જે આપણામાં રહેલ અજ્ઞાન, પૂર્વગ્રહો અને નિરાધાર જડ-ઝનૂની માન્યતાઓમાંથી આપણને વિમુક્ત કરી રહે. ડૉ. રાધાકૃષ્ણન્ એમ પણ ભારપૂર્વક સૂચવે છે કે, જો આપણે સરસ-સુંદર-અર્થપૂર્ણ જીવન પ્રાપ્ત કરવામાં અસફળ રહીએ છીએ, તો તેનું ખરું કારણ આપણા આંતરમન-આપણી આંતરચેતનામાં લાગી ગયેલા અજ્ઞાન અંધકારનાં બાવાં - જાળાં છે. તેની સંશુદ્ધિ-શુદ્ધિ-વૃદ્ધિ વિના કેળવણીનો પ્રયાસ ધૂળ ઉપરના લીંપણ જેવો મિથ્યાપ્રયાસ બની રહેશે. વિશ્ર્વની અનેકવિધ ચિંતનધારા - વિચારાધારાઓ મહદ્અંશે ‘ખંડ-દર્શન’ ઉપર આધારિત હોઈ, કેળવણીના આદર્શરૂપ લિબરલ વેલ્યુઝ-ઉદારમતવાદી જીવનમૂલ્યો માટે હાનિકારક છે. આવી અજ્ઞાનમય ઘનઘોર વાદળોની કાલિમાની રૂપેરી કોર જેવું ભારતીય દર્શન-ચિંતન છે, જે ખુલ્લા મનથી દશે દિશાઓથી અમને ઉત્તમ વિચારો આવી મળો એવી અભીપ્સા સેવે છે. તેથી જ ભારતીય દર્શન એટલે કથિત અંતિમ સત્યની અહાલેક નહીં, પરંતુ સત્યની નિરંતર ખોજ એ જ આપણું લક્ષ્ય છે. તેથી જ કોઈ એક ખાસ પુસ્તક, એકમાત્ર પ્રેરણાપુરુષ કે એક જ પ્રકારની ચોક્કસ ઉપાસના-પદ્ધતિની ઘરેડમાં સંકુચિત ખાબોચિયા જેવી ક્ષુદ્ર જીવનરીતિને ભારતીય ચિંતનમાં કદાપિ અવકાશ નથી. એટલે જ શાશ્ર્વતીના ચિંતન-અધિષ્ઠિત આપણું હિંદુજીવનદર્શન જ સંપૂર્ણ માનવજાત માટે - સમગ્ર જીવસૃષ્ટિ, પ્રકૃતિ, ધરતીમાતા માટે સંપોષક-સંરક્ષક-સંવર્ધક બની રહેવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે ‘છોડમાં રણછોડ’નું દર્શન, દરિદ્રમાં નારાયણનું દર્શન - દરિદ્રનારાયણની સેવા એ ભારતીય દર્શનનું પ્રાણતત્ત્વ છે અને ભારતીય શિક્ષણ-વ્યવસ્થા પણ આવા બ્રાહ્મીચેતના Cosmic Consciousnessના સહજ પ્રાગટ્યનું સશક્ત ઉપકરણ બની રહેવું જોઈશે. ડૉ. રાધાકૃષ્ણન્ના સમગ્ર શૈક્ષણિક વિચારનું આ સારતત્ત્વ છે.
 
 
 

ઉચ્ચ શિક્ષણ આયોગ અહેવાલમાં ડૉ. રાધાકૃષ્ણન્નું માર્ગદર્શન

 
ડૉ. રાધાકૃષ્ણન્ તેમના ઉચ્ચ શૈક્ષણિક આયોગના અહેવાલમાં શિક્ષણનું ધ્યેય અને આનુષંગિક તમામ વ્યવહારુ પાસાંઓને અત્યંત મૌલિક રીતે વિચારોત્તેજક શૈલીથી પ્રગટ કરે છે. ડૉ. રાધાકૃષ્ણન આયોગ-અહેવાલના મુખ્યત્વે ૪૫ બદુઓ છે. જેમાં સર્વપ્રથમ -
 
 

dr sarvepalli radhakrishnan 
 
 
(૧) સ્વાધીન ભારતમાં રાજકીય પરિવર્તન સાથે ઊભી થયેલ નવી પરિસ્થિતિમાં વિશ્ર્વવિદ્યાલયોની ભૂમિકા શું હોઈ શકે ? એ વાતનો નિર્દેંશ કરી, છાત્ર સમુદાયમાં ધ્યેયલક્ષી-ધ્યેયનિષ્ઠ કેળવણીની સંકલ્પના દ્વારા સમગ્ર રાષ્ટ્રજીવનને સુયોગ્ય નેતૃત્વ પ્રદાન કરવામાં વિશ્ર્વવિદ્યાલયોની અર્થપૂર્ણ દૃષ્ટિવંત -માનવીય સંવેદનક્ષમ ભૂમિકા પ્રસ્તુત કરે છે.
 
(૨) વિશ્ર્વવિદ્યાલયો એ આપણી પ્રાચીનતમ સભ્યતાના પ્રાણતત્ત્વથી છલકતાં અંગો - પ્રાણશક્તિ અને આત્મારૂપ કઈ રીતે બની શકે ? તેની હૃદયંગમ છણાવટ - ગવેષણા કરે છે.
 
(૩) વિશ્ર્વવિદ્યાલયમાં બૌદ્ધિક સાહસિકતા માટેની મોકળાશ અને તેના સંરક્ષણ - સંવર્ધનની અતિપરિષ્કૃત સંરચના અનિવાર્ય છે તેમ પણ દર્શાવે છે.
 
(૪) વિશ્ર્વ વિદ્યાલયીન - કેળવણીનો હેતુ એકાત્મ જીવનમાર્ગ - જીવનશૈલી જીવનદર્શનની અહીં મીમાંસા પ્રગટ થાય છે.
(૫) જ્ઞાન અને માહિતી વચ્ચેનો ભેદ સુપેરે પ્રગટ કરી આપતી વિશદચર્ચા છે.
 
(૬) સામાજિક વ્યવસ્થાના ઉદ્દેશોની બદલાતા જતા વિશ્ર્વમાં છણાવટ જોવા મળે છે.
 
(૭) માહિતી અને જ્ઞાન પ્રદાન બંને પાસાંઓ અનિવાર્ય છે અને તે દ્વારા મસ્તિષ્કની કેળવણી અને આત્માની કેળવણી બંને એકસાથે અનિવાર્ય છે તેમ પણ સૂચવવામાં આવેલ છે.
 
(૮) વ્યક્તિના આગવા વ્યક્તિત્વનો મહિમા પ્રગટ કરવામાં આવ્યો છે. સરમુખત્યારશાહી વ્યવસ્થામાં વ્યક્તિને સમાજરૂપી વિશાળ જંતરડા-યંત્રના એક પૂર્જા-ભાગ તરીકે ફીટ કરી દેવામાં આવે છે. વ્યક્તિને માટે એ સિવાયનું તેનું આગવું અસ્તિત્વ યોગ્ય કે આવકાર્ય ગણાતું નથી. પરંતુ જનતાંત્રિક મૂલ્યની કસોટીએ, જનતાંત્રિક શાસન-વ્યવસ્થામાં પ્રત્યેક વ્યક્તિની આગવી ઓળખનું સન્માન કરવામાં આવે છે. કારણ કે પ્રત્યેક વ્યક્તિ એ નિઃસીમ વ્યાપક જીવસૃષ્ટિ-પરમચેતનાને પ્રગટ કરનાર અતિવિરલ-અતિવિશિષ્ટ સાહસ છે.
 
(૯) કેળવણીને વિકાસનું અમોઘશસ્ત્ર કે ઉપકરણ કહેવામાં આવ્યું છે. મનુષ્યજીવનનો સર્વાંગી વિકાસ અને હેતુપૂર્ણ જીવનની મીમાંસા અહીં કરવામાં આવી છે.
 
(૧૦) શારીરિક કેળવણીનું માહાત્મ્ય સૂચવવામાં આવેલ છે. કારણ કે મનુષ્યજીવન મનોદૈહિક આવિષ્કાર છે. એટલે તો ‘મન’ ઉપરથી માનવ શબ્દની અર્થચ્છાયા સુપેરે પ્રગટ થાય છે. પરંતુ ધર્મના આવિષ્કાર-સંવહન-સંક્રમણ માટે પણ દેહરૂપી રથ અનિવાર્ય છે. આ રીતે મનુષ્ય દેહ એ ધર્મના પ્રાગટ્ય માટે અનિવાર્ય સાધન છે એની દાર્શનિક મીમાંસા ડૉ. રાધાકૃષ્ણન્ના ચિંતનમાં જોવા મળે છે.
 
(૧૧) મનુષ્ય મસ્તિષ્ક-ચેતનાનું સાચું સ્વરૂપ શું છે ? અને કેળવણીની એ સંદર્ભમાં કેવી ભૂમિકા હોઈ શકે ? તેનો વિમર્શ કરવામાં આવેલ છે.
 
(૧૨) પ્રકૃતિ, સમાજ અને આત્મા એવા ત્રણ પ્રકારના અસ્તિત્વની છણાવટ સાથે તેના પારસ્પરિક સંબંધોનું યથાર્થ પરિપ્રેક્ષ્યમાં સંયોજન કઈ રીતે થઈ શકે ? તે દિશામાં કેળવણીની ભૂમિકાની વાત પ્રસ્તુત કરવામાં આવેલ છે.
 
(૧૩) પ્રાકૃતિક વિજ્ઞાન, સમાજવિદ્યાઓ અને માનવવિદ્યાઓ જેમાં ભાષા-સાહિત્ય, કલા, લલિતકલા, સંગીત, નાટ્ય, શિલ્પ, સ્થાપત્ય ચિત્રકલા વિવિધ ઓજારો, ઉપકરણો આભૂષણો અલંકારો વ. વચ્ચેના આંતરસંબંધો અને તે સહુ સાથે મળીને મનુષ્યજીવનનો વધુ સારી સમજ સાથે, પ્રકૃતિમાંની સમગ્ર જીવસૃષ્ટિ-પૂર્ણ બ્રહ્માંડ-તેની શાશ્ર્વતીયુક્ત ‘બ્રાહ્મીચેતના’ સાથેનો અનુબંધ સુપેરે દર્શાવે છે.
 
(૧૪) મનુષ્ય ચેતનામાં રહેલ એકત્વ અને વિવિધ જ્ઞાન-શાખાઓ વચ્ચેની પારસ્પરિક નિર્ભરતાની સૂચક છણાવટ કરવામાં આવેલ છે.
 
(૧૫) સાચી કેળવણીની દૃષ્ટિ એ છે જે મનુષ્યનો સમગ્રતામાં વિચાર કરે. તેથી જ કેળવણીનું દર્શન ‘ખંડદર્શન’ પર આધારિત નહીં પરંતુ અખિલાઈમાં વિહરતું રહે તો જ મનુષ્યજીવન અને આ સચરાચરસૃષ્ટિ વચ્ચેના સંબંધો, તેની ગતિ, લય, ઉષ્મા-સુષ્મા-ઉજાસની અનુભૂતિ થઈ શકે.
 
(૧૬) સ્વાતંત્ર્યની વિભાવના-અવધારણા-સંકલ્પનાની અતિસૂક્ષ્મ મીમાંસા અહીં જોવા મળે છે. ડૉ. રાધાકૃષ્ણન્ના મત પ્રમાણે સ્વાતંત્ર્યની સાચી અનુભૂતિ આંતરિક ચેતના સાથે જોડાયેલી છે. રાજકીય સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય વગેરે ભૌતિક-બાહ્ય બાબતો છે. પરંતુ સાચા અને પૂરા અર્થમાં સ્વાતંત્ર્ય એ એક વિશિષ્ટ આંતરિક મનઃસ્થિતિ છે. It is a state of mind. અહીં અટલજી યાદ આવી જાય છે...
 
અટલજીએ લખ્યું છે હોકર સ્વતંત્ર કબ ચાહા, કરલૂં જગકો ગુલામ, મૈંને તો સદા સિખાયા હૈ, કરના નિજ કે મન કો ગુલામ મતલબ કે આપણા દૈહિક-ચૈતસિક સ્તરે સ્વતંત્રતા એ ભૌતિક, રાજકીય, આર્થિક અનુભૂતિ કરતાંયે સવિશેષ આંતરિક આત્માનુભૂતિ છે...
 
(૧૭) ડૉ. રાધાકૃષ્ણન્ કેળવણીને નિત્ય નવીન વર્ધમાન જીવન તરફ દોરવા માટે પહેલ કરનાર સશક્ત ઉપકરણ લેખે છે. આપણે ત્યાં બ્રાહ્મણ-વિદ્યોપાસક માટે ‘દ્વિજ’ શબ્દ પ્રયોજાયેલ છે. મતલબ કે માતાની કૂખે તો સહુ બાળક જન્મે છે. પરંતુ કેળવણી દ્વારા જે પરમજ્ઞાન પ્રાપ્ત થાય છે તેનાથી મનુષ્ય જીવનમાં સંપૂર્ણ રૂપાંતરની પ્રક્રિયા દ્વારા, મનુષ્યને નવું-બીજું જીવન મળે છે. કેળવણીનો હેતુ જ એવું જીવન જેમાં સત્યનો આવિષ્કાર થાય. આત્મભાવયુક્ત જીવનધબકાર હોય, માનવ આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપનું પ્રાગટ્ય થઈ રહે તેને માટે કેળવણીએ કાર્યસાધક બની રહેવાનું છે.
 
(૧૮) કેળવણી દ્વારા યુગાનુરૂપ પરિવર્તન સાથે સુમેળ સાધી શકે તેવાં નવાં માનવીય મૂલ્યોનો આવિષ્કાર શક્ય બનાવવાનો છે.
 
(૧૯) કેળવણી પદ્ધતિમાં લૌચિકતા-લચીલાપણાની પરિસ્થિતિક્ષમ અભિગમની મોકળાશ હોવાની જરૂરત છે. જે અર્વાચીન રાષ્ટ્ર-વિશ્ર્વની સમસ્યાઓને સુપેરે પ્રત્યુત્તર પાઠવી શકે.
 
(૨૦) સામાજિક ન્યાયના પ્રતિષ્ઠાનની પ્રક્રિયામાં કેળવણીની માનવીય સંવેદનક્ષમ ભૂમિકાની વાત કરવામાં આવી છે, જેનાથી સદીઓથી શોષિતો-ઉત્પીડિતોના જીવનમાં સુરખી આણી શકાય.
 
(૨૧) સામાજિક ન્યાયના આંદોલનમાં ઊભી થયેલી વિકૃતિઓ સામે વિશુદ્ધ કેળવણીની પ્રભાવક ભૂમિકાની વાત કરવામાં આવેલ છે.
 
(૨૨) કૃષિપ્રધાન ભારતની-બહુસંખ્યક કૃષિકારોની સમસ્યાઓના વૈજ્ઞાનિક અને માનવીય ઉકેલ માટે કૃષિ-વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ સંશોધન પર ભાર મૂકવામાં આવેલ છે.
 
(૨૩) તાંત્રિક પ્રશિક્ષણ-તંત્રવિદ્યા દ્વારા માનવજીવનને માટે કલ્યાણકારી ઉપયોગી સંસાધનોના વિકાસની વાત છે. જે પ્રકૃતિ સાથેની સુસંવાદિતા સાચવીને મનુષ્યજીવનને કઈ રીતે વધુ સુખમય બનાવી શકાય ? તેની ચર્ચા કરવામાં આવેલ છે.
 
(૨૪) ગ્રામબહુલ ભારતવર્ષના અર્થપૂર્ણ વિકાસ માટે, ગ્રામવિકાસ ઉપર ભાર મૂકવામાં આવેલ છે, જેથી ગ્રામીણ ભારતમાં વસતા બહુસંખ્યક લોકો, તેમનાં મૂળિયાં ઊખડી ન જાય તે રીતે કેવી રીતે ઘરઆંગણે જ અત્યાધુનિક સુવિધા-શિક્ષણ પ્રાપ્ત કરી શકે ? તેનું ચિંતન કરવામાં આવ્યું છે. જેમાં આજની પરિભાષામાં ‘ગ્રીન એનર્જી’ તરફ પણ અંગુલીનિર્દેંશ સાથે કૃષિઆધારિત વિકેન્દ્રિત સ્થાનિક ઉદ્યોગોની વાત છે.
 
(૨૫) મશીનરીનું અર્વાચીન જગતમાં કેવું સ્થાન-ભૂમિકા હોઈ શકે ? તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જેમાં મશીન સેવક બની રહે પરંતુ સ્વામી નહીં તે તરફ નિર્દેંશ કરાયો છે.
 
(૨૬) જીવન સાથે વિચ્છેદ પામેલ વિજ્ઞાન અને તાંત્રિક વિદ્યાઓની મર્યાદાની ચર્ચા કરવામાં આવી છે.
 
(૨૭) મનુષ્ય આધુનિક પરિભાષામાં સંવેદનહીન રોબોટ - ‘યંત્રમાનવ’ ન બની રહે તે માટે, કેળવણીના અભ્યાસક્રમમાં સામાજિક વિજ્ઞાનો અને માનવ વિદ્યાઓના મહત્ત્વની વાત કરવામાં આવી છે અને તેમાં વધુ ને વધુ માત્રામાં સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની પણ વાત કરાયેલ છે. તેનાથી મનુષ્ય પોતાના અધિકારોની સંપ્રાપ્તિની પૂર્વશરતરૂપે પોતાના ઉત્તરદાયિત્વને પણ સમજે અને તે પ્રમાણે વર્તે તેવી સંભાવનાની વાત કરાઈ છે.
 
(૨૮) કેળવણીનો એક હેતુ છે નાગરિકોમાં લોકશાહી શાસન-વ્યવસ્થા માટે અનિવાર્ય નેતૃત્વકળાનું પણ શિક્ષણ યુવાપેઢીને આપવું. આર્ટ્સ વિદ્યાશાખા - વિનયન વિદ્યાશાખામાં ‘વિનયન’ શબ્દનો અર્થ ‘નેતૃત્વ કરનાર’ વિદ્યાશાખા એવો થાય છે.
(૨૯) વિશ્ર્વવિદ્યાલયોની સ્વાયત્તતા અને રાજકીય હસ્તક્ષેપ સામેની સ્વતંત્રતાની વાત છે. સંસ્કારી-સ્વમાની-સ્વાભિમાની-નિર્ભિક શિક્ષક જ આવા સદ્ગુણોયુક્ત યુવાપેઢીનું ચણતર-ઘડતર કરી શકે તે વાત કરવામાં આવી છે.
 
(૩૦) વિજ્ઞાન આધારિત સામાજિક સંરક્ષણની વાત કરાઈ છે. 
 
(૩૧) ઉદારમતવાદી મૂલ્ય આધારિત શિક્ષણ-વ્યવસ્થાની વાત પ્રસ્તુત કરેલ છે.
 
(૩૨) જનતાંત્રિક જીવનશૈલીની સંસ્થાપનાના વિકાસમાં કેળવણીની ભૂમિકાની વાત છે.
 
(૩૩) અંતરાત્માના અવાજના પ્રગટીકરણ માટેની સ્વતંત્રતામાં કેળવણીની ભૂમિકાની વાત કહેવાઈ છે.
 
(૩૪) પ્રત્યેક નાગરિકો માટે તકોની સમાનતાની વાત ઘૂંટવામાં આવી છે. એને અનુરૂપ શિક્ષણપ્રથાની અનિવાર્યતા દર્શાવાઈ છે.
 
(૩૫) મનુષ્યના સર્વાંગી વિકાસમાં આર્થિક અભાવ ગરીબીના અવરોધોને નષ્ટ કરવા માટે કેળવણીની ભૂમિકાની વાત છે.
 
(૩૬) નાત-જાત-મઝહબ આધારિત વર્ગીકરણ અને તેમ કરવાથી ઊભી થતી સમસ્યાઓની વાત છે. આપણાં રાષ્ટ્રના આદર્શ અને લોકશાહી સિદ્ધાંતની વિપરીત ઉપર્યુક્ત વર્ગીકરણ તરફ અંગુલીનિર્દેંશ થયેલ છે.
 
(૩૭) પછાત જાતિસમૂહોની સહાયતાની અનિવાર્યતા અને એ પ્રક્રિયામાં રહેલી મર્યાદાઓ-ભયસ્થાનો તરફ પણ અંગુલીનિર્દેંશ છે.
 
(૩૮) ઔપચારિક અભ્યાસ આધારિત શિક્ષણ સાથે પૂરક વિવિધ પ્રવૃત્તિઓના મહત્ત્વની વાત છે. જેમાં વક્તૃત્વકળા, પરિસંવાદ, વિચારગોષ્ઠી, કલાપ્રવૃત્તિઓ વગેરેનું મહત્ત્વ દર્શાવાયું છે.
 
(૩૯) વિશ્ર્વવિદ્યાલયના છાત્રોમાં પ્રવર્તતી ગેરશિસ્ત, અશાંતિની વાત છે. અર્વાચીન અર્થપ્રધાન વાયુમંડળમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગુરુશિષ્ય-પ્રથાને સ્થાને વિદ્યાર્થીઓ ટ્રેડ યુનિઅનની માનસિકતા સાથે પોતાનાં છાત્રમંડળો ચલાવે છે, જેમાંથી યુનિવર્સિટી કેમ્પસમાં વિવાદ, સંઘર્ષ, અજંપો વગેરે ઊભાં થાય છે. ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) જેવી છાત્ર - સંગઠનાની ભૂમિકા ગુરુશિષ્ય સ્નેહસંબંધ આધારિત શૈક્ષણિક માહોલની છે. એ તરફ અહીં અંગુલીનિર્દેંશ છે.
 
(૪૦) નિવાસી શાળાઓ અને ગુરુકુળ પદ્ધતિના અર્વાચીન શિક્ષણ - સંકુલોની અનિવાર્યતા પર ભાર મુકાયો છે જેથી છાત્રગણ અને શિક્ષકો વચ્ચે જીવંત સંપર્ક - સ્નેહ સંસ્પર્શ શક્ય બની રહે.
 
(૪૧) પ્રત્યેક કોલેજ એક એવું જીવંત એક બની રહે જે સમાજજીવન, રાષ્ટ્રજીવન માટે મહત્ત્વપૂર્ણ સ્ફુર્તિ કેન્દ્ર બની રહે. જેમ માનવશરીરમાં કોષોનું સ્થાન છે, તેવું જ સ્થાન સમાજજીવનમાં - રાષ્ટ્રમાં કોલેજ-ઘટકનું પણ છે.
 
(૪૨) કેળવણીનો એક આદર્શ છાત્રસમૂહમાં રાષ્ટીય અનુશાસનની ભાવના પ્રબળ કરવાનો છે, જેથી માત્ર ડિગ્રી પ્રાપ્તિ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણ માટેના ઘડવૈયા યુવકો નિર્માણ થઈ શકે.
 
(૪૩) કેળવણી પ્રથામાં સાંસ્કૃતિક મૂલ્યોની અનિવાર્યતા છે, જે મનુષ્ય જીવનને વધુ ઉચ્ચ આદર્શો, આભિજાત્ય, સુકુમારતા, સંસ્કારમંડિત જાહેરજીવન અને શાણા સમાજની સંરચના તરફ દોરી જાય.
 
(૪૪) ભારતમાં પ્રવર્તતી કેળવણી પ્રથામાં પ્રવેશેલ પરાધીનકાળનું દૂષણ એટલે, ભારતીય કેળવણી પ્રથામાં પ્રવર્તતા અભારતીય મૂલ્યો, પ્રવૃત્તિઓ અને ‘ભારત તેરે ટુકડે ગેંગ’ જેવાં પ્રદૂષિત પરિબળોની બોલબાલા.
 
(૪૫) ભારતવર્ષની સાંસ્કૃતિક એકતાની સંયોજક, સંરક્ષક, સંવર્ધક કેળવણીની વાત કરવામાં આવી છે.
 
ઉપસંહાર
 
ડૉ. રાધાકૃષ્ણન્ શિક્ષણ-આયોગ અહેવાલના સારતત્ત્વરૂપે કહી શકાય કે, આ શકવર્તી - યુગાંતકારી અહેવાલ દ્વારા ડૉ. રાધાકૃષ્ણન્ એ વાતને તેમની મૌલિક-પ્રસાદિક શૈલીમાં પ્રગટ કરે છે કે, ભારતીય કેળવણીનો આદર્શ કેવળ ભૌતિક નથી... પરંતુ ભારતીય કેળવણીનો આદર્શ - તેનો પ્રેરણાસ્રોત સાંસ્કૃતિ, નૈતિક, આધ્યાત્મિક શાશ્ર્વતીના - સુસંવાદીતાના - એકત્વના જીવનમૂલ્યો - જીવનદર્શનમાં છે. બૃહદ્ હિંદુજીવનદર્શન જ એક એવું શાશ્ર્વતીનું દર્શન છે જે સર્વસમાવેશક છે. બૃહદ્હદુ જીવનદર્શનની એ વિશેષતા છે કે, તેમાં આધ્યાત્મિક મૂલ્યો -ઈશ્ર્વરની સંકલ્પના સાથે જ ‘ઈશ્ર્વરના ઈન્કાર’નું ધાર્મિક સ્વાતંત્ર્ય પણ રહેલું છે. એટલે તો વેદોમાં અને ઈશ્ર્વરમાં નહીં માનનાર બૌદ્ધ-જૈન દર્શન પણ બૃહદ હિંદુદર્શનના જ મહત્ત્વના આવિષ્કાર છે. હિંદુ જીવનદર્શનમાં જ અદ્વૈત દર્શન અને ‘અનેકાંત દર્શન’નું સહઅસ્તિત્વ સંભવ છે. સનાતન વૈદિક-ઉપનિષદિક-આર્ય- હિંદુ જીવનદર્શન જ એક એવું જીવદર્શન છે, જે શ્રીમદ્ભગવદ્ગીતાની પરિભાષામાં ‘ પોતાના જેવા જ ગણવાની સ્નેહ-સંજીવનીથી અનુપ્રાણિત છે... અને તેથી જ તેમાં કહેવામાં આવ્યું છે કે, સત્ય એક જ છે, વિવિધ જ્ઞાનીપુરુષો તેને અનેકવિધ રીતે ઉજાગર કરે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એટલે અર્વાચીન ભારતીય તત્ત્વજ્ઞાનીઓમાં - તત્ત્વજ્ઞાનના આકાશમાં દૈદિપ્યમાન અતિવિરલ નક્ષત્રમંડળ - જેના દર્શનમાત્રથી જ નિઃસીમ - અપરિમેય - બ્રહ્માંડીય ચેતનાની ભાવાનુભૂતિ થઈ રહે - અને આવી સહજ ભાવાનુભુતિનું સક્ષમ ઉપકરણ એટલે જ ડૉ. રાધાકૃષ્ણન્ની કેળવણીની ભાવભીની ચતનધારા.... આવા ડૉ. રાધાકૃષ્ણન્ - માતા સરસ્વતીના ચહેતા સુપુત્રને તેમના ૧૩૫મા જન્મદિને સ્નેહાદરભીની ભાવાંજલિ...!
 
 
- પ્રા. હર્ષદ યાજ્ઞિક