જ્યારે કોલકતા શહેરની દિવાલો પર ચીની અધ્યક્ષ હમારા અધ્યક્ષ, હમારા તુમારા નામ વિયેતનામ લખી દેવામાં આવ્યું...

06 Sep 2022 16:32:54

Communism and communist agenda, 
 

વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ | વામપંથી વિમર્શ v/s રાષ્ટ્રીય વિમર્શ

 
બંગાળના વામપંથીઓએ ભારત પરના ૧૯૬૨ના ચીની આક્રમણ વખતે વિદ્રોહનું મોટું ષડયંત્ર રચ્યું હતું, તેમને એવી આશા હતી કે, ચીનની ‘લાલ સેના’ કલકત્તા સુધી કૂચ કરીને ભારત પાસેથી સત્તા આંચકી લઈને ભારતના વામપંથીઓને સોંપી દેશે. આવી આશાથી રચવામાં આવેલ વિદ્રોહના વાતાવરણ વચ્ચે ૧૯૬૭માં બંગાળમાં પહેલીવાર વામપંથી- ‘માર્ક્સવાદી સામ્યવાદી પાર્ટી’ સત્તામાં ભાગીદાર બની.
 
આ જ અરસામાં ચીનમાં રાજનૈતિક ઉથલ-પાથલ થઈ. ત્યાં સામ્યવાદના ભયંકર વિનાશ પર પડદો પાડવા માટે ૧૮-ઓગસ્ટ’૧૯૬૬ના દિવસે ચીનના સર્વેસર્વા માઓએ ચીનમાં તથાકથિત ‘સાંસ્કૃતિક ક્રાંતિ’નું આહ્વાન કર્યું. ત્યાં તમામ વિરોધીઓને પૂંજીવાદી પીઠ્ઠુ, દિશાભ્રમિત બુદ્ધિજીવીઓ કહીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ જ અરસામાં વૈશ્ર્વિક વામપંથના પ્રચલિત નામો- સામ્યવાદ, માર્ક્સવાદ, માઓવાદ વગેરેની શ્રેણીમાં ભારતના વામપંથીઓએ એક નામ ઉમેરીને જાણે વામપંથના વિશ્ર્વમાં પોતાનું એક આગવું પ્રદાન દર્જ કરાવ્યું. આ નામ એટલે- ‘નક્સલવાદ’, જે નક્સલવાડી નામના સ્થાન ઉપરથી પાડવામાં આવ્યું.
 
આ નક્સલવાડી ૧૯૬૭ના સશસ્ત્ર કૃષક આંદોલનથી પ્રસિદ્ધિ પામ્યું. અને સ્વાતંત્ર્યના ૨૦ વર્ષ બાદ ભારતને વામપંથી ગતિવિધિઓનું એક નવું ચરિત્ર જોવાની નોબત આવી. ભારતની બેહાલી માટેની એક નવી ચાલરૂપે ૧૮ માર્ચ, ૧૯૬૭ના રોજ માર્ક્સવાદી નેતા ચારુ મજૂમદાર અને કાનુ સાન્યાલે ભોળા કિસાનોને એકત્રિત કર્યા અને ઉકસાવીને વિદ્રોહી બનાવી દીધા. સ્વાધીન ભારતમાં ઉપસી આવેલા આ વામપંથી ચારૂ મજૂમદાર અને તેની ટોળકીને ઓળખવા આ વિદ્રોહ વખતે ચારૂ મજૂમદારે કરેલું તેનું આ બહુચર્ચિત કથન પર્યાપ્ત રહેશે ! જેણે પોતાના વર્ગ-શત્રુના ખૂનમાં હાથ નથી રંગ્યા, તેને કદાચ જ સામ્યવાદી કહી શકાય. કાનુ સાન્યાલે નેપાળ સ્થિત ચીની દૂતાવાસના લગાતાર સંપર્કમાં રહીને આ આખા ષડયંત્રને ચીનની ચાલ મુજબનો અંજામ આપ્યો.
 

Communism and communist agenda, 
 
બંગાળની નક્સલવાડીની આ દેશદ્રોહી પ્રવૃત્તિઓની ચીને જાહેરમાં પ્રશંસા કરીને અગ્નિને પવન નાંખવામાં કોઈ કચાશ ન છોડી. ચીને પોતાના પેકિંગ રેડિયો ઉપરથી દિ. ૨૮-જૂન’૧૯૬૭ના રોજ આ વિદ્રોહસંબંધિત પ્રસારણ કર્યું. પ્રસારણમાં આ વિદ્રોહને ભારતના પશ્ર્ચિમ બંગાળના ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ક્રાંતિકારીઓ દ્વારા (માઓના વિચારોના માર્ગદર્શનમાં.. ભારતીયોના સમર્થન સાથે) ચલાવવામાં આવી રહેલા સશસ્ત્ર સંઘર્ષના પ્રથમ પગલા તરીકે નવાજવામાં આવ્યો.
 
આ વિદ્રોહ એટલો બેબાક હતો, જેમાં ખૂલ્લમ-ખુલ્લા ‘વિનાશ’નું આહ્વાન કરવામાં આવતું, આ વિદ્રોહનું વિચાર-વિસ્ફોટક હતું ‘લિબરેશન’ નામનું ચોપાનીયું. તેના ડિસેમ્બર-૧૯૬૯ના અંકમાં ‘વિનાશ’ને પરિભાષિત કરતાં જણાવાયેલું કે, વર્ગ-શત્રુનો વિનાશ એ માત્ર તેના રાજનૈતિક, સામાજિક અને આર્થિક પ્રતિનિધિનો વિનાશ નથી, એ તો વર્ગ-સંઘર્ષની ઉચ્ચાવસ્થા છે અને વર્ગ-શત્રુઓનો વિનાશ એ આ ગોરિલ્લા યુદ્ધનું પ્રથમ સોપાન છે.
 
આ રાષ્ટ્રદ્રોહી વિદ્રોહનું વરવું સ્વરૂપ કેટલી હદે બેફામ બનેલું તે સમજવા આ એક ઉદાહરણ પર્યાપ્ત રહેશે. મે-૧૯૭૦માં કલકત્તાના જાદવપુર વિશ્ર્વવિદ્યાલયના ‘ગાંધી કેન્દ્ર’ પર નક્સલી વિદ્યાર્થીઓએ હુમલો કર્યો. ગાંધીજીનાં કાર્યોને સંબંધિત લેખો અને ચિત્રોને નષ્ટ કરી દેવામાં આવ્યાં. કલકત્તા વિશ્ર્વ-વિદ્યાલયમાં ગાંધીજીસંબંધિત સાહિત્યની એક પ્રદર્શનીને તહસ-નહસ કરી દેવામાં આવી તથા વિશ્ર્વવિદ્યાલયમાં ઉપલબ્ધ સંપૂર્ણ ગાંધી સાહિત્યની હોળી કરી દેવામાં આવી. રાજા રામમોહનરાય, સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ વિદ્યાસાગર અને રવીન્દ્રનાથ ઠાકુરની પ્રતિમાઓને પણ ખંડિત કરી દેવામાં આવી.
 
चीनी अध्यक्ष हमारा अध्यक्ष અને हमारा तुमारा नाम वियेतनाम - આવા ચીન અને વિએટનામને સાંકળતા ભારતવિરોધી દેશદ્રોહી નારાઓ કલકત્તા અને અન્ય સ્થાનોની દીવાલો ઉપર લખી દેવામાં આવ્યા. આ મુદ્દે દિ. ૧૮-મે’૧૯૭૦ના The Hinduના સંપાદકીયમાં જણાવાયું કે, એ સ્પષ્ટ છે કે, દેશના દુશ્મનોએ આ આંદોલનને સહયોગ અને પ્રેરણા આપી. આસામ અને બંગાળમાં વહેંચાયેલું માઓ સાહિત્ય ચીનના પેકિંગમાં છાપવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ નક્સલીઓને ચીની હથિયારોની આપૂર્તિ કરવામાં આવી, તેનો પણ સ્વીકાર કર્યો.
 
આગળ જતાં આ વિદ્રોહ આંધ્ર પ્રદેશનાં શ્રીકાકુલમ, ખમ્મમ અને વારંગલ જેવાં વનવાસી ક્ષેત્રોમાં શરૂ થયો અને તેલંગાણાનાં પાર્વતીપુરમ, પાટપત્નમ્ અને પાલાકોન્ડા ક્ષેત્રોમાં પણ પ્રસર્યો. આગળ જતાં આ વિદ્રોહી આતંકની જ્વાળાઓમાં ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહાર પણ બળવા લાગ્યાં.
 
હૈદરાબાદની ઉસ્માનિયા અને ગાંધી મેડિકલ કોલેજમાં, વારંગલની કાકતિયા મેડિકલ કોલેજમાં અને બંને સ્થાનોની એન્જિનિયરિંગ કોલેજોમાં નક્સલી ગતિવિધિઓ શરૂ થઈ. હૈદરાબાદ, વારંગલ, કાવલી, તિરુપતિ જેવાં અનેક સ્થાનો ઉપર વામપંથીઓએ મહા-વિદ્યાલયીન વિદ્યાર્થીઓને વિદ્રોહના વ્યાવહારિક કામોનું ગુપ્ત પ્રશિક્ષણ આપવાનુ શરું કર્યું. શરૂઆતમાં શ્રીકાકુલમના નક્સલીઓ ન્યાયાલયમાં નારા લગાવતા હતા. ભારતીય સામ્યવાદી દળ તેમના માટે વૈધાનિક સહયોગની વ્યવસ્થા પૂરી પાડતું હતું. શ્રીકાકુલમ વિદ્રોહ પછી આ ગતિવિધિઓ તેલંગાણા તરફ તેજ બની. તેને કાયદાકીય સહાયતા આપવા ૩-ફેબ્રુઆરી’૧૯૭૪ના દિવસે નરમાધવ રાવ, રાધાકૃષ્ણ મૂર્તિ, રામાનંતમ, કાશીપતિ, વર્વર રાવ જેવા લેખક-ડોક્ટર-વકીલોએ આંધ્રપ્રદેશ નાગરિક અધિકાર સમિતિનું ગઠન કર્યું. આ સંગઠન વિદ્રોહીઓ માટે પોષક, પ્રેરક અને સંરક્ષક બની રહ્યું, વિદ્રોહીઓને શહેરોમાં છૂપાવીને આશરો આપવો અને પોલીસની વિરુદ્ધ અપમાનજનક પ્રચાર કરીને તેમને હતોત્સાહિત કરવાનું આ કામ સમિતિનું મુખ્ય કામ બન્યું. કાકતિયા વિશ્ર્વવિદ્યાલય દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયમાં પ્રસ્તુત શપથ-પત્ર, આ સમિતિનાં નક્સલી કાર્યોનો પર્દાફાશ કરે છે.
 
વાદી સંસ્થા (નાગરિક અધિકાર સમિતિ) આંધ્રપ્રદેશ રાજ્યમાં લોકતાંત્રિક અને સામાજિક અધિકારોના નામે કરવામાં આવી રહેલાં પોતાનાં કૃત્યોથી આ પૃથકતાવાદી વિદ્યાર્થીઓને ઉકસાવે છે, જેમને લોકતંત્રમાં કોઈ વિશ્ર્વાસ નથી, અરાજકતામાં લિપ્ત થઈને અશાંતિ અને અવ્યવસ્થા ફેલાવવા ચાહે છે. સમિતિ પાસે અલગાવવાદીઓના નામે દિનદહાડે આચરવામાં આવેલી હત્યાઓની નિંદાના બે શબ્દો કે દુઃખનાં આંસુ નથી. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓનાં તોફાનો અને મારધાડની સામે આ સમિતિનાં લોકો આંખો બંધ કરી બેઠાં છે. આ સમિતિના વિચારો એવા છે કે, ‘આ સમિતિ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ કોઈપણ અપરાધ કરવા માટે સ્વતંત્ર હોઈ વિશ્ર્વવિદ્યાલયે કે પોલીસ પ્રશાસને તેમની ગતિવિધિઓમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરવો જોઈએ.’ આ સમિતિને લોકતાંત્રિક અધિકારો અને નાગરિક સંહિતાના વિષયમાં બોલવાનો કોઈ અધિકાર નથી. કારણ કે આ સમિતિનો દ્રષ્ટિકોણ અલગાવવાદી વિદ્યાર્થીઓની સમસ્ત ગતિવિધિઓનું સમર્થન કરવું એ જ માત્ર છે. ચાહે તેમની પ્રાથમિકતા કોઈપણ હોય.
 
અનેક રાજ્યોમાં ફેલાયેલી આ નક્સલવાદી આગે લીલાંછમ્મ વનોને દઝાડ્યાં. અનેક લોકોનાં આખાંને આખાં પરિવારોની કત્લેઆમ થઈ. સંખ્યાબંધ પોલીસ અને સેનાના જવાનોનાં બલિદાન થયાં.
 
સૌથી મોટી હૃદયદ્રાવક તો એ વાત છે કે, સામાજિક અને આર્થિક ન્યાયના નામે આચરવામાં આવેલો આ વિદ્રોહ વાસ્તવમાં ભલાં ભોળાં લોકોને ઉશ્કેરીને, ધાક-ધમકી આપીને તેમના હાથોમાં બંદૂક અને બોમ્બ પકડાવીને, આતંક ફેલાવીને અને તેમની જમીનો પડાવી લઈ વામપંથનું વર્ચસ્વ સ્થાપિત કરીને અંતે સત્તા આંચકી લેવાના કૂટિલ માર્ગથી વિશેષ કાંઈ નહોતું.
સરકારી તંત્રના દૈનંદિન ઘનિષ્ઠ પ્રભાવથી જોજનો છેટે, સુદૂર અંતરિયાળ શાંત વનક્ષેત્રોમાં અને દુર્ગમ પહાડીક્ષેત્રોમાં ઉભા કરવામાં આવેલા આ વિદ્રોહમાં આચરાયેલી હિંસાનો ભોગ અનુસૂચિત જનજાતિના અને અનુસૂચિત જાતિના લોકો જ મહદઅંશે બન્યા હશે તેવું માન્યામાં ન આવે, પરંતુ આવુ જ બન્યું. વામપંથીએ ફેલાવેલા છદ્મવંશી ભ્રમણાઓના કારણે એની ચર્ચા જ થતી ન હતી. આ કડવું નગ્ન સત્ય વાસ્તવમાં આ વિદ્રોહનો રાક્ષસી ક્રૂર ચહેરો છતો કરે છે. સામાજિક અને આર્થિક ન્યાયના નામે આચરવામાં આવેલા આ વિદ્રોહની હિંસાનો શિકાર કોણ થયું ? માર્ક્સવાદી પાર્ટીના જ એક પુસ્તક અનુસાર ૧૯૮૪થી ૮૯ સુધીમાં નક્સલો દ્વારા મારી નાંખવામાં આવેલા ૭૯ લોકોમાં ૩૦ અનુસૂચિત જાતિના લોકો છે. ૧૯૯૦માં આંધ્ર પ્રદેશમાં નક્સલો દ્વારા મારી નાખવામાં આવેલા ૧૫૧ લોકોમાં ૧૦૨ અનુસૂચિત જાતિના અને અન્ય નબળા વર્ગના લોકો છે. ૧૯૯૧માં ૨૬૪માંથી ૨૦૬ નબળા વર્ગના લોકો છે.
 
આજે પણ છૂટપૂટ નક્સલવાદી રક્તરંજિત ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓને નવેસરથી શરૂ કરવાની કોશિશ ક્યારેક માથું ઉંચકતી જોવા મળી જાય છે. અગાઉ તેનાં એપીસેન્ટર વનાંચલોમાં રહેતાં હતાં તે હવે ‘અર્બન-નક્સલો’ના માધ્યમથી મોટાં શહેરોમાં ફેરવાયાં છે. અર્બન નક્સલોના બહુચર્ચિત ચહેરાઓ વર્તમાન કેન્દ્રીય ગૃહ વિભાગના રડાર પર હોઈ હમણાં એકંદરે શાંતિ છવાયેલી લાગે છે, છતાં શત્રુ-દેશોની ભૂમિ પર ઘડાતી યોજનાઓથી સતત સાવધાની અનિવાર્ય છે. કારણ કે આ અર્બન-નક્સલો, એ દેશના બુદ્ધિજીવીના લેબલ નીચે વિદેશના ઈશારે ગુપ્ત યોજનાઓ લઈને ચૂપચાપ કામ કરનારા ભણેલા-ગણેલા ગદ્દારો છે, આની ચર્ચા વળી ક્યારેક વિગતે કરીશું.
 
ઉપરના આખું ઘટનાચક્ર જોતાં ભારત વિરુદ્ધની ભૂમિકા ભજવનારા બે પ્રકારના લોકો છે..
 
(૧) ચીન કહો કે ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટી કહો. (૨) આખા વિદ્રોહને ઘડી કાઢનારા, ચીન અને ભારત વચ્ચેનું તંત્ર ગોઠવનારા અને પોતાની શક્તિ વધે ત્યારે સમિતિરૂપે ખૂલ્લમ ખૂલ્લે વિદ્રોહી તરીકે જાહેર થનારા બુદ્ધિજીવીઓ.
 
આ બુદ્ધિજીવીઓને સમજી શકીશું તો ચીન અને ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટી તો એમને એમ જ સમજાઈ જશે.
 
અંતે એક પ્રશ્ન પૂછી લઉં..
 
‘ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)’ ચીનની આ એક રાજકીય પાર્ટી (પક્ષ)નું નામ કાને પડે ત્યારે મનમાં સૌ પ્રથમ શું વિચાર પ્રગટે?
 
‘પાર્ટી (પક્ષ)’ શબ્દ સાંભળતાની સાથે જ ત્યાં આ એક પાર્ટી અને પેલી તેની વિરુદ્ધની બીજી પાર્ટી -એમ કમસે કમ બે પાર્ટીઓ(પક્ષો) તો હોવાની જ. -આવું કોઈના પણ મનમાં એકદમ સ્વાભાવિકપણે આવે.
 
ના.. પણ એવું નથી. કારણ કે.. આ તો ચાઈના છે. ત્યાં જે ગણો તે આ એક જ પાર્ટી છે. તોયે નખશિખ લોકતંત્રની શબ્દાવલિવાળા પવિત્ર ‘પાર્ટી(પક્ષ)’ શબ્દનો બખૂબી ઉપયોગ કરીને આ વામપંથીઓ ક્રૂર સરમુખત્યારશાહી ચલાવી રહ્યા છે.
અને તોયે આ શબ્દોના સોદાગરોએ વિમર્શ (નેરેટિવ) કેવો ઉભો કર્યો છે? ‘વામપંથી એટલે લિબરલ!’ બાપ રે! કેવડો મોટો ભાષાનો ભ્રષ્ટાચાર. એક જ રાજકીય ‘પાર્ટી (પક્ષ)’ હોય ત્યાં વળી ‘લિબરલ’ કેવું? નરી તાનાશાહીમાંય સાલું આ ‘લિબરલ’ હાંકે રાખ્યું.. રણમાં વહાણની જેમ! હા, છતાંય વામપંથીઓ સહેજે લજવાયા વિના પોતાની જાતને છાતી ઠોકી ઠોકીને ‘લિબરલ’ કહે..!
 
આ વામપંથીઓની, કોમ્યુનિસ્ટોની ‘શબ્દજાળ’ને જો સમજવાની ખરેખરી દાનત હોય તો દુનિયા જેને માટે સાવ ડફોળ ગણે છે તેને પણ સમજાઈ જાય તેવી આ સાવ સટિક વાત છે.
 
છતાં જુઓને.. એકપણ અપવાદ વિના દુનિયાના તમામે તમામ બુદ્ધિજીવીઓ પણ પૂરા આત્મવિશ્ર્વાસ સાથે આ તાનાશાહોને ‘લિબરલ’ જ કહે!, કારણ કે તેઓ બુદ્ધિજીવીઓ છે, બુદ્ધિ પર જીવનારા છે, બુદ્ધિ વેચીને જીવનારા છે.. રૂપજીવી શબ્દના અર્થથી સૌ વાકેફ છીએ. બસ એજ અર્થમાં આ બુદ્ધિજીવીઓ! બુદ્ધિજીવીઓથી સાવધાન!
 
ઘોર રાત્રિ પૂર્ણ થતાં હવે ભારતની ઋષિપ્રજ્ઞા ઉદિત થઈ ચૂકી છે. ‘ભા’ એટલે પ્રકાશ, આમ.. ‘ભા’માં રત એટલે ભારત. અમૃતકાળના પ્રારંભે સમર્થ પ્રબુદ્ધજનોની જ્ઞાનજ્યોતિએ ઝળહળી ઉઠેલા દિવ્ય પ્રકાશથી આ બુદ્ધિજીવીઓએ, છદ્મવેશીઓએ ફેલાવેલા તમસની વિદાય નિશ્ચિત છે. तमसो मा ज्योतिर्गमय ।
 
 - ભાનુ ચૌહાણ
 (ક્રમશઃ)
 
અન્ય લેખો । વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ 
 
 
 
 
 
Powered By Sangraha 9.0