બસ આ જ છે -'કર્મનો સિદ્ધાંત' કર્ણએ માત્ર એક પાપ કર્યુ અને તેનું ખરાબ પરિણામ પણ મળ્યું! | law of karma by krishna in gujarati
આપણે કરેલું કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી. પછી એ કર્મ સારું હોય કે ખરાબ. જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે. આપણું કર્મ ફરી-ફરી એ જ સરનામે કોઈને કોઈ માધ્યમથી ચોક્કસ પરત ફરે જ છે. તો આવો જાણીએ શ્રી કૃષ્ણ કર્મ વિશે શું કહે છે?
મહાભારતનું યુદ્ધ પુરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં અને હિંડોળા પર આરામ કરી રહ્યા હતા ત્યારે પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને બોલ્યા- સ્વામી મારા મનમાં પાપ, પુણ્ય અને કર્મના સિધ્ધાંત અંગે અનેક શંકાના ભ્રમર ઉત્પન્ન થયા છે. જો તમારી આજ્ઞા હોય તો તેનું નિવારણ પૂછી શકું?
ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યાં- હે પ્રિયે નિઃસંદેહ પૂછો. તમારા મનમાં ચાલી રહેલા શંકાના વાદળો દૂર કરવા મારુ કર્તવ્ય છે. ત્યાર બાદ રુક્મિણીજી તેમની પાસે આવી બેઠા અને પુછ્યું- "હે સ્વામી, કર્ણનો શું દોષ હતો ?" એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી એવા કર્ણનો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું ! બધું જ જાણવા છતાં ઇન્દ્ર ભગવાનને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં... એવાં મહાન દાતાને ક્યા પાપે માર્યા ??
શ્રીકૃષ્ણ : મહારાણી રુક્મિણી ! જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો... અને સાવ મૃત્યુની સમીપ હતો ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ ! તેને શ્રદ્ધા હતી કે -દુશ્મન હોવાં છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે... પણ, પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું...અને એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો ! હે રુક્મિણી... આ એક જ 'પાપ' એનાં આખા જીવન દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા માટે પૂરતું હતું... અને કાળની અકળ ગતિ જુઓ કે -એ જ પાણીનાં ઝરણાંનાં કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું...અને તેનાં મૃત્યુનું કારણ બન્યું !! બસ આ જ છે -'કર્મનો સિદ્ધાંત' જેવું વાવો તેવું લણો.
અન્યાયની માત્ર એક જ પળ...જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે !
'' Do good things and good things will come your way ''
- પ્રિયંકા પટેલ