શ્રી મુક્તેશ્વર મંદિર । 10મી સદીનું આ મંદિર તેના સુંદર નક્શીકામ અને ઉત્કૃષ્ટ શિલ્પકલા માટે પ્રસિદ્ધ છે.

શ્રી મુક્તેશ્વર મંદિર ઓરિસ્સા રાજ્યના ભુવનેશ્વર શહેરમાં આવેલું એક પ્રાચીન હિન્દુ મંદિર છે. ભુવનેશ્વર શહેરનું આ સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે. પ્રવાસનની દ્રષ્ટિએ પણ આ સૌથી લોકપ્રિય મંદિર છે. આવો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા તથા મંદિરની અદભુત વાસ્તુકલા વિશે જાણીએ

    02-Jan-2023
કુલ દૃશ્યો |

Mukteshvara temple
 
 
 
મુક્તેશ્વરમાં આવેલું છે સફેદ શિવલિંગ | આ મંદિરમાં રહેલ કુંડમાં ડુબકી મારવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે | અહીં મળે છે સંતાન પ્રાપ્તિનું સુખ | મંદિરોના શહેર ભુવેશ્વરમાં આવેલું આ મંદિર આપે છે સંતાન પ્રાપ્તિનું સુખ
 
 
 
ઓરિસ્સામાં ૭૦૦ કરતા વધારે મંદિરો છે અને એટલે જ ઓરિસ્સાને "Land of Temple" મંદિરની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ઓરિસ્સાના ભૂવનેશ્વરને પણ મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. ભુવનેશ્વરના ખૂર્દ જિલ્લામાં મુક્તેશ્વર મંદિર આવેલું છે. મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર પોતાની સુદંર નક્શીકામ અને ઉત્કૃષ્ટ શિલ્પકલા માટે પ્રસિદ્ધ છે. મંદિર ઓરિસ્સામાં હિંદુ મંદિરોના વિકાસના અભ્યાસ માટે મહત્વનું સ્મારક છે. મુક્તેશ્વર મંદિર બે મંદિરોનો સમૂહ છે. (1) પરમેશ્વર મંદિર અને (2) મુક્તેશ્વર મંદિર.
 

મંદિરનો ઈતિહાસ | 1000 વર્ષ જૂનો છે

 
મુક્તેશ્વર મંદિરનું નિર્માણ ઇસ. 970ની આસપાસ સોમવંશી વંશના યયાતિ પ્રથમે કરાવ્યું હતુ. 10મી સદીનું આ મંદિર એક નાનકડા પહાડ પર આવેલું છે. મંદિર સુધી પહોંચવા લગભગ 100 પગથિયા ચઢવા પડે છે. આ મંદિરમાં ભગવાન શિવની સાથે બ્રહ્માજી,વિષ્ણુજી, દેવી પાર્વતી , હનુમાનજી અને નંદી પણ બિરાજમાન છે. આ મંદિરની ખાસિયત છે કે મંદિરનું શિવલિંગ સફેદ આરસના પથ્થર નું બનેલું છે જ્યારે યોનિ તાંબાથી બનેલ છે. કહેવાય છે કે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ તેના પછીના લિંગેશ્વર મંદિરના શિવલિંગ કરતા વધુ આકર્ષક છે.
 

ધાર્મિક મહત્વ । અનેરું છે...

 
મુક્તેશ્વરનો અર્થ છે- ‘સ્વતંત્રતાના ભગવાન’ (જન્મ અને મૃત્યુમાંથી).આ મંદિરમાં શિવની પૂજા થાય છે. શિક્ષણ કે ધ્યાનની મુદ્રામાં કંકાલ તપસ્વીઓની ઘણી મૂર્તિઓ જોઈ શકાય છે. મંદિર પરિસરના બહારની દિવાલ પર સરસ્વતી, ગણેશ અને લકુલીશા (તાંત્રિક શૈવવાદના પાશુપત સંપ્રદાયના સંસ્થાપક) જેવા હિંદુ દેવતાઓના ચિહ્નો છે.લકુલીશાના ઘણા ચિત્રો મંદિરમાં જોવા મળે છે. પરંપરા અનુસાર અશોકાષ્ટમી કાર ઉત્સવ પહેલાની રાતે મંદિર પરિસરમાં આવેલ મરાચી કુંડતળાવમાં ડૂબકી લગાડવાથી જે મહિલાઓને સંતાન નથી થતા તેમને પુત્ર પ્રાપ્તિ થાય છે. સાંજે આ ટાંકીનું પાણી લોકોમાં વહેંચવામાં આવે છે.
 
 

Mukteshvara temple 

વાસ્તુકલા । વિશિષ્ટ મંદિર શૈલીઓમાંથી એક છે...

 
મંદિરને વાસ્તુ કલાના કારણે ‘ઓરિસ્સાના રત્ન’ તરીકે ઓળખવામાં આવે છે. મુક્તેશ્વર મંદિર વાસ્તુકલાના પ્રાચીન અને આધુનીક કલિંગ સ્કુલ ઓફ આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. તે ઉપરાંત મંદિર નારગશૈલીને પણ રજૂ કરે છે. આ મંદિરમાં કરવામાં આવેલ ચિત્રકામ ઘણું જ ઉમદા છે. એક ચિત્રમાં સાધુઓ અને દોડતા વાંદરાઓને દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં રહેલ એક ચિત્રમાં પંચતંત્રની વાર્તા દર્શાવવામાં આવી છે. જે તેની ઉત્તમ કામગીરી દર્શાવે છે. મંદિરના દરવાજાની વાત કરીએ તો તે આર્ક શૈલીના છે. મંદિરના સ્તંભો પર પણ કોતરણી કામ કરવામાં આવ્યું છે. મંદિરનો પ્રવેશ દ્વાર (તોરણ) ખૂબ જ આકર્ષક છે તે ધનુષાકાર જેવું બનેલું છે. પ્રવેશ દ્વાર બૌદ્ધ વાસ્તુકલાની અસરને દર્શાવે છે. આ પ્રવેશ દ્વાર બે સ્તંભોથી સુસજ્જિત છે, જેમાં મોતી અને આભૂષણોથી સજ્જ હસતી મહિલાઓનું નકશીકામ કરેલ છે. મોર અને વાંદરાઓની નક્શીકામની સાથે તેને મહિલાઓવાળી મૂર્તિઓથી સજાવવામાં આવ્યા છે.આ મંદિરની જમણી બાજુ એક કુવો છે જેને મરાચી કુંડ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મરીચ કુંડમાં ડુબકી મારવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે. મંદિર 35 ફૂટ ઊંચી એક વિશાળ સંરચના છે મંદિરમાં એક પ્રવેશ દ્વાર કે તોરણ, વિમના અને એક જગમોહન (અગ્રણ્ય હોલ) છે. આ મંદિર પીથેડુલા શૈલીમાં નિર્મિત થનાર પ્રથમ મંદિર છે.પીથેડુલા શૈલી એટલે કે એવું બાંધકામ કે જેમાં ઈમારતનો આકાર ચોરસ છે, જેની છત પિરામિડ આકારની છે. આ શૈલી કલિંગ વાસ્તુકલાની વિશિષ્ટ મંદિર શૈલીઓમાંથી એક છે. જગમોહનની છત પિરામિડ શૈલીમાં છે.
 

Mukteshvara temple 
 
ભુવનેશ્વરનમા અન્ય મોટા મંદિરોની સરખામણીએ આ મંદિર નાનું છે. મંદિર એક અષ્ટકોણ પરિસર દિવાલથી ઘેરાયેલું છે જેના પર ઉમદા કોતરણી કામ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે આ મંદિરમાં નવી શૌલીનો પ્રયોગ તેના પહેલાની સરખામણીએ વધુ સારી રીતે કરી શકાયુ હતુ. જે પછી મંદિરોમાં આ પ્રકારની પેટર્નની શરૂઆત થઈ.
 
આંતરિક ગર્ભગૃહના દ્વાર પર ત્રણ ફેણ વાળા સાપની સાથે કેતુની છબી પણ છે. જેને સામાન્ય રીતે હિંદુ પૌરાણિક કથાઓમાં નવમો ગ્રહ કહેવામાં આવે છે.
 

મહોત્સવ । મુક્તેશ્વર નૃત્ય મહોત્સવ

 
મુક્તેશ્વર નૃત્ય મહોત્સવ આ મંદિરનો મુખ્ય મહોત્સવ છે. 3 દિવસ સુધી ચાલનાર આ મહોત્સવ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આવે છે. મોટાભાગે આ મહોત્સવને ‘ઓડિસી નૃત્ય’ તરીકે મનાવામાં આવે છે. મુક્તેશ્વર મંદિર ભુવનેશ્વરમાં આવેલ પ્રસિદ્ધ મંદિર છે. તેના દર્શાનાર્થે અનેક શ્રદ્ધાળુઓ વર્ષ દરમ્યાન તેની મુલાકાત લે છે. આ મંદિરની મુલાકાત સંતાન ઈચ્છતા દંપતી પણ લે છે.
 

કઈ રીતે જવું....

 
હવાઈ માર્ગ –
 
મુક્તેશ્વર મંદિર જવા માટે ભુવનેશ્વરના બીયુ પટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉતરી ત્યાંથી મંદિર જઈ શકાય છે. આ એરપોર્ટથી મંદિરનું અંતર 4.5 કિમી છે.
 
રેલ માર્ગ –
 
રેલ્વે દ્વારા જવું હોય તો તેની નજીકનુ સ્ટેશન ભુવેશ્વર છે જે મંદિરથી 4.4 કિમીના અંતરે આવેલું છે.
 
સડક માર્ગ- 
 
સડક માર્ગથી જવા માટે ઘણી સુવિધાઓ મળી રહે છે. તેમજ રાજ્યપરિવહન દ્વારા તે માટે બસ પણ છે.
 
 
- મોનાલી ગજ્જર