દરિયાની મધ્યમમાં આવેલું નિષ્કલંક મહાદેવ | જેના દર્શન માત્રથી કષ્ટો દૂર થઈ જાય છે...

Nishkalank Mahadev । ગુજરાતના ભાવનગરમાં કોળિયાક કિનારે ત્રણ કિમી અંદર અરબ સાગરમાં નિષ્કલંક મહાદેવનું પ્રસિદ્ધ શિવલિંગ આવેલું છે. આ તીર્થ સ્થળ એટલા માટે પણ પ્રસિદ્ધ છે કારણ કે આ સમગ્ર તીર્થ દરિયાની મધ્યમમાં આવેલું છે.

    ૩૧-જાન્યુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

Nishkalank Mahadev

Nishkalank Mahadev ।  નિષ્કલંક મહાદેવ 

 
# અહીં દર્શન માત્રથી પાપમાંથી મળે છે મુક્તિ
# ગુજરાતનું આ સ્થળ મોક્ષ પ્રાપ્તિ અને પોપોમાંથી મુક્તિ અપાવે છે
# પાંડવોને શિવે અહીં આપ્યા હતા શિવલિંગ સ્વરૂપે દર્શન
# શિવના ભક્તો માટે સમુદ્ર જાતે રસ્તો કરે છે દર્શન કરવા
# આ સ્થળ નિષ્કલંક મહાદેવના નામે પણ છે જાણીતુ
# ભાગવનગરના આ સ્થળે ભાદરવી અમાસનું છે ખાસ મહત્વ
# સાડા પાંચ હજાર વરસ જૂનું આ સ્થળ અપાવે છે કલંકમાંથી મુક્તિ
# અહીં મધ દરિયે બિરાજમાન છે શિવ
 
ગુજરાતના ભાવનગરમાં કોળિયાક કિનારે ત્રણ કિમી અંદર અરબ સાગરમાં નિષ્કલંક મહાદેવનું પ્રસિદ્ધ શિવલિંગ આવેલું છે. આ તીર્થ સ્થળ એટલા માટે પણ પ્રસિદ્ધ છે કારણ કે આ સમગ્ર તીર્થ દરિયાની મધ્યમમાં આવેલું છે. જ્યારે તમે મધ દરિયે નજર ફેરવો છો તો તમને ફક્ત શિવલિંગ પરની ધજાના જ દર્શન થાય છે. અહીં આવેલ મહાન શિવલિંગના દર્શન માટે દર્શનાર્થીએ પાણી ઉતરે તેની રાહ જોવી પડે છે. કહેવાય છે કે દર્શનાર્થીઓને દર્શન આપવા માટે દરિયો પોતે જગ્યા કરી આપે છે. પાણીની નીચે સમુદ્રમાં મહાદવેનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં શિવના પાંચ સ્વંયભૂ શિવલિંગ પણ છે. આ મંદિર સાથે પાંડવોની પણ કથા સંકળાયેલી છે . જેની આ લેખમાં ચર્ચા કરીશું અને જાણીશું કે શા માટે આ સ્થળને નિષ્કલંક મહાદેવ કે નકળંગ મહાદેવ કહેવામાં આવે છે.
 

Nishkalank Mahadev 
 
પાંડવો સાથે સંકળાયેલ છે આ તીર્થ
 
આ મંદિરનો સંબંધ મહાભારત સાથે સંકળાયેલો હોવાની માન્યતા છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોએ કૌરવોને મારીને યુદ્ધ પર વિજય મેળવ્યો હતો. પરંતુ યુદ્ધ સમાપ્ત થયા પછી પાંડવો તે જાણીને ખૂબ જ દુઃખી થયા કે તેમને સ્વજનોની હત્યાનું પાપ લાગ્યુ છે. આ પાપથી મુક્ત થવા પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મળે છે. તેમની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કાળી ગાય અને કાળો ધ્વજ આપ્યો. તેમજ પાંડવોને ગાયને અનુસરવાનો આદેશ આપ્યો. આ સાથે તેમણે પાંડવોને કહ્યું કે જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જાય ત્યારે સમજી જજો કે તમને પાપમાંથી મુક્તિ મળી ગઈ છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે જે સ્થળે આવું થાય ત્યાં તમે ભગવાન શિવની ઉપાસના કરજો.
 

Nishkalank Mahadev 
 
ભગવાન શ્રીકૃષ્ણની વાતને માની પાંડવો કાળી ધજા સાથે કાળી ગાયને અનુસરવા લાગ્યા. આ ક્રમમાં તેઓ ઘણા દિવસો સુધી અલગ અલગ સ્થળે ગયા પરંતુ ગાય અને ધ્વજાનો રંગ બદલાયો નહિ.પરંતુ જ્યારે તે વર્તમાન ગુજરાતના કોળિયાક કિનારે પહોંચ્યા તો ગાય અને ધ્વજનો રંગ સફેદ થઈ ગયો.
 
તેવું થતા જ પાંડવો આ સ્થળે રોકાઈ ગયા અને ભગવાન ભોલાનાથની તપસ્યા કરવા લાગ્યા.તેમની તપસ્યાથી ખુશ થઈ ભગવાન શિવે તેમને લિંગ સ્વરૂપે અલગ અલગ દર્શન આપ્યા. તે પાંચ શિવલિંગ આજે પણ ત્યા સ્થિત છે. આ પાંચેય શિવલિંગોની સામે નંદીની પ્રતિમા પણ છે. પાંચેય શિવલિંગ એક વર્ગાકાર ચબૂતરા પર સ્થિત છે તથા તે કોળિયાક કિનારાથી પૂર્વની તરફ 3 કિમી અંદર અરબ સાગરમાં આવેલ છે.
 
પાંડવોના નામે તળાવ
 
આ તો વાત થઈ પાંચ શિવલિંગોની પણ અહીં એક તળાવ પણ આવેલું છે. જેને પાંડવ તળાવ પણ કહેવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પહેલા અહીં પોતાના હાથ અને પગ ધોવે છે અને પછી શિવલિંગોની પૂજા અર્ચના કરે છે.
 
ભાદરવા મહિનાની અમાસે ભરાય છે ભાદરવી મેળો
 
આમ તો શિવના સ્થળે આખુ વર્ષ શ્રદ્ધાળુઓ આવતા રહે છે. પરંતુ અહીં ભરાતો ભાદરવી અમાસનો મહિમા જ અલગ છે. આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે.
 

Nishkalank Mahadev 
 
વાર્ષિક મુખ્ય મેળો ભાવનગર નરેશના વંશજો દ્વારા મંદિરની ધજાને ફરકાવાથી થાય છે. આ ધજા આવનાર એક વર્ષ સુધી શિવલિંગ પર રહે છે. એક આશ્ચર્યની વાત એ પણ છે કે આ ધજા આખુ વરસ સમુદ્રમાં હોવા છતાં તેને કોઈ જ પ્રકારનું નુકશાન થતુ નથી.
 
મંદિરના મહંત ગોસ્વામી પ્રતાપગિરિ જીવનગિરી એ આપેલી માહિતી અનુસાર મંદિરનો ઈતિહાસ સાડા પાંચ હજાર વર્ષ જૂનો છે. અહીં દરરોજ સમુદ્રની લહેરો ભગવાનનો અભિષેક કરે છે. આ મંદિર 24 કલાકમાંથી અંદાજે અડધો દિવસ સમુદ્રની અંદર ડૂબેલું રહે છે અને અડધો દિવસ બહાર રહે છે. પૂનમ કે અમાસ હોય ત્યારે સવારે 7.30 થી બપોરે 12.30 સુધી અને રાતે 7.30 થી 12.30 સુધી ભગવાનના દર્શન કરી શકાય છે. મહાશિવરાત્રિએ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
 

Nishkalank Mahadev 
 
નિષ્કલંક મહાદેવ શા માટે કહેવાય છે?
 
શિવના આ સ્થળને નકળંગ મહાદેવની સાથે નિષ્કલંક મહાદેવ પણ કહેવામાં આવે છે. તે માટેનું કારણ ફક્ત એક જ છે કે આ સ્થળ પર આવી પાંડવોને પોતોના સ્વજનોની હત્યાના કલંકથી મુક્તિ મળી હતી. તેથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ પણ કહે છે. એવું પણ કહેવાય છે કે અહીં દર્શન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. લોકો પોતાના સ્વજનોની મોક્ષ પ્રાપ્તિ માટે પણ અહીં આવે છે.
 
કઈ રીતે પહોંચવું
 
આ શિવલિંગના દર્શન કરવા માટે જવા ઈચ્છતા હોવ તો હવાઈ માર્ગ, રેલ માર્ગ અને સડક માર્ગની સુવિધા ઉપલબ્ધ છે.
 
હવાઈ માર્ગઃ જો તમે હવાઈ માર્ગે અહીં પહોંચવા માંગતા હોવ તો તમારી જાણકારી માટે કે ભાવનગર એરપોર્ટ નકળંગ મહાદેવની નજીકનું એરપોર્ટ છે. ભાવનગર એરપોર્ટ તેનાથી 3.5 કિમીના અંતરે આવેલું છે.
 
રેલ માર્ગઃ અહીં તમે રેલ માર્ગ દ્વારા પણ પહોંચી શકો છો. ભાવનગર રેલ્વે સ્ટેશન નજીકનું સ્ટેશન છે.
 
સડક માર્ગઃ રાજ્ય પરિવહનની સારી એવી બસ સેવા ઉપસ્થિત છે. ભાદરવી અમાસ માટે ભાવનગરથી સારી એવી બસ સેવા મળી રહે છે. તે ઉપરાંત આડા દિવસે પણ બસો મળી રહે છે.
 
- મોનાલી ગજ્જર