Stambheshwar Mahadev temple story | અહી આવેલ શિવનું મંદિર છે અનોખુ, દિવસમાં બે વાર થઈ જાય છે અદ્રશ્ય | સ્તંભેશ્વર મંદિરમાં થાય છે શિવજીની પૂજા | શિવ પુત્ર કાર્તિકેય દ્વારા સથપાયેલ આ મંદિર છે અનોખુ | મહિસાગર નદીના સંગમતીર્થે આવેલું છે શિવનું અનોખુ મંદિર | આ મંદિર દર્શનાર્થીઓને કરે છે ચિઠ્ઠીનું વિતરણ
Stambheshwar Mahadev temple story | વડોદરાથી 85 કિમીના અંતરે આવેલ જંબૂસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં ભગવાન શિવનું એક ખૂબ જ ચમત્કારીક મંદિર આવેલું છે. આ મંદિરને લોકો સ્તંભેશ્વર નામે ઓળખે છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ મંદિર દિવસમાં બે વાર અદ્રશ્ય થઈ જાય છે. જે એક ચમત્કારથી ઓછુ નથી. લોકો મોટી સંખ્યામાં આ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા આવે છે. આ લેખમાં આજે આપણે આ અનોખા મંદિર વિશે જાણીશું..
મંદિર અદ્રશ્ય કેમ થાય છે?!
સ્તંભેશ્વર મંદિર અરબસાગરના કેમ્બેટ કિનારે આવેલું છે. કહેવાય છે કે આ મંદિર સવારે અને સાંજે એમ બે વાર અદ્રશ્ય થઈ જાય છે અને થોડી વાર પછી ફરી પ્રગટ પણ થાય છે. મંદિરના આ ચમત્કાર પાછળનું કારણ ભરતી છે. સમુદ્રમાં જ્યારે ભરતી આવે છે ત્યારે સમગ્ર મંદિર જળમગ્ન થઈ જાય છે. અને થોડી વાર પછી ફરી મંદિર દ્રશ્યમાન થાય છે. આ પ્રક્રિયાથી એવું લાગે છેકે જાણે સમુદ્ર દેવ ખુદ મંદિરનો જળાભિષેક કરવા આવ્યા હોય.
150 વર્ષ જૂનું છે આ મંદિર
સ્તંભેશ્વર મંદિરની વાત કરવામાં આવે તો તે 150 વર્ષ જૂનું મંદિર છે. જેમાં ભગવાન શિવ બિરાજમાન છે. મંદિરમાં રહેલ શિવલિંગની ઉંચાઈ 4 ફૂટ છે. જ્યારે તેનો વ્યાસ 2 ફૂટ છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.
શ્રદ્ધાળુઓ માટે ચિઠ્ઠી વિતરણ
કયારેય કયાંય સાંભળ્યુ છે કે કોઈ મંદિરમાં દર્શન માટે ચિઠ્ઠી વેંચવામાં આવે છે. પરંતુ ગુજરાતના આ મંદિરમાં શ્રદ્ધાળુઓને ચિઠ્ઠી આપવામાં આવે છે. જેમાં ભરતીનો સમય લખેલો હોય છે. જે શ્રદ્ધાળુની ચિઠ્ઠીમાં ભરતીનો સમય આવે છે તે દર્શન માટે જતો નથી. કારણ કે આ સમયે સમગ્ર મંદિર જળમગ્ન હોવાથી પાણી સિવાય. કંઈ જ જોવા મળતુ નથી. તેમજ ભરતી સમયે શ્રદ્ધાળુને કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં લઈ તે સમયે કોઈ ને પણ જવા દેવામાં આવતા નથી. આ મદિર ગુપ્ત તીર્થ તથા સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે.
મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા
આ મંદિર સાથે એક પૌરાણિક કથા સંકળાયેલી છે. શિવપુરાણ અનુસાર તાડકાસુર નામના અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી પ્રસન્ન કર્યા હતા. ત્યારે તેની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા હતા અને તેને વરદાન માંગવા કહ્યું હતુ. ત્યારે તાડકાસુરે વરદાન માંગ્યુ કે તેને છ દિવસની આયુષ્ય વાળો શિવજીનો પુત્ર જ મારી શકશે. ત્યારે શિવે તેને આ વરદાન આપી દીધુ, વરદાન મળતા જ તાડકાસુરે આતંક મચાવાનું શરૂ કરી દીધુ.
તાડકાસુરે વરદાન મળતા જ ઋષિ મુનિઓને હેરાન કરવાનું શરૂ કરી દીધુ. જેનાથી ત્રાહિમા પોકારી ગયેલા ઋષિ મુનિઓએ શિવજી પાસે તેનો વધ કરવાની પ્રાર્થના કરી. તેમની અરજ સાંભળી શિવ-શક્તિ દ્વારા શ્વેત કુંડમાં કાર્તિકેયનો જન્મ થયો. શ્વેતકુંડમાં ઉત્પન્ન થયેલા શિવ પુત્ર કાર્તિકેયના 6 મસ્તક, ચાર આંખ, બાર હાથ હતા. કાર્તિકેયે માત્ર છ દિવસના આયુષ્યમાં તાડકાસુરનો વધ કર્યો હતો.
જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તાડકાસુર ભગવાન શંકરનો ભક્ત હતો, તેઓ ખૂબ દુઃખી થયા. તેમની આ વ્યથા જોઈ ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને વધ સ્થળે શિવલાય બનાવાનું સૂચન આપ્યું. તેનાથી તેમના મનને શાંતિ થશે. ત્યાર બાદ બધા દેવતાઓએ મળીને મહિસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થપના કરી, જેને આજે સ્તંભેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે મંદિરમાં ભગવાન શિવશંભુ બિરાજમાન છે, તેથી જ સમુદ્ર દેવતા તેમનો જળાભિષેક કરવા આવે છે. આ જ સ્થળે મહિસાગર નદી સાગર સાથે મળે છે.
કઈ રીતે જવું । How to Reach
ગુજરાતમાં આવેલ આ મંદિરે જવા માટે હવાઈ માર્ગ, સડક માર્ગ અને રેલ માર્ગ ત્રણેય ઉપલબ્ધ છે. અહીં તમે સરળતાથી પહોંચી શકો છો
હવાઈ માર્ગઃ હવાઈ માર્ગે સ્તંભેશ્વર જવા માટે તમારે વડોદરા એરપોર્ટે ઉતરવું પડે. ત્યાંથી તમે પ્રાઈવેટ વાહન કરી જઈ શકો છો
રેલ માર્ગઃ રેલ માર્ગથી જવા માટે પણ તમારે વડોદરા રેલ્વે સ્ટેશન ઉતરવું પડે. તે સ્તંભેશ્વરની નજીકનુ રેલ્વે સ્ટેશન છે.
સડક માર્ગઃ સડક માર્ગથી જવા માટે સારી એવી સુવિધા ઉપલબ્ધ છે.. સડક માર્ગે તમે ગાંધીનગરથી પણ જઈ શકો છો. તે ઉપરાંત ભરૂચ અને વડોદરાથી પણ તમે રાજય પરિવહન સેવા દ્વારા આ મંદિરે પહોંચી શકો છો.
- મોનાલી ગજ્જર