હેંગિંગ ટેમ્પલ જેનું પિલ્લર હવામાં લટકે છે...!! | આ મંદિરમાં આવેલી છે વિશ્વની સૌથી મોટી નંદીની મૂર્તિ | લેપાક્ષી મંદિરને હેંગિંગ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે | આંધ્રપ્રદેશનું આ મંદિર કહેવાય છે હેંગિગ ટેમ્પલ | આ મંદિરમાં કરી શકાય છે માતા સીતાના પદચિહ્નોના દર્શન | આ મંદિરમાં આવેલું છે હવામાં રહેતુ પિલ્લર
Lepakshi Temple - Hanging pillar temple | લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલુ છે. તેને વીરભદ્ર મંદિર પણ કહેવાયા છે. ભારતના પ્રસિદ્ધ અને રહસ્યમયી મંદિરોમાંથી એક એવું લેપાક્ષી મંદિર તેની વાસ્તુકલા અને હેંગિંગ પિલ્લરના કારણે વધુ પ્રસિદ્ધ છે. આ મંદિરન હેંગિગ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
માતા સીતાના પદચિહ્નો આ મંદિરની શોભામાં વધારો કરે છે. મંદિરમાં પ્રવેશતા જ ત્યાં રહેલ ચિત્રો પરથી વિજયનગર સામ્રાજ્યના ઈતિહાસની ઝાંખી જોવા મળે છે. સંગીતકારો અને સંતોની આકૃતિઓથી લઈને પાર્વતી અને ભગવાન શિવથી લઈને એ બધુ જોઈ શકાય છે જેમાં પુરાતાત્વિક અને કલાત્મક વૈભવનું આકર્ષણ છે. મંદિરનો સ્કંદ પુરાણમાં ‘દિવ્યક્ષેત્ર’ તરીકે ઉલ્લેખ થયેલો જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ભગવાન શિવનું મહત્વનું સ્થળ છે. લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશનું એવું મંદિર છે જે માત્ર તીર્થયાત્રીઓને જ નહી પણ ઇતિહાસપ્રેમીઓને પણ આકર્ષિત કરે છે.
કયાં આવેલું છે
લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના એક નાનાકડા ગામ લેપાક્ષીમાં આવેલુ છે. તે હિન્દુપુર શહેરથી 15 કિમી પૂર્વમાં તથા બેંગલુરુથી 120 કિમી ઉત્તરમાં આવેલું છે.
મંદિરને કુર્મસૈલાના વિશાળ પર્વતોની વચ્ચે શીલાને કટ કરીને ગ્રેનાઈટના પત્થરોથી બનાવામાં આવ્યુ છે.આ પર્વત એક કાચબાના આકારમાં છે. તેથી તેને કુર્મ સૈલા કે કુર્માસેલમના નામથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં કાચબાને કુર્મ કહેવામાં આવે છે.
મંદિરનું રહસ્ય
લેપાક્ષી મંદિરનું રહસ્ય ઘણું જ અજુગતુ છે અને તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. મંદિરના રહસ્ય સામે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં છે. આ મંદિરમાં 70 સ્તંભ છે જેમાંથી એક સ્તંભ કે પિલ્લર છત સાથે જોડાયેલ છે પરંતુ તે જમીનથી ઉંચે હવામાં છે. આ જ વાત લેપાક્ષી મંદિર માટે રહસ્ય સમાન છે. જે વિશ્વના પ્રવાસીઓને તે જોવા માટે આકર્ષિત કરે છે. બ્રિટિશ એન્જીનીયર હૈમિલ્ટન દ્વારા 1902માં સ્તંભને પોતાની મૂળ સ્થિતિથી હટાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેમાં તેને સફળતા મળી નહિ. ત્યાર પછી એ વાત સાબિત થઈ ગઈ કે આ પિલ્લર પર પણ અન્ય પિલ્લર જેટલો જ ભાર છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સાબિત કર્યુ છે કે આ સ્તંભનું નિર્માણ કોઈ ભૂલ નથી પરંતુ તેને જાણી જોઈને બનાવામાં આવેલ છે. જે આજે પણ તે સમયના નિર્માણકારો અને વાસ્તુકલાની પ્રતિભાને પ્રદર્શીત કરે છે.
આ મંદિરમાં જેટલા પણ દર્શાનાર્થીઓ આવે છે તેમના માટે હેંગિગ પલિર એક રહ્યસ્ય છે. આથી પિલરની ખરાઈ કરવા માટે દર્શાનાર્થીઓ પિલ્લરની નીચેથી પાતળુ કપડુ કે અન્ય કોઈ પાતળી વસ્તુ પસાર કરવાનો પ્રય્તન કરે છે. માન્યતા છે કે સ્તંભ નીચેથી કપડુ નીકાળવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.
ઈતિહાસ અને લોકકથા
જાણકારી માટે કે લેપાક્ષી નામના ઉદ્ભવ અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી. પરંતુ મંદિરના ઉદ્ભવ સાથે કેટલીક લોકવાયકાઓ જોડાયેલી છે. રામાયણ કાળમાં જ્યારે ભગવાન શ્રી રામ પોતાના ભાઈ લક્ષ્મણ તેમજ સીતા સાથે 14 વર્ષનો વનવાસ કાપી રહ્યા હતા. ત્યારે વનવાસના અંતિમ દિવસોમાં તે આ સ્થળે રોકાયા હતા. તે સમયે તેમની સુરક્ષામાં જટાયુ નામનું પક્ષી હતુ. રાવણ દ્વારા સીતાનું અપહરણ થતા જટાયુ સીતાને રાવણથી બચાવવા તેની સાથે યુદ્ધ કરે છે પરંતુ રાવણની શક્તિઓ સામે જટાયુ હારી જમીન પર પટકાય છે. ત્યારે શ્રીરામ જટાયુને વારંવારં લે પાક્ષી... લે પાક્ષી... કહી રહ્યા હતા. આ એક તેલુગુ ભાષાનો શબ્દ છે જેનો હિંદીમાં અર્થ ઉઠો પક્ષી એમ થાય છે.
લેપાક્ષી મંદિરનો ઈતિહાસ સતયુગ કાળનો છે. માન્યતા છેકે આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યુ હતુ. ત્યાર પછી રામાયણ કાળમાં વધુ બે શિવલિંગનું નિર્માણ કરી અહીં સ્થાપિત કરવામાં આવ્યા હતા.
કહેવાય છે કે તેમાંથી એક શિવલિગંની સ્થાપના ભગવાન શ્રી રામે જટાયુના અંતિમ સંસ્કાર પછી કરી હતી, જેને રામલિંગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા શિવલિંગની સ્થાપના ભક્ત હનુમાને કરી હતી.હનુમાન દ્વારા કરવામાં આવેલ શિવલિંગને હુનમાલિંગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સદીઓ સુધી ખુલ્લા આકાશ નીચે જ શિવલિંગ રહ્યા હોવાનું માનવામાં આવે છે.
16મી શતાબ્દીમાં વિજયનગર સામ્રાજ્ય દરમ્યાન બે ભાઈઓ વિરપુન્ના કે વિરન્ના એ આ વિશાળ મંદિરનું નિર્માણ કરાવ્યું. વિજયનગરના રાજાઓ દ્વારા આ મંદિરના નિર્માણમાં ખૂબ જ ખંતથી કરાવ્યુ હતુ. મંદિર નિર્માણ અંગે મળતી માહિતી અનુસાર વિજયનગરના રાજાઓએ કેટલીક રહસ્યમી શક્તિઓની મદદથી પણ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. કારણ કે મંદિરની નિર્માણ શૈલી, સંરચના, સ્થાપત્ય કલા તથા નક્શીકામ ઉત્કૃષ્ટ છે.
મંદિર નિર્માણની તિથિને લઈને અનેક મતમંતાતર જોવા મળ્યા છે કોઈ તેને 1518માં બનેલું માને છે. તો ઘણા તેને ઈ.સ. 1583માં થયુ હોવાનું માને છે. આ સિવાય પણ બીજા અન્ય મતો છે જે અલગ અલગ તિથિ બતાવે છે પરંતુ અંદાજે મંદિરનું નિર્માણ ઈસ 1520 થી 1585ની આસપાસ થયુ હોઈ શકે છે.
લેપાક્ષી મંદિરનો વીરભદ્ર સાથે સંબંધ
દક્ષ પ્રજાપતિ દ્વારા ભગવાન શિવનું અપમાન કરવા અને માતા સતીનો આત્મદાહ કર્યા બાદ ભગવાન શિવનું એક રુદ્ર રુપ પ્રગટ થયુ. જેને વીરભદ્ર નામથી ઓળખવામાં આવે છે. આ વીરભદ્રએ રાજા દક્ષનું ગળુ કાપી નાખ્યુ હતુ અને ચારે બાજુ ત્રાહિમામ માચાવી દીધો હતો.
તેના ઘણા વર્ષો પછી મહર્ષિ અગસ્ત્ય મુનિએ શિવજીના વીરભદ્ર રુપને સમર્પિત કરી એક વિશાળ શિવલિંગ તેમજ મંદિરનું નિર્માણ અહીં કરાવ્યુ. આ શિવલિંગની પાછળ સાત મોઢાવાળો વિશાળ નાગ પણ બિરાજમાન છે. આ ભારતનું સૌથી મોટુ શિવલિંગ છે જેને એક જ શિલામાંથી બનાવામાં આવ્યું છે. તેથી આ મંદિરને વીરભદ્ર મંદિર નામથી પણ ઓળખવામાં આવે છે.
લેપાક્ષી મંદિરનો માતા સીતા સાથે સંબંધ
મંદિરની અંદર રહસ્યમયી રીતે એક વિશાળ પગની છાપ છે. માન્યતા અનુસાર આ માતા સીતાના પગની છાપ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે રાવણ માતા સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી લંકા લઈ જઈ રહ્યો હતો અને જટાયુ ઘાયલ થઈ અહીં પડ્યો હતા, ત્યારે માતા સીતાએ શ્રી રામને સંદેશ આપવા માટે પોતાના પગની છાપ અહીં છોડી હતી.
વાસ્તુકલા । મંદિરમાં પ્રવેસ કરો એટલે તમે જોતા જ રહી જાવ!
લેપાક્ષી મંદિર વિજયનગર વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે જેને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એટલે કે મુખ મંડપ કે એસેમ્બલી હોલ, આર્ધામંડાપા એટલે કે ચેમ્બ અને અંતમાં ગર્ભગૃહ. અહીં તમને શિવલિંગ અને નંદીની વિશાળ મૂર્તિઓ જોવા મળશે જે એક જ શિલાને કાપીને બનાવામાં આવી છે.
ગર્ભગૃહના પ્રવેશ દ્વાર પર દેવી યમુના અને ગંગાની મૂર્તિઓ છે. જ્યારે બાહ્ય સ્તંભ સૌનિકો અને ઘોડાના નકશીકામથી સજેલી છે. ઓરડાના ઉત્તર-પૂર્વ ભાગમાં નટરાજ અને બ્રહ્માના ચિત્ર છે તે સાથે જ એક ઢોલકવાદ પણ છે. તેની આસપાસ નૃત્ય કરતી અપ્સરાઓનું નકશીકામ કરેલું જોઈ શકાય છે.
સ્તંભો અને દિવાલો પર દિવ્ય પ્રાણી, સંગીતકાર, નર્તકીઓ, સંત અને સંરક્ષણ ઉપરાંત શિવના 14 વિવિધ અવતારોનું નકશી કામ જોઈ શકાય છે. મંદિરની અંદર પૂર્વ દિશામાં ભગવાન શિવ અને પાર્વતીનું મંદિર છે. બીજા ઓરડામાં ભગવાન વિષ્ણુની છબી છે. જ્યારે મંદિરના ઉપરના ભાગમાં બંન્ને ભાઈઓ વિરુપન્ના અને વિરન્નાના પેઈન્ટિંગ છે.
નંદિની મૂર્તિ । વિશ્વની સૌથી મોટી નંદીની મૂર્તિ અહીં આવેલી છે...
મંદિરમાં પ્રવેશ કરતા જ નંદિની એક વિશાળ મૂર્તિના દર્શન થાય છે. તે મૂર્તિ મંદિરની બહાર મુખ્ય માર્ગ પર આવેલી છે. મૂર્તિને એક જ ગ્રેનાઈટ પથ્થરમાંથી બનાવામાં આવી છે. આ મૂર્તિ વિશ્વમાં સૌથી મોટી નંદીની મૂર્તિ છે. મૂર્તિની લંબાઈ 27 ફૂટ તેમજ ઉંચાઈ 15 ફૂટની આસપાસ છે.
મંદિરનો મુખ્ય મંડપ
મુખ્ય મંડપને રંગ મંડપ, સભા મંડપના નામથી પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ માટે ત્રણ દ્વાર છે. જેમાથી સૌથી વધુ ઉપયોગ આગળના દ્વારનો કરવામાં આવે છે. આ સિવાય એક દ્વાર સીધો સભા મંડપમાં ખુલે છે જે અંદરનો પૂર્વ દ્વાર છે.
મંદિરનું નાગલિંગ । વિશ્વનું સૌથી વિશાળ નાગલિંગ
અહીં આવેલ વિશાળકાય શિવલિંગને વિશ્વનું સૌથી વિશાળ નાગલિંગ છે. તે એટલું અદ્ભુત અને વિશાળ છે કે સમગ્ર વિશ્વમાંથી લોકો તેને જોવા આવે છે. આ શિવલિંગ એક પર્વત પર આવેલું છે જેને એક જ શિલામાંથી બનાવામાં આવ્યું છે. તેને સ્વંયભૂ શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.શિવલિંગની પાછ સાત મોંઢાવાળો વિશાળ શેષનાગ પણ બિરાજમાન છે જે તેને વધુ અદ્ભૂત બનાવે છે.
મંદિરનું નૃત્યુ મંડપ । ૭૦ સ્તંભો અહીં જોવા મળશે!
નૃત્ય મંડપનું નિર્માણ વિજયનગરના રાજાઓ દ્વારા ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ માટે કરાવામાં આવ્યુ હતુ. તે માનતા હતા કે ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહ આ સ્થળે જ થયાહતા અને ત્યારે દેવતાઓએ અહીં નૃત્ય કર્યુ હતુ. તેની યાદમાં નૃત્ય મંડપની ચારેબાજુ વિશાળકાય અને અદ્ભૂત નકશીકામવાળા 70 સ્તંભોનું નિર્માણ કરવામાં આવ્યુ જે તે ભવ્ય રૂપ પ્રદાન કરે છે. નૃત્ય મંડપને અંતરાલ કે અર્ધ મંડપ પણ કહેવામાં આવે છે કારણ કે તેનું નિર્માણ અધૂરુ રહી ગયુ હતુ.
લેપાક્ષી મંદિર સ્તંભ
આ સ્તંભો પર ભગવાન શિવના 14 અવતારોના ભીતચિત્રો બનેલા જોઈ શકાય છે. જેવા કે અર્ધનારીશ્વર, નટરાજ, હરિહર, ગૌરીપ્રસાદ, કલ્યાણસુંદર વગેરે . અર્ધ મંડપની છતને એશિયા મહાદ્વીપની સૌથી મોટી છત કહેવામાં આવે છે. તેનો આકાર 23 ×13 ફૂટ છે.
મંદિરની દિવાલો પર ભીંતચિત્રો અને નકશીકામ
મંદિરની દિવાલો પર અદ્ભૂત અને સુંદર નક્કશીકામ અને ભીંતચિત્રો જોઈ શકાય છે. તમે અહીં રામાયણકાળ થી લઈને મહાભારત કાળની દરેક ઘટનાઓનિ વિસ્તૃત રૂપ ભીતચિત્રોના રૂપમાં જોઈ શકો છો.
એટલું જ નહીં અહીં ભગવાન વિષ્ણુના બધા અવતારોના ચિત્ર, તે સમયની રહેણી કરણી, વેશભૂષા , સંસ્કૃતિ, સૌનિક-પશુ-પંખી, ઝાડ, દેવી દેવતા, સંત, સંગીતકાર , વાદ્યયંત્ર, નૃતકો,અપ્સરાઓ વગેરે અનેક ભીતચિત્રો જોવા મળે છે.
કઈ રીતે જવું | How To Reach?
આ મંદિર રાષ્ટ્રીય રાજમાર્ગ નં-7 પર આવેલ છે. જે આધ્રપ્રદેશ તેમજ કર્ણાટકને આંતરિક રીતે જોડે છે. લેપાક્ષી અનંતપુરમાં એક નાનું ગામ છે.
હવાઈ માર્ગઃ જો તમે હવાઈ માર્ગે જવા માંગો છો તો તેની નજીકનું એરપોર્ટ બેંગલોર છે.ત્યાંથી તમે બસ કે ખાનગી વાહન કરી જઈ શકો છો.
રેલમાર્ગઃ ટ્રનેથી તમે મંદિર જવા માંગો છોતો તેની નજીકની રેલ્વે સ્ટેશન હિન્દુપુર છે. જે લેપાક્ષી મંદિરથછી 10 થી 15 કિમીના અંતરે આવેલું છે.
સડક માર્ગઃ મંદિર બેંગલુર અને હૈદરાબાદ જેવા મોટા શહેરોની સાથે સારી રીતે જોડાયેલું છે. રાજ્ય પરિવહનની સારી એવી બસ સુવિધા કે ખાનગી વાહન કરી તમે મંદિર પહોંચી શકો છો.
- મોનાલી ગજ્જર