સંસ્કૃતિસુધા । અપના ઘર હો સ્વર્ગ સે સુંદર...

ઇન્કમટેક્ષવાળા રેડ પાડે ત્યારે કહેવાય કે ઘર ફૂટે ઘર જાય... રામના નામે પથ્થર તરે છે એ સાંભળેલું પણ વર્ષો પછી રામાયણ ફરી દર્શાવી દૂરદર્શન પણ તરી ગયું.

    ૨૩-જાન્યુઆરી-૨૦૨૩   
કુલ દૃશ્યો |

ghar and makan
 
 
મકાન બોલતાં બિલ્ડર અને ઘર બોલતાં પરિવાર યાદ આવે છે. ઘર માત્ર ચાર દીવાલથી નહીં પણ ચાર આંખોથી સર્જાય છે. જ્યાં ઈંટ અને ચૂના સાથે હૂંફનું પણ ચણતર થવું જોઈએ. પ્રવેશતાંની સાથે હૂંફાળી હાશનો અનુભવ થાય તો સમજવું કે તમારું ઘર છે. તમારે તાળું ખોલવું ન પડે કે ડોરબેલ મારવી ન પડે એ ઘરની તો મજા ઓર છે. મતલબ ઘરમાં બીજું કોઈ રહેતું હોય તો એ ઘર જીવંત લાગે. સાંજે આપણી પ્રતીક્ષા કરનારું કોઈ હોય તો ઘરે જવાનો ઉત્સાહ વધી જાય છે. સૌરાષ્ટ્રમાં જે ઘરમાં મહેમાન વધુ આવતા એની પ્રતિષ્ઠા વધુ ગણાતી. મહેમાન રાતવાસો કરે તો તો ઘરને ચાર ચાંદ લાગી જાય. પૂર્વાભિમુખ દ્વાર શુકનિયાળ હોય છે એના કરતાં પૂર્વ તરફ મુખ રાખીને કરેલા સવારના સૂર્ય નમસ્કાર વધુ શુકનિયાળ હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની ગોઠવણ ફાયદાકારક હોય છે એના કરતાં વસ્તુ પ્રમાણે ઘરની ગોઠવણ વધુ આંખને ગમે તેવી હોય છે. આજના સમયમાં તો આંગણે કાગડો બોલે તો ફડક બેસે છે. ચીનમાં તો કોઈના ઘરે જવાનો રિવાજ બહુ ઓછો છે. અતિ નિકટની વ્યક્તિ હોય તો જ ઘરે આવે, અને એ પણ જવલ્લે જ. જો કે આજના સમયમાં ગમે તેવી વ્યક્તિને ઘર બતાવવા જેવું નથી. દિગ્દર્શક એલી રોથની ‘નોક નોક’ અદ્ભુત ફિલ્મ છે, જેમાં અચાનક ઘરમાં આવેલા અજાણ્યા બે મહેમાન ઓચિંતા આક્રમણ અને ત્રાસથી બેરહેમ બદલો લઈ રહ્યા છે. એક વ્યક્તિ તૂટે છે ત્યારે ઘર આખું તૂટી જાય છે, એવો સુંદર સંદેશ મળે છે.
 
ઇન્કમટેક્ષવાળા રેડ પાડે ત્યારે કહેવાય કે ઘર ફૂટે ઘર જાય... રામના નામે પથ્થર તરે છે એ સાંભળેલું પણ વર્ષો પછી રામાયણ ફરી દર્શાવી દૂરદર્શન પણ તરી ગયું. વિભીષણ માટે કહેવાયું હતું...ઘરકા ભેદી લંકા ઢાયે. રામે પણ વચન ખાતર પોતાનું ઘર છોડ્યું અને વનવાસમાં જ ઘરવાસ બનાવ્યો. ‘અતિથિ તુમ કબ જાઓગે’ ફિલ્મમાં કે પછી જ્યોતીન્દ્ર હ. દવેના હાસ્યલેખમાં આવતા કેટલાક ચોટડુંક મહેમાનથી ઘરમાલિકની કફોડી સ્થિતિ થઈ જતી હોય છે. આ પ્રકારના મહેમાન આખી અતિથિપરંપરાને લજવે છે. એના પાપે ઘરે આવનારા બીજા સારા મહેમાનને પણ યોગ્ય સત્કાર નથી મળતો. દીકરો હોવા છતાં બાપને ઘરડાઘરમાં જવું પડે એ સમાજની કરુણતા છે. ‘યે ઘર બહુત હસીન હૈ’ કહેવા આપણે બેઝિક સુવિધા સાથે આસપાસ ગ્રીનરી છે કે નહીં એ મોટાભાગે જોતા નથી. બારી ખોલતાંની સામે જ વૃક્ષ દેખાય એ ઉત્તમ ઘર કહેવાય છે. જો કે ફલેટ કલ્ચરમાં આંગણું વિસરાઈ ગયું છે અને એના કારણે બાળકની ધમાચકડી પણ ક્યાંક ખોવાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વધુ સમય આપતા હોવાથી પરિવારના સભ્યો વચ્ચે દૂરી વધી રહી છે.
 
ટી.એસ. એલિયટ કહે છે કે Home is where one starts from. જે લોકોએ લોકડાઉનની લહેરમાં કોઈ ને કોઈ શોખ વિસ્તાર્યો છે એને કંટાળાનો કાટમાળ સ્પર્શી ન શકે. વર્ષો પહેલાં કુન્દનિકા કાપડિયાએ સ્ત્રી સંદર્ભે કરેલો પ્રશ્ર્ન આજે પણ વિચારતા કરી દે છે...કામ કરવા માટે પતિનું ઘર, આરામ કરવા માટે માનું ઘર, તો પછી પોતાનું ઘર કયું? હિન્દી ફિલ્મી ગીતોમાં પણ ગવાયું છે કે ‘અપના ઘર હો સ્વર્ગ સે સુંદર’. એ માટે એકમેકમાં સમજણની સુગંધ હોવી જોઈએ. ચિનુ મોદીના એકાંકી ‘હુકમ માલિક’માં એક વ્યક્તિ પર જીન પ્રસન્ન થાય છે. જીન કહે છે કે, હું દુનિયાની કહે તે વસ્તુ ઘરમાં હાજર કરી દઈશ. પણ ઘરની બહાર નીકળ્યો તો વાત ખતમ. આજે ઉંબર ડુંગર થઈ ગયા છે અને પાદર પરદેશ. સૂર્યભાનુ ગુપ્તની અદ્ભુત કવિતા ‘શામ કે વક્ત કભી ઘરમેં અકેલે ન રહો’ આજે યાદ આવે પણ એનું પાલન નથી કરી શકતા. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’માં મૃત બાળકના અવાજની ભ્રાંતિ હલબલાવી જાય છે. દરેકને ઘરનું સપનું હોય છે અને સપનાંનું ઘર હોય છે. ધરતીનો છેડો ઘર એમ ધરતીના છેડે ઘર હોય તો પણ માણસ પહોંચી જાય છે.
 
ગુસ્સો એ શક્તિ નથી, પણ શક્તિનો બગાડ છે - જેમ્સ એલન
 
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.